Thursday, November 21, 2019

શિક્ષણ જગતના ઝગમગતા સિતારા


મધ્યાહને અસ્ત પામેલ આદિત્ય કમલેશભાઈ પટેલ


           શિક્ષણ, સાહિત્ય અને કલાનો જીવ, એક ધબકતો માણસ કમલેશભાઈ પટેલ સૌને હાથ તાળી આપીને અચાનક અનંત યાત્રાએ નીકળી પડ્યા. શિક્ષણ જગતનો એક ઝગમગતો સિતારો એકાએક અણધાર્યો અસ્ત પામ્યો. અરવલ્લી પંથકનું શિક્ષણ અને સાહિત્ય જગત આજે શોક મગ્ન છે. શિક્ષણ સાહિત્ય અને કલા જગતને કદી ન પુરી શકાય એવી ખોટ પડી. ઉદય અને અસ્ત એ પ્રકૃતિ નો ક્રમ છે પરંતુ સૂર્ય જ્યારે મધ્યાહ્નને અસ્ત પામે ત્યારે જિંદગીમાં પ્રસરતો ઘોર અંધકાર હૃદયને હચમચાવી નાખે છે. કુદરતની અકળ ગતિને વળી કોણ પામી શક્યું છે ?? 
                  કમલેશભાઈ કોદરભાઈ પટેલ. 
                આ નામ પરિચયનું મહોતાજ નથી. અરવલ્લીમાં જ નહીં પરંતુ ગુજરાતનું શિક્ષણ,સાહિત્ય અને કલા જગત તેઓને ઓળખે. સાબરકાંઠાનું તલોદ તાલુકાનું વિશ્વ વિખ્યાત ગામ પુંસરી તેઓનું વતન. 1990 ના વર્ષમાં ભિલોડા તાલુકાની વી.એસ. વિદ્યાલય કુડોલમાં માધ્યમિક શિક્ષક તરીકે જોડાયા. 2009 સુધી ઉત્તમ સેવાઓ આપી ત્યારબાદ મોડાસાને તેઓએ પોતાની કર્મભૂમિ બનાવી. મોડાસાની હૃદયસમી સર્વોદય હાઇસ્કુલમાં જોડાયા. અહીં આવી તેઓની પ્રકૃતિ અનુસાર શિક્ષણ યજ્ઞની એવી તો ધૂણી ધખાવી કે શિક્ષણ થી માંડી સાહિત્ય કલા અને સાંસ્કૃતિક એમ તમામ ક્ષેત્રોમાં શાળા અવ્વલ આવવા લાગી. . તાલુકા, જિલ્લા કે રાજ્ય કક્ષાનો યુવક મહોત્સવ હોય અને નાટક, એકપત્રિય અભિનય કે વકતૃત્વ કૃતિના માર્ગદર્શક કમલેશભાઈ હોય એટલે એ કૃતિ નો નંબર પડે જ પડે!! કલાને પારખવાની, સમજવાની અને એને પ્રસ્તુસ્ત કરવાની તેઓ પાસે આગવી આવડત હતી. 
           એક વખતે આવી જ વકતૃત્વ સ્પર્ધામાં શિક્ષકોના વિભાગમાં કમલેશભાઈ એ ભાગ લીધો હતો. આકસ્મિક કારણોસર તેઓ થોડા મોડા પહોંચ્યા. ત્યાં સુધીમાં બીજા શિક્ષકો વકતૃત્વ સ્પર્ધા પુરી કરી નિર્ણયકોના નિર્ણયની રાહ જોઈ બેઠા હતા. કમલેશભાઈ ત્યાં પહોંચી પોતે મોડા પડવાનું કારણ રજૂ કર્યું. કારણ યોગ્ય લાગતાં નિર્ણાયકો એ કમલેશભાઈને સ્પર્ધામાં ઉતારવાની તક આપી. અને પછી તો તેઓના ફાળે આવેલ વિષયની ધારદાર તાર્કિક દલીલો પ્રસ્તુત કરી સૌ અવાક બની સાંભળી જ રહ્યા. નિર્ણાયકો એ તૈયાર કરેલું પરિણામ રદ કરી નવું પરિણામ બનાવવું પડ્યું. અને એ વકતૃત્વ સ્પર્ધામાં કમલેશભાઈ ને પ્રથમ વિજેતા જાહેર કર્યા.
