Sunday, June 30, 2019

આપણો જિલ્લો, આપણું વતન અરવલ્લી, ભાગ -22


      "આપણા વડવાઓએ આપેલ અણમોલ વારસો, આપણાં તળાવો"



               એકાદ દશક પછી એક આખી પેઢી ભારતમાંથી લુપ્ત થઈ જશે જે ગર્વથી કહી શકે છે કે તેઓએ પોતાનું બાળપણ ગામના પાદરે આવેલ તળાવમાં ધુબાકા મારી મસ્તીથી પસાર કર્યું છે. વર્ષો પહેલા અરવલ્લી જિલ્લાના ગામે-ગામ તળાવની સંસ્કૃતિ જીવંત હતી. તળાવનો તટ માનવ વસ્તી અને પશુ પંખીઓથી ભર્યો ભર્યો રહેતો. કોઈ ગામ એવું ન હતું જ્યાં તળાવ ન હોય. પહેલાના સમયમાં ગામનું અને સીમનું વરસાદી પાણી તળાવમાં એકત્રિત કરવાની અલાયદી વ્યવસ્થા ઊભી કરવામાં આવતી. જેના પરિણામે આ તળાવ બારેમાસ પાણીથી છલોછલ રહેતું. અને ગામના લોકો અને પશુઓ બારેમાસ આ તળાવના પાણી પર આધારિત રહેતા. ગામતળ કે સીમ વિસ્તારમાં પાણી થી છલોછલ તળાવ હોવાના કારણે પાણીના તળ ઘણાં ઊંચા હતાં. કૂવા ના પાણી ખૂટતાં નહીં. 
             ભારતભરમાં "વૉટર ગુરુ" તરીકે વિખ્યાત થયેલા અનુપમ મિશ્રાએ પોતાનું સમસ્ત જીવન જળ સંચય અભિયાન અને પર્યાવરણ માટે ખર્ચી નાખ્યું. ભારતના તળાવ સંસ્કૃતિનો તલસ્પર્શી અભ્યાસ કરી તેઓએ એક સુંદર પુસ્તક લખ્યું છે "આજ ભી ખરે હૈ તાલાબ " (Ponds Are Still Relevant, 1993) ભારતના તળાવોનો અભ્યાસ કરી તૈયાર કરાયેલા સુંદર પુસ્તક નો બ્રેઈલ સહિત 15 ભાષાઓમાં અનુવાદ કરવામાં આવેલ. તેઓના લખાણો કોપીરાઇટ્સ મુક્ત છે. તેઓ પુસ્તક થકી જણાવે છે કે "ભારતવર્ષમાં અગાઉના સમયમાં કોઇ ગામ નદી, તળાવ વગરનું ન હતું. સૌરાષ્ટ્રમાં 20,000, કચ્છમાં 650, ઉત્તર ગુજરાતમાં 2500 અને મધ્ય ગુજરાતના 900જેટલા ગામોમાં તળાવો આવેલા છે. જાળવણીના અભાવે આ તળાવો માટી-કાંપથી પૂરાતા જાય છે. ગુજરાતના જાણીતા તળાવોની યાદી જોઇએ તો કડીનું થોર, ધોળકાનું મલાવ, વિરમગામનું મુનસર, સિદ્ઘપુરનું બિંદુ, ગોધરાનું રામસાગર, હાલોલનું યમુના, દાહોદનું છાબ, ભાવનગરનું બોર, આજવાનું સયાજી, વડોદરાનું સુરસાગર, ડાકોરનું ગોમતી, રાજકોટનું લાલપરી, જામનગરનું લાખોટા(રણમલ) અને ભુજનું હમીરસર જેવા તળાવો આજે પણ જળસંસ્કૃતિની ધરોહર સાચવી રહ્યા છે. કેટલાક તળાવોનું પાણી આજે પણ પીવાના પાણી તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. તળાવોનું સાંસ્કૃતિક મહત્વછે.
           પહેલાના જમાનામાં અષાઢ મહિનાના પહેલા દિવસથી ભાદરવાના છેલ્લા દિવસ સુધીમાં દેશભરના લાખો  તળાવો વરસાદી પાણીથી ભરાઇ જતાં હતાં અને આખુ વર્ષ પાણીની જરૂરિયાત પૂરી પાડતાં હતા. આ તળાવો ગળાવવા, દર વર્ષે તેમાંથી કાંપ-ગાળ કાઢી સફાઇ કરવી, તેની સાર સંભાળ રાખવી જેવી પ્રવૃતિઓ કરવામાં આવતી હતી. આવા કાર્યો કરનારાઓની સમાજમાં કિર્તી વધતી. તળાવ ખોદી માટી અને કાંપ ખેતરોમાં ભરવામાં આવતાં . જેથી જમીનની ફળદ્રુપતા પણ જળવાઈ રહેતી. જળ સ્રોતોનું જતન કરવું પુણ્યનું કામ માનવામાં આવતું. પ.પૂ. પાંડુરંગ શાસ્ત્રી આઠવલેજી પ્રેરિત સ્વાધ્યાય પરિવારે આ પ્રવૃત્તિને ભક્તિ સાથે જોડી ગામે ગામના તળાવ ઊંડા કરવા લોકો ને પ્રેરિત કર્યા. સ્વાધ્યાય પરિવાર સાથે જોડાયેલા અનેક લોકો આ પ્રવૃત્તિમાં જોડાયા. શ્રમદાન થકી તળાવ ઊંડા કરવાની પ્રવૃત્તિને વેગ મળ્યો. પરિણામ સ્વરૂપે ઘણા ગામોમાં નવીન તળાવો નિર્માણ પામ્યા. 
                જિલ્લાના મુખ્ય મથક મોડાસામાં માલપુર રોડ ઉપર આવેલું ઓધરી તળાવ વર્ષો પહેલા પાણીથી ભરપૂર રહેતું. પહેલા તળાવમાં એક ઘોડેસવાર ઘોડાને પાણી પાવા જતાં ઘોડા સહિત દુુબી મરેલાં. એટલું એમાં પાણી હતું. એક સમયે આ તળાવ જાળવણીના અભાવે સાવ સુક્કુંભઠ્ઠ બની ગયું હતું. આજે આ તળાવની મોડાસા નગરપાલિકા એ કાયાપલટ કરી છે. અને નયનરમ્ય તળાવનું રૂપ બક્ષ્યું છે. આ ઓધારી તળાવ હાલ મોડાસાની શોભા વધારી રહ્યું છે. વહેલી સવારે અને સંધ્યા કાળે નગરજનો આ તળાવની પાળે અચૂક લટાર મારવા નીકળી પડે છે . મોડાસા તાલુકાના લીંબોઈ ગામનું વિશાળ તળાવ નયન રમ્ય છે. બાયડ તાલુકાના સાઠંબા ગામે આવેલ ખાંડિયું તળાવ એક સમયે જેની જાહોજલાલી હતી. ધનસુરા એક વિશાળ તળાવની પાળ પર વિસ્તરેલું નગર છે. હાલ ગ્રામપંચાયત દ્વારા તેની કાયાપલટ કરવાનું ભગીરથ કાર્ય હાથ ધાર્યું છે. આકરુન્દ ગામે આવેલું વસેસર તળાવ એક સમયે બારેમાસ પાણીથી છલોછલ રહેતું. પ્રસિધ્ધ યાત્રાધામ ઈટાડી અંબાજીનું મંદિર પણ ગામની તળાવની પાળે આવેલું છે. 
              નર્મદા મુખ્ય નહેર આધારિત વાત્રક, માઝુમ અને મેશ્વો જળાશય તથા તળાવો ભરવા માટે પણ મથામણ આદરી છે. નર્મદાની મુખ્ય નહેર ની સાંકળ 153 કિલોમીટર ઉપર ઠાસરા તાલુકાના વાઘરોલી ગામથી આગળ પાઇપલાઇન કાઢીને તેના દ્વારા વાત્રક, માઝુમ અને મેશ્વો જળાશય અને અરવલ્લી જિલ્લાના તાલુકાઓના તળાવ ભરવા માટે ઉદવહન પાઇપલાઇન યોજના કાર્યરત છે. જેમાં ત્રણ જળાશયો ભરવાના કામને લગતા પાઇપલાઇનના તથા સંલગ્ન પંપીંગ સ્ટેશનના કામો પૂર્ણ થઈ ગયેલ છે. જ્યારે આપ લાઇનમાંથી લીક પાઇપલાઇન દ્વારા પથરેખાની બંને બાજુએ બે કિલોમીટર ની મર્યાદામાં આવતા તળાવો ભરવાનું કામ હાથ ધરવામાં આવી રહ્યું છે. જેના પગલે બાયડ, ધનસુરા, માલપુર અને મેઘરજ વગેરે તાલુકાના તળાવનો સમાવેશ થાય છે.
               આ યોજના અંતર્ગત કુલ 76 તળાવો ભરવાના થાય છે. જેમાં પેકેજ 1 માં વાઘરોલી થી જાલમપુર પંપીંગ સ્ટેશન સુધી કુલ ૨૫ તળાવો અને પેકેજ 2 માં જાલમપુર સ્ટેશનથી મેશ્વો જળાશય સુધી કુલ 51 તળાવ નો સમાવેશ થાય છે. આમ કુલ તળાવો પૈકી ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં 6 તળાવો, મહિસાગર જિલ્લાના વીરપુર તાલુકાના 2 તળાવો, બાલાસિનોર તાલુકામાં 11 તળાવો, અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના 16 તળાવ, માલપુર તાલુકાના 10 તળાવ, ભિલોડા તાલુકાનું 1 તળાવ અને મોડાસા તાલુકાના 30 તાલુકાઓનો સમાવેશ થાય છે. 
આ તળાવ ભરવાથી બાયડ, ધનસુરા, માલપુર ,મોડાસા અને ભિલોડા તાલુકાના આશરે 4000 હેક્ટર વિસ્તારમાં આડકતરો સિંચાઇનો લાભ મળનાર છે. 
           અરવલ્લી જિલ્લામાં જળશક્તિમાં વધારો થાય તે માટે સરકારની વિવિધ યોજનાઓ હેઠળ તળાવો ઉંડા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તે અંતર્ગત માલપુર તાલુકાના 70 તળાવનું ઊંડા કરવામાં આવ્યા છે. જેના થકી 270 હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળનાર છે. મેઘરજ તાલુકામાં 46 તળાવ ઊંડા કરવામાં આવેલ છે જેના થકી 460 હેક્ટર જમીનને સિંચાઇનો લાભ મળનાર છે ધનસુરા તાલુકાના 56 તળાવો ઊંડા કરવામાં આવી રહ્યા છે તે અંતર્ગત 560 હેક્ટર જમીનને સિંચાઇનો લાભ મળનાર છે મોડાસા તાલુકાના 81 તળાવો, બાયડ તાલુકાના 60 તળાવો, ભિલોડા તાલુકાના 49 તળાવો ઉંડા કરવાની કામગીરી હાથ ધરેલ છે. અરવલ્લી જિલ્લાના કુલ 319 તળાવો ઉંડા કરાતા કુલ 3190 હેક્ટર જમીનને સિંચાઇનો લાભ મળનાર છે. 
          આટ આટલી સિંચાઈ યોજનાઓ અમલમાં હોવા છતાં અરવલ્લી જિલ્લાની હજારો હેક્ટર જમીન શિયાળો - ઉનાળો પાણીના અભાવે પડતર પડી રહે છે. જળ સંચાયનું મૂલ્ય જોઈએ તેટલું આપણે સમજ્યા જ નથી. વારસામાં મળેલી તળાવોની સંસ્ક્રુતિ આપણે સાચવી શક્યા નથી. 
                વોટર મેનના નામથી પ્રખ્યાત અને મેગ્સેસ એવોર્ડ વિજેતા રાજેન્દ્ર સિંહએ જણાવે છે કે સમગ્ર દેશમાં કુલ દસ વર્ષ પહેલા 15000 જેટલી નદીઓ હતી. આ દરમિયાન 4500 જેટલી સુકાઈ ગઈ છે. તે માત્ર વરસાદના દિવસોમાં જ વહે છે. તેઓ જણાવે છે કે થોડા વર્ષ પહેલા તેમની ટીમે સમગ્ર દેશમાં એક સર્વે કર્યો હતો. તેમાં એ તારણ સામે આવ્યુ હતું કે આઝાદીથી લઇને અત્યાર સુધીમાં દેશમાં બે તૃતીયાંશ તળાવ, કૂવા, સરોવર, ઝરણાં વગેરે ખતમ થઈ ગયા છે. આઝાદીના સમયે દેશમાં છ લાખ ગામ હતા. અહીં દરેક ગામમાં સરેરાશ પાંચ જળ સંરચનાઓ હતી. એટલે કે સમગ્ર દેશમાં 30 લાખ જેટલા તળાવો હતા. આટલા વર્ષોમાં 20 લાખ સંરચનાઓ વર્ષોમાં સંપૂર્ણપણે સુકાઈ ગઈ છે. દેશમાં ભૂગર્ભ જળ પ્રતિવર્ષ ત્રણ મીટર નીચે જઈ રહ્યું છે.
             તારીખ 30 જૂનના રોજ દિવ્ય ભાસ્કરમાં છપાયેલા એક અહેવાલ પ્રમાણે સમગ્ર દેશમાં છેલ્લા દસ વર્ષમાં અંદાજે 30 ટકા નદીઓ સુકાઈ ગઈ છે. બીજી બાજુ છેલ્લા સિત્તેર વર્ષમાં 30 લાખમાંથી 20 લાખ તળાવ, કૂવા, સરોવર વગેરે સંપૂર્ણપણે સમાપ્ત થઈ ચૂક્યા છે. ગ્રાઉન્ડ વોટર ની સ્થિતિ પણ ખૂબ જ ખરાબ છે. જે દેશના અનેક રાજ્યોમાં કેટલીક જગ્યાએ 40 મીટર સુધી ગ્રાઉન્ડ વોટર લેવલ નીચે ગયું છે. તાજેતરમાં નીતિ આયોગના રિપોર્ટ પણ કહેવાયું છે કે જળ સંચય બાબતે આવી જ બેદરકારી રાખવામાં આવશે તો 2030 સુધી લગભગ 40 ટકા લોકોને પીવાનું શુદ્ધ પાણી પણ નસીબ નહીં થાય. 
          ભારતવર્ષની જળસંસ્કૃતિ વિશાળ હતી અને કદાચ આજે હજુ પણ છે, જરુર છે ફકત તેની જાળવણી કરવાની...!!!


લેખન - :ઈશ્વર પ્રજાપતિ 
(આપના પ્રતિભાવ નીચે આપેલ whatsapp નંબર પર લખી મોકલી શકો છો )
(98251 42620)

નોંધ:- મિત્રો બ્લોગની લિંક આપ શેર કરી શકો છો પરંતુ મિત્રો મારા બ્લોગના આર્ટિકલ્સને પોતાના નામે ચડાવી વાયરલ કરવાનો અવિવેક ન કરવા વિનંતી



Thursday, June 27, 2019

વ્યક્તિ વિશેષ : સુમતિબહેન રાવલ "સુગોરા"


સમાજને છ હજ્જાર શિક્ષિકાઓ ભેટ ધરનાર સુમતિબહેન રાવલ "સુગોરા"


             વિશ્વમંગલ થકી ગુજરાતને છ હજાર પ્રતિબદ્ધ  શિક્ષિકાઓ ભેટ ધરનાર "સુગોરા "    હવે સ્વર્ગમાં પણ વિશ્વમંગલ રચે તો આશ્ચર્ય પામવા જેવું નહીં લાગે... સુમતિબહેને બીજી જુલાઈના રોજ આપણા સહુ વચ્ચેથી ચીર વિદાય લઈ અનંત યાત્રાએ ચાલી નીકળ્યા. 
        ગાંધીવાદી વિચાર સરણીને વરેલ મહિલા સુમતિબેન રાવલને પહેલી નજરે  જોઇને કોઈને પણ ના લાગે કે આ મહિલાએ સાબરકાંઠા અરવલ્લી  જીલ્લ્લામાં શિક્ષણ અને કેળવણીની મજબુત કેડી કંડારી હશે!  આજે તેઓની શિક્ષણ સાધનાના  પ્રતાપે છ હજારથી વધુ મહિલાઓ શિક્ષકની નોકરી કરી ગર્વભેર અને સ્વમાનભેર જીવી રહી છે. સુમતિબેનના પ્રતાપે આજે હિમતનગરથી પાંચેક કિલોમીટરનાં અંતરે આવેલા હડીયોલ, ગઢોડા અને આકોદરા ગામ "શિક્ષકોની ખાંણ" તરીકે ગુજરાતમાં ખ્યાતિ પામ્યાં છે.
             સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લા પર સુમતીબેન રાવલનું બહુ મોટું ઋણ રહેલું છે. જે સમયે કન્યા કેળવણીનું મહત્વ જ નહોતું એ વખતે સુમતિબેને ઘરે ઘરે ફરીને દીકરીઓને ભણવવા માટેની હિમાયત કરેલી… વર્ષ ૧૯૫૯ થી સુમતિબેન રાવલ અને ગોવિંદભાઈ રાવલે આ વિસ્તારમાં વિશ્વમંગલમ સંસ્થા રૂપે શિક્ષણનો પાયો નાખ્યો. અને દીકરાઓના શિક્ષણની સાથે સાથે દીકરીઓને પણ શિક્ષણ અપાય તે માટેના પ્રયાસો શરુ કર્યા… 

