નયનરમ્ય બર્ફીલા પહોડોની ભીતર આવેલું આસ્થા અને આશ્ચર્યની અલૌકિક ધામ કેદારનાથ
ચારધામ યાત્રાનું હિન્દૂ પરંપરામાં આદિકાળથી અનેરું મહત્વ રહેલું છે. હિમાલયની ગોદમાં શિવજીના સાનિધ્યમાં દિવસો પસાર કરવાની અનુભુતિ આહલાદક હોય છે. એકવીસમી સદીના આધુનિક ટેકનોલોજીના યુગમાં પણ આ પ્રાચીન દેવાલયો અનેક આશ્ચર્યો અને રાહસ્યો પોતાની ગોદમાં સમાવી બેઠા છે. એ રહસ્યો સમજવા અકળ છે. આજે વાત કરવી છે ચારધામ માંના એક યાત્રાધામ કેદારનાથ ધામની. દ્વાદર્શ જ્યોતિર્લિંગ માં જેનું અદકેરું મહત્વ છે. વિષમ આબોહવા, અનેક મુશ્કેલીઓ વેઠીને જીવના જોખમે પણ દર વર્ષે લાખો શ્રધ્ધાળુઓ ભોલે બાબાના દર્શને પાહીચે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અત્યંત વ્યસ્તતા વચ્ચે પણ અવારનવાર કેદારનાથજીના દર્શને આવે છે. આવો આજે જાણીએ કેદારનાથ ધામની રોચક વાતો.
આ વાત છે 16 જૂન 2013 ની. દેવ ભૂમિ ઉત્તરાખંડ જાણે આકાશી મોત ત્રાટક્યું. જલપ્રલયે રૌદ્ર રૂપ ધારણ કર્યું. કુદરતે બાબા કેદારનાથ ધામમાં એવો વિનાશ વર્તાવ્યો કે મંદિર ચોકમાં લાશો, કાટમાળથી ભરાઈ ગયો હતો. ગૌરીકુંડ અને રામબાડા સંપૂર્ણ રીતે બરબાદ થઈ ગયુ. 10,000 ઉપરાંત લોકો મોત ને ભેટ્યા. હોટલ, લોજ અને બજારના બજાર વહી ગયા. વાદળ ફાટવાથી અહી એવી તબાહી મચી હતી કે ચારેબાજુ હાહાકાર મચી ગયો હતો. આસપાસ મોર્ડન ટેકનોલોજીથી બનેલ મકાન, હોટલો, લોજ પત્તાની જેમ વિખરાય ગયા હતા. બાબા કેદારનાથના પ્રાચીનત્તમ મંદિર ને ઉની આંચ ન આવી. આવું વિકરાળ જળપ્રલય મંદિરની એક કાંકરી પણ ખેરવી ન શક્યું. 6 ફીટના જે માળખા પર મંદિર બન્યુ છે બસ એ જ બચી ગયુ હતુ. છેવટે એવુ શુ છે આ મંદિરમાં. હજારો વર્ષ જુનુ આ મંદિરને કુદરતનો વિનાશ હલાવી પણ ન શક્યો. શુ આ ફક્ત કુદરતનો જ ચમત્કાર છે કે પછી પ્રાચીન ભવન નિર્માણ શૈલીનો આધુનિક તકનીકને પડકાર છે. કોણે બનાવ્યુ કેદારનાથ મંદિર, ક્યારે બનાવ્યુ, કેવી રીતે બનાવ્યુ આવો જાણીએ કેદારનાથ મંદિર વિશે.
કેદારનાથએ ભારત દેશના ઉત્તરભાગમાં આવેલા ઉત્તરાખંડ રાજ્યમાં રુદ્રપ્રયાગ જિલ્લામાં આવેલુ છે, જે બાર જ્યોતિર્લીંગો પૈકીના એક એવા શ્રી કેદારનાથ મંદિર માટે પ્રખ્યાત છે. અહીંનો વહીવટ કેદારનાથ નગર પંચાયત દ્વારા કરવામાં આવે છે. આ દુર્ગમ સ્થળે જવા માટે સડક માર્ગ ઉપલબ્ધ નથી, આથી પગપાળા , ઘોડા પર સવાર થઇ અથવા પાલખી દ્વારા જવું પડે છે. હિમાલયમાં આવેલા ચારધામ પૈકીનું આ એક ધામ ગણાય છે.
