Sunday, July 31, 2022

સંડે સ્પેશિયલ - 28

 વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ  જાહેર સભાઓમાં અવાર નવાર જેમને આદર સાથે યાદ કરે છે એ રાજાકાકા કોણ છે ?


              એમનું હુલામણું નામ છે રાજાકાકા.

         આ નામથી આમ તો બહુ ઓછા લોકો પરિચિત હશે. પરંતુ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જયારે જયારે પણ અરવલ્લી-સાબરકાંઠાની જાહેર સભાને સંબોધતા હોય ત્યારે રાજાભાઈને ખૂબ આદર સાથે યાદ કરે છે. રાજાભાઈના પરિવાર સાથેના તેમના વર્ષો જુના ગાઢ સંબંધોનું જાહેરમાં સ્મરણ કર્યા વગર રહેતા નથી. દેશના વડાપ્રધાન સાથે પારિવારિક સંબંધો ધરાવતા રાજાભાઈના જીવનની સાદગી અને સરળતા હૃદય સ્પર્શી છે. સંબંધોનો ઉપયોગ કરી પોતાના પરિવારને લાભ પહોંચાડવાની લાલચ તેમના સિદ્ધતોને ડગાવી શકી નથી. પરિવાર કરતાંય સમાજ અને દેશ નું હીત તેમના હૈયે વસેલું છે.

Study Room બ્લોગને આપના સહકારની આવશ્યકતા છે. સહયોગ માટે અહી ક્લિક કરો .

          મોડાસા નગરજનો જેમને રાજાભાઈ પટેલના નામથી ઓળખે છે, પરંતુ બહુ ઓછા લોકોને જાણે કે તેઓનું મૂળનામ રાજાભાઈ આહીર છે. ૨૩ જુલાઈ ૧૯૩૮નાં રોજ કચ્છ જિલ્લાના અંજાર પાસેના ભલોટ ગામમાં તેમનો જન્મ થયો.  તેમના  પિતા હમીરભાઈ ખેતી કરતા. તેમનાં  માતા રામીબાએ નાની વયમાં દૃષ્ટિ ગુમાવેલી. ઘરની આર્થિક સ્થિતિ અત્યંત નબળી હતી. હમીરભાઈ નસીબ અજમાવવા કરાંચી ગયા. પણ ફાવટ ન આવી. એટલે કચ્છ પરત આવ્યા. કુદરત પણ કસોટી લેવા બેઠી હોય એમ એ વર્ષોમાં કચ્છમાં કારમો દુકાળ પડ્યો. હમીરભાઈ કચ્છ છોડી પરિવાર સાથે ગુજરાત સાબરકાંઠાના તલોદ પાસેના રામપુર કંપામાં આવ્યા. ત્યારે રાજાભાઈની ઉંમર માંડ સાત વરસની હતી.

          ઘરની આર્થિક સ્થિતિ એટલી નાજુક કે પહેરવાના બે જોડ કપડાં પણ નસીબ ન હતાં. તલોદ તાલુકાના મોહનપુર અને રામપુર કંપાની પ્રાથમિક શાળામાં રાજભાઈએ ધોરણ પાંચ સુધીનું શિક્ષણ લીધું. ભણવામાં તેજસ્વી અને કુશાગ્ર બુદ્ધિ અને સતેજ  યાદશક્તિ. પરંતુ ઘરની આર્થિક પરિસ્થિતિ જોતાં આગળ ભણવું શક્ય જ ન હતું.  અને ત્યારથી ભણતર છૂટ્યું.

         પરિવારને મદદરૂપ થવા માત્ર તેર વર્ષની ઉંમરે મુંબઈ ઉપડી ગયા. ત્યાં જૈન વણિકને ત્યાં કરિયાણાની દુકાનમાં નોકરી કરી. પ્રામાણિકતાનો ગુણ તો માતા પિતા તરફથી વરસમાં મળેલો. કિશોરની કામ કરવાની ધગશ જોઈ આ જોઈ શેઠની નજર આ તેર વર્ષના કિશોર પર ઠરી હતી. શેઠ અમીર હતા પરંતુ તેમને કોઈ સંતાન હતું નહીં. એટલે કિશોર રાજાભાઈને પોતાની સાથે રોકાઈ જવા વિનંતી કરી. પરંતુ રાજાભાઈએ એ વિનંતી સ્વીકારી નહીં. ત્યાર પછી પૂરાં પાંચ વર્ષ મુંબઈમાં નોકરી કરી. આ દરમિયાન મુંબઈમાં RSSની પ્રવૃત્તિઓના પરિચયમાં આવ્યા અને સક્રિય બન્યા. દિલ પર ચડેલો રાષ્ટ્રભક્તિનો રંગ વધુ ગાઢ બન્યો. આખરે તેઓ મુંબઈથી ગુજરાત પરત ફર્યા.

