Saturday, August 26, 2023

શિવમય શ્રાવણ -૧૦

ગૌતમ ઋષિની ભક્તિથી પ્રસન્ન થઈને શિવજી અને માતા પાર્વતી ત્યાં પ્રકટ થયાં. ત્ર્યમ્બકેશ્વર  જ્યોતિર્લિંગની પ્રાગટયની પાવન કથા

     શિવજીનાં 12 જ્યોતિર્લિંગમાંથી એક નાસિક (મહારાષ્ટ્ર) પાસે સ્થિત ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ છે. આ મંદિર અંગે માન્યતા છે કે અહીં સ્થિત શિવલિંગ સ્વયં પ્રકટ થયું હતું, એટલે એને કોઈએ સ્થાપિત કર્યું નથી. આ મંદિર ગોદાવરી નદીના કિનારે આવેલું છે. 

    અહીં પ્રચલિત કથા પ્રમાણે, પ્રાચીન સમયમાં બ્રહ્મગિરિ પર્વત ઉપર દેવી અહિલ્યાના પતિ ઋષિ ગૌતમ રહેતા હતા અને તપસ્યા કરતા હતા. ક્ષેત્રમાં અનેક એવા ઋષિઓ હતા, જેઓ ગૌતમ ઋષિની ઈર્ષ્યા કરતા હતા અને તેમને નીચા દેખાડવાની કોશિશ કરતા રહેતા હતા. એકવાર બધા ઋષિઓએ ગૌતમ ઋષિ પર ગૌહત્યાનો આરોપ લગાવી દીધો. બધાએ કહ્યું હતું કે આ હત્યાના પાપની માફી માટે દેવી ગંગાને અહીં લઇને આવવાં પડશે. ત્યારે ગૌતમ ઋષિએ શિવલિંગની સ્થાપના કરીને પૂજા શરૂ કરી દીધી. ઋષિની ભક્તિથી પ્રસન્ન થઈને શિવજી અને માતા પાર્વતી ત્યાં પ્રકટ થયાં. ભગવાને વરદાન માગવા માટે કહ્યું. ત્યારે ઋષિ ગૌતમે શિવજીને દેવી ગંગાને એ સ્થાને મોકલવાનું વરદાન માગ્યું. દેવી ગંગાએ કહ્યું કે જો શિવજી પણ આ સ્થાને રહેશે, ત્યારે જ તેઓ અહીં રહેશે. ગંગાના કહેવાથી શિવજી ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ સ્વરૂપમાં વાસ કરવા માટે તૈયાર થઈ ગયા અને ગંગા નદી ગૌતમી સ્વરૂપમાં ત્યાં વહેવા લાગી. ગૌતમી નદીનું એક નામ ગોદાવરી પણ છે.

    ત્ર્યંબકેશ્વર મંદિર ખૂબ જ પ્રાચીન છે. મંદિરની અંદર એક નાના ખાડામાં ત્રણ નાના-નાના શિવલિંગ છે. આ ત્રણેય શિવલિંગ બ્રહ્મા, વિષ્ણુ અને શિવજીના નામથી ઓળખાય છે. ત્ર્યંબકેશ્વર મંદિર પાસે ત્રણ પર્વત સ્થિત છે, જેને બ્રહ્મગિરિ, નીલગિરિ અને ગંગા દ્વારના નામે ઓળખવામાં આવે છે. બ્રહ્મગિરિને શિવ સ્વરૂપ માનવામાં આવે છે. નીલગિરિ પર્વત ઉપર નિલામ્બિકા દેવી અને દત્તાત્રેય ગુરુનું મંદિર છે. ગંગા દ્વાર ઉપર દેવી ગોદાવરી એટલે ગંગાનું મંદિર છે. મૂર્તિનાં ચરણોથી ટીપે-ટીપે જળ ટપકે છે, જે ત્યાં રહેલા એક કુંડમાં એકઠું થાય છે.

   અહીં શિવલિંગ પર અરધા એટલે કે શાળુંકા નથી, જે જગ્યા પર ઓખલી જેવો ખાડો દેખાય છે. આ ખાડામાં અંગૂઠાના આકારના ત્રણ લિંગ છે, જે બ્રહ્મા, વિષ્ણુ અને શિવજીના લિંગ એટલે કે ત્ર્યંબકેશ્વર મહાદેવ બિરાજમાન છે, જેમાંથી મુખ્યત્વે ભગવાન શિવજીના લિંગને વિશેષ અભિષેક કરવામાં આવે છે. શ્રદ્ધાળુઓ સામાન્ય રીતે ગર્ભગૃહમાં જઈને જ્યોર્તિલિંગ પર અભિષેક કરી શક્તા નથી. સામાન્ય શિરસ્તો એવો છે કે સ્નાન કરીને ધોતી પહેરીને આવનારા શ્રદ્ધાળુઓને જ ગર્ભગૃહમાં અભિષેક માટે પ્રવેશ આપવામાં આવે છે.

    નાસિક-ત્ર્યંબક અવિભાજય બની ગયેલા અંગ છે. ગોદાવરી નદીના તટે વસેલું નાસિક દક્ષિણનું બનારસ પણ કહેવાય છે. કારણ કે અહીં સંખ્યાબંધ મંદિરો છે. જોવાલાયક મંદિરોમાં સુંદરનારાયણ મંદિર, કાલારામ મંદિર, ગોરારામ મંદિર, મુકિતધામ, પંચવટી અને તપોવન મુખ્ય છે. દર બાર વર્ષે અહીં કુંભમેળો ભરાય છે.(સૌજન્ય ; દિ.ભા.)


No comments:

Post a Comment

સન્ડે સ્પેશિયલ

  ‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા    જોઈએ.” :    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.       સાવ સા...

Popular Posts