પ્રાચીન સ્થાપત્યોમાં પીંછી વડે પ્રાણ પૂરતા અદના ચિત્રકાર નરેશ લીંબચીયા
નરેશ લીંબચીયા
રંગો, પીંછી અને કેનવાસના સહારે સાબરકાંઠાના પ્રાચીન શિલ્પ સ્થાપત્યોમાં પ્રાણ પૂરતો અદનો ચિત્રકાર એટલે નરેશ લીંબચીયા. નારેશભાઈના હાથમાં રહેલી રંગ ભરેલી પીંછીનો કેનવાસ પરનો એક એક ઘસરકો સાબરકાંઠાને ગૌરવ અપાવવાનું કાર્ય કરી રહી છે. સાવ સામાન્ય આર્થિક પરિસ્થિતિ અને સામાજિક સંઘર્ષો વચ્ચે પણ રંગોના સહારે પ્રાચીન દેવાલયો, દેરાસરો, શિલ્પો અને સ્થાપત્યોને વિશ્વમાં ગૌરવ અપાવવાનું પ્રણ લઈ બેઠો છે આ કલાકાર. મોનાલીસાના ભેદી સ્મિત જોઈ હરખાતા આપણે સૌ અને સરકાર આવા અનેક કલાકારોની કલાને પોંખવામાં ઉના ઉતાર્યા છીયે. આપણી સંસ્કૃતિ વિરાસતને પોતાની કલા થકી ઉજાગર કરનાર અનેક કલાકારો સમગ્ર જીવન સંઘર્ષમાં વિતાવવા મજબુર બને છે. એમ છતાં કલાકાર પોતાના હૃદયમાં ધબકો કલા પ્રેમ અનેક પડકારો વચ્ચે પણ જીવંત રાખે છે. આજે વાત કરવી છે સાબરકાંઠાના ચિત્રકારની.
સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાનું મોયદ ગામ વતન. કવિઓ જન્મે છે, બનતા નથી. એમ નરેશભાઈ માટે કહી શકાય કે તે જન્મે ચિત્રકાર છે. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણની સાથે-સાથે અન્તઃસ્ફુરણાથી તેઓ કાગળ, પેન્સિલ અને રંગો તરફ આકર્ષાયા. અને ચિત્ર દોરવાનો શોખને સંતોષવા લાગ્યા. મનગમતા વિષયને કાગળમાં ચિત્ર રૂપે દોરવામાં તેમને સહજ આનંદ આવતો. આવા ચિત્રો દોરવાની કોઈ વિશેષ તાલીમ લીધી નહોતી. આપસૂઝથી ચિત્રોની જીવંત બનાવવામાં તેમની મજા આવતી. તેમાંથી ધીમે ધીમે ચિત્રની સાધના માંડી બેઠા.
પહેલેથી જ ચિત્રો ને રંગોની દુનિયામાં રસ ખરો, એટલે એમણે રેખાઓ,આકારો સાથે ઘરોબો કેળવી લીધો.નરેશભાઈ ડ્રાફ્ટમેન સીવીલ કર્યા પછી કોઈ નોકરી કરવાને બદલે ચિત્રકામને જ પોતાનું સમસ્ત જીવન સમર્પિત કરી દીધું. પેઇન્ટિંગ એડવર્ટાઇઝિંગને વ્યવસાય તરીકે સ્વીકાર્યો.
નાની ઉંમરે પત્નીનું મૃત્યુ થયું. તેથી નાના બે બાળકોની સંપૂર્ણ જવાબદારી આવી પડી. પરિવાર પર જાણે આફતોનું આભ ફાટી પડ્યું. જીવનમાં કટોકટી અને સંઘર્ષનો સમય શરૂ થયો. બીજીતરફ આર્થિક સ્થિતિ બિલકુલ મંદી. આવા સમયમાં પણ પોતાની મસ્તી અને આનંદ માટે ચિત્ર સાધના પ્રેમથી ચાલુ રાખી. આ ચિત્રો દોરવાની આવડતમાંથી તેમણે એ પ્રકારનું નાનું-મોટું કામ મળવા માંડ્યું. કોમર્શિયલ આર્ટિસ્ટની જેમ માગણી મુજબના ચિત્રો દોરી આપવા, એડવર્ટાઇઝ માટે જરૂરી પેઇન્ટિંગ કરી આપવાથી થોડી કમાણી કરી, આર્થિક સમસ્યાનો હલ કરતા જઈ જીવનનું ગાડું ગબડાવતા રહ્યા. આ સમય દરમ્યાન સાબરકાંઠાના કાશ્મીર સમાન વિજયનગરની પોળોના જંગલો અને પ્રાચીન સ્થાપત્યો એ આ કલાકારને આકર્ષયો.
