Sunday, June 30, 2019

આપણો જિલ્લો, આપણું વતન અરવલ્લી, ભાગ -22


      "આપણા વડવાઓએ આપેલ અણમોલ વારસો, આપણાં તળાવો"



               એકાદ દશક પછી એક આખી પેઢી ભારતમાંથી લુપ્ત થઈ જશે જે ગર્વથી કહી શકે છે કે તેઓએ પોતાનું બાળપણ ગામના પાદરે આવેલ તળાવમાં ધુબાકા મારી મસ્તીથી પસાર કર્યું છે. વર્ષો પહેલા અરવલ્લી જિલ્લાના ગામે-ગામ તળાવની સંસ્કૃતિ જીવંત હતી. તળાવનો તટ માનવ વસ્તી અને પશુ પંખીઓથી ભર્યો ભર્યો રહેતો. કોઈ ગામ એવું ન હતું જ્યાં તળાવ ન હોય. પહેલાના સમયમાં ગામનું અને સીમનું વરસાદી પાણી તળાવમાં એકત્રિત કરવાની અલાયદી વ્યવસ્થા ઊભી કરવામાં આવતી. જેના પરિણામે આ તળાવ બારેમાસ પાણીથી છલોછલ રહેતું. અને ગામના લોકો અને પશુઓ બારેમાસ આ તળાવના પાણી પર આધારિત રહેતા. ગામતળ કે સીમ વિસ્તારમાં પાણી થી છલોછલ તળાવ હોવાના કારણે પાણીના તળ ઘણાં ઊંચા હતાં. કૂવા ના પાણી ખૂટતાં નહીં. 
             ભારતભરમાં "વૉટર ગુરુ" તરીકે વિખ્યાત થયેલા અનુપમ મિશ્રાએ પોતાનું સમસ્ત જીવન જળ સંચય અભિયાન અને પર્યાવરણ માટે ખર્ચી નાખ્યું. ભારતના તળાવ સંસ્કૃતિનો તલસ્પર્શી અભ્યાસ કરી તેઓએ એક સુંદર પુસ્તક લખ્યું છે "આજ ભી ખરે હૈ તાલાબ " (Ponds Are Still Relevant, 1993) ભારતના તળાવોનો અભ્યાસ કરી તૈયાર કરાયેલા સુંદર પુસ્તક નો બ્રેઈલ સહિત 15 ભાષાઓમાં અનુવાદ કરવામાં આવેલ. તેઓના લખાણો કોપીરાઇટ્સ મુક્ત છે. તેઓ પુસ્તક થકી જણાવે છે કે "ભારતવર્ષમાં અગાઉના સમયમાં કોઇ ગામ નદી, તળાવ વગરનું ન હતું. સૌરાષ્ટ્રમાં 20,000, કચ્છમાં 650, ઉત્તર ગુજરાતમાં 2500 અને મધ્ય ગુજરાતના 900જેટલા ગામોમાં તળાવો આવેલા છે. જાળવણીના અભાવે આ તળાવો માટી-કાંપથી પૂરાતા જાય છે. ગુજરાતના જાણીતા તળાવોની યાદી જોઇએ તો કડીનું થોર, ધોળકાનું મલાવ, વિરમગામનું મુનસર, સિદ્ઘપુરનું બિંદુ, ગોધરાનું રામસાગર, હાલોલનું યમુના, દાહોદનું છાબ, ભાવનગરનું બોર, આજવાનું સયાજી, વડોદરાનું સુરસાગર, ડાકોરનું ગોમતી, રાજકોટનું લાલપરી, જામનગરનું લાખોટા(રણમલ) અને ભુજનું હમીરસર જેવા તળાવો આજે પણ જળસંસ્કૃતિની ધરોહર સાચવી રહ્યા છે. કેટલાક તળાવોનું પાણી આજે પણ પીવાના પાણી તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. તળાવોનું સાંસ્કૃતિક મહત્વછે.
           પહેલાના જમાનામાં અષાઢ મહિનાના પહેલા દિવસથી ભાદરવાના છેલ્લા દિવસ સુધીમાં દેશભરના લાખો  તળાવો વરસાદી પાણીથી ભરાઇ જતાં હતાં અને આખુ વર્ષ પાણીની જરૂરિયાત પૂરી પાડતાં હતા. આ તળાવો ગળાવવા, દર વર્ષે તેમાંથી કાંપ-ગાળ કાઢી સફાઇ કરવી, તેની સાર સંભાળ રાખવી જેવી પ્રવૃતિઓ કરવામાં આવતી હતી. આવા કાર્યો કરનારાઓની સમાજમાં કિર્તી વધતી. તળાવ ખોદી માટી અને કાંપ ખેતરોમાં ભરવામાં આવતાં . જેથી જમીનની ફળદ્રુપતા પણ જળવાઈ રહેતી. જળ સ્રોતોનું જતન કરવું પુણ્યનું કામ માનવામાં આવતું. પ.પૂ. પાંડુરંગ શાસ્ત્રી આઠવલેજી પ્રેરિત સ્વાધ્યાય પરિવારે આ પ્રવૃત્તિને ભક્તિ સાથે જોડી ગામે ગામના તળાવ ઊંડા કરવા લોકો ને પ્રેરિત કર્યા. સ્વાધ્યાય પરિવાર સાથે જોડાયેલા અનેક લોકો આ પ્રવૃત્તિમાં જોડાયા. શ્રમદાન થકી તળાવ ઊંડા કરવાની પ્રવૃત્તિને વેગ મળ્યો. પરિણામ સ્વરૂપે ઘણા ગામોમાં નવીન તળાવો નિર્માણ પામ્યા. 
