Thursday, August 31, 2023

શિવમય શ્રાવણ - ૧૫

 અરબી સમુદ્ર જેનાં ચરણ પખાળે છે એવા ‘કોટેશ્ર્વર મહાદેવજીનો આદિકાળથી અનેરો મહિમા રહ્યો છે.



કચ્છની ધરા એ સંતો અને શૂરાઓની ભૂમિ છે, રામાયણ-મહાભારત કાળથી અહીં શૈવપંથીઓ દ્વારા શિવાલયો, વિષ્ણુપંથીઓ દ્વારા તેના અવતારોનાં દેવાલયો અને શાક્ત પંથીઓ દ્વારા મા જગદ્અંબાનાં સ્વરૂપોનાં વિવિધ મંદિરો અહીં જોવા મળે છે, જેની સંખ્યા હજારોમાં થવા જાય છે. પણ અહી આપણે અરબી સમુદ્ર જેનાં ચરણ પખાળે છે એવા ‘કોટેશ્ર્વર મહાદેવજીના મહિમાની વાત કરવી છે. 

કચ્છ ના પશ્ર્ચિમ દિશાના દરિયાકિનારે જ્યાં દિવસ-રાત ઘૂઘવતો અરબી સમુદ્ર જેના ચરણ પ્રક્ષાલન કરે છે એ દેવાધિદેવ કોટેશ્ર્વર મહાદેવ નું આ સ્થાન પુરાતન કાળનું છે. કોટેશ્ર્વર મહાદેવનું અતિ પ્રાચીન અને પૌરાણિક મહત્ત્વ ધરાવતું મંદિર આવેલું છે.

કોટેશ્વરની કથા રાવણની કથાથી શરૂ થાય છે. રાવણને તેની સખત તપસ્યાના ફળરૂપે શિવે વરદાન આપ્યું હતું. મહાન આધ્યાત્મિક શક્તિઓ ધરાવતું આ વરદાન એક શિવલિંગના સ્વરૂપમાં હતું, પરંતુ રાવણે અહંકારમાં ઉતાવળે શિવલિંગને જમીન પર મુકી દીધું અને તે કોટેશ્વરની જમીન પર પડ્યું. રાવણને તેની બેદરકારીની સજારૂપે શિવલિંગે તેના જેવા હજારો (અને કથાના કેટલાક પાઠાંતર પ્રમાણે, લાખો, કરોડો. ટૂંકમાં અસંખ્ય.) લિંગો સર્જ્યા. મૂળ શિવલિંગને ઓળખવામાં અસમર્થ રાવણે એક લિંગ ઉઠાવી લીધું અને ચાલવા માંડ્યો. મૂળ લિંગ ત્યાંનું ત્યાંજ રહી ગયું. જ્યાં કોટેશ્વરનું મંદિર બન્યું.

ઊંચા ટેકરા પર આવેલા કોટેશ્ર્વર તથા તેની પાસેના કલ્યાણેશ્ર્વર મહાદેવનાં મંદિરોનો કચ્છના રાજવીઓએ પોતાની શ્રદ્ધાના પ્રતીક સ્વરૂપે વખતોવખત ર્જીણોદ્ધાર કરાવ્યો હોવાના શિલાલેખ મોજૂદ છે. 

લખપત તાલુકાના નારાયણ સરોવરથી તે 1 કિ.મી. અને ભૂજથી 165 કિ.મી. દૂર આવેલ છે. કોટેશ્વરના શિવમંદિરનું એક મીટર ઊંચું લિંગ સ્વયંભૂ મનાય છે. દેવોએ તે રાવણ પાસેથી છળકપટથી પ્રાપ્ત કરેલ એવી કિંવદન્તી છે. જૂનું મંદિર સં. 1875ના જેઠ વદિ નોમના રોજ થયેલ ધરતીકંપને કારણે ધરાશાયી થતાં જેઠા શિવજી તથા સુંદરજી શિવજી સોદાગરે રાવ ભારમલના શાસનમાં તેનાં મંડપ, કોટ, ભંડાર, બેઠકની જગ્યા વગેરે બંધાવ્યાં હતાં. મંદિરનું સમગ્ર કામ સં. 1877ના મહા સુદ તેરસને દિવસે પૂર્ણ કર્યું હતું. લિંગ ઉપર ઘાનાં નિશાન છે. મંદિરનો પિત્તળનો નંદી રાવ દેશળજી પહેલાએ (1718-41) સ્થાપિત કર્યો હતો. જૂના મંદિરના એક પથ્થર ઉપરના લેખથી સૂચિત થાય છે કે જૂનું મંદિર ઘોલાયના કેરોએ બંધાવ્યું હતું. નવું મંદિર બાંધતી વખતે પૂર્વ તરફનો પાયો અકબંધ રાખી તેનું પશ્ચિમ તરફ વિસ્તરણ કરેલ છે. નજીકમાં ઉપર દર્શાવેલ ગૃહસ્થોએ કલ્યાણેશ્વરનું બીજું મંદિર બંધાવ્યું હતું. તેની નજીક કુંડ છે. લોકો અહીં સ્નાન કરી શ્રાદ્ધ કરે છે. નીલકંઠેશ્વરનું મંદિર લાખા ધુરારાની ગોહિલ રાણીએ તેરમી સદીમાં બંધાવ્યાનું કહેવાય છે. તેનો જીર્ણોદ્ધાર સુંદરજી સોદાગર અને દોલતગરજી ગોસાંઈએ કરાવ્યો હતો. કોટેશ્વરના નાથ સંપ્રદાયના સાધુ તેની પૂજા કરતા હતા.
આ સ્થળ એક સમયે બૌદ્ધ ધર્મનું મથક હતું. ચીની મુસાફર હ્યુએન સંગે (640 AD) તેનો Kie-tsi-fa-lo તરીકે ઉલ્લેખ કર્યો જણાય છે. તેના કથન મુજબ કોટેશ્વરનો ઘેરાવો 8 કિમી.નો હતો. સિંધુ નદી તથા અરબી સમુદ્રની નજીક તે હતું. ત્યાં 80 જેટલા બૌદ્ધ વિહારો હતા. તેમાં હીનયાન પંથના 5000 બૌદ્ધ સાધુઓ રહેતા હતા. આ શહેરમાં તેર મંદિરો હતાં. સૌથી મોટા શિવમંદિરની માહેશ્વરની મૂર્તિ ચમત્કારિક મનાતી હતી. તેની પૂજા ભસ્મધારી સાધુઓ કરતા હતા.

કોરી ખાડીના મુખથી અંદરના ભાગમાં 15 કિમી. દૂર કોટેશ્વરનું બારું આવેલ છે. તે કરાંચીથી સહુથી વધુ નજીક છે. સિંધ સાથે તેનો બહોળો વેપાર હતો. રેલવેની શરૂઆત પછી આ બંદરનો વેપાર ક્રમશ: ઘટ્યો હતો. 1962-63થી બંદરની આયાત-નિકાસ બંધ છે. તેમ છતાં પાનન્ધ્રોના લિગ્નાઇટની નિકાસ માટે સરકારે જેટી બાંધી છે. કોરી ખાડી અને નજીકની સીર ખાડી મચ્છીમારીનાં સમૃદ્ધ ક્ષેત્રો ધરાવે છે. મંદિરોને કારણે યાત્રાળુઓ માટેની કેટલીક ધર્મશાળાઓ આવેલ છે. 
કચ્છના લખપત તાલુકાના છેવાડે આવેલ આ સ્થાનનું ભુજથી અંતર ૧૬૩ કિ.મી. છે. આ દરિયાઈ સરહદી વિસ્તાર હોવાથી મંદિરમાં કે આસપાસ રાત્રિરોકાણની મનાઈ છે, પરંતુ પાસેના જ નારાયણ સરોવર તીર્થમાં રહેવા-ભોજનની પૂરતી વ્યવસ્થા છે.
આ સ્થળ ભારતના છેક પશ્ચિમ છેડા પરની જળસીમા અને ભૂમિસીમા ઉપર આવેલું હોવાથી તેનું લશ્કરી ર્દષ્ટિએ વ્યૂહાત્મક મહત્વ છે.

- ઈશ્વર પ્રજાપતિ

Wednesday, August 30, 2023

શિવમય શ્રાવણ - ૧૪

 શિણોલ-મહાદેવપુરા પાસે આવેલું પૌરાણિક ત્રિલિંગ શિવ મંદિર : કાલંજર મહાદેવ



      દેવાધિદેવ મહાદેવજી નો મહિમા અપાર છે. આપણી આસપાસ પણ જાણ્યા અજાણ્યા પ્રાચીન અનેક શિવ મંદિરો આવેલા છે. પરંતુ હજી જોઈએ એટલું આવા પ્રાચીન સ્થળો પૂરતું ધ્યાન ગયું નથી. 
       શિવાજીનું આવું જ એક પૌરાણિક મંદિર ગુજરાતના અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના શિણોલ પાસે મહાદેવપૂરા ગામમાં આવેલું છે. માજુમ નદી અને ખારવા નદીના સંગમ ઉપર પૌરાણિક કાલંજર મહાદેવ શિવ મંદિર આવેલું છે! આપણી નજીકમાં આવેલું આ કાલંજર મહાદેવ વિશે બહુ ઓછા લોકો એ વાત જાણે છે કે આ મંદિરનો પુરાણોમાં પણ ઉલ્લેખ જોવા મળે છે.
      કલંજર મહાદેવ મંદીરની વિશેષતા એ છે કે ત્રીલિંગ ધરાવે છે. એમ કહેવાય છે, કે આ ત્રીલિંગ એ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ છે અને સ્વયંમભું ત્રીલિંગ જમીનમાંથી સ્વયં પ્રગટ થયાં હોવાની માન્યતા છે. 
         પૌરાણિક શિવ મંદિર કાલંજર મહાદેવ મંદિરની સ્થાપના ક્યારેય થઈ તે વિશે હજી સુધી કોઈ ચોક્કસ માહિતી મળી શકી નથી. મંદિરના પત્થરો અને તેનું બાંધકામ શૈલી ખુબ જૂનું છે અને ત્રીશિવલિંગ પણ અલગ જ દેખાય છે. આ પ્રકારના ત્રીશિવલીંગ અહીંયાના વિસ્તારમાં ક્યાંય જોવા મળતા નથી. એટલે કાલંજર મહાદેવ ખુબ જ પ્રાચીન અને પૌરાણિક છે. 
         આપણે આસપાસ નજર કરીએ તો સમજાશે કે પૌરાણિક શિવ મંદિરો હંમેશા નદીઓ કે દરિયાના કિનારે રહ્યા છે. કાલંજર મહાદેવ અતિ રમણીય નયનરમ્ય અને અલૌકિક આનંદની અનુભૂતિ કરાવતું સંગમ સ્થળ છે. અહીંયા બાજુમાં બે નદીઓ આવેલી છે. તેના સંગમ ઉપર હોવાથી તેનું અતિ મહત્વ રહેલું છે. 


