Sunday, September 25, 2022

સન્ડે સ્પેશિયાલ - 36

 અનેક જરૂરિયાતમંદ દીકરીઓ જેમને પિતાતુલ્ય માને છે એ  વિરલ વ્યક્તિ  કોણ છે ?.


Study Room બ્લોગને આપના સહકારની આવશ્યકતા છે. સહયોગ માટે અહી ક્લિક કરો .

                અરવલ્લી જીલ્લાનું મુખ્ય મથક મોડાસા સમગ્ર ગુજરાતમાં શિક્ષણ નગરી તરીકે સુવિખ્યાત છે. રાજ્યના ખૂણે ખૂણેથી વિદ્યાર્થીઓ ઉજ્જવળ કારકીર્દી ઘડવા મોડાસામાં આવે છે. પરંતુ સ્થાનિક જરૂરિયાતમંદ કેટલાય તેજસ્વી વિદ્યાર્થીનીઓ આર્થિક  પરિસ્થિતિના અભાવે અભ્યાસ કરી શકતી નથી. પરિણામે તેજસ્વી વિદ્યાર્થીની હોવા છતાં મજબૂરીને વશ થઇ  અભ્યાસ છોડી ઘરકામ તરફ વળી જવું પડે છે. સમાજની આ એક કરુણ અવસ્થા છે. આવી દીકરીઓનું દર્દ સમજી સોથી વધુ દીકરીઓની શિક્ષણની તમામ જવાબદારી પોતાના ખભે ઉપાડી લીધી છે એવા વિરલ વ્યક્તિની આજે વાત કરવી છે. 

            એમનું નામ છે હરેશભાઈ  પટેલ.        

       સો જેટલી દીકરીઓને દત્તક લઇ તેમની તમામ જવાબદારી એકલે હાથે  વહન કરતા હરેશભાઈ પટેલના નામથી બહુ ઓછા લોકો પરિચિત હશે. એનું કારણ એ પણ છે કે તેઓ જે પણ સેવા કાર્ય કરે છે એના પ્રચાર પ્રસારથી દૂર રહે છે. હરેશભાઈએ ગરીબીને નજીકથી નિહાળી છે. જરૂરિયાતમંદ વ્યક્તિની પીડા તેઓ જાણે છે. પોતાના પરિવારની નબળી આર્થીક સ્થિતિને કારણે વધુ અભ્યાસ ન કરી શક્યા પરંતુ પોતાની કોઠાસૂઝથી આપબળે આગળ આવ્યા. અને જરૂરિયાતમંદોની મદદ કરવનો જીવનમંત્ર બનાવ્યો.  

      હરેશભાઈ ખેડૂત પુત્ર છે. સાવ સાધારણ કહી શકાય એવા પરિવારમાં અનેક અભાવોની વચ્ચે તેઓનો ઉછેર થયો. મોડાસાની લગોલગ આવેલું ભેરુંડા  તેમનું વતન. પુરુષાર્થી પિતા નરસિંહભાઈ પટેલ અને માતા તરફથી સાહસ, સેવા અને સદભાવના સંસ્કારોનો ભવ્ય વારસો પ્રાપ્ત થયો. હરેશભાઈએ સ્વબળે પોતાની કેડી કંડારી રાજમાર્ગ તૈયાર કર્યો છે.

         મોડાસા નગરની સુપ્રસિદ્ધ ન્યુ લિપ ઇન્ટરનેશનલ સ્કુલના ટ્રસ્ટી તરીકે હરેશભાઈ સેવાઓ આપી રહ્યા છે. પોતાનો સંપૂર્ણ સમય શાળાને સમર્પિત છે.  સાથે સાથે અનેક સામાજિક સંસ્થાઓ સાથે જોડાઈને સેવાકર્યોમાં હંમેશા અગ્રેસર રહે છે.

