Thursday, May 30, 2019

વ્યક્તિ વિશેષ : ભરત વ્યાસ

નાટ્યકાર, દિગ્દર્શક અને રંગભૂમિના અલગારી અદાકાર ભરત વ્યાસ



        સાબરકાંઠા અને ઉત્તર ગુજરાતમાં રંગભૂમિને સમર્પિત થયા હોય એવા કલાકારની યાદીમાં  અભિનય સમ્રાટ પદ્મશ્રી ઉપેન્દ્ર ત્રિવેદીનું  નામ  પ્રથમ પંક્તિમાં આદર સાથે મૂકવું જ પડે. અભિનય અને શાલીન વ્યક્તિત્વ થકી લાખો લોકોના હૃદયમાં તેઓ સ્થાન પામ્યા. કલા કલાજગતને સાબરકાંઠાએ પદ્મશ્રી ઉપેન્દ્ર ત્રિવેદી રૂપે આપેલી અણમોલ ભેટ છે. 
      પદ્મશ્રી ઉપેન્દ્ર ત્રિવેદી બાદ સાબરકાંઠા અને ઉત્તર ગુજરાતમાં રંગભૂમિ ક્ષેત્રે અમૂલ્ય યોગદાન આપ્યું હોય તેવા કલાકારો આંગળીના વેઢે ગણી શકાય તેટલા છે. તેવું એક નામ એટલે રંગભૂમિનો ભેખધારી, રંગભૂમિના રંગથી રંગાયેલા આજનો  અલગારી  અદાકાર એટલે ભરત વ્યાસ.
            ભરત વ્યાસ. 
          નાટ્યકાર, લેખક, દિર્ગદર્શક અને અભિનેતા ભરત વ્યાસે નાટ્યકલા કલા ક્ષેત્રે સાબરકાંઠા અને સમસ્ત ઉત્તર ગુજરાતને એક નવી ઓળખ પ્રદાન કરી છે. રાજ્ય સરકારનું પ્રતિષ્ઠિત સન્માન એવા ગૌરવ પુરસ્કારથી સન્માનિત એવા ભરત વ્યાસે તખ્તાના પીળા પ્રકાશે સમસ્ત પંથકનું નામ અજવળ્યું છે. 
કાળઝાળ મોંઘવારીમાં આજના સમયે રંગભૂમિને જ પોતાનો વ્યવસાય બનાવી પોતાનું ઘર ચાલતા એક કલાકારના જીવનના અનેક પડકારો હોય છે. રંગમંચના રંગીન દૃશ્યો અને વાસ્તવિક જીવનના વચ્ચે આસમાન જમીન જેટલું અંતર હોય છે. એમ છતાં અનેક મુશ્કેલીઓ વેઠી, સંઘર્ષો સહ્યા અને પડકારો અને પડકારીને ભરત વ્યાસે સમસ્ત જીવન રંગભૂમિને સમર્પિત કરી દીધું છે. 
            ઉત્તર ગુજરાતના કલાના કસબીઓમાં ભરત વ્યાસ નું નામ અજાણ્યું ન હતું. પરંતુ સમસ્ત ગુજરાત, ભારત તેમજ વિશ્વમાં વસતાં ગુજરાતીઓને તેઓના કલાના કસબનો પરિચય ત્યારે થયો, જ્યારે ગત વર્ષે તેઓની બાળ ફિલ્મ "મસ્તીખોર" થિયેટરોમાં ધૂમ મચાવી રહી હતી.ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર હિતેન કનોડિયા એ સુંદર અભિનય આપ્યો, થિયેટરોમાં તમામ શો હાઉસફુલ ગયા.  સમાજને સુંદર સંદેશો આપતી આ બાળ ફિલ્મ દ્વારા ભરત વ્યાસે પોતાની કાબેલિયાતનો પરચો બતાવ્યો. 



    સાબરકાંઠાના ઇડર તાલુકાનું કડિયાદરા તેઓનું મૂળ વતન. માતા કમળાબેન આંગણવાડી કાર્યકર અને પિતા બાબુલાલ વ્યાસના કર્મકાંડ કરી પરિવારનું ભરણપોષણ કરે. બ્રાહ્મણ પરિવારની ખૂબ સામાન્ય આર્થિક પરિસ્થિતિ. 
         વર્ષો પહેલા ગામમાં ખાડા ની જૂની રંગભૂમિ ની મંડળી આવતી ને એમાં બાબુલાલએ કલાકારોની સેવા સુશ્રુષા કરતા. મકાન ભાડે આપતાં. એ એમની રંગ ભરી રંગભૂમિની વાતો માણતા ને એમનો દીકરો એટલે કે ભરત વ્યાસ નાટકો જોતો અને કોઈવાર જાહેરાતની લારી સાથે હાથમાં ભૂંગળું પકડી નાટકોની જાહેરાત કરતો ને નાટકોની જાહેરાત કરતાં વિદૂષકનો વેશ ધારણ કરેલ કલાકારની હાથલારી ખેંચવામાં મદદ કરતા. આ નાટકની જાહેરાતના પેમ્પલેટ રંગભૂમિ રસિયાઓને વહેંચવામાં મદદ કરતા. એમ કરતા બચપનથી નાટકમાં રસ પડવા લાગ્યો. આ રીતે રંગભૂમિ પ્રત્યેના પ્રેમના બીજ ભરત વ્યાસમાં બાળપણથી જ અજાણતા વવાઈ ચુક્યા હતા. 
          16 વર્ષની વયે 1988માં શાળામાં સૌપ્રથમ "પ્રણય અને પોલીસ ચોકી" એકાંકીમાં પોલીસ ઈન્સ્પેકટરની ભૂમિકાથી નાટકમાં અભિનય કરી નાટય જગતમાં મંગલ પ્રારંભ કર્યો.
              કોલેજકાળમાં ઇડર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં કોમર્સના વિદ્યાર્થી તરીકે પ્રવેશ મેળવ્યો. ત્યારે રંગભૂમિના દિગ્ગજ કલાકાર પ્રા નિકુંજ દવેના માર્ગદર્શન અને પ્રોત્સાહનથી નાટકો ભજવવા કોલેજની નાટક મંડળી સમા મિત્રો સાથી કોલેજ સ્પર્ધામાં નાટકો ભજવતાં જેમાં ભરત વ્યાસ અગ્રેસર રહેતા.
       1986માં અરવિંદ પંડયા લિખીત, નિકુંજ દવે દિગ્દર્શિત, દ્વિઅંકી નાટકમાં ભરત વ્યાસે શંકર ભગવાનનો અભિનય કર્યો. ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીની નાટ્યસ્પર્ધામાં આ નાટક રજૂ થયું. જેમાં ભરત વ્યાસને શ્રેષ્ઠ અભિનેતા એવોર્ડથી નવાજવામાં આવ્યા.
       ભરત વ્યાસની બી.કોમ ની પદવી મેળવી રંગભૂમિ અર્થે મુંબઈ ગયા. જ્યાં ભારતીય વિદ્યાભવન મુંબઈમાં શ્રી ગિરીશ દેસાઈ અને પ્રબોધ જોશીના પરિચયમાં આવ્યા અને એમના સથવારા થકી નાટકમાં અભિનયના અજવાળા પાથરતા રહ્યા.
       હિંમતનગર શહેરમાં રંગભૂમિ નાટકનો પાયો નાંખ્યો. ભરત વ્યાસનું ઉપનામ સાગર તેથી સાગર ઉપનામથી લેખન ક્ષેત્રે ઝંપલાવ્યું. તો સાગર અકાદમીની સાંસ્કૃતિક કલા સંસ્થા સ્થાપી ભરત વ્યાસે 35 એકાંકી નાટકોમાં અભિનય આપ્યો. તો 11 એકાંકી નાટકો લેખન કર્યું. તથા 28 થી વધુ એકાંત વિધિ અને નાટકોનું દિગ્દર્શન કર્યું છે ગુજરાત સંગીત નાટક અકાદમીના નવથી વધુ એવોર્ડ મળ્યા છે સાબર નાટકનો એવોર્ડ રમણલાલ વોરાના હસ્તે મળ્યું છે ગુજરાત અને ગુજરાત બહાર અનેક નાટકોનું પર્ફોમન્સ કર્યું છે. ભરત વ્યાસ રંગભૂમિનો "સાબર રત્ન" પુરસ્કારથી સન્માનિત થયા. 


        ભરત વ્યાસના યાદગાર નાટકો સરદાર જેમાં સરદારની મુખ્ય ભૂમિકા ભજવી. જેનું લેખન-દિગ્દર્શન સંભાળ્યું. વર્ષ 2010માં "મારી દીકરી લાડકવાઈ" ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી આયોજિત ત્રિઅંકી નાટય સ્પર્ધામાં ફાઇનલમાં આવ્યું. જેમાં શ્રેષ્ઠ નાટક,શ્રેષ્ઠ મૌલિક નાટક, શ્રેષ્ઠ દ્રશ્ય રચના, શ્રેષ્ઠ પ્રદર્શન, તથા શ્રેષ્ઠ પુરુષ અને શ્રેષ્ઠ સ્ત્રી કલાકાર એમ સાત એવોર્ડ પ્રાપ્ત કર્યા. જે સિદ્ધિ નાનીસૂની તો ન જ કહેવાય. ઉત્તર ગુજરાત માંથી કોઇપણ ત્રિઅંકી નાટક ને એવોર્ડ મળ્યા હોય તેઓ અત્યાર સુધીનો આ પ્રથમ પ્રસંગ છે.

1980 થી 2003 સુધી "ચોરસ દુનિયા" પ્રણય અને "પોલીસ ચોકી, ડીમ લાઈટ, ફ્લોરા ફાઉન્ટેન, ખુલ્લા બારણાં, હું જે કહી તે સત્ય કહીશ, આથમતા સૂરજના પડછાયા, થીગડું અને ગોદરી જેવા એકાંકિ નાટકોમાં ભરત વ્યાસે અભિનયના અજવાળા પાથર્યા છે.
         ફુલ લેન્થ નાટકો 1980થી "વિંછુડો, ચાલ સખી કરીએ કરાર, નિયતિ, ભૂમિપુત્ર સરદાર, માલવ પતિ મુંજ, છોરું કછોરું, અલ્લડ છોકરી, તથા 2013 એકમેકના સથવારા માં અભિનયની પૂરી પ્રશંસા થઈ છે. તો તે નાટકોનું ભરત વ્યાસનું દિગ્દર્શન ખૂબ સફળ રહ્યું છે. તે ખૂબ લોકચાહના પામ્યા છે.
         સાગર અકાદમી દ્વારા 150 થી વધુ કલાકારોને પ્લેટફોર્મ પૂરું પાડીને પ્રોત્સાહન આપ્યું છે. જેમાં મહેન્દ્ર પ્રજાપતિ, મહેશ પંડ્યા, જયપ્રકાશ જોશી, વિરલ રાવલ જેવા કલાકારો આજે રંગભૂમિનું ઘરેણું છે.
          ભરત વ્યાસ લિખિત દિગ્દર્શિત "મા બાપને ભૂલશો નહીં" નાટકના 50 સફળ શો કરી સમગ્ર ઉત્તર ગુજરાત ક્ષેત્રે નવી રંગભૂમિ પર એક જ નાટકના સૌથી વધુ શૉ કરી શહેરમાં ગૌરવ વધાર્યું છે. આ નાટક આજે પણ ભજવાય છે. 
ભરત વ્યાસની રંગભૂમિની સેવા બદલ રાજ્ય સરકાર તેમજ અનેક પ્રતિષ્ઠિત સંસ્થાઓ દ્વારા 29 જેટલા એવોર્ડ્સ થી ભરત વ્યાસને સન્માનવામાં આવ્યા છે.
    આગામી સમયમાં સમાજને ઉત્તમ નાટકો ફિલ્મો થકી રંગભૂમિની ઉત્તમ આરાધના કરતા રહે તે માટે ભરત વ્યાસ ને અઢળક શુભેચ્છાઓ.

સંદર્ભ:  સ્મરણ ફેરા
            ભીખુ કવિ

 (આવી જ વિરલ વ્યક્તિ વિશેની રસપ્રદ વાતો જાણીશું આવતા ગુરુવારે...)   

લેખન : ઈશ્વર પ્રજાપતિ
આપ આપના પ્રતિભાવ નીચેના whatsapp no. પર લખી મોકલી શકો છો.
(98251 42620)

નોંધ:- મિત્રો બ્લોગની લિંક આપ શેર કરી શકો છો પરંતુ  બ્લોગના આર્ટિકલ્સને પોતાના નામે ચડાવી વાયરલ કરવાનો અવિવેક ન કરવા વિનંતી

Monday, May 27, 2019

આપણો જિલ્લો, આપણું વતન અરવલ્લી ભાગ - 17

અરવલ્લી જિલ્લાના સાહિત્ય રત્નો ભાગ -1


       
       અરવલ્લી જિલ્લો આમતો ખોબા જેવડો, અંતરીયાળ જિલ્લો છે. એમ છતાં આ ધરાએ શ્રેષ્ઠત્તમ સાહિત્યકારો સાહિત્ય જગતને ભેટ ધર્યા છે. સાહિત્ય જગતમાં પ્રતિષ્ઠિત એવા જ્ઞાનપીઠ પુરસ્કાર અપાવી ગુજરાતી સાહિત્યને ગૌરવ અપાવનાર બે - બે  મૂર્ધન્ય સાહિત્યકરો અરવલ્લી એ આપ્યા છે. આ ઉપરાંત બાળસાહિત્ય ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરનાર સાહિત્યકારો, અનુવાદકો પણ આપ્યા અને પત્રકારીતા જગતમાં શ્રેષ્ઠત્તમ પ્રદાન કરનાર પત્રકારો પણ આ જ ધરાની દેન છે. આ ધરામાં શબ્દ વાવીએ તો નવલકથાઓ ફૂટે છે, કવિતાઓ ફુટે છે, સત્ય ઘટનાઓ આધારે નારી સંવેદનાઓનો ચિત્કાર ફૂટે છે. આ ધરા એ શબ્દના અજવાળે સમસ્ત સાહિત્ય જગતને અજવાળ્યું છે. આવો આપણો જિલ્લો આપણું વતન ના આ મણકામાં  પરિચય મેળવીએ અરવલ્લીના મૂર્ધન્ય સાહિત્યકારો વિશે.

ઉમાશંકર જોશી 
(જન્મ: 21-Jul-1911  મૃત્યુ :- 19-Dec-1988):

