Thursday, August 29, 2019

વ્યક્તિ વિશેષ : રમતવીર ભલાજી ડામોર અને બાબુભાઈ પણુંચા

વિશ્વ કક્ષાએ અરવલ્લીને ગૌરવ અપાવનાર ક્રિકેટર ભલાજી ડામોર



            ભારતમાં ક્રિકેટને ધર્મ માનવામાં આવે છે અને તેના ખેલાડીઓને ભગવાનની જેમ પૂજવામાં આવે છે. ભારતમાં રામતવીરોમાં સૌથી વધારે માનપાન ક્રિકેટરો મેળવે છે. આવા ભારતમાં વિશ્વકપમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી ચૂકેલા અરવલ્લીના બલાઇન્ડ ક્રિકેટર ભલાજી ડામોર દારુણ ગરીબીમાં જીવન જીવવા મજબૂર છે. આવો આજે અવગત થઈએ બ્લાઇન્ડ વિશ્વકપના હીરો રહી ચૂકેલા ઓલરાઉન્ડર ખિલાડી અને અનેક હાડમારીઓ વચ્ચે જીવન ગુજારતા ભલાજી ડામોર વિશે. 
             અંધ ક્રિકેટ વિશ્વકપમાં ભારતને ગૌરવ અપાવનાર અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના યુવાન ક્રિકેટર ભલાજી ડામોરની આ વાત છે. માલપુર તાલુકાના 1500ની વસ્તી ધરાવતું પીપરાણા ભલાજીનું ગામ છે. ભલાજી ડામોર 1998માં બ્લાઇંડ વિશ્વ કપના હીરો રહી ચુક્યા છે. સાત દેશો વચ્ચે રમાયેલી બ્લાઈન્ડ ક્રિકેટ વિશ્વકપમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ભલાજી ડામોર હાલ દારુણ ગરીબીમાં જીવન પસાર કરી રહ્યા છે. 
           ઓલિમ્પિક્સ કે ક્રિકેટમાં વિજેતા બનનારને સરકાર કરોડો રૂપિયાના ઇનામ અને પ્રોત્સાહન આપે છે જયારે ગુજરાતને રાષ્ટ્રીય અને વિશ્વ કક્ષાએ ખ્યાતિ અપાવનારા એવા પણ ખેલાડીઓ છે કે જેમની સરકાર કે સમજે એની નોંધ પણ લીધી નથી . સરકાર દ્વારા પ્રોત્સાહન અને સહાય ન મળવાના કારણે ખેલાડીઓએ રમવાનું છોડી દેવું પડે છે અને નાનું-મોટું કામ મળે તે કરીને પેટનો ખાડો પૂરવો પડે છે. જો સરકાર દ્વારા આવા ખેલાડીઓને પૂરતું માર્ગદર્શન, પ્રોત્સાહન અને સહાય આપવામાં આવે તો આ ખેલાડીઓ પણ વિશ્વ કક્ષાએ મોટો મુકામ પ્રાપ્ત કરી શકે છે અને માનભેર જીવી શકે છે. 
       નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષાએ રાજ્યનું નામ ઉચું કરનાર આ ખેલાડીઓની હાલત જોઈને કોઈ ગરીબ કે સામાન્ય વ્યક્તિ સ્પોર્ટ્સમાં કરિયર બનાવવાનો વિચાર પણ નહીં કરે. ગુજરાત સરકાર દ્વારા માર્ચ, ૨૦૧૬માં નવી સ્પોર્ટ્સ પોલિસી લૉન્ચ કરવામાં આવી પણ જેમણે ખરેખર રાજ્યને સ્પોર્ટ્સ ક્ષેત્રે ગૌરવ અપાવ્યું છે તેમના માટે રાજ્ય સરકાર કંઈ કરી શકી નથી અને આ રમતવીરો કફોડી સ્થિતિમાં જીવી રહ્યા છે.
        ભલાજી ડામોર જન્મથી જ અંધ છે. તે સમયે તેના માતા-પિતાને અંધ પુત્ર હોવા બાબતે ભારે દુઃખ હતું. ગામની પ્રાથમિક શાળામાં પ્રાથમિક શિક્ષણ મેળવી રાષ્ટ્રીય અંધજન મંડળ ઇડર ખાતેની સંસ્થા સાથે જોડાયા અને અહીં અભ્યાસ કરી ધોરણ 10 પાસ કર્યું હતું. 
           બ્લાઇન્ડ હોવા છતાં રમત-ગમતમાં તેઓની રુચિ ગજબની હતી. પોતાની આગવી આવડતને કારણે અંધ વિદ્યાર્થીઓ સાથે 1992થી ક્રિકેટ રમવાનું શરુ કર્યું. શરૂઆતમાં સ્થાનિક કક્ષાએ ક્રિકેટ રમી તેમાં સારો દેખાવ કરી 1992માં ગુજરાત કપ રમી વિજેતા બન્યા. બાદ એ જ વર્ષમાં જોનલ કક્ષાએ પસંદગી પામ્યા. 1993 માં મહારાષ્ટ્રને હરાવી નેશનલ કક્ષાએ પોતાની કાબેલિયત પુરવાર કરી. સખત પરિશ્રમ કરી ઓલરાઉન્ડર તરીકે આ ખેલાડીએ સારી નામના મેળવી. આ ઉપરાંત અમદાવાદ અને મુંબઈ ખાતે અંધ વિશ્વ કપમાં પસંદગી પામવા માટે તનતોડ પુરુષાર્થ કર્યો.