       કોરનાના કપરા કાળ દરમિયાન દરરોજ એક હજારથી પંદરસો જેટલા જરૂરિયાતમંદોને ભોજન કરવાનું યજ્ઞકાર્ય હરેશભાઈએ કર્યુ છે. ખાનગી શાળાના સંચાલક હોવા છતાં શિક્ષણના વ્યવસાયને તેઓએ માત્ર નફો રાળવાનો વ્યસાય ન બનાવતાં સેવાકાર્યનું માધ્યમ બનાવ્યું છે. તેમને 100 જેટલી દીકરીઓને દત્તક લઈ તેમની તમામ જવાબદરીઓ પોતાના શિરે ઉઠાવી છે. આ ઉપરાંત 80 જેટલાં જરૂરિયાતમંદ બાળકોના પાલક પિતા બની તેમની પાલન પોષણની સઘળી જવાબદારી હરેશભાઈ વહન કરી રહ્યા છે. અન્ય ખાનગી શાળાના સંચાલકોએ પણ હરેશભાઈનાં કાર્યોમાંથી પ્રેરણા લેવા જેવી ખરી !

       હરેશભાઈ જિલ્લામાં વસતા દિવ્યાંગોની જરૂરિયાત જાણી ટ્રાઈસિકલ ભેટ સ્વરૂપે આપી દિવ્યાંગોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. એટલું જ નહીં દિવ્યાંગોના સમૂહ લગ્નનું આયોજન કરી સમાજમાં તેઓએ એક નવી પહેલ કરી છે.

         હરેશભાઈ પોતાના વતનને પણ અંતરના ઊંડાણેથી ચાહે છે. તેમના સ્વર્ગસ્થ  પિતા શ્રી નરસિંહભાઈની સ્મૃતિમાં ગામમાં ભવ્ય પ્રવેશદ્વાર નિર્માણ કરાવ્યો છે. જાજરમાન પ્રવેશદ્વાર ગામની શીભા વધારે છે.

         ન્યુ લીપ ઇન્ટરનેશનલ  સ્કૂલના યુવાન અને  તેજસ્વી પ્રિન્સીપાલ વિજયભાઈ ચોપડા જણાવે છે કે હરેશભાઈની સાથે કામ કરવું જીવનનો એક લ્હાવો છે. ડગલે ને પગલે એમની પાસેથી જિંદગીના નવા નવા પાઠ શીખવા મળે છે. સફળતા મેળવ્યા પછી પણ સળગી અને સરળતા કેવી રીતે જાળવી રાખવી એ હરેશભાઈ પાસેથી શીખવા જેવું છે.  સેવા કાર્યમાં હંમેશા રત રહેતા હરેશભાઈ હંમેશા પડદા પાછળ રહેવામાં સુખ અનુભવે છે. જાહેર કાર્યક્રમોમાં તેઓ મોટાભાગે મંચ ઉપર સ્થાન લેવાનું પણ ટાળે છે. તેઓ પોતાની વાહવાહી કે સન્માનોથી અળગા રહે છે. એમ છતાં તેઓના સેવા કર્યોની સૌરભ ચોમેર પ્રસરી છે. તેમનો સુપુત્ર શુભમ પણ પિતાના માર્ગે આગળ ધપી રહ્યા છે. સંગાથ મિશન ટ્રસ્ટની રચના કરી સેવા પ્રવૃતિઓનો વિસ્તાર કરી રહ્યા છે.

      કોઈ પરિવારની નબળી આર્થિક સ્થિતિને કારણે તેજસ્વી દીકરીનું ભણતર રજળી પડે, એની આંખે આંજેલાં  સપનાં આંસુઓ સાથે વહી જાય આ પરિસ્થિતિ સભ્ય સમાજ માટે કલંકરૂપ છે. આ કલંકને ભૂસવા હરેશભાઈએ આદરેલી મથામણ દાદ માગી લે છે.