        21 વર્ષની ઉંમરે લક્ષ્મીબહેન સાથે લગ્નગ્રંથીથી જોડાયા. લગ્ન બાદ મુંબઇ જવાનું માંડી વાળી માતાપિતાની સેવા માટે ગુજરાતમાં રહી કોઈ ધંધો શરૂ કરવાનો વિચાર કર્યો. અને ત્રણ ભાગીદારો સાથે કરિયાણાની દુકાન કરી. દુકાન તો ચાલી પણ ભાગીદારોએ ભાગ જ ન આપ્યો. એટલે ભાગીદારોથી છુટા પડી સાળા સાથે બુટલવાળામાં હીરાભાઈ દેસાઈની દુકાન લઇ ધંધો શરૂ કર્યો.



          RSS અને રાષ્ટ્રભક્તિના જે બીજ રાજભાઈના દિલમાં મુંબઈથી રોપાયાં હતાં. તે મોડાસામાં પાંગરી અને વિકસિત થતાં ગયાં. 1957માં તેઓ જનસંઘના સામાન્ય સભ્ય બન્યા. અને 1962માં સક્રિય સભ્ય બન્યા. મોડાસા ખાતે તાલુકા પંચાયત સામે આવેલ સુરાના બંગલા તેમનું નિવાસસ્થાન હતું. તેમની દુકાન અને તેમનું નિવાસસ્થાન RSS, વિશ્વ હિન્દુ પરિષદ અને જનસંઘની પ્રવૃત્તિઓનું મુખ્ય કાર્યાલય બની ચૂક્યું હતું. દેશભરમાંથી મોડાસા આવતા પ્રચારકોનો નિવાસ  રાજાભાઈને ત્યાં જ હોય. સૌની રહેવા જમવાની તમામ વ્યવસ્થા તેઓ કરી લેતા.

        રાજાભાઈના મોડાસાના નિવાસસ્થાને મહેમાન ગતિ  માણી  હોય તેવા પ્રચારકો અને જન સંઘના કાર્યકર્તાઓની યાદી ઘણી લાંબી છે. જેમકે  દેવરસજી, વકીલ સાહેબ, અનંતરાવજી, શૈસાદ્રેજી, મગનપુરી ગોસ્વામી, દેવુભાઈ યાદવ, જીવણભાઈ, ખોડાભાઈ, શ્રીકાંતભાઈ વગેરે પ્રચારકો આવતા.

      સાથે સાથે જનસંઘના નાથાલાલ જગડા, વસંત રાવ ગજેન્દ્ર ગડકર, શંકરસિંહ વાઘેલા, અટલજી, સુષ્મા સ્વરાજજી, કેશુભાઈ પટેલ, આનંદી બહેન, પ્રવીણ તોગાડીયા જેવા પ્રખર નેતાઓ રાજાભાઈને ત્યાં મહેમાનગતી માણતા. રાજાભાઈનાં પત્ની લક્ષ્મી બહેન પ્રચારકોને ઋષિતુલ્ય માનતાં. મોડી રાત્રે પણ પ્રચારકો આવી ચડે તો લક્ષ્મી બહેન હસતે મોઢે પ્રચારકોને ભાવતી રસોઈ બનાવી આપતાં.  

          દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ સાથે રાજાભાઈની પહેલી મુલાકાત 1972 -73 માં થયેલી. ત્યારથી બંને વચ્ચે ગાઢ નાતો બંધાયો. નરેન્દ્રભાઈને પ્રચારક તરીકે જ્યારે પણ મોડાસા આવવાનું હોય ત્યારે અગાઉના દિવસે રાજા ભાઈની દુકાને ફોન કરી જાણ કરી દેતા કે "હું આવતી કાલે આવું છું. ચંદુભાઈને(રાજાભાઈના સાળા) સાયકલ લઈને બસસ્ટેન્ડ પર લેવા માટે મોકલી દેજો."

