Sunday, June 23, 2024

સન્ડે સ્પેશિયલ

 પિતાની ભેટ:

"પોતાનાં સંતાનો માટે સડક બાંધી આપવાની જવાબદારી  માબાપો ઉપર નથી, એમણે તો વાટનો નકશો જ પૂરો પાડવાનો છે."  : જેક્સન બ્રાઉન


       જેક્સન બ્રાઉન નામના એ પિતાએ વર્ષો પહેલાં કયાંક વાંચેલું કે "પોતાનાં સંતાનો માટે સડક બાંધી આપવાની જવાબદારી  માબાપો ઉપર નથી, એમણે તો વાટનો નકશો જ પૂરો પાડવાનો છે."  તેનો પુત્ર પીતાની સ્વતંત્ર જિંદગીની મજલ પર રવાના થવાની તૈયારીમાં હતો ત્યારે, કદાચ તેને ઉપયોગી નીવડે એવા શિખામણના બે શબ્દો કાગળ પર ટપકાવી લેવા  પિતા જેક્સન બ્રાઉન  ઘરને એક ખૂણે બેસે  છે.  પોતે  જીવનના અનુભવના આધારે સોનેરી શીખ  પુત્ર  માટે થોડાંક  એક કાગળમાં ઉતારી આપે છે. 
     એ લખાણના કાગળિયાં પુત્રના હાથમાં મૂકતાં પિતા બોલ્યા  કે જીવન સુખદાયી શી રીતે બનાવી શકાય તે વિશેના પોતાના ખ્યાલો એમાં આલેખ્યા છે.  ભેટ હાથમાં લેતાં પુત્ર પિતાને ભેટી પડયો, એમની સાથે હાથ મિલાવીને વિદાય થયો.
        થોડા દિવસ પછી એના નવા સ્થાનેથી પુત્રનો ફોન આવ્યો. “બાપુ” એનો અવાજ સંભળાયો: “તમે પેલી શીખ લખી આપી છે તે વાંચતો જાઉં છું ને મને લાગે છે કે મને મળેલી સારામાં સારી ભેટમાંની આ એક છે. હવે હું પણ તેમાં ઉમેરો કરતો રહીશ અને…… કોઈક દિવસ મારા દીકરાને એ ભેટ આપીશ.”
      પિતાની એ શીખમાંથી નીપજેલી અંગ્રેજી ચોપડીનું નામ છે : 'લાઇડ્સ લિટલ ઇન્સ્ટ્રક્શન બુક' (Life's Little Instruction Book). તેને દરેક પાને સાઘ્ર શબ્દોમાં બે-ચાર નાની નાની શિખામણો મોટા અક્ષરે છાપેલી છે.
        લેખકે ચોપડી આ રીતે અર્પણ કરેલી છે : “અનેક રીતે જે મારો ગુરુ પણ છે તે પુત્રને.”
       લેખક અમેરિકન છે, પણ તેની ઘણી શિખામણો અનેક દેશના પિતાઓ પોતાના પુત્રોને આપી શકે તેવી લાગે છે. 

 * સારાં સારાં પુસ્તકો વસાવતો રહેજે — ભલે પછી એ કદી નહિ વંચાય એમ લાગે.

• કોઈને પણ વિશે આશા સમૂળગી ત્યજી દેતો નહિ. ચમત્કારો દરરોજ બનતા  હોય છે.

• દરેક બાબતમાં ઉત્તમતાનો આગ્રહ રાખજે અને તેની કિંમત ચૂકવવા તૈયાર રહેજે.

• તંદુરસ્તી એની મેળે જળવાઈ રહેવાની છે, એમ માનતો નહીં. 

• તારી નજર સામે સતત કશુંક સુંદર રાખજે – ભલે પછી તે એક પ્યાલામાં મૂકેલું ફૂલ જ હોય. 

• આપણાથી જરીક જેટલું જ થઈ શકે તેમ છે એવું લાગે, માટે કશું જ ન કરવું એમ નહિ. જે થોડુંક પણ તારાથી થઈ શકે તે કરજે જ.

 • સંપૂર્ણતા માટે નહિ પણ શ્રેષ્ઠતા માટે મથજે.

• જે તુચ્છ છે તેને પારખી લેતાં શીખજે, ને પછી તેની અવગણના કરજે.

• ઘસાઈ જજે, કટાઈ ન જતો. પોતાની જાતને સતત સુધારતા રહેવાની પ્રતિજ્ઞા લેજે.