            આખરે ધગશ પૂર્ણ કરેલી તેઓની મહેનત રંગ લાવી. અને બ્લાઇન્ડ વિશ્વ કપ માટે ભારતીય ટીમમાં તેઓ સ્થાન પામ્યા. 1998માં નવી દિલ્હી ખાતે સાત દેશો વચ્ચે યોજાયેલ બ્લાઈન્ડ ક્રિકેટ વિશ્વકપમાં ભલાજી ડામોરે ભારત દેશ વતી પ્રતિનિધિત્વ કર્યું. વિશ્વ કપ દરમિયાન રમાયેલ તમામ મેચોમાં તેઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. વિશ્વકપમાં ઓલરાઉન્ડર ક્રિકેટર તરીકે તેઓ ઉભરી આવ્યા. વિશ્વકપ દરમિયાન પાકિસ્તાન સામેની રસાકસીભરી દિલધડક મેચમાં 64 રન ફટકારી તેઓ નોટ આઉટ રહી, પાકિસ્તાનને ક્રિકેટના મેદાનમાં ધૂળ ચાટતું કરી, ભારતની ટીમને એકલે હાથે સેેમિફાઇનલમાં પ્રવેશ અપાવ્યો હતો. જ્યારે સાઉથ આફ્રિકા સામે રમી 10 ઓવરમાં 11 રન આપી ચાર વિકેટો ઝડપી સૌથી શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો. ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ અનેક વાર તેઓ મેન ઓફ ધી મેચનો ખિતાબ હાંસલ કરવામાં સફળ રહ્યા. સમગ્ર વિશ્વકપ દરમિયાન ઓલરાઉન્ડર તરીકે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા બદલ મેન ઓફ ધ સીરિઝનો ખિતાબ પણ ભલાજી તેમના નામે કર્યો હતો.બ્લાઈન્ડ ક્રિકેટ વિશ્વ કપમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા બદલ તત્કાલીન રાષ્ટ્રપતિ કે.આર. નારાયણને ભલાજી ડામોરનું સન્માન કર્યું. વિશ્વ કપ દરમિયાન ભલાજીને અન્ય ખેલાડીઓ સચિન તેંડુલકર કહીને બોલાવતા હતા. સમગ્ર ક્રિકેટની સફરમાં અત્યાર સુધીમાં 150થી વધુ મેચો રમી અને 7000 થી વધુ રન તેઓએ બનાવ્યા છે. અને ૧૨૫ થી વધુ વિકેટો ઝડપી છે.
                આવા હોનહાર પ્રતિભાસંપન્ન ખેલાડીની હાલની આર્થિક પરિસ્થિતિ દયનીય છે. તેઓની પત્ની અનુ અને ઘરડા મા-બાપ કાળી મજૂરી કરી પેટનો ખાડો પુરવા મથી રહ્યા છે. તેઓના બે સંતાનો સતીશ અને આકાશના ભવિષ્ય ઉપર પણ પ્રશ્નાર્થ ચિહ્ન છે.
               ઇન્ટરનેશનલ ક્રિકેટ એસોસિયેશન દ્વારા આયોજિત વિશ્વકપની કોઈ એક મેચમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર સામાન્ય ખેલાડી પર સરકાર અને ખાનગી કંપનીઓ દ્વારા ઇનામોનો ધોધ વરસાવવામાં આવે છે. માત્ર એક ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ રમી સામાન્ય ક્રિકેટનો ખેલાડી કરોડોના આસામી બની જતા હોય છે. અને શાહી ઠાઠમાઠથી જીવન પસાર કરતા હોય છે. જ્યારે સંપૂર્ણ દ્રષ્ટિહીન ભલાજી ડામોર અનેક પડકારો વેઠી, ક્રિકેટ ક્ષેત્રે પોતાની કારકિર્દી ઘડી વિશ્વ કક્ષાએ ભારતને ગૌરવ પ્રદાન કર્યું હોવા છતાં આજે પશુઓ ચરાવી ગુજરાન ચલાવી રહ્યા છે. તેઓને મળેલ અનેક એવોર્ડ્સ અને ટ્રોફીઓ ઘરના ખૂણામાં એક પાટિયા પર મુક સાક્ષી બની હોનહાર ખેલાડીની જીવન ઘટમાળ નિહાળી રહી છે.