           એ દિવસો યાદ કરતાં જ રાજા ભાઈની આંખોમાં અનેરી ચમક ઉભરી આવે છે. તેઓ જણાવે છે કે "નરેન્દ્રભાઈ જ્યારે પણ મોડાસા આવતા ત્યારે રાત્રે મોડા સુધી અમારી વાતો થતી. દરેક વિષય પરનું તેમનું ઊંડું અધ્યયન હતું. પહેલે થી જ સમાજના છેવાડાના માણસની ચિંતા કરતા. સવારે ચાર વાગે ઉઠી જતા. અને સાથે ચા પીવા બેસતા ત્યારે પણ અમારી ચર્ચાઓ ચાલુ જ રહેતી. તેઓ અમારા પરિવારનાં બાળકોની શિક્ષણની રસ પૂર્વક પૂછપરછ કરતા. તેમની સાથે અમારા પરિવાર નો નાતો એવો ગાઢ બંધાઈ ગયો હતો કે તેમને અમે અમારા પરિવારથી અલગ સભ્ય માન્યા જ નથી. અને તેઓએ એટલા વર્ષો પછી પણ આત્મીય ભાવે આ સંબંધ જાળવી રાખ્યો છે."
            1975 માં ઇન્દિરા ગાંધીએ કટોકટી લાદી ત્યારે નરેન્દ્રભાઈ મોદી, મગન પુરી ગોસ્વામી, અનંત રાવજી, દેવુભાઈ યાદવ ચારેય વ્યક્તિઓના વોરંટ હતા. ત્યારે ધરપકડ થી બચાવવા રાજાભાઈએ જોખમ વહોરીને  સૌને  ઘરના મેળા પર રહેવાની સગવડ કરી આપી હતી.  કટોકટી દરમિયાન મોડાસા અને આસપાસના અગિયાર જેટલા લોકોની ધરપકડ થઈ હતી. તેમને દસ મહિના સુધી જેલમાં રહેવું પડયું હતું. આ દરમિયાન ધરપકડ વહોરનાર ચાર વ્યક્તિઓની ઘરની સ્થિતિ નાજુક હતી. રાજાભાઈએ દસ મહિના સુધી મફત કરિયાણાની વ્યવસ્થા કરી હતી.
             વર્ષ 1980માં રાજા ભાઈ ને મોડાસા શહેર પાર્ટીના મહામંત્રી તરીકેની જવાદરી સોંપવામાં આવી ત્યાર બાદ સાબરકાંઠા જિલ્લાના સહમંત્રી તરીકેની જવાબદારી નિભાવી. S.T બોર્ડ ના ડિરેકટર તરીકે પણ સેવાઓ આપી. 1990-92 માં ભાજપ જિલ્લા ઉપ પ્રમુખ તરીકે રહ્યા. અને આ દરમિયાન યોજાતી ચૂંટણીઓમાં મોડાસા આર્થિક સેલની જવાબદારી પણ સુપેરે નિભાવી. કુશળ વહીવટ થી નજીવા ખર્ચે ચૂંટણીમાં જીત હાંસલ કરી બતાવતા.

       તમને જાણીને નવાઈ લાગશે કે નરેન્દ્રભાઈ મોદી જ્યારે પણ મોડાસા ખાતે જાહેર સભા સંબોધવા આવ્યા છે, ત્યારે ત્યારે તેમના માટે પીવાનું ગરમ પાણી અને નાસ્તો રાજાભાઈના ઘેરથી મોકલવમાં આવતો.  વર્ષ 2004 ની વાત છે, નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે મેઘરજ ખાતે બેટી બચાઓના એક કાર્યક્રમમાં હાજરી આપવા જવાના હતા ત્યારે ગાંધીનગર થી નીકળતા જ રાજા ભાઈ ને ફોન કરી જાણ કરી કે પહેલાં આપના ત્યાં આવી માતા આશીર્વાદ લઈ પછી કાર્યક્રમમાં જઈશ. નરેન્દ્રભાઈ રાજાભાઈના ઘેર આવ્યા. અને પરિવાર સાથે બેસી જૂની વાતો તાજી કરી. લક્ષ્મીબહેને બનાવેલી ઈડલી જમીને મેઘરજ જવા રવાના થયા.

         રાજાભાઈને બે દીકરા અને ત્રણ દીકરીઓ એમ પાંચ સંતાનો છે. સંતાનોમાં પણ પ્રખર રાષ્ટ્રવાદના સંસ્કરોનું સિંચન આપોઆપ થયું છે. તેમનાં એક દીકરી વનિતાબહેન મોડાસાની શ્રી કે. એન. શાહ હાઈસ્કુલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. જેઓ મોડાસા નગરપાલિકાનાં પ્રમુખ તરીકે રહી પારદર્શક વહીવટનું બેનમૂન ઉદાહરણ પૂરું પાડી ચૂક્યાં છે. પિતા રાજાભાઈ જેવી નીડર અને બેદાગ છબીને કારણે વનિતા બહેન આજે પણ નગરજનોમાં અપ્રતિમ લોકચાહના ધરાવે છે.

         રાજાભાઈ પંચશી વર્ષે સ્વાસ્થ્ય છે. દૃષ્ટિ થોડી ઓછી થઈ છે. પરંતુ સ્મરણ શક્તિ આજે પણ સતેજ છે. રાજ્ય અને રાષ્ટ્રના શીર્ષ નેતૃત્વ સાથે અંગત ઘરોબો ધરાવતા હોવા છતાં કોઈપણ જાતના પદ કે પ્રતિષ્ઠા મેળવવાથી તેઓ હંમેશા અળગા જ રહ્યા. પાયાના કાર્યકર બની રહેવામાં જ તેઓએ સદા ગૌરવ અનુભવ્યું છે. અપેક્ષિત જીવન જીવ્યાનો પૂર્ણ સંતોષ તેમના મુખ પર ઝળકે છે. 

-         ઈશ્વર પ્રજાપતિ

9825142620 

11 comments: