દાયકાઓ વીત્યા છતાંદેવદૂત સમાન ડૉકટર સ્વ. પોપટલાલ વૈદ્ય સાહેબનું સ્મરણ ભુલાતું નથી.
આ વાત છે દેવદૂત સમાન એક એવા ડૉકટરની કે જેઓના સ્વર્ગવાસ થયે વર્ષો વીતી ગયાં એમ છતાં લોકહૃદયમાં તેઓનું સ્થાન આજે પણ એકબંધ છે. તેઓનું નામ છે ડૉ. પોપટલાલ વૈદ્ય.
અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ડેમાઈ ગામના આસપાસના પંથકમાં ડૉ. પોપટલાલ વૈદ્ય નામ સાંભળતાં જ પ્રજાજનોનું મસ્તક આદરભાવે ઝૂકી જાય છે. જ્યારે સાધન સમૃદ્ધિનો અભાવ હતો એવા સમયમાં આ દેવદૂત સમાન ડોકટરે કોઈપણ આર્થિક લાભોંને ગણકાર્યા સિવાય વર્ષો સુધી આ વિસ્તારના ગરીબ પ્રજાને તબીબી સેવાઓ આપી. તેઓનું ઋષિ સમાન જીવન કોઈપણ તબીબ માટે એક મિશાલ રૂપ છે.
ડૉ.પોપટલાલ વૈદનો જન્મ
૯ જૂન ૧૯૧૩ ના રોજ રાજવૈદ પરિવારમાં થયો. તેઓના પિતા દોલતરાય આંબલીયારા સ્ટેટમાં રાજવૈદ હતા. પિતા દોલતરાયના સ્વર્ગવાસ પછી કુટુંબની આર્થિક પરિસ્થિતિ નબળી થઈ. તેઓના ભાઈઓની ધંધામાં ખોટ જવાથી પોતાનું સર્વસ્વ છોડી રાજસ્થાન બાંસવાડાના ખાંદુમાં મેડિકલ ઓફિસર તથા જેલર તરીકેના બેવડો કાર્યભાર સંભાળ્યો. નોકરી સ્વીકારતાં પહેલાં ત્રણ શરતો મૂકી. “હું દારૂ બંધીનો પ્રચાર કરીશ. ખાદી પહેરીશ. અને કેદીઓને મારવા નહીં દઉં.” ત્યારે
એવી કહેવત હતી કે ‘આદિવાસીઓકો મારને સે પુણ્ય મિલતા હૈ’. બધી શરતો સાથે મહારાજ શંકરસિંહના જમણા હાથસમ બહુમાન પામ્યા. નોકરી દરમિયાન તેઓ સરસ્વતીબેન સાથે લગ્નગ્રંથીથી જોડાયા. ગરીબ પ્રજાના આશિર્વાદ રૂપે નડિયાદ મહાગુજરાત હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે અપોઇન્ટમેન્ટ મળી. તેઓની વિદાય વખતે પોતાના લાડિલા ડૉ.ક્ટરની વિદાય આપવા માટે ચોધાર આંસુ સાથે માનવ મહેરામણ ઉમટ્યું. તેઓને
વિદાય આપવા માટે પ્રેમના પ્રતીક
એવા નાળિયેરથી રેલવેનો ડબ્બો ભરાઈ ગયો. રાજપરિવાર તરફથી ગોલ્ડ મેડલ,
કેમેરો અને વાઘચર્મ ભેટ સ્વરૂપે સ્વીકરી પોતાની નવી મંજિલ તરફ પ્રયાણ કર્યું.
પ્રવાસ
દરમિયાન યુદ્ધમાં સહાયરૂપ દાન માટે વિનવણી કરવામાં આવી. પૈસા તો હતા નહીં ગોલ્ડ મેડલ દાનમાં આપી ધન્યતા અનુભવી. વાઘચર્મ તેઓની યાદગીરીરૂપે અત્યારે પણ ઘરે સચવાયેલું છે.
નડિયાદમાં પણ હોસ્પિટલમાં નોકરીની શરૂઆતથી જ ત્યાં પણ અવિરત સેવા,
સાદગી, કુશળતા અને સમર્પણ દ્વારા થોડા જ સમયમાં લોકોના હૃદયમાં સ્થાન પામ્યા. એક ચરોતરના અગ્રણીને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જેઓ માટે વિદેશથી ઇન્જેક્શન મંગાવવાનું હતું. તે વડીલને સારું થાય એવી શક્યતા ન હતી. તેથી તેઓના સગાસંબંધીઓની સંમતિથી એ ઇન્જેક્શન બીજા ગરીબ પેશન્ટને આપ્યું. આ વાત જાણી નડિયાદ મહાગુજરાત હોસ્પિટલના ચેરમેનના જમાઈનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. અને ડૉ. પોપટલાલને ખાખડાવવા લાગ્યા. પોપટલાલ જેટલા નમ્ર અને ભલા હતા તેથી વિશેષ જ સ્વાભિમાની પણ હતા. બહુ સમજાવ્યા પછી પણ ચેરમેન ના જમાઈએ બોલવાનું ચાલુ જ રાખ્યું ત્યારે ડૉ. પોપટલાલે તેઓને ગેટ આઉટ કહી બહારનો રસ્તો બતાવી દીધો. ચેરમેન સાહેબનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો અને અનુકાકાની માફી માંગવા કહ્યું. પરંતુ ડૉ. પોપટલાલે કડક શબ્દોમાં સંભળાવી દીધું કે I'm here as a R.M.O not as a RAMO. આટલું કહી રાજીનામું હાથમાં પકડાવી દીધું. પછી તો ચેરમેનશ્રી અને હોસ્પિટલના આખા સ્ટાફે ડૉ. પોપટલાલને સમજાવવાનો પ્રયત્ન કર્યા. વિનંતી કરી પરંતુ ડોકટર સાહેબે સંભળાવી દીધું કે જ્યાં મારુ સ્વમાન ન જળવાય ત્યાં હું ક્ષણ પણ ન રહી શકું.
ડૉ. પોપટલાલનાં પત્ની રડવા લાગ્યાં કે હવે આપણું શુ થશે?
ત્યારે પોપટલાલે કહ્યું કે "ભીખ માંગીશ પણ હવે અહીં નોકરી નહીં જ કરૂં." સ્વમાન ખાતર મોભાદાર નોકરીને પળવારમાં લાત મારીને પોતાના વતન કપડવંજ આવી ગયા.
પોતાના ડૉ. ભત્રીજા પાસેથી થોડી દવાઓ લઈ અને ઇન્જેક્શન ગરમ કરવાની તપેલી લઈને તેઓ ડેમાઈ આવી ભાડે મકાન ક્લિનિકની શરૂઆત કરી પ્રેક્ટિસ ચાલુ કરી. રાજવી પરિવારના સંબંધોના માધ્યમ દ્વારા ડેમાઈના રાવ સાહેબના પરિવારની હૂંફ મળી.
ડૉ. પોપટલાલના હિતેચ્છુ વડીલો જેવાકે પૂનમકાકા મહેતા,
કાંતિકાકા, રાજગોર શ્રી જેશીંગકાકા, હસન કાકા વગેરેના પરિવાર ની દવા માટે આજીવન ચાર્જ ન લીધો. ગામના વાલ્મીકિ સમાજ કે જેમને પૂર વખતે અમે પરિવાર સાથે ભોજન પહોંચાડવા પણ જતા હતા તેઓ ની દવા મંદિર મસ્જિદના પુજારી, ધોબી, માળી, કસાઈ વગેરેની દવા આ જીવનમાં ફક્ત કરી. ત્યારબાદ કસાઈના પૈસા લેવાના ચાલુ કર્યા પણ તેના માટે ડબ્બો અલગ હતો જેમાં જે તે પૈસા મૂકી દેતાં જે ક્યારેય ઘરના ઉપયોગમાં નહોતા લેતા.
ઘરે લગ્ન પ્રસંગે ગ્રહશાંતિના સમયે પણ
ડૉ. પોપટલાલને પ્રસુતિના કેસ માટે બોલાવવામાં આવે ત્યારે
તેઓ ગોર મહારાજ અને ગણપતિજીના ચરણોમાં વંદન કરી નીકળી જતા. જ્યાં સુધી બહેનને પ્રસુતિની વેદનામાંથી મુકિત ન થાય ત્યાં સુધી ત્યાં જ બેસી રહે. જેના ઘરે પ્રસુતિ હોય તેમની આર્થિક પરિસ્થિતિ સારી ન હોય તો દવાનો ચાર્જ તો લેતા નહી
પરંતુ યથાશક્તિ મદદ કરી માનવ ધર્મ બજાવતા. આજુબાજુ વિસ્તારમાં ડૉ.
પોપટલાલની પ્રસુતિ નિદાનની નિપુણતા માટે નામ હતું. તેઓએ જે સમય આપ્યો હોય તે જ સમયે પ્રસુતિ થાય. તેઓ પ્રજામાં સંપૂર્ણ વિશ્વાસ પૂજ્ય ડૉક્ટર કાકા આવ્યા હવે ચિંતા નહીં. ગામના બીજા ડૉક્ટર 300 રૂપિયા ચાર્જ કરતા
તે સમયે ડૉ. પોપટલાલ દસ કે પંદર રૂપિયામાં પ્રસુતિ કરાવતા.
તેઓ આજીવન મૃત્યુપર્યંત ખાદીના
જ વસ્ત્રો પહેર્યા. ખાદીનુ શર્ટ અને ખાદીનો લેંઘો પહેરતા. સ્નાન કરવાનો રૂમાલ પણ ખાદીનો. કપડવંજના તેઓ મિત્રો રાજેન્દ્રભાઈ કવિ પરીક્ષિત કાકા, મધુસુદન કાકા, તલાટી કાકા સત્યાગ્રહની ચળવળ વખતે પોલીસનો માર પણ સહન કરર્યો, જેલ પણ ભોગવી. રાજકારણમાં રાષ્ટ્રભાવના અને સિદ્ધાંતો સાથે જોડાયેલા રહ્યા એક વખત અમદાવાદના ખ્યાતનામ ડૉ. જયંત હરિભક્તિ સાહેબ તેઓના પ્રજા ઉપરના પ્રભાવ અને વર્ચસ્વથી પ્રભાવિત પક્ષાંતર માટે આવ્યા ડૉ.
પોપટલાલે ખૂબ જ આદર સાથે કહ્યું ‘આપ સાહેબ મારે ત્યાં પધાર્યા તે મારું અહોભાગ્ય છે, પણ હું મારા સિદ્ધાંત આગળ વિવશ
છું.” ત્યારે ડૉ.
હરિભક્તિ સાહેબના શબ્દો હતા “તમારા જેવી એક વ્યક્તિ મને મળી કે જેને મને આદર પૂર્વક ના કહી
હોય. તમો નાળિયેરના અંદરના પાણી જેવા છો. તમને હું વંદન કરું છું.”
ડૉ પોપટલાલને ડેમાઈ
ગામની હાઈસ્કૂલનું સુકાન સંભાળવા માટે ગામના વડીલો દ્વારા વિનંતી કરવામાં આવી ત્યારે તેઓના શબ્દો હતા કે "મને પ્રમુખ બનાવવા ખાતર પછી??? જે હોય તે પરંતુ આપનામાં વિશ્વાસ રાખીને અને ગામની સંસ્થાના હિતકારી માટે કાંટાળો તાજ સ્વીકારું છું." ગામમાંથી શિક્ષકોને પગાર માટે ચડાવીને દવાખાને મોકલવામાં આવતા ત્યારે પોપટલાલ એ કહ્યું "મારી પાસે પૈસા તો નથી પણ મારા ધર્મપત્નીનું મંગળસૂત્ર કે ઘરેણા મૂકીને પણ તમારો પગાર કરી કરીશ પણ મહેરબાની કરીને વિદ્યાર્થીઓના હિતને પ્રાધાન્ય જરૂરથી આપશો." તેમણે ગામમાં પણ સંસ્કાર મંડળ નામની મંડળી ઊભી કરી જે સંસ્થા ગામમાં સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા ગામની સહાયભૂત થવાય તે માટે પ્રયત્નશીલ રહી.
ડૉ. પોપટલાલ એક સારા લેખક પણ હતા તેમની તેમણે વીર પ્રતિજ્ઞા સાચો રાહ વગેરે નાટકો પણ લખ્યા હતા. તેઓનો હસ્તલેખિત ઇતિહાસ કપડવંજ ની ગૌરવ ગાથા
આલેખી. પરંતુ આર્થિક સંકળામણને કારણે એને પુસ્તક રૂપે પ્રગટ ન કરી શક્યા. જે કામ વર્ષો
પછી તેઓના પુત્ર ડૉ. અમિતભાઈ એ મુનિ કંચન સાગરજીના આશિર્વાદ અને સહિયોગથીથી કપડવંજના ઇતિહાસ ગાથાનો અદભુત ગ્રંથ પુસ્તક ર્રોપે
પ્રગટ કર્યો..
ડેમાઈ ગામની મધ્યમાં એક સુંદર પુસ્તકાલય ગામના સજ્જનના આર્થિક સહયોગ અને મંડળના સહયોગથી ચાલુ કર્યું જે આજે પણ કાર્યરત છે.
ડેમાઈ ગામે નર્સિંગ હોમ બનાવ્યું. જેમાં નામાંકિત ડૉક્ટર
આવીને પોતાની સેવા આપી જતા. જેના પોસ્ટ સર્જીકલ પોપટલાલ સંભાળતા જેનો ચાર્જ પોતે લેતા નહીં પોતાના ગામની પ્રજાને ઓછા ખર્ચે ડેમાઈ ગામે સેવાનો લાભ મળતો રહે.
પોતાને રહેવા માટે ગામમાં પોતાનું મકાન પણ નહોતું ગામમાં પ્રથમ કૃષ્ણકુંજ નામે હાઉસિંગ સોસાયટીમાં વડીલોએ મકાન લેવા માટે જણાવ્યું. તેઓએ કહ્યું મારી પાસે પૈસા છે નહીં ત્યારે તેઓના પત્નીએ પોતાની બચતમાંથી 99 રૂપિયા નો હપ્તો ભરી મકાનના શ્રી ગણેશ કર્યા દવાખાનું મકાન તો આજપર્યંત ભાડાનું છે. જ્યાં તેઓના પુત્ર ડૉ. અમિતભાઈ એ પિતાની રાહે ચાલી ગરીબ દર્દીઓની
સેવાની અખંડ જ્યોત પ્રજ્વલિત રાખી છે.
ડૉ. ભટ્ટ સાહેબે એકવાર પોપટલાલને કહ્યું હતું કે “પોપટભાઈ તમારું હૃદય નબળું છે તેથી હવે ડિલિવરીનું કામ બંધ કરો.”
ત્યારે પોપટલાલના શબ્દો હતા કે “કાલે મૃત્યુ આવતું હોય તો આજે આવે મારા તબીબી ધર્મ ન ચૂકી
શકું, તમો મારા પરિવારને જણાવશો નહીં નહીં તો એ લોકો મને જવા નહીં દે કારણ હું કોઈપણ દર્દીને વેદના સહી ન શકું.”
આજીવન ગરીબ દર્દીઓની સેવા
માટે જાત ઘસી નાખનાર દેવદૂત સામાન ડૉકટર પોપટલાલે ૨૭ જૂન ૧૯૮૧ ના રોજ અંતિમ શ્વાસ લીઘા.
ડૉ પોપટલાલના અવસાન વખતે ખાસ કરીને ગરીબ વર્ગની બહેનો છાતી કૂટી હૈયાફાટ રૂદન સાથે "અમારો બાપ ગયો હવે અમારું શું થશે ! "વડીલો બોલી ઉઠ્યા "ન ભૂતો ન ભવિષ્યતિ ક્યારેય આવી સ્મશાનયાત્રા જોઈ નથી કે જોવા મળશે" ડૉ. પોપટલાલ કહેતા કે “માણસની કિંમત સ્મશાનમાં” આજુબાજું
વિસ્તારના સૌ લોકો રાત્રિથી સવાર સુધી સતત બેસી રહ્યા. આ એક એવા તબિબ હતા કે
આજીવન ગરીબ પ્રજાની સેવા જ કરી. તેઓના બારમા-તેરમાની વિધિ કરવાના દસ -વિસ હજાર રૂપિયા પણ ઘરમાં હતા. ગામ તથા આજુબાજુના કંપાના વિસ્તારના સ્વજનોએ અંતેષ્ઠી
કાર્ય પૂર્ણ કરી આપ્યું.
ડૉ. પોપટલાલની સેવાની
કદર રૂપે ગ્રામજનો એ ગામના પ્રવેશ દ્વાર
પાસેના માર્ગને ડૉ. પોપટલાલ માર્ગ
નામ આપ્યું છે. પુસ્તકાલયમાં આદ્યસ્થાપક ડૉ પોપટલાલ વૈદ્યની સ્મૃતિમાં મુખ્યદાતા સાથે ફોટો
પણ મુકવામાં આવ્યો છે. સોમનાથ મહાદેવમાં અવિરત ચાલતા અન્નક્ષેત્ર ઉપર ડૉ. પોપટલાલ અન્નક્ષેત્ર
નામકરણ કરવામાં આવ્યું છે. સ્મશાનની નજીકમાં ઇન્દિરાનગરમાં એક મોટું વૃક્ષ કે જે તેઓના અગ્નિ સંસ્કાર વખતે ગરીબ પ્રજાએ પોતના
બેલી એવા ડૉકટર સાહેબને શ્રદ્ધાંજલિના પ્રતિક રૂપે વાવ્યું
હતું જે આજે ફૂલ્યું ફાલ્યું છે.
ડૉ. પોપટલાલ સ્વધામ ગમનને દાયકાઓ વીતી ગયા એમ છતાં તેઓના સેવા કાર્યોની ફોરમ આજે પણ મહેંકી રહી છે. અવા ઋષી સમાન તબિબને કોટીકોટી વંદન!
લેખન : ઈશ્વર પ્રજાપતિ
(98251 42620)
સરસ
ReplyDeleteVery Touchy.... Excellent
ReplyDeleteI'm here as a R.M.O not as a RAMO. આત્મ સન્માની ડૉ.સાહેબ ને વંદન સહ શ્રદ્ધાંજલિ
ReplyDeleteKhub srs article👌
ReplyDeleteશ્રી પોપટ લાલ ને જાણું, થોડો ઈતિહાસ જાણતો હતો, તમે તો અદ્ભુત માહિતી આપી, સંશોધન અને પછી લખાણ, આજ તમારી કમાલ છે. અભિનંદન.
ReplyDelete