શિવપુરાણ અનુસાર દ્વારકા પ્રદેશનું એક પ્રસિદ્ધ નામ દારુકાવન હતું. જ્યાં નાગોનો વસવાટ હતો. આર્યોએ તેમને ધર્માનુયાયી બનાવ્યા અને નાગેશ્વર જ્યોતિર્લિંગની સ્થાપના કરી.
ગુજરાત એટલે ધાર્મિક ભૂમિ, અનેક શક્તિ પીઠો અને બે જ્યોતિર્લિંગો ધરાવતા ગુજરાતમાં મોટા ભાગના મંદિરો અદ્ભૂત અને સમૃદ્ધ છે. ગુજરાત એ સંતોની પણ પાવન ભૂમિ છે. ભક્તિ સંપ્રદાય અને નાથ સંપ્રદાય એ ગુજરાતની આગવી વિશેષતા છે. મંદિરોની વાત કરતાં હોઈએ તો ગુજરાતના નાગેશ્વર જ્યોતિર્લિંગને કેમ ભૂલી શકાય!! તો આજે શ્રાવણ સ્પેશિઅલમાં આવો જાણીએ ભગવાન શિવના નાગેશ્વર જ્યોતિર્લિંગ વિશે….
હિન્દૂ ધર્મ અનુસાર નાગેશ્વરનો અર્થ થાય નાગ (સાપ)ના ઈશ્વર, જે વિષ આદિથી બચવાનો સાંકેતિક પણ છે. રુદ્ર સંહિતામાં આ ભગવાનને દારુકાવને નાગેશં કહેવામાં આવ્યાં છે. દ્વાદશ જ્યોતિર્લિંગમાં ભૌગોલિક સ્થાન અંગેના શ્લોકમાં નાગેશં દારુકાવનનો ઉલ્લેખ આવે છે. આ દારુકાવનમાં આવેલું જ્યોતિર્લિંગ એટલે ગુજરાતના દ્વારકા જિલ્લાના દ્વારકાપુરી મંદિરથી 16 કિમીના અંતરે આવેલું નાગેશ્વર જ્યોતિર્લિગ. દ્વારકામંદિરથી બેટ દ્વારકા જતાં રસ્તામાં જ આવે છે.
પ્રાચીનકાળમાં પશ્ચિમ સમુદ્રના કિનારે દારુક નામનું એક વન હતું, જેમાં દારુકા નામની રાક્ષસી તેના પતિ સાથે રહેતી હતી. દારુકાએ દેવી પાર્વતીને પ્રસન્ન કરીને તેમની પાસે વરદાન પ્રાપ્ત કર્યું. વરદાન મેળવીને દારુકાને ઘણું જ અભિમાન આવી ગયું. દારુકા રાક્ષસી સોળ યોજન વનમાં રહેતી હતી. સમુદ્રના રસ્તે જતા વટેમાર્ગુઓ કે પ્રવાસીઓને દારુકા પકડીને લૂંટી લેતી અથવા મારી નાખતી.
એક વખત દારુકા રાક્ષસીએ નૌકાઓના એક મોટા કાફલાને પકડીને તમામને કેદી બનાવ્યા. આ કાફલામાં સુપ્રિય નામનો એક વણિક પણ હતો. સુપ્રિય ભગવાન શિવનો પરમભક્ત હતો અને જેલમાં પણ શિવજીના પાર્થિવ લિંગની પૂજા કરતો હતો. સુપ્રિયે બીજા કેદીઓને પણ મંત્રોથી શિવજીની પૂજા કરતાં શિખવ્યું. પરિણામ સ્વરૂપ તમામ કેદીઓ શિવપૂજા કરવા લાગ્યાં. સુપ્રિયને શિવજી પર અપાર શ્રદ્ધા હતી. સુપ્રિય હંમેશા તેના સાથીઓને કહેતો કે જેલમાં રહેવાનું થયું તેમાં પણ શિવજીની કૃપા છે. આથી પ્રેમથી શિવજીનું ભજન અને પૂજન કરો. શિવજીની શ્રદ્ધાથી ભક્તિ કરવાથી સારું જ પરિણામ આવશે.