             વાસુકિ ઉપનામ ધરાવતા ઉમાશંકર જોશી વિશ્વશાંતિ કવિ છે.
         ઉમાશંકર જોશીના પિતાશ્રી શામળાજી પાસેના ડુંગરમાં આવેલા લૂસડિયા ગામના વતની હતા. એમના પિતાશ્રી છપ્પનિયા દુકાળમાં લૂંટાયા પછી બામણમાં એમણે વસવાટ કર્યો બામણામાંજ ઉમાશંકર જોશીનો જન્મ થયેલો. ચોથા ધોરણમાં શિક્ષકની ગેરહાજરીને કારણે એક વર્ષ બગડયું. ઈડર છાત્રાલયમાં મેટ્રિક સુધીનો અભ્યાસ કર્યો. ત્યારબાદ અમદાવાદ કોલેજમાં ભણ્યા. “નખી સરોવર ઉપર શરત પૂર્ણિમા” એમનું પ્રથમ કાવ્ય છે.
       એમણે કવિતા, નાટક, નવલિકા, નિબંધ, વિવેચન, નવલકથા, સંપાદન-સંશોધન ક્ષેત્રે અનન્ય કાર્ય કર્યું છે. ભારતની તમામ માન્ય ભાષામાંના સાહિત્યકારો માંથી કોઈ એક ભાષાના સાહિત્યકારને અપાતો પ્રતિષ્ઠિત એવોર્ડ ‘જ્ઞાનપીઠ એવોર્ડ’ મેળવનાર પ્રથમ ગુજરાતી સાહિત્યકાર છે, ઉમાશંકર જોશી (1967) જે એમના નિશીથ કાવ્ય સંગ્રહ માટે મળેલો.
        ગુજરાત વિદ્યાપીઠના વાતાવરણને કારણે આઝાદીની લડતમાં ઝૂકાવ્યું. ૧૯૩૬ માં અર્થશાસ્ત્ર સાથે બી.એ. થયા. ૧૯૩૮માં ગુજરાત મુખ્ય વિષય સાથે એમ.એ. થયા. પાશ્યાત્ય સાહિત્યનો પરિચય, સંસ્કૃતનો ઊંડો અભ્યાસ પુરાણોનું ઊંડ્ડુ અધ્યયન, રવીન્દ્ર ટાગોરના સાહિત્યનું વાંચન દ્વારા એ ઘડાતા હતા. ભો.જે. વિદ્યાભવનમાં અધ્યાપક થયા. સ્વેચ્છાએ રાજીનામું આપી “સંસ્કૃતિ’ માસિક શરૂ કર્યું.
         ૧૯૫૩ સુધી સ્વનિયુક્ત પ્રવાસી શિક્ષક રહ્યા. ૧૯૫૪માં ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્યભવનમાં ગુજરાતીના પ્રોફેસર અને ભવનના અધ્યક્ષ. ૧૯૫૯માં મુંબઈ યુનિવર્સિટીના નિમંત્રણથી ઠક્કર વસનજી વ્યાખ્યાનમાળા. ૧૯૫૨માં ચીન, જાવા, બાલી, લંકા વગેરે એશિયાઈ દેશોનો, ૧૯૫૬માં અમેરિકાનો તેમ જ યુરોપનો, ૧૯૫૭માં જાપાનનો અને ૧૯૬૧માં રશિયાનો પ્રવાસ. ૧૯૫૭માં કલકત્તાની અખિલ ભારતીય લેખક પરિષદના વિભાગીય પ્રમુખ. ૧૯૬૬થી બે સત્ર માટે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ તરીકે સેવાઓ આપી.
           બાલ્યાવસ્થાથી પ્રકૃતિ સોંદર્યનું પાન કર્યુ અને એમનું હ્વય ઝરણું સ્વયમેવ ગુંજવા લાગ્યું. વિરાટ પ્રણયં કાવ્યમાં સમગ્ર વિશ્વના પ્રકૃતિ સૌંદર્યને સાસ્વાદાવે છે. જ્ઞાનપીઠ એવોડ એવોર્ડ અપવાનાર ‘નિશીથ’ કાવ્યમાં વિશ્વનું મધ્યરાત્રિના સમયનું સૌંદર્ય અભિનવ રીતે આલેખ્યું છે. તિશીથ (રાત્રિ)ને વિરાટ ધૌનટ કલ્પીને બ્રહ્માંડના ફલક પર એના નૃત્યનું વર્ણન કર્યું છે.
૧૯૬૮માં ગુજરાતી સાહિત્ય પરિષદના દિલ્હીના ૨૪મા અધિવેશનના પ્રમુખ. ૧૯૭૦-૭૬ દરમિયાન રાજ્યસભામાં લેખકની હેસિયતથી નિયુક્તિ. ૧૯૭૯-૮૧ દરમિયાન કલકત્તાની ‘વિશ્વભારતી’ના બિનવડાપ્રધાન એવા કુલપતિ. ૧૯૭૮માં સાહિત્ય અકાદમી દિલ્હીના પ્રમુખ બન્યા.
          કવિતામાં રૂઢ થઈ ગયેલા વિષયો પ્રેમ, સૌંદર્ય, પ્રકૃતિને છોડીને ‘ઉકરડો’ કાવ્ય લખ્યું. શુદ્ર માનીને આપણે કેરીના ગોટલાને ફેંકી દઈએ છીએ, જયારે ઉમાશંકર એ ગોટલામાં આમ્રવૃક્ષ દેખાય છે જે એમણે “ચૂસાયેલા ગોટલા” દ્વારા જણાવ્યું છે ‘કરાલકવિ’ માં ધુવડના કર્ણકરુ લાગતા શબ્દોમાં એમને કવિતા દેખાય છે. ૧૯ વર્ષની ઉંમરે કાવ્ય ‘વિશ્વશાંતિ’ પ્રગટ થયું (૧૯૩૦) ઉમાશંકર ગાંધીવાદ હોવાથી યંત્ર સંફ્કૃતિ અને શહેર કૃત્રિમતાનો વિરોધ કરે છે. “ગુજરાત મોરી મોરી” માં ગુજરાત પ્રત્યેની ભકિત દેખાય છે. જયારે ‘ભારત’ કાવ્યમાં ભારતની મહત્તા ગાઈ છે. ‘પ્રાચીના સંગ્રહમાં કવિએ યદ્ય નાટકનો એક પ્રકાર આપણને આવ્યો છે. ‘સાપનાભારા’ અને શહીદ એમના જાણીતા નાટકો છે.
         સાહિત્યના વિવિધ સ્વરૂપોમાં નોંધપાત્ર પ્રદાન કરનાર ગાંધીયુગના અગ્રણી સર્જક – વિવેચક છે. તેમની ગાંધીવિચારથી પ્રભાવિત કવિતા વિશ્વપ્રેમ સુધી પહોંચે છે. મુક્તકથી માંડી પદ્યનાટક સુધીના કાવ્યપ્રકારોમાં તેમનું સર્જન વિસ્તર્યું છે. તળપદી બોલી અને ગ્રામીણ પરિવેશ ધરાવતા એકાંકી-નાટકો, પાત્રમાનસને કેન્દ્રમાં રાખીને મર્મગ્રાહી ભાષા ઉઘાડતી એમની ટૂંકી વાર્તાઓ, હૃદયની વિવિધ છબીઓ આપતા નિબંધો અને વ્યક્તિચિત્રો, તો સૌંદર્યસૃષ્ટિ, સમભાવ અને બુધ્ધિમતાથી નિયંત્રિત અને સતત વિકાસશીલ એમના વિવેચનો – સંશોધનો – આ સર્વ ગુજરાતી સાહિત્યમાં વિશિષ્ટ પ્રદાન છે.


પન્નાલાલ નાનાલાલ પટેલ



                             (૭ મે ૧૯૧૨ – ૬ એપ્રિલ ૧૯૮૯)
       પન્નાલાલ પટેલને 'સાહિત્ય જગતનો ચમત્કાર' અને 'ગુજરાતી સાહિત્યનું પરમ વિસ્મય' જેવા બિરુદોથી નવાજવામાં આવ્યા છે. એમનો જન્મ ૭ મે ૧૯૧૨ના રોજ હવે રાજસ્થાન રાજ્યમાં આવેલા ડુંગરપુર જિલ્લાના માંડલી ગામમાં નાનાશા અથવા નાનાલાલ અને હીરાબાને ત્યાં આંજણા ચૌધરી કુટુંબમાં થયો હતો. તેઓ તેમના ચાર ભાઇ-બહેનોમાં સૌથી યુવાન હતા. તેમના પિતા ખેડૂત હતાઅને રામાયણ, ઓખાહરણ અને અન્ય ધાર્મિક વાર્તાઓનું તેમના ગામમાં પઠન કરતા હતા. આને કારણે તેમના ઘરની નામના થઇ હતી. તેમના પિતા પન્નાલાલના નાનપણમાં જ મૃત્યુ પામ્યા અને તેમની માતા હીરાબાએ સંતાનોનો ઉછેર કર્યો હતો. તેમના શિક્ષણ દરમિયાન તેમની ગરીબીના કારણે અનેક અડચણો આવી હતી.
         તેઓ ઇડરની સર પ્રતાપ હાઇ સ્કૂલમાં માત્ર ચોથા ધોરણ સુધી જ અભ્યાસ કરી શક્યા. શાળાજીવન દરમિયાન તેઓ ઉમાશંકર જોષીનામિત્ર બન્યા હતા. થોડો સમય માટે તેમણે ડુંગરપુરમાં દારુના ભઠ્ઠા પર મેનેજર તરીકે નોકરી કરી હતી. તેમણે તેમની પ્રથમ નવલકથા અમદાવાદમાં એક સદગૃહસ્થના ઘરે નોકરી કરતા લખી હતી.
       માત્ર ચાર ચોપડી ભણેલા ગુજરાતી સાહિત્‍યજગતના આ ગુજરાતી તારલાને કોણ નથી ઓળખતું? જેમણે ઇડરનાં ડુંગરાઓમાં રહીને ગુજરાતની પજાને તળપદી ભાષા દ્વારા ઉત્તમ સાહિત્‍ય પ્રદાન કર્યું.
           નવલકથા, નવલિકા, નાટક, ચિંતન, બાળ સાહિત્ય વગેરેમાં પોતાની રચના દ્વારા ગુજરાતી સાહિત્યને બુલંદ કરીને ગુજરાતને દ્વીતીય જ્ઞાનપીઠ પુરસ્‍કાર અપાવ્યો.
          ગુજરાતી સાહિત્યજગતના કદાચ પ્રથમ એક એવા નવલકથાકાર જેઓ દ્વારા રચિત વાર્તા પર આધારિત ફિલ્મને શ્રેષ્ઠ પ્રાદેશિક ફિલ્મ તરીકેનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો. પન્નાલાલ પટેલ દ્વારા રચિત વાર્તા કંકુના આધારે દિગ્દર્શક કાંતિલાલ રાઠોડની ફિલ્મ કંકુ શિકાગોનાં આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં ચારેય તરફ ચમકી ઉઠી હતી.
           લગભગ બધાજ પ્રકારના લેખનમાં તેમણે ગુજરાતની અબાલ વૃદ્ધ પ્રજાને સાહિત્ય આપ્યું છે. ૧૯પ૦માં પન્‍નાલાલ પટેલને તેમના અમૂલ્‍ય પ્રદાન બદલ ગુજરાત સરકારશ્રીએ ગુજરતી સાહિત્‍યનો સર્વોચ્‍ચ પુરસ્‍કાર રણજિતરામ સુવર્ણચંદ્રક આપ્યો. અને ભારત સરકારે ભારતીય સાહિત્‍યનો સર્વોચ્‍ચ પુરસ્‍કાર જ્ઞાનપીઠ પુરસ્‍કાર ૧૯૮પમાં તેમની રચના માનવીની ભવાઇ માટે અર્પણ કરીને તેમનું સન્‍માન કર્યું.
        પન્નાલાલ પટેલે ૬૧ જેટલી નવલકથા અને ૨૬ જેટલી ટૂંકી વાર્તા લખી છે. આ સિવાય પણ કેટલીક અન્ય કૃતિઓ લખી છે. તેમની વાર્તા કે નવલકથામાં ઉત્તર ગુજરાત, પ્રાદેશિક રૂઢિપ્રયોગો કે સાબરકાંઠા જિલ્લાની બોલી ની છાપ ઉપસી આવે છે. એમની ઘણી નવલકથામાં પ્રેમ કેન્દ્રસ્થાને રહ્યો છે. એમની ઘણી નવલકથામાં ગામની સંસ્કૃતિ,ગામના લોકો એમની સમસ્યા, એનું સમાધાન પણ કેન્દ્રસ્થાને રહ્યું છે.
          વળામણાં, સુરભિ, મીણ માટીના માનવી, નગદ નારાયણ, અજવાળી રાત અમાસની, એક અનોખી પ્રીત, પાર્થને કહો ચડાવે બાણ, શિવપાર્વતી, ભીષ્મની બાણશય્યા, કુબ્જા અને શ્રીકૃષ્ણ જેવી નવલકથાઓ ઉપરાંત સુખદુ:ખના સાથી, ધરતી આભનાં છેટા, રંગમિનારા, બિન્ની, પન્નાલાલ પટેલની શ્રેષ્ઠ વાર્તાઓ, વીણેલી નવલિકાઓ, જમાઇરાજ, ચાંદો શેં શામળો, સપનાનાં સાથી, અલ્લડ છોકરી, સ્વપ્ન, મળેલાં જીવ જેવા નાટકો, દેવનાં દીધેલ, વાર્તાકલ્લોલ ગુચ્છ, લોકમિનારા, બાળકિલ્લોલ જેવા બાળ સાહિત્યો, અલકમલક, સર્જનની સુવર્ણ સ્મરણિકા, લોકગુંજન જેવા પકીર્ણો અલપઝલપની આત્મકથા અને પૂર્ણયોગનું આચમન જેવી રચનાઓની સાહિત્યરસીકોને ભેટ આપનાર આ મહાન વિભૂતીનો તા. પ એપ્રિલ- ૧૯૮૯ના રોજ દેહ વિલય થયો. તેમની ખોટ આજે પણ ગુજરાતી સાહિત્યપ્રેમીઓમાં જણાય રહી છે.

(ક્રમશઃ)
(અરવલ્લીના અન્ય સાહિત્યકારો વિશે જાણીશું  આવતા સોમવારે)
લેખન - સંકલન :ઈશ્વર પ્રજાપતિ 
(આપના પ્રતિભાવ નીચે આપેલ whatsapp નંબર પર લખી મોકલી શકો છો )
(98251 42620)

નોંધ:- મિત્રો બ્લોગની લિંક આપ શેર કરી શકો છો પરંતુ મિત્રો મારા બ્લોગના આર્ટિકલ્સને પોતાના નામે ચડાવી વાયરલ કરવાનો અવિવેક ન કરવા વિનંતી




Thursday, May 23, 2019

વ્યક્તિ વિશેષ : ડો. મહેન્દ્રસિંહ ચૌહાણ


સેવા, સાદગી અને સત્યનિષ્ઠાનો ત્રિવેદી સંગમ, સાબરકાંઠાના પૂર્વ સાંસદ  ડૉ. મહેન્દ્રસિંહ ચૌહાણ 


              ચૂંટણી પરિણામ જાહેર થતાં જ આખરે આજે સૌની ઇન્તેઝારીનો અંત આવશે. સમસ્ત વિશ્વ ભારતના ચૂંટણી પરિણામો પર મીટ માંડીને બેઠું છે. સવા સો કરોડ ભારતીયો અનેક નવી આશાઓ અને અપેક્ષાઓ સાથે આતુરતા પૂર્વક પરિણામની રાહ જોઈ રહ્યા છે. જાણે આ પરિણામો બાદ ચમત્કારિક રીતે  ભાગ્ય બદલાઈ જવાનું હોય !! હા, ભાગ્ય જરૂર બદલાશે. પણ કોણું?? ચૂંટણી જીતીને આવનાર જનતાના પ્રતિનિધિઓનું. દેશ સેવાનું માધ્યમ ગણાતું રાજકીય ક્ષેત્ર આજે કમાણીનું સાધન બની ગયું છે. ચૂંટાયા પહેલા સાઇકલ ઉપર ફરનારા ચૂંટાયા બાદ પાંચ વર્ષના ટૂંકા ગાળામાં વૈભવી ગાડીઓમાં ફરતા આપણે સૌ જોઈ શકીએ છીએ. જનતાની "સેવા" કરતાં કરતાં આ પાંચ વર્ષ દરમિયાન એવું તો શું બને છે કે તેઓ બેસુમાર સંપત્તિના માલિક બની જાય છે. એ એક રહસ્ય છે. 
            આર્થિક પરિસ્થિતિની વાત કરીએ તો કેટલાક મુઠ્ઠીભર લોકોના હાથમાં દેશની 70 ટકા જેટલી સંપત્તિ જમા થઇ છે. એક અહેવાલ પ્રમાણે પાંચ કરોડ દેશવાસીઓ સાંજે ભોજન ન મળવાથી ભૂખ્યા સૂઈ જાય છે. તો બીજી બાજુ જનતાના ચૂંટાયેલા કેટલાક નિરક્ષર, અજ્ઞાની, અને અનેક અપરાધોના આરોપી એવા પ્રતિનિધિઓ જનતાના પૈસે તાગડધિન્ના કરતાં જોવા મળે છે. ત્યારે મન ખિન્નતા અનુભવે છે. આવી ચિંતા જનક રાજકીય પરિસ્થિમાં પણ કેટલાક આદર્શવાદી, સત્યનિષ્ઠ, કર્તવ્ય પારાયણ અને સેવાના ભેખધારી સાચા લોક સેવક જોઈએ ત્યારે દિલને શાતા મળે છે, ગૌરવ અનુભવાય છે. આજે વાત કરવી છે એવા જ એક પૂર્વ સાંસદની કે જેઓએ સત્તા માટે ક્યારેય ઉચ્ચ આદર્શો સાથે બાંધછોડ ન કરી. સાબરકાંઠાના આ પૂર્વ સાંસદનું નામ સૌ મતદારો આદરપૂર્વક લે છે. સેવા કર્યો થકી તેઓ લોકોના દિલમાં સ્થાન પામ્યા છે. 
           હા, આ વાત છે સાબરકાંઠાના પૂર્વ સાંસદ ડૉ. મહેન્દ્રસિંહ ચૌહાણજીની . 
          નિખાલસતા, સરળતા, સાદગી જેમનો સહજ સ્વભાવ છે, એવા મિતભાષી સર્જન એટલે સાબરકાંઠાના પૂર્વ સાંસદ ડો. મહેન્દ્રસિંહ ચૌહાણ. રાજકારણની કઠોળ અને કાંટાળી ભૂમિ પર આવી વ્યક્તિનું પદાર્પણ એ નક્કી એક અકસ્માત છે. અને એ અકસ્માત રાજકીય ક્ષેત્ર માટે શુકનવંતો પણ છે કારણકે આંગળીના વેઢે ગણાય તેટલા થોડા મૂલ્યનિષ્ઠ માણસો હવે રાજકીય ક્ષેત્રમાં બચ્યા છે જ્યારે બધે જ ખરા અને પૂરા પાણી પીવા મળતા હોય ત્યારે ડોક્ટર મહેન્દ્રસિંહ ચૌહાણ રાજકીય ક્ષેત્રમાં રણમાં એક મીઠી વિરડી જેવા છે.