     પૌરાણિક શિવ મંદિર કાલંજર મહાદેવની પૂજા વિધિ પૂરી આસ્થા અને નિષ્ઠા સાથે વિસ્તારના લોકો વર્ષોથી કરે છે અને સાથે સાથે આજુબાજુના બાર ગામોનું આ અતિ મહત્વનું શિવ મંદિર આવેલું છે. આજુબાજુના ગામોમાંથી અઢારે વરણના લોકો ખુબ જ આસ્થા સાથે પુજંન કરે છે અને શ્રદ્ધાથી દાદાના દર્શને આવે છે. શિવરાત્રી ઉપર અહીંયા હજારો લોકો દર્શન કરવા આવે છે અને આસ્થા સાથે માથું દાદા પાસે ટેકવે છે. મેળામાં આજુબાજુના અનેક ગામોમાંથી શિવ ભક્તો ઉમટી પડે છે ત્યારે અહીંનું વાતવરણ શિવમય બની જાય છે.
આ મંદિર ની આસપાસના ગામોના લોકો આ મંદિર ના વિકાસ માટે પ્રયત્નશીલ છે. આ સૌના પ્રયત્ન થકી આ મંદિર ની કાયા પલટ થઈ રહી છે. શ્રાવણ માસમાં શિવજી નાં દર્શન કરવાં હોય અને પરિવાર સાથે બે નદીઓના સંગમ સ્થાને શિવમય સમય પસાર કરવો હોય તો આ ઉત્તમ શિવાલય છે. 
સમય કાઢી અને શિવજીને મળવા આવજો તમારી સર્વ મનોકામના પૂર્ણ થશે . 
જય ભોલે (માહિતી સૌજન્ય : ચિરાગ પટેલ શિણોલ )
- ઈશ્વર પ્રજાપતિ

Tuesday, August 29, 2023

શિવમય શ્રાવણ - ૧૩

 


        

અરવલ્લીનું કાશી સમાન તીર્થધામ ભુવનેશ્વર મહાદેવ (જુના ભવનાથ)



        ભવનાથનું નામ સાંભળતા જ સૌ શિવભક્તોનું મન ગિરનારની તળેટીમાં પહોંચી જાય છે. પરંતુ આવું જ માહાત્મ્ય ધરાવતું ભુવનેશ્વર (જુના ભવનાથ )મહાદેવ મંદિર શિવભક્તોનું આસ્થાનું પ્રતિક છે. જે ભિલોડા પાસે હાથમતી જલાગારની તટે અને અરવલ્લીની ગિરીકંદરાઓની ગોદમાં અલૌકિક પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે સ્થિત છે.  શિવાલયની આજુબાજુ પથરાયેલ પર્વતોની હારમાળા, સરોવર અને લીલીછમ વનરાજી આ તીર્થધામને અધિક મનમોહક બનાવે છે. શ્રીમદ્ ભાગવદના નવમાં સ્કંધના ત્રીજા અધ્યાયમાં આ સ્થાનનો નામોલ્લેખ તેની પ્રાચીનતાની સાક્ષી પૂરે છે. અનેક પ્રાચીન કથાઓ આ સ્થાન સાથે જોડાયેલી છે. તો આજે આવું જાણીએ અરવલ્લીના કાશી તરીકે જાણીતું ભુવનેશ્વર મહાદેવ ધામ જુના ભવનાથની અતિ પ્રાચીન ઇતિહાસની રસપ્રદ વાતો.
         શ્રી ભુવનેશ્વર મહાદેવ સ્વયંભૂ પ્રાગટ્ય છે. આ ધામની પ્રાગટય કથા એવી છે કે આ સ્થળ નજીકના ગામોમાંથી એક ગોવાળ ગાયોને ચરાવવા અહીં વનમાં લઈને આવતો. તે ગાયોના સમૂહમાંથી એક કામદુધા ગાય અહીંના વૃક્ષો ની ગુફા પાસે આવી ઉભી રહેતી, તે સમયે ગાયના આંચળમાંથી સઘળું દૂધ ત્યાગ ગુપ્ત રહેલા મહાદેવજીની પીન્ડિકા પર ઝરતું. યોગાનુયોગ એક દિવસ તે ગોપાલક તે જ વૃક્ષ ની ગુફા પાસે આરામ કરતો હતો તે સમયે નિત્યક્રમ પ્રમાણે તે ગાય ત્યાં આવી ઉભી રહી ગાયના આંચળમાંથી પોતાની મેળે દૂધ ઝરવા લાગ્યું. તે ગોપાલના જોવામાં આવ્યું ઉભા થઇ વૃક્ષોની વચ્ચે દ્રષ્ટિ કરતાં લિંગ આકારે સ્વયંભૂ મહાદેવ ને પ્રગટ થયેલા જોયા ગોવાળે આ વાત ગ્રામજનોને કહી આ વાત શ્રવણ કરી આશ્ચર્યમુગ્ધ બનેલાં ગામલોકો તે દ્રશ્ય નિહાળવા માટે તે સ્થળે આવી પહોંચ્યા. આવું અનુપમ દ્રશ્ય જોઈ શ્રદ્ધાથી મુગ્ધ બનેલા ગ્રામલોકોએ આજુબાજુના નક્કામાં વૃક્ષો કાપી જગ્યા સ્વચ્છ કરી ત્યાં એક નાનું શિવાલય બંધાવી પ્રતિદિન પૂજા કરવા લાગ્યા.

               પુરાણોમાં તપસ્વી ઋષિ તરીકે સુપ્રસિદ્ધ ચ્યવન ઋષિનો આશ્રમ પણ આ સ્થળે છે. આ સુંદરવનમાં ચ્યવન ઋષિ તપસ્યામાં લીન રહી આત્મા અને પરમાત્માનું એકતા સાધવામાં ધ્યાનમગ્ન રહેતા. તેવામાં કાશી નગરના રાજવી પોતાના કુટુંબ તેમજ રસાલા સાથે યાત્રાએ નીકળેલા. ભુવનેશ્વર ચ્યવન ઋષિના આશ્રમ દર્શનાર્થે આ પ્રદેશમાં તેઓ આવ્યા. અને તે મનોરમ્ય સ્થળ જોઈ ત્યાં જ નિવાસ કર્યો એક દિવસ રાજા શર્યાતી કાશીનરેશની પ્રિય પુત્રી સુકન્યા આ મનોહારિ વનમાં પોતાની સખીઓ સાથે આનંદ પ્રમોદ કરતી ભરતી હતી એક મોટા રાફડા પાસે આવી અહીં જવાન ઋષિના શરીર ઉપર માટી ફરી વળી હતી. આ માટીના ઢગલા માંથી એક મોટો રાફડો બંધાયો હતો. જેથી ચ્યવન ઋષિના બે નેત્રો શિવાય આખું શરીર રાફડામાં ફેરવાઈ ગયું હતું. જ્યારે આ રાફડાને સુકન્યાએ જોયું ત્યારે કુતૂહલવૃત્તિથી તેને નિરખવા લાગી રાફડામાં ધ્યાનથી જોતા, રાફડામાં આવો તેજસ્વી ચળકાટ હતો. તે તેની દ્રષ્ટિએ પડયો. આવો તેજસ્વી ચળકાટ શેના હશે !! તે જાણવા તેનું બાલ મન આતુર બન્યું. પોતાની આતુરતાનો અંત લાવવા સુકન્યાએ ત્યાંથી એક દર્ભની સળી લઈને ચળકતા પદાર્થો તરફ ધરી. પરંતુ આ દર્ભની સળીથી ઋષિનાં નેત્રો વીંધાઈ ગયા તેમાંથી રૂધિર પ્રવાહ વહેવા માંડયો. ચળકતો પદાર્થ બંધ પડી તેમાંથી રુધિરની ધારા વહેતી જોઈ સુકન્યા ભયભીત થઈ ગઈ ત્યાંથી ચાલી નીકળી અને પોતાના પિતા કાશી નરેશનો જ્યાં પડાવ હતો ત્યાં આવી વિચારતંદ્રામા શૂન્ય બની. 
                   ચ્યવન ઋષિના નેત્રોનો નાશ થવાથી કાશી નરેશ ઉપર દૈવી કોપ થયો. સૈન્યમાં વિચિત્ર રોગ ફેલાયો. સૈનિકો નાશ પામવા લાગ્યા. આ વિચિત્ર તેમજ ભયંકર સંહારથી રાજા પણ ભય પામ્યા. અને વિચાર કરવા લાગ્યા કે આ એકાએક કોપ થવાનું કારણ શું અહીં કોઈ દેવ,ઋષિ કે પવિત્ર સ્થળ નું અપમાન ઓળખી થયું હશે?? સૈનિકો તેમજ સ્વજનોને પૂછતાં સમાચાર મળ્યા કે રાપરા ની અંદર ચળકતા પદાર્થની જોઈ સુકન્યાએ તેને દર્દી વીંધી નાખ્યા તેમાંથી ની ધારા વહી રહી છે વધુ તપાસ કરાવતા તે રાફડામાં મહાન તેજસ્વી જવાન ઋષિ તપસ્યા કરી રહ્યા છે અજાણતા સુકન્યાના હાથી ઋષિનાં મિત્રોનો નાશ થયો તેથી પશ્ચાત્તાપ પૂર્વક રાજા સહકુટુંબ ઋષિના આશ્રમમાં ગયો દીનતાપૂર્વક ક્ષમા માગી ઋષિને કહ્યું અમારું અપરાધ ક્ષમા કરો તે જ સમયે ઋષિએ કહ્યું તારી પુત્રીએ મારા નેત્ર નષ્ટ કર્યા છે હવે હું અંધ થયો છું માટે મારી સેવા માટે તારી પુત્રીની હું માગણી કરું છું તે જ સમયે રાજાએ પોતાની અતિપ્રિય એવી પુત્રી સુકન્યા ને સાથે પરણાવી સુકન્યાએ પોતાની ભૂલના પ્રાયશ્ચિત તરીકે આ લગ્ન સંબંધનો સહર્ષ સ્વીકાર કર્યો તે સમયે સૈન્યમાં ફેલાયેલો રોગ ચાલતો અટકી ગયું સુકન્યા પોતાની વાદ્ય યોગ્ય પ્રાપ્ત થયેલા પતિ તરીકે ઋષિની ભક્તિભાવથી સેવા કરવા લાગી

           યોગાનુયોગ દેવોના વૈદ્ય અશ્વિની કુમારો ચ્યવનઋષિના આશ્રમે આવ્યા. સુકન્યાએ તેમનું સુંદર આતિથ્ય કર્યું. સુકન્યાના પતિવ્રતાની પરીક્ષા કરવા અશ્વિનીકુમારો બોલ્યા કે "અમો સ્વર્ગના દેવો છીએ. તમો અમોને વરીને ખુશ થશો. આ વૃદ્ધ પતિથી તમોને શું સુખ પ્રાપ્ત થશે ? " પરંતુ પતિવ્રતા સુકન્યા જરાપણ ચલાયમાન થઈ નહીં સુકન્યા દ્રઢ મનોબળ જોઈ બંને અશ્વિનીકુમારો પ્રસન્ન થયા સુકન્યા અને કહેવા લાગ્યા કે "રાજપુત્રી તારા મનોબળને ધન્યવાદ છે. તારા પર અમો પ્રસન્ન થયા છીએ. તમારા શ્વસુર ભૃગુઋષિએ અમોને અહીં મોકલ્યા છે. ચ્યવન ઋષિનું અંધત્વ દૂર કરી સુંદર નેત્રો ફરી પ્રાપ્ત થાય એવી મહાન ઔષધિ અમારી પાસે છે. તેના પ્રયોગથી ઋષિને નષ્ટ થયેલી નેત્ર જ્યોતિ પાછી મળશે. આ પાસેના સરોવરમાં અમે ઔષધિઓ નાખીએ છીએ. તેમાં તમારા પતિને સ્નાન કરાવશો તુરત જ નેત્રો પૂર્વવત થઈ જશે. તે સરોવરમાં સ્નાન કરતા ઋષિને નેત્રો મળ્યા, સાથે યૌવન પણ પ્રાપ્ત થયું. તેથી ઋષિ દંપતીએ દેવોને વંદન કર્યા બંને અશ્વિનીકુમાર આશીર્વાદ આપી વિદાય થયા સાંપ્રત સમયમાં એવી લોકવાયકા છે કે અહીં આવેલ ભૃગુકુંડમાં સ્નાન કરવાથી રોગમુક્તિ થાય છે, શરીરે ભૃગુકુંડમાંની મૃટીકા ચોળીને સ્નાન કરવાથી રક્તપિત્ત, કોડ જેવા મહાન અસાધ્ય રોગો આ જળના પ્રભાવથી નાશ પામે છે. 
        તાત્કાલિન યુગમાં કાશીનરેશ શ્રી ભુવનેશ્વર મહાદેવ મંદિર બંધાવ્યું. ભૃગુકુંડનો ઘાટ બંધાવ્યો. આજે તે યુગનું અંતિમ દ્રશ્ય તરીકે નમૂનારૂપે હજુ પણ નંદિકેશ્વરની મૂર્તિ મંદિર પરિસરમાં મોજૂદ છે તે ખૂબ જ શ્રદ્ધાનું પ્રતીક છે.


