Thursday, June 13, 2019

વ્યક્તિ વિશેષ: ગ્રામયાત્રી સુરેશભાઈ પુનડિયા



ગાંધીજી અને વિનોબાજીના રંગે રંગાયેલા અનોખા ગ્રામયાત્રી સુરેશભાઈ પુનડિયા


              અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાનું અંતરિયાળ ગામ ઝરડા આજે ગ્રામવિકાસનો અભ્યાસ કરતા દેશ વિદેશના વિદ્યાર્થીઓ માટે અભ્યાસનું કેન્દ્ર બન્યુ છે. એક યુવાને આરંભેલા શ્રમ યજ્ઞએ ગામમાં ચમત્કાર સર્જ્યો છે. ફેબ્રુઆરી 2018 માં ગામમાં આવેલા અજાણ્યા યુવકના નિઃસ્વાર્થ સેવા યજ્ઞ થકી ગામના બાળકો, યુવાનો, મહિલાઓ અને વડીલો ખુશ ખુશાલ છે. આ યુવકના અનોખા કાર્યને નિહાળવા દેશ વિદેશના વિદ્યાર્થીઓ પત્રકારો આ ગામની મુલાકાત લઈ રહ્યા છે. 
             આ યુવાનનું નામ છે સુરેશભાઈ પુનડિયા ઉર્ફે સુરેશભાઈ ગ્રામયાત્રી. 
             બરછટ ખાદીના મેલઘેલાં વસ્ત્રોમાં ફરતા આ યુવાનને પહેલી નજરે જોઈ આપ કલ્પી ન શકો કે આ યુવાન વિચાર ક્રાંતિનું કેન્દ્રબિંદુ છે. આ યુવાને અંતરિયાળ ગામોની કાયાપલટ કરી ચમત્કાર સર્જ્યો છે. આ યુવાનની સાદગી અને સામાન્ય દેખાવ જોઈ કલ્પી ન શકો કે કેલિફોર્નિયાની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે આ યુવાન ઓનલાઈન અભ્યાસક્રમ ચલાતો હશે. અરે , 20 ઉપરાંત દેશોના યુવાન વિદ્યાર્થીઓ આ યુવાન પાસે જિંદગીના પાઠ શીખે છે. આ યુવાનનો જીવન નિરવાહનો માસિક ખર્ચ   રૂપિયા 1000 કરતાં પણ ઓછો છે. આ યુવાન ગ્રામોઉત્થાન અને સમાજોઉત્થાનનું ગાંધીજી અને વિનોબાજીના સપનાઓને સાકાર કરવા મથી રહ્યો છે. વ્યસન અને ફેશનમાં મસ્ત આજની યુવા પેઢી માટે એક આદર્શ પૂરો પાડે છે. ગાંધી અને વિનોબાના વિચારે નખશીખ રંગાયેલા આ યુવાન સાંપ્રત સમાજના વૈશ્વિક પડકારોના નિરાકરણ માટે એકલે હાથે ઝઝુમી રહ્યો છે. આ યુવાન વિચાર ક્રાન્તિની મશાલ લઈ એકલો નીકળી પડ્યો છે. 
             હાલ અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના છેક છેવાડે આવેલ ઝરડા નામના ગામમાં સુરેશભાઈ ગ્રામોત્થાનનો યજ્ઞ આરંભ્યો છે. સુરેશભાઈ પોતાની પાસે પૈસા રાખતા નથી. પૈસા વગર તેઓ જીવન જીવે છે. સંપૂર્ણ સ્વદેશી વસ્તુઓ પર નિર્ભર રહે છે. પોતાના જીવન નિર્વાહ ને લાગતી ટૂથ પેસ્ટ , સાબુ જેવા તમામ પ્રસાધનો આજુબાજુના પર્યાવરણમાં ઉપલબ્ધ સંપદા માંથી જાતે જ બનાવી લે છે. વર્ષ દરમિયાન પોતાને જોઈતા ચાર જોડી કપડાં પોતાની જાતે ચરખા પર કાંતિ લે છે. રોજ સવારે ચાર વાગ્યે ઊઠી જાય છે. ગામના બાળકો સાથે પાંચ વાગ્યે પ્રભાતફેરી કરે છે. પોતે સાવરણો લઈને નીકળી પડે છે. સજીવ ખેતીના પ્રયોગો કરે છે. કૃષિનું તેમનું જ્ઞાન ચકિત કરે તેવું છે. છ ભાષાઓ જાણે છે. પોતાની પાસે કોઈ વાહન રાખતા નથી. કોઈ પણ જગ્યાએ જવું હોય તો લિફ્ટ લઈને વગર ભાડે જ મુસાફરી કરી લે છે. લિફ્ટ લઇ મુસાફરી કરી તેઓ ભારતના તમામ રાજ્યો અને નેપાળની પણ મુસાફરી કરી ચુક્યા છે. પોતાના ખિસ્સામાં એક પણ રૂપિયા વગર 2016 માં કેલિફોર્નિયાની યુનિવર્સિટીમાં લેક્ચર આપવા માટે પણ જઈ આવ્યા છે. 