           ડૉ. મહેન્દ્રસિંહ ચૌહાણે જ્યારે 2009માં પ્રજાના સમર્થન દ્વારા અનેક રાજકીય સમીક્ષકોને ખોટા પાડી 18 વર્ષ પછી એક દિગ્ગજને સરળતાથી હારાવ્યા, ત્યારે રીતસર રાજકીય ભૂકંપ સર્જાયો હતો. તેની અસર દિલ્હી સુધી થઈ હતી. 
         પ્રિ. નર્મદભાઈ ત્રિવેદી ( સંયોજક શિક્ષણ સંવર્ધન અભિયાન , સમન્વય ગુજરાત ) અને વિનાયક મહેતા (સહ સંયોજક સાબર વિકાસ મંચ ) સંભારણા સંસદના પુસ્તિકામાં એક લેખમાં જણાવે છે કે સાબરકાંઠા જિલ્લા પંચાયતમાંથી સીધા જ દેશની મહા પંચાયતમાં જવાનો અવસર એક મીઠી મૂંઝવણ સમાન હતો. તેમ છતાં પોતાને મળેલી આ તકને પ્રભુની પ્રસાદી સમજી લોકસભામાં તેમજ પોતાના સંસદીય મત વિસ્તારમાં કામ કરવાનો તેમણે પ્રયત્નો કર્યા છે. 
            
          લોકસભાની વાત કરીએ તો જ્યારે પ્રજાના સીધા જવાબદાર પ્રતિનિધિરુપ સાંસદો હાજરી આપવાનું ટાળતા હોય છે. પરંતુ  જવાબદારીની જાગૃતતા એટલી કે સંસદ ચાલુ હોય તે દરમિયાન એક રાજકીય ક્ષેત્રના વિદ્યાર્થીની જેમ તેઓ એક પણ દિવસ સંસદમાં જવાનું તેઓ ચૂક્યા નથી. તેમના પોતાના અંગત પારિવારિક સારા માઠા પ્રસંગોમાં પણ ઉપસ્થિત રહેવાની જવાબદારી પરિવારના સ્વજનોને સોંપી દે પણ સંસદમાં હાજર અચૂક રહે. મહત્તમ હાજરી સાથે પાર્લામેન્ટની કાર્યવાહીમાં ભાગીદાર બન્યા.સંસદ માં 100 % હાજરી આપનાર ગણ્યાગાંઠ્યા સાંસદોમાં એક સાંસદ ડૉ. મહેન્દ્રસિંહ ચૌહાણ હતા. એમણે 786 જેટલા પ્રશ્નો, 192 જેટલી ડિબેટસ, 18 જેટલા ઘેર સરકારી વિધેયકો રજૂ કરી ઉત્કૃષ્ટ કામગીરી કરી. એમની કરેલી રજૂઆતો માં ખેડૂતોના, આદિવાસી પ્રજાના, રેલવેની અપૂરતી સુવિધા, સિંચાઈ, ઉધોગોની સ્થાપના, શિક્ષણ, આરોગ્ય જેવા વિષયોને લગતાં અનેક પ્રશ્નોને ઉઠાવ્યા.
       સાંસદ તરીકે સંસદની તૈયારી જાણે પરીક્ષા આપવા જવાનું હોય તેટલી તન્મયતાથી કરી ખૂબ વાંચે ખૂબ લખે વંચાવે સુધારે અને જ્યાં સુધી સંતોષ ન થાય ત્યાં સુધી લખવા સુધારવાની પ્રક્રિયા ચાલુ જ રાખે. 
           એકવાર પ્રશ્નોત્તરી દરમિયાન બ્લેક મની બાબતે તેઓએ પૂછેલા તર્કબદ્ધ ધારદાર સવાલના જવાબ આપતા તાત્કાલિન વિત્તમંત્રી પ્રણવ મુખર્જી ગુસ્સે થઈ ગયા હતા. તેના વિરોધમાં પક્ષના તમામ સભ્યોએ ઊભા થઈ વિરોધ નોંધાવતાં ગૃહમાં હોં હા ધમાલ થઈ ગઈ. ગૃહ દસ મિનિટ માટે બંધ રહ્યું. ત્યારબાદ માન. મુખર્જીએ પોતે ગુસ્સે ન થવું જોઈએ તેની જાહેરમાં કબૂલાત પણ સ્વીકારી. ત્યારબાદ તાત્કાલિન વિરોધ પક્ષના નેતા સુષ્માજીએ ડો. મહેન્દ્રસિંહ ચૌહાણની બોલાવી સુંદર પ્રશ્ન પુછવા બદલ અભિનંદન આપતા કહ્યું "આપને તો હાઉસ મેં પાર્ટી કા ઝંડા ગાઢ દિયા."
          પ્રજાના પ્રશ્નો ને લગતા બીલો વર્ષો સુધી વિપક્ષોના વિરોધ વચ્ચે પાસ થઈ શકતા નથી . પરંતુ જ્યારે સાંસદોના પગાર વધારાના બીલ સંસદમાં રજૂ થતું હોય છે ત્યારે કોઈપણ જાતના વિરોધ વગર તરત જ પાસ થઈ જતું જોવા મળે છે. પરંતુ સાંસના પગાર વધારાનો વિરોધ કરનાર એકમાત્ર સંસદ ડો. મહેન્દ્રસિંહ ચૌહાણ હતા. ૧૫ મી લોકસભાના કાર્યકાળ દરમ્યાન સાંસદોના પગાર વધારાની માગણી મુદ્દો સંસદમાં ત્યારે ચર્ચામાં આવ્યો ત્યારે ડો. મહેન્દ્રસિંહ ચૌહાણે તે સમયના લોકસભાના સ્પીકર મીરા કુમારને પત્ર દ્વારા જણાવ્યું કે "અમો સૌ સાંસદો લોક સેવાની ભાવના સાથે રાજનીતિમાં આવ્યા છીએ ત્યારે એસી હજાર જેટલા પતિ પગારની વધારાની માગણી યોગ્ય ન ગણાય. " પગાર વધારા નો વિરોધ કરતાં અન્ય સાંસદોમાં તેઓ અળખામણા બની ગયા.  પાર્ટીની નારાજગી વહોરીને પણ  દિલ્હી ખાતેના  રામલીલા  મેદાનમાં ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન ચલાવતા અન્ના હાજારેને તેઓ એ    લેખિત સમર્થન આપ્યું હતું.   પોતાના આદર્શો સાથે સમાધાન કદી ન કર્યું.


          પોતાના મત વિસ્તારમાં એમની માલા,મંચ કે માઈક સિવાયના સાદગીભર્યા પ્રવાસ દ્વારા 1200 જેટલા નાના-મોટા ગામોની મુલાકાત લઈ, ગ્રામજનોના પડતર પ્રશ્નોના નિકાલ માટેની નિષ્ઠાપૂર્વક પ્રયાસ કર્યા. સંસદીય ક્ષેત્રના લોકોના સુખ દુઃખમાં હંમેશા ભાગીદાર બનવાનું પસંદ કર્યું. સાંસદે પોતાને મળતી સાંસદની ગ્રાંટ નું ગ્રામજનોની ઈચ્છા તથા માગણી પ્રમાણે ફાળવણી કરી પારદર્શક વહિવટનો ઉત્તમ નમૂનો પૂરો પાડી એક નવો જ ચીલો ચતર્યો. 
          આઝાદીના વર્ષો પછી પણ મહાત્મા ગાંધીજી ના અસ્થિ વિસર્જન કરવામાં આવેલ સ્થળ અરવલ્લી જિલ્લાનું મહાદેવગ્રામ બાકરોલ ગામ વિકાસથી વંચિત હતું. ડૉ. ચૌહાણ સાહેબના ધ્યાન પર આવતા અહીં મીની રાજઘાટ નું સ્મારક બનવી, જગ્યાની કાયા પલટ કરી નાખી. 
        તેઓના પિતા પૃથું સિંહજી એક સર્વોદયવાદી આદર્શ શિક્ષક હતા. ગાંધી વિચાર રંગે રંગાયેલા પિતાના સંતાન તરીકે સત્ય, પ્રમાણિકતા અને કર્તવ્યનિષ્ઠાના ગુણો તેઓને વારસામાં મળ્યા. આદર્શ જનપ્રતિનિધિની આદર્શ આચાર સંહિતા ની સ્વીકૃતિ સાથે લપસણી રાજકીય પદ્ધતિ ઉપર અનેક પ્રલોભનો વચ્ચે નૈતિક આદર્શ મૂલ્યો સાથે તેઓ ઈમાનદારી સાથે ચાલ્યા છે. તેઓ બેદાગ સાંસદ બની તેમનનો સંસદીય સમય કાળ પુરો કર્યો છે. તેમની આદર્શવાદી વિચારધારા સત્યપ્રિયતા અને પ્રમાણિકતા દાદ માંગી લે તેવા છે તેમની નિષ્પક્ષતા બેનમૂન જોવા મળે છે.
          સાબરકાંઠા-અરવલ્લીના પ્રશ્નો વિષે મહત્તમ જાણકારી મેળવી સંબંધિત વિભાગો સાથે બેઠકો કરી તલસ્પર્શી અભ્યાસ કરી અને પછી સંસદમાં સચોટ અને સ્વરૂપે રજૂ કરી રેલ્વે ના પ્રશ્નો અને તેના ઉકેલની પ્રક્રિયા તો તેમની ઉંઘમાંથી ઉઠાડી પૂછો તો પણ તાજી સાંભળવા મળી તેઓ પ્રશ્નોત્તરી બજેટ સ્પીચ, નિયમ 377, જીરો અવર્સ, પ્રાઇવેટ મેમ્બર બિલ ડીબેટસની તૈયારીમાં કલાકોના કલાકો પસાર કરે. અને સંસદમાં ધારદાર રજુઆત કરે. 
        સાચી વાતમાં મોટા ચમરબંધી ની પણ પરવા ન કરે સાચું કે સાચું છે તેમણે સત્ય સાથે કદી સમાધાન ન જ કર્યું. 
           ડો મહેન્દ્રસિંહ ચૌહાણ રાજકીય ક્ષેત્રના પ્રવાસી કરતા સામાજિક ક્ષેત્રના જીવ સવિશેષ છે. આમ તો આ બંને ક્ષેત્રો વચ્ચે ઉંઘમાં પડખું ફેરવવા જેટલું જ અંતર છે પણ એકમા ખુરશીની ખેંચતાંણ છે. તો બીજામાં ખુરશી સામેથી મળે છે. તેથી રાજકીય ક્ષેત્રમાં પણ ડોક્ટર સાહેબ એ સહજ રીતે સરળતાથી જે મળે તે સ્વીકારવાની આદત કેળવી છે. તેમણે ક્યારેય રાજકીય દાવપેચ જ કાવા-દાવા કે નિંદા કુથલીનો સહારો લીધો નથી. પોતાને મળેલી જવાબદારી સુચારુ રીતે નિભાવી અને પોતાનું કાર્ય કરે જ રાખવું એ એમનું લક્ષ્ય રાખ્યું. ભ્રષ્ટાચાર અને વ્યસનોના તેઓ પાક્કા વિરોધી આ દૂષણો સામે લડવામાં તેઓ કોઇને શે શરમ ન રાખે. તાલુકામાં કેટલાય ગામોમાં વ્યસનમુક્તિ શિબિરો યોજી બુલેટગરોના છક્કા તેમને છોડાવી લીધા હતા.
            સરકારની લગભગ બધા જ વિભાગની કચેરીઓમાં લગભગ 11000 જેટલા પત્રો લખી કે ફોન કરી અરજદારોને મદદરૂપ થયા છે. પણ કોઈ આરોપીને છોડાવવા કે ગુનેગારોને બચાવવા પોલીસ સ્ટેશનમાં એક પણ ફોન કે ભલામણ કરી નથી.
         સંસદીય કાળ દરમિયાન તેઓ સોમવાર અને ગુરુવારે અચૂક કાર્યાલયમાં હાજર રહે અને 200 થી 300 મુલાકાતીઓને કંટાળા કે થાક્યા વિના મળે તેઓના પ્રશ્નો સમજે તેઓને હૈયાધારણ આપી ક્યાંક ફોનથી તો ક્યાંક ભલામણ પત્ર નથી તો ક્યાંક રૂબરૂ ચર્ચાથી પ્રશ્નોનો ઉકેલ લાવે. થાકેલો તણાવગ્રસ્ત ચિંતાતુર મુલાકાતી હળવોફૂલ થઇ હસતો હસતો વિદાય થાય.
ઉજ્જવળ અને બેદાગ પ્રતિભા ધરાવતા સાંસદ આંદોલનોમાં તો સોળે કલાએ ખીલી ઉઠે. અન્યાય સામે લડવામાં સામેથી નેતૃત્વ સ્વીકારે મક્કમ મનોબળથી લડત આપે અને પરિણામ લાવીને જ જંપે. વાટડા પ્રાંતિજ વડાલી મોડાસા ધનસુરા ડેમાઇના રેલ્વે આંદોલનનો તેના જાગતા પુરાવા છે. 
            હાલ તેઓ ભલે સાંસદ તરીકે નથી પરંતુ એક અદના સમાજ સેવક તરીકે 24કલાક સમાજસેવામાં ખૂંપેલા રહે છે. જન જાગૃતિ વિચાર મંચ દ્વારા આદર્શ સમાજના નવ નિર્માણ અભિયાન દ્વારા સમાજ ઉત્થાન માટે સતત પ્રયત્નશીલ છે. આ અભિયાન મારફત જિલ્લાના બુદ્ધિજીવીઓ, શિક્ષણશાસ્ત્રીઓ, સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓ, અને રાજકીય આગેવાનો સાથે સીધો સંવાદ તેમને રચ્યો છે. જિલ્લામાં કુરિવાજો, વ્યસનો, ભ્રષ્ટાચાર, નિરક્ષરતા, કુપોષણ સામે અવાજ ઉઠાવી એક વૈચારિક ક્રાંતિ લાવવાનું સંનિષ્ઠ પ્રયાસ તેમણે કર્યો છે. ગાંધી વિચાર યાત્રા દ્વારા જિલ્લાના બાળકોમાં મૂલ્ય શિક્ષણ માટે તેઓ સતત પ્રયત્નશીલ રહ્યા છે. જિલ્લાની શાળાઓની મુલાકાત લઇ વિદ્યાર્થીઓની ગાંધીવિચાર બીજ મળે તે માટે સતત પ્રયત્નશીલ છે. 
           એક નિષ્ઠાવાન પ્રમાણિક અને સજ્જન સાંસદ દેશને ભેટ ધર્યાનું ગૌરવ સાબરકાંઠા મત ક્ષેત્રના મતદારો હમેશ માટે લેતા રહેશે.


 (આવી જ વિરલ વ્યક્તિ વિશેની રસપ્રદ વાતો જાણીશું આવતા ગુરુવારે...)   

લેખન : ઈશ્વર પ્રજાપતિ
આપ આપના પ્રતિભાવ નીચેના whatsapp no. પર લખી મોકલી શકો છો.
(98251 42620)

નોંધ:- મિત્રો બ્લોગની લિંક આપ શેર કરી શકો છો પરંતુ  બ્લોગના આર્ટિકલ્સને પોતાના નામે ચડાવી વાયરલ કરવાનો અવિવેક ન કરવા વિનંતી

Monday, May 20, 2019

આપણો જિલ્લો આપણું વતન અરવલ્લી ભાગ -16

ભાતીગળ લોકમેળા મેળાનો મલક અરવલ્લી જિલ્લો ભાગ : 2



          અરવલ્લી પ્રદેશમાં વસતા લોકો ઉત્સવ પ્રેમી છે. વારે તહેવારે અહીં અનેક સ્થળોએ મેળા ભરાય છે. જ્યાં આસપાસના જિલ્લાના લોકો પણ આનંદ લૂંટવા ઉમટી પડે છે. અરવલ્લીમાં ભરાતા કેટલાક મેળાઓ પૈકી પ્રચલિત મેળાઓનો પરિચય આપને કરાવવો છે. ગત સપ્તાહે શામલાજીના મેળાની વિગતે વાત કરી હતી. આ સપ્તાહે જોઈએ અરવલ્લીમાં ભરાતા અન્ય મહત્વપૂર્ણ મેળાની.

ચાડીયા મેળો
           
          મેઘરજ તાલુકા થી 7 કિલોમીટર બાંઠીવાડા ગામે ફાગણ વદ પાંચમના દિવસે ચાડિયા મેળાનું આયોજન થાય છે. અંબાના મંદિરની આજુબાજુ આ મેળો ભરાય છે. તેમાં મુખ્યત્વે આદિવાસી વસ્તી જોવા મળે છે. આ મેળામાં વર્ષનાં શુકન જોવામાં આવે છે અને આવનાર વર્ષ કેવુ જશે, પરંપરા આધારે  અનુમાન એનું લગાવવામાં આવે છે. 
             આ મેળાની શરૂઆત હોળીના દિવસથી થાય છે. જેમાં હોળીના દિવસે અંબાના મંદિરની બાજુમાં એક સ્તંભ રોપવામાં આવે છે. ત્યારબાદ મકાઈના લોટના ગોળ લાડવા બનાવી કોરા માટલામાં 5 લાડુ મૂકવામાં આવે છે. સ્તંભ સાથેે માંટલાને જમીનની અંદર મૂકી દેવામાં આવે છે. ત્યારબાદ આદિવાસીઓ ચાડિયો બનાવવા સુથાર ને ત્યાં જાય છે. ત્યારથી બાળક આકારનો ચાડીયો બનાવવામાં આવે છે અને હોળીના પાંચમા દિવસની રાત્રીએ લોકો સ્તંભની આજુબાજુ ઢોલ વગાડી અને હોળી ના ગીતો ગાઈ આનંદ ઉત્સાહમાં આવી નૃત્ય કરે છે. 
             પાંચમા દિવસે બાળક સ્વરૂપના ચાડિયાની કપડા પહેરાવવામાં આવે છે અને મેળા ના દિવસે 40 થી 50 ફૂટ ઊંચા સ્તંભ  ઉપર  ચાડીયો લટકાવવામાં આવે છે. ચાડિયો ઉતારતી વખતે સ્ત્રીઓ સ્તંભની આજુબાજુ ગીતો ગાતી હોય છે. દરેક ગામના યુવાનો સ્તંભ પર ચડવા જાય ત્યારે તે સ્ત્રીઓ સોટાથી માર મારે છે. અંતે જે યુવાન સોટાનો માર સહન કરી સ્તંભ પર ચડી જાય તે ગામ બળવાન ગામ તરીકે ઓળખાય છે.