             વિ. સં.1600 પૂર્વે માલપુરના રાવજી રાઠોડ વંશના કુટુંબના એક સરદાર હતા. બે ભાઈઓમાં રાજ્યના ભાગ માટે વિવાદ ઊભો થયો તેમાં રાવ સરદાર ભાવિ પર આધાર રાખી ફરતો-ફરતો શ્રી ભુવનેશ્વર મહાદેવ ના આવી પહોંચ્યો. અહીં મહાદેવના દર્શન કરવાથી રાવજીને ઘણો પૂજ્યભાવ અને શ્રદ્ધા ઉત્પન્ન થઈ અને તેની નિયમ કર્યું કે મારે ભુવનેશ્વરના દર્શન કર્યા બાદ જ ન લેવું આ નિયમ પ્રમાણે પૂજન કરતા રાવજીને ત્રણ વર્ષ થઇ ગયા. તેઓ નિયમિત માલપુર થી ઘોડા ઉપર સવારી કરી રહે નિયમિત દર્શને આવતા શ્રી ભુવનેશ્વરી ની કૃપાથી માલા મકવાણા ઉપર વિજય મેળવી રાવજીએ માલપુર નું રાજ્ય જીતી લીધું બ્રાહ્મણોને ત્રાસમાંથી મુક્ત કર્યા પોતે માલપુર ગાંધી સ્થાપિત કરી રાજ્ય ચલાવવાની પ્રજા સમક્ષ પ્રતિજ્ઞા કરી.
         માલપુરથી ભુવનેશ્વર 30 જેટલું દૂર છે જેથી દરરોજ સેવા કરવા માટે ત્યાં આવવું બહુ કઠિન પડવા લાગ્યું તેથી રાવજીએ માલપુરમાં જ શ્રી ભુવનેશ્વર મહાદેવનું મંદિર બંધાવી ત્યાં શિવલિંગની સ્થાપના કરાવી શ્રદ્ધાપૂર્વક શ્રી મહાદેવની હંમેશા પૂજા કરવા લાગ્યા. માલપુર રાવજી તરફથી હજી સુધી ભુવનેશ્વર મહાદેવ ના સ્થાનમાં દર વર્ષે એક ઘોડો મોકલવામાં આવે છે અને રાજ્ય તરફથી એક બ્રાહ્મણ શ્રાવણ માસમાં પૂજા કરવા આવે છે તેમજ રાજ્ય તરફથી વર્ષાસન ચાલુ છે.
              વળી કાશી રાજાએ બંધાવેલું મંદિર જીર્ણ થવા થી માલપુર રાવજીએ ત્યાં આવી ભુવનેશ્વર મહાદેવ નું સુંદર કલામય મંદિર બંધાવ્યું તે સમય નો શિલાલેખ મહાદેવના મંદિરમાં પ્રત્યક્ષ દિવાલ ઉપર રાખવામાં આવેલ છે આ શિવાલય જીર્ણ થવાથી બારડોલીના દાનવી જઈ શ્રી મગનલાલ શંકરલાલ કપૂર વાળાએ મંદિરનો રૂપિયા એક લાખના ખર્ચે જીર્ણોદ્ધાર કરાવી સંવત 1983માં અક્ષય તૃતીયાના દિવસે શિવાજી પરિવાર દેવતાઓની પ્રતિષ્ઠા કરાવી.

                 અહીં શિવરાત્રી અને શ્રાવણ માસના સોમવારે હજારોની સંખ્યામાં શિવભક્તો દર્શન માટે ઉમટે છે. ચોમાસા દરમ્યાન છલોછલ ભરેલું હાથમતી જલાગાર, લીલીછમ વનરાજી નું દૃશ્ય મનમોહક હોય છે. 
શ્રી ભુવનેશ્વરનું તીર્થસ્થાન ગુજરાત રાજ્યના અરવલ્લી જિલ્લામાં ભિલોડા તાલુકામાં આવેલું મોટું તીર્થધામ છે. પ્રાકૃતિક સૌંદર્ય, શુદ્ધ હવા, નિર્મળ જળ, એકાંત સ્થળ , પવિત્ર ભૂમિના દર્શનાર્થે આવતા લાખો દર્શનાર્થીઓ પરમ આનંદ પ્રાપ્ત કરે છે.



લેખન :ઈશ્વર પ્રજાપતિ 

Monday, August 28, 2023

શિવમય શ્રાવણ - ૧૨

ભગવાન શિવ, જેમણે ઘુષ્માના મૃત પુત્રને પુનર્જીવિત કરવા માટે અવતાર લીધો હતો જે શિવનો બારમો અવતાર 'ઘુષ્મેશ્વર'ના નામથી પ્રખ્યાત છે. 

 


        ઘૃષ્ણેશ્વર કે ઘુષ્મેશ્વર, એ ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ છે. આ મંદિર ભારતમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ નજીક આવેલા શહેર દૌલતાબાદથી ૧૧ કિમી દૂર અવેલું છે. આ મંદિર વિશ્વ પ્રસિદ્ધ ઇલોરાની ગુફાઓ નજીક આવેલું છે.

        ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગમાંથી આ છેલ્લું જ્યોતિર્લિંગ છે. તે મહારાષ્ટ્ર રાજ્યના દૌલતાબાદથી 12 માઈલ દૂર વેરુલ ગામ પાસે આવેલું છે. આ જ્યોતિર્લિંગ માટે પુરાણોમાં આ કથાનું વર્ણન કરવામાં આવ્યું છે. સુધર્મ, એક ખૂબ જ તેજસ્વી તપોનિષાત બ્રાહ્મણ, દક્ષિણ દેશમાં દેવગિરી પર્વતની નજીક રહેતા હતા. તેમની પત્નીનું નામ સુદેહા હતું. આ બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા. તેમને કોઈ સંતાન નહોતું. જ્યોતિષીય ગણતરીઓ દર્શાવે છે કે સુદેહા ગર્ભવતી બની શકી નથી. પરંતુ તેમ છતાં તેને બાળક જોઈતું હતું. પછી સુદેહાએ તેના પતિ એટલે કે સુધર્માને તેની નાની બહેન સાથે ફરીથી લગ્ન કરવા કહ્યું. સુધર્મા પહેલા તો આ વાત માટે સંમત ન થયો પણ સુદેહાની વારંવારની જીદથી સુધર્મને નમવું પડ્યું.

        સુધર્માએ તેની પત્નીની નાની બહેન ઘુષ્મા સાથે લગ્ન કર્યા અને તેને ઘરે લાવ્યો. ઘુશ્મા ખૂબ જ નમ્ર અને સદાચારી સ્ત્રી હતી. આ સાથે તે શિવશંકરની પ્રખર ભક્ત પણ હતી. ઘુષ્મા દરરોજ 101 પાર્થિવ શિવલિંગ બનાવતી અને દિલથી તેમની પૂજા કરતી. શિવજીની કૃપા એવી હતી કે થોડા સમય પછી તેમના ઘરે એક બાળકનો જન્મ થયો. બંને બહેનોની ખુશીનો કોઈ પાર ન રહ્યો. બંને ખૂબ જ પ્રેમથી જીવતા હતા. પણ સુદેહાના મનમાં ન જાણે કેવી રીતે ખોટો વિચાર ઘર કરી ગયો. તેણે વિચાર્યું કે આ ઘરમાં બધું ઘુશ્માનું છે, મારું કંઈ નથી.

        સુદેહાએ આ વાતનો એટલો બધો વિચાર કર્યો કે તે તેના મગજમાં બેસી ગઈ. સુદેહા વિચારતી હતી કે બાળક પણ તેનું છે અને ઘુશ્માનો પણ તેના પતિ પર અધિકાર છે. ઘુશ્માનું બાળક પણ મોટું થઈ ગયું છે અને તેના લગ્ન પણ થઈ ગયા છે. આ બધા દુષ્ટ વિચારો સાથે, એક દિવસ તેણે ઘુષ્માના યુવાન પુત્રને રાત્રે જ્યારે તે સૂતો હતો ત્યારે મારી નાખ્યો. ત્યાં તેની લાશ તળાવમાં ફેંકી દીધી હતી. આ એ જ તળાવ હતું જ્યાં ઘુષ્મા દરરોજ મૃત શિવલિંગ ફેંકી દેતા હતા.

        સવાર પડી ત્યારે આખા ઘરમાં હોબાળો મચી ગયો. ઘુશ્મા અને તેની પુત્રવધૂ ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગી. પરંતુ ઘુષ્માએ શિવ પરનો વિશ્વાસ છોડ્યો નહીં. દરરોજની જેમ આ દિવસે પણ તેમણે શિવની પૂજા કરી હતી. પૂજા પૂરી થયા બાદ જ્યારે તે મૃત શિવલિંગને પધરાવવા  માટે તળાવમાં ગઈ ત્યારે તેનો પુત્ર તળાવની અંદરથી બહાર આવતો જોવા મળ્યો હતો. બહાર આવીને તે હંમેશની જેમ ખુશ્માના પગે પડ્યો.

એવું લાગતું હતું કે તે ક્યાંકથી આવી રહ્યો છે. ત્યારે જ શિવજી પ્રગટ થયા. તેણે ઘુશ્માને વરદાન માંગવા કહ્યું. પરંતુ સુદેહાના આ કૃત્યથી ભગવાન શિવ ખૂબ ગુસ્સે થયા અને તેઓ પોતાના ત્રિશુલ વડે સુદેહાનું ગળું કાપવા તૈયાર થઈ ગયા. પરંતુ ઘુષ્માએ શિવજીને હાથ જોડીને તેની બહેનને માફ કરવા વિનંતી કરી. તેણે જે કર્યું તે ઘૃણાસ્પદ પાપ છે પરંતુ ભગવાન શિવની કૃપાથી જ તેને તેનો પુત્ર પાછો મળ્યો છે. હવે સુદેહાને માફ કરી દે.

ઘુષ્માએ ભગવાન શિવને લોકોના કલ્યાણ માટે આ સ્થાન પર કાયમ રહેવાની પ્રાર્થના કરી. શિવજીએ ઘુષ્માના બંને શબ્દો સ્વીકાર્યા અને જ્યોતિર્લિંગના રૂપમાં પ્રગટ થયા અને ત્યાં નિવાસ કરવા લાગ્યા. શિવભક્ત ઘુષ્મા પ્રત્યેની તેમની ભક્તિને કારણે તેમનું નામ ઘુષ્મેશ્વર મહાદેવ પડ્યું. તે ઘૃષ્ણેશ્વર તરીકે પણ ઓળખાય છે.  

        13મી અને 14મી સદીમાં દિલ્હી સલ્તનત દ્વારા મંદિરની રચનાનો નાશ કરવામાં આવ્યો હતો . મંદિર પુનઃનિર્માણના અનેક તબક્કામાંથી પસાર થયું અને ત્યારબાદ મુઘલ- મરાઠા સંઘર્ષ દરમિયાન પુનઃ વિનાશ થયો.ઘુષ્મેશ્વર જ્યોતિર્લિંગ મંદિર 44,000 ચોરસ ફૂટ વિસ્તારમાં કાળા પથ્થરથી બનેલું છે, તેમાં ઘણી બધી શિલ્પો છે, તેની આંતરિક અને બહારની દિવાલો પર સુંદર ડિઝાઇન છે. મંદિરના ગર્ભગૃહમાં એક જ્યોતિર્લિંગ મૂર્તિ આવેલી છે અને મુખ્ય દરવાજાની સામે શિવાજીના પ્રિય ભક્ત નંદીની મોટી મૂર્તિ છે. મંદિરનો જીર્ણોદ્ધાર 3 વખત થયો હતો, શિવાજીના દાદા માલોજી ભોસલેએ તેનો પ્રથમ જીર્ણોદ્ધાર 16મી સદીમાં કર્યો હતો. ર્તમાન મંદિરનું નિર્માણ 1730માં મલ્હાર રાવ હોલ્કરની પત્ની ગૌતમીબાઈ હોલકરે પછીથી અહલ્યાબાઈ હોલકરે કરાવ્યું હતું.

