Thursday, August 31, 2023

શિવમય શ્રાવણ - ૧૫

 અરબી સમુદ્ર જેનાં ચરણ પખાળે છે એવા ‘કોટેશ્ર્વર મહાદેવજીનો આદિકાળથી અનેરો મહિમા રહ્યો છે.



કચ્છની ધરા એ સંતો અને શૂરાઓની ભૂમિ છે, રામાયણ-મહાભારત કાળથી અહીં શૈવપંથીઓ દ્વારા શિવાલયો, વિષ્ણુપંથીઓ દ્વારા તેના અવતારોનાં દેવાલયો અને શાક્ત પંથીઓ દ્વારા મા જગદ્અંબાનાં સ્વરૂપોનાં વિવિધ મંદિરો અહીં જોવા મળે છે, જેની સંખ્યા હજારોમાં થવા જાય છે. પણ અહી આપણે અરબી સમુદ્ર જેનાં ચરણ પખાળે છે એવા ‘કોટેશ્ર્વર મહાદેવજીના મહિમાની વાત કરવી છે. 

કચ્છ ના પશ્ર્ચિમ દિશાના દરિયાકિનારે જ્યાં દિવસ-રાત ઘૂઘવતો અરબી સમુદ્ર જેના ચરણ પ્રક્ષાલન કરે છે એ દેવાધિદેવ કોટેશ્ર્વર મહાદેવ નું આ સ્થાન પુરાતન કાળનું છે. કોટેશ્ર્વર મહાદેવનું અતિ પ્રાચીન અને પૌરાણિક મહત્ત્વ ધરાવતું મંદિર આવેલું છે.

કોટેશ્વરની કથા રાવણની કથાથી શરૂ થાય છે. રાવણને તેની સખત તપસ્યાના ફળરૂપે શિવે વરદાન આપ્યું હતું. મહાન આધ્યાત્મિક શક્તિઓ ધરાવતું આ વરદાન એક શિવલિંગના સ્વરૂપમાં હતું, પરંતુ રાવણે અહંકારમાં ઉતાવળે શિવલિંગને જમીન પર મુકી દીધું અને તે કોટેશ્વરની જમીન પર પડ્યું. રાવણને તેની બેદરકારીની સજારૂપે શિવલિંગે તેના જેવા હજારો (અને કથાના કેટલાક પાઠાંતર પ્રમાણે, લાખો, કરોડો. ટૂંકમાં અસંખ્ય.) લિંગો સર્જ્યા. મૂળ શિવલિંગને ઓળખવામાં અસમર્થ રાવણે એક લિંગ ઉઠાવી લીધું અને ચાલવા માંડ્યો. મૂળ લિંગ ત્યાંનું ત્યાંજ રહી ગયું. જ્યાં કોટેશ્વરનું મંદિર બન્યું.

ઊંચા ટેકરા પર આવેલા કોટેશ્ર્વર તથા તેની પાસેના કલ્યાણેશ્ર્વર મહાદેવનાં મંદિરોનો કચ્છના રાજવીઓએ પોતાની શ્રદ્ધાના પ્રતીક સ્વરૂપે વખતોવખત ર્જીણોદ્ધાર કરાવ્યો હોવાના શિલાલેખ મોજૂદ છે. 

