Thursday, June 20, 2019

શેલડીયો સાબરકાંઠો



શેલડીયો સાંઠો, સાબરકાંઠો

બૃહદ સાબરકાંઠાની અસ્મિતાને મધુર ગીતના માધ્યમ થકી ઉજાગર કરવાનો "શ્રાવણ સુખધામનો" અનોખો પ્રયાસ.


         બૃહદ સાબરકાંઠા પાસે પ્રાચીન સંસ્કૃતિક વિરાસતનો અમૂલ્ય વારસો છે. આ ભવ્ય વારસાને કવિતામાં કંડારીતા અદભુત ગીતના ગીતકાર છે જાણીતા કવિ પ્રતાપસિંહ રાઠોડ "સારસ્વત". કવિએ શબ્દ પુષ્પો લઈ "શેલડીયો સાંઠો સાબરકાંઠો" ગીત દ્વારા સાબરકાંઠાની સુંદર સ્તુતિ કરી છે. એમ છતાં આ ગીતને જોઈએ તેટલી પ્રસિધ્ધિ મળી શકી ન હતી. પરંતુ સાબરકાંઠાના ભવ્ય વારસાની ઓળખ કરાવતા આ ગીતને જન જન સુધી પહોંચાડવા નિમિત્ત બની આ શ્રવણ સુખધામ સંસ્થા.
       ગીતનો કોન્સેપ્ટ તૈયાર કર્યો શ્રવણ સુખધામના ઇન્દુ આર.પ્રજાપતિ (સેક્રેટરી) એસ.કે.પ્રજાપતિ (એમ.ડી). અને આ ગીતની સફળતા અપાવવા પડદા પાછળ જહેમત ઉઠાવી પ્રજાપતિ બંધુ હિરેનભાઈ અને ભાવેશભાઈએ. સુંદર ગીતને મધુર કંઠ મળ્યો પંકજ પંચાલ અને નૂતન રાજપૂતનો. અને આ ગીતને કર્ણપ્રિય સંગીતથી સાજાવ્યુ બલભદ્રસિંહ રાઠોડ પંકજ પંચાલે. દૃશ્યોનું વીડીયો એડિટિંગ દ્વારા સંયોજન કર્યું છે વીરલ રાવલ જયદીપ ગઢવીએ. હિંમતનગર ના સાજ સ્ટુડિયોમાં નિર્માણ પામ્યું છે.
                આખી ટીમની મહીનાઓની મહેનત આખરે રંગ લાવી. જેવું આ ગીત યુટ્યુબ પર રિલીઝ કરવામાં આવ્યું ત્યારે સાબરકાંઠા સહિત સમસ્ત ગુજરાતની જનતાએ અભૂતપૂર્વ પ્રતિસાદ આપ્યો. ગણતરીના કલાકોમાં જ હજારો લોકો એ આ વીડિયો જોયો, લાઈક કર્યો અને શેર કર્યો. જોત જોતામાં જન જન સુધી આ ગીત પાહીચી ગયું. ગીતનું સ્વરાંકન, સંગીત અને દૃશ્ય સંરચના અદભુત છે. એક વાર સાંભળવાથી મન ભરાતું નથી. લોકોના હાઈએને હોઠે ગીત રમતું થયું.
           આ ગીતનો આસ્વાદ કરાવતા જાણીતા પ્રતિભાશાળી યુવા કવિ અને સર્જક જિતેન્દ્ર પ્રજાપતિ કહે છે. "ગુજરાત ગૌરની અસ્મિતાનું વાતાવરણ જ્યારે કંડારાઈ રહ્યું છે ત્યારે આપણા ગુજરાતના ગૌરવ સમા સાબરકાંઠા ની સરહદને નજાકતથી પ્રસ્તુત ગીતમાં શણગારવામાં આવી છે. શેરડીના સાંઠા સમો સાબરકાંઠો એવી ઉપમા આપીને કવિએ સાબરકાંઠાની મહત્તાને મીઠાશ બક્ષી છે .પથ્થરોથી શણગારેલો ભલે હોય પણ છતાંય સરળતાથી ગળે ઉતરી જાય એવો શીરાના દડિયા જેવો છે .સાબરકાંઠાના સ્થાપત્યો અને સાબરકાંઠાની માટીમાં પાંગરેલા વિવિધ સર્જકોની વાત પણ કવિએ આપણને કરી છે.
            બ્રહ્માજીનું વિરલ ધામ પણ અહીં છે વળી જ્યાં બાવીસ હજાર સુરા લડવૈયા પોતાનું ઝમીર બતાવીને મા ભોમ માટે મરી પરવાર્યા આ એ જ સાબરકાંઠો છે. અને આ એ જ સાબરકાંઠો છે જ્યાં શામળિયોજી બિરાજે છે. ઉમાશંકર જોશી થી લઇ પન્નાલાલ પટેલ સુધીના સર્જકોના શ્વાસ આ ભૂમિમાં આજે પણ આપણને અનુભવવા મળે છે.સાબરમતી ,હાથમતી જેવી નદીઓનાં નીર આ ખમીરવંતી પ્રજાની નસોમાં આજેય પણ રુધિર બનીને વહે છે.ગુજરાતી રંગભૂમિને વિશ્વ સમક્ષ ઉજાગર કરનાર ઉપેન્દ્ર ત્રિવેદી અને અરવિંદ ત્રિવેદીથી આ ભૂમિ રળિયાત છે."
     નીચેની લિંક ને ક્લિક કરીને મનો પહેલીવાર આપના સાબરકાંઠાની અસ્મિતાને રજુ કરતું મધુર ગીત. 
           કેટલાક અસામાજિક તત્વો એ આ ગીત સાથે છેડછાડ કરી સસ્તી પ્રસિદ્ધિ માટે પ્રયત્નો પણ કર્યા. પરંતુ તેઓની ચોરી પકડાઈ ગઈ.
       આ ગીતને જન જન સુધી પહોંચડવા જહેમત ઉઠાવનાર સંસ્થાનો આછેરો પરિચય મેળવવા જેવો છે.