        મેળામાં સ્ત્રીઓ નૃત્ય ગીતો અને ઢોલ વગાડીને વાતાવરણને આનંદમાં ફેરવી છે. ત્યારબાદ માટલાના લાડુ આગેવાનો જુએ છે અને ભવિષ્યની તારવણી કાઢે છે. જો માટલાના લાડુ સંપૂર્ણ પડી ગયા હોય તો વરસાદ સારો અને જો ઓછા પાણીવાળા થયા હોય તો વરસાદ ઓછો થશે તેવી માન્યતા પણ પ્રચલિત છે.
                આ મેળાની શરૂઆત લગભગ ઈ.સ. 1954 - 55 ની આસપાસ થઇ હોવાનું મનાય છે. જેની ગુજરાત ગેઝેટિયરમાં નોંધ કરવામાં આવી છે. બાંઠીવાડા, અજુના, ઈરોલા, ઇરાટીંબા, લાલકંપા ખેવા એવા પાંચ ગામના લોકો આ મેળાનું આયોજન કરે છે. અત્યારે આ મેળો બાર મુવાડા ના મેળા તરીકે પ્રખ્યાત થયેલ છે.

રાલેશ્વર મહાદેવનો મેળો

            આ મેળો મેઘરજ થી લગભગ ચાર કિલોમીટર દૂર પંચાલ રોડની બાજુમાં રાલેશ્વર નામના ગામે મહાદેવનું મંદિર આશરે 700 વર્ષ પુરાણું મનાય છે. રોલા ગામ ની બાજુ ની સીમ માં પર્વતીય વિસ્તારમાં બોરસી તળાવ આવેલું છે.
          આ મેળો રોલા ગામની આજુબાજુના સીમમાં પર્વતીય વિસ્તારમાં મૂળથી તળાવની બાજુમાં ભરાય છે મહાશિવરાત્રી તથા જન્માષ્ટમીના દિવસે મહાદેવના મેળામાં માનવ મહેરામણ ઉમટી પડે છે. મેઘરજ અને આજુબાજુના ગામના લોકો મેળાની મોજ માણે છે. રોલેશ્વર મેળાના વિસ્તારથી થોડાક અંતરે આવેલા વિસ્તારમાં ભાદ્રપદ ના બીજા રવિવારે ઝાલા બાવજીનો મેળો ભરાય છે જેને ઝાલાનો મેળો તરીકે ઓળખવામાં આવે છે.
        પહેલા ગામમાં નાગર બ્રાહ્મણોની વસ્તી વિશેષ હતી પરંતુ ભૂકંપ જેવી કુદરતી હોનારત સર્જાતાં ઘણા લોકો મૃત્યુ પામ્યા આ ઘટનામાં નાગરોનો વિશેષ ભોગ લેવાયો અને જે લોકો બચી શક્યા તે છૂટાછવાયા ગામોમાં ચાલ્યા જઈ વસવાટ કરું ત્યાર બાદ આસ્થાની સમય જતાં નવી વસાહત સ્થપાઇ જેને લોકોએ રાલેશ્વર એવું નામ આપ્યું. ભૂકંપ થવા છતાં મહાદેવના મંદિરની નુકસાન થયું ન હતું. આ મેળાની મુખ્ય વિશેષતા એ છે કે એક વર્ગ પોતાની મસ્તીમાં મસ્ત હોય છે જ્યારે વૃદ્ધ વર્ગ એ જ સમયે મંદિરમાં ભજન કીર્તન માં ડૂબેલા હોય છે. આ મેળામાં લગભગ એક લાખ થી વધુ સંખ્યામાં લોકો આવે છે.
ભવનાથનો મેળો


             અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકા મથકથી આશરે છ કિલોમીટર દૂર મઉં ગામે આવેલ ભુવનેશ્વર મહાદેવનું મંદિર અતિ પ્રાચીન મંદિર માનવામાં આવે છે. આ સ્થળ 300 વર્ષ જૂનું હોવાની આધાર શીલાલેખ ઉપર મળે છે. અહીં ભૃગુના પુત્ર ચ્યવન ઋષિનો આશ્રમ આવેલો હતો તેના પ્રત્યક્ષ પ્રમાણમાં ભૃગુકુંડ ઋષિનું મંદિર વગેરે સ્થાપત્યનું સાક્ષી પૂરે છે. 
            લિંગ આકારે પ્રગટ સ્વયંભૂ મહાદેવનું મંદિર શિવભક્તો માટે અનોખા આસ્થાનું કેન્દ્ર છે. શ્રાવણ માસ દરમિયાન અહીં શિવ ભક્તોની ભારે ભીડ રહે છે. અને શિવરાત્રી અને જન્માષ્ટમીના દિવસો એ અહીં મેળાનું ભવ્ય આયોજન થાય છે સાબરકાંઠા અને અરવલ્લીના અનેક ગામોના લોકો અહીં મેળો માણવા ઉમટી પડે છે. 

ગંગેશ્વર મહાદેવ, ઝાંઝરી 

            ઝાંઝરી અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં આવેલા ડાભા ગામની ન઼જીકમાં જંગલ વિસ્તારમાં આવેલું છે. ડાભા ગામ થી આશરે ૪ (ચાર) કિલોમીટર જેટલા અંતરે આવેલા આ મંદિર થી તાલુકા મથક બાયડનું અંતર આશરે ૧૬ કિલોમીટર અને દહેગામનું અંતર આશરે ૩૨ કિલોમીટર જેટલું થાય છે. દહેગામ થી બાયડ જતો રાજ્ય ધોરી માર્ગ અહીંથી ૫ (પાંચ) કિલોમીટર જેટલો દૂર છે.
       જન્માષ્ટમી અને શિવરાત્રિ પર્વ પર અહીં મેળો ભરાય છે. જ્યાં હજારો ની સંખ્યામાં લોકો ઉમટી પડે છે. 
            આ મંદિરનું બાંધકામ ઈ.સ.૧૯૬પ (સંવત-ર૦રર)માં કરવામાં આવ્યું છે. આ સ્થળ ધાર્મિક રીતે મહત્વનું ગણાય છે. આ ઉપરાંત આ કુદરતી રમણિયતા ધરાવતું સ્થળ છે. અહીં આવેલી ઝાંઝરી નદીના ઉપરના ભાગેથી આવતો પાણીનો પ્રવાહ કુદરતી ધોધ સ્વરૂપે નીચે પડીને નયનરમ્ય દૃશ્યો સર્જે છે, જે પ્રકૃતિપ્રેમી પર્યટકો માટે આર્કષણનું કેન્દ્ર છે. આ સ્થળ પર અમદાવાદ, ગાંધીનગર સહિત વિવિધ સ્થળો પરથી પ્રવાસીઓ મોટી સંખ્યામાં પર્યટન હેતુ  આવે છે. જો કે અહિં સ્નાન કરવું ખૂબ જ જોખમી છે, છતાં કેટલાય પર્યટકો અહિં સ્નાન કરી મઝા માણતા હોય છે. ઝાંઝરી  પ્રકૃતિ પ્રેમીઓ અને પર્યટકોનું પ્રિય સ્થળ છે. દર શનિ રવિ દરમ્યાન શહેરી જનો કોલાહલ થી દૂર પ્રકૃતિની ગોદ માં સમય પસાર કરવા આવે છે. આટલું પ્રચલિત સ્થળ હોવા છતાં આ સ્થાન નો જોઈએ તેટલો વિકાસ હજી થયો નથી.


(આપણો જિલ્લો આપણું વતન અરવલ્લી વિશે વધુ જાણીશું  આવતા સોમવારે)
લેખન - સંકલન :ઈશ્વર પ્રજાપતિ 
સંદર્ભ: અરુણોદય અરવલ્લીનો 
ડો. સ્વામી ગૌરાંગશરણ દેવાચાર્ય અભ્યાસ લેખ
(આપના પ્રતિભાવ નીચે આપેલ whatsapp નંબર પર લખી મોકલી શકો છો )
(98251 42620)

નોંધ:- મિત્રો બ્લોગની લિંક આપ શેર કરી શકો છો પરંતુ મિત્રો મારા બ્લોગના આર્ટિકલ્સને પોતાના નામે ચડાવી વાયરલ કરવાનો અવિવેક ન કરવા વિનંતી

Saturday, May 18, 2019

આસ્થા અને આશ્ચર્યની અલૌકિક ભૂમિ કેદારનાથ 


              આસ્થા અને આશ્ચર્યની અલૌકિક ભૂમિ કેદારનાથ 

         

     
 6 મે થી કેદારનાથ ધામના કપાટ ખુલ્યા છે.  ભક્તોનું ઘોડાપૂર બાબાના દર્શને ઉમટયું છે.  ચારધામ યાત્રાનું હિન્દૂ પરંપરામાં આદિકાળથી અનેરું મહત્વ રહેલું છે. હિમાલયની ગોદમાં શિવજીના સાનિધ્યમાં દિવસો પસાર કરવાની અનુભુતિ આહલાદક હોય છે. એકવીસમી સદીના આધુનિક ટેકનોલોજીના યુગમાં પણ આ પ્રાચીન દેવાલયો અનેક આશ્ચર્યો અને રાહસ્યો પોતાની ગોદમાં સમાવી બેઠા છે. એ રહસ્યો સમજવા અકળ છે. આજે વાત કરવી છે ચારધામ માંના એક યાત્રાધામ કેદારનાથ ધામની. દ્વાદર્શ જ્યોતિર્લિંગ માં જેનું અદકેરું મહત્વ છે. વિષમ આબોહવા, અનેક મુશ્કેલીઓ વેઠીને જીવના જોખમે પણ દર વર્ષે લાખો શ્રધ્ધાળુઓ ભોલે બાબાના દર્શને પાહીચે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અત્યંત વ્યસ્તતા વચ્ચે પણ અવારનવાર કેદારનાથજીના દર્શને આવે છે. આવો આજે જાણીએ કેદારનાથ ધામની રોચક વાતો.
               આ વાત છે 16 જૂન 2013 ની. દેવ ભૂમિ ઉત્તરાખંડ જાણે આકાશી મોત ત્રાટક્યું. જલપ્રલયે રૌદ્ર રૂપ ધારણ કર્યું. કુદરતે બાબા કેદારનાથ ધામમાં એવો વિનાશ વર્તાવ્યો  કે મંદિર ચોકમાં લાશો, કાટમાળથી ભરાઈ ગયો હતો.  ગૌરીકુંડ અને રામબાડા સંપૂર્ણ રીતે બરબાદ થઈ ગયુ. 10,000 ઉપરાંત લોકો મોત ને ભેટ્યા. હોટલ, લોજ અને બજારના બજાર વહી ગયા. વાદળ ફાટવાથી અહી એવી તબાહી મચી હતી કે ચારેબાજુ હાહાકાર મચી ગયો હતો. આસપાસ મોર્ડન ટેકનોલોજીથી બનેલ મકાન, હોટલો, લોજ પત્તાની જેમ વિખરાય ગયા હતા. બાબા કેદારનાથના પ્રાચીનત્તમ મંદિર ને ઉની આંચ ન આવી. આવું વિકરાળ જળપ્રલય મંદિરની એક કાંકરી પણ ખેરવી ન શક્યું. 6 ફીટના જે માળખા પર મંદિર બન્યુ છે બસ એ જ બચી ગયુ હતુ.  છેવટે એવુ શુ છે આ મંદિરમાં. હજારો વર્ષ જુનુ આ મંદિરને કુદરતનો વિનાશ હલાવી પણ ન શક્યો.  શુ આ ફક્ત કુદરતનો જ ચમત્કાર છે કે પછી પ્રાચીન ભવન નિર્માણ શૈલીનો આધુનિક તકનીકને પડકાર છે. કોણે બનાવ્યુ કેદારનાથ મંદિર, ક્યારે બનાવ્યુ, કેવી રીતે બનાવ્યુ આવો જાણીએ કેદારનાથ મંદિર વિશે.

   કેદારનાથએ ભારત દેશના ઉત્તરભાગમાં આવેલા ઉત્તરાખંડ રાજ્યમાં રુદ્રપ્રયાગ જિલ્લામાં આવેલુ છે, જે બાર જ્યોતિર્લીંગો પૈકીના એક એવા શ્રી કેદારનાથ મંદિર માટે પ્રખ્યાત છે. અહીંનો વહીવટ કેદારનાથ નગર પંચાયત દ્વારા કરવામાં આવે છે. આ દુર્ગમ સ્થળે જવા માટે સડક માર્ગ ઉપલબ્ધ નથી, આથી પગપાળા , ઘોડા પર સવાર થ‌ઇ અથવા પાલખી દ્વારા જ‌વું પડે છે. હિમાલયમાં આવેલા ચારધામ પૈકીનું આ એક ધામ ગણાય છે.
             કેદારનાથ ધામ દરેક બાજુએથી નયનરમ્ય પહાડો ઘેરાયેલું મનોહર ધામ છે. એક તરફ 22 હજાર ફૂટ ઉંચા કેદારનાથ, બીજી તરફ 21,600 ફૂટ ઉંચા ખર્ચકુંડ અને ત્રીજી તરફ 22,700 ફૂટ ઉંચો ભરતકુંડ. હિમાલયના સફેદ ઊંચા બર્ફીલા પહાડોની ગોદમાં બિરાજમાન કેદારનાથ મહાદેવ મંદિરનું સૌંદય અલૌકિક છે. કેદારનાથ ધામ દેશના બાર જ્યોતિર્લિંગોમાં સર્વોચ્ચ કેદારેશ્વર જ્યોતિર્લિંગ છે.
              પૌરાણિક કથા અનુસાર હિમાલયના કેદાર શ્રૃંગ પર ભગવાન વિષ્ણુના અવતાર મહાતપસ્વી નર અને નારાયણ ઋષિ તપસ્યા કરતા હતા. તેમની આરાધનાથી પ્રસન્ન થઈને ભગવાન શંકરે પ્રકટ થયા અને તેમની પ્રાર્થનાને જોઈને જ્યોતિર્લિંગના રૂપમાં હંમેશા વિરાજમાન રહેવાનું વરદાન આપ્યું. આ સ્થળ કેદારનાથ પર્વતરાજ હિમાલયના કેદાર નામક શ્રૃંગ પર આવેલું છે. , એવો ઉલ્લેખ છે કે મહાભારત કાળમાં પણ આ સ્થળે ભગવાન શિવજીનું સ્થાન હતું અને કેદારનાથ ખાતે જ પાંડવોએ ભગવાની શિવજીને રીઝવ્યા હતા. એવું કહેવાય છે કે આ મંદિર સૌ પ્રથમ પાંડવોએ બનાવડાવ્યું હતું. પરંતુ સમયની સાથે તે લુપ્ત થઈ ગયું. આ પછી 8મી સદીમાં આદિશંકરાચાર્યે એક નવા મંદિરનું નિર્માણ કરાવ્યું જે 400 વર્ષ સુધી બરફમાં દબાયેલું રહ્યું.
              આ સ્થળ દરિયાઈ સપાટીથી ૩૫૮૩ મીટર ( ૧૧,૭૫૫ ફૂટ ) જેટલી ઉંચાઈ પર આવેલું હોવાને કારણે અહી વર્ષના છ મહિના જેટલો સમય બરફ છવાયેલો રહે છે. કેદારનાથ મંદાકિની નદીના કિનારે વસેલું છે. ત્યાંથી ઉપરના ભાગમાં ચોરાબારી ગ્લેશીયર આવેલું છે.આ સ્થળે જવા માટે ગૌરીકુંડ સુધી વાહનોની સગવડ મળે છે, જે કેદારનાથથી ૧૪ કિ.મી. જેટલા અંતરે આવેલું છે. સૌથી નજીકના રેલ્વેસ્ટેશન હરિદ્વારઅને ઋષિકેશ અને વિમાનમથક દહેરાદૂન ( જોલી ગ્રાંટ હવાઈ મથક ) ખાતે આવેલા છે.
            લગભગ 85 ફુટ ઉંચું, 187 ફુટ લાંબુ અને 80 ફુટ પહોળું છે કેદારનાથ મંદિર. તેની દિવાલો 12 ફુટ પહોળી છે અને ખૂબ જ મજબૂત પથ્થરોમાંથી બનાવાઈ છે. મંદિરને 6 ફુટ ઉંચા ચબૂતરા પર ઉભું કરવામાં આવ્યું છે. આટલા ભારે પથ્થરોને આટલી ઉંચાઈ પર લઈ જઈને મંદિર કેવી રીતે બનાવાયું તે આજે પણ એક રહસ્ય છે. 


          આ મંદિરના બાંધકામમાં ઇંટો નહી પરંતુ મોટા પત્થરોનો ઉપયોગ કરાયો છે. આ પત્થરોને આકાર આપીને તેઓ એકબીજા સાથે "ઇન્ટરલોક"થી જોડાયેલા રહે તે પ્રમાણે બાંધકામ થયું છે. પરિણામે પ્રચંડ પુર છતાં આ પત્થરો એકબીજાની સાથે ઇન્ટરલોકથી જોડાયેલા હોવાને કારણે જ ટકી શક્યા છે. એમ પણ કહેવાય છે કે પુરના પાણી આવ્યા તે પહેલા મંદિરના પાછળના ભાગમાં એક મોટો પત્થર ધસી આવ્યો હતો જેને મંદિરની આડશ તરીકે કામ કર્યું અને પુરના પાણી આ પત્થરને અથડાઇને વહી ગયુ હતુ.
          મંદિરના ગર્ભ દ્વારમાં અણિયારા પત્થરોમાંથી નિર્મિત ભગવાન શિવજીની પુજા થાય છે. મંદિરની અંદર ઘોર અંધકાર હોય છે અને દીપના અજવાળે ભગવાન શિવજીના દર્શન થાય છે. શિવલિંગ સ્વયંભુ છે. મંદિરમાં પ્રવેશતા યાત્રીઓ જળાભિષેક અને પુષ્પમાળા ચડાવે છે અને ભગવાનને ઘી અર્પણ કરીને બહારનીકળે છે. મૂર્તિ ચાર હાથ લાંબી અને દોઢ હાથ ઉંચી છે. એવુ કહેવાય છે કે જે વ્યક્તિ કેદારનાથની યાત્રા કર્યા વગર બદ્રીનાથની યાત્રા કરે છે તેની યાત્રા નિષ્ફળ જાય છે.
             આ ધામ હવામાનની વિષમતાના કારણે દિવાળીના બીજા દિવસે ઠંડીમાં કેદારનાથ મંદિરના દ્વાર બંધ કરી દેવામાં આવે છે. 6 મહિના સુધી મંદિર આસપાસ કોઈ નથી રહેતું પરંતુ આશ્ચર્યની વાત એ છે કે દીવો 6 મહિના સુધી પ્રજ્વલિત રહે છે. પૂજારી કપાટ બંધ કરીને ભગવાનના વિગ્રહ અને દંડને 6 માસ સુધી પહાડની નીચે ઉખીમઠમાં લઈ જાય છે. 6 મહિના બાદ મે અથવા એપ્રિલના અંતમાં કેદારનાથ મંદિરમાં કપાટ ખુલે છે. અક્ષયતૃતિયાથી શરૂ કરીને કાર્તિક સુદ પૂર્ણિમા સુધી દર્શન માટે ખુલ્લું રહે છે. ત્યારે ઉત્તરાખંડની ચારધામ યાત્રા પ્રારંભ થાય છે. કેદારનાથ મંદિર સાથે જોડાયેલા એક અન્ય આશ્ચર્યની વાત એ છે કે 6 મહિના બાદ પણ તેવી જ સ્વચ્છતા જોવા મળે છે જેવી સ્વચ્છતા બંધ કરતા સમયે હોય છે.
                જ્યાં બુદ્ધિશક્તિ કામ કરવાનું બંધ કરે તેવી ઘટનાઓ અને બનાવોને માનવી ચમત્કાર એવું નામ આપે છે. આવા અનેક ચમત્કારોની આ પાવન ભૂમિ ના દર્શન નું દરેક હિન્દૂ નું સ્વપ્ન હોય છે. તમામ પળોજણમાંથી મુક્ત બની એક વાર અપ્રતિમ પ્રાકૃતિના અનુપમ સૌંદર્યને નિહાળવા આવવું જોઈએ. બર્ફીલા પહાડોની વચ્ચે સમસ્ત સૃષ્ટિ શિવમય ભાસે છે. અહીં આવનાર વ્યક્તિ નવી દૃષ્ટિ લઈ પરત ફરે છે . 

લેખન : ઈશ્વર પ્રજાપતિ
આપ આપના પ્રતિભાવ નીચેના નંબર પર whatsapp દ્વારા મોકલી શકો છો. 
98251 42620



Thursday, May 16, 2019

વ્યક્તિ વિશેષ : પરમ પૂજ્ય નરસિંહરામ દાદા


વ્યક્તિ વિશેષ : પરમ પૂજ્ય નરસિંહરામ દાદા



                 અરવલ્લી સાબરકાંઠા એ બહુમૂલ્ય માનવ રત્નો સમાજનેઆપ્યા છે. આ ભૂમિ પૂ. જેશીંગ બાવજી, પૂ.નથુરામ બાવજી, જેવા સંતોની પ્રાગટય ભૂમિ રહી છે. આ સંતો પોતાના તપોબળથી સમાજને એક નવી રાહ ચીંધી પારમાર્થ ના માર્ગે વાળે છે. પ્રગટ પુરુષ સંત શ્રી નરસિંહરામ દાદા પણ આ ધરાનું અણમોલ રત્ન છે. પૂ. નરસિંહરામ દાદા આજે 91 વર્ષે પણ મેળાવડાઓ, ભજન, સત્સંગ દ્વારા સમાજ જાગૃતિનું ભગીરથ કાર્ય અવિરત કરી રહ્યા છે. કાંકણોલ તેઓનું મૂળ વતન.
           પ્રગટ ધામ કાંકણોલનું નામ આજે શ્રદ્ધાળુઓ માટે અજાણ્યું નથી. સાબરકાંઠાના મુખ્ય મથક હિંમતનગરની બિલકુલ લગોલગ આવેલું આ પ્રગટધામ કાકણોલ નો મહિમા દેશ વિદેશમાં વિસ્તર્યો છે. પૂજ્ય પ્રગટ પુરુષ સંતશ્રી નરસિંહરામ દાદાના તપોબળથી પ્રગટ ધામ કાકણોલ હજારો શ્રધ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે. 
        આજથી બરાબર નવ દાયકા પૂર્વે સંવંત 1985ની ભાદરવા સુદ અગિયારસને સોમવારના રોજ પ્રાતઃ કાળે પૂ. દિવાબાના કૂંખે પૂ. નરસિંહરામ દાદાનું પાવન પ્રાગટય થયું. પિતા અમરદાસ પટેલ ખેતી ખેતી કરી પરિવારનું પેટિયું રળે. ઘરની પરિસ્થિતિ સાવ સામાન્ય. એમ છતાં માતા પિતા ભક્તિના રંગે રંગાયેલા. ભક્તિના સંસ્કાર માતા પિતા તરફથી વારસામાં મળ્યા. માતા દિવાબા સાવ અભણ અને ભોળા સ્વભાવના. ઘરે આવેલ કોઈ માંગણ ખાલી હાથે ન જાય. પોતે જમવા બેઠાં હોય અને કોઈ માંગણ આવી ચડે તો પોતાની થાળી માંગણને આપી દેતાં અને પોતે માત્ર છાસ પી ને સુઈ જતાં. આવી છલોછલ ધાર્મિક ભાવનાથી ભરેલા પરિવારમાં પૂ. નરસિંહરામ દાદાનું બાળપણ વીત્યું. 
             આઝાદી પહેલાંનાએ સમયમાં ભણતરનું ઝાઝું મૂલ્ય કોઈ સમજતું નહીં. ગામની ગામઠી શાળામાં જ ચાર ચોપડી સુધી અભ્યાસ કરી અક્ષરજ્ઞાન પ્રાપ્ત કર્યું. ઘરની આર્થિક પરિસ્થિતિ જોતાં આગળ અભ્યાસ ન કરી શક્યા. અને પૂ. નરસિંહરામ દાદા નાની ઉંમરથી જ પિતાને મદદરૂપ થવા ખેતીકામમાં જોતરાઈ ગયા. પરિવારના ભક્તિભાવ પૂર્ણ વાતાવરણમાં તેઓનું ચિત્ત પણ ભક્તિ માર્ગે લીન રહેતું. ઓછું પ્રાપ્ત કર્યું હોવા છતાં કામ કરતાં કરતાં ભક્તિના પદો સ્ફુરવા માંડ્યા. ખેતી કામ કરતા છતાં કાગળને કલમ તેઓ સાથે રાખતા. કોઈ પંક્તિ સ્ફૂરે તો તરત તેઓ કાગળમાં ઉતારી લેતા. 
          માતા પિતાની સેવા, પ્રભુ સ્મરણ સાથે ખેતી કામ કરતાં કરતાં તેઓ યુવાનીના ઉંમરે પહોંચ્યા. એ અરસામાં તેઓના માસીનો દીકરો ઘરે આવ્યો. 20 વર્ષની વયે ખેતી કામ છોડાવી પૂ. નારસિંહરામ દાદાને નોકરી માટે અમદાવાદ લઈ ગયા. અમદાવાદ કાલુપુર ડોશીવડાની પોળમાં ચાર વર્ષ સુધી જૈન ઉપાશ્રયમાં જૈન મુનિઓની સેવા કરી. જૈન મુનિ ભાનું વિજય અને તેઓના શિષ્ય સુબોધ વિજયના ગાઢ પરિચયમાં આવ્યા. જૈન મુનિઓની સેવા કરતાં કરતાં તેઓ જૈન મુનિ પાસે દીક્ષા લેવાનો ભાવ જાગ્યો. એ દરમ્યાન રામદાસ અવધૂત નામના મહંત સાથે તેઓનો પરિચય થયો. રામદાસ અવધૂતને જાણ થતાં નારસિંહરામ દાદાને જૈન દીક્ષા લેતા અટકાવ્યા. અને સંસારમાં રહીને બને એટલી સેવા કરવાનો બોધ આપ્યો. રામદાસ અવધૂત સાથે નિયમિત ડાકોર દર્શને જવાનો ક્રમ ચાલ્યો. ડાકોર જતાં હૃદયમાં એક વાણી પ્રગટી. જાણે રણછોડરાય ખુદ એમ કહેતા હોય કે "મારો ખુદનો વાસ નરસિંહરામ તમારામાં છે. તમારે ડાકોર આવવની પણ જરૂર નથી." એ દિવસે ડાકોર દર્શન કરી પરત ફર્યા. અને દિલમાં અલગ જ ભાવ અનુભવાયો. ડાકોર જવાનું છોડી પ્રભુ નામ સ્મરણ કરતા. 

                પુરુષોત્તમ ભાઈએ ઘરે સમાચાર આપ્યા કે નરસિંહરામ તો જૈન મુનિ હાથે દીક્ષા લેવા તૈયાર થયા છે. વાત જાણી પરિવારજનો ચિંતામાં ઘરકાવ થઈ ગયા અને તેઓને નોકરી થી ઘરે બોલાવી લીધા. 
        ઘરે આવી ફરી ખેતી કરવાની શરુ કરી પરંતુ મન તો ભક્તિમાં જ લિન રહેતું. દિવસે ખેતી કામ કરવાનું, સમય મળતાં ભક્તિ પદોની રચના કરતા અને રાત્રે ભજન સત્સંગ કરવાનો. 
              એકવાર ખેતરમાં મગફળી ઉપણતા હતા ત્યારે એક માંગણ આવી ચડ્યો. એને નરસિંહરામ દાદાએ પોતાનું ભાથું એને ખવડાવ્યું. માંગણે દાદાનો ભક્તિ ભાવ જોઈ કહ્યું " અમારા ગામ મુનાઈ માં પૂ. નાથુબાપા નામે ભગત છે. પોતે સિદ્ધ પુરુષ છે. દૂર સુદુરથી લોકો દર્શને આવે છે. તમે પણ ક્યારેક દર્શન કરી આવજો " માંગણની આ વાત સાંભળી પૂ. નથુરામ બાપને મળવાની તાલાવેલી જાગી.
             એક વાર કેટલાક મિત્રો સાથે ચાલતા મુનાઈ નથુરામ બાપાના દર્શને નીકળી પડ્યા. મુનાઈ પહોંચતા દિવસ આથમી ગયો. ગામની ભાગોળે નથુરામ બાપનું ઘર પૂછ્યું તો ત્યાં બેઠેલા વડીલો એ કહ્યું " આ ગાયો જ્યાં જાય છે એની પાછળ પાછળ જાઓ. આ ગાયો નથુરામ બાપુ ને ત્યાં જાય છે." ગાયોના પગલે પગલે તેઓ નથુરામ બાપાના ઘરે પહોંચ્યા. નથુરામ બાપાના મુખારવિંદ પરનું અનોખું તેજ જોઈ દિલ હરખ પામ્યું. ત્યાં બે કુતરીઓએ ગલુડિયાં ને જન્મ આપ્યો હતો. ગલુડિયાંના રક્ષણ માટે નથુરામ બાપાએ કોદાળી વડે ઘર આંગણે બે બખોલ બનાવી રાખી હતી. ગલુડિયાં એ બે કુતરી માંથી માઁ નો ભેદ રાખ્યા વિના ગમે તે કુતરીને ધાવતાં. આ દૃશ્ય જોઈ ભાવ જાગ્યો કે અહીં નથુરામ બાપાના સાનિધ્યમાં કૂતરાં પણ જગડ્યા વગર પ્રેમથી રહે છે. અંતરના દ્વાર ઉગડી ગયા. પૂ. નારસિંહરામ દાદા એ પૂ. નથુરામ બાપૂને સદગુરુનું સ્થાન આપ્યું. 
             ભક્તિ ભાવ થી રંગાયેલા નરસિંહ રામ દાદાને હવે સંસાર માં મન ચોટતું જ ન હતું. ઘરના લગ્ન કરવાની વાત કરે તો પણ તેઓ ના પાડી દેતા. આ વાતની જાણ નથુરામ બાપુ ને થતા તેઓએ નારસિંહરામ દાદાને લગ્ન માટે સમજાવ્યા. અને વચન આપ્યું કે તમે "માળા વચ્ચે સંસાર આડખીલી નહીં બને. સંસારમાં રહી સમાજનું કલ્યાણ કરો." ગુરુ વચન માથે ચડાવ્યું. દાદા લગ્ન માટે તૈયાર થયા. પૂ. સંતોકબા સાથે લગ્ન ગ્રંથીથી જોડાયા.
           દાદા દિવસે કામ કરે અને રાત્રે આજુબાજુના ગામોમાં ભજન સત્સંગ કરવા જાય. ધીમે ધીમે સંપૂર્ણ સમય ભક્તિ પાછળ ખર્ચવા લાગ્યા. પૂ. સંતોકબા એ ઘરની અને સંતાનોની તમામ જવાદરી સાંભળી લીધી. 
             પૂ. નરસિંહ રામ દાદાની અસખલિત વાણીમાં ભાવિકો ભીંજાવા લાગ્યા. ભજન-સત્સંગમાં લોકોને જીવનની નવી રાહ ચીંધવાનું ઉમદા કાર્ય કર્યુ છે.તેમણે સ્વંય રચેલા પદોની અસરથી સેંકડો લોકોએ સ્વેચ્છાએ ઘણા વ્યસનોને ત્યજ્યા છે અને પોતાનાનાં નવા જીવનની શરૂઆત કરી છે.

