Sunday, June 23, 2019

આપણો જિલ્લો, આપણું વતન : અરવલ્લી ભાગ - 21

         
અરવલ્લીના ભવ્ય ભૂતકાળની સાક્ષી પૂરતી પ્રાચીન કલાત્મક વાવો.



સમગ્ર રાજ્યમાં ઐતિહાસીક ધરોહર સમાન સૌથી વધુ વાવ સાબરકાંઠા-અરવલ્લી જિલ્લામાં વિદ્યમાન છે. વાવની જ્યારે વાત આવે ત્યારે અડાલજની વાવ અને પાટણની રાણકી વાવ જ માનસ પટ પર દ્રશ્યમાન થાય છે.

         સંસ્કૃતિ, પરંપરા લોકજીવન સાથે વણાયેલી હોય છે. યુગો પહેલા ઓછા ભણેલા પણ જીવનમાં અનુભવથી 'ગણેલા' આપણા વડિલોએ સંસ્કૃતિને જીવન સાથે વણી લીધી હતી. નિરક્ષર કહી શકાય તેવા એ વડિલો પાસે ગજબની કોઠાસૂઝ હતી. આવી કોઠાસૂઝને કારણે જ ભારતવર્ષમાં પ્રાચીનકાળે નદી, તળાવ, વાવ, કુવા અને કુંડની આગવી સંસ્કૃતિ વિકાસ પામી હતી જેને કારણે દુષ્કાળના વર્ષોમાં પણ જનજીવન સરળતાથી ધબકતું હતું.
             વાવ એ પથ્થરમાં કંડારાયેલું સેંકડો વર્ષનો ઇતિહાસ છે. સ્થાપત્યની અનેક વિશેષતાઓ, લેખન પદ્ધતિ, ઇતિહાસ વગેરેની માહિતી વાવ દ્વારા મળી રહે છે. શિલ્પ શાસ્ત્ર ગ્રંથ "અપરાજિતપૃચ્છા" અનુસાર ચાર પ્રકારની વાવ હોય છે. તેના પ્રવેશદ્વારને આધારે નામકરણ થાય છે. એક મુખ્ય પ્રવેશ દ્વાર અને ત્રણ માળવાળી વાવ નંદી, બે મુખ અને છ માળ વાળી વાવ ભદ્રા, ત્રણ મુખ અને નવ ફૂટ( માળ) વાળી વાવ જયા, અને ચાર પ્રવેશદ્વારને વિજયા તરીકે ઓળખવામાં આવે છે.લીંભોઈ વાવ ને બાદ કરતા મોટા ભાગની વાવ એકમુખી એટલે કે નંદા પ્રકારની વાવ સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં જોવા મળે છે. મળતી વિગત અનુસાર ગુજરાતીમાં સૌથી પહેલા જામનગર જિલ્લામાં ગુંદા ગામમાં બીજી સદીમાં અને છેલ્લી વાવ વાંકાનેરમાં 1930-35 દરમિયાન બનાવવામાં આવી હતી.
વણઝારી વાવ