આ યુવાનને 'ઉત્તર ગુજરાત નું કાશ્મીર' ગણાતું પોળોનું જંગલ મનમાં વસી ગયું. કોઈ અકળ ખેંચાણથી જાણે તે પોળોની મુલાકાતે ગયા. અહીં અડાબીડ વનમાં સદીઓ જુના પ્રાચીન મંદિરોની વિરાસત પથરાયેલી છે. આ મંદિરો અગિયારમી સદીથી પંદરમીમી સદીના સમયગાળામાં આવિષ્કાર પામ્યા હતા. આ ચિત્રકારની જૈન અને શૈવ મંદિરોની અણમોલ વિરાસત પ્રભાવિત કરી ગઈ. જૂના સ્થાપત્યો મૂળમાં ધર્મસ્થાનો હતાં. પવન, પાણી, તડકો, દવ જેવા પ્રાકૃતિક બળોની સામે ઝીંક ઝીલતા યુગોથી અડીખમ ટકી રહ્યા છે. આ ભવ્ય વિરાસત નરેશભાઈની રોમ હર્ષની લાગણી જગાડતી અને એક અલગ પ્રકારની ઝણઝણાટી થતી.
તેનાથી નરેશભાઇએ આ સ્થાપત્યની વારંવાર મુલાકાત લેવાનું રાખ્યું. કલાકો સુધી સ્થાપત્યોને માણવાનું તેને આંતરદ્રષ્ટિથી, ઝીણવટથી નિહાળવાનું અને તે નિમિત્તે જાણે કે તેની તેના આ આંતર દર્શનથી એ વિરાસત અંગે એક જુદો ભાવ ચમત્કાર અનુભવાતો રહ્યો. આ ભાવ ચમત્કૃત ક્ષણોને વધારે ને વધારે આત્મસાત કરતા રહ્યા. તેનાથી નરેશભાઈને એક દિવ્ય યાને કે આધ્યાત્મિક અનુભૂતિ થઈ. આ પ્રાચીન મંદિરો તેના હૃદયમાં નવા ભાવ જગાડતા ગયા. તેની એક સાધકની જેમ સાધના કરતા રહ્યા. તેના પરિણામે કેન્વાસ ઉપર ચિત્ર રૂપે વ્યક્ત થતા લાગ્યા. સદીઓથી પલાંઠી વાળીને બેઠેલા આ સ્થાપક તેઓ કલાકારની આખી કલ્પનાની પાંખે ચડી રંગોના વિવિધ સંયોજનથી ચિત્રનું રૂપ પામવા લાગ્યા. દરેકને નિરખતા જઈ, તેના ભાવ સ્વરૂપની આત્મસાત કરી કેન્વાસ ઉપર પ્રગટાવવાની ધુન લાગી. સાથે-સાથે પોળોની આ પ્રાચીન વિરાસતને આ સાંસ્કૃતિક ધરોહરની વિશ્વ ફલક ઉપર ઓળખ આપવાની ઇચ્છા જાગી. તેની પાછળ સતત અઢી વર્ષના અથાગ શ્રમથી પોતાના ભાડાનો સ્ટુડિયામાં (એક નાનકડું રૂમમાં) કામ કરવાનું શરૂ કર્યું. આ પ્રાચીન સ્થાપત્યો ને કેનવાસ પર ઉતારી , રંગો ભરી પ્રાચીન શિલ્પોમાં જાણે પ્રાણ પુરી દીધા!! ભૂતકાળને જાણે પુનઃ જીવંત કરી દીધો!!
46 વર્ષના નરેશભાઈ પોળોમાં મંદિરો વિશે જણાવે છે કે "મેં વિશે થોડાં વર્ષ અગાઉ મંદિરો પહેલીવાર જોયેલા, ત્યારથી પ્રભાવિત થયો હતો. અહીં જૈન અને હિંદુ બંને ધર્મના મંદિરો સાથે છે. ખંડેર હાલતમાં જ ભલે પણ એમની દિવ્યતા અખંડિત છે. એમને જોતાં જ ઐતિહાસિક જાહોજલાલી નજરે પડે છે. સદીઓથી અડીખમ ઊભા છે. એના સ્થાપત્યના વખતે કેવા દબદબો હશે! એ વિચારીને જ રોમાંચ થાય છે. પર્યટન ક્ષેત્રે વિકસિત કરીએ. આ બધા વિશ્વકક્ષાના સ્થાપત્યો છે. એટલે નક્કી કર્યું કે ચિત્રો દ્વારા રંગો તેમની ઐતિહાસિક આભા ઉત્પન્ન કરી એ મંદિરોને અને આપણા ભવ્ય વારસાને વિશ્વ સમક્ષ પુનર્જીવિત કરવો. અને આજે ઈશ્વરની કૃપાથી મારું એક કામ સારી રીતે આગળ વધી રહ્યું છે."