Sunday, August 27, 2023

શિવમય શ્રાવણ - ૧૧


              નયનરમ્ય બર્ફીલા પહોડોની ભીતર આવેલું આસ્થા અને આશ્ચર્યની અલૌકિક ધામ  કેદારનાથ 

         

              ચારધામ યાત્રાનું હિન્દૂ પરંપરામાં આદિકાળથી અનેરું મહત્વ રહેલું છે. હિમાલયની ગોદમાં શિવજીના સાનિધ્યમાં દિવસો પસાર કરવાની અનુભુતિ આહલાદક હોય છે. એકવીસમી સદીના આધુનિક ટેકનોલોજીના યુગમાં પણ આ પ્રાચીન દેવાલયો અનેક આશ્ચર્યો અને રાહસ્યો પોતાની ગોદમાં સમાવી બેઠા છે. એ રહસ્યો સમજવા અકળ છે. આજે વાત કરવી છે ચારધામ માંના એક યાત્રાધામ કેદારનાથ ધામની. દ્વાદર્શ જ્યોતિર્લિંગ માં જેનું અદકેરું મહત્વ છે. વિષમ આબોહવા, અનેક મુશ્કેલીઓ વેઠીને જીવના જોખમે પણ દર વર્ષે લાખો શ્રધ્ધાળુઓ ભોલે બાબાના દર્શને પાહીચે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અત્યંત વ્યસ્તતા વચ્ચે પણ અવારનવાર કેદારનાથજીના દર્શને આવે છે. આવો આજે જાણીએ કેદારનાથ ધામની રોચક વાતો.
               આ વાત છે 16 જૂન 2013 ની. દેવ ભૂમિ ઉત્તરાખંડ જાણે આકાશી મોત ત્રાટક્યું. જલપ્રલયે રૌદ્ર રૂપ ધારણ કર્યું. કુદરતે બાબા કેદારનાથ ધામમાં એવો વિનાશ વર્તાવ્યો  કે મંદિર ચોકમાં લાશો, કાટમાળથી ભરાઈ ગયો હતો.  ગૌરીકુંડ અને રામબાડા સંપૂર્ણ રીતે બરબાદ થઈ ગયુ. 10,000 ઉપરાંત લોકો મોત ને ભેટ્યા. હોટલ, લોજ અને બજારના બજાર વહી ગયા. વાદળ ફાટવાથી અહી એવી તબાહી મચી હતી કે ચારેબાજુ હાહાકાર મચી ગયો હતો. આસપાસ મોર્ડન ટેકનોલોજીથી બનેલ મકાન, હોટલો, લોજ પત્તાની જેમ વિખરાય ગયા હતા. બાબા કેદારનાથના પ્રાચીનત્તમ મંદિર ને ઉની આંચ ન આવી. આવું વિકરાળ જળપ્રલય મંદિરની એક કાંકરી પણ ખેરવી ન શક્યું. 6 ફીટના જે માળખા પર મંદિર બન્યુ છે બસ એ જ બચી ગયુ હતુ.  છેવટે એવુ શુ છે આ મંદિરમાં. હજારો વર્ષ જુનુ આ મંદિરને કુદરતનો વિનાશ હલાવી પણ ન શક્યો.  શુ આ ફક્ત કુદરતનો જ ચમત્કાર છે કે પછી પ્રાચીન ભવન નિર્માણ શૈલીનો આધુનિક તકનીકને પડકાર છે. કોણે બનાવ્યુ કેદારનાથ મંદિર, ક્યારે બનાવ્યુ, કેવી રીતે બનાવ્યુ આવો જાણીએ કેદારનાથ મંદિર વિશે.

   કેદારનાથએ ભારત દેશના ઉત્તરભાગમાં આવેલા ઉત્તરાખંડ રાજ્યમાં રુદ્રપ્રયાગ જિલ્લામાં આવેલુ છે, જે બાર જ્યોતિર્લીંગો પૈકીના એક એવા શ્રી કેદારનાથ મંદિર માટે પ્રખ્યાત છે. અહીંનો વહીવટ કેદારનાથ નગર પંચાયત દ્વારા કરવામાં આવે છે. આ દુર્ગમ સ્થળે જવા માટે સડક માર્ગ ઉપલબ્ધ નથી, આથી પગપાળા , ઘોડા પર સવાર થ‌ઇ અથવા પાલખી દ્વારા જ‌વું પડે છે. હિમાલયમાં આવેલા ચારધામ પૈકીનું આ એક ધામ ગણાય છે.
             કેદારનાથ ધામ દરેક બાજુએથી નયનરમ્ય પહાડો ઘેરાયેલું મનોહર ધામ છે. એક તરફ 22 હજાર ફૂટ ઉંચા કેદારનાથ, બીજી તરફ 21,600 ફૂટ ઉંચા ખર્ચકુંડ અને ત્રીજી તરફ 22,700 ફૂટ ઉંચો ભરતકુંડ. હિમાલયના સફેદ ઊંચા બર્ફીલા પહાડોની ગોદમાં બિરાજમાન કેદારનાથ મહાદેવ મંદિરનું સૌંદય અલૌકિક છે. કેદારનાથ ધામ દેશના બાર જ્યોતિર્લિંગોમાં સર્વોચ્ચ કેદારેશ્વર જ્યોતિર્લિંગ છે.
              પૌરાણિક કથા અનુસાર હિમાલયના કેદાર શ્રૃંગ પર ભગવાન વિષ્ણુના અવતાર મહાતપસ્વી નર અને નારાયણ ઋષિ તપસ્યા કરતા હતા. તેમની આરાધનાથી પ્રસન્ન થઈને ભગવાન શંકરે પ્રકટ થયા અને તેમની પ્રાર્થનાને જોઈને જ્યોતિર્લિંગના રૂપમાં હંમેશા વિરાજમાન રહેવાનું વરદાન આપ્યું. આ સ્થળ કેદારનાથ પર્વતરાજ હિમાલયના કેદાર નામક શ્રૃંગ પર આવેલું છે. , એવો ઉલ્લેખ છે કે મહાભારત કાળમાં પણ આ સ્થળે ભગવાન શિવજીનું સ્થાન હતું અને કેદારનાથ ખાતે જ પાંડવોએ ભગવાની શિવજીને રીઝવ્યા હતા. એવું કહેવાય છે કે આ મંદિર સૌ પ્રથમ પાંડવોએ બનાવડાવ્યું હતું. પરંતુ સમયની સાથે તે લુપ્ત થઈ ગયું. આ પછી 8મી સદીમાં આદિશંકરાચાર્યે એક નવા મંદિરનું નિર્માણ કરાવ્યું જે 400 વર્ષ સુધી બરફમાં દબાયેલું રહ્યું.
              આ સ્થળ દરિયાઈ સપાટીથી ૩૫૮૩ મીટર ( ૧૧,૭૫૫ ફૂટ ) જેટલી ઉંચાઈ પર આવેલું હોવાને કારણે અહી વર્ષના છ મહિના જેટલો સમય બરફ છવાયેલો રહે છે. કેદારનાથ મંદાકિની નદીના કિનારે વસેલું છે. ત્યાંથી ઉપરના ભાગમાં ચોરાબારી ગ્લેશીયર આવેલું છે.આ સ્થળે જવા માટે ગૌરીકુંડ સુધી વાહનોની સગવડ મળે છે, જે કેદારનાથથી ૧૪ કિ.મી. જેટલા અંતરે આવેલું છે. સૌથી નજીકના રેલ્વેસ્ટેશન હરિદ્વારઅને ઋષિકેશ અને વિમાનમથક દહેરાદૂન ( જોલી ગ્રાંટ હવાઈ મથક ) ખાતે આવેલા છે.
            લગભગ 85 ફુટ ઉંચું, 187 ફુટ લાંબુ અને 80 ફુટ પહોળું છે કેદારનાથ મંદિર. તેની દિવાલો 12 ફુટ પહોળી છે અને ખૂબ જ મજબૂત પથ્થરોમાંથી બનાવાઈ છે. મંદિરને 6 ફુટ ઉંચા ચબૂતરા પર ઉભું કરવામાં આવ્યું છે. આટલા ભારે પથ્થરોને આટલી ઉંચાઈ પર લઈ જઈને મંદિર કેવી રીતે બનાવાયું તે આજે પણ એક રહસ્ય છે. 


          આ મંદિરના બાંધકામમાં ઇંટો નહી પરંતુ મોટા પત્થરોનો ઉપયોગ કરાયો છે. આ પત્થરોને આકાર આપીને તેઓ એકબીજા સાથે "ઇન્ટરલોક"થી જોડાયેલા રહે તે પ્રમાણે બાંધકામ થયું છે. પરિણામે પ્રચંડ પુર છતાં આ પત્થરો એકબીજાની સાથે ઇન્ટરલોકથી જોડાયેલા હોવાને કારણે જ ટકી શક્યા છે. એમ પણ કહેવાય છે કે પુરના પાણી આવ્યા તે પહેલા મંદિરના પાછળના ભાગમાં એક મોટો પત્થર ધસી આવ્યો હતો જેને મંદિરની આડશ તરીકે કામ કર્યું અને પુરના પાણી આ પત્થરને અથડાઇને વહી ગયુ હતુ.
          મંદિરના ગર્ભ દ્વારમાં અણિયારા પત્થરોમાંથી નિર્મિત ભગવાન શિવજીની પુજા થાય છે. મંદિરની અંદર ઘોર અંધકાર હોય છે અને દીપના અજવાળે ભગવાન શિવજીના દર્શન થાય છે. શિવલિંગ સ્વયંભુ છે. મંદિરમાં પ્રવેશતા યાત્રીઓ જળાભિષેક અને પુષ્પમાળા ચડાવે છે અને ભગવાનને ઘી અર્પણ કરીને બહારનીકળે છે. મૂર્તિ ચાર હાથ લાંબી અને દોઢ હાથ ઉંચી છે. એવુ કહેવાય છે કે જે વ્યક્તિ કેદારનાથની યાત્રા કર્યા વગર બદ્રીનાથની યાત્રા કરે છે તેની યાત્રા નિષ્ફળ જાય છે.
             આ ધામ હવામાનની વિષમતાના કારણે દિવાળીના બીજા દિવસે ઠંડીમાં કેદારનાથ મંદિરના દ્વાર બંધ કરી દેવામાં આવે છે. 6 મહિના સુધી મંદિર આસપાસ કોઈ નથી રહેતું પરંતુ આશ્ચર્યની વાત એ છે કે દીવો 6 મહિના સુધી પ્રજ્વલિત રહે છે. પૂજારી કપાટ બંધ કરીને ભગવાનના વિગ્રહ અને દંડને 6 માસ સુધી પહાડની નીચે ઉખીમઠમાં લઈ જાય છે. 6 મહિના બાદ મે અથવા એપ્રિલના અંતમાં કેદારનાથ મંદિરમાં કપાટ ખુલે છે. અક્ષયતૃતિયાથી શરૂ કરીને કાર્તિક સુદ પૂર્ણિમા સુધી દર્શન માટે ખુલ્લું રહે છે. ત્યારે ઉત્તરાખંડની ચારધામ યાત્રા પ્રારંભ થાય છે. કેદારનાથ મંદિર સાથે જોડાયેલા એક અન્ય આશ્ચર્યની વાત એ છે કે 6 મહિના બાદ પણ તેવી જ સ્વચ્છતા જોવા મળે છે જેવી સ્વચ્છતા બંધ કરતા સમયે હોય છે.
                જ્યાં બુદ્ધિશક્તિ કામ કરવાનું બંધ કરે તેવી ઘટનાઓ અને બનાવોને માનવી ચમત્કાર એવું નામ આપે છે. આવા અનેક ચમત્કારોની આ પાવન ભૂમિ ના દર્શન નું દરેક હિન્દૂ નું સ્વપ્ન હોય છે. તમામ પળોજણમાંથી મુક્ત બની એક વાર અપ્રતિમ પ્રાકૃતિના અનુપમ સૌંદર્યને નિહાળવા આવવું જોઈએ. બર્ફીલા પહાડોની વચ્ચે સમસ્ત સૃષ્ટિ શિવમય ભાસે છે. અહીં આવનાર વ્યક્તિ નવી દૃષ્ટિ લઈ પરત ફરે છે . 

લેખન : ઈશ્વર પ્રજાપતિ
આપ આપના પ્રતિભાવ નીચેના નંબર પર whatsapp દ્વારા મોકલી શકો છો. 
98251 42620


 

સન્ડે સ્પેશિઅલ

યુવાને ભીની આંખે કહ્યું  : "મેં તો મારો ભાઈ ગુમાવ્યો પણ હવે બીજા કોઈનોય ભાઈ આ બરબાદીના રસ્તે ન ચડે એટલે જીવનું જોખમ વહોર્યું."


અરવલ્લી પંથકમાં વળી ગાંજાની ખેતી ??? વાત જલદી માન્યમાં આવે તેવી નથી. પરંતુ અરવલ્લી જિલ્લા પોલીસે બાતમીના આધારે ગાંજાની ખેતીનું ખૂબ મોટું રેકેટ પકડ્યું ત્યારે આખો પંથક આશ્ચર્યમાં ઘરકાવ થઈ ગયો હતો.

દેશના યુવાનો એ દેશનું ભવિષ્ય છે. આવા આશાસ્પદ યુવાનોને માદક કેફી દ્રવ્યોના વ્યસનના રવાડે ચડાવી તેમની જિંદગી બરબાદ કરવા દેશના દુશ્મનો સક્રિય છે. ડ્રગ્સ, હેરોઇન, ચરસ, ગાંજો, અફીણ એ એવું ઝેર છે જે દેશના યુવાધનને સંપૂર્ણ રીતે બરબાદ કરી રહ્યું છે. પરંતુ સરકાર આ બાબતે ખૂબ ગંભીરતા દાખવી રહી છે. માદક દ્રવ્યોના નશાખોરી ડામવા સરકાર કટિબદ્ધ છે.