• હારમાં ખેલદિલી બતાવજે. જીતમાં ખેલદિલી બતાવજે. પ્રશંસા જાહેરમાં કરજે, ટીકા ખાનગીમાં.

• લોકોમાં જે સારપ રહેલી હોય તે ખોળી કાઢજે.

• તારા કુટુંબને તું કેટલું ચાહે છે તે દરરોજ તારા શબ્દો વડે, સ્પર્શ વડે, તારી વિચારશીલતા વડે બતાવતો રહેજે.

• પોતાની જાતમાં પરિવર્તન લાવવાની આપણી શક્તિનો આંક કદી ઓછો ન આંકવો. પણ બીજાંઓમાં પરિવર્તન લાવવાની આપણી શક્તિનો વધુ પડતો આંક ન આંકવો.

• ક્યારે મૂંગા રહેવું તેનો ખ્યાલ રાખજે. ક્યારે મૂંગા ન રહી શકાય તેનો પણ.

• ગંદકી સામે જંગ માંડજે.

• બીજાઓની સફળતા વિશે ઉત્સાહ અનુભવજે. બીજા લોકોને એમનું પોતાનું મહત્ત્વ ભાસે તેમ કરવાની તકો શોધતો રહેજે.

• પોતાના ગુજરાન માટે મહેનત કરતા દરેક માણસ સાથે સન્માનથી વર્તજે ભલે એ કામ ચાહે તેવું નજીવું હોય.

• એવી રીતે જીવજે કે તારાં બાળકો જ્યારે પણ ઈમાનદારીનો, નિષ્ઠાનો અને પ્રામાણિકતાનો વિચાર કરે ત્યારે એ તને સંભારે.

• જેમને એ વાતની કદી જાણ પણ થવાની ન હોય એવા લોકો માટે કશુંક સારું કરતા રહેવાની આદત કેળવજે.

• વિચારો મોટા મોટા કરજે. પણ નાના નાના આનંદો માણી જાણજે. • ગુલાબોની સુવાસ માણવાનો સમય મેળવજે.

• દિમાગ મજબૂત રાખજે, કાળજું કૂણું.

કોણ સાચું છે તેની ફિકર કરવામાં સમય ઓછો ગાળજે, અને શું સાચું છે તે નક્કી કરવામાં વધારે.

એકંદર યુદ્ધમાં વિજય મેળવવા કાજે નાની નાની લડાઈઓમાં હારતાં શીખજે.

• જે ગાંઠ છૂટી શકે તેને કાપતો કદી નહિ.

• દરેક ચીજ જે હાલતમાં આપણને મળી હોય તેના કરતાં જરાક સારી સ્થિતિમાં તેને મૂકતાં જવું.

• યાદ રાખજે કે સફળ લગ્નજીવનનો આધાર બે વસ્તુ પર રહે છે ઃ (1)

યોગ્ય પાત્ર શોધવું અને (2) યોગ્ય પાત્ર બનવું.

 • તને વખત નથી મળતો, એમ કદી ન કહેતો. એક દિવસના તને પણ એટલા જ કલાકો મળેલા છે જેટલા હેલન કેલરને, મધર ટેરેસાને અને આઇન્સ્ટાઈનને

• એટલું સમજજે કે સુખનો આધાર માલમિલકત, સત્તા કે પ્રતિષ્ઠા ઉપર નહિ, પણ આપણે જેમને ચાહતા ને સન્માનતા હોઈએ તેવા લોકો સાથેના આપણા સંબંધો પર રહે છે.

• તને માન મળે  તેમાં બીજાં સહભાગી બનાવજે.

• તારાં બાળકોને નિયમિત કશુંક વાંચી સંભળાવજે, ગીતો સંભળાવજે. તારાં બાળકોને સદાય સાંભળજે.

• “મને એની ખબર નથી,” એમ કહેતાં ડરતો નહિ. “મારાથી ભૂલ થઈ ગઈ”, એમ કહેતાં અચકાતો નહિ. “હું દિલગીર છું”, એટલું બોલતાં ખચકાતો નહિ.

• ક્યારેક નિષ્ફળ નીવડવાની પણ તૈયારી રાખજે.

(સાભાર : મહેન્દ્ર મેઘાણી)

-ઈશ્વર પ્રજાપતિ 

1 comment:

  1. Father alwa works for the sake of his children & family and direct them in right direction thoroughly

    ReplyDelete