             સુમતિબહેન ગોવિંદભાઈ રાવલ કહેતાં કે  "1959માં અહીં કન્યા કેળવણી શૂન્ય હતી. સ્ત્રીને વળી ભણતર શા કામનું?? લોકો રોકડું પરખાવે. વર્ષો લગી અમે ઘરે ઘરે ફર્યા. મા-બાપને ખૂબ સમજાવ્યા. ધીરે-ધીરે છોકરીઓ શાળામાં આવતી થઈ. પણ પછી તો ચમત્કાર થયો. આ પ્રદેશમાં ગામોમાં ભાગ્યે જ એવું ઘર કે હરિજન ખોડું હશે કે એની દીકરી એસ.એસ.સી સુધી ન ભય હોય. " સુમતિબહેન રાવલ સ્ત્રી અધ્યાપન મંદિરના ત્રીસ વર્ષો સુધી આચાર્યા રહ્યા. અધ્યાપન મંદિરે આ પંથકની નવો વિચાર આપ્યો. લોકોએ જોયું કે દૂરની દીકરીઓ અનેરામાં પી.ટી.સી થઈ, તરત પ્રાથમિક શિક્ષિકાની નોકરી મેળવી સુખનો રોટલો રળતી થઈ ગઈ. પગભર બની ગઈ. આનાથી અભિપ્રેરિત થઇ આપણા વિસ્તારની કન્યાઓ એસ.એસ.સી કરી પી.ટી.સી. થઇ પ્રાથમિક શિક્ષિકા બનવા લાગી. આજુબાજુના 11 ગામોની એક પણ કન્યા એસ.એસ.સી. થયા વગરની નથી. આ પ્રદેશમાંથી 1000 શિક્ષિકાઓ અનેરાની છે. સુમતિબહેન રાવલના હાથ અને હૂંફ નીચે ઘડાઈને 6000 શિક્ષિકાઓ ભાવિ પેઢીને ઘડે છે. 
          આજે અહીં આસપાસના ગામોની  અનેક દીકરીઓ ગર્વભેર ગુજરાત અને ગુજરાત બહારની શાળાઓમાં શિક્ષિકા તરીકેની ફરજ નિભાવી અનેરામાં મેળવેલા ગાંધીના વિચારો અને શિક્ષણના સિધ્ધાંતોના પ્રયોગો વર્ગખંડમાં કરી રહ્યાં છે. આ સંસ્થાના શિક્ષણયજ્ઞના પરિણામે લોક જાગૃતિ એટલી હદે આવી કે અહીંના લોકોમાં જાણે કે શિક્ષણનું ઘેલું લાગ્યું. અને એની ફળશ્રુતિ રૂપે આજે હડિયોલમાં 800 ઉપરાંત શિક્ષકો છે. ગઢડામાં 600 ઉપરાંત શિક્ષકો છે. ક્યાંક તો એક ઘરમાં સાત-સાત શિક્ષકો છે. ગુજરાતનો એવો કોઈ તાલુકો નહિ હોય કે જ્યાં આ ત્રણ ગામના શિક્ષકો ન હોય! આટલા બધા શિક્ષકો તૈયાર કરવાનો શ્રેય ગાંધીવાદી સંસ્થા વિશ્વમંગલમ-અનેરાને જાય છે. 
              વર્ષો પહેલાં શિક્ષણિક ક્ષેત્રે પછાત ગણાતા આ વિસ્તારમાં કેળવણીના બીજ રોપનાર સુમતિ બહેન ભરૂચ જિલ્લાના આમોદ ગામના જૈન વાણીયા ભોગીલાલ જેઠાલાલ શાહ અને જે જશકોરનાં પુત્રી.  કુટુંબ પર ગાંધીજીની ઊંડી અસર. ઘરમાં જૈન સંપ્રદાયની નહીં પણ ગાંધીજીના સ્વરાજ્ય આંદોલનની હવા. ભોગીલાલ પૂર્ણપણે ખાદીધારી. જાતે કાંતે, વણાવે અને તેની ખાદી પહેરે. વિનોબાના ભૂદાન આંદોલનમાં ગુજરાતમાંથી પહેલું સંપત્તિ દાન કરનાર શેઠ. જીવ્યા ત્યાં સુધી પોતાની આવકનો છઠ્ઠો હિસ્સો દાન કરતા રહ્યા. 
           પિતાને કપાસની જીન પણ ઘરમાં કોઈ દિવસ મીલનું કાપડ આવ્યું નથી. પરિવારમાં ચાર બહેનો અને બે ભાઈઓ. ઘરમાં દિલરૂબા વસાવેલું. સવાર ના પહોર માં પિતાજી હાર્મોનિયમ વગાડે.
            બે બહેનોને નડિયાદની વિઠ્ઠલ કન્યા વિદ્યાલયમાં ભણવા મોકલી. ચોથા ધોરણથી ત્યાં ગયા તે દસ વર્ષ અહીં રહ્યાં. સુમતિબહેન અહીં આઠ વર્ષ ભણ્યાં અને બે વર્ષ શિક્ષિકા થઈ ભણાવ્યું. રાજકોટની કડવી બાઈ
વિદ્યાલયનાં સ્થાપકો સુભદ્રાબેન શ્રોફ અને સુમતિબહેન વૈદ્ય એમના શિક્ષકો. કુસુમ બહેન આચાર્ય, અપરણિત, જેલમાં જઇ આવેલા પૂજ્ય મોટાના ભક્ત મૌન સાધક. સુમતિબહેન બે વર્ષ તેમની સાથે તેઓના ઘરમાં રહ્યાં. સરદાર પટેલ, રવિશંકર મહારાજ, બબલભાઈ , પંડિતજી સત્સંગ કરવા આવતા. તેનો સીધો લાભ સુમતિબહેન ને મળ્યો. 
              પછીનું તેઓનું ભણતર અને જીવનઘડતર થયું ગુજરાત વિદ્યાપીઠમાં. અહીં તેઓનો પરિચય થયું દેખાવડા મોટા અભ્યાસુ યુવાન ગોવિંદ રાવલનો. ગોવિંદભાઈ નું વ્યક્તિત્વ વિચાર અને ગામડાં પ્રત્યેનો પ્રેમ ગમી ગયાં. આ મા વગરનો યુવક સુમતિ બહેનના મનમાં વસી ગયો. બંને વચ્ચે ઘણો બધો વિરોધાભાસ સ્વભાવ , ટેવ , વલણમાં... પરંતુ એક વાતનો સામ્યતા અને તે ગામડા માં બેસી શિક્ષણનું કામ કરવાની ઝંખના જીવનનું એક મિશન જડી ગયું જેણે સુમતિબહેનને "સુગોરા" બનાવી દીધા. 

          ત્રણ ગામના ત્રિભેટે  ભેંકાર વગડામાં, એક ટિંબા ઉપર આ દંપતીએ ઉત્તમ કેળવણીની સંસ્થા સ્થાપવાનું સ્વપ્ન સેવ્યું. અને આ સપનાને સાકાર કરવા પોતાનું સમસ્ત જીવન શિક્ષણને સમર્પિત કરી દીધું. 
          આજે  કિશોર અને કિશોરીઓ માટેનું સંસ્કારધામ નિર્માણ પામ્યું છે. કુમાર અને કન્યા માટે ઉત્તર બુનિયાદી વિદ્યાલય અને અધ્યાપન મંદિર છે. આ સંસ્થાએ 6000 શિક્ષિકાઓ સમાજને ભેટ ધરી છે. વિશ્વમંગલમ્.અનેરાને જોત જોતામાં સાડા પાંચ દાયકા થઇ ગયા. ત્યાંથી 10 કિલોમીટર દૂર 80 એકર જમીન પર વૃંદાવન પણ નિર્માણ પામ્યું છે. જ્યાં 12 ધોરણ સુધીની છોકરીઓની નિવાસી સંસ્થા, સાત હજાર વૃક્ષો, ગૌશાળા, ચાર ઉદ્યાનો છે. 
( 'સુગોરા' સાથે સમાલાપ સમયે લેવાયેલી તસવીર)

        ગોવિંદભાઇ રાવલ અને સુમતીબેન જીવ્યા ત્યાં સુધી  શિક્ષણની વાત આવે એટલે યુવાનોને શરમાવે એવી સ્ફૂર્તિ બતાવે છે. વાતચીતમાં તેમણે આખી યાત્રાની વાત કરી હતી. ગોવિંદભાઇ હડિયોલ ગામના જ વતની. બન્ને વિદ્યાપીઠમાં ભણે અને ગામડામાં બેસી શિક્ષણ દ્વારા સમાજ પરિવર્તનનો નિશ્ચય કર્યો. 1959થી રાવલ દંપતીએ અહીં ધૂણી ધખાવી છે. તેમના શિક્ષણ યજ્ઞથી આખા વિસ્તારની સીકલ બદલાઇ ગઇ છે. ગામમાં મહાદેવના મંદિરમાં એક રૂમમાં ભણાવવાની શરૂઆત કરી હતી. વિશ્વ મંગલમ અનેરા સંસ્થામાં આજ સુધી તેમણે 6 હજારથી વધારે યુવતીઓને ભણાવી છે. વિશ્વ મંગલમ અનેરા સંસ્થાનો પરિવાર આજે ગુજરાતના ખૂણેખૂણે છે. 
           અનેરા પ્રેમના વૃંદાવનમાં વિશ્વમંગલમની શુભભાવના એ અનેક સન્માનો  બક્ષયા. દર્શક એવોર્ડ, મહાદેવ દેસાઇ એવોર્ડ, અંજારિયા એવોર્ડ અને સૌથી મોટો પોતાના વિદ્યાર્થીઓ દ્વારા પ્રતિક્ષણ મળતો સંતોષ અને અંતર ના આશીર્વાદનો એવોર્ડ.
"સુગોરા" હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ.
સંદર્ભ: મુઠ્ઠી ઊંચેરા માનવી ભદ્રાયું વચ્છરાજાની
લેખન - સંકલન : ઈશ્વર પ્રજાપતિ
(98251 42620)

Sunday, June 23, 2019

આપણો જિલ્લો, આપણું વતન : અરવલ્લી ભાગ - 21

         
અરવલ્લીના ભવ્ય ભૂતકાળની સાક્ષી પૂરતી પ્રાચીન કલાત્મક વાવો.



સમગ્ર રાજ્યમાં ઐતિહાસીક ધરોહર સમાન સૌથી વધુ વાવ સાબરકાંઠા-અરવલ્લી જિલ્લામાં વિદ્યમાન છે. વાવની જ્યારે વાત આવે ત્યારે અડાલજની વાવ અને પાટણની રાણકી વાવ જ માનસ પટ પર દ્રશ્યમાન થાય છે.

         સંસ્કૃતિ, પરંપરા લોકજીવન સાથે વણાયેલી હોય છે. યુગો પહેલા ઓછા ભણેલા પણ જીવનમાં અનુભવથી 'ગણેલા' આપણા વડિલોએ સંસ્કૃતિને જીવન સાથે વણી લીધી હતી. નિરક્ષર કહી શકાય તેવા એ વડિલો પાસે ગજબની કોઠાસૂઝ હતી. આવી કોઠાસૂઝને કારણે જ ભારતવર્ષમાં પ્રાચીનકાળે નદી, તળાવ, વાવ, કુવા અને કુંડની આગવી સંસ્કૃતિ વિકાસ પામી હતી જેને કારણે દુષ્કાળના વર્ષોમાં પણ જનજીવન સરળતાથી ધબકતું હતું.
             વાવ એ પથ્થરમાં કંડારાયેલું સેંકડો વર્ષનો ઇતિહાસ છે. સ્થાપત્યની અનેક વિશેષતાઓ, લેખન પદ્ધતિ, ઇતિહાસ વગેરેની માહિતી વાવ દ્વારા મળી રહે છે. શિલ્પ શાસ્ત્ર ગ્રંથ "અપરાજિતપૃચ્છા" અનુસાર ચાર પ્રકારની વાવ હોય છે. તેના પ્રવેશદ્વારને આધારે નામકરણ થાય છે. એક મુખ્ય પ્રવેશ દ્વાર અને ત્રણ માળવાળી વાવ નંદી, બે મુખ અને છ માળ વાળી વાવ ભદ્રા, ત્રણ મુખ અને નવ ફૂટ( માળ) વાળી વાવ જયા, અને ચાર પ્રવેશદ્વારને વિજયા તરીકે ઓળખવામાં આવે છે.લીંભોઈ વાવ ને બાદ કરતા મોટા ભાગની વાવ એકમુખી એટલે કે નંદા પ્રકારની વાવ સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં જોવા મળે છે. મળતી વિગત અનુસાર ગુજરાતીમાં સૌથી પહેલા જામનગર જિલ્લામાં ગુંદા ગામમાં બીજી સદીમાં અને છેલ્લી વાવ વાંકાનેરમાં 1930-35 દરમિયાન બનાવવામાં આવી હતી.
વણઝારી વાવ


            ગુજરાતની ઐતિહાસિક વાવો સાથે પ્રણય બલિદાનની કથાઓ સંકળાયેલી છે. સૌરાષ્ટ્રની વણઝારી વાવ સાથે લાખા વણઝારાની પુત્રી અને કણબીના પુત્રના પ્રણયની અને વઢવાણની માધાવાવ સાથે અભેસિંહ અને વાગેલી વહુના બલીદાનની કરુણ કથા જોડાયેલી છે. કેટલીક અવાવરુ વાવ સાથી ભૂત-પ્રેતની કલ્પનાના જાળાં બાજેલાં જોવા મળે છે. લાઠી નગર ની ઉગમણી દિશામાં આવેલ વાવ આજે બાબરા ભૂતની વાવ તરીકે ઓળખાય છે. લોક માન્યતા અનુસાર એ વાવ એણે એક જ રાતમાં બાંધી હતી.
              સેંકડો વર્ષોથી પશ્ચિમ ભારત એટલે કે ગુજરાતમાં અનિયમિત વરસાદ હોવાને કારણે પાણીની સમસ્યા જોવા મળતી. તેમાંય સાબરકાંઠા જિલ્લામાં અરવલ્લીની પર્વતમાળાનો વધુ વિસ્તાર તથા રાજસ્થાનને અડીને આવેલ હોવાથી વિપરીત ભૌગોલિક જળવાયું પરિસ્થિતિમાં તેને અનુરૂપ જીવન અપનાવતી સિંધુ સંસ્કૃતિના દર્શન થાય છે. અનિયમિત અને ઓછા વરસાદને કારણે અવાર-નવાર દુષ્કાળની સ્થિતિ પેદા થતી હોઈ જે કંઈ પણ વરસાદ થાય તેનો વ્યવસ્થિત રીતે સંગ્રહ કરી નિયમન અને નિયંત્રણ કરવું કરવામાં આવ્યું હતું. વાવના સ્થાપત્યની જોઈને સમજી શકાય છે કે સિંધુ સંસ્કૃતિના સમયથી જ જળસંચયની જરૂરી સમજવામાં આવ્યો હતો. વળી રચના એવી રીતે કરવામાં આવે છે કે તેમાંનું જળ લાંબા સમય સુધી તાજું રહે. વાવમાં બનાવવામાં આવતી સીડીઓ ભૂમિને અંદર જળ સપાટી સુધી જાય છે અને જે સાંકડો હોય છે. સીડીને સાંકડી રાખવાનું કારણ એ છે કે શક્ય તેટલો સીધો સૂર્યપ્રકાશ પાણીની સપાટી સુધી ન પહોંચી કે જેથી પાણી સુકાવાનો પ્રશ્ન ન રહે.
          પ્રાચીનકાળમાં સુખી ગૃહસ્થો અને શ્રેષ્ઠીઓ જળાશયો, વાવ અને કુંડ બંધાવતા હતા. વાવ ઓછા વિસ્તારમાં બાંધી શકાતી હોવાથી ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાવનું પ્રમાણ વધારે જોવા મળે છે. વાવ બંધાવા પાછળનો ઉદેશ્ય જળદાનનો છે. જળ સર્વે જીવોને તૃપ્ત કરનારું હોવાથી સર્વે દાનોમાં તેને ઉત્તમ ગણવામાં આવેલું છે. બળબળતા બપોરે તરસ્યો વટેમાર્ગુ વાવનું પાણી પીને વાવનું નિર્માણ કરનારને અંતરના આશિષ આપે છે, માટે જળદાનનું મહત્વ અશ્વમેઘ યજ્ઞ જેટલું ગણાવાયું છે. આવી રીતે યશ-કિર્તી અને પુણ્ય મેળવવાની પરંપરા આપણે ત્યાં વર્ષોથી ચાલી આવે છે.
શીકાની વાવ

          સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં સેંકડો વર્ષ જૂની 200થી વધુ વાવ છે. મોટા ભાગની વાવ શિલ્પ-સ્થાપત્ય માં એક એકથી ચડિયાતી છે. જિલ્લાની સૌથી પહેલી વાવ ઇડર તાલુકામાં ફુલેશ્વર મહાદેવ અને ધનસુરા તાલુકાના મુદ્રેશ્વર મહાદેવ કે જે હજાર વર્ષ જૂની હોવાનું માનવામાં આવી રહ્યું છે. તેવી જ રીતે ધનસુરા નજીક શિકા હાઈવે ખાતે આવેલી વાવ છેલ્લી વાવ છે. જે આશરે 200 વર્ષ પહેલા બનાવાઈ હતી જિલ્લામાં સૌથી વધુ વાવ ઇડર તાલુકામાં આવેલી છે. જેની સંખ્યા ૨૫ જેટલી છે ત્યારબાદ ભિલોડા તાલુકા નો નંબર આવે છે. જિલ્લામાં સૌથી વધુ શિલ્પસ્થાપત્ય ધરાવતી વાવ મોડાસા પોલીસ સ્ટેશનની પાસે આવેલી વણઝારી વાવ છે. આની કલાત્મક વિશેષતા એ છે કે તેમાં હિંદુ દેવતાના શિલ્પો છે. વાવ નો કુવો સાઠંબા પણ 900 વર્ષ જુના હોવાનું મનાય છે. સૌથી સુંદર પ્રવેશદ્વાર વાાળી  વાવ છે. જેમાં પાંચ મંડપ છે. તે પછી વિરબાવજી ની વાવ નો નંબર આવે છે ઉલ્લેખનીય છે કે મોટાભાગની વાવ નું નામકરણ વણઝારીવાવ નામે થયેલ છે કારણ કે વાવ બનાવવાનું મહારત વણઝારા કોમને હાંસલ થયેલ હતું.
આકરુંદની વાવ

               અરવલ્લીમાં આવેલી નોંધપાત્ર વાવ અને આશરે તવારીખ
(1) આકરુન્દ ની વાવ - 14મી થી 15મી શતાબ્દી
(2) પાલનપુર ગામ વાવ - 14મી શતાબ્દી.
(3) સબલપુર વાવ - 17મી શતાબ્દી.
(4) બોર્ડિંગ ખડાયતા વાવ - 10મી શતાબ્દી.
(5) શ્રી વિરેશ્વર વાવ - 18મી શતાબ્દી
(6) મુન્દ્રેશ્વર વાવ 8 -9 મી શતાબ્દી.
(7) આંબાવાડી વાવ મેઘરજ - 18મી શતાબ્દી
(8) ઉભરાણ વાવ - 17મી શતાબ્દી.
(9) ટીંટોઇ બીજી વાવ - 14- 15 મી શતાબ્દી.
(10 ) ટીંટોઈ પ્રથમ વાવ - 18મી શતાબ્દી
(11) શિકા ગામ વાવ 10મી શતાબ્દી
(12) શીકા હાઈવે વાવ - 19મી શતાબ્દી.
(13) શામળાજી વાવ -13મી શતાબ્દી
(14) સાઠંબા વાવ - ઈ. સ. 1094
(15) મોડાસા વાવ - 12થી 13 મી શતાબ્દી
(16) લીંભોઈ વાવ - ઈ. સ. 1599
(17) અમલાઈ ની વાવ - 18મી શતાબ્દી.
(18) મેઢાસણ વાવ - 14મી શતાબ્દી.
(19) અરજણ વાવ 
               આપણી ભવ્ય પ્રાચીન વિરાસતની સાક્ષી આ વાવોનું જ્યારે નિર્માણ થયું ત્યારે નો'તી અદ્યતન ટેકનોલોજી, કે ન હતા આજના જેવા અદ્યતન ઓઝારો એમ છતાં વાવોનું અદભુત નિર્માણ કેવી રીતે કર્યું હશે એ વિચારી ને જ રોમાંચિત થઈ જવાય છે. કલાત્મક વાવો આજે પણ આપણ ને આશ્ચર્ય પમાડે છે ત્યારે જે તે સમયે આ વાવોની ભવ્યતા કેવી હશે !!!
             તંત્રની ઘોર બેદરકારી અને ભવ્ય વારસાને સાચવવાની નાગરિક તરીકે આપણી નિરાસતાને કારણે આજે મોટાભાગની વાવો બિસ્માર હાલતમાં છે. જર્જરિત છે. આપણી પ્રાચીન વિરાસતનું જતન કરવામાં આપણે ઉણા ઉતર્યા છીએ. સ્વચ્છતા અને જાળવણીને અભાવે આપણો ભવ્ય વારસો ખંડેર થઈ ને અવાવરું થઈ પડ્યો છે. દુનિયાના અન્ય દેશો પાસે આવો વારસો હોત તો આપણેઆપણે ટિકિટ ખર્ચી ત્યાં જોવા માટે જાત. અને અહીં આવી એની ભવ્યતા અને દિવ્યતાના હોંશે હોંશે વખાણ કરત. પ્રાચીન વારસાના જતન માટે વિશ્વમાં બીજે   કયાંય આપણા જેવું બેદરકાર તંત્ર અને નિ:રસ પ્રજા હશે ખરી???
             આવનારી પેઢીને કદાચ ઇતિહાસના પાનાઓ ઉપર જ વાવના દર્શન થશે. અને કદાચ આવનારી પેઢી માનવા પણ તૈયાર નહીં હોય કે જ્યારે વિજ્ઞાન ટેકનોલોજી એટલી વિકસી ન હતી એ દરમિયાન અભણ નિરક્ષર લોકો એ આવી ભવ્ય કલાત્મક વાવોનું હાથેથી નિર્માણ કર્યું હશે!!!
સંદર્ભ : સર્જનાત્મક સાબરકાંઠા, મારુ ગામ મોડાસા, લોકજીવનનાં મોતી
(અરવલ્લીની વિરાસત  વિશે વધુ  જાણીશું  આવતા સોમવારે)
લેખન - :ઈશ્વર પ્રજાપતિ 
(આપના પ્રતિભાવ નીચે આપેલ whatsapp નંબર પર લખી મોકલી શકો છો )
(98251 42620)

નોંધ:- મિત્રો બ્લોગની લિંક આપ શેર કરી શકો છો પરંતુ મિત્રો મારા બ્લોગના આર્ટિકલ્સને પોતાના નામે ચડાવી વાયરલ કરવાનો અવિવેક ન કરવા વિનંતી

Thursday, June 20, 2019

શેલડીયો સાબરકાંઠો



શેલડીયો સાંઠો, સાબરકાંઠો

બૃહદ સાબરકાંઠાની અસ્મિતાને મધુર ગીતના માધ્યમ થકી ઉજાગર કરવાનો "શ્રાવણ સુખધામનો" અનોખો પ્રયાસ.


         બૃહદ સાબરકાંઠા પાસે પ્રાચીન સંસ્કૃતિક વિરાસતનો અમૂલ્ય વારસો છે. આ ભવ્ય વારસાને કવિતામાં કંડારીતા અદભુત ગીતના ગીતકાર છે જાણીતા કવિ પ્રતાપસિંહ રાઠોડ "સારસ્વત". કવિએ શબ્દ પુષ્પો લઈ "શેલડીયો સાંઠો સાબરકાંઠો" ગીત દ્વારા સાબરકાંઠાની સુંદર સ્તુતિ કરી છે. એમ છતાં આ ગીતને જોઈએ તેટલી પ્રસિધ્ધિ મળી શકી ન હતી. પરંતુ સાબરકાંઠાના ભવ્ય વારસાની ઓળખ કરાવતા આ ગીતને જન જન સુધી પહોંચાડવા નિમિત્ત બની આ શ્રવણ સુખધામ સંસ્થા.
       ગીતનો કોન્સેપ્ટ તૈયાર કર્યો શ્રવણ સુખધામના ઇન્દુ આર.પ્રજાપતિ (સેક્રેટરી) એસ.કે.પ્રજાપતિ (એમ.ડી). અને આ ગીતની સફળતા અપાવવા પડદા પાછળ જહેમત ઉઠાવી પ્રજાપતિ બંધુ હિરેનભાઈ અને ભાવેશભાઈએ. સુંદર ગીતને મધુર કંઠ મળ્યો પંકજ પંચાલ અને નૂતન રાજપૂતનો. અને આ ગીતને કર્ણપ્રિય સંગીતથી સાજાવ્યુ બલભદ્રસિંહ રાઠોડ પંકજ પંચાલે. દૃશ્યોનું વીડીયો એડિટિંગ દ્વારા સંયોજન કર્યું છે વીરલ રાવલ જયદીપ ગઢવીએ. હિંમતનગર ના સાજ સ્ટુડિયોમાં નિર્માણ પામ્યું છે.
                આખી ટીમની મહીનાઓની મહેનત આખરે રંગ લાવી. જેવું આ ગીત યુટ્યુબ પર રિલીઝ કરવામાં આવ્યું ત્યારે સાબરકાંઠા સહિત સમસ્ત ગુજરાતની જનતાએ અભૂતપૂર્વ પ્રતિસાદ આપ્યો. ગણતરીના કલાકોમાં જ હજારો લોકો એ આ વીડિયો જોયો, લાઈક કર્યો અને શેર કર્યો. જોત જોતામાં જન જન સુધી આ ગીત પાહીચી ગયું. ગીતનું સ્વરાંકન, સંગીત અને દૃશ્ય સંરચના અદભુત છે. એક વાર સાંભળવાથી મન ભરાતું નથી. લોકોના હાઈએને હોઠે ગીત રમતું થયું.
           આ ગીતનો આસ્વાદ કરાવતા જાણીતા પ્રતિભાશાળી યુવા કવિ અને સર્જક જિતેન્દ્ર પ્રજાપતિ કહે છે. "ગુજરાત ગૌરની અસ્મિતાનું વાતાવરણ જ્યારે કંડારાઈ રહ્યું છે ત્યારે આપણા ગુજરાતના ગૌરવ સમા સાબરકાંઠા ની સરહદને નજાકતથી પ્રસ્તુત ગીતમાં શણગારવામાં આવી છે. શેરડીના સાંઠા સમો સાબરકાંઠો એવી ઉપમા આપીને કવિએ સાબરકાંઠાની મહત્તાને મીઠાશ બક્ષી છે .પથ્થરોથી શણગારેલો ભલે હોય પણ છતાંય સરળતાથી ગળે ઉતરી જાય એવો શીરાના દડિયા જેવો છે .સાબરકાંઠાના સ્થાપત્યો અને સાબરકાંઠાની માટીમાં પાંગરેલા વિવિધ સર્જકોની વાત પણ કવિએ આપણને કરી છે.
            બ્રહ્માજીનું વિરલ ધામ પણ અહીં છે વળી જ્યાં બાવીસ હજાર સુરા લડવૈયા પોતાનું ઝમીર બતાવીને મા ભોમ માટે મરી પરવાર્યા આ એ જ સાબરકાંઠો છે. અને આ એ જ સાબરકાંઠો છે જ્યાં શામળિયોજી બિરાજે છે. ઉમાશંકર જોશી થી લઇ પન્નાલાલ પટેલ સુધીના સર્જકોના શ્વાસ આ ભૂમિમાં આજે પણ આપણને અનુભવવા મળે છે.સાબરમતી ,હાથમતી જેવી નદીઓનાં નીર આ ખમીરવંતી પ્રજાની નસોમાં આજેય પણ રુધિર બનીને વહે છે.ગુજરાતી રંગભૂમિને વિશ્વ સમક્ષ ઉજાગર કરનાર ઉપેન્દ્ર ત્રિવેદી અને અરવિંદ ત્રિવેદીથી આ ભૂમિ રળિયાત છે."
     નીચેની લિંક ને ક્લિક કરીને મનો પહેલીવાર આપના સાબરકાંઠાની અસ્મિતાને રજુ કરતું મધુર ગીત. 
           કેટલાક અસામાજિક તત્વો એ આ ગીત સાથે છેડછાડ કરી સસ્તી પ્રસિદ્ધિ માટે પ્રયત્નો પણ કર્યા. પરંતુ તેઓની ચોરી પકડાઈ ગઈ.
       આ ગીતને જન જન સુધી પહોંચડવા જહેમત ઉઠાવનાર સંસ્થાનો આછેરો પરિચય મેળવવા જેવો છે.

              અરવલ્લી અને સાબરકાંઠાના અંતરિયાળ વિસ્તારમાં અનેક સંસ્થાઓ અને અનેક વિરલ વ્યક્તિઓ સમાજ સેવાના પાયાના કામ મુક સેવક બની કરી રહ્યા છે. સમાજના બહુ ઓછા લોકોનું ધ્યાન આ તરફ ગયું છે. આજે એવી જ એક સંસ્થા અને વ્યક્તિનો પરિચય કરાવવો છે. સાબરકાંઠાની અસ્મિતાને ઉજાગર કરવા એક અનોખી સંસ્થા મથામણ કરી રહી છે. અરવલ્લીના અરણ્યમાં એક મહિલાના વિચારબીજમાંથી વટવૃક્ષ બનેલી સંસ્થા એટલે "શ્રવણ સુખધામ." 

          અરવલ્લીની ગીરીકંદરાઓથી આચ્છાદિત સાબર સરિતાના સમીપે હાથમતીના નીરને સ્પર્શીને માંકડી ડેમના કિનારે આકાર પામેલી શ્રવણ સુખધામ સંસ્થા જોતા જ આંખો ઠરે છે. શહેરના ઘોઘાટ અને પ્રદુષણથી દૂર કુદરતના ખોળે પાંગરેલી આ સંસ્થાનું વાતાવરણમાં ગજબની શાંતિ અનુભવાય છે. સંસ્થાની સ્વચ્છતા ઉડીને આંખે વળગે એવી છે. અનેક સેવાકિય પ્રવૃત્તિઓથી ધમધમતી આ સંસ્થાનું સપનું સેવ્યું સાબરકાંઠા- અરવલ્લીના એક અંતરિયાળ ગામમાં જન્મેલા એક મહિલા કે જેઓ ગુજરાત રાજ્ય માધ્યમિક બોર્ડની પ્રતિષ્ઠિત નોકરી છોડી જન સેવા માર્ગે આગળ વધ્યા. જેઓની સેવા પ્રવૃત્તિઓ થકી આજે સમસ્ત સ્ત્રી સમાજ માટે તેઓ આદર્શ બન્યા છે. જેમને સાચા અર્થમાં પોતાનું જીવન સ્ત્રી ઉત્થાનમાં ઘસી નાખ્યું છ. અંતરિયાળ ગામડાઓમાં સેવાનો આહલેખ જગાવ્યો છે. 
              તેઓનું નામ છે ઇન્દુબેન આર. પ્રજાપતિ પુનાસનના તેઓ વતની. પુનાસણ એટલે કવિશ્રી ઉમાશંકર જોશીનું જન્મ સ્થાન બામણા ની લગોલગ આવેલું ગામ. 1 નવેમ્બર1963ના રોજ એક સામાન્ય પરિવારમાં તેઓનો જન્મ થયો. તેમના માતાપિતાનું તેઓ એક માત્ર સંતાન. પિતા શિક્ષક એટલે શિક્ષણ, સહાનુભૂતિ અને સેવાનાં બીજ નાનપણથી જ દિલમાં રોપાઈ ચૂક્યાં હતાં. ધાર્મિક અને સેવાવૃત્તિ માતા પિતા તરફથી વારસામાં મળ્યા. સમાજના ઉત્થાન માટે કંઈક કરી છુટવાની મથામણ સતત તેઓ અનુભવતા..
               અરવલ્લીના અરણ્યમાં વિસ્તરેલી આ સંસ્થા સમાજને દીવાદાંડી બની ઉત્તમ દિશા પુરી પાડી રહી છે. શ્રીમતી ઇન્દુબેનના સેવા બીજમાંથી પાંગરેલી આ સંસ્થા આજે વટવૃક્ષની બની ઉભી છે. શ્રીમતી ઇન્દુબેન પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ તેઓના સુપુત્રો શ્રી હિરેનભાઈ અને ભાવેશભાઈ સુંદર સંચાલન કરી રહ્યા છે. તેઓ પોતાનો સમસ્ત સમય સંસ્થાને અર્પણ કરે છે. કુદરતના ખોળે સમય પસાર કરવા માંગતા પ્રકૃતિ પ્રેમીઓ અને સમજ સેવાના પાઠ ભણવા ઇચ્છતા ભાવિ સમાજસેવકોએ આ સંસ્થાની એક વાર અચૂક મુલાકાત લેવી રહી.
         શ્રવણ સુખધામ સંસ્થાએ અનેક માથામણોના અંતે સાબરકાંઠાના ચરણે આ સુંદર ગીત ધર્યું છે. ત્યારે તેને જન જન સુધી પહોંચાડવા ચેનલને subscribe કરી અચૂક શેર કરશો.