                જિલ્લાના મુખ્ય મથક મોડાસામાં માલપુર રોડ ઉપર આવેલું ઓધરી તળાવ વર્ષો પહેલા પાણીથી ભરપૂર રહેતું. પહેલા તળાવમાં એક ઘોડેસવાર ઘોડાને પાણી પાવા જતાં ઘોડા સહિત દુુબી મરેલાં. એટલું એમાં પાણી હતું. એક સમયે આ તળાવ જાળવણીના અભાવે સાવ સુક્કુંભઠ્ઠ બની ગયું હતું. આજે આ તળાવની મોડાસા નગરપાલિકા એ કાયાપલટ કરી છે. અને નયનરમ્ય તળાવનું રૂપ બક્ષ્યું છે. આ ઓધારી તળાવ હાલ મોડાસાની શોભા વધારી રહ્યું છે. વહેલી સવારે અને સંધ્યા કાળે નગરજનો આ તળાવની પાળે અચૂક લટાર મારવા નીકળી પડે છે . મોડાસા તાલુકાના લીંબોઈ ગામનું વિશાળ તળાવ નયન રમ્ય છે. બાયડ તાલુકાના સાઠંબા ગામે આવેલ ખાંડિયું તળાવ એક સમયે જેની જાહોજલાલી હતી. ધનસુરા એક વિશાળ તળાવની પાળ પર વિસ્તરેલું નગર છે. હાલ ગ્રામપંચાયત દ્વારા તેની કાયાપલટ કરવાનું ભગીરથ કાર્ય હાથ ધાર્યું છે. આકરુન્દ ગામે આવેલું વસેસર તળાવ એક સમયે બારેમાસ પાણીથી છલોછલ રહેતું. પ્રસિધ્ધ યાત્રાધામ ઈટાડી અંબાજીનું મંદિર પણ ગામની તળાવની પાળે આવેલું છે. 
              નર્મદા મુખ્ય નહેર આધારિત વાત્રક, માઝુમ અને મેશ્વો જળાશય તથા તળાવો ભરવા માટે પણ મથામણ આદરી છે. નર્મદાની મુખ્ય નહેર ની સાંકળ 153 કિલોમીટર ઉપર ઠાસરા તાલુકાના વાઘરોલી ગામથી આગળ પાઇપલાઇન કાઢીને તેના દ્વારા વાત્રક, માઝુમ અને મેશ્વો જળાશય અને અરવલ્લી જિલ્લાના તાલુકાઓના તળાવ ભરવા માટે ઉદવહન પાઇપલાઇન યોજના કાર્યરત છે. જેમાં ત્રણ જળાશયો ભરવાના કામને લગતા પાઇપલાઇનના તથા સંલગ્ન પંપીંગ સ્ટેશનના કામો પૂર્ણ થઈ ગયેલ છે. જ્યારે આપ લાઇનમાંથી લીક પાઇપલાઇન દ્વારા પથરેખાની બંને બાજુએ બે કિલોમીટર ની મર્યાદામાં આવતા તળાવો ભરવાનું કામ હાથ ધરવામાં આવી રહ્યું છે. જેના પગલે બાયડ, ધનસુરા, માલપુર અને મેઘરજ વગેરે તાલુકાના તળાવનો સમાવેશ થાય છે.
               આ યોજના અંતર્ગત કુલ 76 તળાવો ભરવાના થાય છે. જેમાં પેકેજ 1 માં વાઘરોલી થી જાલમપુર પંપીંગ સ્ટેશન સુધી કુલ ૨૫ તળાવો અને પેકેજ 2 માં જાલમપુર સ્ટેશનથી મેશ્વો જળાશય સુધી કુલ 51 તળાવ નો સમાવેશ થાય છે. આમ કુલ તળાવો પૈકી ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં 6 તળાવો, મહિસાગર જિલ્લાના વીરપુર તાલુકાના 2 તળાવો, બાલાસિનોર તાલુકામાં 11 તળાવો, અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના 16 તળાવ, માલપુર તાલુકાના 10 તળાવ, ભિલોડા તાલુકાનું 1 તળાવ અને મોડાસા તાલુકાના 30 તાલુકાઓનો સમાવેશ થાય છે. 