             સમાજજીવનને અંધકારમાંથી પ્રકાશ તરફ દોરી જવા માટે સંસારમાં સંતનું આગમન થતુ હોય છે. સમાજ જ્યારે બદીઓથી ખદબદતો હોય, સ્વાર્થના જ્યાં સંબંધો હોય, સંબંધોનું કઈ મૂલ્ય ન હોય ત્યા સંતનું પ્રાગટ્ય થવુ આશીર્વાદરૂપ હોય છે. ‘ટુકડો ત્યાં હરી ઢુકડો’ ઉક્તિ મુજબ પૂજ્ય નરસિંહરામ દાદા મેળાવડાઓમાં જ્યાં જાય છે ત્યાં લોકોને વ્યસન મુક્તિ કરવાની, ભૂખ્યા ને ભોજન કરાવવાની, પક્ષીઓને ચણ નાખવાની અને નીતિના માર્ગે ચાલવાની પ્રેરણા આપીને હજારો લોકને જીવનનો નવો રાહ ચીંધ્યો છે. 
              પૂજ્ય નરસિંહરામ દાદા કોઈની પાસે માગતા નથી. ક્યાંય હાથ લંબાવતા નથી. પણ લોકો ભાવથી કંઈક આપે તો તેને એક હાથે સ્વીકારી બીજા હાથે પંખીઘર , સદાવ્રત,અન્નક્ષેત્રમાં આપી દેવાની તેમની ટેક રહી છે. અહીં આશ્રમમાં આવેલ પંખીઘરમાં રોજના 200 કિલો અનાજ પંખી ચણ માટે નાખવામાં આવે છે. દર રવિવારે કૂતરાઓને લડવા બનાવી ખવડાવવામાં આવે છે. દર ગુરુવાર અને પૂનમે હજ્જારોની સંખ્યામાં ભાવિકો દર્શનાર્થે આવે છે. સત્સંગ સાંભળી પ્રસાદ ગ્રહણ કરે છે. ગુરુપૂર્ણિમાએ તો દેેશ પરદેશથી શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટે છે. 
            અમેરિકા વસતા ભાવિકો દ્વારા અહીં વિશાલ સભાખંડનું નિર્માણ કરવામાં આવ્યું છે. પંખીઓ રહી શકે અને ટાઢ, તડકો અને વરસાદથી બચી શકે એવું ભવ્ય 72 ફૂટ ઊંચાઈ વાળુ પંખી ઘરનું નિર્માણ ચાલુ છે. ભજન-સત્સંગમાં તેમણે નિર્જીવ વસ્તુ અને ધરતીના કણ કણમાં ભગવાન સ્વરૂપ દેખાય છે. માત્ર ચાર ચોપડીનું અક્ષર જ્ઞાન ધરાવતા પૂ. નારસિંહરામ દાદા જ્ઞાનનો દરિયો છે. તેઓની વાણી નિત નવીન હોય છે. 500 ઉપરાંત ભક્તિ પદો અને 5000 જેટલા દુહાની રચના પૂ. દાદાએ કરી છે. પૂ. દાાદાના
સત્સંગ આધારિત અનેક પુસ્તકો પ્રકાશિત થયા છે.
   ના કોઈ સમ્માનની ભૂખ.. ના સંપત્તિની ભૂખ! એવા અલગારી પૂરૂષ સમાજમાંથી કુરિવાજો દૂર કરવા વ્યસન મુક્તિ માટે વર્ષોથી આહલેક જગાવી ઉમદા સામાજિક કાર્ય કર્યુ છે. તેઓનો સત્સંગ છેવાડાના માણસને સમજાય એવા સાવ સરળ શબ્દોમાં હોય છે. એ નિખાલસ શબ્દો સાંભતાજ દિલના ગજબની શાંતિ પ્રસરી જાય છે.

 (આવી જ વિરલ વ્યક્તિ વિશેની રસપ્રદ વાતો જાણીશું આવતા ગુરુવારે...)   

લેખન : ઈશ્વર પ્રજાપતિ
આપ આપના પ્રતિભાવ નીચેના whatsapp no. પર લખી મોકલી શકો છો.
(98251 42620)

નોંધ:- મિત્રો બ્લોગની લિંક આપ શેર કરી શકો છો પરંતુ  બ્લોગના આર્ટિકલ્સને પોતાના નામે ચડાવી વાયરલ કરવાનો અવિવેક ન કરવા વિનંતી

Monday, May 13, 2019

આપણો જિલ્લો, આપણું વતન: અરવલ્લી ભાગ -15

ભાતીગળ લોકમેળા મેળાનો મલક અરવલ્લી જિલ્લો


          મેળો એટલે હળવું-મળવું પરંપરાગત રિવાજ મુજબ નિયત કરેલા સ્થળે ભેગા થવું. લોક મેળાઓ લોક જીવનના ઉલ્લાસનું મોંઘેરૂ પર્વ જ નહીં લોકસંસ્કૃતિનું સંગમ સ્થળ પણ છે. પીઠ કે ગુજરીમાં વાછરડા, પાડા, બળદ, ઊંટ કે ઘોડાના મેળા ભરાય છે. દરેક મેળાની સાથે એના મહાત્મ્ય અને સ્થળની પ્રાચીનતાનો ઇતિહાસ સંકળાયેલા જોવા મળે છે. પ્રાચીનકાળથી મેળાઓનું આગવું મહત્વ રહેલું છે. મેળાઓ રોજ-બરોજના જીવનમાંથી થકાવટ કંટાળો અને નીરસતા તથા નિરાશાને દૂર કરીને માનવ મનમાં નવા ઉમંગ અને ઉત્સાહ પ્રગટાવવાનું કામ કરે છે.
             જૂના જમાનામાં આજની જેમ મનોરંજનના વિપુલ સાધનો ન હતા. ત્યારે લોકો ખેતી, ધંધા કે મજૂરીના રોજના એકધારા પરિશ્રમથી કંટાળી થાકી જતા. આ થાક દૂર કરવા લોકો અખૂટ આનંદનું અને આત્મવિશ્વાસનુ ભાથું મેળા દ્વારા મેળવતા. વળી, પ્રાચીનકાળમાં પર્વતીય પ્રદેશોમાં વાહન વ્યવહાર ન હતો. આદિવાસી વિસ્તારમાં જીવન જરૂરિયાતની ચીજો મેળવવાનું મુશ્કેલ હતું. આર્થિક સ્થિતિને કારણે વધુ ચીજો ખરીદવાનું કામ પણ કઠિન હોવાથી, આદિવાસીઓએ જીવન જરૂરિયાતની ચીજો ખરીદવા માટે અઠવાડિક મેળાનું આયોજન ગોઠવી. જે પ્રણાલી આજપર્યંત અવિરત ચાલુ છે.
              એકલા ગુજરાતમાં જ દર વર્ષે 1521 જેટલા મેળા ભરાય છે તેમાંથી હિન્દુઓના 1293, મુસ્લિમોના 175, જૈનોના 21, લોકમેળા 14 , ધંધાદારી મેળા 13, અને પારસી નો એક મેળો યોજાય છે. હવે ગાંધીજી ની જન્મ જયંતી પ્રસંગે યોજાતા ગાંધી મેળા અને સર્વોદય મેળા તો ઠીક જાણીતા થવા લાગ્યા છે.
       અરવલ્લી જિલ્લામાં વારે-તહેવારે પ્રાચીનકાળથી અલગ અલગ ભાતીગળ મેળાઓ યોજાતા રહ્યા છે. તેમાં શામળાજી ખાતે યોજાતો પરંપરાગત મેળો જગવિખ્યાત છે.
        શામળાજી એક પ્રસિદ્ધ વૈષ્‍ણવ તીર્થ છે. અહીં અન્ય દેવી-દેવતાના મંદિરો આવેલાં છે. શામળાજી મંદિર વૈષ્ણવ સંપ્રદાયના ભાવિકો માટે આસ્થાનું કેન્દ્ર છે. 11મી સદીમાં નિર્માણ પામેલું આ મંદીર સ્થાપ્ત્ય કળા-કારીગીરીનો ઉત્તમ નમૂનો છો.
          આ પ્રદેશમાં વસતી જનજાતિ, ગરાસિયા, ભીલ જાતિના જનસમુદાય ભક્તિ-આનંદ ઉલ્લાસથી મેળાનો આનંદ લે છે. તીર્થયાત્રીઓ મેશ્વો નદીમાં સ્‍નાન કરે છે. આ આદીવાસી જનસમૂહ આ તીર્થમાં ભક્તિ ગીતો ગાઇ, પરંપરાગત ભજન-નૃત્યો અને તેમની ધાર્મિક આસ્થાને રજૂ કરે છે. અનેક હાડમારીઓ વેઠીને જીવન જીવતી આ પ્રજા પોતાના તમામ દુઃખો ભૂલીને આનંદથી મેળાને મહાલે છે. ભગવાન શામળાજી શ્રી કૃષ્ણનું જ સ્વરુપ છે. શામળાજીમાં બિરાજમાન ભગવાન શ્રી કૃષ્ણને એક દેવતાના રુપમાં નહીં પરંતુ તેમના સખા, મિત્ર, સહોદરના રુપમાં પૂજે છે. ભીલ જનજાતિમાં, શામળાજી ખૂબ જ સમ્‍માનીત છે અને લોકપ્રિય છે. જે ‘કાલિયો ભવજી’ ના રૂપમાં જાણીતા છે. શામળાજીનો મેળો નાગઘરા કુંડમાં સ્‍નાન અને વર્ષો જુની પરંપરાની ઉજવણી માટે જાણીતું છે.
            શામળાજીનો કારતકી પૂનમનો મેળો કારતક વદ અગિયારસથી માગશર વદ એકમ સુધીનો ગુજરાતનું સૌથી લાંબો 21 દિવસનો મેળો છે. આ મેળાનું આર્થિક દ્રષ્ટિએ આગવુ મહત્વ છે. શામળાજીના આ મેળામાં આજુબાજુના જિલ્લાના લોકો તથા ડુંગરના આદિવાસીઓ વાર્ષિક હટાણુ કરે છે. મેળામાં મુખ્ય વાણીયા, બ્રાહ્મણો, કણબી, કોળી કરતા ગરાસિયા ભીલ આદિવાસી વગેરે સમાજ મોટી સંખ્યામાં આવે છે. કાળીયા દેવ શામળિયા ઉપર ભીલોની મોટી આસ્થા છે.
         શામળાજી મેળાના ઉત્સવ પ્રસંગે સ્થાનિક મંદિર ટ્રસ્ટના અને ગ્રામ પંચાયત દ્વારા ઉભા કરાયેલા અવનવા ટેબ્લો અને રોશનીના શણગાર સજાવીને મંદિર અને ગામની શેરીઓ શણગારવામાં આવે છે. 

           આ ભવ્ય લોકમેળામાં સમગ્ર આદિવાસી સમાજનું આગવું પ્રતિબિંબ પડે છે. આ નાગધરોમાં સ્નાન કરવાથી કોઇપણ જાતનો વળગાડ કે ભૂત પ્રેત નીકળી જાય છે તેવી માન્યતા પ્રચલિત છે. આ મેળામાં ખાસ કરીને રાજસ્થાન, મધ્યપ્રદેશ તથા પંચમહાલથી મોટી સંખ્યામાં લોકો આવે છે. 
         માનવહૃદય ભક્તિભાવથી ભરાઈ જાય છે. અસંખ્ય યાત્રીઓ કંઠથી "શામળિયા લાલની જય" ના ગગનભેદી નારા બોલાવે છે. ભારતભરમાંથી મેળો માણવા આવેલા આદિવાસી લોકોનું રાસ નૃત્ય જોવા જેવું હોય છે. આ મેળાનું એક પ્રસિદ્ધ લોક ગીત આજે પણ લોક મોઢે ગવાય છે.
"હાલને છોરી રે, રણજણીયુ વાગે, પૈજણિયું વાગે,શામ
શામળાજીને મેળે રે, રણઝણિયું વાગે, પૈજણિયું વાગે,
ડોસા કોટા કાઢે રે, રણઝણિયું વાગે, પૈજણિયું વાગે,
મોટીયારા મૂછો મરડે રે, રણઝણિયું વાગે, પૈજણિયું વાગે,
ડોશીઓ ડોળા કાઢે રે, રણઝણિયું વાગે, પૈજણિયું વાગે,
હાલો, શામળાજીને મેળે રે, રણઝણિયું વાગે, પૈજણિયું વાગે."
           શામળાજીના મેળામાં લોકગીતોનો ઉપાડ અને લહેકો અલગ જ આનંદ આપે છે. લગભગ દરેક તીર્થના મેળાના ગીતો સ્થાનિક પ્રજામાં પ્રચલિત છે. અહીં આજુબાજુના પ્રદેશના ખેડૂતોના ગાડાઓની હારમાળા ચાલી આવે છે. તેમના બળદો શણગારેલા હોય છે. સિંગડીયો તેલ ઘસીને ચકચકિત કરેલી હોય છે. રંગીન ગોદડી ઓઢાડેલ આ લોક અને પગમાં ઘૂઘરા અને કોડીયોના હારથી શોભતા અને દોડતા વાઢીયાળી મસ્ત બળદોનો ધમધમાટ દૂરથી સંભળાય છે. આ દૃશ્ય ઉત્સાહ પ્રેરે તેવું નયનરમ્ય હોય છે. મેળે આવનાર ખેડૂતો અને લોકો પણ સુંદર રંગબેરંગી વસ્ત્રાલંકાર માં હોય છે. ઠાકરડા તથા ભીલો પોતાના ગામના સમૂહમાં મેળામાં આવે છે. અને યુવતીઓ સાથે ફરે છે. યુવાનો માથે રેશમી રૂમાલ કે છે કે હાથમાં ફરકાવે છે. મસ્ત થઈને ચાલ્યા આવતા આ યુવક-યુવતીઓ શામળાજીના મેળામાં લોકગીતો ગાતા હોય છે. મેળામાં આવનાર રાત્રિ રોકાણ કરે છે. તેમના વૃંદો મેળાના ગીતોની રમઝટ સાથે રાત્રિ પસાર કરે છે. 
         આદિવાસી યુવાનો મેળામાંથી જ પોતાની મનની માનેલી કન્યાને પસંદ કરી લે છે. યુવતીનો પ્રેમી પોતાના ગામના જુવાનિયા ને સાથે લઈને મેળામાંથી એની ખેંચી જાય છે. યુવતીના ગામવાળા તેને ઉપાડી જતી બચાવે છે. તે કિલા જુવાનિયા ઘણીવાર વટને ખાતર ધીંગાણા વહોરી લે છે. મેળામાંથી ઉઠાવાયેલા કન્યાની પછીથી પોતાના પ્રેમી સાથે લગ્ન કરવાની છૂટ અપાય છે. મેળા માંથી કન્યાની ઉપાડી જવા માટે લાડી ખેંચવી એવો શબ્દ પ્રયોગ જાણીતો છે.
         દર વર્ષે કારતકી ચૌદશના રોજ અહીં વસતા ભગત અને ભુવા ભેગા થાય છે. અને તેઓ પોતાના મંત્રો તાજા કરે છે. નવા ભૂવા પોતાની સાધના પણ અહીં જ શીખે છે. કોઈને ભૂત પ્રેત કે જોડિયું વળગ્યું હોય તો તેને કઢાવવા માટે અહીં લઇ આવવામાં આવે છે. મેશ્વો ના લાંબા વિશાળ ભગત ભુવા ને વળગાડ વાળા લોકો નો અનોખો મેળો જામે છે. ભુવા મંત્રો ભણે છે. હુંકારા અને ચિચિયારીઓથી વાતાવરણ ભરાઈ જાય છે. આદિવાસીઓને મૃત સગાઓ નું શ્રાદ્ધ કરવાની તક પણ મેળા પૂરી પાડે છે.
           મેળામાં આવનાર ભાવિકો વહેલી સવારે મેશ્વો ના નાગધરો કુંડમાં સ્નાન કરે છે. કાર્તિકી પૂનમે દેવ દિવાળી નિમિત્તે ત્રણ માળના આ ભવ્ય વિષ્ણુ મંદિરને નીચેથી ઉપર સુધી દીપમાળથી શણગારવામાં આવે છે પવનની લહેર ક્યુમાં થી શિખાઓ નું દ્રશ્ય મનોહર લાગે છે.
         મેળામાં તાંબા-પિત્તળના વાસણો, બેડા, ચાંદીના ઘરેણાં, ગાદલા, રજાઈ, કાપડ અને તૈયાર વસ્ત્રો લુહારની કોડ અને ખેતીના ઓજારો, શાકભાજી, અનાજ, બંગડીઓ જીવન જરૂરિયાની તમામ ચીજો મળી રહે છે. પરપ્રાંતના લોકો તે ખાસ ખરીદે છે. આદિવાસીઓ અને દૂરના લોકો તેમનું હટાણુ મેળામાંથી કરે છે. આદિવાસીઓ પણ તેમના સૂપડા, વાસની ચીજો વગેરે વેચવા મેળામાં આવે છે. 

          1951 સુધી આ મેળામાં પશુ વેચાતા. તેમાં ઉત્તર ગુજરાતના વઢીયારી, કાંકરેજી ,વાવ-થરાદના ઉમદા બળદો પંદર વીસ હજારની સંખ્યામાં વેચાતા અને રોજની હજારો રૂપિયાની લેવડદેવડ થતી. વળી ગાય, ભેંસ, કચ્છી ગધેડા અને અરબી પંજાબી જાતના ઘોડા બજારમાં વેચાતા. તેમનું કુલ વેચાણ લાખો રૂપિયાનું થતું હતું. અહીંનો માલ ખરીદવા કચ્છ, સાબરકાંઠા, મહેસાણા, અમદાવાદ વગેરે જિલ્લાના તથા રાજસ્થાન મેવાડના વેપારીઓ પણ આ માલ લે-વેચ કરવા ખાસ આવતા હતા.
              25 વર્ષ પહેલા 25-30 ગામના લોકો આ મેળામાં વાર્ષિક હટાણુ કરતા અને મીઠાથી લઈ જીવનની તમામ જરૂરિયાતની ખરીદી માલ ગાડામાં કે ઊંટ ઉપર પોતાને ગામ લઈ જતા. રેલ્વે બસ વ્યવહાર મળતા મેળાનું બજાર ઉપરાંત, ખાનપાનની દુકાનો હોટેલો ચકડોળ વાગ્યે ભાડકા વિનોદ અને મનોરંજનના સાધનો ના સ્ટોલ ઉપલબ્ધ થયા છે.
           સાબરકાંઠા વિસ્તારમાં ભરાતા ચિત્ર-વિચિત્ર મેળા જેટલું મહત્વ ધરાવતો શામળાજીનો આ મેળો આજકાલ શહેરી સંસ્કૃતિની અસર વાળો થતો જાય છે. તેવું આ મેળો માણવા આવનારની લાગ્યા વિના રહેતું નથી. પરંતુ ભારતીય લોકજીવન ની નજીકથી ઝાંખી કરવા માટે એકવાર આ મેળો અચૂક નિહાળવો જોઈએ.

