Monday, September 9, 2019

સત્યઘટના આધારીત જિંદગી જિંદાબાદ


 એક જમાનાના કરોડપતિ એલ. ટી શ્રોફ આજે લલિતાનંદ બની ભિક્ષા માગી ગુજારે છે જીવન

 
             આ કોઈ દંતકથા નથી. પરંતુ એક જીવતી ઝીંદગીની સત્ય ઘટના છે. કિસ્મત જ્યારે કરવટ બદલે છે ત્યારે માણસને રાજપાટ પરથી ફૂટપાથ પર આવી જતાં વાર નથી લાગતી. 
             લક્ષ્મીનારાયણ તુલસીદાસ ઠક્કર. ઉર્ફે એલ. ટી. શ્રોઓફ. આજની યુવા પેઢી કદાચ આ નામથી પરિચિત નહીં હોય, પરંતુ વડીલો માટે આ નામ અજાણ્યું નથી. ત્રણ દાયકા પૂર્વે એલ. ટી. શ્રોફ નામે અમદાવાદથી લઈ મુંબઈ સુધી સિક્કા ઉછળતા. દોમદોમ સાહબી, રાજાશાહી ઠાઠ માઠ, મહેલો જેવા આલીશાન બંગલા, અને રુપિયાની રેલમછેલ વચ્ચે એલ. ટી. શ્રોફની વૈભવી લાઈફ સ્ટાઇલ જોઈ ભલાભલાની આંખો અંજાઈ જતી. 
               એક જમાનામાં અબજોમાં આળોટતો આ વ્યક્તિ આજે પાઈ પાઇની ભિક્ષા માંગી જીવન ગુજારવા મજબૂર છે. મંદિરોમાં કરોડોનું દાન આપનાર આ વ્યક્તિ લલીતાનંદ બની એ જ મંદિરના દ્વારે ભિક્ષા માંગી ગુજરાન ચલાવી રહ્યા છે. કોઈ ફિલ્મી પટકથા કરતાં પણ એલ.ટી. શ્રોફની જીવનની કથા વધુ રોમાંચક છે. એલ.ટી. શ્રોફ ઉર્ફે લલિતાનંદ પાસેથી  જાણવા મળેલી તેઓની જીવન કથા કંઈક આ પ્રમાણે છે. 
               અમદાવાદનો માણેકચોક વિસ્તાર શેર બજાર, સોના ચાંદી બજારની જેમ શરફી પેઢી માટે જાણીતો હતો. ત્યાં લક્ષ્મીનારાયણ તુલસીદાસનો એલ.ટી. શ્રોફના નામે ધમધોખતી શરાફીની પેઢી ચાલે. લક્ષ્મીનારાયણને સૌ એલ. ટી. નામે ઓળખે. એમને ત્યાં ગુજરાતના ધનપતિઓથી માંડીને સામાન્ય નોકરીયાતો કામદારો પોતાની થાપણો મૂકી જતા. ધનિકો લાખો રૂપિયા સાચવવા માટે ચાર્જ ચૂકવતા. એ જમાનાના ઉધોગ સાહસિકો અને દમણિયા એરલાઇન્સ જેવી પ્રતિષ્ઠિત કંપનીઓને એલ.ટી. શ્રોફ એ મોટી રકમનું ધિરાણ કર્યું હતું. એલ. ટી શ્રોફનો એટલો દબદબો હતો કે ઉધોગપતિઓ, સેલિબ્રિટીઝ અને ક્રિકેટરો તેઓ સાથે ધરોબો કેળવવા તલપાપડ રહેતા. શ્રોફની પેઢીમાં રોજની કરોડોની આવક જાવક રહેતી. એ જમાનામાં ચલણી નોટો ગણવાના દસ ઉપરાંત મશીન એલ.ટી.ની ઓફીસ પર રહેતાં. 
              અમદાવાદના પોશ વિસ્તારમાં એલ. 700 ચોરસવાર નો 18 રૂમ ધરાવતો શાહી રાજમહેલ જેવા આલિશાન તુલસી બાગ નામના બંગલામાં એલ.ટી નિવાસ કરતા. ઈમ્પોર્ટેડ કારના તેઓ ભારે શોખીન. એક સમયે કરોડ રૂપિયા ડ્યુટી ભરી પરદેશથી મનપસંદ કારનો કાફલો તેઓએ મંગાવેલો.  જેેઓના કારના કાફલામાં પરદેશની બનાવટની ટુ સીટર ઓપન કાર પણ સામેલ હતી. મોઘી
દાટ  6 ઈમ્પોર્ટન્ટ કાર, 3 ડ્રાઇવર 10 નોકર તેઓની સેવામાં ખડેપગે તૈયાર રહેતા. તેઓના શાહી નિવાસ પર જાણીતા સંતો, અભિનેતા, રાજનેતા, વગેરે જેવા વી. આઈ.પી. મહેમાનોની આવન-જાવન કાયમી રહેતી. આવા વી.આઇ.પી મહેમાનોને ચાંદીના વાસણોમાં ભોજન પીરસવામાં આવતું. 
                  એલ. ટી. ફિલ્મના પણ ભારે શોખીન. તેઓને સંગમ ફિલનાં કેટલાક દૃશ્યો અને ડાયલોગ એટલા ગમતા કે તેઓએ એ ફિલ્મ 25 વાર જોઈ હતી. તેઓ એ અમદાવાદમાં ફિલ્મસ્ટાર ક્રિકેટ મેચ યોજી હતી. કપિલ દેવ 333 વિકેટનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો ત્યારે એના સન્માન માટે પાર્ટી પણ યોજી હતી. એલ. ટી.ની પૌત્રીને રમાડવા ખુદ કપિલદેવ તેઓના મહેમાન બન્યા હતા. રાજકીય ગલીયારોમાં પણ તેઓનો ભારે દબદબો હતો. છુપી રીતે રાજકીય આગેવાનોનો ખૂબ મોટી આર્થિક મદદ કરી બે દાયકા પૂર્વે ગુજરાતના રાજકારણમાં એલ.ટી.એ મોટી ઉથલ પથલ કરાવ્યાની પણ ચર્ચા છે. 
               એલ.ટી. એ સદગત પિતાની સ્મૃતિમાં જૂનાગઢના ભારથી આશ્રમ માં તુલસી દ્વાર બંધ આવ્યું હતું. સિદ્ધપુર સહિત અનેક ધર્મસ્થાનોમાં કરોડો રૂપિયાનું દાન આપ્યું હતું. કેદારનાથ મંદિરમાં સુવર્ણ જડિત કરાવ્યા હતા. 
                વર્ષ 1985 થી લઈ 1995 સુધી એલ.ટી. એ પોતાની શરાફી પેઢીનું સામ્રાજ્યનો જબરજસ્ત વિસ્તાર કર્યો. મોડાસા થી લઈ મુંબઇ સુધી એક માત્ર એલ.ટી. શ્રોફ પેઢીની જ બોલબાલા હતી. મધ્યમવર્ગ , નોકરિયાત વર્ગ, અને નાના રોકાણકારો માટે એલ.ટી. શ્રોફની પેઢીએ વિશ્વાસ સંપાદિત કર્યો હતો. હજ્જારો લોકોના કરોડો રૂપિયા થાપણ તરીકે એલ. ટી. શ્રોફ પેઢીમાં રોકાયેલા હતા. 
            