આ તળાવ ભરવાથી બાયડ, ધનસુરા, માલપુર ,મોડાસા અને ભિલોડા તાલુકાના આશરે 4000 હેક્ટર વિસ્તારમાં આડકતરો સિંચાઇનો લાભ મળનાર છે. 
           અરવલ્લી જિલ્લામાં જળશક્તિમાં વધારો થાય તે માટે સરકારની વિવિધ યોજનાઓ હેઠળ તળાવો ઉંડા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તે અંતર્ગત માલપુર તાલુકાના 70 તળાવનું ઊંડા કરવામાં આવ્યા છે. જેના થકી 270 હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળનાર છે. મેઘરજ તાલુકામાં 46 તળાવ ઊંડા કરવામાં આવેલ છે જેના થકી 460 હેક્ટર જમીનને સિંચાઇનો લાભ મળનાર છે ધનસુરા તાલુકાના 56 તળાવો ઊંડા કરવામાં આવી રહ્યા છે તે અંતર્ગત 560 હેક્ટર જમીનને સિંચાઇનો લાભ મળનાર છે મોડાસા તાલુકાના 81 તળાવો, બાયડ તાલુકાના 60 તળાવો, ભિલોડા તાલુકાના 49 તળાવો ઉંડા કરવાની કામગીરી હાથ ધરેલ છે. અરવલ્લી જિલ્લાના કુલ 319 તળાવો ઉંડા કરાતા કુલ 3190 હેક્ટર જમીનને સિંચાઇનો લાભ મળનાર છે. 
          આટ આટલી સિંચાઈ યોજનાઓ અમલમાં હોવા છતાં અરવલ્લી જિલ્લાની હજારો હેક્ટર જમીન શિયાળો - ઉનાળો પાણીના અભાવે પડતર પડી રહે છે. જળ સંચાયનું મૂલ્ય જોઈએ તેટલું આપણે સમજ્યા જ નથી. વારસામાં મળેલી તળાવોની સંસ્ક્રુતિ આપણે સાચવી શક્યા નથી. 
                વોટર મેનના નામથી પ્રખ્યાત અને મેગ્સેસ એવોર્ડ વિજેતા રાજેન્દ્ર સિંહએ જણાવે છે કે સમગ્ર દેશમાં કુલ દસ વર્ષ પહેલા 15000 જેટલી નદીઓ હતી. આ દરમિયાન 4500 જેટલી સુકાઈ ગઈ છે. તે માત્ર વરસાદના દિવસોમાં જ વહે છે. તેઓ જણાવે છે કે થોડા વર્ષ પહેલા તેમની ટીમે સમગ્ર દેશમાં એક સર્વે કર્યો હતો. તેમાં એ તારણ સામે આવ્યુ હતું કે આઝાદીથી લઇને અત્યાર સુધીમાં દેશમાં બે તૃતીયાંશ તળાવ, કૂવા, સરોવર, ઝરણાં વગેરે ખતમ થઈ ગયા છે. આઝાદીના સમયે દેશમાં છ લાખ ગામ હતા. અહીં દરેક ગામમાં સરેરાશ પાંચ જળ સંરચનાઓ હતી. એટલે કે સમગ્ર દેશમાં 30 લાખ જેટલા તળાવો હતા. આટલા વર્ષોમાં 20 લાખ સંરચનાઓ વર્ષોમાં સંપૂર્ણપણે સુકાઈ ગઈ છે. દેશમાં ભૂગર્ભ જળ પ્રતિવર્ષ ત્રણ મીટર નીચે જઈ રહ્યું છે.
             તારીખ 30 જૂનના રોજ દિવ્ય ભાસ્કરમાં છપાયેલા એક અહેવાલ પ્રમાણે સમગ્ર દેશમાં છેલ્લા દસ વર્ષમાં અંદાજે 30 ટકા નદીઓ સુકાઈ ગઈ છે. બીજી બાજુ છેલ્લા સિત્તેર વર્ષમાં 30 લાખમાંથી 20 લાખ તળાવ, કૂવા, સરોવર વગેરે સંપૂર્ણપણે સમાપ્ત થઈ ચૂક્યા છે. ગ્રાઉન્ડ વોટર ની સ્થિતિ પણ ખૂબ જ ખરાબ છે. જે દેશના અનેક રાજ્યોમાં કેટલીક જગ્યાએ 40 મીટર સુધી ગ્રાઉન્ડ વોટર લેવલ નીચે ગયું છે. તાજેતરમાં નીતિ આયોગના રિપોર્ટ પણ કહેવાયું છે કે જળ સંચય બાબતે આવી જ બેદરકારી રાખવામાં આવશે તો 2030 સુધી લગભગ 40 ટકા લોકોને પીવાનું શુદ્ધ પાણી પણ નસીબ નહીં થાય. 
          ભારતવર્ષની જળસંસ્કૃતિ વિશાળ હતી અને કદાચ આજે હજુ પણ છે, જરુર છે ફકત તેની જાળવણી કરવાની...!!!


