Monday, June 3, 2019

આપણો જિલ્લો, આપણું વતન : અરવલ્લી ભાગ - 18


અરવલ્લીના સાહિત્ય રત્નો ભાગ - 2


સોની રમણલાલ પીતાંબરદાસ
'સુદામો’
 


(જન્મ- 25/1/1908 - મૃત્યું- 20 /9/2006)
        બાળસાહિત્યકાર, અનુવાદક રમણલાલ સોનીનો જન્મઅરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના કોકાપુર ગામમાં થયો હતો. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ મોડાસામાં લીધું. 1940માં આગ્રા યુનિવર્સિટીમાંથી બી.એ. ડિગ્રી પ્રાપ્ત કરી. 1945માં બી.ટી. મોડાસા હાઈસ્કૂલમાં શિક્ષક અને આચાર્ય તરીકે જોડાયા . 
          ગાંધીજીના રંગે રંગાઈ સત્યાગ્રહની લડતમાં સક્રિય રહ્યા અને જેલવાસ પણ ભોગવ્યો. ત્યારબાદ નોકરી છોડીને સાહિત્ય અને સમાજહિતનાં કાર્યોમાં વધુ સક્રિય થયા. ખેડૂતો તથા હરિજનોના ઉદ્ધહાર માટે અનેક પ્રવૃત્તિઓનું સંચાલન તેઓએ કર્યું.ઈ. સ. 1952 થી 1957 સુધી મુંબઈ ધારાસભાના સભ્ય પણ બન્યા. 
          રમણલાલ સોનીના બાળસાહિત્ય અને અનુવાદ ક્ષેત્રે તેમની વિશિષ્ટ સેવાઓની સાહિત્ય જગતે નોંધ લીધી છે.
         ‘શિશુકથા, શિશુસંસ્કારમાળા, ગલબા શિયાળનાં પરાક્રમો, શિશુભારતી ગ્રંથમાળા, ખવડાવીને ખાવું-જિવાડીને જીવવું, ખાટી દ્રાક્ષ, પૂંછકટ્ટો, રોહંત અને નંદિય, ધનોતપનોતની ધડાધડ, ભોળા ભાભા, ચટકચંદ ચટણી વગેરે મૌલિક અને અનૂદિત-રૂપાંતરિત બાળવાર્તાપુસ્તકો એમણે આપ્યાં છે. રામાયણ કથામંગલ, ઉપનિષદ કથામંગલ, ભાગવત કથામંગલ, રામરાજ્યના મોતી વગેરે પુસ્તકોમાં પૌરાણિક વાર્તાઓને બાળભોગ્ય શૈલીમાં નિરૂપી છે. 
             બાલ સાહિત્ય સેવા માટે પહેલો જ ગિજુભાઈ બધેકા સુવર્ણચંદ્રક તેમને અપાયો છે. બાલ સાહિત્ય અને અનુવાદ સેવા માટે તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક અપાયો છે. તથા બીજા અનેક એવોર્ડ મળેલા છે. ગુજરાત સરકારે તેમને લાખ રૂપિયાનો નરસિંહ મહેતા એવોર્ડ પણ આપેલો છે. તેમના બાળસાહિત્યના 25 જેટલા પુસ્તકો ગુજરાતી ઉપરાંત અંગ્રેજી હિન્દી અને મરાઠીમાં પણ પ્રસિદ્ધ થયેલા છે. 
               સિંહાસનબત્રીસી, અરેબિયન નાઇટ્સની વાતો, વીર વિક્રમ, ઇસપની બાલવાતો વગેરેમાં અદ્- ભુતરસિક બાળવાર્તામાળાઓ છે. છબીલો લાલ, થાથા ! થેઈ ! થેઈ !, અમથો કારભારી ને ફૂલો ઠાકર, ભગવો ઝંડો અને ‘બાલમંદિરનાં નાટકોમાં બાળમાનસમાં ઉચ્ચતર જીવનભાવનાનાં બીજ વાવે તેવી અભિનયક્ષમ નાટિકાઓ છે. આ બધાં નાટકોનું સંપાદન ‘રમણ સોનીનાં બાળનાટકો માં થયું છે. ‘રમણ સોનીનાં બાળકાવ્યો માં બાળકોને ગાવાં ગમે તેવા સરળ, પ્રેરક અને પ્રાસાદિક કાવ્યો-ગીતો છે. એમનાં અભિનય-ગીતો બાળકોની કલાભિરુચીને જાગ્રત કરે તેવાં છે. રમણ સોનીનાં બાળજોડકણાંના લય-પ્રાસ અને તાલ આકર્ષક છે. કિશોર રહસ્યકથામાળા ટાગોરની દ્રષ્ટાંતકથાઓ, કુમારકથા વગેરે કિશોરો માટેના વાર્તાસંગ્રહો છે. ‘જગતના ઇતિહાસની વીરકથાઓ, તથા ‘પૂંછડિયાના પ્રદેશમાંની વાર્તાઓ બાળકોને શૂરવીર અને સાહસપ્રિય બનવા પ્રેરણારૂપ છે. શંકરાચાર્ય, શ્રી કેશવચંદ્રસેન, શ્રી દાદાભાઈ નવરોજજી, ‘ગુરુદેવ રવીન્દ્રનાથ, આણદાબાવા વગેરે ચરિત્રકૃતિઓ બાળકોની વૃત્તિઓને સંસ્કારે, કેળવે અને ઉદાત્ત બનાવે તેવી છે. ‘અમૃતકથામાં પ્રાચીન જાતકકથાઓ સંચિત થઈ છે. ‘વિશ્વની લોકકથાઓ પ્રબોધક કથાઓ અને વિશ્વનો લોકકથાભંડાર માં દેશપરદેશની લોકકથાઓ સંકલિત થઈ છે. 
       ‘ગુજરાતનાં યાત્રાધામો’ એમનું પ્રવાસપુસ્તક છે. ‘ભારતીય કથામંગલ’ માં ઉપનિષદો, મહાભારત, રામાયણ, ભાગવત વગેરે સંસ્કૃત ગ્રંથોની પ્રસંગકથાઓનું લોકભોગ્ય શૈલીમાં આલેખન થયું છે. 
               બંગાળી સાહિત્યની ઉત્તમ કૃતિઓના અનુવાદક તરીકે એમનું આગવું સ્થાન છે. શરદબાબુ, રવીન્દ્રનાથ, દેવેશદાસ, નરેશબાબુ વગેરેની વાર્તા-નવલકથાઓના અનુવાદો એમણે આપ્યા છે. ભારતની સાહિત્ય અકાદમી એ તેમની અનુવાદ સેવા માટે તેમને અનુવાદ એવોર્ડ્સ આપ્યો છે. તથા પ્રવાસી બંગ સાહિત્ય પરિષદ એ મુંબઈમાં સન્માન પત્ર પણ આપ્યું છે.