           તેઓનું મૂળ વતન તો પાટણ. સુરેશભાઈનાં માતાનું નામ પૂનમબહેન. તેઓ આંગણવાડીમાં શિક્ષિકા. પિતા રામજીભાઈ ખેતી અને સુથારીકામ કરે. ભણવામાં તેજસ્વી સુરેશભાઈએ GPSC ની પરીક્ષા પાસ કરી નાયબ મામલતદાર તરીકે અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં જોડાયા. નોકરી દરમિયાન તેઓને સમજાયું કે દરેક પૈસા પાછળ ચાલે છે. સમાજ અથવા પર્યાવરણની કોઈ કાળજી લેતું નથી. આ અને આજની દુનિયાના અન્ય સંબંધિત મુદ્દાઓ વિશે તેમના મનમાં ઘણા પ્રશ્નો હતા. તેથી, આ પ્રશ્નોના જવાબો શોધવા માટે, તેમણે મોભાદાર નોકરી છોડી દીધી અને ગુજરાત વિદ્યાપીઠમાં પ્રવેશ મેળવ્યો. 
          ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વખતે, તેઓ સફાઇ વિદ્યાલયના સ્થાપક પદ્મશ્રી ઈશ્વર ભાઈને મળ્યા. તેમની સાથે રહેતા સુરેશ રાજ્યના 800 ગામોની મુસાફરી કરી. જ્યાં તેમણે સ્વચ્છતા, પર્યાવરણ અને સ્ત્રી ભ્રૂણહત્યા વિશે જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો. આ બધું કરવા છતાં, તેમને લાગ્યું કે કંઈક ખૂટે છે. લાગ્યું કે તે પોતે બોલતા શબ્દોને જીવતા નથી.  તેમણે નક્કી કર્યું કે તેમને એક સ્થાન પર રોકાઈ અને તેઓ જે આદર્શ જીવન પ્રચાર કરી રહ્યા હતા તે પ્રમાણે આદર્શ જીવન જીવશે.
                આ વિચારને ધ્યાનમાં રાખીને, સુરેશ ગુજરાતમાં દહેગામ નજીક વાંકાનેડા નામના નાના ગામ પહોંચ્યા અને તેમના જીવનમાં એક નવા પ્રકરણ શરૂઆત કરી.  આ ગામની કાયાકલ્પ સુરેશ ગ્રામયાત્રી નામના એક યુવકે કરી. અનેકવિધ પ્રવૃતિઓ કરીને તેમણે આ ગામને, ગામના લોકોની મદદથી નવપલ્લિત કર્યું. સતત પાંચ વર્ષ સુધી આ ગામમાં રહી સુરેશભાઈએ સંસ્કારલક્ષી, મૂલ્યલક્ષી અનેક પ્રવૃતિઓ શરૂ કરી. બાળમંડળ, યુવામંડળ અને મહિલામંડળની સ્થાપના કરી. ગામના સ્મશાનને સુંદર ઓપ આપ્યો. સ્મશાન મોટા ભાગે ડરામણી અને નફરત માટેની જગ્યા ગણાતી હોય છે. સુરેશભાઈએ લોકોના હૃદયમાંથી સ્મશાન અંગે ડર અને અંધશ્રદ્ધા દૂર કરવા સ્મશાનમાં નિયમિત રીતે ખીચડી ઉત્સવ ઉજવાનું નક્કી કર્યું. શરૂઆત માં 5-7 લોકો જ જોડાયા ધીમે ધીમે બે-અઢી મહિને થતા ખીચડી ઉત્સવમાં 600થી 700 લોકો જોડાવા લાગ્યા. આ રીતે તેમણે અંધશ્રદ્ધા દૂર કરી.