લેખન - :ઈશ્વર પ્રજાપતિ 
(આપના પ્રતિભાવ નીચે આપેલ whatsapp નંબર પર લખી મોકલી શકો છો )
(98251 42620)

નોંધ:- મિત્રો બ્લોગની લિંક આપ શેર કરી શકો છો પરંતુ મિત્રો મારા બ્લોગના આર્ટિકલ્સને પોતાના નામે ચડાવી વાયરલ કરવાનો અવિવેક ન કરવા વિનંતી



1 comment:

  1. આપણા વિસ્તારના દરેક ગામ માં એક અથવા વધુ તળાવ અને કુવા હતા.જે સ્થાનિક પાણીની જરૂરિયાત પુરી કરતા હતા.વૉટર વર્કસ આવી ઘરે ઘરે પાણી ના નળ આવવાથી આ કુવા અને તળાવ ભુલાઈ ગયા.પરિણામે તે પુરાઈ પણ ગયા.હવે જયારે પાણી ના સ્તર નીચા જવાથી આ કુવા ને તળાવ નું મહત્વ સમજાયું.જાગો અને તળાવ ખોદાવો.પાણી નો સંચય કરો તો જ ભવિષ્યઃ રહેશે.કેનાલ ના પાણી પર ભરોસો ન રખાય.જૂનું તે સોનુ છે.સૌ સાથે મળી કુવા તળાવો ને સજીવન કરવાનો સમય આવી ગયો છે.
    પ્રદીપ શાહ.

    ReplyDelete

સન્ડે સ્પેશિયલ

  ‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા    જોઈએ.” :    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.       સાવ સા...

Popular Posts