લખપત તાલુકાના નારાયણ સરોવરથી તે 1 કિ.મી. અને ભૂજથી 165 કિ.મી. દૂર આવેલ છે. કોટેશ્વરના શિવમંદિરનું એક મીટર ઊંચું લિંગ સ્વયંભૂ મનાય છે. દેવોએ તે રાવણ પાસેથી છળકપટથી પ્રાપ્ત કરેલ એવી કિંવદન્તી છે. જૂનું મંદિર સં. 1875ના જેઠ વદિ નોમના રોજ થયેલ ધરતીકંપને કારણે ધરાશાયી થતાં જેઠા શિવજી તથા સુંદરજી શિવજી સોદાગરે રાવ ભારમલના શાસનમાં તેનાં મંડપ, કોટ, ભંડાર, બેઠકની જગ્યા વગેરે બંધાવ્યાં હતાં. મંદિરનું સમગ્ર કામ સં. 1877ના મહા સુદ તેરસને દિવસે પૂર્ણ કર્યું હતું. લિંગ ઉપર ઘાનાં નિશાન છે. મંદિરનો પિત્તળનો નંદી રાવ દેશળજી પહેલાએ (1718-41) સ્થાપિત કર્યો હતો. જૂના મંદિરના એક પથ્થર ઉપરના લેખથી સૂચિત થાય છે કે જૂનું મંદિર ઘોલાયના કેરોએ બંધાવ્યું હતું. નવું મંદિર બાંધતી વખતે પૂર્વ તરફનો પાયો અકબંધ રાખી તેનું પશ્ચિમ તરફ વિસ્તરણ કરેલ છે. નજીકમાં ઉપર દર્શાવેલ ગૃહસ્થોએ કલ્યાણેશ્વરનું બીજું મંદિર બંધાવ્યું હતું. તેની નજીક કુંડ છે. લોકો અહીં સ્નાન કરી શ્રાદ્ધ કરે છે. નીલકંઠેશ્વરનું મંદિર લાખા ધુરારાની ગોહિલ રાણીએ તેરમી સદીમાં બંધાવ્યાનું કહેવાય છે. તેનો જીર્ણોદ્ધાર સુંદરજી સોદાગર અને દોલતગરજી ગોસાંઈએ કરાવ્યો હતો. કોટેશ્વરના નાથ સંપ્રદાયના સાધુ તેની પૂજા કરતા હતા.
આ સ્થળ એક સમયે બૌદ્ધ ધર્મનું મથક હતું. ચીની મુસાફર હ્યુએન સંગે (640 AD) તેનો Kie-tsi-fa-lo તરીકે ઉલ્લેખ કર્યો જણાય છે. તેના કથન મુજબ કોટેશ્વરનો ઘેરાવો 8 કિમી.નો હતો. સિંધુ નદી તથા અરબી સમુદ્રની નજીક તે હતું. ત્યાં 80 જેટલા બૌદ્ધ વિહારો હતા. તેમાં હીનયાન પંથના 5000 બૌદ્ધ સાધુઓ રહેતા હતા. આ શહેરમાં તેર મંદિરો હતાં. સૌથી મોટા શિવમંદિરની માહેશ્વરની મૂર્તિ ચમત્કારિક મનાતી હતી. તેની પૂજા ભસ્મધારી સાધુઓ કરતા હતા.

કોરી ખાડીના મુખથી અંદરના ભાગમાં 15 કિમી. દૂર કોટેશ્વરનું બારું આવેલ છે. તે કરાંચીથી સહુથી વધુ નજીક છે. સિંધ સાથે તેનો બહોળો વેપાર હતો. રેલવેની શરૂઆત પછી આ બંદરનો વેપાર ક્રમશ: ઘટ્યો હતો. 1962-63થી બંદરની આયાત-નિકાસ બંધ છે. તેમ છતાં પાનન્ધ્રોના લિગ્નાઇટની નિકાસ માટે સરકારે જેટી બાંધી છે. કોરી ખાડી અને નજીકની સીર ખાડી મચ્છીમારીનાં સમૃદ્ધ ક્ષેત્રો ધરાવે છે. મંદિરોને કારણે યાત્રાળુઓ માટેની કેટલીક ધર્મશાળાઓ આવેલ છે. 
કચ્છના લખપત તાલુકાના છેવાડે આવેલ આ સ્થાનનું ભુજથી અંતર ૧૬૩ કિ.મી. છે. આ દરિયાઈ સરહદી વિસ્તાર હોવાથી મંદિરમાં કે આસપાસ રાત્રિરોકાણની મનાઈ છે, પરંતુ પાસેના જ નારાયણ સરોવર તીર્થમાં રહેવા-ભોજનની પૂરતી વ્યવસ્થા છે.
આ સ્થળ ભારતના છેક પશ્ચિમ છેડા પરની જળસીમા અને ભૂમિસીમા ઉપર આવેલું હોવાથી તેનું લશ્કરી ર્દષ્ટિએ વ્યૂહાત્મક મહત્વ છે.

- ઈશ્વર પ્રજાપતિ

No comments:

Post a Comment