અરવલ્લી જિલ્લા એલ.સી.બી. એ ગાંજોની ખેતીનું અંદાજે સવા બે કરોડનું ખૂબ મોટું રેકેટ પકડી પાડી દેશના દુશ્મનોને જબરદસ્ત લપડાક મારી હતી.

આ દિલધડક ઓપરેશની વાત જણાવતાં LCB PI કે.ડી. ગોહિલ જણાવે છે કે : " રોજની જેમ એ દિવસે પણ  હું ઓફિસ કામમાં વ્યસ્ત હતો. ત્યાં એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો. સામે છેડેથી કોઈ અજાણી વ્યક્તિ ગભરાતા અવાજે વાત કરી રહી હતી. તે કહી રહ્યો હતો કે 'સાહેબ ! એક અત્યંત ગંભીર વાત આપને કરવી છે.  આપને જે માહિતી આપવા જઈ રહ્યો છું એ ખાનગી માહિતી મેં આપને આપી છે એવી કોઈને ગંધ પણ આવી જશે  તો મારી જાનનું પણ જોખમ છે. એમ છતાં આપને આ વાત કરવી મને જરૂરી લાગે છે.'

એ વ્યક્તિની ઓળખ ખાનગી રાખવાની હૈયા ધારણ આપી. અને જે પણ વિગત હોય તે નિશ્ચિન્ત બની જણાવવા કહ્યું. અજાણી વ્યક્તિએ પછી જે વાત કરી એ સાંભળી પળ વાર માટે તો હું પણ ચોંકી ગયો.

તે અજાણી વ્યક્તિ એક શ્વાસે બોલી રહી હતી કે "સાહેબ ! દેશના યુવાનો બરાબર થઈ જશે. મહેરબાની કરી તેમને બચાવી લો. યુવાનોની બરબાદીની ખેતી અરવલ્લી પંથકમાં થઈ રહી   છે. અરવલ્લીના અંતરિયાળ એક  ગામે અન્ય ખેતીની આડમાં ગાંજાની ખેતી થઈ રહી છે. આ ખેતીને અટકાવો અને દેશના યુવાધનને બચાવી લો સાહેબ '

આ વિસ્તારમાં જ ગાંજાની ખેતી વિશે સાંભળી પહેલાં આશ્ચર્ય થયું. પરંતુ જે વ્યક્તિએ ઓળખ છુપાવી ફોન કર્યો હતો એના અવાજમાં ઊંડું દર્દ છુપાયેલું હતું. એની વાતમાં સત્યનો રણકો હતો. એટલે આ દિશામાં તપાસ કરવા ચક્રો ગતિમાન કર્યા.

આ અજાણ્યા ફોનની સઘળી વિગત જિલ્લાના તાત્કાલીન  પોલીસ વડા સંજય ખરાત સાહેબને કરી. તેઓએ આ બાબતને અત્યંત ગંભીરતાપૂર્વક લીધી અને તાબડતોબ  તપાસ કરી આખા રેકેટનો પર્દાફાશ કરવા સૂચના આપી.

એક સિક્રેટ મિશનની શરૂઆત થઈ. જે અજાણી વ્યક્તિની ફોન હતો તેનો સંપર્ક કરી જ્યાં ગાંજાની ખેતી થતી હતી એ ગામના  ખેતરોમાં સર્ચ ઓપરેશ માટે રાત્રીના સમયે ટિમ પહોંચી ગઈ. આખું ગામ ગાઢ નિદ્રામાં સુતું હતું. પોલીસની ટીમ પૂરી તૈયારી સાથે ગામની સીમમાં પહોંચી ગઈ. અજાણી વ્યક્તિ પણ સાથે જોડાઈ. એણે મોઢા પર બુકાની બાંધી હતી. અમે માત્ર એની આંખો જ જોઈ શકતા હતા. અને એને જે દિશા તરફ દોરી ગયો અમારી આખી ટીમ પણ એ દિશામાં આગળ વધી. અંધારી રાત્રે એક પછી એક એમ ખેતરો અમે પસાર કરી રહ્યા હતા. ત્યાં એક ખેતરના શેઢે પેલી અજાણી વ્યક્તિ થોભી. જે ખેતરમાં તુવર ઉગાડેલી હતી. એ વ્યક્તિ એ અમને ખેતરની અંદર પ્રવેશવા ઈશારો કર્યો.

તુવરના મોટા મોટા છોડ વીંધતા અમે ખેતરની મધ્યમાં પહોંચ્યા. અને ત્યાં જે દૃશ્ય જોયું તો આખી ટિમ સ્તબ્ધ થઈ ગઈ. તુવેરની ખેતીની આડમાં અહીં ગાંજાના છોડ ઉગાડેલા હતા. આસપાસના ખેતરની પણ તપાસ કરવી જરૂરી બની ગઈ. બાજુના ખેતરમાં ગયા તો એ ખેતરની મધ્યમાં પણ ગાંજાના છોડ..!! ત્રીજા ખેતરમાં પણ ગાંજો.. ચોથું, પાંચમું, છઠ્ઠું... એમ હાર બંધ ખેતરમાં બીજા પાકની આડમાં ગાંજાના છોડ ઉગાડવામાં આવ્યા હતા. આટલી વિપુલ માત્રામાં ગાંજાની ખેતી જોઈ આખી ટીમના આશ્ચર્યનો પાર નહતો.

ઓપરેશન દિવસ રાત એમ ૩૬  કલાક ચાલ્યું. ડ્રોનની મદદ થી બે કિલોમીટર જેટલા વિસ્તારના ખેતરોમાં ઉગાડેલા પાકનું નિરીક્ષણ કરવામાં આવ્યું. ટ્રેકટરના ટ્રેક્ટર ભરી ગાંજાના છોડ ભરવામાં આવ્યા. કુલ ૨૨૭૨  કિલો જેટલા  લીલા ગાંજાના છોડ જપ્ત કરવામાં આવ્યા. જેની અંદાજે કિંમત સવા બે કરોડ જેટલી હતી. પોલીસની આખી ટીમે દિવસ-રાત જાગીને આખું ઓપરેશન પાર પાડ્યું.

આ સફળ ઓપરેશનથી ઘણા યુવાનોની જિંદગીની બરબાદીનો સામાન પોલીસે જપ્ત કર્યો. ગાંજાની ખેતી કરતા ગુનેગારોને પકડી લેવામાં આવ્યા. ગાંજાનું બિયારણ અહીં સુધી પહોંચ્યું જ કઈ રીતે ? ગુનેગારોની કડક પૂછપરછ કરતા જણાવ્યું કે 'ગાંજાનું બિયારણ હાથી વાળા મહારાજે આપેલું. એમનો ચહેરો યાદ છે પરંતુ એમનું નામ ઠામ કાંઈ જાણતા નથી.' સઘન પૂછપરછ કરી બીજાં  રહસ્યો પણ ઉઘાડાં પડ્યાં.

એક અજાણી વ્યક્તિની બાતમીથી મહત્ત્વપૂર્ણ ઓપરેશન પાર પડ્યું. ઓપરેશનની સફળતા બાદ પણ એ વ્યક્તિએ પોલીસને પોતાની સાચી ઓળખ આપવાનું ટાળ્યું. અને અમે પણ એની ઓળખ છુપાવવાની લાગણીને માન આપ્યું. બાતમી આપનારને છેલ્લે એક જ પ્રશ્ન પૂછવાનું મન થયું કે આ બાતમી આપવાનું કારણ શું ?? ત્યારે એ વ્યક્તિનો જવાબ હૃદય સોંસરવો ઉતરી ગયો.

એણે કહ્યું 'સાહેબ મારે પણ એક ભાઈ હતો. ગાંજાના રવાડે એનું જીવન બરબાદ થઈ ગયું. છેલ્લે એની હાલત એટલી દયનીય હતી. અને અમે પરિવાર જનો કાંઈજ કરી ન શક્યા. મેં તો મારો ભાઈ ગુમાવ્યો પણ હવે બીજા કોઈનોય ભાઈ આ બરબાદીના રસ્તે ન ચડે એટલે જીવનું જોખમ વહોરીને આ બાતમી આપી.'

પી.આઈ કે. ડી. ગોહિલ વાત અહીં પૂર્ણ કરે છે પરંતુ આ ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ કર્યાનો સંતોષ એમની આંખોમાં જોઈ શકાય છે.

-ઈશ્વર પ્રજાપતિ 

૯૮૨૫૧૪૨૬૨૦ 

Saturday, August 26, 2023

શિવમય શ્રાવણ -૧૦

ગૌતમ ઋષિની ભક્તિથી પ્રસન્ન થઈને શિવજી અને માતા પાર્વતી ત્યાં પ્રકટ થયાં. ત્ર્યમ્બકેશ્વર  જ્યોતિર્લિંગની પ્રાગટયની પાવન કથા

     શિવજીનાં 12 જ્યોતિર્લિંગમાંથી એક નાસિક (મહારાષ્ટ્ર) પાસે સ્થિત ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ છે. આ મંદિર અંગે માન્યતા છે કે અહીં સ્થિત શિવલિંગ સ્વયં પ્રકટ થયું હતું, એટલે એને કોઈએ સ્થાપિત કર્યું નથી. આ મંદિર ગોદાવરી નદીના કિનારે આવેલું છે. 

    અહીં પ્રચલિત કથા પ્રમાણે, પ્રાચીન સમયમાં બ્રહ્મગિરિ પર્વત ઉપર દેવી અહિલ્યાના પતિ ઋષિ ગૌતમ રહેતા હતા અને તપસ્યા કરતા હતા. ક્ષેત્રમાં અનેક એવા ઋષિઓ હતા, જેઓ ગૌતમ ઋષિની ઈર્ષ્યા કરતા હતા અને તેમને નીચા દેખાડવાની કોશિશ કરતા રહેતા હતા. એકવાર બધા ઋષિઓએ ગૌતમ ઋષિ પર ગૌહત્યાનો આરોપ લગાવી દીધો. બધાએ કહ્યું હતું કે આ હત્યાના પાપની માફી માટે દેવી ગંગાને અહીં લઇને આવવાં પડશે. ત્યારે ગૌતમ ઋષિએ શિવલિંગની સ્થાપના કરીને પૂજા શરૂ કરી દીધી. ઋષિની ભક્તિથી પ્રસન્ન થઈને શિવજી અને માતા પાર્વતી ત્યાં પ્રકટ થયાં. ભગવાને વરદાન માગવા માટે કહ્યું. ત્યારે ઋષિ ગૌતમે શિવજીને દેવી ગંગાને એ સ્થાને મોકલવાનું વરદાન માગ્યું. દેવી ગંગાએ કહ્યું કે જો શિવજી પણ આ સ્થાને રહેશે, ત્યારે જ તેઓ અહીં રહેશે. ગંગાના કહેવાથી શિવજી ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ સ્વરૂપમાં વાસ કરવા માટે તૈયાર થઈ ગયા અને ગંગા નદી ગૌતમી સ્વરૂપમાં ત્યાં વહેવા લાગી. ગૌતમી નદીનું એક નામ ગોદાવરી પણ છે.

    ત્ર્યંબકેશ્વર મંદિર ખૂબ જ પ્રાચીન છે. મંદિરની અંદર એક નાના ખાડામાં ત્રણ નાના-નાના શિવલિંગ છે. આ ત્રણેય શિવલિંગ બ્રહ્મા, વિષ્ણુ અને શિવજીના નામથી ઓળખાય છે. ત્ર્યંબકેશ્વર મંદિર પાસે ત્રણ પર્વત સ્થિત છે, જેને બ્રહ્મગિરિ, નીલગિરિ અને ગંગા દ્વારના નામે ઓળખવામાં આવે છે. બ્રહ્મગિરિને શિવ સ્વરૂપ માનવામાં આવે છે. નીલગિરિ પર્વત ઉપર નિલામ્બિકા દેવી અને દત્તાત્રેય ગુરુનું મંદિર છે. ગંગા દ્વાર ઉપર દેવી ગોદાવરી એટલે ગંગાનું મંદિર છે. મૂર્તિનાં ચરણોથી ટીપે-ટીપે જળ ટપકે છે, જે ત્યાં રહેલા એક કુંડમાં એકઠું થાય છે.