              અરવલ્લી અને સાબરકાંઠાના અંતરિયાળ વિસ્તારમાં અનેક સંસ્થાઓ અને અનેક વિરલ વ્યક્તિઓ સમાજ સેવાના પાયાના કામ મુક સેવક બની કરી રહ્યા છે. સમાજના બહુ ઓછા લોકોનું ધ્યાન આ તરફ ગયું છે. આજે એવી જ એક સંસ્થા અને વ્યક્તિનો પરિચય કરાવવો છે. સાબરકાંઠાની અસ્મિતાને ઉજાગર કરવા એક અનોખી સંસ્થા મથામણ કરી રહી છે. અરવલ્લીના અરણ્યમાં એક મહિલાના વિચારબીજમાંથી વટવૃક્ષ બનેલી સંસ્થા એટલે "શ્રવણ સુખધામ." 

          અરવલ્લીની ગીરીકંદરાઓથી આચ્છાદિત સાબર સરિતાના સમીપે હાથમતીના નીરને સ્પર્શીને માંકડી ડેમના કિનારે આકાર પામેલી શ્રવણ સુખધામ સંસ્થા જોતા જ આંખો ઠરે છે. શહેરના ઘોઘાટ અને પ્રદુષણથી દૂર કુદરતના ખોળે પાંગરેલી આ સંસ્થાનું વાતાવરણમાં ગજબની શાંતિ અનુભવાય છે. સંસ્થાની સ્વચ્છતા ઉડીને આંખે વળગે એવી છે. અનેક સેવાકિય પ્રવૃત્તિઓથી ધમધમતી આ સંસ્થાનું સપનું સેવ્યું સાબરકાંઠા- અરવલ્લીના એક અંતરિયાળ ગામમાં જન્મેલા એક મહિલા કે જેઓ ગુજરાત રાજ્ય માધ્યમિક બોર્ડની પ્રતિષ્ઠિત નોકરી છોડી જન સેવા માર્ગે આગળ વધ્યા. જેઓની સેવા પ્રવૃત્તિઓ થકી આજે સમસ્ત સ્ત્રી સમાજ માટે તેઓ આદર્શ બન્યા છે. જેમને સાચા અર્થમાં પોતાનું જીવન સ્ત્રી ઉત્થાનમાં ઘસી નાખ્યું છ. અંતરિયાળ ગામડાઓમાં સેવાનો આહલેખ જગાવ્યો છે. 
              તેઓનું નામ છે ઇન્દુબેન આર. પ્રજાપતિ પુનાસનના તેઓ વતની. પુનાસણ એટલે કવિશ્રી ઉમાશંકર જોશીનું જન્મ સ્થાન બામણા ની લગોલગ આવેલું ગામ. 1 નવેમ્બર1963ના રોજ એક સામાન્ય પરિવારમાં તેઓનો જન્મ થયો. તેમના માતાપિતાનું તેઓ એક માત્ર સંતાન. પિતા શિક્ષક એટલે શિક્ષણ, સહાનુભૂતિ અને સેવાનાં બીજ નાનપણથી જ દિલમાં રોપાઈ ચૂક્યાં હતાં. ધાર્મિક અને સેવાવૃત્તિ માતા પિતા તરફથી વારસામાં મળ્યા. સમાજના ઉત્થાન માટે કંઈક કરી છુટવાની મથામણ સતત તેઓ અનુભવતા..
               અરવલ્લીના અરણ્યમાં વિસ્તરેલી આ સંસ્થા સમાજને દીવાદાંડી બની ઉત્તમ દિશા પુરી પાડી રહી છે. શ્રીમતી ઇન્દુબેનના સેવા બીજમાંથી પાંગરેલી આ સંસ્થા આજે વટવૃક્ષની બની ઉભી છે. શ્રીમતી ઇન્દુબેન પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ તેઓના સુપુત્રો શ્રી હિરેનભાઈ અને ભાવેશભાઈ સુંદર સંચાલન કરી રહ્યા છે. તેઓ પોતાનો સમસ્ત સમય સંસ્થાને અર્પણ કરે છે. કુદરતના ખોળે સમય પસાર કરવા માંગતા પ્રકૃતિ પ્રેમીઓ અને સમજ સેવાના પાઠ ભણવા ઇચ્છતા ભાવિ સમાજસેવકોએ આ સંસ્થાની એક વાર અચૂક મુલાકાત લેવી રહી.
         શ્રવણ સુખધામ સંસ્થાએ અનેક માથામણોના અંતે સાબરકાંઠાના ચરણે આ સુંદર ગીત ધર્યું છે. ત્યારે તેને જન જન સુધી પહોંચાડવા ચેનલને subscribe કરી અચૂક શેર કરશો.

લેખન : ઈશ્વર પ્રજાપતિ


98251 42620


આપ આપના પ્રતિભાવ પર whatsapp દ્વારા આપી શકો છો

1 comment:

  1. Great... But you have give credit to a concept and dire toe of this video.
    The song directed by viral raval
    9714217989

    ReplyDelete