અરવલ્લી-સાબરકાંઠાના આધુનિક મેઘાણી ડૉ. ભગવાનદાસ પટેલ
આદિવાસી લોક સાહિત્ય, લોક બોલી અને સંસ્કૃતિના અભ્યાસ સંશોધન માટે ભારત અને વિશ્વમાં જેઓનું નામ ખૂબ આદર સાથે લેવાય છે એવા ડૉ. ભગવાન દાસ પટેલના નામથી સાબરકાંઠા અને અરવલ્લીના ખૂબ ઓછા લોકો વાકેફ હશે. ડૉ. ભગવાન દાસ પટેલે આદિવાસી લોક સંસ્કૃતિ ના અભ્યાસ સંશોધન માટે સમસ્ત જીવન સમર્પિત કરી દીધું છે. અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા અને દક્ષિણ રાજસ્થાનના ઉદેપુર જિલ્લામાં વસતા ડુંગરી ભીલ આદિવાસીઓના લોકવિદ્યાને સંપાદન, સંશોધન, અનુવાદ, આસ્વાદન અને સમીક્ષા દ્વારા ઉજાગર કરનાર ડો. ભગવાનદાસ પટેલ અભિજાત વર્ગ અને વ્યાપક આદિલોક વચ્ચેના સેતુ બની રહ્યા છે. જીવનના ચાર ચાર દાયકા આદિલોકની આરાધના કરી છે. તેઓ પોતાની જાતને આદિલોકની ટપાલ લઈ આવતા ટપાલી તરીકે ઓળખાવે છે.
સાબરકાંઠાનું હિંમતનગર તાલુકા નું જામળા ગામ એ તેઓનું વતન. ખેડૂતપુત્ર ભગવાનદાસ શિક્ષણ શાસ્ત્રમાં સ્નાતકત્વ પ્રાપ્ત કરીને ૧૯૭૦થી તેઓ ખેડબ્રહ્માની એક માધ્યમિક શાળામાં શિક્ષક તરીકે જોડાયા તે છેક નિવૃત્ત થયા ત્યાં સુધી કર્તવ્યનિષ્ઠ શિક્ષક તરીકે ફરજ બજાવી. ખેડબ્રહ્મા ખાતે અધ્યાપન કાર્ય દરમિયાન તેઓ અરવલ્લીની ગિરિમાળાની તળેટીમાં અને ત્યાંના વનોમાં વસતાં આદિલોકોના સંપર્કમાં આવ્યા. આરંભે એમને આ આદિલોકના વ્યવહાર, એમની બોલી, કશું સમજાતું નહીં. આમ છતાં એનું આકર્ષણ અનુભવતા હતા. એમના લોકજીવનની વધારે સારી રીતે સમજવાના પામવાના એક પ્રયાસ દરમિયાન એક અજાણ્યા આદીવાસી યુવકે એમને નદીમાં ડૂબી જતા બચાવી લીધા. આ ઘટનાને તેઓ આદિલોકમાં પોતાના પુનર્જન્મ તરીકે જુએ છે. એ દિવસથી આરંભીને આજદિન સુધી તેમનું સમગ્ર જીવન આદિલોક ની આરાધનાને સમર્પિત બની ગયું.
શિક્ષકની નોકરી કરતાં કરતાં જ તેમણે આદિવાસી કળા-સાહિત્ય ક્ષેત્રે માતબર સંશોધન કર્યુ. સાહિત્યસર્જન કર્યુ અને રચનાત્મક પ્રવૃત્તિઓ પણ કરી છે.
ખેડબ્રહ્મા તાલુકાની પ્રાગૈતિહાસિક સંસ્કૃતિઓ વિશે સંશોધન કરીને તેઓ પી.એચ.ડી. થયા. મહાનિબંધમાં તેઓ 70 હજાર વર્ષ પૂર્વેની આ પ્રદેશની 110 જેટલી માનવ વસાહતો એમના 1500 જેટલા પાષાણ ઓજારો, 16 પાષાણ સમાધિઓ અને 5 ચિત્ર ગુફા ઉપર પ્રકાશ પાડે છે.
