બાલવાટિકા અને ધોરણ પહેલા બીજાનાં ભાષા શિક્ષિકા કરુણાબેન કે. પટેલ
કરુણાબેન પટેલ.
સાબરકાંઠાના નાનકડા ગામથી શરૂ થયેલી તેમની સફર આજે અરવલ્લી જિલ્લાની પી.એમ.શ્રી આકરૂન્દ આદર્શ પ્રાથમિક શાળાની કર્મભૂમિ પર વિલસી રહી છે. છેલ્લા બે દાયકાથી પણ વધુ સમયથી શિક્ષણ જગતમાં પોતાનું યોગદાન આપી રહ્યાં છે.
કોઈપણ વ્યક્તિના વ્યક્તિત્વનો પાયો તેના પરિવાર અને ઉછેર પર નિર્ભર
કરે છે. કરુણાબેનનો જન્મ સાબરકાંઠા જિલ્લાના ગઢોડા ગામમાં થયો હતો. તેમના પિતા
શ્રી કચરાભાઈ નથુભાઈ પટેલ પોતે એક આદર્શ અને આદરણીય શિક્ષક હતા. પિતાના શિક્ષક
હોવાને કારણે કરુણાબેનને સાહજિક રીતે જ ઘરમાં શૈક્ષણિક,
શિસ્તબદ્ધ અને સંસ્કારી વાતાવરણ મળ્યું. શિક્ષણ પ્રત્યેનો પ્રેમ,
સમાજ સેવા માટેની ધગશ અને નૈતિક મૂલ્યો તેમને પિતા તરફથી ગળથૂથીમાં
જ મળ્યા હતા. પિતાની નિષ્ઠા જોઈને જ નાનપણથી જ કરુણાબેનના મનમાં પણ એક આદર્શ
શિક્ષિકા બનવાના બીજ રોપાયા હતા.
કરુણાબેનનો પ્રારંભિક શૈક્ષણિક પ્રવાસ તેમના જ હોમટાઉન એટલે કે
ગઢોડા ગામની પ્રાથમિક શાળામાંથી શરૂ થયો હતો. ગામની માટીમાં રમતા અને પ્રાથમિક
શિક્ષણના પાઠ ભણતા ભણતા તેઓ ઉચ્ચ શિક્ષણ તરફ આગળ વધ્યા. માધ્યમિક શિક્ષણ માટે તેઓ
અનેરા ગામની એક સુંદર અને સંસ્કારી શૈક્ષણિક સંસ્થામાં જોડાયા. ધોરણ ૮ થી ૧૦
સુધીનો અભ્યાસ તેમણે આ અનેરાની સંસ્થામાં પૂર્ણ કર્યો. મનમાં શિક્ષક બનવાનું સપનું મક્કમ હોવાથી,
તેમણે માધ્યમિક શિક્ષણ પૂર્ણ કર્યા બાદ અનેરાની જ સંસ્થામાં
પી.ટી.સી.નો અભ્યાસક્રમ શરૂ કર્યો અને તેને સફળતાપૂર્વક પૂર્ણ કર્યો.
વર્ષ ૧૯૯૯માં પી.ટી.સી. પૂર્ણ કર્યા બાદ કરુણાબેનની સરકારી
શિક્ષિકા તરીકે પસંદગી થઈ. તેમની પ્રથમ નિમણૂક સરહદી અને અંતરિયાળ ગણાતા કચ્છ
જિલ્લામાં થઈ. વતન સાબરકાંઠાથી કચ્છનું અંતર ઘણું વધારે હતું. એક યુવાન બહેન માટે
તે સમયે આટલા દૂરના અને ભૌગોલિક રીતે વિષમ વિસ્તારમાં જઈને નોકરી કરવી એ એક મોટો
પડકાર હતો. પરંતુ, મનમાં રહેલી શિક્ષણની જ્યોત અને બાળકોને ભણાવવાની
ઉત્કંઠાને કારણે તેમણે આ પડકાર સ્વીકાર્યો.
કચ્છમાં તેમણે ખૂબ જ નિષ્ઠાપૂર્વક સેવાઓ આપી. જોકે,
લાંબા સમય સુધી વતન અને પરિવારથી ખૂબ દૂર રહેવાને કારણે ભૌગોલિક અને
કૌટુંબિક પરિસ્થિતિઓને માન આપી, તેમણે ભારે હૈયે ત્યાંથી
રાજીનામું આપવું પડ્યું. પરંતુ આ પ્રથમ નોકરીએ તેમનામાં એક અદભુત આત્મવિશ્વાસ ભર્યો
હતો.