                 સુરેશભાઈએ વાંકાનેડા ગામમાં જ્યાં કચરાનો ઉકરડો હતો ત્યાં લોકોની મદદથી તેને સાફ કરીને ત્યાં શાળા કરી. શાળાને નામ આપ્યું મસ્તીની પાઠશાળા. અહીં તેમણે બાળકોને સરસ રીતે ભણાવવાનું ચાલુ કર્યું. અહીં બાળકો સ્વચ્છતાના પાઠ શીખે અને વ્યસનમુક્તિ આંદોલનના વાહક પણ બને. સુરેશભાઈની ભણાવવાની પદ્ધતિ એટલી અદભૂત અને અસરકારક કે આજે બાળકો ગામમાં ક્યાંય કચરો દેખાય તો જાતે જ સાફ કરવા લાગે છે.
          સુરેશભાઈએ પ્રેમ અને સંવેદના સાથે કરેલા પ્રયોગોને લોકોએ હૃદયથી સ્વીકાર્યા છે. તેમણે પાંચ વર્ષ દરમિયાન કરેલા વ્યસનમુક્તિ યજ્ઞોને સુંદર પ્રતિસાદ મળ્યો છે. ગામના 70થી વધુ વ્યક્તિએ સ્વેચ્છાએ દારુ છોડી દીધો છે. તેમણે વ્યસનમુક્તિમાં બાળકોનો ઉપયોગ કર્યો. દારુનો બાટલો, મોતનો ખાટલો તથા દારુની પોટલી, મોતની ટોપલી જેવાં સૂત્રોએ ઉત્તમ પરિણામ લાવી આપ્યું છે.
              આ ગામમાં રાષ્ટ્રીય ભાવનાના સંસ્કાર આપવામાં આવે છે. અહીં ઊંચ-નીચના કોઈ ભેદભાવ નથી. હમ સબ એક હૈ નો ભાવ દરેકના હૃદયમાં પ્રસ્થાપિત કરાયો છે. સુરેશભાઈએ પોતાની અટક ગ્રામયાત્રી કરી દીધી છે.
              પ્રેમ એક એવું રસાયણ છે જે તમામ બીમારીનો ઈલાજ છે. ગામમાં કોઈ ઝઘડો કરે અને અજુગતું બોલે તો સુરેશભાઈ ઉપવાસ કરે. આ વાત કોઈને નવી લાગે, પણ તેનાં પરિણામો આવે છે. સુરેશભાઈએ રોજગારી માટે સુંદર પ્રયોગો કર્યાં છે. તેમણે ઋષિખેતી શરૂ કરી છે. જય ખેડૂતનો નારો આપ્યો છે. તેમણે ગામમાં 28 જગ્યાએ શાકભાજીની ખેતી શરૂ કરાવી છે. તેમણે તેને નામ આપ્યું છે પરિવાર પોષણ મંદિર. સુરેશભાઈ પોતે ગાય રાખે છે. ગામના લોકો પશુપાલન આધારિત ખેતી કરીને ઉત્તમ આવક મેળવે તે માટે તેમણે સુંદર પ્રયોગો કર્યાં છે. મૂળ પાટણના આ યુવકે ખરેખર ચમત્કાર કર્યો છે. 
          આ ગામમાં પાંચ વર્ષ પૂર્ણ થયાં એટલે સુરેશભાઈએ ગામ છોડી દીધું. કહે છે, ગામને કોઈની આદત ન પડવી જોઈએ. ગ્રામજનોએ પોતાનો ઉત્કર્ષ અને વિકાસ જાતે જ કરવો જોઈએ. હવે ગામમાં એવું વાતાવરણ ઊભું થઈ ગયું છે. ગ્રામજનોને પોતાનો વિકાસ કરતાં આવડી ગયું છે. હવે મારું કામ પૂરું થયું છે.