ચારણી લોકસાહિત્યના એકત્રીકરણ અને સંશોધન-સંપાદનમાં ઝવેરચંદ મેઘાણીએ મોટું કામ કર્યું. એ પછી ગુજરાતને ભગવાનદાસ પટેલના રૂપમાં એક એવા સંશોધક અને લેખક મળ્યા જેઓ આદિવાસીઓના ડુંગરે-ડુંગરે, છાપરે -છાપરે ફરી અદભુત સાહિત્ય નું સંપાદન કર્યું છે. અરવલ્લી, સાબરકાંઠા અને દક્ષિણ રાજસ્થાન માં જ્યાં આદિવાસી રહેતો હોય એવો એક પણ ડુંગરો કે કોતરો નહીં હોય જ્યાં ભગવાનદાસ ગયા ન હોય. આદિવાસીઓના હૃદયે-હૃદયે પહોંચ્યા અને એવું જબરજસ્ત કાર્ય કર્યું કે તે ગુજરાતી સાહિત્યનું સુવર્ણ પ્રકરણ બની ગયું. તેઓ એ 1000 ઉપરાંત આદિવાસી લોક મુખે ગવાતા અલભ્ય લોકગીતોનું સંપાદન કર્યું છે. આદિવાસી લોક સંસ્કૃતિ ના અભ્યાસ અને સંશોધન ને લાગતા 50 ઉપરાંત પુસ્તકો નું લેખન સંપાદન કર્યું છે.
પહાડે-પહાડે, ઝૂંપડે-ઝૂંપડે, કોતરે-કોતરે આદિવાસીઓનો સંપર્ક કરીને તેમણે આદિવાસી પરંપરા કંઠસ્થ સાહિત્યને કેસેટસ્થ અને પછી શબ્દસ્થ કર્યું છે. ગુજરાતી લોકસાહિત્ય પાસે એક પણ મહાકાવ્ય નથી, જ્યારે આદિવાસી પાસે મૌખિક પરંપરાના 4 અદ્ભુત મહાકાવ્યો છે. અને 21 લોક આખ્યાનો છે. ડોક્ટર ભગવાનદાસ એ મહેનત કરી આદિવાસીઓના લોકસાહિત્ય સંગ્રહિત ન કરી હોત તો કદાચ આ ભવ્ય વારસાથી આપણે ક્યારેય પરિચિત ન થયા હોત.
અત્યાર સુધીમાં તેમણે 1500થી વધુ ઑડિયો કેસેટ અને 15 વીડિયો કેસેટમાં આદિવાસી લોકોનાં કંઠસ્થ સાહિત્યનું દસ્તાવેજીકરણ કર્યું છે. સાબરકાંઠા અને બનાસકાંઠાના અરવલ્લીની ડુંગરમાળાનાં અનેક ગામોમાં તેઓ વારંવાર રઝળ્યા છે. ખભે થેલો ભરાવી, તેમાં ટેપરેકોર્ડર અને ઑડિયો કેસેટો લઈને નીકળી પડે. બસ, જીપ જેવું વાહન જ્યાં લઈ જાય ત્યાં સુધી તેમાં જવાનું અને પછી પગપાળા. તેમણે આદિવાસી ભીલ સંસ્કૃતિને સમજવા ધાર્મિક, સાંસ્કૃતિક સામાજિક પરંપરાઓ અને રીતરસમો જાણી, વિવિધ પ્રકારનાં લઘુ-દીર્ધ કંઠસ્થ લોકગીતો અને લોકકથાઓની સામગ્રી તેમણે સંપાદિત કરી.
તેઓ સાહિત્યનો સંગ્રહ કરીને અટકી ગયા નથી. તેઓ તો આદિવાસી જીવન સાથે ઓતપ્રેત થઈ ગયા છે અને તેમની ભવ્ય પરંપરાઓના જતન માટે મથ્યા છે તો જોડે જોડે તેમની નુકસાનકારક સંખ્યાબંધ રૂઢિઓ અને રીતરિવાજોને બદલવામાં પણ સફળ થયા છે. આદિવાસીઓ જાડે એકાકાર થયેલા આ ભેખધારીએ એક આર્થર ફાઉન્ડેશન (શિકાગો)ના સહયોગથી ડુંગરી ભીલ આદિવાસીઓમાં જાગૃતિ લાવવા સફળ પ્રયત્નો કર્યા છે. ખાસ તો ‘ડાકણ પ્રથા’ને નાથવાનું ખૂબ મોટું કામ તેમણે કર્યું છે.