   અહીં શિવલિંગ પર અરધા એટલે કે શાળુંકા નથી, જે જગ્યા પર ઓખલી જેવો ખાડો દેખાય છે. આ ખાડામાં અંગૂઠાના આકારના ત્રણ લિંગ છે, જે બ્રહ્મા, વિષ્ણુ અને શિવજીના લિંગ એટલે કે ત્ર્યંબકેશ્વર મહાદેવ બિરાજમાન છે, જેમાંથી મુખ્યત્વે ભગવાન શિવજીના લિંગને વિશેષ અભિષેક કરવામાં આવે છે. શ્રદ્ધાળુઓ સામાન્ય રીતે ગર્ભગૃહમાં જઈને જ્યોર્તિલિંગ પર અભિષેક કરી શક્તા નથી. સામાન્ય શિરસ્તો એવો છે કે સ્નાન કરીને ધોતી પહેરીને આવનારા શ્રદ્ધાળુઓને જ ગર્ભગૃહમાં અભિષેક માટે પ્રવેશ આપવામાં આવે છે.

    નાસિક-ત્ર્યંબક અવિભાજય બની ગયેલા અંગ છે. ગોદાવરી નદીના તટે વસેલું નાસિક દક્ષિણનું બનારસ પણ કહેવાય છે. કારણ કે અહીં સંખ્યાબંધ મંદિરો છે. જોવાલાયક મંદિરોમાં સુંદરનારાયણ મંદિર, કાલારામ મંદિર, ગોરારામ મંદિર, મુકિતધામ, પંચવટી અને તપોવન મુખ્ય છે. દર બાર વર્ષે અહીં કુંભમેળો ભરાય છે.(સૌજન્ય ; દિ.ભા.)


Friday, August 25, 2023

શિવમય શ્રાવણ - ૯

 ભગવાન શિવના ત્રિશૂળ ઉપર ટકેલી પ્રાચીન નગરી વારાણસી, જ્યાં બિરાજે છે બાબા  કાશી વિશ્વનાથ 



    વિવિધ પુરાણોમાં કાશી(Kashi)ની મહત્તાનું ભરપૂર વર્ણન છે. સાત મોક્ષપુરીમાંથી એક એવી કાશીના બાર નામનો પુરાણોમાં ઉલ્લેખ મળે છે. આ બાર નામ એટલે વારાણસી, અવિમુક્તક્ષેત્ર, આનંદકાનન, રુદ્રાવાસ, કાશિકા, તપ:સ્થલી, મહાસ્મશાન, મુક્તિભૂમિ, શિવપુરી, ત્રિપુરારિરાજનગરી, વિશ્વનાથનગરી અને મુખ્ય કાશી. કાશી એ ‘શિવનગરી’ તરીકે પ્રસિદ્ધ છે. આ એ ભૂમિ છે કે જેના પર 5,000 થી પણ વધુ મંદિરો (Hindu Temples) વિદ્યમાન છે અને કદાચ એટલે જ તે સ્વૈચ્છિક રીતે જ ભારતની ધાર્મિક રાજધાની તરીકે સ્વીકારાઈ ચૂકી છે !

    કાશી વિશ્વનાથ મંદિર હિંદુ ધર્મનું સૌથી જાણીતું મંદિર છે, જે ભગવાન શિવને સમર્પિત છે. તે વારાણસી, ઉત્તર પ્રદેશમાં આવેલું છે. આ મંદિર પવિત્ર નદી ગંગાના જમણા કાંઠે આવેલી છે અને બાર જ્યોતિર્લિંગોમાંનું એક છે. અહીંના મુખ્ય દેવ વિશ્વનાથ અથવા વિશ્વૈશ્વરા તરીકે જાણીતા છે, જેનો અર્થ વિશ્વના નાથ થાય છે. કાશી નગરી એ પાવની ગંગા નદીના કિનારે વસેલી છે. વરુણા અને અસિ નામની નદીઓના જળ અહીં ગંગા નદીમાં એકરૂપ થાય છે અને એટલે જ આ નગરી ‘વારાણસી’ના નામે પણ ખ્યાત થઈ છે. વારાણસી શહેર કાશી તરીકે જાણીતું છે, એટલે આ મંદિર કાશી વિશ્વનાથ મંદિર તરીકે ઓળખાય છે. 

    કાશી વિશ્વનાથ મંદિર ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગમાંથી એક છે. આ મંદિર હિંદુ ધર્મ માટે ખૂબ જ ખાસ છે. આ મંદિર વારણસીમાં સ્થિત છે. માન્યતા છે કે કાશી ભગવાન શિવના ત્રિશૂળ ઉપર ટકેલું છે. કાશી પુરાતન સમયથી જ અધ્યાત્મનું કેન્દ્ર રહ્યું છે.

કહેવાય છે કે મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત શિવલિંગ કાશીના મંદિરમાં સ્થાપિત થવાનું હતું, પરંતુ સંયોગવશ મહેશ્વર પહોંચી ગયું. મહેશ્વર શિવલિંગ આવી જવાથી દેવીશ્રી તેની સ્થાપના કરી. મંદિર કાળા પત્થરો દ્વારા બનેલું છે. મંદિરનો સભા મંડપ 18 પત્થરોથી બનેલા થાંભલા ઉપર ટકેલો છે. સભા મંડપ પછી ગર્ભગૃહનો સંપૂર્ણ ભાગ પત્થરો દ્વારા બનેલો છે. અહિલ્યાબાઈ દર સોમવારે પાલકીમાં બેસીને ભગવાન કાશી વિશ્વનાથ મંદિર જઈને ભગવાનની પૂજા-અર્ચના અને અભિષેક કરતી હતી.

    સ્કંદ પુરાણમાં આ નગરના ઈતિહાસનું વર્ણન છે. રામાણય અને મહાભારતમાં પણ કાશી નગરીનું વર્ણન છે. વર્તમાન મંદિરનું નિર્માણ મહારાણી અહલ્યાબાઈ હોલકરે સન 1780માં કરાવ્યું હતું. બાદમાં મહારાજા રણજિત સિંહે 1853માં 1,000 કિલો શુદ્ધ સોનાથી બનાવ્યું હતું. નેપાળના મહારાજાએ અહીં નંદીની વિશાળ મૂર્તિ બનાવી હતી.

    આ સ્થાનનું જિર્ણોધ્ધાર 11મી સદીમાં રાજા હરીશચંદ્રએ કરાવ્યું હતું. પરંતુ સૌપ્રથમ મોહંમદ ગોરીએ સન 1163માં આક્રમણ કરી તોડી પાડ્યું હતું. બાદમાં સતત 600 વર્ષો સુધી તેને વિદેશી આક્રમણ સહન કરવા પડ્યા હતા. 1663માં ઔરંગજેબે મંદિરને નષ્ટ કરી દીધું હતું. અને તેની જગ્યાએ ભવ્ય મસ્જિદ બનાવી. 1852માં બાજીરાવ પેશ્વાએ અહીંનું પ્રસિદ્ધ કાલભૈરવ મંદિર બનાવ્યું હતું. કાશી વિશ્વનાથ મંદિરનું હિંદુ ધર્મમાં એક વિશિષ્ટ સ્થાન છે.  વારાણસી શહેર કાશી તરીકે જાણીતું છે. એટલે આ મંદિર કાશી વિશ્વનાથ મંદિર તરીકે ઓળખાય છે. 

    સવાર અને સાંજના સમયે અર્ચન પછી નેવેદ્યમાં ચોખા અને દાળનો નૈવેદ્ય ધરાવવામાં આવતો હતો. આજે પણ આ પ્રથા શરૂ છે.

    કાશી વિશ્વનાથને લઇને એક રસપ્રદ પૌરાણિક કથા પ્રચલિત છે. એકવાર ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજી વચ્ચે વિવાદ થયો કે કોઈ વધારે શક્તિશાળી છે. આ વિવાદમાં મધ્યસ્થી બનવા માટે ભગવાન શિવજીએ વિશાળ જ્યોતિર્લિંગનું સ્વરૂપ ધારણ કર્યું હતું.

    શિવજીએ ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજીને વિશાળ જ્યોતિર્લિંગનો સ્ત્રોત અને ઊંચાઈની જાણકારી પ્રાપ્ત કરવા માટે કહ્યું. બ્રહ્માજી પોતાના હંસ ઉપર બેસીને શિવલિંગની ઊંચાઈ અંગે જાણકારી મેળવવા આકાશ તરફ ઉડ્યાં. વિષ્ણુજી શૂકરનું સ્વરૂપ ધારણ કરીને પૃથ્વીમાં ખોદકામ કરવા લાગ્યાં, જેથી તેના ઊંડાણ અંગે જાણકારી મળી શકે. બંને અનેક યુગો સુધી પણ તેના ઊંડાણ કે ઊંચાઈ અંગે જાણકારી પ્રાપ્ત કરી શક્યા નહીં. અંતે હાર માનીને વિષ્ણુજી શિવજી સામે નતમસ્તક થઈ ગયાં, પરંતુ બ્રહ્માજીએ અસત્યની મદદ લીધી અને કહ્યું કે તેમણે ઊંચાઈની જાણકારી મેળવી લીધી છે. આ અસત્ય માટે શિવજીએ ગુસ્સે થઈને બ્રહ્માજીને શ્રાપ આપ્યો કે તમારી કોઈપણ સ્થાને પૂજા થશે નહીં, એટલે બ્રહ્માજીના મંદિર કોઈ સ્થાને જોવા મળતાં નથી.

    શિવ પુરાણની કોટિરુદ્ર સંહિતાના અધ્યાય 22માં કાશી વિશ્વનાથના પ્રાગટ્યની કથાનું વર્ણન છે. તેમાં ઉલ્લેખ છે તે અનુસાર મહેશ્વર દ્વારા નિર્મિત પંચકોશી કાશી સર્વ પ્રથમ આકાશમાં સ્થિત થઈ. જેમાં સૃષ્ટિના સર્વ પ્રથમ પુરુષ એવાં સ્વયં શ્રીહરિએ સૃષ્ટિની કામનાથી તપસ્યા આદરી. પરિશ્રમને લીધે તેમના શરીરમાંથી શ્વેત જલની અનેક ધારાઓ પ્રગટ થઈ. આ જલધારાઓમાં પંચકોશી ડૂબવા લાગ્યું. ત્યારે શિવજીએ આ નગરીને તેમના ત્રિશૂળ પર ધારણ કરી દીધી. ત્યારબાદ શ્રીહરિએ એ જ જલરાશિમાં પત્ની પ્રકૃતિ સાથે શયન કર્યું. અને તેમની નાભિમાંથી કમળ અને પછી કમળમાંથી બ્રહ્માનું પ્રાગટ્ય થયું.

    બ્રહ્માજીએ મહેશ્વરની આજ્ઞાની બ્રહ્માંડમાં ચૌદ ભુવનોનું નિર્માણ કર્યું. એ દૃષ્ટિએ સંસારની સૌથી પૌરાણિક નગરી મનાતી કાશી વાસ્તવમાં સંસારના નિર્માણનું પણ નિમિત્ત છે ! 

    એવું કહેવામાં આવે છે કે આ નગરને સાક્ષાત્ ભગવાન શિવે પોતાના તેજથી પ્રગટ કર્યું હતું. આ માટે આ નગરીને ભગવાન શિવનું જ સ્વરૂપ માનવામાં આવે છે. પ્રલયના સમયે આ નગરની રક્ષા કરવા માટે ભગવાન શિવે આ શહેરને પોતાના ત્રિશૂળ પર ટકાવીને રાખ્યું હતું.

    કાશીને ભગવાન શિવનું સૌથી પ્રિય નગર માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે અહીં સાક્ષાત્ ભગવાન શિવ નિવાસ કરે છે. કાશીને પંચકોસી એટલે કલ્યાણદાયિની, કર્મ બંધનનો નાશ કરનારી, જ્ઞાનદાયિની અને મોક્ષ પ્રદાન કરનારી માનવામાં આવે છે.

    દેશના વડાપ્રધાન વારાણસીથી ચુંટણી લડી ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો હતો. વર્ષો બાદ વારાણસીની કાયાકલ્પ બદલી નાખવામાં આવ્યો છે.  આશરે  339 કરોડના ખર્ચે વિશ્વનાથ કોરિડોર તૈયાર કરવામાં આવ્યો છે. 

Thursday, August 24, 2023

શિવમય શ્રાવણ - ૮

  શિવપુરાણ અનુસાર દ્વારકા પ્રદેશનું એક પ્રસિદ્ધ નામ દારુકાવન હતું. જ્યાં નાગોનો વસવાટ હતો. આર્યોએ તેમને ધર્માનુયાયી બનાવ્યા અને નાગેશ્વર જ્યોતિર્લિંગની સ્થાપના કરી.