લેખન : ઈશ્વર પ્રજાપતિ


98251 42620


આપ આપના પ્રતિભાવ પર whatsapp દ્વારા આપી શકો છો

વ્યક્તિ વિશેષ : ડો. ભગવાનદાસ પટેલ

અરવલ્લી-સાબરકાંઠાના આધુનિક મેઘાણી ડૉ. ભગવાનદાસ પટેલ


            આદિવાસી લોક સાહિત્ય, લોક બોલી અને સંસ્કૃતિના અભ્યાસ સંશોધન માટે ભારત અને વિશ્વમાં જેઓનું નામ ખૂબ આદર સાથે લેવાય છે એવા ડૉ. ભગવાન દાસ પટેલના નામથી સાબરકાંઠા અને અરવલ્લીના ખૂબ ઓછા લોકો વાકેફ હશે. ડૉ. ભગવાન દાસ પટેલે આદિવાસી લોક સંસ્કૃતિ ના અભ્યાસ સંશોધન માટે સમસ્ત જીવન સમર્પિત કરી દીધું છે. અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા અને દક્ષિણ રાજસ્થાનના ઉદેપુર જિલ્લામાં વસતા ડુંગરી ભીલ આદિવાસીઓના લોકવિદ્યાને સંપાદન, સંશોધન, અનુવાદ, આસ્વાદન અને સમીક્ષા દ્વારા ઉજાગર કરનાર ડો. ભગવાનદાસ પટેલ અભિજાત વર્ગ અને વ્યાપક આદિલોક વચ્ચેના સેતુ બની રહ્યા છે. જીવનના ચાર ચાર દાયકા આદિલોકની આરાધના કરી છે. તેઓ પોતાની જાતને આદિલોકની ટપાલ લઈ આવતા ટપાલી તરીકે ઓળખાવે છે. 
             સાબરકાંઠાનું હિંમતનગર તાલુકા નું જામળા ગામ એ તેઓનું વતન. ખેડૂતપુત્ર ભગવાનદાસ શિક્ષણ શાસ્ત્રમાં સ્નાતકત્વ પ્રાપ્ત કરીને ૧૯૭૦થી તેઓ ખેડબ્રહ્માની એક માધ્યમિક શાળામાં શિક્ષક તરીકે જોડાયા તે છેક નિવૃત્ત થયા ત્યાં સુધી કર્તવ્યનિષ્ઠ શિક્ષક તરીકે ફરજ બજાવી. ખેડબ્રહ્મા ખાતે અધ્યાપન કાર્ય દરમિયાન તેઓ અરવલ્લીની ગિરિમાળાની તળેટીમાં અને ત્યાંના વનોમાં વસતાં આદિલોકોના સંપર્કમાં આવ્યા. આરંભે એમને આ આદિલોકના વ્યવહાર, એમની બોલી, કશું સમજાતું નહીં. આમ છતાં એનું આકર્ષણ અનુભવતા હતા. એમના લોકજીવનની વધારે સારી રીતે સમજવાના પામવાના એક પ્રયાસ દરમિયાન એક અજાણ્યા આદીવાસી યુવકે એમને નદીમાં ડૂબી જતા બચાવી લીધા. આ ઘટનાને તેઓ આદિલોકમાં પોતાના પુનર્જન્મ તરીકે જુએ છે. એ દિવસથી આરંભીને આજદિન સુધી તેમનું સમગ્ર જીવન આદિલોક ની આરાધનાને સમર્પિત બની ગયું.
      શિક્ષકની નોકરી કરતાં કરતાં જ તેમણે આદિવાસી કળા-સાહિત્ય ક્ષેત્રે માતબર સંશોધન કર્યુ. સાહિત્યસર્જન કર્યુ અને રચનાત્મક પ્રવૃત્તિઓ પણ કરી છે.
                  ખેડબ્રહ્મા તાલુકાની પ્રાગૈતિહાસિક સંસ્કૃતિઓ વિશે સંશોધન કરીને તેઓ પી.એચ.ડી. થયા. મહાનિબંધમાં તેઓ 70 હજાર વર્ષ પૂર્વેની આ પ્રદેશની 110 જેટલી માનવ વસાહતો એમના 1500 જેટલા પાષાણ ઓજારો, 16 પાષાણ સમાધિઓ અને 5 ચિત્ર ગુફા ઉપર પ્રકાશ પાડે છે.
                   ચારણી લોકસાહિત્યના એકત્રીકરણ અને સંશોધન-સંપાદનમાં ઝવેરચંદ મેઘાણીએ મોટું કામ કર્યું. એ પછી ગુજરાતને ભગવાનદાસ પટેલના રૂપમાં એક એવા સંશોધક અને લેખક મળ્યા જેઓ આદિવાસીઓના ડુંગરે-ડુંગરે, છાપરે -છાપરે ફરી અદભુત સાહિત્ય નું સંપાદન કર્યું છે. અરવલ્લી, સાબરકાંઠા અને દક્ષિણ રાજસ્થાન માં જ્યાં આદિવાસી રહેતો હોય એવો એક પણ ડુંગરો કે કોતરો નહીં હોય જ્યાં ભગવાનદાસ ગયા ન હોય. આદિવાસીઓના હૃદયે-હૃદયે પહોંચ્યા અને એવું જબરજસ્ત કાર્ય કર્યું કે તે ગુજરાતી સાહિત્યનું સુવર્ણ પ્રકરણ બની ગયું. તેઓ એ 1000 ઉપરાંત આદિવાસી લોક મુખે ગવાતા અલભ્ય લોકગીતોનું સંપાદન કર્યું છે. આદિવાસી લોક સંસ્કૃતિ ના અભ્યાસ અને સંશોધન ને લાગતા 50 ઉપરાંત પુસ્તકો નું લેખન સંપાદન કર્યું છે. 
                પહાડે-પહાડે, ઝૂંપડે-ઝૂંપડે, કોતરે-કોતરે આદિવાસીઓનો સંપર્ક કરીને તેમણે આદિવાસી પરંપરા કંઠસ્થ સાહિત્યને કેસેટસ્થ અને પછી શબ્દસ્થ કર્યું છે. ગુજરાતી લોકસાહિત્ય પાસે એક પણ મહાકાવ્ય નથી, જ્યારે આદિવાસી પાસે મૌખિક પરંપરાના 4 અદ્ભુત મહાકાવ્યો છે. અને 21 લોક આખ્યાનો છે. ડોક્ટર ભગવાનદાસ એ મહેનત કરી આદિવાસીઓના લોકસાહિત્ય સંગ્રહિત ન કરી હોત તો કદાચ આ ભવ્ય વારસાથી આપણે ક્યારેય પરિચિત ન થયા હોત.
              અત્યાર સુધીમાં તેમણે 1500થી વધુ ઑડિયો કેસેટ અને 15 વીડિયો કેસેટમાં આદિવાસી લોકોનાં કંઠસ્થ સાહિત્યનું દસ્તાવેજીકરણ કર્યું છે. સાબરકાંઠા અને બનાસકાંઠાના અરવલ્લીની ડુંગરમાળાનાં અનેક ગામોમાં તેઓ વારંવાર રઝળ્યા છે. ખભે થેલો ભરાવી, તેમાં ટેપરેકોર્ડર અને ઑડિયો કેસેટો લઈને નીકળી પડે. બસ, જીપ જેવું વાહન જ્યાં લઈ જાય ત્યાં સુધી તેમાં જવાનું અને પછી પગપાળા. તેમણે આદિવાસી ભીલ સંસ્કૃતિને સમજવા ધાર્મિક, સાંસ્કૃતિક સામાજિક પરંપરાઓ અને રીતરસમો જાણી, વિવિધ પ્રકારનાં લઘુ-દીર્ધ કંઠસ્થ લોકગીતો અને લોકકથાઓની સામગ્રી તેમણે સંપાદિત કરી.
              તેઓ સાહિત્યનો સંગ્રહ કરીને અટકી ગયા નથી. તેઓ તો આદિવાસી જીવન સાથે ઓતપ્રેત થઈ ગયા છે અને તેમની ભવ્ય પરંપરાઓના જતન માટે મથ્યા છે તો જોડે જોડે તેમની નુકસાનકારક સંખ્યાબંધ રૂઢિઓ અને રીતરિવાજોને બદલવામાં પણ સફળ થયા છે. આદિવાસીઓ જાડે એકાકાર થયેલા આ ભેખધારીએ એક આર્થર ફાઉન્ડેશન (શિકાગો)ના સહયોગથી ડુંગરી ભીલ આદિવાસીઓમાં જાગૃતિ લાવવા સફળ પ્રયત્નો કર્યા છે. ખાસ તો ‘ડાકણ પ્રથા’ને નાથવાનું ખૂબ મોટું કામ તેમણે કર્યું છે.
                 ડાકણ પ્રથા એટલે એવી ક્રૂર પ્રથા કે એના વિશે સાંભળી ને રુવાડાં ઊભાં થઈ જાય. કોઈ ભુવા દ્વારા કોઈ સ્ત્રીને ડાકણ જાહેર કરવામાં આવે ત્યારે ઢોલ વગાડી એ સ્ત્રીને પકડી પાડવામાં આવતી. એ સ્ત્રીના ચણિયાનો કછોટો વાળી દઇ ઝાડ ઉપર ઉંધી લટકાવી , આંખોમાં મરચું ભરી દેવામાં આવે અને અને ભય ના કારણે એ સ્ત્રી એમ કહે કે ગામની બીમાર વ્યક્તિની બીમારી દૂર થશે. ત્યાર બાદ એ સ્ત્રીને ઝાડ પર થી ઉતારી એક તીર ને ગરમ કરી સ્ત્રીના કપાળે ડામ દેવામાં આવે. આવી સ્ત્રીને પિયર અને સાસરી માંથી બહિષ્કાર કરવામાં આવે. અને મૃત્યુ પર્યંત ખૂબ દયનિય હાલતમાં જીવન પસાર કરવું પડે. 
             આવા ભયંકર કુરિવાજને નાથવા લોક જાગૃતિ લાવવા દર્પણ એકેડેમીના સહયોગ થકી 7 વર્ષ સુધી 137 ગામો માં સ્ત્રી મહિમાના નાટકો કર્યા. લોકોને સમજાવ્યા અને પરિણામ એ આવ્યું કે છેલ્લા 15 વર્ષ થી ડાકણ પ્રથાની એક પણ ઘટના આ વિસ્તારમાં બની નથી. 
આદિવાસીઓ પાસેથી પરંપરાગત સાહિત્ય એકત્રિત કરવું એ સહેલી વાત નહોતી. એમાં જાનનું પણ જોખમ. આદિવાસીઓ પોતાની ગુપ્ત વિધિઓમાં ગેરઆદિવાસીને આવવા ના દે. એવા વખતે પોતાના જાનને જોખમમાં નાખીને ભગવાનદાસે લોકસાહિત્ય એકત્રિત કર્યું છે. 
ગુજરાતી લોકસાહિત્ય પાસે એક પણ મહાકાવ્ય નથી , જ્યારે આદિવાસી પાસે મૌખિક પરંપરાના 4 અદ્ભુત મહાકાવ્યો છે. અને 21 લોક આખ્યાનો છે. 
              ભગવાનદાસે સંશોધન માટેની આર્થિક જરૂરિયાતને પહોંચી વળવા પોતાનું એક ખેતર પણ વેચી નાખ્યું હતું. 
ગુજરાતી સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભોળાભાઈ પટેલ તો કહે છે કે, તેમણે ભીલોનું જે મહાકાવ્ય આપ્યું છે તે અદભુત છે. હોમરને કે કાલિદાસને પણ અદેખાઈ આવે એવી ઉપમા આ ભીલી મહાકાવ્યમાં છે. ભગવાનદાસે ભીલી સાહિત્યને પુસ્તકોના સ્વરૂપે પણ આપ્યું. આદિવાસીઓનાં મહાભારત, રામાયણ કે બીજાં મહાકાવ્યોને તેમણે પુસ્તકોમાં મૂકતાં તેમનું કાર્ય ખૂબ વખણાવ્યું.
                ઈઝરાઈલ, ફ્રાન્સ , સ્પેન, બેલ્જીયમ, ઈંગ્લેન્ડ જેવા યુરોપના દેશોમાં વિશ્વ લોકનૃત્ય મહોત્સવ અને પરિસંવાદોમાં સહભાગી થઈ દિલ્હી સાહિત્ય સંસ્કૃતિનો પ્રચાર-પ્રસાર પણ તેઓએ કર્યો છે
            ચાર દાયકાની આ કામગીરીને પરિણામે ભગવાનદાસ ની અનેક રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય માં સન્માનો, સ્વીકૃતિઓ પ્રાપ્ત થયા છે. ગુજરાતી સાહિત્ય અકાદમી કે ગુજરાતી સાહિત્ય પરિષદ જ નહિ, કેન્દ્રીય સાહિત્ય અદાકમીએ પણ તેમને પુરસ્કારોથી પોંખ્યા છે. એમાં કેન્દ્ર સાહિત્ય અકાદમી દિલ્હીનું ભાષાસન્માન, પાણીપતનું રામવૃક્ષ બેનિપુરી જન્મ શતાબ્દી સન્માન, ફ્રેન્ડશીપ ફોર્મ ઓફ ઇન્ડિયા દિલ્હીનો ભારત એક્સલન્સ એવોર્ડ જેવા અનેક પ્રતિષ્ઠિત સન્માનો પ્રાપ્ત થયાં છે.
              ભીલોનું ભારથ, અરવલ્લી પહાડની આસ્થા, ભીલ મહાકાવ્યઃ રાઠોર વારતા, ડુંગરી ભીલોનો ગુજરાંનો અરેલો, રોમ સીતામાની વારતા, લીલા મોરિયા, ફૂલકાંની લાડી. તેમનાં સંખ્યાબંધ પુસ્તકોના અન્ય ભાષામાં પણ અનુવાદ થયા છે. કેન્દ્રીય સાહિત્ય અકાદમીએ ભીલી ભાષા અને સાહિત્યમાં નોîધપાત્ર પ્રદાન બદલ તેમને ૧૯૯૮માં ભાષા સન્માન એવોર્ડ પણ આપ્યો હતો. તેમના જ પ્રયત્નોથી કેન્દ્રીય સાહિત્ય અકાદમીએ ‘ભીલી’ને બોલીને બદલે ભાષાનો દરજ્જો પણ આપ્યો.
            જાણીતા કવિ મકરંદ દવે કહે છે, તેમણે ભીલ મિત્રો સાથે એટલી આત્મીયતા સાધી છે કે લોકો તેમને પોતાના જ કુટુંબી ગણતા થઈ ગયા છે. આવી દુર્લભ સામગ્રી મેળવવી એ જ એક દુષ્કર કાર્ય છે અને તેને વ્યવસ્થિત રીત, પ્રમાણબદ્ધ રીતે આપવી તે કુશળ સંશોધકની દૃષ્ટિ માગી લે છે. ભગવાનદાસમાં સાધુ અને સંશોધક બંને મળી ગયા છે. નિરંજન રાજ્યગુરુ ભગવાનદાસના જીવનકર્મને પોખતાં કહે છે, ‘અનેકવિધ વિષયમાં તેમણે પૂર્ણ વૈજ્ઞાનિક સંશોધન કર્યુ છે. પરંપરિત યુગોથી ચાલ્યા આવતા કંઠોપકંઠ સચવાઈ આવતા અને ધીરે ધીરે લુપ્ત થઈ રહેલા સાંસ્કૃતિક વારસાને તેમણે જાળવ્યો છે.’ 
              તેઓ કહે છે, હજી તો ઘણું પડેલું છે. મેં તો અડધું પણ મેળવ્યું નથી. આ તમામ લોકસાહિત્ય આપણો મોંઘેરો વારસો છે. આ વારસો જેમની પાસે છે તેવા અનેક આદિવાસીઓ ધીરે ધીરે મૃત્યુ પામી રહ્યા છે. આ કામ ઘણું મહત્ત્વનું છે, થવું જ જોઈએ. શિક્ષક પદેથી નિવૃત્ત થયા પછી ભગવાનદાસમાં નવા જોમથી કામગીરીને આગળ ધપાવવાનો ઉત્સાહ જન્મ્યો છે. શુદ્ધ લોકસાહિત્યનો સંગ્રહ, જતન અને સંવર્ધન કરતો આ જણ, ગુજરાતનું ગૌરવ છે.


 (આવી જ વિરલ વ્યક્તિ વિશેની રસપ્રદ વાતો જાણીશું આવતા ગુરુવારે...)   

લેખન : ઈશ્વર પ્રજાપતિ
આપ આપના પ્રતિભાવ નીચેના whatsapp no. પર લખી મોકલી શકો છો.
(98251 42620)

નોંધ:- મિત્રો બ્લોગની લિંક આપ શેર કરી શકો છો પરંતુ  બ્લોગના આર્ટિકલ્સને પોતાના નામે ચડાવી વાયરલ કરવાનો અવિવેક ન કરવા વિનંતી




Sunday, June 16, 2019

આપણો જિલ્લો આપણું વતન અરવલ્લી ભાગ - 20

              અરવલ્લીની સુજલમ સુફલામ ધરાને પોષતી  જળ સંપત્તિ

           
               જળએ જીવન નો આધાર છે. સિંધુ ખીણની સંસ્કૃતિ કાળ થી માનવી નદી કિનારે વસવાટ કરવાનું પસંદ કર્યું. છે. વિશ્વના પ્રાચીન વિરાસત ધરાવતા મહત્વના શહેરો નદી કિનારે વિકસ્યા છે. નદીઓને અમસ્તી જ લોક માતા નથી કહી. લોકમાતા સમસ્ત જીવસૃષ્ટિ ને પાલે છે અને પોષે છે. અરવલ્લી જિલ્લાની મુખ્ય ત્રણ નદીઓ છે. વાત્રક, મઝુમ અને મેશ્વો. આ નદીઓના કાંઠાઓનો વિસ્તાર સમૃદ્ધ છે. મહત્વના નગરો આ નદીઓના કિનારે વિકસ્યા છે. જિલ્લાનું મુખ્ય મથક મોડાસા પણ મઝુમ નદીના તટ પર વિકસ્યું છે. માનવની વિકાસ પાછળની આંધળી દોટને પરિણામે આ લોકમાતાએ પોતાનું સૌંદર્ય ગુમાવ્યું છે. ચોમાસુ પૂરું થતાં જ નદીનો મોટાભાગનો વિસ્તાર સૂકોભટ્ટ ભાશે છે.  ઉનાળાની શરૂઆત  થતા પહેલા જ પાણી પાણી ન પોકાર ઉઠે છે.
જો આપણે જળનું વ્યવસ્થાપન વિવેક પૂર્ણ નહીં કરીએ તો ભાવિ ઘણું કપરું. માનવ જ નહીં સમસ્ત જીવ સૃષ્ટિના અસ્તિવ માટે જોખમ છે.   
અરવલ્લીની  નદીઓ પર બંધાયેલા બંધ માં સંગ્રહેલ પાણી પર સમગ્ર જિલ્લાએ આધાર રાખવો પડે છે. 