કેદારનાથ ધામ દરેક બાજુએથી નયનરમ્ય પહાડો ઘેરાયેલું મનોહર ધામ છે. એક તરફ 22 હજાર ફૂટ ઉંચા કેદારનાથ, બીજી તરફ 21,600 ફૂટ ઉંચા ખર્ચકુંડ અને ત્રીજી તરફ 22,700 ફૂટ ઉંચો ભરતકુંડ. હિમાલયના સફેદ ઊંચા બર્ફીલા પહાડોની ગોદમાં બિરાજમાન કેદારનાથ મહાદેવ મંદિરનું સૌંદય અલૌકિક છે. કેદારનાથ ધામ દેશના બાર જ્યોતિર્લિંગોમાં સર્વોચ્ચ કેદારેશ્વર જ્યોતિર્લિંગ છે.
પૌરાણિક કથા અનુસાર હિમાલયના કેદાર શ્રૃંગ પર ભગવાન વિષ્ણુના અવતાર મહાતપસ્વી નર અને નારાયણ ઋષિ તપસ્યા કરતા હતા. તેમની આરાધનાથી પ્રસન્ન થઈને ભગવાન શંકરે પ્રકટ થયા અને તેમની પ્રાર્થનાને જોઈને જ્યોતિર્લિંગના રૂપમાં હંમેશા વિરાજમાન રહેવાનું વરદાન આપ્યું. આ સ્થળ કેદારનાથ પર્વતરાજ હિમાલયના કેદાર નામક શ્રૃંગ પર આવેલું છે. , એવો ઉલ્લેખ છે કે મહાભારત કાળમાં પણ આ સ્થળે ભગવાન શિવજીનું સ્થાન હતું અને કેદારનાથ ખાતે જ પાંડવોએ ભગવાની શિવજીને રીઝવ્યા હતા. એવું કહેવાય છે કે આ મંદિર સૌ પ્રથમ પાંડવોએ બનાવડાવ્યું હતું. પરંતુ સમયની સાથે તે લુપ્ત થઈ ગયું. આ પછી 8મી સદીમાં આદિશંકરાચાર્યે એક નવા મંદિરનું નિર્માણ કરાવ્યું જે 400 વર્ષ સુધી બરફમાં દબાયેલું રહ્યું.
આ સ્થળ દરિયાઈ સપાટીથી ૩૫૮૩ મીટર ( ૧૧,૭૫૫ ફૂટ ) જેટલી ઉંચાઈ પર આવેલું હોવાને કારણે અહી વર્ષના છ મહિના જેટલો સમય બરફ છવાયેલો રહે છે. કેદારનાથ મંદાકિની નદીના કિનારે વસેલું છે. ત્યાંથી ઉપરના ભાગમાં ચોરાબારી ગ્લેશીયર આવેલું છે.આ સ્થળે જવા માટે ગૌરીકુંડ સુધી વાહનોની સગવડ મળે છે, જે કેદારનાથથી ૧૪ કિ.મી. જેટલા અંતરે આવેલું છે. સૌથી નજીકના રેલ્વેસ્ટેશન હરિદ્વારઅને ઋષિકેશ અને વિમાનમથક દહેરાદૂન ( જોલી ગ્રાંટ હવાઈ મથક ) ખાતે આવેલા છે.
લગભગ 85 ફુટ ઉંચું, 187 ફુટ લાંબુ અને 80 ફુટ પહોળું છે કેદારનાથ મંદિર. તેની દિવાલો 12 ફુટ પહોળી છે અને ખૂબ જ મજબૂત પથ્થરોમાંથી બનાવાઈ છે. મંદિરને 6 ફુટ ઉંચા ચબૂતરા પર ઉભું કરવામાં આવ્યું છે. આટલા ભારે પથ્થરોને આટલી ઉંચાઈ પર લઈ જઈને મંદિર કેવી રીતે બનાવાયું તે આજે પણ એક રહસ્ય છે.