ડાકણ પ્રથા એટલે એવી ક્રૂર પ્રથા કે એના વિશે સાંભળી ને રુવાડાં ઊભાં થઈ જાય. કોઈ ભુવા દ્વારા કોઈ સ્ત્રીને ડાકણ જાહેર કરવામાં આવે ત્યારે ઢોલ વગાડી એ સ્ત્રીને પકડી પાડવામાં આવતી. એ સ્ત્રીના ચણિયાનો કછોટો વાળી દઇ ઝાડ ઉપર ઉંધી લટકાવી , આંખોમાં મરચું ભરી દેવામાં આવે અને અને ભય ના કારણે એ સ્ત્રી એમ કહે કે ગામની બીમાર વ્યક્તિની બીમારી દૂર થશે. ત્યાર બાદ એ સ્ત્રીને ઝાડ પર થી ઉતારી એક તીર ને ગરમ કરી સ્ત્રીના કપાળે ડામ દેવામાં આવે. આવી સ્ત્રીને પિયર અને સાસરી માંથી બહિષ્કાર કરવામાં આવે. અને મૃત્યુ પર્યંત ખૂબ દયનિય હાલતમાં જીવન પસાર કરવું પડે.
આવા ભયંકર કુરિવાજને નાથવા લોક જાગૃતિ લાવવા દર્પણ એકેડેમીના સહયોગ થકી 7 વર્ષ સુધી 137 ગામો માં સ્ત્રી મહિમાના નાટકો કર્યા. લોકોને સમજાવ્યા અને પરિણામ એ આવ્યું કે છેલ્લા 15 વર્ષ થી ડાકણ પ્રથાની એક પણ ઘટના આ વિસ્તારમાં બની નથી.
આદિવાસીઓ પાસેથી પરંપરાગત સાહિત્ય એકત્રિત કરવું એ સહેલી વાત નહોતી. એમાં જાનનું પણ જોખમ. આદિવાસીઓ પોતાની ગુપ્ત વિધિઓમાં ગેરઆદિવાસીને આવવા ના દે. એવા વખતે પોતાના જાનને જોખમમાં નાખીને ભગવાનદાસે લોકસાહિત્ય એકત્રિત કર્યું છે.
ગુજરાતી લોકસાહિત્ય પાસે એક પણ મહાકાવ્ય નથી , જ્યારે આદિવાસી પાસે મૌખિક પરંપરાના 4 અદ્ભુત મહાકાવ્યો છે. અને 21 લોક આખ્યાનો છે.
ભગવાનદાસે સંશોધન માટેની આર્થિક જરૂરિયાતને પહોંચી વળવા પોતાનું એક ખેતર પણ વેચી નાખ્યું હતું.
ગુજરાતી સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભોળાભાઈ પટેલ તો કહે છે કે, તેમણે ભીલોનું જે મહાકાવ્ય આપ્યું છે તે અદભુત છે. હોમરને કે કાલિદાસને પણ અદેખાઈ આવે એવી ઉપમા આ ભીલી મહાકાવ્યમાં છે. ભગવાનદાસે ભીલી સાહિત્યને પુસ્તકોના સ્વરૂપે પણ આપ્યું. આદિવાસીઓનાં મહાભારત, રામાયણ કે બીજાં મહાકાવ્યોને તેમણે પુસ્તકોમાં મૂકતાં તેમનું કાર્ય ખૂબ વખણાવ્યું.
ઈઝરાઈલ, ફ્રાન્સ , સ્પેન, બેલ્જીયમ, ઈંગ્લેન્ડ જેવા યુરોપના દેશોમાં વિશ્વ લોકનૃત્ય મહોત્સવ અને પરિસંવાદોમાં સહભાગી થઈ દિલ્હી સાહિત્ય સંસ્કૃતિનો પ્રચાર-પ્રસાર પણ તેઓએ કર્યો છે
ચાર દાયકાની આ કામગીરીને પરિણામે ભગવાનદાસ ની અનેક રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય માં સન્માનો, સ્વીકૃતિઓ પ્રાપ્ત થયા છે. ગુજરાતી સાહિત્ય અકાદમી કે ગુજરાતી સાહિત્ય પરિષદ જ નહિ, કેન્દ્રીય સાહિત્ય અદાકમીએ પણ તેમને પુરસ્કારોથી પોંખ્યા છે. એમાં કેન્દ્ર સાહિત્ય અકાદમી દિલ્હીનું ભાષાસન્માન, પાણીપતનું રામવૃક્ષ બેનિપુરી જન્મ શતાબ્દી સન્માન, ફ્રેન્ડશીપ ફોર્મ ઓફ ઇન્ડિયા દિલ્હીનો ભારત એક્સલન્સ એવોર્ડ જેવા અનેક પ્રતિષ્ઠિત સન્માનો પ્રાપ્ત થયાં છે.
