Sunday, August 27, 2023

સન્ડે સ્પેશિઅલ

યુવાને ભીની આંખે કહ્યું  : "મેં તો મારો ભાઈ ગુમાવ્યો પણ હવે બીજા કોઈનોય ભાઈ આ બરબાદીના રસ્તે ન ચડે એટલે જીવનું જોખમ વહોર્યું."


અરવલ્લી પંથકમાં વળી ગાંજાની ખેતી ??? વાત જલદી માન્યમાં આવે તેવી નથી. પરંતુ અરવલ્લી જિલ્લા પોલીસે બાતમીના આધારે ગાંજાની ખેતીનું ખૂબ મોટું રેકેટ પકડ્યું ત્યારે આખો પંથક આશ્ચર્યમાં ઘરકાવ થઈ ગયો હતો.

દેશના યુવાનો એ દેશનું ભવિષ્ય છે. આવા આશાસ્પદ યુવાનોને માદક કેફી દ્રવ્યોના વ્યસનના રવાડે ચડાવી તેમની જિંદગી બરબાદ કરવા દેશના દુશ્મનો સક્રિય છે. ડ્રગ્સ, હેરોઇન, ચરસ, ગાંજો, અફીણ એ એવું ઝેર છે જે દેશના યુવાધનને સંપૂર્ણ રીતે બરબાદ કરી રહ્યું છે. પરંતુ સરકાર આ બાબતે ખૂબ ગંભીરતા દાખવી રહી છે. માદક દ્રવ્યોના નશાખોરી ડામવા સરકાર કટિબદ્ધ છે.

અરવલ્લી જિલ્લા એલ.સી.બી. એ ગાંજોની ખેતીનું અંદાજે સવા બે કરોડનું ખૂબ મોટું રેકેટ પકડી પાડી દેશના દુશ્મનોને જબરદસ્ત લપડાક મારી હતી.

આ દિલધડક ઓપરેશની વાત જણાવતાં LCB PI કે.ડી. ગોહિલ જણાવે છે કે : " રોજની જેમ એ દિવસે પણ  હું ઓફિસ કામમાં વ્યસ્ત હતો. ત્યાં એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો. સામે છેડેથી કોઈ અજાણી વ્યક્તિ ગભરાતા અવાજે વાત કરી રહી હતી. તે કહી રહ્યો હતો કે 'સાહેબ ! એક અત્યંત ગંભીર વાત આપને કરવી છે.  આપને જે માહિતી આપવા જઈ રહ્યો છું એ ખાનગી માહિતી મેં આપને આપી છે એવી કોઈને ગંધ પણ આવી જશે  તો મારી જાનનું પણ જોખમ છે. એમ છતાં આપને આ વાત કરવી મને જરૂરી લાગે છે.'

એ વ્યક્તિની ઓળખ ખાનગી રાખવાની હૈયા ધારણ આપી. અને જે પણ વિગત હોય તે નિશ્ચિન્ત બની જણાવવા કહ્યું. અજાણી વ્યક્તિએ પછી જે વાત કરી એ સાંભળી પળ વાર માટે તો હું પણ ચોંકી ગયો.

તે અજાણી વ્યક્તિ એક શ્વાસે બોલી રહી હતી કે "સાહેબ ! દેશના યુવાનો બરાબર થઈ જશે. મહેરબાની કરી તેમને બચાવી લો. યુવાનોની બરબાદીની ખેતી અરવલ્લી પંથકમાં થઈ રહી   છે. અરવલ્લીના અંતરિયાળ એક  ગામે અન્ય ખેતીની આડમાં ગાંજાની ખેતી થઈ રહી છે. આ ખેતીને અટકાવો અને દેશના યુવાધનને બચાવી લો સાહેબ '

આ વિસ્તારમાં જ ગાંજાની ખેતી વિશે સાંભળી પહેલાં આશ્ચર્ય થયું. પરંતુ જે વ્યક્તિએ ઓળખ છુપાવી ફોન કર્યો હતો એના અવાજમાં ઊંડું દર્દ છુપાયેલું હતું. એની વાતમાં સત્યનો રણકો હતો. એટલે આ દિશામાં તપાસ કરવા ચક્રો ગતિમાન કર્યા.

આ અજાણ્યા ફોનની સઘળી વિગત જિલ્લાના તાત્કાલીન  પોલીસ વડા સંજય ખરાત સાહેબને કરી. તેઓએ આ બાબતને અત્યંત ગંભીરતાપૂર્વક લીધી અને તાબડતોબ  તપાસ કરી આખા રેકેટનો પર્દાફાશ કરવા સૂચના આપી.