     ગુજરાત એટલે ધાર્મિક ભૂમિ, અનેક શક્તિ પીઠો અને બે જ્યોતિર્લિંગો ધરાવતા ગુજરાતમાં મોટા ભાગના મંદિરો અદ્ભૂત અને સમૃદ્ધ છે. ગુજરાત એ સંતોની પણ પાવન ભૂમિ છે. ભક્તિ સંપ્રદાય અને નાથ સંપ્રદાય એ ગુજરાતની આગવી વિશેષતા છે. મંદિરોની વાત કરતાં હોઈએ તો ગુજરાતના નાગેશ્વર જ્યોતિર્લિંગને કેમ ભૂલી શકાય!! તો આજે શ્રાવણ સ્પેશિઅલમાં આવો જાણીએ ભગવાન શિવના નાગેશ્વર જ્યોતિર્લિંગ વિશે….

    હિન્દૂ ધર્મ અનુસાર નાગેશ્વરનો અર્થ થાય નાગ (સાપ)ના ઈશ્વર, જે વિષ આદિથી બચવાનો સાંકેતિક પણ છે. રુદ્ર સંહિતામાં આ ભગવાનને દારુકાવને નાગેશં કહેવામાં આવ્યાં છે. દ્વાદશ જ્યોતિર્લિંગમાં ભૌગોલિક સ્થાન અંગેના શ્લોકમાં નાગેશં દારુકાવનનો ઉલ્લેખ આવે છે. આ દારુકાવનમાં આવેલું જ્યોતિર્લિંગ એટલે ગુજરાતના દ્વારકા જિલ્લાના દ્વારકાપુરી મંદિરથી 16 કિમીના અંતરે આવેલું નાગેશ્વર જ્યોતિર્લિગ. દ્વારકામંદિરથી બેટ દ્વારકા જતાં રસ્તામાં જ આવે છે.

    પ્રાચીનકાળમાં પશ્ચિમ સમુદ્રના કિનારે દારુક નામનું એક વન હતું, જેમાં દારુકા નામની રાક્ષસી તેના પતિ સાથે રહેતી હતી. દારુકાએ દેવી પાર્વતીને પ્રસન્ન કરીને તેમની પાસે વરદાન પ્રાપ્ત કર્યું. વરદાન મેળવીને દારુકાને ઘણું જ અભિમાન આવી ગયું. દારુકા રાક્ષસી સોળ યોજન વનમાં રહેતી હતી. સમુદ્રના રસ્તે જતા વટેમાર્ગુઓ કે પ્રવાસીઓને દારુકા પકડીને લૂંટી લેતી અથવા મારી નાખતી.

        એક વખત દારુકા રાક્ષસીએ નૌકાઓના એક મોટા કાફલાને પકડીને તમામને કેદી બનાવ્યા. આ કાફલામાં સુપ્રિય નામનો એક વણિક પણ હતો. સુપ્રિય ભગવાન શિવનો પરમભક્ત હતો અને જેલમાં પણ શિવજીના પાર્થિવ લિંગની પૂજા કરતો હતો. સુપ્રિયે બીજા કેદીઓને પણ મંત્રોથી શિવજીની પૂજા કરતાં શિખવ્યું. પરિણામ સ્વરૂપ તમામ કેદીઓ શિવપૂજા કરવા લાગ્યાં. સુપ્રિયને શિવજી પર અપાર શ્રદ્ધા હતી. સુપ્રિય હંમેશા તેના સાથીઓને કહેતો કે જેલમાં રહેવાનું થયું તેમાં પણ શિવજીની કૃપા છે. આથી પ્રેમથી શિવજીનું ભજન અને પૂજન કરો. શિવજીની શ્રદ્ધાથી ભક્તિ કરવાથી સારું જ પરિણામ આવશે.

    દારૂકા રાક્ષસીએ બંદિવાન બનાવેલા લોકો કેદખાનામાં સુખેથી રહેવા લાગ્યાં. એ સમયે એક ઘટના બની. સુપ્રિય જ્યારે શિવજીનું પૂજન કરી રહ્યો હતો, ત્યારે તેને શિવજીનું સુંદર રૂપ દેખાયું. જેલની ચોકી કરી રહેલા એક રાક્ષસે પણ આ જોયું અને તેણે દારુકાને વાત કરી. તમામ રાક્ષસ સૈનિકો કેદખાનામાં એકત્ર થઈ ગયા અને સુપ્રિયને પૂછ્યું કે, સાચુ બોલ તું કોની પૂજા કરે છે? જો તું સાચું નહીં બોલે તો તેને મારી નાખીશું. સુપ્રિયે સામે ઉતર આપ્યો કે પોતે કશું જ જાણતો નથી. આથી દારુકા વધારે ક્રોધિત થઈ અને તેણે સૈનિકોને સુપ્રિયને મારી નાખવાનો આદેશ આપ્યો. આથી સુપ્રિયે આ સંકટમાંથી ઉગારી લેવા શિવજીને પ્રાર્થના કરી. સુપ્રિયની પ્રાર્થના સાંભળી, જમીનમાંથી અચાનક એક સુંદર મંદિર નીકળ્યું, જેમાં જ્યોતિસ્વરૂપે ભગવાન શંકર તેમના પરિવાર સાથે બિરાજમાન હતાં. સુપ્રિયે શિવજીને પ્રણામ કર્યા અને તેનું પૂજન કર્યું. શિવજીએ પ્રસન્ન થઈને સુપ્રિયને અભયદાન આપ્યું. અને રાક્ષસોનો નાશ કર્યો. આમ નાગભૂમિમાં શિવજી પ્રગટ થયાં હોવાથી આ સ્થળ નાગેશ્વરના નામથી પ્રસિદ્ધ થયાં.

    થોડા વર્ષો પહેલા સુધી નાગેશ્વર જ્યોતિર્લિંગ એક નાની દેરી જેવા મંદિરમાં જ વિધમાન હતું. ભારતમાં ઓડિયો કેસેટ ક્ષેત્રે ક્રાંતિ લાવનારા સુપર કેસેટ્સ ઈન્ડસ્ટ્રીના માલિક સ્વ. ગુલશન કુમારે આ મંદિરના જિર્ણોદ્ધારનું કાર્ય 1996માં શરુ કરાવ્યું, આ વચ્ચે તેમનું મૃત્યું થઈ જવાને કારણે એમના પરિવારે આ મંદિરનું કાર્ય પૂર્ણ કરાવ્યું હતું. વર્ષ 2002માં નાગેશ્વર જ્યોતિર્લિંગના નવનિર્મિત મંદિરનું કાર્ય સંપૂર્ણ થયું. મંદિરના નિર્માણમાં લગભગ 1.25 કરોડનો ખર્ચ થયો હતો જે ગુલશનકુમાર ચેરીટેબલ ટ્રેસ્ટે આપ્યો હતો.

    નાગેશ્વર જ્યોતિર્લિગનું હાલનું મંદિર ઘણું જ વિશાળ છે. મુખ્ય મંદિરની બાજુમાં જ શિવજીની ધ્યાનસ્થ મુદ્રામાં 125 ફૂટ ઊંચી અને 25 ફૂટ પહોળી ભવ્યમૂર્તિ પણ આવેલી છે. ભગવાન શિવજીની આ વિશાળ મૂર્તિના બે કિલોમીટર દૂરથી ભક્તોને દર્શન થાય છે. આ મૂર્તિ ખુબજ સુંદર હોવાની સાથે ભક્તોનું મન મોહી લે છે. મંદિરનો મુખ્યદ્વાર સાધારણ પણ સુંદર છે. આ દ્વારમાંથી પ્રવેશ કરતાં જ સામે લાલ રંગનું નાગેશ્વર મહાદેવનું મંદિર છે. મુખ્ય મંદિર પહેલા એક સભાગૃહ છે જ્યાં પૂજન સામગ્રીની નાની દુકાનો લાગેલી છે.

    નાગેશ્વર નામથી બે અન્ય શિવલિંગોની પણ ચર્ચા ગ્રંથોમાં છે. જૂદા જૂદા મંતાતર અનુસાર આ લિંગોને પણ કેટલાક લોકો નાગેશ્વર જ્યોતિર્લિંગ કહે છે. એમાંથી એક નાગેશ્વર જ્યોતિર્લિંગ નિઝામ હૈદરાબાદ આંધ્રપ્રદેશમાં છે, જ્યારે બીજું ઉત્તરાખંડના અલ્મોડામાં યોગેષ અથવા જોગેશ્વર શિવલિંગ નામથી પ્રસિદ્ધ છે.  પરંતુ દ્વારકા પાસેના નાગેશ્વર જ્યોતિર્લિંગના ભૌગોલિક સ્થાન અંગે શાસ્ત્રોક્ત આધાર મળી રહે તેવા નક્કર પુરાવાઓ થોડા સમય પહેલાં બહાર આવ્યા છે. ઉદાહરણ તરીકે નાગેશ્વર નામ શા માટે પડ્યું હશે? વિદ્વાનોના મતે નાગનાથ કે જાગેશ્વર સ્થળોની આસપાસ તેવા સબળ પુરાતત્વીય કે ઐતિહાસિક પુરાવાઓ નથી, જે દ્વારકા પાસેના નાગેશ્વર પાસે છે.

    ઈ.સ. પૂર્વે પાંચમી સદીના પ્રસિદ્ધ વ્યાકરણાચાર્ય પાણિનિના ગણપાઠમાં કચ્છ, સૌરાષ્ટ્ર અના આનર્ત નામાનો ઉલ્લેખ છે. એક પ્રમાણ એવું પણ મળ્યું છે કે, દ્વારકા ક્ષેત્રમાં આર્યોના આગમન પૂર્વે નાગો (સાપો)નો વસવાટ હતો. પાતાળમાં વસતા નાગ સમુદ્રમાંથી આવીને આ ક્ષેત્રમાં વસવાટ કરતા હતાં. વેદોમાં પણ આવો ઉલ્લેખ જોવા મળે છે.
    સ્કંદપુરાણના કુમારિકાખંડના વર્ણનોમાં પાતાળપુરીને અતિસમુદ્ધ મહેલો તથા અલંકારો અને રૂપવાન નાગકન્યાઓથી સભર બતાવવામાં આવી છે. આ પ્રદેશમાં વસવાટ કરતી નાગ જાતિ દ્વારકા સહિત સમગ્ર સૌરાષ્ટ્રના સંપર્કમાં હોવાનું માનવામાં આવે છે. દ્વારકાને કુશસ્થળી તરીકે પણ ઓળખવામાં આવે છે. યદુવંશના સ્થાપક રાજા યદુના લગ્ન ચૌમ્રવર્ણની પાંચ નાગકન્યાઓ સાથે થયાં હતાં. કુશસ્થળીનો રાજા રૈવત પણ મૂળરૂપે તક્ષક નાગ જ હતો, પરંતુ બ્રાહ્મણના આશિર્વાદથી તે રાજા બન્યો હતો, તેવું વિવરણ સ્કંદપુરાણના પ્રભાસખંડમાં જોવા મળે છે. પુરાતત્વવિદોને દ્વારકા પ્રદેશમાં નાગોના અવશેષો આજે પણ મળી રહ્યા છે. શિવપુરાણ અનુસાર આ પ્રદેશનું એક પ્રસિદ્ધ નામ દારુકાવન હતું. જ્યાં નાગોનો વસવાટ હતો. આર્યોએ તેમને વર્ણાશ્રમ ધર્માનુયાયી બનાવ્યા અને નાગેશ્વર જ્યોતિર્લિંગની સ્થાપના કરી.
    મુખ્ય મંદિરથી ત્રણ કિલોમીટર દૂર ગોપી તળાવ છે. આ તળાવમાં પીળા રંગની માટી છે, જેને ગોપીચંદ કહેવામાં આવે છે. અહીં નજીકમાં જ ધર્મશાળ પણ છે જેમાં નાગેશ્વર મંદિરે આવેલા શ્રદ્ધાળુઓ માટે રહેવાની વ્યવસ્થા છે. આ ઉપરાંત અહીં ગોપીનાથજીનું મંદિર તથા વલ્લભાચાર્યજીની બેઠક તથા રાધા-કૃષ્ણનું મંદિર પણ આવેલું છે.