             વકતૃત્વની ગજબની કળા તેઓએ હસ્તગત કરેલી  કમલેશભાઈ પોતે પ્રખર વક્તા તો ખરા જ પરંતુ સાથે સાથે તેઓના વિદ્યાર્થીઓ ને પણ એવા જ તૈયાર કર્યા. તેઓના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલા અનેક વિદ્યાર્થીઓ જિલ્લા અને રાજ્ય કક્ષાએ પ્રથમ આવ્યા છે. તાજેતરમાં જ યોજાયેલી એક વકતૃત્વ સ્પર્ધામાં તેઓનો વિદ્યાર્થી દેવ ભાટિયા પ્રથમ આવ્યો. 
           શાળાનો પ્રાર્થના કાર્યક્રમ હોય કે એન્યુઅલ ડે, રાષ્ટ્રીય પર્વ હોય કે કેળવણી મંડળનો કાર્યક્રમ હોય એનું સંચાલન કમલેશભાઈના જ હાથમાં હોય. જિલ્લા કે રાજ્ય કક્ષાના સરકારી કાર્યક્રમો ને પણ સુપેરે પાર પાડવા વહીવટી તંત્ર કમલેશ ભાઈને જ જવાબદારી સોપાતી. અને કમલેશભાઈ આ તમામ જવાબદારી હસતા મુખે સુપેરે પાર પાડી બતાવતા. 
           સામાજિક વિજ્ઞાન અને સંસ્કૃત તેઓ વિદ્યાર્થીઓને ભણાવે. વિશાળ વાંચનને પરિણામે અનેક સંદર્ભે આપી વિદ્યાર્થીઓને તેઓ વિષય સમજાવે. વિષયવસ્તુ પરનું તેઓનું પ્રભુત્વ પણ ગજબનું. જિલ્લા અને રાજ્ય કક્ષાની શિક્ષકોની તાલીમમાં તજજ્ઞ તરીકે પણ તેઓ સેવા આપી ચુક્યા છે. બાય સેગ પર થી પ્રસારિત થતા શૈક્ષણિક કાર્યક્રમોમાં થકી તેઓ એગુજરાતના શિક્ષકોને માર્ગદર્શન પૂરું પાડ્યું છે. તેઓ સાહિત્યના ઊંડા અભ્યાસી. તેઓનું વાંચન ક્ષેત્ર ઘણું વિશાલ. પુસ્તકાલયનાં મોટાભાગના પુસ્તકોનો અભ્યાસ તેઓ કરી ચુક્યા છે. વાંચન નો એટલો શોખ કે ઘરે પણ કબાટો અને ટેબલ પુસ્તકોથી ખીચો ખીચ ભરેલાં. વાંચન એમના માટે એક વ્યસન હતું. તેઓ તો વાંચે જ અને પોતાને ગમતું પુસ્તક સ્ટાફ રૂમમાં લઈ આવે અને બીજા શિક્ષકો ને એ વાંચી જવા ભલામણ કરે. 
        ખુશ મિજાજ અને સદા હસતો ચહેરો. ઉષ્માથી ભર્યું ભર્યું વ્યક્તિત્વ. આખા બોલો નિખાલસ માણસ. એમની ઉપસ્થિતિ હોય તો વાતાવરણ ધબકતું લાગે. અલક મલક ની વાતોનો ખજાનો હોય એમની પાસે. રસ્તામાં ક્યાંક મળી જાય તો પણ તેઓ પાસેથી બે નવી વાત જાણવા મળે. આચાર્ય થી લઈ શિક્ષકો, વિદ્યાર્થીઓ, ક્લાર્ક, સેવક તમામના એ પ્રિય શિક્ષક. જે ફળની એ સિઝન આવે કમલેશ ભાઈએ ફળની થેલીઓ ભરી લાવે અને આખા સ્ટાફને પ્રેમથી ખવડાવે.
         આ શાળામાં 35- 40 નો સ્ટાફ છે. અને 1500 ઉપરાંત વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરે છે. સૌ કોઈ સાથે તેઓના સંબંધ હૂંફાળા રહ્યા છે. કોઈની પણ સાથે ક્યારેક બોલવાનું થાયુ હોય તો પણ બીજા દિવસે કમલેશ ભાઈ એ વ્યક્તિની પાસે સામે ચાલી ને જાય અને ખભે હાથ મૂકી વાત કરી લે. સાવ સરળ અને બાળ સહજ નિખાલસતા!! 