         છેલ્લા સવા વર્ષથી તેઓ અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ઝરડા ગામે ગામ ઉત્થાનનું કામ કરી રહ્યા છે. આ ગામમાં રાષ્ટ્રીય ભાવનાના સંસ્કાર આપવામાં આવે છે. અહીં ઊંચ-નીચના કોઈ ભેદભાવ નથી. હમ સબ એક હૈ નો ભાવ દરેકના હૃદયમાં પ્રસ્થાપિત કરાયો છે. સુરેશભાઈએ પોતાની અટક ગ્રામયાત્રી કરી દીધી છે.
               ગામમાં કોઈ ઝઘડો કરે અને અજુગતું બોલે તો સુરેશભાઈ ગાંધી રાહે ઉપવાસ કરે. આ વાત કોઈને નવી લાગે, પણ તેનાં પરિણામો આવે છે. ગામના વિદ્યાર્થીઓ માટે જીવન લક્ષી શિક્ષણ આપે છે. શ્રમ અને સેવાની મહિમા કર્મ દ્વારા સમજાવે છે. નોખા બળમેલા યોજી બાળકોમાં વિવિધ કૌશલ્યો નો આપો આપ વિકસિત કરી રહ્યા છે. સુરેશભાઈના આ અનોખા યજ્ઞને નિહાળવા અરવલ્લીના આ અંતરિયાળ ગામડામાં દેશ વિદેશથી મહેમાનો ઉમટી પડે છે. અને સુરેશભાઈ કોઈ જ પદ કે પ્રતિષ્ઠા ના મોહ વગર પોતાના કાર્યમાં ખુમ્પી ગયા છે. 
           ગુજરાતના અંતરિયાળ ગામડાઓ ખૂંદી લોકોને આત્મનિર્ભર બનાવવાના પાઠ શીખવતા આ યુવકને પહેલી ઓક્ટોબર, 2018ના રોજ અમદાવાદમાં વિચાર ટ્રસ્ટના ઉપક્રમે ગુજરાતના રાજ્યપાલ શ્રી ઓ.પી.કોહલીના હસ્તે ગાંધીમિત્ર જેવો પ્રતિષ્ઠિત એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો છે.
 (આવી જ વિરલ વ્યક્તિ વિશેની રસપ્રદ વાતો જાણીશું આવતા ગુરુવારે...)   

લેખન : ઈશ્વર પ્રજાપતિ
આપ આપના પ્રતિભાવ નીચેના whatsapp no. પર લખી મોકલી શકો છો.
(98251 42620)

નોંધ:- મિત્રો બ્લોગની લિંક આપ શેર કરી શકો છો પરંતુ  બ્લોગના આર્ટિકલ્સને પોતાના નામે ચડાવી વાયરલ કરવાનો અવિવેક ન કરવા વિનંતી


2 comments:

  1. અભિનંદન. ગામ ને વ્યસન મુક્ત , સ્વચ્છ, સ્વનિર્ભર બનાવવામાં આપેલ યોગદાન પ્રશંશનિય છે.

    ReplyDelete

સન્ડે સ્પેશિયલ

  ‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા    જોઈએ.” :    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.       સાવ સા...

Popular Posts