Wednesday, August 23, 2023

શિવમય શ્રાવણ - ૭

 ભગવાન શ્રી રામ દ્વારા સ્થાપિત રામેશ્વરમ જ્યોતિર્લિંગનો અનન્ય મહિમા 


        રામેશ્વરમ જ્યોતિર્લિંગ તામિલનાડુના રામનાથપુર જિલ્લામાં આવેલું છે. આ તીર્થ હિંદુઓના મહત્વના તીર્થધામોમાંનું એક છે. ચારધામની યાત્રામાં એક ધામ રામેશ્વરમ છે. એને રામનાથસ્વામી મંદિર પણ કહેવામાં આવે છે. રામેશ્વરમ જ્યોતિર્લિંગ ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંથી એક છે. રામેશ્વર મંદિર એક તરફ હિંદ મહાસાગર ને બીજી બાજુ બંગાળની ખાડી હોવાથી આ સ્થળનું સૌદર્ય પણ આકર્ષક છે. બે સમુદ્રની વચ્ચે આવેલા રામેશ્વરમનું સૌંદર્ય કેવું હશે એની કલ્પના જ માત્ર રોમાંચિત કરી મૂકે એવી છે.

        રામેશ્વરના મુખ્ય મંદિરનું આખું નામ અરુલમિગુ રામનાથસ્વામી મંદિર છે, જે ટુંકમાં રામનાથસ્વામી મંદિર તરીકે ઓળખાય છે. 12મી સદીમાં બંધાયેલા આ મંદિરમાં અનેક વખત સુધારા વધારા કરવામાં આવ્યાં. અંદાજે 50 હજારની વસ્તી ધરાવતા રામેશ્વરમ ગામ માટે રામનાથસ્વામી મંદિર જીવનનિર્વાહનો મુખ્ય સ્ત્રોત છે, જેમાં માછીમારો અપવાદ છે.

        અત્યંત પૌરાણિક આ મંદિરની ઈ.સ. 1414માં પુનઃરચના કરવામાં આવી હતી. રામેશ્વરમ મંદિરની અંદર ૧૨૧૨ પિલર આવેલા છે. તેમ જ મંદિરનો વિસ્તાર પણ ખાસ્સો એવો મોટો છે. એક અંદાજ પ્રમાણે મંદિરનો વિસ્તાર પંદર એકર છે. રામેશ્વરમ મંદિરની અંદર બાવીસ કુંડ છે, જેમાં પવિત્ર પાણી છે. એમાં સ્નાન કર્યા બાદ શિવલિંગનાં દર્શન કરવાં અત્યંત શુભ માનવામાં આવે છે. આ શિવલિંગ સાથે જોડાયેલી માન્યતા એવી છે કે જે પણ વ્યક્તિ ગંગાજળથી આ શિવલિંગને અભિષેક કરે છે તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે.
            રામનાથસ્વામી મંદિરમાં દિવસમાં કુલ 6 વાર પૂજા થાય છે. મંદિર સવારે 5 વાગ્યે ખુલ્લે છે, શરૂઆતમાં પલ્લિઆરાઈ દીપઆરાધના કરવામાં આવે છે. સવારે 5.10 વાગ્યે સ્ફટિકલિંગ દીપઆરાધના કરવામાં આવે છે. સવારે 5.45 કલાકે થિરુવરંતલ દીપઆરાધના, સવારે 7 કલાકે વિલાપૂજા, સવારે 10 કલાકે કળશાંતિ પૂજા, બપોરે 12 કલાકે ઉચીકલા પૂજા, સાંજે 6 કલાકે સાયારત્ય પૂજા, રાત્રિના 8.30 કલાકે અર્થજમા પૂજા અને રાત્રિના 8.45 કલાકે પલ્લિઆરાઈ પૂજા થાય છે. મંદિર રાત્રે 9 વાગ્યે બંધ થાય છે. બપોરે 1થી 3 દરમિયાન મંદિરનો ગર્ભગૃહ બંધ રહે છે.
            આ જ્યોતિર્લિંગના વિષે એવી માન્યતા છે કે, આ જ્યોતિર્લિંગની સ્થાપના સ્વયં હનુમાન પ્રિય ભગવાન શ્રીરામે કરી હતી. ભગવાન રામ દ્વારા સ્થાપિત કરવાના કારણે આ જ્યોતિર્લિંગને ભગવાન રામનું નામ રામેશ્વરમ આપવામાં આવ્યું છે. રામેશ્વરમ જ્યોતિર્લિંગ સ્થાપિત કરવાનો સબંધ પૌરાણિક ઘટનાથી બતાવેલો છે. જેમાં, ભગવાન શ્રી રામે  દેવી સીતાને રાક્ષસરાજ રાવણની કેદથી મુક્ત કરવા માટે જે સમયે લંકા પર ચડાઈ કરી હતી , એ સમયે યુદ્ધ કરવાના પહેલાં શ્રી વિજયનો આશીર્વાદ મેળવવા માટે આ સ્થાન પર રેતથી શિવલિંગ બનાવી ભગવાન શિવની પૂજા કરી હતી. એ સમયથી આ જ્યોતિર્લિંગ હંમેશાં માટે અહીં સ્થાપિત થઇ ગયું.
        એક માન્યતા એવી પણ છે કે બ્રાહ્મણ રાવણનો વધ કરવાથી શ્રીરામજી ઉપર બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું હતું. તે સમયે ઋષિઓએ શ્રીરામને કહ્યું હતું કે બ્રહ્મ હત્યાના પાપથી મુક્તિ મેળવવા માટે તેમણે શિવલિંગ સ્થાપિત કરીને અભિષેક કરવો જોઈએ. તે પછી રામજીએ દક્ષિણ તટ ઉપર બાલૂ (એક પ્રકારની માટી)થી શિવલિંગ બનાવીને તેની પૂજા કરી હતી.
        મંદિરના બાવીસ કુંડમાંથી સૌથી પવિત્ર કુંડ અગ્નિર્તીથમ કુંડ છે, જેમાં યજ્ઞ કરવા પૂર્વે રામે અહીં સ્નાન કર્યું હતું. આ મંદિર દાયકાઓ અગાઉ માત્ર ચાર દીવાલો અને છતની સાથે ઊભું હતું, પરંતુ બારમી સદી બાદ આ મંદિરનું વિસ્તરણ હાથ ધરવામાં આવ્યું હતું. ભારતમાં જેટલાં પણ મંદિરો આવેલાં છે એના કરતાં સૌથી લાંબો કૉરિડોર આ મંદિર ધરાવે છે.

        આ ઉપરાંત અહીં બે શિવલિંગ છે, એક હનુમાનજીએ સ્થાપેલું અને બીજું સીતામાતાએ સ્થાપેલું. એની પાછળ એક પૌરાણિક વાર્તા છે, જેના પ્રમાણે રામ ભગવાને હનુમાનને વરદાન આપ્યું હતું કે પ્રથમ હનુમાન દ્વારા લાવવામાં આવેલા શિવલિંગનાં દર્શન કર્યા બાદ જ સીતામાતા દ્વારા સ્થાપિત કરવામાં આવેલા શિવલિંગની પૂજા થશે. એ પરંપરા આજે પણ ચાલી આવે છે. રામેશ્વરમમાં હનુમાન મંદિર છે, જ્યાં તરતો પથ્થર આજે પણ દર્શન માટે રાખવામાં આવેલો છે. આ સિવાય પણ અહીં ઘણાં મંદિરો આવેલાં છે જે દરેક અલગ-અલગ ઇતિહાસ ધરાવે છે.

        શિવપુરાણ પ્રમાણે અહીં શ્રીરામએ લંકા પર ચડાઈ કરતાં પહેલા એક પથ્થરના પુલનું નિર્માણ કરાવ્યું હતું, જેના પર ચાલીને વાનરસેના લંકા પહોંચી હતી. ત્યારબાદ શ્રીરામે વિભિષણની વિંનતી બાદ ધનુષકોટિ નામના સ્થળે આ સેતુ તોડી નાંખ્યો હતો. આજે પણ જોવાથી રામસેતુનો કેટલોક ભાગ જોઈ શકાય છે.
        રામસેતુની વાત કરીએ તો આ સેતુ ધનુષકોડીથી લઈને શ્રીલંકામાં આવેલા મન્નાર ટાપુ સુધીના ૩૦ કિલોમીટરના વિસ્તારમાં બાંધવામાં આવેલો છે. આ ૩૦ કિલોમીટરના પાણીનો વિસ્તાર અગાઉ છીછરો હતો. અહીંના પાણીનું ઊંડાણ ત્રણથી ત્રીસ ફીટનું હતું. તેમ જ વચ્ચે-વચ્ચે થોડી રેતાળ જમીન પણ હતી. એથી પહેલાં લોકો ચાલીને આ અંતર કાપી શકતા હતા, પરંતુ ૧૪મી સદીમાં આવેલા વિનાશક પૂરના લીધે આ પુલ પાણીની અંદર જતો રહ્યો છે. પરંતુ હજીયે અવકાશમાંથી લેવાતી તસવીરમાં આ પુલ દેખાય છે. જોકે વિદેશીઓ આ બ્રિજને ઍડમ બ્રિજ તરીકે ઓળખાવે છે. રામસેતુનો ઉલ્લેખ રામાયણ ગ્રંથ ઉપરાંત અનેક શાસ્ત્રોમાં કરવામાં આવ્યો છે. આ પુલના લીધે આ સ્થાન પરથી વહાણો પસાર થઈ શકતાં નથી, એથી એને તોડી પાડવા માટે પણ ઘણા લોકોએ સૂચવ્યું હતું.
        દક્ષિણ ભારતના મંદિરો તેની સ્થાપત્યકળા અને બાંધણી માટે વિખ્યાત છે. તેમાં પણ રામેશ્વરમનું રામનાથસ્વામી મંદિર તો ભારતીય નિર્માણ કલા અને શિલ્પકલાનું એક સુંદર નમૂનો છે. રામનાથસ્વામી મંદિરનું પૂર્વીય ગોપુરમ્ 173 ફૂટ ઊંચું છે. મદિરની અંદર ઘણા બધા વિશાળ થાંભલાઓ છે, જે દેખાવે તો એક જેવા લાગે છે પરંતુ, નજીક જઈને ઝીણવટપૂર્વક જોઈએ તો ખબર પડશે કે દરેક થાંભલામાં જુદીજુદી કારીગરી જેવા મળશે. આ કારીગરી, વાસ્તુકલા, શિલ્પશૈલીઓ વગેરે શૈવવાદ અને વૈણ્વવાદથી પ્રભાવિત છે.
        આ ઉપરાંત, રામેશ્વરમમાં આવેલો ટીવીનો ટાવર દેશમાંનો સૌથી ઊંચો ટાવર છે. આ ટાવર ૩૨૩ મીટર ઊંચો છે. રામેશ્વરમ શહેર આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામનું હોમટાઉન પણ છે, જ્યાં તેમનું ઘર અને સ્કૂલ આવેલી છે જે તમને ધનુષકોડી જતાં રસ્તામાં જોવા મળશે. વિમાન માર્ગે આવવામાં મદુરાઈનું એરપોર્ટ સૌથી નજીક પડે છે તો ટ્રેન માર્ગ માટે પણ મદુરાઈ રેલવે સ્ટેશન જ સૌથી નજીક છે. વાયા ચેન્નઈ થઈને આવવા માગતા પ્રવાસીઓ ચેન્નઈથી મંડપમ રેલવે સર્વિસનો ઉપયોગ કરી શકે છે જે રામેશ્વરમની એકદમ નજીક છે.
    સ્વામી વિવેકાનંદ ઈ.સ 1887માં રામેશ્વરમની મુલાકાતે આવ્યા હતાં. પ્રેમમાં જ ધર્મ સમાયેલો છે. શુદ્ધ અને સાચા મનથી કરેલા પ્રેમનો મહત્વનો છે. માનવી મન અને તનથી શુદ્ધ હોય તે જરૂરી છે. અન્યથા તે કોઈપણ તીર્થધામની યાત્રા કરે તેનો કોઈ જ મતલબ નથી. આ વાક્યો સ્વામી વિવેકાનંદે આ સ્થળની યાત્રા બાદ શ્રદ્ધાળુઓને સંબોધતા કહ્યાં હતાં. સ્વામી વિવેકાનંદ આ સ્થળથી ઘણા જ અભિભૂત થયા હતાં. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડો.એસ. રાધાકૃષ્ણને રામેશ્વરમ મંદિરને અદભુત સ્થાપત્યકળા અને પરંપરાની પ્રેરણાના સમન્વય તરીકે ઓળખાવ્યું છે. (સાભાર : ચિત્રલેખા )
- ઈશ્વર પ્રજાપતિ 

સન્ડે સ્પેશિયલ

  ‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા    જોઈએ.” :    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.       સાવ સા...

Popular Posts