                વર્ષ 1996ના અંતમાં ઇન્કમટેક્સ વિભાગે એલ.ટી ની જુદી જુદી પેઢીઓ ઉપર સામૂહિક રેડ પાડીને રોકડ, દાગીના, દસ્તાવેજો જપ્ત કર્યા. કુદરતી ઊઠે છે ત્યારે બધી મુસીબતો એકસામટી આવે છે.  એ જ સમયે જમીનના સોદામાં કરોડોનું નુકસાન વેઠવું પડયું.  દરિયાને પણ તળિયું હોય છે. લક્ષ્મીજીને રિઝતાં વાર લાગે છે પરંતુ રુઠતાં વાર નથી લાગતી.  એ દિવસથી એલ. ટી ના વિશાળ સામ્રાજ્યની પતનની શરૂઆત થઈ. જાણે કે એમની શાખ રાતોરાત રાખ થઈ ગઈ. થાપણોદારોનો વિશ્વાસ આ પેઢી પરથી ઉઠવા લાગ્યો. લોકોએ મૂકેલી થાપણો લેવા માટે આ પેઢી ઉપર રીતસરની પડાપડી થવા લાગી. અનેક મધ્યમ વર્ગીય પરિવારોની જીવનભર પરસેવો પાડીને કમાયેલી  કમાણી એલ.ટી. શ્રોફ પેઢી સાથે પાણીમાં ડૂબી ગઈ.    પોતાના રૂપિયા ન મળતાં લોકો એ એલ.ટી.ના બંગલામાંથી દસ્તાવેજો, ફર્નીચર, ઘરેણાં અને એલ.ટી.ના ઘરનાં વાસણ સુધ્ધાં ઉઠાવી ગયા. હજારો નાના રોકાણકારોને રાતાં પાણીએ રોવાનો વારો આવ્યો. 
              અમદાવાદમાં આવેલા શાહી બંગલાની પણ નિલામી થઈ ગઈ. શાહી ઠાઠમાઠથી જીવતા એલ.ટી. રાતોરાત રોડ ઉપર આવી ગયા. આ આઘાત સહન ન થતા એલ.ટી. એ ઝેર ઘોળી આત્મહત્યાનો પ્રયાસ કર્યો. એ સમયના રાજ્યપાલના ડોક્ટર એલ.ટી.ના ફેમીલી ડોક્ટર હતા. ભારે જહેમતથી એલ.ટી ની બચાવી લેવાયા. કાળની આ કારમી થાપટ સાથે એલ.ટી ની એક નવી જિંદગી શરૂ થઈ. એલ. ટી. સઘળું છોડી ભીમા શંકરના જંગલોમાં જઈ નિવાસ કર્યો. આલીશાન બંગલાના ભવ્ય શયનખંડમાં સુતા એલ.ટી. ને હવે જંગલમાં પથ્થરનું ઓશીકું કરી સૂવું પડ્યું. જે મંદિરોમાં એલ.ટી ભંડારો કરી ગરીબોને જમાડતા એ મંદિરો માં ગરીબો સાથે બેસી ભંડારમાં ભોજન કરવું પડ્યું. ઝીંદગીના અનેક રંગ જોઈ ચૂકેલા એલ.ટી. એ છેવટે ભગવાં વસ્ત્રો ધારણ કર્યા. અને લલિતાનંદ નામ ધારણ કર્યું. 
                એક જમાનાના એલ.ટી.ના પરમ મિત્ર રહી ચૂકેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ બાપુ એ આખરે મૈત્રી ધર્મ નિભાવ્યો. શંકરસિંહ બાપુ લલિતાનંદ ને વાસણીયા મહાદેવ પાસે આશ્રય સ્થાન આપ્યું છે. પરિવાર વિશે પૂછતાં લલિતાનંદ જણાવે છે કે "હું ભૂતકાળ ભૂલી ગયો છું. હું કાંઈ જ યાદ કરવા નથી માંગતો. પ્રભુની ઈચ્છા મને સાધુ બનાવી જનસેવા કરાવવાની હતી જે પ્રભુકૃપા થી હું કરી રહ્યો છું. મારી સુખ સાહેબી એક સપનું હતું એ તૂટી ગયું. . એને યાદ કરી દુઃખી શું કામ થવું?? પ્રભુ જીવાડે એમ જીવવું છે " તેઓના ચહેરા પર કોઈ ગ્લાનિ નથી. કોઈ દુઃખ નથી. તેઓના ચહેરા ઉપર ગજબની શાંતિ પથરાયેલી છે.
           એક જમાનામાં સ્ટાઈલિશ શૂટ બુટમાં ક્લીન શેવ થઈ શાનથી ફરતાં એલ.ટી. ના શરીર પર ભાગવાં વસ્ત્રો શોભે છે. માથે મોટી જટા અને ચહેરા પર ચમકતી શ્વેત દાઢી ફરફરે છે. ગાંધીનગરની બાજુમાં વાસણીયા મહાદેવ ની બાજુમાં લલિતાનંદ અન્નક્ષેત્ર ચલાવે છે. અવતાં જતાં વટેમાર્ગુને બોલાવી જમાડે છે. કોઈ દસ, વીસ કે ત્રીસ રૂપિયા આપે છે તો લલિતાનંદ આનંદ પામે છે.એ