એક સિક્રેટ મિશનની શરૂઆત થઈ. જે અજાણી વ્યક્તિની ફોન હતો તેનો સંપર્ક કરી જ્યાં ગાંજાની ખેતી થતી હતી એ ગામના  ખેતરોમાં સર્ચ ઓપરેશ માટે રાત્રીના સમયે ટિમ પહોંચી ગઈ. આખું ગામ ગાઢ નિદ્રામાં સુતું હતું. પોલીસની ટીમ પૂરી તૈયારી સાથે ગામની સીમમાં પહોંચી ગઈ. અજાણી વ્યક્તિ પણ સાથે જોડાઈ. એણે મોઢા પર બુકાની બાંધી હતી. અમે માત્ર એની આંખો જ જોઈ શકતા હતા. અને એને જે દિશા તરફ દોરી ગયો અમારી આખી ટીમ પણ એ દિશામાં આગળ વધી. અંધારી રાત્રે એક પછી એક એમ ખેતરો અમે પસાર કરી રહ્યા હતા. ત્યાં એક ખેતરના શેઢે પેલી અજાણી વ્યક્તિ થોભી. જે ખેતરમાં તુવર ઉગાડેલી હતી. એ વ્યક્તિ એ અમને ખેતરની અંદર પ્રવેશવા ઈશારો કર્યો.

તુવરના મોટા મોટા છોડ વીંધતા અમે ખેતરની મધ્યમાં પહોંચ્યા. અને ત્યાં જે દૃશ્ય જોયું તો આખી ટિમ સ્તબ્ધ થઈ ગઈ. તુવેરની ખેતીની આડમાં અહીં ગાંજાના છોડ ઉગાડેલા હતા. આસપાસના ખેતરની પણ તપાસ કરવી જરૂરી બની ગઈ. બાજુના ખેતરમાં ગયા તો એ ખેતરની મધ્યમાં પણ ગાંજાના છોડ..!! ત્રીજા ખેતરમાં પણ ગાંજો.. ચોથું, પાંચમું, છઠ્ઠું... એમ હાર બંધ ખેતરમાં બીજા પાકની આડમાં ગાંજાના છોડ ઉગાડવામાં આવ્યા હતા. આટલી વિપુલ માત્રામાં ગાંજાની ખેતી જોઈ આખી ટીમના આશ્ચર્યનો પાર નહતો.

ઓપરેશન દિવસ રાત એમ ૩૬  કલાક ચાલ્યું. ડ્રોનની મદદ થી બે કિલોમીટર જેટલા વિસ્તારના ખેતરોમાં ઉગાડેલા પાકનું નિરીક્ષણ કરવામાં આવ્યું. ટ્રેકટરના ટ્રેક્ટર ભરી ગાંજાના છોડ ભરવામાં આવ્યા. કુલ ૨૨૭૨  કિલો જેટલા  લીલા ગાંજાના છોડ જપ્ત કરવામાં આવ્યા. જેની અંદાજે કિંમત સવા બે કરોડ જેટલી હતી. પોલીસની આખી ટીમે દિવસ-રાત જાગીને આખું ઓપરેશન પાર પાડ્યું.

આ સફળ ઓપરેશનથી ઘણા યુવાનોની જિંદગીની બરબાદીનો સામાન પોલીસે જપ્ત કર્યો. ગાંજાની ખેતી કરતા ગુનેગારોને પકડી લેવામાં આવ્યા. ગાંજાનું બિયારણ અહીં સુધી પહોંચ્યું જ કઈ રીતે ? ગુનેગારોની કડક પૂછપરછ કરતા જણાવ્યું કે 'ગાંજાનું બિયારણ હાથી વાળા મહારાજે આપેલું. એમનો ચહેરો યાદ છે પરંતુ એમનું નામ ઠામ કાંઈ જાણતા નથી.' સઘન પૂછપરછ કરી બીજાં  રહસ્યો પણ ઉઘાડાં પડ્યાં.

એક અજાણી વ્યક્તિની બાતમીથી મહત્ત્વપૂર્ણ ઓપરેશન પાર પડ્યું. ઓપરેશનની સફળતા બાદ પણ એ વ્યક્તિએ પોલીસને પોતાની સાચી ઓળખ આપવાનું ટાળ્યું. અને અમે પણ એની ઓળખ છુપાવવાની લાગણીને માન આપ્યું. બાતમી આપનારને છેલ્લે એક જ પ્રશ્ન પૂછવાનું મન થયું કે આ બાતમી આપવાનું કારણ શું ?? ત્યારે એ વ્યક્તિનો જવાબ હૃદય સોંસરવો ઉતરી ગયો.

એણે કહ્યું 'સાહેબ મારે પણ એક ભાઈ હતો. ગાંજાના રવાડે એનું જીવન બરબાદ થઈ ગયું. છેલ્લે એની હાલત એટલી દયનીય હતી. અને અમે પરિવાર જનો કાંઈજ કરી ન શક્યા. મેં તો મારો ભાઈ ગુમાવ્યો પણ હવે બીજા કોઈનોય ભાઈ આ બરબાદીના રસ્તે ન ચડે એટલે જીવનું જોખમ વહોરીને આ બાતમી આપી.'

પી.આઈ કે. ડી. ગોહિલ વાત અહીં પૂર્ણ કરે છે પરંતુ આ ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ કર્યાનો સંતોષ એમની આંખોમાં જોઈ શકાય છે.

-ઈશ્વર પ્રજાપતિ 

૯૮૨૫૧૪૨૬૨૦ 

No comments:

Post a Comment

સન્ડે સ્પેશિયલ

  ‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા    જોઈએ.” :    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.       સાવ સા...

Popular Posts