ભીલોનું ભારથ, અરવલ્લી પહાડની આસ્થા, ભીલ મહાકાવ્યઃ રાઠોર વારતા, ડુંગરી ભીલોનો ગુજરાંનો અરેલો, રોમ સીતામાની વારતા, લીલા મોરિયા, ફૂલકાંની લાડી. તેમનાં સંખ્યાબંધ પુસ્તકોના અન્ય ભાષામાં પણ અનુવાદ થયા છે. કેન્દ્રીય સાહિત્ય અકાદમીએ ભીલી ભાષા અને સાહિત્યમાં નોîધપાત્ર પ્રદાન બદલ તેમને ૧૯૯૮માં ભાષા સન્માન એવોર્ડ પણ આપ્યો હતો. તેમના જ પ્રયત્નોથી કેન્દ્રીય સાહિત્ય અકાદમીએ ‘ભીલી’ને બોલીને બદલે ભાષાનો દરજ્જો પણ આપ્યો.
જાણીતા કવિ મકરંદ દવે કહે છે, તેમણે ભીલ મિત્રો સાથે એટલી આત્મીયતા સાધી છે કે લોકો તેમને પોતાના જ કુટુંબી ગણતા થઈ ગયા છે. આવી દુર્લભ સામગ્રી મેળવવી એ જ એક દુષ્કર કાર્ય છે અને તેને વ્યવસ્થિત રીત, પ્રમાણબદ્ધ રીતે આપવી તે કુશળ સંશોધકની દૃષ્ટિ માગી લે છે. ભગવાનદાસમાં સાધુ અને સંશોધક બંને મળી ગયા છે. નિરંજન રાજ્યગુરુ ભગવાનદાસના જીવનકર્મને પોખતાં કહે છે, ‘અનેકવિધ વિષયમાં તેમણે પૂર્ણ વૈજ્ઞાનિક સંશોધન કર્યુ છે. પરંપરિત યુગોથી ચાલ્યા આવતા કંઠોપકંઠ સચવાઈ આવતા અને ધીરે ધીરે લુપ્ત થઈ રહેલા સાંસ્કૃતિક વારસાને તેમણે જાળવ્યો છે.’
તેઓ કહે છે, હજી તો ઘણું પડેલું છે. મેં તો અડધું પણ મેળવ્યું નથી. આ તમામ લોકસાહિત્ય આપણો મોંઘેરો વારસો છે. આ વારસો જેમની પાસે છે તેવા અનેક આદિવાસીઓ ધીરે ધીરે મૃત્યુ પામી રહ્યા છે. આ કામ ઘણું મહત્ત્વનું છે, થવું જ જોઈએ. શિક્ષક પદેથી નિવૃત્ત થયા પછી ભગવાનદાસમાં નવા જોમથી કામગીરીને આગળ ધપાવવાનો ઉત્સાહ જન્મ્યો છે. શુદ્ધ લોકસાહિત્યનો સંગ્રહ, જતન અને સંવર્ધન કરતો આ જણ, ગુજરાતનું ગૌરવ છે.
(આવી જ વિરલ વ્યક્તિ વિશેની રસપ્રદ વાતો જાણીશું આવતા ગુરુવારે...)
લેખન : ઈશ્વર પ્રજાપતિ
આપ આપના પ્રતિભાવ નીચેના whatsapp no. પર લખી મોકલી શકો છો.
(98251 42620)
નોંધ:- મિત્રો બ્લોગની લિંક આપ શેર કરી શકો છો પરંતુ બ્લોગના આર્ટિકલ્સને પોતાના નામે ચડાવી વાયરલ કરવાનો અવિવેક ન કરવા વિનંતી
ઉત્તર ગુજરાતનું અમૂલ્ય ઘરેણું સમાન છે ભગવાનદાસ પટેલ સાહેબ...
ReplyDelete