દારૂકા રાક્ષસીએ બંદિવાન બનાવેલા લોકો કેદખાનામાં સુખેથી રહેવા લાગ્યાં. એ સમયે એક ઘટના બની. સુપ્રિય જ્યારે શિવજીનું પૂજન કરી રહ્યો હતો, ત્યારે તેને શિવજીનું સુંદર રૂપ દેખાયું. જેલની ચોકી કરી રહેલા એક રાક્ષસે પણ આ જોયું અને તેણે દારુકાને વાત કરી. તમામ રાક્ષસ સૈનિકો કેદખાનામાં એકત્ર થઈ ગયા અને સુપ્રિયને પૂછ્યું કે, સાચુ બોલ તું કોની પૂજા કરે છે? જો તું સાચું નહીં બોલે તો તેને મારી નાખીશું. સુપ્રિયે સામે ઉતર આપ્યો કે પોતે કશું જ જાણતો નથી. આથી દારુકા વધારે ક્રોધિત થઈ અને તેણે સૈનિકોને સુપ્રિયને મારી નાખવાનો આદેશ આપ્યો. આથી સુપ્રિયે આ સંકટમાંથી ઉગારી લેવા શિવજીને પ્રાર્થના કરી. સુપ્રિયની પ્રાર્થના સાંભળી, જમીનમાંથી અચાનક એક સુંદર મંદિર નીકળ્યું, જેમાં જ્યોતિસ્વરૂપે ભગવાન શંકર તેમના પરિવાર સાથે બિરાજમાન હતાં. સુપ્રિયે શિવજીને પ્રણામ કર્યા અને તેનું પૂજન કર્યું. શિવજીએ પ્રસન્ન થઈને સુપ્રિયને અભયદાન આપ્યું. અને રાક્ષસોનો નાશ કર્યો. આમ નાગભૂમિમાં શિવજી પ્રગટ થયાં હોવાથી આ સ્થળ નાગેશ્વરના નામથી પ્રસિદ્ધ થયાં.
થોડા વર્ષો પહેલા સુધી નાગેશ્વર જ્યોતિર્લિંગ એક નાની દેરી જેવા મંદિરમાં જ વિધમાન હતું. ભારતમાં ઓડિયો કેસેટ ક્ષેત્રે ક્રાંતિ લાવનારા સુપર કેસેટ્સ ઈન્ડસ્ટ્રીના માલિક સ્વ. ગુલશન કુમારે આ મંદિરના જિર્ણોદ્ધારનું કાર્ય 1996માં શરુ કરાવ્યું, આ વચ્ચે તેમનું મૃત્યું થઈ જવાને કારણે એમના પરિવારે આ મંદિરનું કાર્ય પૂર્ણ કરાવ્યું હતું. વર્ષ 2002માં નાગેશ્વર જ્યોતિર્લિંગના નવનિર્મિત મંદિરનું કાર્ય સંપૂર્ણ થયું. મંદિરના નિર્માણમાં લગભગ 1.25 કરોડનો ખર્ચ થયો હતો જે ગુલશનકુમાર ચેરીટેબલ ટ્રેસ્ટે આપ્યો હતો.
નાગેશ્વર જ્યોતિર્લિગનું હાલનું મંદિર ઘણું જ વિશાળ છે. મુખ્ય મંદિરની બાજુમાં જ શિવજીની ધ્યાનસ્થ મુદ્રામાં 125 ફૂટ ઊંચી અને 25 ફૂટ પહોળી ભવ્યમૂર્તિ પણ આવેલી છે. ભગવાન શિવજીની આ વિશાળ મૂર્તિના બે કિલોમીટર દૂરથી ભક્તોને દર્શન થાય છે. આ મૂર્તિ ખુબજ સુંદર હોવાની સાથે ભક્તોનું મન મોહી લે છે. મંદિરનો મુખ્યદ્વાર સાધારણ પણ સુંદર છે. આ દ્વારમાંથી પ્રવેશ કરતાં જ સામે લાલ રંગનું નાગેશ્વર મહાદેવનું મંદિર છે. મુખ્ય મંદિર પહેલા એક સભાગૃહ છે જ્યાં પૂજન સામગ્રીની નાની દુકાનો લાગેલી છે.
નાગેશ્વર નામથી બે અન્ય શિવલિંગોની પણ ચર્ચા ગ્રંથોમાં છે. જૂદા જૂદા મંતાતર અનુસાર આ લિંગોને પણ કેટલાક લોકો નાગેશ્વર જ્યોતિર્લિંગ કહે છે. એમાંથી એક નાગેશ્વર જ્યોતિર્લિંગ નિઝામ હૈદરાબાદ આંધ્રપ્રદેશમાં છે, જ્યારે બીજું ઉત્તરાખંડના અલ્મોડામાં યોગેષ અથવા જોગેશ્વર શિવલિંગ નામથી પ્રસિદ્ધ છે. પરંતુ દ્વારકા પાસેના નાગેશ્વર જ્યોતિર્લિંગના ભૌગોલિક સ્થાન અંગે શાસ્ત્રોક્ત આધાર મળી રહે તેવા નક્કર પુરાવાઓ થોડા સમય પહેલાં બહાર આવ્યા છે. ઉદાહરણ તરીકે નાગેશ્વર નામ શા માટે પડ્યું હશે? વિદ્વાનોના મતે નાગનાથ કે જાગેશ્વર સ્થળોની આસપાસ તેવા સબળ પુરાતત્વીય કે ઐતિહાસિક પુરાવાઓ નથી, જે દ્વારકા પાસેના નાગેશ્વર પાસે છે.
No comments:
Post a Comment