માઝૂમ જળાશય યોજના 


             માઝૂમ જળાશય યોજના અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના વોલવા ગામ પાસે માજુમ નદી પર બનાવવામાં આવેલ છે. માજુમ યોજનાથી માઝૂમ નદીના ડાબા કાંઠાના વિસ્તાર ની 4717 હેકટર જમીનને સિંચાઇનો લાભ મળે છે. જેમાં મોડાસાના નવું ગામોનાં 1844 ચેપ્ટર અને ધનસુરાતાલુકાના 8 ગામોના 2873 હેક્ટર વિસ્તાર નો સમાવેશ થાય છે. માઝુમ યોજનાનું પૂર્ણ સપાટી લેવલ (એફ. આર. એલ.) 157.10 મીટર છે. આ લેવલે જળાશયની કુલ સંગ્રહશક્તિ 43. 86 મી. ઘન મી. છે. તથા 101.84 મી. લંબાઈ ની દરવાજા વાળી છલતી બનાવાઇ છે જેના ઉપર ડેમમાંથી નદીમાં પાણી છોડવા માટે 9.15×6.10 મી. ની સાઈઝના 9 દરવાજા મૂકવામાં આવ્યા છે. યોજનાના ડાબા કાંઠા વિસ્તારમાં સિંચાઈ માટે નહેરમાં પાણી છોડવા માટે માટીબંધની સાંકળ 50 મીટર ઉપર એચ.આર મૂકવામાં આવી છે.
માજુ યોજના બાંધકામ માં 3562.74 લાખનો ખર્ચ થયો છે. 
યોજનાની કામગીરી 1984ના વર્ષમાં પૂર્ણ થઈ છે. માઝૂમ સિંચાઈ યોજનામાં સિંચાઈની શરૂઆત વર્ષ 1984 - 85થી કરવામાં આવી છે.

મેશ્વો જળાશય યોજના


              મેશ્વો જળાશય યોજના અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના શામળાજી ગામ નજીક મેશ્વો નદી પર બનાવવામાં આવી છે. મેશ્વો યોજનાનું પૂર્ણ સપાટી લેવલ (એફ.આર.એલ.) 214.59 મીટર છે. આ લેવલે જળાશયની કુલ સંગ્રહશક્તિ 53. 13 મી. ઘન મી. છે. મૃત જથ્થો 3.16 મી. ઘન મી. છે. જીવંત જથ્થો 49. 97 મી. ઘન મી. છે. મેશ્વો યોજના માટે 167.24 મીટર લાંબો માટી બંધ બનાવાયો છે તથા 60 મીટર લંબાઇની દરવાજા વગરની છલતી બનાવાઈ છે. યોજના ડાબા કાંઠા વિસ્તારમાં સિંચાઈ માટે નહેરમાં પાણી છોડવા માટે હેમતપુર સેડલ ઉપર એચ.આર. મુકવામાં આવેલ છે.
            મેશ્વો યોજનાથી મેશ્વો નદીના ડાબા કાંઠા ના વિસ્તાર ની 7980 હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળે છે. જેમાં મોડાસા તાલુકાના 41 ગામના 6988 હેક્ટર અને ધનસુરા તાલુકાના 3 ગામોના 374 હેક્ટર અને ભિલોડાના છ ગામોના 618 હેકર વિસ્તારનો સમાવેશ થાય છે. 
Meco યોજના બાંધકામમાં 314.33 લાખનો ખર્ચ થયો છે. યોજનાની કામગીરી 1971ના વર્ષમાં પૂર્ણ થઈ છે. મેશ્વો સિંચાઈ યોજનામાં સિંચાઇની શરૂઆતનું વર્ષ 1972 -73 થી કરવામાં આવી છે.

વાત્રક જળાશય યોજના


           વાત્રક જળાશય યોજના અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના પહાડીયા ગામ નજીક વાત્રક નદી પર બનાવવામાં આવી છે વાત્રક યોજનાનું પૂર્ણ સપાટી લેવલ (એફ. આર.એલ ) 136 25 મીટર છે .આ લેવલે જળાશયોની કુલ સંગ્રહશક્તિ 158.203 મી. ઘન. મી. છે. મૃત જથ્થો 23.413 મી. ઘન મી. છે. જીવંત જથ્થો 134. 790 મી. ઘન મી. છે. 
વાત્રક યોજના માટે 310.90 મીટર લાંબો માટી બંધ બનાવાયો છે તથા 88.70 મીટર લંબાઈની દરવાજાવાળી છલતી બનાવાઈ છે. જેના ઉપર ડેમમાંથી નદીમાં પાણી છોડવા માટે 12.50 × 8.23 મી. ની સાઈઝના છ દરવાજા મુકવામાં આવેલ છે. યોજનાના ડાબા કાંઠા તથા જમણા કાંઠા વિસ્તારમાં સિંચાઈ માટે નહેરમાં પાણી છોડવા માટે ડાબા કાંઠા તથા જમણા કાંઠા એચ.આર મુકવામાં આવેલ છે. 
             વાત્રક યોજનાથી વાત્રક નદીના ડાબા તથા જમણા કાંઠા વિસ્તારની કુલ 75 ગામોની 18,341 હેકટર જમીનને સિંચાઇનો લાભ મળે છે. જેમાં માલપુર તાલુકાના 14 ગામોનાં 2020 હેક્ટર અને ધનસુરા તાલુકાના 8 ગામના 1876 બાયડ તાલુકાના 50 ગામોના 14 367 હેક્ટર અને કપડવંજ તાલુકાના એક ગામના નો સમાવેશ થાય છે.
વાત્રક યોજના બાંધકામમાં 7400 લાખનો ખર્ચ થયો છે.
યોજનાની કામગીરી 1984ના વર્ષમાં પૂર્ણ થઈ છે વાત્રક સિંચાઈ યોજનામાં સિંચાઈની શરૂઆતનો વર્ષ 1984-85 થી કરવામાં આવી છે.

વૈડી જળાશય યોજના

               વૈડી જળાશય યોજના અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ભેમપુર ગામ નજીક નદી પર બનાવવામાં આવી છે વૈડી યોજનાનું પૂર્ણ સપાટી લેવલ (એફ.આર.એ.લ ) 199. 20 મીટર છે. આ લેવલે જળાશયની કુલ સંગ્રહશક્તિ 9.29 મી. ઘન મી. છે. મૃત જથ્થો 0.59 મી. ઘન.મી. છે. જીવંત જથ્થો 8.70 મી. ઘન મી. છે. 
            વૈડી  યોજના માટે એક હજાર આઠ મીટર લાંબો માટી બનાવાયો છે તથા ૧૨૨ મીટર લંબાઈ ની દરવાજા વગરની છલતી બનાવી છે. યોજનાના ડાબા કાંઠા તથા જમણા કાંઠા વિસ્તારમાં સિંચાઈ માટે નહેરોમાં પાણી છોડવા માટે ડાબા કાંઠા તથા જમણા કાંઠા એચ.આર. મુકવામાં આવેલ છે.
વળી યોજનાથી વહેતી નદીના ડાબા જમણા કાંઠા વિસ્તારની કુલ 16 ગામોની 1235 હેક્ટર જમીનને સિંચાઇનો લાભ મળે છે. જેમાં મેઘરજ તાલુકાના 16 ગામોના 1235 હેક્ટર વિસ્તારનો સમાવેશ થાય છે. 
વૈડી યોજના બાંધકામ માં 180 લાખનો ખર્ચ થયેલ છે. યોજનાની કામગીરી 1980ના વર્ષમાં પૂર્ણ થયેલ છે. વૈડી સિંચાઈ યોજનાની શરૂઆત 1980 - 81 થી કરવામાં આવેલ છે.

લાંક જળસંપતિ યોજના 

            લાંક  જળસંપતિ યોજના અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ડેમ ગામના નજીક ધામણી નદી પર બનાવવામાં આવેલ છે લાક યોજનાનું પૂર્ણ સપાટી લેવલ (એફ.આર.એ.લ ) 111.55 છે. આ લેવલે જળાશયની કુલ સંગ્રહશક્તિ 7.54 મી. ઘન મી. છે. મૃત જથ્થો 0.10 મી. ઘન મી. છે. જીવંત જથ્થો 7.44 મી. ઘન મી. છે. લાંક યોજના માટે 1594. 50 મીટર લાંબો માટી બંધ બનાવાયો છે. તથા 55.50 મીટર લંબાઇ ની દરવાજા વાળી છલતી બનાવાઇ છે. જેના ઉપર ડેમમાંથી નદીમાં પાણી છોડવા માટે 9.15 × 6.10 મી. ની સાઈઝના પાંચ દરવાજા મુકવામાં આવ્યા છે. યોજનાના ડાબા કાંઠા વિસ્તારમાં સિંચાઈ માટે નહેરોમાં પાણી છોડવા માટે મોટી બંધની સાકર ૬૨૦ મીટર ઉપર એચ.આર મુકવામાં આવેલ છે હાલ મુખ્ય નહેર ની કામગીરી પૂર્ણ થઇ છે.
            લાંક  યોજનાથી કુલ 1900 એક્ટર જમીનને સિંચાઇનો લાભ મળનાર છે. જેમાં બાયડ તાલુકાના ચાર ગામોના 890 હેક્ટર અને કપડવંજ તાલુકાના ત્રણ ગામોના 1010 એક્ટર વિસ્તારનો સમાવેશ થાય છે. યોજના બાંધકામમાં 1783 લાખનો ખર્ચ થયો છે. યોજનાની કામગીરી 2007ના વર્ષમાં પૂર્ણ થઈ છે. સિંચાઈ યોજનામાં હાલની સ્થિતિએ ઉદવહન સિંચાઇ યોજનાની શરૂઆત 2013માં કરવામાં આવી છે.
સંદર્ભ : ગતિશીલ ગુજરાત પ્રગતિશીલ અરવલ્લી

(અરવલ્લીની વિરાસત  વિશે વધુ  જાણીશું  આવતા સોમવારે)

લેખન - :ઈશ્વર પ્રજાપતિ 
(આપના પ્રતિભાવ નીચે આપેલ whatsapp નંબર પર લખી મોકલી શકો છો )
(98251 42620)

નોંધ:- મિત્રો બ્લોગની લિંક આપ શેર કરી શકો છો પરંતુ મિત્રો મારા બ્લોગના આર્ટિકલ્સને પોતાના નામે ચડાવી વાયરલ કરવાનો અવિવેક ન કરવા વિનંતી

Thursday, June 13, 2019

વ્યક્તિ વિશેષ: ગ્રામયાત્રી સુરેશભાઈ પુનડિયા



ગાંધીજી અને વિનોબાજીના રંગે રંગાયેલા અનોખા ગ્રામયાત્રી સુરેશભાઈ પુનડિયા


              અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાનું અંતરિયાળ ગામ ઝરડા આજે ગ્રામવિકાસનો અભ્યાસ કરતા દેશ વિદેશના વિદ્યાર્થીઓ માટે અભ્યાસનું કેન્દ્ર બન્યુ છે. એક યુવાને આરંભેલા શ્રમ યજ્ઞએ ગામમાં ચમત્કાર સર્જ્યો છે. ફેબ્રુઆરી 2018 માં ગામમાં આવેલા અજાણ્યા યુવકના નિઃસ્વાર્થ સેવા યજ્ઞ થકી ગામના બાળકો, યુવાનો, મહિલાઓ અને વડીલો ખુશ ખુશાલ છે. આ યુવકના અનોખા કાર્યને નિહાળવા દેશ વિદેશના વિદ્યાર્થીઓ પત્રકારો આ ગામની મુલાકાત લઈ રહ્યા છે. 
             આ યુવાનનું નામ છે સુરેશભાઈ પુનડિયા ઉર્ફે સુરેશભાઈ ગ્રામયાત્રી. 
             બરછટ ખાદીના મેલઘેલાં વસ્ત્રોમાં ફરતા આ યુવાનને પહેલી નજરે જોઈ આપ કલ્પી ન શકો કે આ યુવાન વિચાર ક્રાંતિનું કેન્દ્રબિંદુ છે. આ યુવાને અંતરિયાળ ગામોની કાયાપલટ કરી ચમત્કાર સર્જ્યો છે. આ યુવાનની સાદગી અને સામાન્ય દેખાવ જોઈ કલ્પી ન શકો કે કેલિફોર્નિયાની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે આ યુવાન ઓનલાઈન અભ્યાસક્રમ ચલાતો હશે. અરે , 20 ઉપરાંત દેશોના યુવાન વિદ્યાર્થીઓ આ યુવાન પાસે જિંદગીના પાઠ શીખે છે. આ યુવાનનો જીવન નિરવાહનો માસિક ખર્ચ   રૂપિયા 1000 કરતાં પણ ઓછો છે. આ યુવાન ગ્રામોઉત્થાન અને સમાજોઉત્થાનનું ગાંધીજી અને વિનોબાજીના સપનાઓને સાકાર કરવા મથી રહ્યો છે. વ્યસન અને ફેશનમાં મસ્ત આજની યુવા પેઢી માટે એક આદર્શ પૂરો પાડે છે. ગાંધી અને વિનોબાના વિચારે નખશીખ રંગાયેલા આ યુવાન સાંપ્રત સમાજના વૈશ્વિક પડકારોના નિરાકરણ માટે એકલે હાથે ઝઝુમી રહ્યો છે. આ યુવાન વિચાર ક્રાન્તિની મશાલ લઈ એકલો નીકળી પડ્યો છે. 
             હાલ અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના છેક છેવાડે આવેલ ઝરડા નામના ગામમાં સુરેશભાઈ ગ્રામોત્થાનનો યજ્ઞ આરંભ્યો છે. સુરેશભાઈ પોતાની પાસે પૈસા રાખતા નથી. પૈસા વગર તેઓ જીવન જીવે છે. સંપૂર્ણ સ્વદેશી વસ્તુઓ પર નિર્ભર રહે છે. પોતાના જીવન નિર્વાહ ને લાગતી ટૂથ પેસ્ટ , સાબુ જેવા તમામ પ્રસાધનો આજુબાજુના પર્યાવરણમાં ઉપલબ્ધ સંપદા માંથી જાતે જ બનાવી લે છે. વર્ષ દરમિયાન પોતાને જોઈતા ચાર જોડી કપડાં પોતાની જાતે ચરખા પર કાંતિ લે છે. રોજ સવારે ચાર વાગ્યે ઊઠી જાય છે. ગામના બાળકો સાથે પાંચ વાગ્યે પ્રભાતફેરી કરે છે. પોતે સાવરણો લઈને નીકળી પડે છે. સજીવ ખેતીના પ્રયોગો કરે છે. કૃષિનું તેમનું જ્ઞાન ચકિત કરે તેવું છે. છ ભાષાઓ જાણે છે. પોતાની પાસે કોઈ વાહન રાખતા નથી. કોઈ પણ જગ્યાએ જવું હોય તો લિફ્ટ લઈને વગર ભાડે જ મુસાફરી કરી લે છે. લિફ્ટ લઇ મુસાફરી કરી તેઓ ભારતના તમામ રાજ્યો અને નેપાળની પણ મુસાફરી કરી ચુક્યા છે. પોતાના ખિસ્સામાં એક પણ રૂપિયા વગર 2016 માં કેલિફોર્નિયાની યુનિવર્સિટીમાં લેક્ચર આપવા માટે પણ જઈ આવ્યા છે. 
           તેઓનું મૂળ વતન તો પાટણ. સુરેશભાઈનાં માતાનું નામ પૂનમબહેન. તેઓ આંગણવાડીમાં શિક્ષિકા. પિતા રામજીભાઈ ખેતી અને સુથારીકામ કરે. ભણવામાં તેજસ્વી સુરેશભાઈએ GPSC ની પરીક્ષા પાસ કરી નાયબ મામલતદાર તરીકે અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં જોડાયા. નોકરી દરમિયાન તેઓને સમજાયું કે દરેક પૈસા પાછળ ચાલે છે. સમાજ અથવા પર્યાવરણની કોઈ કાળજી લેતું નથી. આ અને આજની દુનિયાના અન્ય સંબંધિત મુદ્દાઓ વિશે તેમના મનમાં ઘણા પ્રશ્નો હતા. તેથી, આ પ્રશ્નોના જવાબો શોધવા માટે, તેમણે મોભાદાર નોકરી છોડી દીધી અને ગુજરાત વિદ્યાપીઠમાં પ્રવેશ મેળવ્યો. 
          ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વખતે, તેઓ સફાઇ વિદ્યાલયના સ્થાપક પદ્મશ્રી ઈશ્વર ભાઈને મળ્યા. તેમની સાથે રહેતા સુરેશ રાજ્યના 800 ગામોની મુસાફરી કરી. જ્યાં તેમણે સ્વચ્છતા, પર્યાવરણ અને સ્ત્રી ભ્રૂણહત્યા વિશે જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો. આ બધું કરવા છતાં, તેમને લાગ્યું કે કંઈક ખૂટે છે. લાગ્યું કે તે પોતે બોલતા શબ્દોને જીવતા નથી.  તેમણે નક્કી કર્યું કે તેમને એક સ્થાન પર રોકાઈ અને તેઓ જે આદર્શ જીવન પ્રચાર કરી રહ્યા હતા તે પ્રમાણે આદર્શ જીવન જીવશે.
                આ વિચારને ધ્યાનમાં રાખીને, સુરેશ ગુજરાતમાં દહેગામ નજીક વાંકાનેડા નામના નાના ગામ પહોંચ્યા અને તેમના જીવનમાં એક નવા પ્રકરણ શરૂઆત કરી.  આ ગામની કાયાકલ્પ સુરેશ ગ્રામયાત્રી નામના એક યુવકે કરી. અનેકવિધ પ્રવૃતિઓ કરીને તેમણે આ ગામને, ગામના લોકોની મદદથી નવપલ્લિત કર્યું. સતત પાંચ વર્ષ સુધી આ ગામમાં રહી સુરેશભાઈએ સંસ્કારલક્ષી, મૂલ્યલક્ષી અનેક પ્રવૃતિઓ શરૂ કરી. બાળમંડળ, યુવામંડળ અને મહિલામંડળની સ્થાપના કરી. ગામના સ્મશાનને સુંદર ઓપ આપ્યો. સ્મશાન મોટા ભાગે ડરામણી અને નફરત માટેની જગ્યા ગણાતી હોય છે. સુરેશભાઈએ લોકોના હૃદયમાંથી સ્મશાન અંગે ડર અને અંધશ્રદ્ધા દૂર કરવા સ્મશાનમાં નિયમિત રીતે ખીચડી ઉત્સવ ઉજવાનું નક્કી કર્યું. શરૂઆત માં 5-7 લોકો જ જોડાયા ધીમે ધીમે બે-અઢી મહિને થતા ખીચડી ઉત્સવમાં 600થી 700 લોકો જોડાવા લાગ્યા. આ રીતે તેમણે અંધશ્રદ્ધા દૂર કરી.

                 સુરેશભાઈએ વાંકાનેડા ગામમાં જ્યાં કચરાનો ઉકરડો હતો ત્યાં લોકોની મદદથી તેને સાફ કરીને ત્યાં શાળા કરી. શાળાને નામ આપ્યું મસ્તીની પાઠશાળા. અહીં તેમણે બાળકોને સરસ રીતે ભણાવવાનું ચાલુ કર્યું. અહીં બાળકો સ્વચ્છતાના પાઠ શીખે અને વ્યસનમુક્તિ આંદોલનના વાહક પણ બને. સુરેશભાઈની ભણાવવાની પદ્ધતિ એટલી અદભૂત અને અસરકારક કે આજે બાળકો ગામમાં ક્યાંય કચરો દેખાય તો જાતે જ સાફ કરવા લાગે છે.
          સુરેશભાઈએ પ્રેમ અને સંવેદના સાથે કરેલા પ્રયોગોને લોકોએ હૃદયથી સ્વીકાર્યા છે. તેમણે પાંચ વર્ષ દરમિયાન કરેલા વ્યસનમુક્તિ યજ્ઞોને સુંદર પ્રતિસાદ મળ્યો છે. ગામના 70થી વધુ વ્યક્તિએ સ્વેચ્છાએ દારુ છોડી દીધો છે. તેમણે વ્યસનમુક્તિમાં બાળકોનો ઉપયોગ કર્યો. દારુનો બાટલો, મોતનો ખાટલો તથા દારુની પોટલી, મોતની ટોપલી જેવાં સૂત્રોએ ઉત્તમ પરિણામ લાવી આપ્યું છે.
              આ ગામમાં રાષ્ટ્રીય ભાવનાના સંસ્કાર આપવામાં આવે છે. અહીં ઊંચ-નીચના કોઈ ભેદભાવ નથી. હમ સબ એક હૈ નો ભાવ દરેકના હૃદયમાં પ્રસ્થાપિત કરાયો છે. સુરેશભાઈએ પોતાની અટક ગ્રામયાત્રી કરી દીધી છે.
              પ્રેમ એક એવું રસાયણ છે જે તમામ બીમારીનો ઈલાજ છે. ગામમાં કોઈ ઝઘડો કરે અને અજુગતું બોલે તો સુરેશભાઈ ઉપવાસ કરે. આ વાત કોઈને નવી લાગે, પણ તેનાં પરિણામો આવે છે. સુરેશભાઈએ રોજગારી માટે સુંદર પ્રયોગો કર્યાં છે. તેમણે ઋષિખેતી શરૂ કરી છે. જય ખેડૂતનો નારો આપ્યો છે. તેમણે ગામમાં 28 જગ્યાએ શાકભાજીની ખેતી શરૂ કરાવી છે. તેમણે તેને નામ આપ્યું છે પરિવાર પોષણ મંદિર. સુરેશભાઈ પોતે ગાય રાખે છે. ગામના લોકો પશુપાલન આધારિત ખેતી કરીને ઉત્તમ આવક મેળવે તે માટે તેમણે સુંદર પ્રયોગો કર્યાં છે. મૂળ પાટણના આ યુવકે ખરેખર ચમત્કાર કર્યો છે. 
          આ ગામમાં પાંચ વર્ષ પૂર્ણ થયાં એટલે સુરેશભાઈએ ગામ છોડી દીધું. કહે છે, ગામને કોઈની આદત ન પડવી જોઈએ. ગ્રામજનોએ પોતાનો ઉત્કર્ષ અને વિકાસ જાતે જ કરવો જોઈએ. હવે ગામમાં એવું વાતાવરણ ઊભું થઈ ગયું છે. ગ્રામજનોને પોતાનો વિકાસ કરતાં આવડી ગયું છે. હવે મારું કામ પૂરું થયું છે.
         છેલ્લા સવા વર્ષથી તેઓ અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ઝરડા ગામે ગામ ઉત્થાનનું કામ કરી રહ્યા છે. આ ગામમાં રાષ્ટ્રીય ભાવનાના સંસ્કાર આપવામાં આવે છે. અહીં ઊંચ-નીચના કોઈ ભેદભાવ નથી. હમ સબ એક હૈ નો ભાવ દરેકના હૃદયમાં પ્રસ્થાપિત કરાયો છે. સુરેશભાઈએ પોતાની અટક ગ્રામયાત્રી કરી દીધી છે.
               ગામમાં કોઈ ઝઘડો કરે અને અજુગતું બોલે તો સુરેશભાઈ ગાંધી રાહે ઉપવાસ કરે. આ વાત કોઈને નવી લાગે, પણ તેનાં પરિણામો આવે છે. ગામના વિદ્યાર્થીઓ માટે જીવન લક્ષી શિક્ષણ આપે છે. શ્રમ અને સેવાની મહિમા કર્મ દ્વારા સમજાવે છે. નોખા બળમેલા યોજી બાળકોમાં વિવિધ કૌશલ્યો નો આપો આપ વિકસિત કરી રહ્યા છે. સુરેશભાઈના આ અનોખા યજ્ઞને નિહાળવા અરવલ્લીના આ અંતરિયાળ ગામડામાં દેશ વિદેશથી મહેમાનો ઉમટી પડે છે. અને સુરેશભાઈ કોઈ જ પદ કે પ્રતિષ્ઠા ના મોહ વગર પોતાના કાર્યમાં ખુમ્પી ગયા છે. 
           ગુજરાતના અંતરિયાળ ગામડાઓ ખૂંદી લોકોને આત્મનિર્ભર બનાવવાના પાઠ શીખવતા આ યુવકને પહેલી ઓક્ટોબર, 2018ના રોજ અમદાવાદમાં વિચાર ટ્રસ્ટના ઉપક્રમે ગુજરાતના રાજ્યપાલ શ્રી ઓ.પી.કોહલીના હસ્તે ગાંધીમિત્ર જેવો પ્રતિષ્ઠિત એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો છે.
 (આવી જ વિરલ વ્યક્તિ વિશેની રસપ્રદ વાતો જાણીશું આવતા ગુરુવારે...)   

લેખન : ઈશ્વર પ્રજાપતિ
આપ આપના પ્રતિભાવ નીચેના whatsapp no. પર લખી મોકલી શકો છો.
(98251 42620)

નોંધ:- મિત્રો બ્લોગની લિંક આપ શેર કરી શકો છો પરંતુ  બ્લોગના આર્ટિકલ્સને પોતાના નામે ચડાવી વાયરલ કરવાનો અવિવેક ન કરવા વિનંતી


Monday, June 10, 2019

આપણો જિલ્લો, આપણું વતન અરવલ્લી ભાગ -19


અરવલ્લી જિલ્લાના સાહિત્ય રત્નો

પદ્મશ્રી દેવેન્દ્રભાઇ પટેલ 


                                     (20/10/1945 )
             "કભી કભી" કોલમ થકી છેલ્લા પાંચ દશકથી વિશ્વમાં વસતા લાખો વાચકોના હૃદયમાં રાજ કરતા પદ્મશ્રી દેવેન્દ્ર પટેલ અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના આકરુંદ ગામના વતની છે. ગુજરાતી ભાષાની સાંપ્રત અને ચિરંતન એમ બન્ને કાંઠેથી આત્મસાત કરનાર વર્તમાન અને આધુનિક લેખકોમાં દેવેન્દ્ર પટેલનું નામ મોખરે છે. ગુજરાતના બે માતબર કામ કરવાનું તેમને અનુભવ છે. દરેક પરિસ્થિતિને આગવી રીતે આ લેખોનું તેમનો આગવો અંદાજ છે તેમણે ટૂંકી વાર્તાઓ, નવલકથાઓ, વિદેશ પ્રવાસ વર્ણનો, ગલ્ફ વોરની કથાઓ અને ઇતિહાસ ગ્રંથો પણ લખ્યા છે. 
                    મુખ્યત્વે સાહિત્યકાર હોય અને પત્રકારત્વ ક્ષેત્રે ખેડાણ કર્યું હોય એવા ઝવેરચંદ મેઘાણી હરીન્દ્ર દવે ભગવતીકુમાર શર્મા વગેરેના સાહિત્યની સમુચિત નોંધ લેવાઈ છે પરંતુ એથી ઉલટા ઉદાહરણમાં પત્રકારોના સાહિત્યિક પ્રદાનની નોંધ જવલ્લેજ લેવાઇ છે. ત્યારે યુવા સર્જક અને પત્રકાર  માસુંગ ચૌધરીએ પત્રકાર દેવેન્દ્ર પટેલના સર્જનની સમુચિત સમીક્ષા કરી આ ઊણપ દૂર કરવાનો આવકાર્ય પ્રયાસ કર્યો છે. ડૉ. માસુંગ ચૌધરીએ "પત્રકાર દેવેન્દ્ર પટેલનું સાહિત્ય" વિષય પર મહાશોધ નિબંધ તૈયાર કરી રજૂ કરી પી.એચ.ડી. ની ડિગ્રી પ્રાપ્ત કરી છે. 
                 પત્રકાર લેખક દેવેન્દ્ર પટેલના સાહિત્ય સર્જન અંગે પોતાના તારણમાં માસુંગ ચૌધરીએ કહ્યું હતું કે દેવેન્દ્ર પટેલ ની નવલકથા નું મુખ્ય અને મહત્વનું લક્ષણ બળુકી ઘટના અને તેની આ લેખન શૈલી છે આ શૈલી તેમણે મેળવી નથી પણ ખૂબ સહજ રીતે તેમનામાં પ્રગતિ છે એ જ રીતે તેમની જાનપદી પરિવેશની ચોટદાર અને લાગણીથી ભીંજાયેલી વાર્તાઓ માનસ પટ ઉપર સિનેમેટોગ્રાફી અસર ઉપજાવી શકે છે. આ જ તો એમની વર્ણન શૈલી અને વાત પ્રસ્તુત કરવાની અને વાર્તાની ગૂંથણી કરવાનું અદભુત કૌશલ્ય છે. 
જાણીતા કટાર લેખક કૃષ્ણકાંત ઉનડકટના શબ્દોમાં કહું તો “પદ્મશ્રી દેવેન્દ્ર પટેલ ખરા અર્થમાં શબ્દના સાધક છે. એમણે પોતાની જિંદગી શબ્દોને સમર્પિત કરી છે. પત્રકારત્વ અને લેખન વિશ્વમાં આવું વ્યક્તિત્વ 'કભી કભી' જ જોવા મળે છે. બહુ ઓછા લેખકો એવા હોય છે જેની દરેક વિષય પર હથોટી હોય. દેવેન્દ્રભાઇ પટેલ પાસે આવો હુન્નર છે. તેઓની લેખનશૈલી એટલી રસાળ હોય છે કે એક વખત એમનું લેખન વાંચવાનું શરૂ કરે પછી પુરુ કર્યા વગર છોડી શકતો નથી”
           હાલ સંદેશની સંસ્કાર પૂર્તિ માં પ્રસિદ્ધ થતી અલંકૃતા નવલકથા સાહિત્ય કૃતિનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ છે. આજના યુગમાં પણ નવલકથા વાંચવા 17 વર્ષના યુવા પેઢીથી માંડી 70 વર્ષના વડીલોને ઝંકૃત કર્યા છે.
              સાહિત્ય ક્ષેત્રમાં તેનું યોગદાન મૂલ્યવાન છે. તેઓ માત્ર એક પત્રકાર જ નહીં, પરંતુ એક ઉત્તમ ટૂંકી વાર્તા લેખક પણ છે. તેમણે ગુજરાતીમાં અનેક નવલકથાઓ લખી છે. તેમણે ટીવી સિરિયલ્સ અને ગુજરાતી ફિલ્મ માટે સ્ક્રીનપ્લે માટે નાટકો અને સ્ક્રિપ્ટ્સ પણ લખ્યા છે. તેમને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા તેમના પુસ્તક ઇઝરાઇલ, બાઇબલની ભૂમિ માટે પ્રથમ ઇનામ આપવામાં આવ્યો છે. તેમણે પાટીદારોનો ઇતિહાસ, અમદાવાદનો ઇતિહાસ અને કચ્છનો ઇતિહાસ લખ્યો છે. ગલ્ફ્વાર પર તેમની બે પુસ્તકોને ઇરાકમાં તાજેતરના યુદ્ધના અસાધારણ વર્ણન અને વિશ્લેષણ તરીકે ગણવામાં આવે છે. ટૂંકી વાર્તાઓ, હકીકતો આધારિત વાર્તાઓ, નવલકથા, ઇતિહાસ અને યુદ્ધ જેવા વિવિધ ક્ષેત્રોમાં 60 થી વધુ પુસ્તકો પ્રકાશિત કરવામાં આવ્યા છે. તેમની પોતાની જીવનચરિત્ર 'આંતરક્ષિતિજ' એ સાહિત્યના ક્ષેત્રમાં શ્રેષ્ઠ    અને ઉત્તમ કામ છે. 
             પત્રકારત્વ ક્ષેત્રમાં તેમના યોગદાન અભૂતપૂર્વ છે. ચીલા ચાલુ પત્રકારત્વ થી હટકે નવો જ ચીલો ચતર્યો છે. આજે તેઓ આગામી ઘણા પત્રકારો માટે એક રોલ મોડેલ છે.
દેવેન્દ્ર પટેલને ભારતના રાષ્ટ્રપતિ દ્વારા 'પદ્મશ્રી' પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.
         પદ્મશ્રી દેવેન્દ્ર ભાઈ પટેલ માત્ર અરવલ્લીનું નહીં પરંતુ સમસ્ત ગુજરાત ગૌરવ પૂર્વક નામ લઈ શકે એવું ગૌરવવંતુ નામ છે. 

અરવિંદભાઈ ગજ્જર.