( ભાતીગળ લોકમેળા નો મલક અરવલ્લી વિશે વધુ આવતા સોમવારે)
લેખન - સંકલન :ઈશ્વર પ્રજાપતિ 
સંદર્ભ: અરુણોદય અરવલ્લીનો 
(આપના પ્રતિભાવ નીચે આપેલ whatsapp નંબર પર લખી મોકલી શકો છો )
(98251 42620)

નોંધ:- મિત્રો બ્લોગની લિંક આપ શેર કરી શકો છો પરંતુ મિત્રો મારા બ્લોગના આર્ટિકલ્સને પોતાના નામે ચડાવી વાયરલ કરવાનો અવિવેક ન કરવા વિનંતી

Thursday, May 9, 2019

વ્યક્તિ વિશેષ : જીવદયા પ્રેમી અજાતશત્રુ નિલેશભાઈ જોષી

જીવદયા પ્રેમી, અજાતશત્રુ ઉર્જાવાન યુવાન નિલેશભાઈ જોશી



                 આ વાત એ જમાનાની છે જ્યારે દસ પૈસાનો સિકકામાં બાળકની મુઠ્ઠી ભરાઈ જાય એટલી પીપરમીન્ટ આવતી. શાળાએ જતા એક બાળકને એની માતાએ પીપરમિન્ટ માટે 10 પૈસાનો સિક્કો આપ્યો. બાળકના ખિસ્સામાં દસ પૈસાનો સિક્કો આવી જાય તો જાણે એ દુનિયાભરનો સૌથી અમીર આદમી હોય એવો અહેસાસ થતો. દસ પૈસાનું પણ મૂલ્ય હતું. એ. દસ પૈસાનો સિક્કો ક્યાંક પડી ન જાય એ રીતે બાળકે બરોબર કસીને મુઠ્ઠીમાં પકડ્યો છે. રસ્તામાં કોઈ દુકાને આવે અને આ પૈસાની પીપરમિન્ટ લઈ નિશાળે જવા ઝડપથી પગ ઉપાડ્યા છે. ફૂટપાથ ઉપર ચાલતાં ચાલતાં આ બાળકની નજર ફૂટપાથના એક ખૂણા પર દયનીય હાલતમાં બેઠેલા એક ભિખારી પર પડી. કેટલાય દિવસથી અન્ન પેટમાં પડ્યું નથી. પેટ સાતમા પાતાળે પડ્યું છે. નિસ્તેજ આંખો ઊંડી ઉતરી ગઈ છે. ચીંથરેહાલ વસ્ત્રોમાં વૃદ્ધ, અશક્ત ભિખારી રસ્તા પર આવતા જતા લોકો પાસે હાથ લંબાવી મદદ માગી રહ્યો છે. આ કરૂણાસભર દ્રશ્ય જોઈ એ બાળકનું હૃદય દ્રવી ઉઠ્યું. પીપરમીન્ટ લેવા ઝડપથી ચાલતા પગ થંભી ગયા. ભિખારીની પાસે પહોંચી એ બાળકે કસીને વળેલી મુઠ્ઠી ઢીલી કરી, દસ પૈસાનો સિક્કો ભિખારીના હાથમાં મૂકી, એ બાળક શાળા તરફ ચાલતું થયું. 
             બાળપણથી જ હૃદયમાં વહેતી આવી કરુણાની ધારા આગળ જતા જીવ માત્ર પ્રત્યે દયા ની સરવાણી બની વહેવા લાગી. પીપરમિન્ટ ના પૈસા દયનીય હાલતમાં જોયેલા ભિખારીના હાથમાં પકડાવી દેતું આ બાળક એટલે આજના અરવલ્લી પંથકમાં અદના સમાજસેવક, શિક્ષણ પ્રેમી કેળવણીકાર, જીવદયા પ્રેમી અને સદભાવના ક્ષેત્રે સીમાચિહ્નરૂપ કાર્ય કરી રહેલા ઊર્જાવાન, અજાતશત્રુ યુવાન નિલેશભાઈ જોશી.
            આમ તો તેઓ નું મૂળ વતન લીંભોઈ. પરંતુ વર્ષોથી મોડાસા ખાતે તેઓ સ્થાઈ થયા અને મોડાસાને પોતાની કર્મભૂમિ બનાવી. સેવા અને સદભાવનાના મૂલ્યો તેઓને વારસામાં મળ્યા. જરૂરિયાતમંદની વહારે નિઃસ્વાર્થ દોડવું એ તેઓના લોહીમાં વણાયેલા ગુણો છે. 
                માણસને કોઈ પીડા, દુઃખ કે વેદના થાય તો બોલીને વ્યક્ત કરી શકે, કોઈની મદદ પણ માંગી શકે. પરંતુ પૃથ્વી પરના અસંખ્ય અબોલા- મૂંગા જીવોને જ્યારે કોઈ ઈજા થવાથી પીડા થાય ત્યારે એ પશુ પંખીઓની અસહ્ય વેદના કહેતો કહે કોણે ??? મૂંગા પશુ પંખીઓની અસહ્ય પીડા અને પારાવાર વેદનામાં નિલેશભાઈ સહભાગી બન્યા છે. જીવ દયા પ્રેમની સરાહનીય પ્રવૃત્તિ દ્વારા અત્યાર સુધીમાં નિલેશભાઈએ વેદનાથી કણસતા સેંકડો મુંગા પશુ પંખીઓની સારવાર કરી નવજીવન બક્ષ્યું છે. તેઓ સાથે વાત કરતાં આ માનવીય કાર્ય કર્યાનો અનેરો સંતોષ તેમની આંખોમાં ઉભરી આવે છે. નિલેશભાઈ જ્યારે પોતાનું દિલ ખોલે છે અને આ મુંગા પશુ પંખી ઓની વેદનાને પોતે વાચા આપે છે ત્યારે સાંભળતા જ હૃદય હચમચી જાય છે. 

                થોડા વર્ષો પહેલા ઉનાળા દરમિયાન મોડાસા નગરમાં ગોલ્ડન સર્કસ આવ્યું હતું. એ સર્કસમાં વાઘ, હાથી જેવા વન્ય પ્રાણીઓનો ખેલ માટે ઉપયોગ થતો. એ અરસામાં સમાચાર પત્રમાં સમાચાર છપાયા કે કોઈપણ વન્યપ્રાણીને ઈજા પહોંચાડી, પરેશાન કરી શકાય નહીં. આવું કરવું કાયદેસર ગુનો બને છે. આ સમાચાર મળતાં ગોલ્ડન સર્કસ વાળા વાઘનું પાંજરુ ખુલ્લા મેદાનમાં છોડી ત્યાંથી ચાલી નીકળ્યા. ઉનાળાનો આકરા તાપમાં ખુલ્લા પાંજરામાં રહેલો વાઘ સહન કરી શકતો નહીં. એટલી ગરમીમાં દિવસો સુધી વાઘને કોઈએ પાણી શુદ્ધા કોઈએ પાયું નહીં. પાંજરૂ પણ એટલું નાનું હતું કે વાઘ મુક્ત રીતે પાંજરામાં ફરી શકે નહીં અને 45 ડિગ્રીમાં ગરમ થયેલું લોખંડનું પાંજરું વાઘને અડકતા, વાઘનું શરીર અનેક જગ્યાએથી દાજી ગયું હતું. ભૂખ્યો તરસ્યો વાઘ કણસતો હતો. વાઘની દશા દયનિય હતી. શહેરના લોકોના ટોળે ટોળા વાઘ જોવા આવતા. પરંતુ વાઘના પાંજરાને કોઈ ઝાડના છાંયડામાં મુકવા કોઈ તૈયાર ન હતું. આ સમાચાર નિલેશભાઈને મળતા તેઓ વાઘના પાંજરા પાસે પહોંચ્યા. જોતા જ તેઓ પરિસ્થિતિ પામી ગયા. અને તેઓ પહોંચી ગયા કલેકટર કચેરી ખાતે. ફોરેસ્ટ ખાતા ની મદદ લઇ આ વાઘને જંગલમાં છોડવા માટે તેઓએ રજુઆત કરી પરંતુ જોઈએ એવો પ્રતિસાદ ન સાંપડ્યો. બીજા દિવસે ફરી તેઓ તેના જવાબદાર અધિકારીની ઓફિસે પહોંચ્યા. અને એ દિવસે નક્કી કર્યું કે જો આ વાઘને યોગ્ય જગ્યાએ આજે ખસેડવામાં ન આવે ત્યાં સુધી અહીંથી ઘરે જવું નહીં. નિલેશભાઈ અધિકારીની સામે જ પલોઠી વાળી બેઠા. કલાકો વીત્યા પછી છેવટે કંટાળી એ અધિકારીએ વાઘને ત્યાંથી હટાવી જંગલના મુક્ત વાતાવરણમાં છોડી મુકવામાં આવ્યો. 
           આજે નિલેશભાઈને આ સમગ્ર પંથક એક સાચા જીવદયાપ્રેમી તરીકે ઓળખે છે. અહીં આસપાસ કોઈને પણ ઈજાગ્રસ્ત પામેલું અથવા કોઈ મુશ્કેલીમાં મુકાયેલું પશુ કે પંખી દેખાય તો તરત આસપાસના લોકો નિલેશભાઈનો સંપર્ક કરે છે. અને સમાચાર મળતાં જ નિલેશભાઈ પોતાના સઘળા કામ છોડી એ અબોલા પશુ પંખીનો જીવ બચાવવા તેની વહારે દોડી જાય છે. 

               ઉત્તરાયણ દરમિયાન આબાલવૃદ્ધ સૌ પતંગ ચગાવવાની મસ્તીમાં વ્યસ્ત હોય છે ત્યારે નિલેશભાઈ અને તેઓની ટિમ દોરીથી ગવાયેલા પંખીઓની સારવારમાં વ્યસ્ત હોય છે. ઉત્તરાયણ પર્વ પૂરું થયા બાદ જ્યાં ત્યાં પડેલી ગૂંચવાયેલી દોરીમાં પક્ષીઓ ફસાઈ ઇજા પામતા હોય છે. ત્યારે નિલેશભાઈ શાળા કોલેજમાં જઈ વિદ્યાર્થીઓને રસ્તામાં પડેલી, તેમજ ઝાડ અને અન્ય જગ્યાએ ભરાયેલી દોરીને એકત્રિત કરવા માટે પ્રોત્સાહિત કરે છે. ગત ઉત્તરાયણ દરમિયાન નિલેશભાઈ અને વિદ્યાર્થી મિત્રોએ મળીને 120 કિલોગ્રામ જેટલી જ્યાં ત્યાં પડેલી આવી દોરી એકત્રિત કરી તેને સળગાવી તેનો નાશ કર્યો હતો. 
             કુતરાઓમાં જોવા મળતો ખસ નામનો રોગ કૂતરાઓને અસહ્ય વેદના આપતો હોય છે. આ રોગમાં કુતરાના શરીર ઉપર અસહ્ય ખંજવાળ આવતી હોય છે. ખંજવાળવાથી કુતરાની ઉપરની ચામડી પણ નીકળી જતી હોય છે. આ રોગના નિવારણ માટે નિલેશભાઈ અને તેઓના મિત્રો ખસમાં રક્ષણ આપતી દવા લઈને નીકળી પડે છે. જ્યા પણ આ રોગ ધરાવતું કૂતરું નજરે પડે તો તેને આ દવા પીવડાવે છે. આજ સુધીમાં 1500 ઉપરાંત કૂતરાઓને આ દવા તેઓ પીવડાવી ચૂક્યા છે અને ખસ મુક્ત કર્યા છે.

           નિલેશભાઈના મિલનસાર સ્વભાવ થકી તેઓ મોડાસામાં તમામ સમુદાયમાં લોકપ્રિય છે. તેઓ જ્ઞાતિ- જાતિ-ધર્મની વાડ ઓળંગી તમામના ઉટકર્ષ માટે યોગદાન આપી રહ્યા છે. મોડાસા વસતા મુસ્લિમ બિરાદરો પણ નિલેશભાઈને આદરપૂર્વક સન્માન આપે છે. તેઓએ મોડાસાની મુસ્લિમ બહેનો માટે સ્વરોજગાર કેમ્પનું આયોજન કરી આ બહેનો આત્મનિર્ભર બને એ માટે પ્રયત્નો કર્યા છે. મોડાસા જેવા શહેરમાં નિલેશભાઈ એ કોમી એખલાસ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. નિલેશભાઈ જ્યારે મોડાસા નગર રથયાત્રાના પ્રમુખ બન્યા ત્યારે જાહેરમાં મુસ્લિમ બિરાદરોનું સ્વાગત અને સન્માન કર્યું. અને રથયાત્રા દરમ્યાન આ મુસ્લિમ બિરાદરોએ પણ રથયાત્રામાં ભાગ લેતાં તમામ નાગરિકોને આઈસક્રીમનું વિતરણ કરી સર્વધર્મ સમભાવ નું એક શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પડ્યું. એવી જ રીતે મુસ્લિમોના મોહરમ દરમિયાન તાજીયા જુલુસમાં પણ નિલેશભાઈ અચૂક હાજરી આપે. રમજાનના પવિત્ર માસ દરમિયાન મુસ્લિમ બિરાદરોને ઈતિહાર પાર્ટીમાં પણ ઉપસ્થિત રહી કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પડતા રહે છે. મુસ્લિમ સમુદાયમાં દીકરીઓના સાક્ષરતા પ્રમાણે વધારવામાટે નિલેશભાઈ મુસ્લિમ દીકરીઓને પ્રતિવર્ષ પુસ્તકનું વિતરણ કરતા રહ્યા છે. આ ઉપરાંત લુહાર મુસ્લિમ સમુદાયના સમૂહ લગ્નમાં પણ નિલેશભાઈએ આગળ પડતું કાર્ય કરી ગરીબ મુસ્લિમ દીકરીઓના આર્શીવાદ પામ્યા છે. 
                સરસ્વતી બાલમંદિર મંડળના તેઓ સતત ચોથી ટર્મ પ્રમુખ તરીકે ચૂંટાયા છે. શાળાના વિદ્યાર્થીઓમાં કોમી એકતાના સંસ્કારોનું સિંચન થાય તે માટે કરીમિયા શાળાના પ્રમુખ લતીફ ઝાઝ સાથે મળી એક નવતર પ્રયોગ પણ તેઓએ કર્યો. જે પ્રયોગ અંતર્ગત સરસ્વતી બાલમંદિર શાળાના બાળકો એક સપ્તાહ કરમિયા શાળામાં અભ્યાસ કરવા જાય અને કરમિયા શાળાના મુસ્લિમ વિદ્યાર્થીઓ સરસ્વતી શાળામાં અભ્યાસ કરવા માટે આવે. આ પ્રયોગને વિદ્યાર્થી, વાલી અને શિક્ષકો તરફથી અપ્રતિમ પ્રતિસાદ મળ્યો. જમાત એ ઇસ્લામી ઈદ એ મિલાદ જેવા કાર્યક્રમોમાં મુસ્લિમ આગેવાનો નિલેશભાઈ ને વક્તા તરીકે આમંત્રે છે. 
            નિલેશભાઈ તેમના મિત્ર અમિત કવિ સાથે મળી દિવ્યાંગો, વંચિતો અને આશ્રિતો માટે સરાહનીય કાર્ય કરી રહ્યા છે. દિવ્યાંગ બાળકોને પ્રોત્સાહન આપવા માટે તેઓ જિલ્લાના અંતરિયાળ ગામડાઓમાં સતત પ્રવાસ કરતા રહે છે. દિવ્યાંગ બાળકો પણ નિલેશભાઈને મળી પોતાના મોટાભાઈને મળતા હોય તેઓ અહેસાસ અનુભવે છે.
           પર્યાવરણના જતન માટે પણ પર્યાવરણ પ્રેમી નિલેશભાઈએ અમૂલ્ય યોગદાન આપ્યું છે. દર વર્ષે તેઓ ઘરે ઘરે જઈ 1000 જેટલા તુલસીના છોડનું વિતરણ કરતા રહ્યા છે. જન્મદિવસની ઉજવણી તેઓ વૃક્ષ વાવીને કરે છે. ઉનાળા દરમ્યાન પશુ-પંખીઓને પીવાના પાણી માટે કૂંડાઓના વિતરણ પણ તેઓ કરતા રહ્યા છે. 