આ મંદિરના બાંધકામમાં ઇંટો નહી પરંતુ મોટા પત્થરોનો ઉપયોગ કરાયો છે. આ પત્થરોને આકાર આપીને તેઓ એકબીજા સાથે "ઇન્ટરલોક"થી જોડાયેલા રહે તે પ્રમાણે બાંધકામ થયું છે. પરિણામે પ્રચંડ પુર છતાં આ પત્થરો એકબીજાની સાથે ઇન્ટરલોકથી જોડાયેલા હોવાને કારણે જ ટકી શક્યા છે. એમ પણ કહેવાય છે કે પુરના પાણી આવ્યા તે પહેલા મંદિરના પાછળના ભાગમાં એક મોટો પત્થર ધસી આવ્યો હતો જેને મંદિરની આડશ તરીકે કામ કર્યું અને પુરના પાણી આ પત્થરને અથડાઇને વહી ગયુ હતુ.
મંદિરના ગર્ભ દ્વારમાં અણિયારા પત્થરોમાંથી નિર્મિત ભગવાન શિવજીની પુજા થાય છે. મંદિરની અંદર ઘોર અંધકાર હોય છે અને દીપના અજવાળે ભગવાન શિવજીના દર્શન થાય છે. શિવલિંગ સ્વયંભુ છે. મંદિરમાં પ્રવેશતા યાત્રીઓ જળાભિષેક અને પુષ્પમાળા ચડાવે છે અને ભગવાનને ઘી અર્પણ કરીને બહારનીકળે છે. મૂર્તિ ચાર હાથ લાંબી અને દોઢ હાથ ઉંચી છે. એવુ કહેવાય છે કે જે વ્યક્તિ કેદારનાથની યાત્રા કર્યા વગર બદ્રીનાથની યાત્રા કરે છે તેની યાત્રા નિષ્ફળ જાય છે.
આ ધામ હવામાનની વિષમતાના કારણે દિવાળીના બીજા દિવસે ઠંડીમાં કેદારનાથ મંદિરના દ્વાર બંધ કરી દેવામાં આવે છે. 6 મહિના સુધી મંદિર આસપાસ કોઈ નથી રહેતું પરંતુ આશ્ચર્યની વાત એ છે કે દીવો 6 મહિના સુધી પ્રજ્વલિત રહે છે. પૂજારી કપાટ બંધ કરીને ભગવાનના વિગ્રહ અને દંડને 6 માસ સુધી પહાડની નીચે ઉખીમઠમાં લઈ જાય છે. 6 મહિના બાદ મે અથવા એપ્રિલના અંતમાં કેદારનાથ મંદિરમાં કપાટ ખુલે છે. અક્ષયતૃતિયાથી શરૂ કરીને કાર્તિક સુદ પૂર્ણિમા સુધી દર્શન માટે ખુલ્લું રહે છે. ત્યારે ઉત્તરાખંડની ચારધામ યાત્રા પ્રારંભ થાય છે. કેદારનાથ મંદિર સાથે જોડાયેલા એક અન્ય આશ્ચર્યની વાત એ છે કે 6 મહિના બાદ પણ તેવી જ સ્વચ્છતા જોવા મળે છે જેવી સ્વચ્છતા બંધ કરતા સમયે હોય છે.
જ્યાં બુદ્ધિશક્તિ કામ કરવાનું બંધ કરે તેવી ઘટનાઓ અને બનાવોને માનવી ચમત્કાર એવું નામ આપે છે. આવા અનેક ચમત્કારોની આ પાવન ભૂમિ ના દર્શન નું દરેક હિન્દૂ નું સ્વપ્ન હોય છે. તમામ પળોજણમાંથી મુક્ત બની એક વાર અપ્રતિમ પ્રાકૃતિના અનુપમ સૌંદર્યને નિહાળવા આવવું જોઈએ. બર્ફીલા પહાડોની વચ્ચે સમસ્ત સૃષ્ટિ શિવમય ભાસે છે. અહીં આવનાર વ્યક્તિ નવી દૃષ્ટિ લઈ પરત ફરે છે .
લેખન : ઈશ્વર પ્રજાપતિ
આપ આપના પ્રતિભાવ નીચેના નંબર પર whatsapp દ્વારા મોકલી શકો છો.
98251 42620
No comments:
Post a Comment