          પુંસરી ગામના અને બીજા કેટલાય ગરીબ વિદ્યાર્થીઓને તેઓ મદદરૂપ બન્યા છે. ધોરણ 10-12 ના વિદ્યાર્થીઓના ઘરે રૂબરૂ મળવા જતા. તેઓની સમસ્યા જાણતા. અને જરૂર પડે તમામ સહાય તેઓ પુરી પાડતા. ઘણા વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડી સરકારી નોકરી સુધી તેઓએ પહોંચાડ્યા છે. 
          મોડાસામાં શબ્દ સેતુ નામે સાહિત્યિક પ્રવૃત્તિ કરતી એક સંસ્થા ચાલે છે. આ સંસ્થાના તેઓ સક્રિય કારોબારી સદસ્ય. સર્જક મિલન માં તેઓના મુખેથી કાવ્ય પાઠ સાંભળવો એક લહાવો હતો. અને યાદ શક્તિ પણ ગજબની!! પ્રસિદ્ધ કવિઓની મોટાભાગની રચનાઓ કંઠસ્થ. પ્રસિદ્ધ લેખકોના ક્વોટ શબ્દશઃ કંઠસ્થ હોય. જ્યારે કમલેશભાઈ પોતાની વાત મૂકે અને જે રીતે પ્રસિદ્ધ લખકો અને મહાપુરુષોના અવતરણો ટાંકે ત્યારે એમ થયા કરે આ માણસ કેટલો ઊંડો અભ્યાસી છે!! સુપ્રસિદ્ધ સાહિત્યકારો સાથે તેઓનો અંગત ધરોબો રહ્યો છે. 
           ઉત્તમ શિક્ષકની સાથે સાથે તેઓ મોડાસાની સોસાયટીમાં રહેતા હતા એ નાલંદા 1 ટાઉનશીપના પ્રમુખ તારીકે પણ ઉત્કૃષ્ઠ સેવાઓ બજાવી. રોજ સવારે સોસાયટીમાં મોરનીગ વોક કરતાં કરતા સૌની ખબર અંતર પૂછે. સોસાયટીના કોઈ પણ સમસ્યા હોય તો આ માણસ પોતાનું કામ છીડીને દોડે. બીજાના ભલા માટે દોડવામાં કમલેશભાઈ એ કદી પાછું વળી જોયું નથી. 
             19 નવેમ્બર ને મંગળવારના રોજ કમલેશભાઈ શાળાએ પહોંચે છે. એ દિવસ શાળાના આચાર્ય ડૉ. રાકેશભાઈ મહેતા સર નો જન્મ દિવસ હતો. કમલેશભાઈ આચાર્ય સાહેબના જન્મ દિવસ ને યાદગાર બને એ રીતે ઉજવવા માંગતા હતા. વિદ્યાર્થીઓ ને બોલાવી કેક ની તૈયારી કરવી. બે વિદ્યાર્થીઓ ને બર્થડે કાર્ડ લેવા માટે બજારમાં મોકલ્યા. સાહેબ માટે ફૂલોનો હાર પણ લાવવામાં આવ્યો. કમલેશભાઈએ આચાર્ય સાહેબ ની બર્થડે ઉજવણીની તમામ તૈયારીઓ કરી દીધી. અને હવે વિદ્યાર્થીઓના ખભે હાથ મૂકી ને ઊજવણી નો એક્શન પ્લાન સમજાવતા હતા ત્યાં જ અચાનક કમલેશ ભાઈ ઢળી પડ્યા. ક્ષણ વારમાં શુ બની ગયું કંઈ સમજમાં જ ન આવ્યું. સૌ શિક્ષકો દોડી આવ્યા અને તરત જ કમલેશ ભાઈને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. પરંતુ ત્યાં સુધીમાં આપણા સૌના કમલેશભાઈ અનંત યાત્રાએ નીકળી ચુક્યા હતાં. 
             કહેવાય છેને કુસુમને કરમાતાં વાર નથી લાગતી, કંટકોને સુકાતાં વાર લાગે છે. કમલેશભાઈ નું મધમધતા વ્યક્તિત્વની સુવાસ હમેશ માટે સમાજમાં પ્રસરેલી રહેશે. તેઓએ ઉચ્ચરેલા શબ્દો વાતાવરણમાં ગુંજતા રહેશે. સદા તેઓના મુખમાંથી વેરાતું હાસ્ય જગતને પ્રસન્નતાથી ભરી દેશે. કમલેશભાઈની ચીર વિદાયથી શિક્ષણ, સાહિત્ય અને કલા જગતે ઘણું ગુમાવ્યું છે. પ્રભુ દિવ્ય આત્માને ચીર શાંતિ પ્રદાન કરે એ જ પ્રાર્થના.