              આ ઉપરાંત અરવલ્લીના અંતરિયાળ ગામડાઓમાં સર્વરોગ નિદાન કેમ્પ, મોતિયા કેમ જેવા તબીબી કેમ્પોનું આયોજન કરી છેવાડાના માનવી સુધી તબીબી સારવાર પહોંચાડવાના તેઓ અથાગ પરિશ્રમ કરી રહ્યા છે. 
અરવલ્લી અને મોડાસાના વિકાસ માટે તેઓ એક જાગૃત નાગરિકની ભૂમિકા અદા કરવાનું ક્યારેય ચૂક્યા નથી. મોડાસા નગરપાલિકાના તેઓ કોર્પોરેટર રહી ચૂક્યા છે. અને મહત્વના હોદ્દાઓ પણ તેઓ સંભાળી ચૂક્યા છે. આવેદનપત્રો દ્વારા પ્રશાસનના કાન આમળી, પ્રજાના પ્રશ્નોને તેઓ સતત વાચા આપતા રહે છે. 
            નિલેશભાઈ બહુમુખી પ્રતિભા ધરાવતું વ્યક્તિત્વ છે. અનેક પ્રતિષ્ઠિત સંસ્થાઓએ સેવા પ્રવૃત્તિઓની ઉત્કૃષ્ઠ કામગીરી બદલ  તેઓને વિવિધ એવોર્ડ્સ આપી સન્માનિત કર્યા છે. તેઓ આજે અનેક પ્રતિષ્ઠિત પદ શોભાવી રહ્યા છે. જેમાં તેઓ જમીન વિકાસ બેંકના ડિરેક્ટર છે. જાયન્ટ્સ પીપલ ફાઉન્ડેશનના ટ્રસ્ટી છે. મોડાસા કોલેજ ના કારોબારી સદસ્ય છે. લીંબોઈ ફળ-ફળાદિ સેવા સહકારી મંડળીના તેઓ ચેરમેન છે. મારુતિ પિયત મંડળીના તેઓ ચેરમેન છે. જેસીસ મિલ્ક કમિટીના સલાહકારનું પદ તેઓ શોભાવી રહ્યા છે. શબ્દસેતુના તેઓ સલાહકાર છે. અનેક મહત્વપૂર્ણ હોદ્દાઓ પર હોવા છતાં નિરાભિમાની, સાલસ, સહજ સરળ સ્વભાવ નિલેશભાઈના વ્યક્તિત્વને અધિક નિખારે છે. 
            નિલેશભાઈ મોડાસા અરવલ્લી પ્રદેશના મૂકસેવક તરીકેની અપેક્ષા રહિત જનસેવામાં અવિરત પ્રવૃત્ત છે. સેવા, શિક્ષણ, સામાજીક, ધાર્મિક સંસ્થાઓમાં સેવાઓમાં સક્રિય છે. તેઓની તમામ રચનાત્મક પ્રવૃત્તિઓનો પરિચય માત્ર એક આર્ટિકલમાં થોડા શબ્દોમાં સમાવવો શક્ય નથી. તેઓશ્રીની સેવા સુશ્રુષાની સુવાસ આ સમસ્ત અરવલ્લી પંથકને સુવાસિત કરી છે.


(આવી જ વિરલ વ્યક્તિ વિશેની રસપ્રદ વાતો જાણીશું આવતા ગુરુવારે...)   

લેખન-સંકલન : ઈશ્વર પ્રજાપતિ
આપ આપના પ્રતિભાવ નીચેના whatsapp no. પર લખી મોકલી શકો છો.
(98251 42620)

નોંધ:- મિત્રો બ્લોગની લિંક આપ શેર કરી શકો છો પરંતુ  બ્લોગના આર્ટિકલ્સને પોતાના નામે ચડાવી વાયરલ કરવાનો અવિવેક ન કરવા વિનંતી.

Thursday, May 2, 2019

વ્યક્તિ વિશેષ : યુવાનોના આદર્શ હિમાંશુ પટેલ


                   

અંતરિયાળ ગામડાને વિકાસ થકી વિશ્વ ફલક પર ઓળખ અપાવનાર યુવાનોના આદર્શ હિમાંશુ પટેલ


                    હિમાંશુ પટેલ.
               આજની ટેકનોસેવી યુવા પેઢી માટે આ નામ અજાણ્યું નથી. આશરે 6000ની વસતી ધરાવતું ડિજિટલ અને સ્માર્ટ ગામ પુંસરી વૈશ્વિક ફલક પર ઓળખ પામ્યું છે. શહેરને શરમાવે તેવી સુવિધાઓથી સજ્જ બનાવી સમસ્ત દેશ માટે એક ઉત્તમ આદર્શ પૂરો પાડનાર પુંસરીના પૂર્વ સરપંચ હિમાંશુભાઈ યુવાન છે , તેઓ પાસે આગવું વિઝન છે. ઉર્જાનું જનરેટર છે, કામ કરવાની આગવી શૈલી છે. હિમાંશુ પટેલને કામ કરવાની આગવી કોઠાસૂઝ, તેઓના દાદા અને આ પંથકના જાણીતા લોકસેવક  સ્વ. નટવરભાઈ પટેલ તથા પિતા નરેન્દ્રભાઈ  પટેલ તરફથી વારસામાં મળી છે.
તેઓના વિઝન સાથેના ભગીરથ પુરૂષાર્થના પરિણામે પુંસરી ગામમાં વિકાસ અને સમૃદ્ધિનો ચમત્કાર સર્જ્યો છે. 
             ગાંધીજી, વિનોબા ભાવે કે જય પ્રકાશ નારાયણ જે ગ્રામશક્તિની વારંવાર વાત કરતા હતા તે વાત અહીં સાકાર થઈ છે. ગાંધીજી કહેતા કે સાચું હિન્દુસ્તાન ગામડાઓમાં વસે છે અને ગામડાઓના વિકાસ વગર હિન્દુસ્તાનનો વિકાસ શક્ય નથી. ગાંધીજીના આ વિચારને સાકાર કરતું ગામ જોવું હોય તો આપે એકવાર પુંસરી ગામની મુલાકાત લેવી જ પડે. 
                  વર્ષ 2006માં માત્ર 23 વર્ષની ઉંમરે પ્રથમવાર સરપંચ તરીકે પ્રથમ વાર ચૂંટાઈ આવ્યા. ગ્રામ પંચાયતનું નેતૃત્વ હિમાંશુ પટેલ નામના એક નવયુવાનના હાથમાં આવ્યું. તેઓ ગામના સીઇઓ (ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર) બન્યા. તે વખતે પુંસરી ગામમાં રસ્તા, વીજળી, પાણી જેવી પાયાની સામાન્ય સુવિધાઓનો પણ અભાવ હતો. પંચાયત પાસે પૂરતું ભંડોળ પણ નહોતું. પંચાયતના માથે દોઢેક લાખનું દેવું હતું. શહેરીકરણ વધવા માંડ્યું, તો શું કરવું? હિમાંશુભાઈને લાગ્યું કે ભંડોળ તો પૂરતું આવે છે પરંતુ તેનો ઉપયોગ બરાબર થતો નથી.
              સરપંચ બન્યા બાદ તેણે વિવિધ ગ્રામ્યલક્ષી સરકારી યોજનાઓ સાથે સંકળાવાનો નિશ્વય કર્યો. શરૂઆતના ત્રણેક વર્ષ તેણે મુળભુત સુવિધાઓની ઉપલબ્ધિઓ લગાવવા પાછળ મહેનત કરી. બે વર્ષમાં તેમણે દરેક ઘરમાં પાકું મકાન અને શૌચાલયની વ્યવસ્થા કરી આપી. પંચાયત માથેનું કરજ દુર કર્યુ. દરેક ઘરમાં વિજળી પહોચાડી દીધી. ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરવા લાગ્યા. 
         તે પછીનાં તેઓના બે ટર્મના સરપંચ કાળના 10 વર્ષ દરમિયાન, જિલ્લાના પ્રશાસન સાથે મળીને તેમણે ભંડોળ વિવિધ મથાળાં હેઠળ મેળવવાનું શરૂ કર્યું, જેમ કે જિલ્લા આયોજન પંચ, પછાત પ્રાદેશિક અનુદાન ભંડોળ, 12 મા નાણા પંચ અને ઉપરાંત સ્વ સહાય જૂથ યોજનાએ ગામના વિકાસને એક નવી ઊંચાઈ બક્ષી. યોજનાઓની સફળતામાં ગ્રામજનોના સહકારની સુગંધ ભળતાં સમૃદ્ધિની ગતિને વેગ મળ્યો. દરેક ગામની પાસે હિમાલય જેવી વિશાળ શક્તિ તે પુંસરીના પ્રયોગથી સાબિત થયું છે. આ સફળ પ્રયોગ કરનારા પ્રયોગવીર હિમાંશુ પટેલ અને પુંસરી ગામ હવે તો એકબીજાનાં પર્યાયવાચી બની ગયાં છે.

       હિમાંશુ પટેલે ગામની ખરા અર્થમાં કાયા બદલી નાખી. ક્લોઝ સર્કીટ કેમેરા, વોટર પ્યૂરીફાઇંગ પ્લાન્ટ, એર કન્ડિશન્ડ સ્કુલ, વાઇ-ફાઇ અને બાયો મેટ્રીક મશીનો જેવી અદ્યતન સુવિધાઓ તેમણે ગામમાં ઉભી કરી.
           ગામમાં ભેગા થતાં કચરાને લઇ જવા માટે વાનની વ્યવસ્થા કરવામાં આવી. ત્યારબાદ એ કચરો વિજ ઉત્પાદનમાં વાપરવામાં આવતો. એમણે ત્રણ યુવાનોની સાથે મળી પબ્લિક પ્રાઇવેટ આર.ઓ વોટર પ્લાન્ટ બનાવ્યો. તે 2010થી લઇને આજ સુધી 5 રૂપિયામાં વીસ લિટર મિનરલ વોટર આપવામાં આવે છે. ગામમાં હાઇ-સ્પીડ વાઇફાઇની સુવિધા ઉપલબ્ધ છે અને પચાસ રૂપિયા આપીને મહિના માટે 30 એમબીપીએસની ઝડપે ઇન્ટરનેટ વાપરી શકાય છે.
             આ ઉપરાંત ગામની સ્કુલ અને સરકારી ઓફિસોમાં લગાવેલા કમેરાથી કોઇપણ સ્થળેથી જે-તે સ્થળનું લાઇવ નિરિક્ષણ શક્ય બન્યું છે. 2009 માં ગ્રામ-પંચાયતમાં વોટરપ્રુફ લાઉડ સ્પીકર મુકવામાં આવેલા છે. આ સ્પીકર દ્વારા સરકારી કે સામાજિક કાર્યક્રમોની જાહેરાત થાય છે. અને હિમાંશુ પટેલ ગમે ત્યાંથી મોબાઇલ એપ્લિકેશન દ્વારા લાઉડસ્પીકરમાં જાહેરાત કરી શકે છે.
       સમસ્ત  ભારતના સાતેક લાખ ગામોમાં એક ઉત્તમ  ઉદાહરણ બેસાડ્યું છે, સાબરકાંઠા જીલ્લાના પુંસરી ગામે. જેના થનગનતા યુવાન સરપંચ હિમાંશુ પટેલે બારેક વર્ષમાં ગામની સૂરત જ ફેરવી દીધી છે. એ પણ એવી કે સ્માર્ટ સીટી પણ શરમાઇ જાય.

         આ યુવા સરપંચ હિમાંશુ પટેલની મહેનતને બિરદાવતા 2011 માં મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે પુંસરી ગામને તત્કાલીન મુખ્યમંત્રી શ્રીનરેન્દ્ર મોદી દ્વારા “બેસ્ટ ગ્રામ પંચાયત”નો પુરસ્કાર નવાજવામાં આવ્યા. દિલ્હીમાં પણ “બેસ્ટ ગ્રામ સભાનો” પુરસ્કાર આ ગામને પ્રાપ્ત થયો. આ ઉપરાંત 65 જેટલા બીજા પ્રતિષ્ઠિત એવોર્ડથી વિવિધ સંસ્થાઓએ હિમાંશુભાઈની કામગીરીની બિરદાવવામાં આવી છે. આજે પણ ગ્રામવિકાસની કોઈ વાત નીકળે તો આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ભાષણમાં આદર્શ ગામ પુંસરીનું ઉદાહરણ આપવાનું ચૂકતા નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અન્ય પ્રધાનો અને ભારતના ખ્યાતનામ પત્રકારોએ ટ્વિટ દ્વારા આદર્શ ગામ પુંસરીની સરાહના કરી છે. પુંસરી મોડેલને નિહાળવા અનેક ખ્યાતનામ હસ્તીઓ, ફિલ્મી કલાકારો, રાજનેતાઓ આ ગામની મુલાકાત લેતા રહે છે. તાજેતરમાં જ 62 દેશના પ્રતિનિધિમંડળના 120 જેટલા વિદેશી પ્રધાનો ગામની મુલાકાત લીધી હતી. દેશ-વિદેશના લોકો આ ગામના અધ્યયન માટે આવતા રહે છે. 

              ખાસ વાત એ છે કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રતિષ્ઠા ધરાવતા BRICS સંમેલનમાં ગ્રામ વિસ્તાર પરિયોજના અંતર્ગત વ્યાખ્યાન આપવા ભારત સરકારે હિમાંશુ પટેલના નામ પર મહોર મારી હતી. લગભગ 90 જેટલી કોલેજોમાં હિમાંશુ પટેલ લેક્ચર આપી ચુક્યાં છે. પુંસરીને પ્રભાવશાળી બનાવવા પોતે ઘણા દેશોના જુદા-જુદા ગામોની મુલાકાતો લીધેલી છે.
        સરપંચ તરીકેની ઉત્કૃષ્ટ કામગીરી જોઈને ભારત સરકારના કુપોષણ મુક્ત ભારતના પ્રોજેક્ટ માટે હિમાંશુ પટેલની ચીફ એક્ષેક્યુટીવ ઓફિસર 'CEO' નિમણુંક કરવામાં આવી છે. સમગ્ર ભારતના 11 રાજ્યોમાં વેદાંત ગ્રુપ કંપનીના ચેરમેન અનિલ અગ્રવાલ અને ભારત સરકાર દ્વારા આ નંદઘર કઈ કઈ જગ્યાએ શરૂ કરવા તેનું લિસ્ટ રાજ્ય સરકારો પાસેથી મેળવીને આ નંગદર પોજેક્ટની જવાબદારી આ સરપંચ હિમાંશુ પટેલને સોંપવામાં આવી છે.
            સદીના મહાનાયક અમિતાભ બચ્ચનની લોકપ્રિય થયેલી ધારાવાહિક "આજ કી રાત હે જિંદગી" કાર્યક્રમમાં સમાજના ઉત્થાન માટે વિશિષ્ટ પ્રદાન કરનાર કરનાર 30 વ્યક્તિઓની પસંદગી કરવામાં આવી હતી. જેમાં એક નામ હિમાંશુ પટેલનું હતું. હિમાંશુ પટેલને અમિતાભ બચ્ચનજીએ આ કાર્યક્રમમાં મહેમાન તરીકે બોલાવી તેઓનું બહુમાન કર્યું હતું. 
મિત્રો વર્તમાન સમયમાં પુંસરી એક અદ્ભુત ગામનો દરજ્જો લેતું ઉભું છે. એની પાછળ હિમાંશુ પટેલનો હાથ રહેલો છે. ગામનો આગેવાન પરીવર્તન ઇચ્છનારો હોય તો કેવું પરીવર્તન લાવી શકે એનો આ દાખલો અમુક ગામોના સરપંચોએ શિખવા જેવો છે.
       મહાત્મા ગાંધીજી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પોતાના આદર્શ માનતા હિમાશુ પટેલનો એકમાત્ર જીવન મંત્ર છે, જે આગામી પેઢીને આપે છે કે " તમે જે ક્ષેત્રમાં છો તે ક્ષેત્રમાં તમારું શ્રેષ્ઠત્તમ યોગદાન આપો. એ જ સાચી દેશસેવા અને દેશભક્તિ છે" યુવાનોને પ્રેરક સંદેશો આપતા તેઓ જણાવે છે કે "જિંદગી અપને દમ પે જી આતી હૈ, દુસરો કે કંધેપે તો સિર્ફ ઝનાજે નિકલતે હૈ."
         એક સરપંચ ધારે તો શું કરી શકે તેનું ઉદાહરણ હિમાંશુભાઈ પટેલે પૂરું પાડ્યું છે. કામ કરવા માટે વાજાં વગાડવાં જરૂરી નથી. કામ કરશો તો આપોઆપ બોલી જ ઉઠશે.



(આવી જ વિરલ વ્યક્તિ વિશેની રસપ્રદ વાતો જાણીશું આવતા ગુરુવારે...)   

લેખન-સંકલન : ઈશ્વર પ્રજાપતિ
આપ આપના પ્રતિભાવ નીચેના whatsapp no. પર લખી મોકલી શકો છો.
(98251 42620)

નોંધ:- મિત્રો બ્લોગની લિંક આપ શેર કરી શકો છો પરંતુ  બ્લોગના આર્ટિકલ્સને પોતાના નામે ચડાવી વાયરલ કરવાનો અવિવેક ન કરવા વિનંતી.







સન્ડે સ્પેશિયલ

  ‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા    જોઈએ.” :    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.       સાવ સા...

Popular Posts