શ્રી ભોગીલાલ ગાંધી
(26/11/1911 - 10/7/2001)
           મોડાસા આમ તો ગુજરાતના ખૂણામાં છે પણ ગુજરાતના જાહેર જીવન અને સાહિત્યિક પ્રવૃત્તિમાં આ નગરનું નોંધપાત્ર યોગદાન રહ્યું છે. "તું તારા દિલનો દીવો થા ને, ઓ રે , ઓ રે ઓ ભાયા” જેવી અમર કાવ્ય કૃતિના સર્જક ભોગીલાલ ગાંધી રૂપે અરવલ્લીએ આપેલ સાહિત્ય જગત ને આપેલ અણમોલ ભેટ છે. 
         ગુજરાતના મહાન વિચારક અને સક્રિય રાજપુરુષ તરીકે તેઓ ગુજરાતભરમાં જાણીતા છે. ભોગીલાલ મોડાસા,અમદાવાદ.ભરૂચ અને મુંબઈમાં ભણ્યા હતા. ગૂજરાત. વિદ્યાપીઠનાં આ સ્નાતક ગાંધી પ્રભાવમાં સ્વતંત્રતા સૈનિક અને રચનાત્મક કાર્યકર બન્યા. તેમણે તમામ ધર્મોનું અને લોકશાહી થી માંડી સમાજવાદ અને પ્રોલીટેરિયન ડિકટેટરશીપવાળા સામ્યવાદ સુધીની વિવિધ રાજ્ય પદ્ધતિનું ઊંડો અભ્યાસ કર્યો હતો અને તેને વિશે અનેક ગ્રંથો લખ્યા હતા. સત્યાગ્રહની પહેલી લડત બારડોલીમાં લડાઈ ત્યારે તેમને સક્રિય ભાગ લીધો હતો. પછી સની 1930, 1932, 1934 અને 1942ની લડતોમાં ભાગ લઈ તેમણે ઘણા વર્ષ જેલમાં કાઢ્યા હતા. 
              .સમાંતરે માર્ક્સવાદ અને રશિયન સમાજવાદનો પણ તેમના પર ઊંડો પ્રભાવ રહ્યો હતો.1940ના અરસામાં સામ્યવાદી બન્યા.પણ તેમનો સામ્યવાદ સાથેનો નાતો લાંબો સમય ન ટક્યો વિનોબા, દાદા ધર્માધિકારી અને જયપ્રકાશ નારાયણના પ્રભાવમાં પુનઃ ગાંધી માર્ગે આવ્યા. તે પછી પ્રગતિશીલ લેખક મંડળનું કુશળતાપૂર્વક સંચાલન કર્યું.વિશ્વમાનવ સામયિક અને વિશ્વ માનવ સંસ્કાર ટ્રસ્ટનું સંપાદન નિભાવ્યું અને ગુજરાત ગૌરવ લઇ શકે તેવી જ્ઞાન ગંગોત્રી ગ્રંથ શ્રેણીનું સંપાદન પણ કર્યું.સાહિત્ય સર્જન ક્ષેત્રે કવિતા,નવલિકા, નિબંધ, વિવેચન , અનુવાદ અને સંપાદનનાં 80 કરતાં વધુ પુસ્તકો કર્યા.તેમની કવિતામાં ગાંધીવાદ અને રશિયન સમાજવાદની પ્રબળ અસર વર્તાય છે.
            ગુજરાતી ગદ્ય અને પદ્ય બંને ઉપર તેમનો સરખો અધિકાર હતો સાધનાના મેં તેમનું કાવ્યસંગ્રહ છે અને બીજા ગદ્ય ગ્રંથો તો એટલા બધા છે કે એની યાદી કરવા જતા આખું પાનું ભરાય તેમણે કેટલાક બંગાળી અને અંગ્રેજી ગ્રંથોના પણ સુંદર ગુજરાતી અનુવાદ કરેલા છે. "વિશ્વમાનવ" નામે એક ગુજરાતી માસિક પત્ર તેમણે એકલે હાથે ૨૫ વર્ષ સુધી ચલાવ્યું હતું. ગુજરાતી સાહિત્ય પરિષદે સંસ્કાર પ્રેરક સાહિત્ય રચવા માટેનો પહેલો જ "સ્વામી સચ્ચિદાનંદ પુરસ્કાર" તેમને આપી તેમનું બહુમાન કરેલું. 