ઊંડી આધ્યાત્મિકતા ધરાવતા નરેશભાઈ ભવિષ્યના આયોજન વિશે કહે છે કે "કોઈ અલૌકિક તત્વની પ્રેરણાથી જ આ બધું થાય છે. અત્યારે તો મારે આમાં જ કાર્યરત રહેવું છે. પછી કુદરત સુઝાડે એમ કરતો જઈશ."
નરેશભાઈની આ ચિત્ર સાધના પાછળના હેતુ વિશે પૂછશો તો એક જ વાત વારંવાર એમની જીભે ચડે છે. " આતો મારા પોળોના જંગલો, મારા મંદિરો, મારો જીલ્લો, મારો સાબરકાંઠો, મારુ ગૌરવ છે. એટલે એની ખરી સમૃદ્ધિની લોકોનું ધ્યાન ખેંચી શકું. એમને પ્રસિદ્ધિ અપાવી શકું એટલે બસ."
ફક્ત ચિત્રકામ, પેઇન્ટિંગ એડવર્ટાઇઝીંગ દ્વારા ગુજરાન ચલાવતા નરેશભાઈની ઘરખર્ચમાં એ સ્વાભાવિક છે પોતાની માતા, પુત્ર હર્ષ અને પુત્રી નંદિની સાથે રહેતા નરેશભાઈએ જીવનની અભાવો વચ્ચે સાડા ચાર દાયકામાં અનેક ઉતાર-ચઢાવ જોઈ લીધા છે. નાની ઉંમરે પત્ની કિરણની વિદાય અને પુત્રની બીમારીને લીધે એ વધુને વધુ ભાવુકતા સંવેદનશીલતામાં કામ કરે છે. અને હાલ સંપૂર્ણપણે ઈશ્વરને આધીન રહી, મંદિર ના ચિત્રો પૂરા કરવામાં સમર્પિત છે.
નરેશભાઈ કલાક્ષેત્રના અવનવા નવીનતમ પ્રયોગોને પણ આવકાર્યા છે. પોળોના મંદિરોની મૌલિક ચિત્રો જુદી જુદી ટીવી ચેનલ, અખબારો અને સુપ્રસિદ્ધ અખબારો દ્વારા રજૂ થયા છે. ગુજરાત સરકારના મુખપત્ર "ગુજરાત"ના દિવાળીના વિશેષ અંકમાં આ મંદિરોમાં આ ચિત્રો સ્થાન પામ્યા છે.
નરેશભાઈ પોતાની સફળતાનો સંપૂર્ણ યશ સંઘર્ષકાળ માં સાથ આપનાર મિત્રોને આપે છે. પ્રેસ અકાદમીના સચિવશ્રી અને કલાના કસબી એવા પુલક ત્રિવેદી સાહેબે આ અદના ચિત્રકારને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. તો કાલ પ્રેમી પ્રેમજી પટેલ જેવા લેખકોએ પ્રસિદ્ધ સામયિકોમાં લેખો થકી આ ચિત્રકારની પીંછી ને પોંખી છે. સામાજીક સંસ્થાઓએ તેઓના આ સરાહનીય કાર્યની નોંધ લઈ અનેક ખિતાબોથી નવાજ્યા છે.
સમાજમાં રહેલા આવા કલાકારો, ચિત્રકારો અને કલાના કસબીઓને જો સરકાર દ્વારા પૂરતું પ્રોત્સાહન આપવામાં આવે તો સાબરકાંઠા- અરવલ્લી દુનિયાને શ્રેષ્ઠત્તમ કલકરો ભેટ ધરી શકે તેમ છે.
નરેશભાઈ લીંબચીયાના પીંછી પોંખાતી રહે એ જ શુભેચ્છાઓ.
(આવી જ વિરલ વ્યક્તિ વિશેની રસપ્રદ વાતો જાણીશું આવતા ગુરુવારે...)
લેખન : ઈશ્વર પ્રજાપતિ
આપ આપના પ્રતિભાવ નીચેના whatsapp no. પર લખી મોકલી શકો છો.
(98251 42620)
નોંધ:- મિત્રો બ્લોગની લિંક આપ શેર કરી શકો છો પરંતુ બ્લોગના આર્ટિકલ્સને પોતાના નામે ચડાવી વાયરલ કરવાનો અવિવેક ન કરવા વિનંતી
No comments:
Post a Comment