Sunday, June 9, 2024

સન્ડે સ્પેશિયલ

સેનામાં ભરતી માટે જવાનું કહી ઘેરથી નીકળેલો નવનીત આખરે ક્યાં ગયો ?

ચિતાની રાખમાંથી મળેલી વીંટી કોની હતી ?


           એનું નામ નવનીત.

સૌરાષ્ટ્રના એક નાનકડા ગામમાં કટલરીની દુકાન ચલાવતો નવનીત એકવીસ વર્ષનો ઉત્સાહી યુવાન હતો. તે તેના માતા પિતાનું એક માત્ર સંતાન હતો. એટલે માતા પિતા એને પોતાની નજર આગળથી દૂર જવા દેવા માંગતા જ નહતા. એટલે ઘર આગળ જ એક કટલરીની દુકાન ખોલી આપી હતી. નવનીત પોતે હોશિયાર છોકરો હતો. દુકાન ખુબ સારી રીતે ચલાવતો. દુકાનમાંથી ઘરનું ભરણ-પોષણ પણ થઇ રહેતું. એમાં આખો પરિવાર સંતુષ્ટ હતો. પણ એક દિવસ નવનીતને  શું સુઝ્યું કે તેના  માતા-પિતાને કહ્યું કે સેનાની ભરતી આવી છે. બાજુના શહેરમાં ભરતી માટે તે જઈ રહ્યો છે. માતા પિતા નવનીતની આ વાતથી ખુબ નારાજ થઇ ગયા. એકનોએક દીકરો તેમની નજર આગળથી ક્યાંય દૂર જાય એ વાત એમને પસંદ જ નહોતી. પરંતુ નવનીત જીદે ચડ્યો અને એની બેગ તૈયાર કરી ઘેરથી નીકળી ગયો.

બે દિવસ થયા, ત્રણ દિવસ થયા પરંતુ સેનાની ભરતી માટે શહેરમાં ગયેલો નવનીત પાછો આવ્યો નહિ. હવે એક સપ્તાહ વીતવા છતાં નવનીતના  કોઈ સમાચાર હતા નહિ.  નવનીતનાં માતા-પિતાને હવે ચિંતા થવા લાગી. શહેરમાં રહેતાં સગા-સંબધીઓને ત્યાં તપાસ આદરી પણ નવનીતનો ક્યાંય પત્તો લાગ્યો નહિ. સૌ  સંબધીઓ એ એક વાત કરી કે નવનીત અહીં આવ્યો જ નથી. બીજા સગવાહલાંને ત્યાં પણ તપાસ કરી જોઈ પણ નવનીતના  કોઈ સમાચાર  મળ્યા નહિ. તેના વૃદ્ધ માતાપિતાની ચિંતાનો કોઈ પાર રહ્યો નહિ. આખરે જુવાનજોધ દીકરો ક્યાં જતો રહ્યો. વૃદ્ધ માતા-પિતાની આંખમાંથી આંસુ સુકાવવાનું નામ લેતા નહતા. આખરે દીકરો લાપતા થયો છે, એની જાણ પોલીસને કરવાનું મુનાસીબ લાગ્યું.

નવનીતના  પિતાએ નજીકના પોલીસ સ્ટેશને જઈ ફરિયાદ આપી. પોલીસે ફરિયાદ લઈ તપાસ આરંભી. પોલીસે તપાસ કરતાં ખબર પડી કે સેનાની ભરતી આવી જ નથી. તો નવનીત ઘેરથી બેગ લઈ ગયો ક્યાં ? નવનીતના  માતા પિતા માટે પણ આ આઘાત જનક સમાચાર હતા. તેઓ મનોમન વિચરતાં રહ્યાં કે “દીકરો ઘેર જુઠ્ઠું બોલીને ક્યાં ગયો હશે ? દીકરાને ખુબ લાડ પ્યાર થી મોટો કર્યો છે. એની બધી ઈચ્છાઓ પૂર્ણ કરી છે. ક્યારેય એને ઊંચા અવાજે બોલ્યા નથી તો દીકરાએ આવી રીતે જુઠ્ઠું બોલી જતા રહેવાનું કારણ શું ?” આવા જ પ્રશ્નો નવનીતના  માતા પિતાના હૈયાને કોરી ખાતા હતા.

ગુમ થયેલા નવનીતને શોધી કાઢવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા. પોલીસે નવનીતની કોલ ડીટેઇલ ચકાસી જોઈ. જેમાં  નવનીતે છેલ્લો કોલ  કોઈ અજાણ્યા નંબર પર  કર્યો હતો. એ અજાણ્યા નંબરની તપાસ કરતાં એ  અબ્દુલનો મોબાઈલ નંબર હોવાનું ખુલ્યું. પોલીસે તાબડતોબ અબ્દુલને પકડી લઇ પોલીસ સ્ટેશન લઈ આવી. અબ્દુલ બાજુના જ ગામમાં રહેતો હતો અને વર્ષોથી ટેક્ષી ચાવતો હતો. પોલીસે  પુછપરછ કરતાં અબ્દુલે જણાવ્યું કે “પંદર દિવસ પહેલાં નવનીતનો ફોન ટેક્ષી ભાડે કરવા માટે આવ્યો હતો એ રાજકોટ જવાનું કહી રહ્યો હતો. હું તેને લઇ રાજકોટ ગયો. ત્યાં જઈ નવનીતે રાજકોટની બાજુમાં આવેલા મેનપુર ગામમાં તેની પ્રેમિકા રેખા રહે છે તેને  લઈ સુરત સુધી મૂકી આવવાનું  કહ્યું. આવા લફડામાં હું પાડવા માંગતો નહતો. એટલે રાજકોટ સુધીનું ભાડું લઇ હું પરત ફરી ગયો. એ પછી શું બન્યું એની મને કોઈ જ ખબર નથી.”

રેખાનું નામ સાંભળી નવનીતના માતાપિતા પણ ચોંકી ગયા. રેખા એ બીજું કોઈ નહિ પણ નવનીતના  પડોશમાં રહેતા વિનોદભાઈની કૌટુંબિક સાળી હતી. તે રાજકોટ પાસેના મેનપૂરમાં તેના માતા પિતા સાથે રહેતી હતી. તે ક્યારેક ક્યારેક વિનોદભાઈને ત્યાં રહેવા માટે આવતી. એ દરમિયાન નવનીતની દુકાને પણ અવાર-નવાર આવતી. એ વખતે જ રેખા અને નવનીત વચ્ચે લાગણીના સંબધ બંધાઈ ગયા. બંનેની જ્ઞાતિ જુદી હોવાથી સમાજ તેમનો આ સંબધ સ્વીકારશે નહિ. એમ વિચારી બંને એ ઘેરથી ભાગી જઈ લગ્ન કરવાનું નક્કી કરી લીધું હતું.  પણ આ વાતો કોઈ જાણતું નહતું સિવાય કે વિનોદની પત્ની.

     પોલીસે મેનપુર જઈ તપાસ આગળ વધારી. પોલીસ સીધી રેખાના ઘેર પહોંચી. પોલીસને પોતાના આંગણે જોઈ રેખાના માતા-પિતા પણ સ્તબ્ધ થઇ ગયાં. પોલીસે તેમની પ્રાથમિક પુછપરછ કરી પણ સંતોષકારક જવાબ મળ્યા નહિ. એ સમયે ઘેર રેખા પણ હાજર નહતી.  રેખાના પિતા સોહનલાલને પોલીસસ્ટેશને લાવી કડક હાથે પુછપરછ આદરી. પોલીસ દ્વારા પુછાયેલા ઉલટ પ્રશ્નોત્તરીમાં સોહનલાલ ભાંગી પડ્યા. અને પોપટની જેમ બોલવા લાગ્યા. સોહનલાલે પોલીસને જણાવ્યું કે “એકવાર રેખાને ચોરી છુપી ફોન પર કોઈની સાથે વાતો કરતી હતી એ  સાંભળી લીધી. અને એની વાતો પરથી લાગતું હતું કે એ કોઈ યુવક સાથે  ભાગી જવાની ફિરાકમાં છે. આ વાત જાણી મારો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. સમાજમાં આબરૂના કાંકરા થવાની બીકે રેખાને ઘરમાં પૂરી સખત માર માર્યો. અને એ યુવક વિષે  પૂછતાં એણે નવનીતનું નામ જણાવ્યું. કોઇપણ ભોગે નવનીત  સાથે લગ્ન કરવાની વાતને  મક્કમતાથી વળગી રહી. ઘણું સમજાવી પણ  રેખા માનવા તૈયાર જ નહતી. એટલે અમે  બળથી નહિ પણ કળથી કામ લીધું. રેખાને નવનીત સાથે લગ્ન કરાવી આપવા અમે તૈયાર છીએ એમ કહી  નવનીતને મેનપુર બોલાવવા રેખાને સમજાવી લીધી. રેખા રાજી થઇ ગઈ અને નનવનીતને અહિ  બોલાવી લીધો. આ વાત જાણી મારા કુટુંબના ભાઈઓનો ગુસ્સો પણ સાતમા આસમાને પહોંચ્યો ચુક્યો હતો. નવનીત અહિ પહોંચે એ પહેલાં જ એને સબક શીખાડવાનો પ્લાન બનાવી લીધો. રેખાએ બોલાવેલા સ્થાને નવનીત જેવો પહોંચ્યો કે તરત એના પર અમે તૂટી પડ્યા. ક્રોધના કારણે હું અને મારા કૌટુંબિક ભાઈઓ ભાન ભૂલી ચુક્યા હતા. ચોતરફથી પડતા પ્રહારોના કારણે જોત જોતામાં નવનીત મૃત્યુ પામ્યો. પકડાઈ જવાની બીકે નવનીતની લાશને નિર્જન વિસ્તારમાં જઈ સળગાવી દીધી. રેખાને પણ ગળું દબાવી પતાવી દીધી.”

      સોહનલાલની આ ઘાતકી વાતો સાંભળી પોલીસ પણ દંગ રહી ગઈ. જ્યાં નવનીતની લાશને સળગાવવામાં આવી હતી ત્યાં એફ.એસ.એલ દ્વરા નમૂના લેવામાં આવ્યા. ત્યાંથી ધાતુની એક વીંટી મળી આવી. તેના અસ્થી પણ ડી.એન.એ. માટે મોકલી આપ્યા. વીંટીને જોઈ નવનીતના માતા પિતા તરત ઓળખી ગયા. પણ જયારે એમણે જાણ કરવામાં આવી કે નવનીત હવે આ દુનિયામાં નથી રહ્યો ત્યારે જાણ એમના માથા પર દુઃખોનું આખું આકાશ તૂટી પડ્યું હોય એમ ત્યાં જ ભાંગી પડ્યાં. ખુબ લાડ પ્યારથી મોટો કરેલો એકનો એક દીકરો હવે આ દુનિયામાં રહ્યો નહતો. આ આઘાત નવનીતના માતા પિતા માટે અસહ્ય હતો.  

    નવનીત અને રેખાની હત્યામાં સંડોવાયેલા પિતા સોહનલાલ અને બીજા બાર જેટલા  કૌટુંબિક સભ્યોની  પોલીસે ધડ્પકડ કરી.

     યુવાનીના આવેગમાં માતા પિતાથી છૂપું રાખી વિકસાવેલા સંબધો યોગ્ય નથી જ. સાથે સાથે સંતાનોએ કરેલી ભૂલ માટે હત્યા કરી નાખવી એ રાક્ષસી કૃત્ય પણ સમાજ માટે કલંક રૂપ છે.  આજની પેઢી અને વાલીઓએ  આ સત્યકથામાંથી બોધપાઠ લેવો રહ્યો.

( સત્યઘટના નામ અને સ્થળ પરિવર્તિત )

-       ઈશ્વર પ્રજાપતિ

3 comments:

  1. Owner killing is dangerous for society. Government encourages inter caste marriage but society doesn't accept

    ReplyDelete
  2. રૂંવાડા ખડા થઈ ગયા વાંચીને, માણસ‌ ઘણીવાર રાક્ષસોને પણ સારા કહેવડાવે એવા અધમ કૃત્યો કરતો હોય છે.માન્યુ કે નવનીત અને રેખાની ભૂલ હશે પણ આ રીતે કોઈને મારી તો ના જ નખાય

    ReplyDelete

સન્ડે સ્પેશિયલ

  ‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા    જોઈએ.” :    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.       સાવ સા...

Popular Posts