લેખન : ઈશ્વર પ્રજાપતિ
9825142620
 આભાર : ઉત્તમકુમાર પટેલ

( આપના પ્રતિભાવ આપ whatsapp દ્વારા 98251 42620 પર મોકલી શકો છો.)


7 comments:

  1. કમલેશભાઇ ની વિદાય ને ઉચીત શબ્દો માં શ્રધ્ધાંજલી આપી... ઓમ શાંતિ..

    ReplyDelete
  2. કમલેશભાઈ મારા ખૂબ સારા મિત્રો હતા સાહિત્ય અને નાટ્ય બંને કુલા ઉપર એમનું પ્રભુત્વ હતું સાદુ જીવન ઉચ્ચ વિચારો વાળા વ્યક્તિત્વના સ્વામી હતા એક શિક્ષક જીવી ગયો એમ કહું તો ખોટું નથી ઇશ્વરભાઇએ કમલેશભાઈ ને શબ્દ શ્રદ્ધાંજલિ અર્પી ખુબ સુંદર કાર્ય કર્યું છે

    ReplyDelete
  3. એક સંનિષ્ઠ શિક્ષકની સદાય ખોટ વરતાશે...શ્રી ઈશ્વરભાઈ, તમે બહુ જ યોગ્ય રીતે શબ્દરૂપી શ્રધ્ધાંજલી આપી છે..પરમ કૃપાળુ પરમાત્મા સદગતના દિવ્ય આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના..

    ReplyDelete
  4. He was really a great personality. We will always miss him.

    ReplyDelete
  5. In the year 2015 I worked with him in training programme of STTI. That was my only training where I took training as a Key Resource Person. I along with Kamleshbhai and some other teachers presented drama based activity. That event remained my only reminiscence with him. RIP, Kamleshbhai...

    ReplyDelete
  6. kamleshbhai june month ma ame himachal punjab rajashthan tour ma gayela tya amne malya hata mara wife swaminarayan dharam pale che ane kamleshbhai ane temnu family pan to mara wife ne emne emni nani dikri banavi ane akhi tour ma 12 divas sudhi ame sathe hata ame etla badha bhali gaya hata ke teo mane jamairaja kahi ne j bolavta ek dam viveki spasht vakta ane ek dam gentlemen personality haji to amne em kehta hata ke mari dikri krishna na marriage che tamare badha ne marriage ma avanu che 7 8 month pela invitation api didhu hatu amne pan su khabar ke bhagvan ne su khotu lagyu hase ke emne amari vache thi dur kari didha bhagvan ne gamyu te kharu bhagvan emni atma ne shanti ape evi amara akha group ( vishal.dipali digvijay(DD) Divya bhavin hetvi manthan shivani) taraf thi prarthana

    ReplyDelete