13/1/1946

"કોરું મોરું જળ વરશે ને ભીનો ભીનો તડકો,
આવો વાલમ આવો મુજને શ્રવણ જેવું અડકો."
                ગીત વાંચતા જ દિલને સ્પર્શી જાય છે. આવા તો અનેક સુંદર ગીતોના ગીતકાર એટલે અરવિંદભાઈ ગજ્જર. 
મોરારી બાપૂના સાનિધ્યમાં યોજાતા સાહિત્યના મહાકુંભ એવા અસ્મિતાપર્વમાં તેઓને ગત વર્ષે વાર્તા પઠનનું સદભાગ્ય સાંપડ્યું હતું. મોરારી બાપૂના સાનિધ્યમાં વાર્તા પાટણ કરી લોકોના દિલ જીતી લેનાર અરવિંદભાઈ ગજ્જરનું મૂળ વતન તો મહીસાગર જિલ્લાનું નાનકડું ગામ શામણા. પરંતુ વર્ષો થી તેઓએ અરવલ્લી પંથક ને પોતાની કર્મભૂમિ બનાવી છે. હાઈસ્કૂલમાં આચાર્ય તરીકે 36 વર્ષ યશસ્વી સેવાઓની સાથે સાથે તેઓ એ સાહિત્યની પણ સેવાઓ કરી છે. હાલ મોડાસા ખાતે સાહિત્યિક પ્રવૃત્તિઓ થી ધમધમતી સંસ્થા "શબ્દ સેતુ" ની તેઓ પાયાની ઈંટ છે. આજે આ સંસ્થા ની ખ્યાતિ સમસ્ત ગુજરાત ના સાહિત્ય જગતમાં ફેલાઈ છે. 
             કિશોર અવસ્થા થી જ સાહિત્યમાં ગજબનો શોખ ધરાવતા. કિશોર અવસ્થાથી લેખન ના પગરણ મંડ્યા. અને તેઓની કવિતાઓ, વાર્તાઓ પ્રસિદ્ધ સામયિકોમાં છપાતી થઈ. આકાશવાણી ઉપરથી અનેકવાર કૃતિઓ રાજુ કરવાનો યશ તેઓને મળ્યો છે. 
         ગુજરાત ના ખ્યાતનામ કવિ સુરેશ દલાલે ગીત સંચય કર્યો એમાં અરવિંદભાઈ ના ગીતો સ્થાન પામ્યાં. આ ઉપરાંત ગુજરાતના ઘડવૈયા નામે જીવન ચરિત્રનું પુસ્તક કર્યું. દેશના મહાનુભાવો લાલબહાદુર શાસ્ત્રી, મહારાણા પ્રતાપ, શિવાજી અને બુદ્ધની ચરિત્રની પુસ્તિકાઓ તૈયાર કરી. મોડાસા બી.એડ.કોલેજના મુખપત્ર નુતન અધ્યાપનમાં સંપાદન મહત્વનું કામ પણ તેઓએ સફળતા પૂર્વક કર્યું. 
                સેવા નિવૃત્તિ બાદનો તમામ સમયે સાહિત્યની સેવામાં ગાડે છે સાહિત્યને લગતા કોઈપણ કાર્યક્રમ હોય તો તેઓ અચૂક હાજરી આપે છે. રાવજી પટેલ તેઓના પ્રિય કવિ છે. ગુજરાતના કોઇપણ ખૂણામાં રાવજી પટેલ ની કવિતાને લગતા કોઈપણ કાર્યક્રમ હોય તો તેઓ આ ઉંમરે પણ જવાનું ચૂકતા નથી. 

અલ્પેશભાઈ પટેલ 


બહુ ઓછા પત્રકારો સાહિત્યકાર પણ છે અને બહુ ઓછા સાહિત્યકારો પત્રકાર પણ છે ભાઈ અલ્પેશ પટેલ પત્રકાર અને સાહિત્યકાર બેઉ છે તેમનામાં સમાચારની શુઝ પણ છે અને માનવ સંબંધોની ગહેરાઇની સમજ પણ છે. માનવ સંવેદનાઓને તેઓ સરસ રીતે ઝીલી પણ શકે છે અને એ આવિર્ભાવ સરસ રીતે શબ્દોમાં ઢાળી પણ શકે છે. અત્યાર સુધી તેઓના ચાર પુસ્તકો પ્રકાશિત થઇ ચુક્યા છે. જેમાં મુખ્યત્વે નવલકથા, ટૂંકીવાર્તા અને પ્રેરણાત્મક લેખો છે. "સંદેશ" અખબારમાં દર રવિવારે આવતી ધારદાર કોલમ "ચલતે ચલતે" થકી તેઓ વાંચકોમાં ખૂબ પ્રસિધ્ધિ પામ્યા છે. 
             આમતો પત્રકારત્વ લોખંડના ચણા ચાવવા જેવું છે એમાંય પત્રકારત્વ સાથે સાહિત્યમાં અને એમાંય વળી વાર્તાલેખન માં ખેડાણ એ તો ભારે પડકારરૂપ બની રહે છે. એમ છતાં ભાઈ અલ્પેશ પટેલની કલમે વાર્તા, નવલકથા અને પ્રેરણાદાયી લેખો અવતર્યા છે એમાંથી ગામડાની માટીની મીઠી મહેંક આવે છે. જ્યારે "જમકુડી" અને "હું કેવી લાગુ છું " એ બેઉ વાર્તાસંગ્રહ આમતો અલ્પેશ પટેલના વતન અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના ઉદેપુર ગામની ભીની માટીની સુગંધ મળે છે. જેમાં શબ્દોની મીઠાશ છે. તળપદી શૈલીમાં પ્રત્યેક શબ્દોને તેમણે વહાલથી રમાડ્યા છે. કે ઝમકુડી તો એક જીવન પાત્રની જેમ ઉભરી આવ્યું છે અલ્પેશ પટેલ ની વાર્તાઓ સાદી અને સરળ ભાષામાં એકધારી વહી રહે છે. 
અરવલ્લીના આ યુવા સર્જક પાસે સાહિત્ય જગતને ખૂબ અપેક્ષાઓ જગાવી હોય એ સ્વાભાવિક છે.

(અરવલ્લીની વિરાસત  વિશે વધુ  જાણીશું  આવતા સોમવારે)

લેખન - :ઈશ્વર પ્રજાપતિ 
(આપના પ્રતિભાવ નીચે આપેલ whatsapp નંબર પર લખી મોકલી શકો છો )
(98251 42620)

નોંધ:- મિત્રો બ્લોગની લિંક આપ શેર કરી શકો છો પરંતુ મિત્રો મારા બ્લોગના આર્ટિકલ્સને પોતાના નામે ચડાવી વાયરલ કરવાનો અવિવેક ન કરવા વિનંતી


Thursday, June 6, 2019

વ્યક્તિ વિશેષ : નરેશ લીંબચીયા


 પ્રાચીન સ્થાપત્યોમાં પીંછી વડે પ્રાણ પૂરતા અદના ચિત્રકાર નરેશ લીંબચીયા


             નરેશ લીંબચીયા 
        રંગો, પીંછી અને કેનવાસના સહારે સાબરકાંઠાના પ્રાચીન શિલ્પ સ્થાપત્યોમાં પ્રાણ પૂરતો અદનો ચિત્રકાર એટલે નરેશ લીંબચીયા. નારેશભાઈના હાથમાં રહેલી રંગ ભરેલી પીંછીનો કેનવાસ પરનો એક એક ઘસરકો સાબરકાંઠાને ગૌરવ અપાવવાનું કાર્ય કરી રહી છે. સાવ સામાન્ય આર્થિક પરિસ્થિતિ અને સામાજિક સંઘર્ષો વચ્ચે પણ રંગોના સહારે પ્રાચીન દેવાલયો, દેરાસરો, શિલ્પો અને સ્થાપત્યોને વિશ્વમાં ગૌરવ અપાવવાનું પ્રણ લઈ બેઠો છે આ કલાકાર. મોનાલીસાના ભેદી સ્મિત જોઈ હરખાતા આપણે સૌ અને સરકાર આવા અનેક કલાકારોની કલાને પોંખવામાં ઉના ઉતાર્યા છીયે. આપણી સંસ્કૃતિ વિરાસતને પોતાની કલા થકી ઉજાગર કરનાર અનેક કલાકારો સમગ્ર જીવન સંઘર્ષમાં વિતાવવા મજબુર બને છે. એમ છતાં કલાકાર પોતાના હૃદયમાં ધબકો કલા પ્રેમ અનેક પડકારો વચ્ચે પણ જીવંત રાખે છે. આજે વાત કરવી છે સાબરકાંઠાના ચિત્રકારની. 
            સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાનું મોયદ ગામ વતન. કવિઓ જન્મે છે, બનતા નથી. એમ નરેશભાઈ માટે કહી શકાય કે તે જન્મે ચિત્રકાર છે. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણની સાથે-સાથે અન્તઃસ્ફુરણાથી તેઓ કાગળ, પેન્સિલ અને રંગો તરફ આકર્ષાયા. અને ચિત્ર દોરવાનો શોખને સંતોષવા લાગ્યા. મનગમતા વિષયને કાગળમાં ચિત્ર રૂપે દોરવામાં તેમને સહજ આનંદ આવતો. આવા ચિત્રો દોરવાની કોઈ વિશેષ તાલીમ લીધી નહોતી. આપસૂઝથી ચિત્રોની જીવંત બનાવવામાં તેમની મજા આવતી. તેમાંથી ધીમે ધીમે ચિત્રની સાધના માંડી બેઠા. 
            પહેલેથી જ ચિત્રો ને રંગોની દુનિયામાં રસ ખરો, એટલે એમણે રેખાઓ,આકારો સાથે ઘરોબો કેળવી લીધો.નરેશભાઈ ડ્રાફ્ટમેન સીવીલ કર્યા પછી કોઈ નોકરી કરવાને બદલે ચિત્રકામને જ પોતાનું સમસ્ત જીવન સમર્પિત કરી દીધું. પેઇન્ટિંગ એડવર્ટાઇઝિંગને વ્યવસાય તરીકે સ્વીકાર્યો. 
નાની ઉંમરે પત્નીનું મૃત્યુ થયું. તેથી નાના બે બાળકોની સંપૂર્ણ જવાબદારી આવી પડી. પરિવાર પર જાણે આફતોનું આભ ફાટી પડ્યું. જીવનમાં કટોકટી અને સંઘર્ષનો સમય શરૂ થયો. બીજીતરફ આર્થિક સ્થિતિ બિલકુલ મંદી. આવા સમયમાં પણ પોતાની મસ્તી અને આનંદ માટે ચિત્ર સાધના પ્રેમથી ચાલુ રાખી. આ ચિત્રો દોરવાની આવડતમાંથી તેમણે એ પ્રકારનું નાનું-મોટું કામ મળવા માંડ્યું. કોમર્શિયલ આર્ટિસ્ટની જેમ માગણી મુજબના ચિત્રો દોરી આપવા, એડવર્ટાઇઝ માટે જરૂરી પેઇન્ટિંગ કરી આપવાથી થોડી કમાણી કરી, આર્થિક સમસ્યાનો હલ કરતા જઈ જીવનનું ગાડું ગબડાવતા રહ્યા. આ સમય દરમ્યાન સાબરકાંઠાના કાશ્મીર સમાન વિજયનગરની પોળોના જંગલો અને પ્રાચીન સ્થાપત્યો એ આ કલાકારને આકર્ષયો. 
             આ યુવાનને 'ઉત્તર ગુજરાત નું કાશ્મીર' ગણાતું પોળોનું જંગલ મનમાં વસી ગયું. કોઈ અકળ ખેંચાણથી જાણે તે પોળોની મુલાકાતે ગયા. અહીં અડાબીડ વનમાં સદીઓ જુના પ્રાચીન મંદિરોની વિરાસત પથરાયેલી છે. આ મંદિરો અગિયારમી સદીથી પંદરમીમી સદીના સમયગાળામાં આવિષ્કાર પામ્યા હતા. આ ચિત્રકારની જૈન અને શૈવ મંદિરોની અણમોલ વિરાસત પ્રભાવિત કરી ગઈ. જૂના સ્થાપત્યો મૂળમાં ધર્મસ્થાનો હતાં. પવન, પાણી, તડકો, દવ જેવા પ્રાકૃતિક બળોની સામે ઝીંક ઝીલતા યુગોથી અડીખમ ટકી રહ્યા છે. આ ભવ્ય વિરાસત નરેશભાઈની રોમ હર્ષની લાગણી જગાડતી અને એક અલગ પ્રકારની ઝણઝણાટી થતી.
              તેનાથી નરેશભાઇએ આ સ્થાપત્યની વારંવાર મુલાકાત લેવાનું રાખ્યું. કલાકો સુધી સ્થાપત્યોને માણવાનું તેને આંતરદ્રષ્ટિથી, ઝીણવટથી નિહાળવાનું અને તે નિમિત્તે જાણે કે તેની તેના આ આંતર દર્શનથી એ વિરાસત અંગે એક જુદો ભાવ ચમત્કાર અનુભવાતો રહ્યો. આ ભાવ ચમત્કૃત ક્ષણોને વધારે ને વધારે આત્મસાત કરતા રહ્યા. તેનાથી નરેશભાઈને એક દિવ્ય યાને કે આધ્યાત્મિક અનુભૂતિ થઈ. આ પ્રાચીન મંદિરો તેના હૃદયમાં નવા ભાવ જગાડતા ગયા. તેની એક સાધકની જેમ સાધના કરતા રહ્યા. તેના પરિણામે કેન્વાસ ઉપર ચિત્ર રૂપે વ્યક્ત થતા લાગ્યા. સદીઓથી પલાંઠી વાળીને બેઠેલા આ સ્થાપક તેઓ કલાકારની આખી કલ્પનાની પાંખે ચડી રંગોના વિવિધ સંયોજનથી ચિત્રનું રૂપ પામવા લાગ્યા. દરેકને નિરખતા જઈ, તેના ભાવ સ્વરૂપની આત્મસાત કરી કેન્વાસ ઉપર પ્રગટાવવાની ધુન લાગી. સાથે-સાથે પોળોની આ પ્રાચીન વિરાસતને આ સાંસ્કૃતિક ધરોહરની વિશ્વ ફલક ઉપર ઓળખ આપવાની ઇચ્છા જાગી. તેની પાછળ સતત અઢી વર્ષના અથાગ શ્રમથી પોતાના ભાડાનો સ્ટુડિયામાં (એક નાનકડું રૂમમાં) કામ કરવાનું શરૂ કર્યું. આ પ્રાચીન સ્થાપત્યો ને કેનવાસ પર ઉતારી , રંગો ભરી પ્રાચીન શિલ્પોમાં જાણે પ્રાણ પુરી દીધા!! ભૂતકાળને જાણે પુનઃ જીવંત કરી દીધો!! 

              46 વર્ષના નરેશભાઈ પોળોમાં મંદિરો વિશે જણાવે છે કે "મેં વિશે થોડાં વર્ષ અગાઉ મંદિરો પહેલીવાર જોયેલા, ત્યારથી પ્રભાવિત થયો હતો. અહીં જૈન અને હિંદુ બંને ધર્મના મંદિરો સાથે છે. ખંડેર હાલતમાં જ ભલે પણ એમની દિવ્યતા અખંડિત છે. એમને જોતાં જ ઐતિહાસિક જાહોજલાલી નજરે પડે છે. સદીઓથી અડીખમ ઊભા છે. એના સ્થાપત્યના વખતે કેવા દબદબો હશે! એ વિચારીને જ રોમાંચ થાય છે. પર્યટન ક્ષેત્રે વિકસિત કરીએ. આ બધા વિશ્વકક્ષાના સ્થાપત્યો છે. એટલે નક્કી કર્યું કે ચિત્રો દ્વારા રંગો તેમની ઐતિહાસિક આભા ઉત્પન્ન કરી એ મંદિરોને અને આપણા ભવ્ય વારસાને વિશ્વ સમક્ષ પુનર્જીવિત કરવો. અને આજે ઈશ્વરની કૃપાથી મારું એક કામ સારી રીતે આગળ વધી રહ્યું છે." 
                 ઊંડી આધ્યાત્મિકતા ધરાવતા નરેશભાઈ ભવિષ્યના આયોજન વિશે કહે છે કે "કોઈ અલૌકિક તત્વની પ્રેરણાથી જ આ બધું થાય છે. અત્યારે તો મારે આમાં જ કાર્યરત રહેવું છે. પછી કુદરત સુઝાડે એમ કરતો જઈશ."
               નરેશભાઈની આ ચિત્ર સાધના પાછળના હેતુ વિશે પૂછશો તો એક જ વાત વારંવાર એમની જીભે ચડે છે. " આતો મારા પોળોના જંગલો, મારા મંદિરો, મારો જીલ્લો, મારો સાબરકાંઠો, મારુ ગૌરવ છે. એટલે એની ખરી સમૃદ્ધિની લોકોનું ધ્યાન ખેંચી શકું. એમને પ્રસિદ્ધિ અપાવી શકું એટલે બસ."
             ફક્ત ચિત્રકામ, પેઇન્ટિંગ એડવર્ટાઇઝીંગ દ્વારા ગુજરાન ચલાવતા નરેશભાઈની ઘરખર્ચમાં એ સ્વાભાવિક છે પોતાની માતા, પુત્ર હર્ષ અને પુત્રી નંદિની સાથે રહેતા નરેશભાઈએ જીવનની અભાવો વચ્ચે સાડા ચાર દાયકામાં અનેક ઉતાર-ચઢાવ જોઈ લીધા છે. નાની ઉંમરે પત્ની કિરણની વિદાય અને પુત્રની બીમારીને લીધે એ વધુને વધુ ભાવુકતા સંવેદનશીલતામાં કામ કરે છે. અને હાલ સંપૂર્ણપણે ઈશ્વરને આધીન રહી, મંદિર ના ચિત્રો પૂરા કરવામાં સમર્પિત છે.
               નરેશભાઈ કલાક્ષેત્રના અવનવા નવીનતમ પ્રયોગોને પણ આવકાર્યા છે. પોળોના મંદિરોની મૌલિક ચિત્રો જુદી જુદી ટીવી ચેનલ, અખબારો અને સુપ્રસિદ્ધ અખબારો દ્વારા રજૂ થયા છે. ગુજરાત સરકારના મુખપત્ર "ગુજરાત"ના દિવાળીના વિશેષ અંકમાં આ મંદિરોમાં આ ચિત્રો સ્થાન પામ્યા છે. 