લેખન-  : ઈશ્વર પ્રજાપતિ
(આપના પ્રતિભાવ નીચેના નંબર પર whatsapp દ્વારા આપી શકો છો 98251 42620)

(આપના જીવનની પણ કોઈ વેદના કે સંવેદનાની, પ્રેમની કે પીડાની દુઃખની કે સુખની કોઈ ઘટના કે બનાવને કહેવા ઇચ્છતા હોવ તો જરૂર whatsapp માધ્યમથી મારો સંપર્ક કરી શકો છો. મો. નં. 98251 42620)

6 comments:

  1. ઈશ્વરભાઈ આપ સાચા છો,જિંદગી ક્યારે કરવટ બદલે તેનું કંઈ જ નક્કી હોતું નથી.....
    આપને અને આપની કલમને સો સલામ...
    પોતાની જ મસ્તીમાં રાચતા સમાજના આ સામાન્ય માણસોની વચ્ચેથી તમે ચીંથરે વીંટાયેલાં રતન ખોળીને દેશ અને દુનિયાને તેનો પરિચય કરાવો છો....
    શ્રોફ સાહેબની જિંદગી સાચ્ચે જ જિંદાબાદ છે....જીવનના ઉતાર ચડાવને સમાન રીતે નિહાળતાં આવાં મનુષ્ય રત્નોથી જ દુનિયા ઉજળી છે...
    ઈશ્વરભાઈ આપને ફરી ફરી વંદન....

    ReplyDelete
  2. 👌🏻👏🏻🙏🏻

    ReplyDelete
  3. ખરેખર હૃદય સ્પર્શી. સત્ય ઘટના છે .સલામ સાહેબ આપની કલમ ને

    ReplyDelete

સન્ડે સ્પેશિયલ

  ‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા    જોઈએ.” :    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.       સાવ સા...

Popular Posts