            ગુજરાતની ઐતિહાસિક વાવો સાથે પ્રણય બલિદાનની કથાઓ સંકળાયેલી છે. સૌરાષ્ટ્રની વણઝારી વાવ સાથે લાખા વણઝારાની પુત્રી અને કણબીના પુત્રના પ્રણયની અને વઢવાણની માધાવાવ સાથે અભેસિંહ અને વાગેલી વહુના બલીદાનની કરુણ કથા જોડાયેલી છે. કેટલીક અવાવરુ વાવ સાથી ભૂત-પ્રેતની કલ્પનાના જાળાં બાજેલાં જોવા મળે છે. લાઠી નગર ની ઉગમણી દિશામાં આવેલ વાવ આજે બાબરા ભૂતની વાવ તરીકે ઓળખાય છે. લોક માન્યતા અનુસાર એ વાવ એણે એક જ રાતમાં બાંધી હતી.
              સેંકડો વર્ષોથી પશ્ચિમ ભારત એટલે કે ગુજરાતમાં અનિયમિત વરસાદ હોવાને કારણે પાણીની સમસ્યા જોવા મળતી. તેમાંય સાબરકાંઠા જિલ્લામાં અરવલ્લીની પર્વતમાળાનો વધુ વિસ્તાર તથા રાજસ્થાનને અડીને આવેલ હોવાથી વિપરીત ભૌગોલિક જળવાયું પરિસ્થિતિમાં તેને અનુરૂપ જીવન અપનાવતી સિંધુ સંસ્કૃતિના દર્શન થાય છે. અનિયમિત અને ઓછા વરસાદને કારણે અવાર-નવાર દુષ્કાળની સ્થિતિ પેદા થતી હોઈ જે કંઈ પણ વરસાદ થાય તેનો વ્યવસ્થિત રીતે સંગ્રહ કરી નિયમન અને નિયંત્રણ કરવું કરવામાં આવ્યું હતું. વાવના સ્થાપત્યની જોઈને સમજી શકાય છે કે સિંધુ સંસ્કૃતિના સમયથી જ જળસંચયની જરૂરી સમજવામાં આવ્યો હતો. વળી રચના એવી રીતે કરવામાં આવે છે કે તેમાંનું જળ લાંબા સમય સુધી તાજું રહે. વાવમાં બનાવવામાં આવતી સીડીઓ ભૂમિને અંદર જળ સપાટી સુધી જાય છે અને જે સાંકડો હોય છે. સીડીને સાંકડી રાખવાનું કારણ એ છે કે શક્ય તેટલો સીધો સૂર્યપ્રકાશ પાણીની સપાટી સુધી ન પહોંચી કે જેથી પાણી સુકાવાનો પ્રશ્ન ન રહે.
          પ્રાચીનકાળમાં સુખી ગૃહસ્થો અને શ્રેષ્ઠીઓ જળાશયો, વાવ અને કુંડ બંધાવતા હતા. વાવ ઓછા વિસ્તારમાં બાંધી શકાતી હોવાથી ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાવનું પ્રમાણ વધારે જોવા મળે છે. વાવ બંધાવા પાછળનો ઉદેશ્ય જળદાનનો છે. જળ સર્વે જીવોને તૃપ્ત કરનારું હોવાથી સર્વે દાનોમાં તેને ઉત્તમ ગણવામાં આવેલું છે. બળબળતા બપોરે તરસ્યો વટેમાર્ગુ વાવનું પાણી પીને વાવનું નિર્માણ કરનારને અંતરના આશિષ આપે છે, માટે જળદાનનું મહત્વ અશ્વમેઘ યજ્ઞ જેટલું ગણાવાયું છે. આવી રીતે યશ-કિર્તી અને પુણ્ય મેળવવાની પરંપરા આપણે ત્યાં વર્ષોથી ચાલી આવે છે.
શીકાની વાવ

          સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં સેંકડો વર્ષ જૂની 200થી વધુ વાવ છે. મોટા ભાગની વાવ શિલ્પ-સ્થાપત્ય માં એક એકથી ચડિયાતી છે. જિલ્લાની સૌથી પહેલી વાવ ઇડર તાલુકામાં ફુલેશ્વર મહાદેવ અને ધનસુરા તાલુકાના મુદ્રેશ્વર મહાદેવ કે જે હજાર વર્ષ જૂની હોવાનું માનવામાં આવી રહ્યું છે. તેવી જ રીતે ધનસુરા નજીક શિકા હાઈવે ખાતે આવેલી વાવ છેલ્લી વાવ છે. જે આશરે 200 વર્ષ પહેલા બનાવાઈ હતી જિલ્લામાં સૌથી વધુ વાવ ઇડર તાલુકામાં આવેલી છે. જેની સંખ્યા ૨૫ જેટલી છે ત્યારબાદ ભિલોડા તાલુકા નો નંબર આવે છે. જિલ્લામાં સૌથી વધુ શિલ્પસ્થાપત્ય ધરાવતી વાવ મોડાસા પોલીસ સ્ટેશનની પાસે આવેલી વણઝારી વાવ છે. આની કલાત્મક વિશેષતા એ છે કે તેમાં હિંદુ દેવતાના શિલ્પો છે. વાવ નો કુવો સાઠંબા પણ 900 વર્ષ જુના હોવાનું મનાય છે. સૌથી સુંદર પ્રવેશદ્વાર વાાળી  વાવ છે. જેમાં પાંચ મંડપ છે. તે પછી વિરબાવજી ની વાવ નો નંબર આવે છે ઉલ્લેખનીય છે કે મોટાભાગની વાવ નું નામકરણ વણઝારીવાવ નામે થયેલ છે કારણ કે વાવ બનાવવાનું મહારત વણઝારા કોમને હાંસલ થયેલ હતું.
આકરુંદની વાવ

               અરવલ્લીમાં આવેલી નોંધપાત્ર વાવ અને આશરે તવારીખ
(1) આકરુન્દ ની વાવ - 14મી થી 15મી શતાબ્દી
(2) પાલનપુર ગામ વાવ - 14મી શતાબ્દી.
(3) સબલપુર વાવ - 17મી શતાબ્દી.
(4) બોર્ડિંગ ખડાયતા વાવ - 10મી શતાબ્દી.
(5) શ્રી વિરેશ્વર વાવ - 18મી શતાબ્દી
(6) મુન્દ્રેશ્વર વાવ 8 -9 મી શતાબ્દી.
(7) આંબાવાડી વાવ મેઘરજ - 18મી શતાબ્દી
(8) ઉભરાણ વાવ - 17મી શતાબ્દી.
(9) ટીંટોઇ બીજી વાવ - 14- 15 મી શતાબ્દી.
(10 ) ટીંટોઈ પ્રથમ વાવ - 18મી શતાબ્દી
(11) શિકા ગામ વાવ 10મી શતાબ્દી
(12) શીકા હાઈવે વાવ - 19મી શતાબ્દી.
(13) શામળાજી વાવ -13મી શતાબ્દી
(14) સાઠંબા વાવ - ઈ. સ. 1094
(15) મોડાસા વાવ - 12થી 13 મી શતાબ્દી
(16) લીંભોઈ વાવ - ઈ. સ. 1599
(17) અમલાઈ ની વાવ - 18મી શતાબ્દી.
(18) મેઢાસણ વાવ - 14મી શતાબ્દી.
(19) અરજણ વાવ 
               આપણી ભવ્ય પ્રાચીન વિરાસતની સાક્ષી આ વાવોનું જ્યારે નિર્માણ થયું ત્યારે નો'તી અદ્યતન ટેકનોલોજી, કે ન હતા આજના જેવા અદ્યતન ઓઝારો એમ છતાં વાવોનું અદભુત નિર્માણ કેવી રીતે કર્યું હશે એ વિચારી ને જ રોમાંચિત થઈ જવાય છે. કલાત્મક વાવો આજે પણ આપણ ને આશ્ચર્ય પમાડે છે ત્યારે જે તે સમયે આ વાવોની ભવ્યતા કેવી હશે !!!
             તંત્રની ઘોર બેદરકારી અને ભવ્ય વારસાને સાચવવાની નાગરિક તરીકે આપણી નિરાસતાને કારણે આજે મોટાભાગની વાવો બિસ્માર હાલતમાં છે. જર્જરિત છે. આપણી પ્રાચીન વિરાસતનું જતન કરવામાં આપણે ઉણા ઉતર્યા છીએ. સ્વચ્છતા અને જાળવણીને અભાવે આપણો ભવ્ય વારસો ખંડેર થઈ ને અવાવરું થઈ પડ્યો છે. દુનિયાના અન્ય દેશો પાસે આવો વારસો હોત તો આપણેઆપણે ટિકિટ ખર્ચી ત્યાં જોવા માટે જાત. અને અહીં આવી એની ભવ્યતા અને દિવ્યતાના હોંશે હોંશે વખાણ કરત. પ્રાચીન વારસાના જતન માટે વિશ્વમાં બીજે   કયાંય આપણા જેવું બેદરકાર તંત્ર અને નિ:રસ પ્રજા હશે ખરી???
             આવનારી પેઢીને કદાચ ઇતિહાસના પાનાઓ ઉપર જ વાવના દર્શન થશે. અને કદાચ આવનારી પેઢી માનવા પણ તૈયાર નહીં હોય કે જ્યારે વિજ્ઞાન ટેકનોલોજી એટલી વિકસી ન હતી એ દરમિયાન અભણ નિરક્ષર લોકો એ આવી ભવ્ય કલાત્મક વાવોનું હાથેથી નિર્માણ કર્યું હશે!!!
સંદર્ભ : સર્જનાત્મક સાબરકાંઠા, મારુ ગામ મોડાસા, લોકજીવનનાં મોતી
(અરવલ્લીની વિરાસત  વિશે વધુ  જાણીશું  આવતા સોમવારે)
લેખન - :ઈશ્વર પ્રજાપતિ 
(આપના પ્રતિભાવ નીચે આપેલ whatsapp નંબર પર લખી મોકલી શકો છો )
(98251 42620)

નોંધ:- મિત્રો બ્લોગની લિંક આપ શેર કરી શકો છો પરંતુ મિત્રો મારા બ્લોગના આર્ટિકલ્સને પોતાના નામે ચડાવી વાયરલ કરવાનો અવિવેક ન કરવા વિનંતી

2 comments:

  1. આપણી આ પ્રાચીન ઐતિહાસિક ધરોહર ની માહિતી આપવા બદ્લ અભિનંદન. હવે જે ગામ માં આ વાવ આવેલી છે ત્યાં સ્થાનિક યુવાનો ને જાગૃત કરી, સફાઈ કામ કરાવી સુંદર બનાવવાની જરૂર છે.તો તે પર્યટન સ્થળ તરીકે વિકાસ થાય અને સ્થાનિકો ને રોજગારી પ્રાપ્ત થાય.આપણે આ માટે એક મટિંગ મોડાસા માં કરી આગળ વધીએ.

    ReplyDelete
  2. નમસ્તે ! અતુલ્ય વારસો તરફથી હાલમાં ગુજરાતમાં આવેલી વાવોની માહિતી એકત્રિત કરવાની કામગીરી ચાલી રહી છે તો આપના શહેર/ગામ આસપાસ જો કોઈ વાવ અથવા અન્ય જળ સ્થાપત્ય હોય તો આ સાથે મોકલેલ નોંધણી ફોર્મમાં વિગત ફરી atulyavarso@gmail.com Or 9825129703 (Whats App) પર મોકલી આપવા નમ્ર વિનંતી છે.
    Pradip Shah

    ReplyDelete