કચ્છથી પરત ફર્યા બાદ, કરુણાબેનની
શૈક્ષણિક સફરનું નવું પ્રકરણ ખેડા જિલ્લામાં શરૂ થયું. તેઓ ખેડા જિલ્લાની પ્રાથમિક
શાળામાં શિક્ષિકા તરીકે જોડાયા. અહીં તેમણે સતત આઠ વર્ષ સુધી લાંબી અને પ્રશંસનીય સેવાઓ
આપી.
ખેડા જિલ્લામાં વિતાવેલા આ આઠ વર્ષ કરુણાબેનની કારકિર્દીના સુવર્ણ
વર્ષો સાબિત થયા. તેમની કાર્યપદ્ધતિ,
સમયપાલન અને બાળકો પ્રત્યેની મમતાને કારણે તેઓ વિદ્યાર્થી પ્રિય શિક્ષિકા બની રહ્યાં.
ખેડા જિલ્લામાં આઠ વર્ષની યશસ્વી સેવાઓ આપ્યા બાદ,
કરુણાબેનની બદલી તેમના વતનની નજીક એટલે કે આકરૂન્દ આદર્શ પ્રાથમિક
શાળામાં થઈ. ૧૯મી નવેમ્બર, ૨૦૦૮ના રોજ તેઓ આ શાળામાં
ઉપશિક્ષિકા તરીકે હાજર થયાં. બસ, આ દિવસથી જ આકરૂન્દ શાળા તેમના જીવનનું કેન્દ્રબિંદુ બની ગઈ.
તેમણે
આ શાળાને માત્ર એક નોકરી કરવાનું સ્થળ ન ગણતા પોતાની 'કર્મભૂમિ' બનાવી દીધી. છેલ્લા ૧૭ વર્ષથી (૨૦૦૮ થી
૨૦૨૬ સુધી) તેઓ સતત એક જ શાળામાં પોતાની ફરજ બજાવી રહ્યા છે. આટલો લાંબો સમય એક જ
શાળામાં આપવો એ તેમની શાળા પ્રત્યેની વફાદારી અને બાળકો પ્રત્યેના અગાધ પ્રેમને
દર્શાવે છે.
કોઈપણ
ઈમારત મજબૂત ત્યારે જ બને જ્યારે તેનો પાયો મજબૂત હોય. શિક્ષણમાં પણ આ જ નિયમ લાગુ
પડે છે. કરુણાબેન બાલવાટિકા, ધોરણ ૧ અને ધોરણ ૨ ના નાના ભૂલકાઓને શિક્ષણ આપે
છે. નાના બાળકોને ભાષા શીખવવી એ સૌથી અઘરું કામ છે. કરુણાબેન ભાષા શિક્ષિકા તરીકે
અક્ષરજ્ઞાન, શ્રવણ, કથન અને
વાચન-લેખનની પાયાની કુશળતાઓ ખૂબ જ સરળતાથી બાળકોમાં ઉતારે છે. તેઓ પરંપરાગત ગોખણપટ્ટીના બદલે ગીતો, બાળવાર્તાઓ, રમતો અને ફ્લેશ કાર્ડ્સ દ્વારા ભણાવે
છે. જેથી બાળક હોંશે હોંશે શાળાએ આવવા પ્રેરાય છે. ઘર છોડીને પહેલીવાર શાળાએ આવતા નાના બાળકો રડે
નહીં અને મૂંઝાય નહીં, તે માટે કરુણાબેન એક શિક્ષિકા મટીને
માતાની ભૂમિકા ભજવે છે.
કરુણાબેનનો સ્વભાવ શાંત છે. તેમના પિતા તરફથી મળેલા આદર્શોને કારણે તેઓ
ક્યારેય પોતાની ફરજમાં આળસ કરતા નથી. બાળકોને સવારે અલ્પાહાર આપવાનો હોય કે બપોરના સમયે મધ્યાહન ભોજન આપવાનું હોય કરુણાબેનની તેમાં અચૂક હાજર હોય. બાળકોને પૌષ્ટિક ભોજન મળે તે માટેની તેઓની કાળજી નોંધનીય છે.
કરુણાબેન કચરાભાઈ પટેલની ૧૯૯૯ થી શરૂ થયેલી અને આજે ૨૦૨૬ સુધી
વિસ્તરેલી આશરે ૨૭ વર્ષની શૈક્ષણિક સફર એ ત્યાગ, સમર્પણ અને કર્તવ્યનિષ્ઠાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. કચ્છની સરહદોથી લઈને ખેડાના
ગામડાઓ અને હવે આકરૂન્દની પવિત્ર ભૂમિ સુધી તેમની સેવાની સુવાસ ફેલાયેલી છે.