        નરેશભાઈ પોતાની સફળતાનો સંપૂર્ણ યશ સંઘર્ષકાળ માં સાથ આપનાર મિત્રોને આપે છે. પ્રેસ અકાદમીના સચિવશ્રી અને કલાના કસબી એવા પુલક ત્રિવેદી સાહેબે આ અદના ચિત્રકારને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. તો કાલ પ્રેમી પ્રેમજી પટેલ જેવા લેખકોએ પ્રસિદ્ધ સામયિકોમાં લેખો થકી આ ચિત્રકારની પીંછી ને પોંખી છે. સામાજીક સંસ્થાઓએ તેઓના આ સરાહનીય કાર્યની નોંધ લઈ અનેક ખિતાબોથી નવાજ્યા છે. 
             સમાજમાં રહેલા આવા કલાકારો, ચિત્રકારો અને કલાના કસબીઓને જો સરકાર દ્વારા પૂરતું પ્રોત્સાહન આપવામાં આવે તો સાબરકાંઠા- અરવલ્લી દુનિયાને શ્રેષ્ઠત્તમ કલકરો ભેટ ધરી શકે તેમ છે. 
                 નરેશભાઈ લીંબચીયાના પીંછી પોંખાતી રહે એ જ શુભેચ્છાઓ.



 (આવી જ વિરલ વ્યક્તિ વિશેની રસપ્રદ વાતો જાણીશું આવતા ગુરુવારે...)   

લેખન : ઈશ્વર પ્રજાપતિ
આપ આપના પ્રતિભાવ નીચેના whatsapp no. પર લખી મોકલી શકો છો.
(98251 42620)

નોંધ:- મિત્રો બ્લોગની લિંક આપ શેર કરી શકો છો પરંતુ  બ્લોગના આર્ટિકલ્સને પોતાના નામે ચડાવી વાયરલ કરવાનો અવિવેક ન કરવા વિનંતી


Monday, June 3, 2019

આપણો જિલ્લો, આપણું વતન : અરવલ્લી ભાગ - 18


અરવલ્લીના સાહિત્ય રત્નો ભાગ - 2


સોની રમણલાલ પીતાંબરદાસ
'સુદામો’
 


(જન્મ- 25/1/1908 - મૃત્યું- 20 /9/2006)
        બાળસાહિત્યકાર, અનુવાદક રમણલાલ સોનીનો જન્મઅરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના કોકાપુર ગામમાં થયો હતો. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ મોડાસામાં લીધું. 1940માં આગ્રા યુનિવર્સિટીમાંથી બી.એ. ડિગ્રી પ્રાપ્ત કરી. 1945માં બી.ટી. મોડાસા હાઈસ્કૂલમાં શિક્ષક અને આચાર્ય તરીકે જોડાયા . 
          ગાંધીજીના રંગે રંગાઈ સત્યાગ્રહની લડતમાં સક્રિય રહ્યા અને જેલવાસ પણ ભોગવ્યો. ત્યારબાદ નોકરી છોડીને સાહિત્ય અને સમાજહિતનાં કાર્યોમાં વધુ સક્રિય થયા. ખેડૂતો તથા હરિજનોના ઉદ્ધહાર માટે અનેક પ્રવૃત્તિઓનું સંચાલન તેઓએ કર્યું.ઈ. સ. 1952 થી 1957 સુધી મુંબઈ ધારાસભાના સભ્ય પણ બન્યા. 
          રમણલાલ સોનીના બાળસાહિત્ય અને અનુવાદ ક્ષેત્રે તેમની વિશિષ્ટ સેવાઓની સાહિત્ય જગતે નોંધ લીધી છે.
         ‘શિશુકથા, શિશુસંસ્કારમાળા, ગલબા શિયાળનાં પરાક્રમો, શિશુભારતી ગ્રંથમાળા, ખવડાવીને ખાવું-જિવાડીને જીવવું, ખાટી દ્રાક્ષ, પૂંછકટ્ટો, રોહંત અને નંદિય, ધનોતપનોતની ધડાધડ, ભોળા ભાભા, ચટકચંદ ચટણી વગેરે મૌલિક અને અનૂદિત-રૂપાંતરિત બાળવાર્તાપુસ્તકો એમણે આપ્યાં છે. રામાયણ કથામંગલ, ઉપનિષદ કથામંગલ, ભાગવત કથામંગલ, રામરાજ્યના મોતી વગેરે પુસ્તકોમાં પૌરાણિક વાર્તાઓને બાળભોગ્ય શૈલીમાં નિરૂપી છે. 
             બાલ સાહિત્ય સેવા માટે પહેલો જ ગિજુભાઈ બધેકા સુવર્ણચંદ્રક તેમને અપાયો છે. બાલ સાહિત્ય અને અનુવાદ સેવા માટે તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક અપાયો છે. તથા બીજા અનેક એવોર્ડ મળેલા છે. ગુજરાત સરકારે તેમને લાખ રૂપિયાનો નરસિંહ મહેતા એવોર્ડ પણ આપેલો છે. તેમના બાળસાહિત્યના 25 જેટલા પુસ્તકો ગુજરાતી ઉપરાંત અંગ્રેજી હિન્દી અને મરાઠીમાં પણ પ્રસિદ્ધ થયેલા છે. 
               સિંહાસનબત્રીસી, અરેબિયન નાઇટ્સની વાતો, વીર વિક્રમ, ઇસપની બાલવાતો વગેરેમાં અદ્- ભુતરસિક બાળવાર્તામાળાઓ છે. છબીલો લાલ, થાથા ! થેઈ ! થેઈ !, અમથો કારભારી ને ફૂલો ઠાકર, ભગવો ઝંડો અને ‘બાલમંદિરનાં નાટકોમાં બાળમાનસમાં ઉચ્ચતર જીવનભાવનાનાં બીજ વાવે તેવી અભિનયક્ષમ નાટિકાઓ છે. આ બધાં નાટકોનું સંપાદન ‘રમણ સોનીનાં બાળનાટકો માં થયું છે. ‘રમણ સોનીનાં બાળકાવ્યો માં બાળકોને ગાવાં ગમે તેવા સરળ, પ્રેરક અને પ્રાસાદિક કાવ્યો-ગીતો છે. એમનાં અભિનય-ગીતો બાળકોની કલાભિરુચીને જાગ્રત કરે તેવાં છે. રમણ સોનીનાં બાળજોડકણાંના લય-પ્રાસ અને તાલ આકર્ષક છે. કિશોર રહસ્યકથામાળા ટાગોરની દ્રષ્ટાંતકથાઓ, કુમારકથા વગેરે કિશોરો માટેના વાર્તાસંગ્રહો છે. ‘જગતના ઇતિહાસની વીરકથાઓ, તથા ‘પૂંછડિયાના પ્રદેશમાંની વાર્તાઓ બાળકોને શૂરવીર અને સાહસપ્રિય બનવા પ્રેરણારૂપ છે. શંકરાચાર્ય, શ્રી કેશવચંદ્રસેન, શ્રી દાદાભાઈ નવરોજજી, ‘ગુરુદેવ રવીન્દ્રનાથ, આણદાબાવા વગેરે ચરિત્રકૃતિઓ બાળકોની વૃત્તિઓને સંસ્કારે, કેળવે અને ઉદાત્ત બનાવે તેવી છે. ‘અમૃતકથામાં પ્રાચીન જાતકકથાઓ સંચિત થઈ છે. ‘વિશ્વની લોકકથાઓ પ્રબોધક કથાઓ અને વિશ્વનો લોકકથાભંડાર માં દેશપરદેશની લોકકથાઓ સંકલિત થઈ છે. 
       ‘ગુજરાતનાં યાત્રાધામો’ એમનું પ્રવાસપુસ્તક છે. ‘ભારતીય કથામંગલ’ માં ઉપનિષદો, મહાભારત, રામાયણ, ભાગવત વગેરે સંસ્કૃત ગ્રંથોની પ્રસંગકથાઓનું લોકભોગ્ય શૈલીમાં આલેખન થયું છે. 
               બંગાળી સાહિત્યની ઉત્તમ કૃતિઓના અનુવાદક તરીકે એમનું આગવું સ્થાન છે. શરદબાબુ, રવીન્દ્રનાથ, દેવેશદાસ, નરેશબાબુ વગેરેની વાર્તા-નવલકથાઓના અનુવાદો એમણે આપ્યા છે. ભારતની સાહિત્ય અકાદમી એ તેમની અનુવાદ સેવા માટે તેમને અનુવાદ એવોર્ડ્સ આપ્યો છે. તથા પ્રવાસી બંગ સાહિત્ય પરિષદ એ મુંબઈમાં સન્માન પત્ર પણ આપ્યું છે.

શ્રી ભોગીલાલ ગાંધી
(26/11/1911 - 10/7/2001)
           મોડાસા આમ તો ગુજરાતના ખૂણામાં છે પણ ગુજરાતના જાહેર જીવન અને સાહિત્યિક પ્રવૃત્તિમાં આ નગરનું નોંધપાત્ર યોગદાન રહ્યું છે. "તું તારા દિલનો દીવો થા ને, ઓ રે , ઓ રે ઓ ભાયા” જેવી અમર કાવ્ય કૃતિના સર્જક ભોગીલાલ ગાંધી રૂપે અરવલ્લીએ આપેલ સાહિત્ય જગત ને આપેલ અણમોલ ભેટ છે. 
         ગુજરાતના મહાન વિચારક અને સક્રિય રાજપુરુષ તરીકે તેઓ ગુજરાતભરમાં જાણીતા છે. ભોગીલાલ મોડાસા,અમદાવાદ.ભરૂચ અને મુંબઈમાં ભણ્યા હતા. ગૂજરાત. વિદ્યાપીઠનાં આ સ્નાતક ગાંધી પ્રભાવમાં સ્વતંત્રતા સૈનિક અને રચનાત્મક કાર્યકર બન્યા. તેમણે તમામ ધર્મોનું અને લોકશાહી થી માંડી સમાજવાદ અને પ્રોલીટેરિયન ડિકટેટરશીપવાળા સામ્યવાદ સુધીની વિવિધ રાજ્ય પદ્ધતિનું ઊંડો અભ્યાસ કર્યો હતો અને તેને વિશે અનેક ગ્રંથો લખ્યા હતા. સત્યાગ્રહની પહેલી લડત બારડોલીમાં લડાઈ ત્યારે તેમને સક્રિય ભાગ લીધો હતો. પછી સની 1930, 1932, 1934 અને 1942ની લડતોમાં ભાગ લઈ તેમણે ઘણા વર્ષ જેલમાં કાઢ્યા હતા. 
              .સમાંતરે માર્ક્સવાદ અને રશિયન સમાજવાદનો પણ તેમના પર ઊંડો પ્રભાવ રહ્યો હતો.1940ના અરસામાં સામ્યવાદી બન્યા.પણ તેમનો સામ્યવાદ સાથેનો નાતો લાંબો સમય ન ટક્યો વિનોબા, દાદા ધર્માધિકારી અને જયપ્રકાશ નારાયણના પ્રભાવમાં પુનઃ ગાંધી માર્ગે આવ્યા. તે પછી પ્રગતિશીલ લેખક મંડળનું કુશળતાપૂર્વક સંચાલન કર્યું.વિશ્વમાનવ સામયિક અને વિશ્વ માનવ સંસ્કાર ટ્રસ્ટનું સંપાદન નિભાવ્યું અને ગુજરાત ગૌરવ લઇ શકે તેવી જ્ઞાન ગંગોત્રી ગ્રંથ શ્રેણીનું સંપાદન પણ કર્યું.સાહિત્ય સર્જન ક્ષેત્રે કવિતા,નવલિકા, નિબંધ, વિવેચન , અનુવાદ અને સંપાદનનાં 80 કરતાં વધુ પુસ્તકો કર્યા.તેમની કવિતામાં ગાંધીવાદ અને રશિયન સમાજવાદની પ્રબળ અસર વર્તાય છે.
            ગુજરાતી ગદ્ય અને પદ્ય બંને ઉપર તેમનો સરખો અધિકાર હતો સાધનાના મેં તેમનું કાવ્યસંગ્રહ છે અને બીજા ગદ્ય ગ્રંથો તો એટલા બધા છે કે એની યાદી કરવા જતા આખું પાનું ભરાય તેમણે કેટલાક બંગાળી અને અંગ્રેજી ગ્રંથોના પણ સુંદર ગુજરાતી અનુવાદ કરેલા છે. "વિશ્વમાનવ" નામે એક ગુજરાતી માસિક પત્ર તેમણે એકલે હાથે ૨૫ વર્ષ સુધી ચલાવ્યું હતું. ગુજરાતી સાહિત્ય પરિષદે સંસ્કાર પ્રેરક સાહિત્ય રચવા માટેનો પહેલો જ "સ્વામી સચ્ચિદાનંદ પુરસ્કાર" તેમને આપી તેમનું બહુમાન કરેલું. 


વિનોદભાઈ પુરાણી


(જન્મ : 27/6/1948)
          શ્રી ભારતીય તત્વજ્ઞાન મંદિર નામે સંસ્થાની સ્થાપના કરનાર શ્રી વિનોદભાઈ સાહિત્યનો અખૂટ ખજાનો છે. આ સંસ્થા દ્વારા ભારતીય સંસ્કૃતિને લગતા ગ્રંથોનું પ્રકાશન તથા સંશોધન કહે છે સૈકાઓ પહેલા લખાયેલી સેંકડો હસ્તપ્રતો આજે પણ તેઓ પાસે ઉપલબ્ધ છે. 700 ઉપરાંત હસ્તપ્રતોની માહિતી તો તેમણે છપાવીને પ્રગટ પણ કરી છે. કોઈ એક જ ઘર માં આટલી બધી હસ્તપ્રતો સંગ્રહની રહી હોય તેવું દાખલો વિરલ છે. આ હસ્તપ્રતો વ્રજભાષા હિન્દી સંસ્કૃત અને કેટલીક ગુજરાતીમાં પણ છે. 
           શ્રી વિનોદભાઈ પાસેની હસ્તપ્રતોમાં મધ્યકાલીન ગુજરાતી કવિ ગિરધર કૃત "રાધાકૃષ્ણના રાસ" નામે કાવ્ય છે. તે સંવત 1875 (ઈ. સ. 1819) પોષ વદ ત્રીજે લખાયેલું છે. તેની ભાષા ગુજરાતી હિન્દી છે. આ હસ્તપ્રતથી મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં એક નોંધપાત્ર ઉમેરો થયો છે.
શ્રી વિનોદભાઈ ભાગવત ગીતા અભ્યાસી છે. ગીતા વિશે તેમણે ઘણા ગ્રંથો લખ્યા છે. ગીતા વિશે મહાનિબંધ લખી તેમણે પી.એચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી છે. ગુજરાતના સંસ્કૃત વિદ્વાનોમાં તેમની ગણના થાય છે. તેમણે સંશોધન ક્ષેત્રે ગુજરાતીમાં અને અંગ્રેજીમાં ગ્રંથો લખ્યા છે. 
               મોડાસાની પ્રાચીન કાષ્ઠકલા શિલ્પકલા ચિત્રકલા ગદ્ય-પદ્ય સાહિત્ય વિશે તેમની લાખો રૂપિયા ખર્ચીને 200 ફોટોગ્રાફ જોઈ યાર કરાવ્યા છે તેમણે તેનું વતન ની તાસીર નામે જાહેર પ્રદર્શન પણ કર્યું હતું આ ફોટોગ્રાફ્સ મોડાસાના પ્રાચીન અને અર્વાચીન ઈતિહાસનું એક અંગ બની રહ્યું છે.  
(ક્રમશઃ)
સંદર્ભ : મારુ ગામ મોડાસા ( રમણલાલ સોની)
(અરવલ્લીના અન્ય સાહિત્યકારો વિશે જાણીશું  આવતા સોમવારે)

લેખન - સંકલન :ઈશ્વર પ્રજાપતિ 
(આપના પ્રતિભાવ નીચે આપેલ whatsapp નંબર પર લખી મોકલી શકો છો )
(98251 42620)

નોંધ:- મિત્રો બ્લોગની લિંક આપ શેર કરી શકો છો પરંતુ મિત્રો મારા બ્લોગના આર્ટિકલ્સને પોતાના નામે ચડાવી વાયરલ કરવાનો અવિવેક ન કરવા વિનંતી

સન્ડે સ્પેશિયલ

  ‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા    જોઈએ.” :    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.       સાવ સા...

Popular Posts