        હરેશભાઈ સાથે જ્ઞાન ગોષ્ઠી કરવા બેસીએ તો કલાકોનો સમય ઓછો પડે. મુશ્કેલ પરિસ્થિતિના ઉકેલ અંગે તેમની વિષે વિચારવાની આગવી રીત છે. સમસ્યાને તેઓ સમસ્યા નથી સમજતા પણ જીવન ઘડતર માટેની એક તક સમજે છે. વ્યક્તિ અભ્ય્સના મનોવિજ્ઞાનના તેઓ અભ્યાસુ છે. વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટેનું ડેટા એનાલીસીસ દાદ માંગી લે તેવું છે. શિક્ષણ વિશેનું તેઓનું ચિંતન ભલભલા કેળવણીકારોને વિચારતા કરી મુકે તેવું છે. ઘરની નબળી આર્થિક સ્થિતિને કારણે હરેશભાઈનું ભણતર વધુ  નથી શક્યું પરંતુ  ઘડતર ગજબનું થયું છે. તેઓની વાણી જાણે પ્રેરણાનું ઝરણું. એક જ સમસ્યાના અનેક ઉકેલ તેમની પાસે હાજર છે. સ્પષ્ટ વક્તા છે. નિરાશ થઈને હરેશભાઈ પાસે  આવેલ વ્યક્તિ નવી આશા લઇને પરત ફરે છે.  મોટિવેશન અને કાઉન્સલિંગના માસ્ટર માઈન્ડ

    તેમનું Gpsc, upsc, ઓલંમ્પીયાડ ,iit જેવી વગેરે સ્પર્ધાત્મક પરીક્ષાઓ વિષેનું તલસ્પર્શી નોલેજ વિદ્યાર્થીઓ માટે આશીર્વાદ રૂપ બની રહ્યું છે.  ગુજરાતના એજ્યુકેશન ની સિસ્ટમને સમજી તેમાં વિષયોનો કરીક્યુલમ બનાવી તેને સારાં લેવલ સુધી પહોંચાડવાની વિચારધારા અનુકરણીય છે.

       ભૂખ્યાને ભોજન કરાવવું તેમનો સ્વભાવ બની ગયો છે. એ પેટની ભૂખ હોય કે પછી શિક્ષણની ! જરૂરીયાતમંદની સેવા એ તેમના   જીવનનો મૂળ મંત્ર છે. નાની ઉંમરમાં મોટા બનતા શીખો અને એ મોટા બન્યા પછી નાના બનતા શીખો.. જેનું  ઉત્તમ  ઉદાહરણ.. હરેશભાઇ છે.

        હરેશભાઈના પ્રયત્નોથી અનેક દીકરીઓના જીવનમાં સુખનો સુરજ ઉગ્યો છે. આ દીકરીઓના અંતરના આશીર્વાદ હરેશભાઈના પરિવારને જરૂર પ્રાપ્ત થશે. જરૂરિયાતમંદોની સેવા માટે હરેશભાઈની બાહુઓમાં અનેક ઘણું બળ પ્રાપ્ત થતું એ જ શુભકામનાઓ.

- ઈશ્વર પ્રજાપતિ..

9825142620

10 comments:

  1. ખૂબ ખૂબ અભિનંદન.સાચી સેવા કરી રહ્યા છે.

    ReplyDelete
  2. ખૂબ ખૂબ અભિનંદન હરેશભાઈ ને સાચી સેવા કરી રહ્યા છે

    ReplyDelete
  3. ભેરૂન્ડા પ્રાથમિક શાળા નાં ભુતપૂર્વ વિદ્યાર્થી ઉપર ગર્વ છે.

    ReplyDelete
  4. ખૂબજ સરાહનીય કાર્ય કરી રહ્યા છે..

    ReplyDelete
  5. Great work sir 🙏🏻

    ReplyDelete
  6. માનવસેવા એ જ પ્રભુસેવા સાચા અર્થમાં યથાર્થ સાબિત કરી બતાવ્યું છે હરેશભાઇ. લાખો શુભેચ્છાઓ... અને સૌથી મોટું જેને કહી શકાય તેવું વિદ્યાદાન આપના થકી થઈ રહ્યું છે. જે ખરેખર આપના ઉમદા વ્યક્તિત્વ ની નિશાની છે. આભાર સાહેબ....

    ReplyDelete
  7. PROUD N SALUTE
    🙏 👍👍

    ReplyDelete