વિનોદભાઈ પુરાણી


(જન્મ : 27/6/1948)
          શ્રી ભારતીય તત્વજ્ઞાન મંદિર નામે સંસ્થાની સ્થાપના કરનાર શ્રી વિનોદભાઈ સાહિત્યનો અખૂટ ખજાનો છે. આ સંસ્થા દ્વારા ભારતીય સંસ્કૃતિને લગતા ગ્રંથોનું પ્રકાશન તથા સંશોધન કહે છે સૈકાઓ પહેલા લખાયેલી સેંકડો હસ્તપ્રતો આજે પણ તેઓ પાસે ઉપલબ્ધ છે. 700 ઉપરાંત હસ્તપ્રતોની માહિતી તો તેમણે છપાવીને પ્રગટ પણ કરી છે. કોઈ એક જ ઘર માં આટલી બધી હસ્તપ્રતો સંગ્રહની રહી હોય તેવું દાખલો વિરલ છે. આ હસ્તપ્રતો વ્રજભાષા હિન્દી સંસ્કૃત અને કેટલીક ગુજરાતીમાં પણ છે. 
           શ્રી વિનોદભાઈ પાસેની હસ્તપ્રતોમાં મધ્યકાલીન ગુજરાતી કવિ ગિરધર કૃત "રાધાકૃષ્ણના રાસ" નામે કાવ્ય છે. તે સંવત 1875 (ઈ. સ. 1819) પોષ વદ ત્રીજે લખાયેલું છે. તેની ભાષા ગુજરાતી હિન્દી છે. આ હસ્તપ્રતથી મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં એક નોંધપાત્ર ઉમેરો થયો છે.
શ્રી વિનોદભાઈ ભાગવત ગીતા અભ્યાસી છે. ગીતા વિશે તેમણે ઘણા ગ્રંથો લખ્યા છે. ગીતા વિશે મહાનિબંધ લખી તેમણે પી.એચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી છે. ગુજરાતના સંસ્કૃત વિદ્વાનોમાં તેમની ગણના થાય છે. તેમણે સંશોધન ક્ષેત્રે ગુજરાતીમાં અને અંગ્રેજીમાં ગ્રંથો લખ્યા છે. 
               મોડાસાની પ્રાચીન કાષ્ઠકલા શિલ્પકલા ચિત્રકલા ગદ્ય-પદ્ય સાહિત્ય વિશે તેમની લાખો રૂપિયા ખર્ચીને 200 ફોટોગ્રાફ જોઈ યાર કરાવ્યા છે તેમણે તેનું વતન ની તાસીર નામે જાહેર પ્રદર્શન પણ કર્યું હતું આ ફોટોગ્રાફ્સ મોડાસાના પ્રાચીન અને અર્વાચીન ઈતિહાસનું એક અંગ બની રહ્યું છે.  
(ક્રમશઃ)
સંદર્ભ : મારુ ગામ મોડાસા ( રમણલાલ સોની)
(અરવલ્લીના અન્ય સાહિત્યકારો વિશે જાણીશું  આવતા સોમવારે)

લેખન - સંકલન :ઈશ્વર પ્રજાપતિ 
(આપના પ્રતિભાવ નીચે આપેલ whatsapp નંબર પર લખી મોકલી શકો છો )
(98251 42620)

નોંધ:- મિત્રો બ્લોગની લિંક આપ શેર કરી શકો છો પરંતુ મિત્રો મારા બ્લોગના આર્ટિકલ્સને પોતાના નામે ચડાવી વાયરલ કરવાનો અવિવેક ન કરવા વિનંતી

No comments:

Post a Comment

સન્ડે સ્પેશિયલ

  ‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા    જોઈએ.” :    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.       સાવ સા...

Popular Posts