        ગરીબ માતા-પિતાએ દાગીના ગીરવે મૂકી, પેટે પાટા બાંધી ભલાજીની ક્રિકેટ ક્ષેત્રી કારકિર્દી ઘડવા પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. ઇન્ટરનેશનલ કક્ષાએ ક્રિકેટ રમ્યા પછી જાણે જિંદગી બદલાઈ જશે એવા અનેક સપનાઓ આ યુવાને સેવ્યા હતા. તેઓને શ્રદ્ધા હતી કે તેઓ દેશ માટે શ્રેષ્ઠ પ્રદર્શન કરશે તો સરકાર ચોક્કસથી તેઓને નોકરી અને આર્થિક બાબતે સહાય કરશે પરંતુ તેઓની આ આશા ઠગારી નીવડી. ખેલ મહાકુંભ જેવા તાઈફાઓ પાછળ કરોડો રૂપિયા વેડફી નાખનાર સરકારને આવા પ્રતિભાસંપન્ન ખેલાડીઓની કઈ જ પડી નથી કે નથી પડી સમાજને. ભારત દેશને ગૌરવ અપાવવા માટે પોતાની સમસ્ત કારકિર્દી હોડમાં મૂકી દેનાર ખેલાડીનો પરિવારને આજે બે ટંક પેટનો ખાડો પુરવા માટે પણ ફાંફા મારવા પડે છે. વિશ્વ કપ રમી ચૂકેલા પ્રતિભાસંપન્ન ખેલાડીની આવી દયનીય સ્થિતિ જોઈ કોઇપણ યુવાન રમત-ગમત ક્ષેત્રે કારકિર્દી ઘડતા પહેલાં સો વખત વિચાર કરશે. 
            વિશ્વ કક્ષાએ ભારતને સન્માન અપાવવા જેણે પોતાનું જીવન રમત ગમત માટે ન્યોછાવર કરી દીધું એવો પરિવાર ઘોર અંધકારમાં જીવી રહ્યો છે. આશા છે કે સરકાર કે કોઈ સામાજિક સંસ્થા સુધી આ વાત પહોંચે. સરકાર અને સામાજિક સંસ્થાઓ સુધી આ વાતને પહોચાડવા આપ પણ માધ્યમ બની શકો છો. શક્ય છે કે ઘોર અંધકારમાં જીવતા ભાલાજીના માસૂમ સંતાનો સતીશ અને આકાશને ઉજ્જવળ ભવિષ્ય સાંપડે.

ઓલમ્પિક ક્વોલિફાઇડ, આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત રમતવીર 
બાબુભાઈ પણુંચા



                   બાબુભાઈ પણુંચા.
               અથાગ પરિશ્રમ અને દૃઢ મનોબળ થકી વિશ્વ કક્ષાએ રાષ્ટ્રને સન્માન અપાવનાર આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ખેલાડી છે. આ રમતવીરે પોતાની સમસ્ત યુવાની રાષ્ટ્ર સેવામાં સમર્પિત કરી દીધી છે. 23 વર્ષ અને 4 મહિના ઇન્ડિયન આર્મીમાં સેવાઓ આપી. સાથે સાથે કઠોર સાધના અને ભગીરથ પુરુષાર્થ થકી ઓલમ્પિકમાં ક્વોલિફાઇ કરનાર બાબુભાઈ ગુજરાતના એકમાત્ર ખેલાડી છે. 
               રમત ગમતમાં આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતને સન્માન અપાવવા માટે પોતાની આખી યુવાની રમતના મેદાનમાં ખરચી નાખી. ભારત દેશને વિશ્વ કક્ષાએ અનેક સન્માનો અપાવ્યાં. અને આજે આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત આ ખેલાડી આજે કાળી મજૂરી કરી ગુજરાન ચલાવવા મજબૂર બન્યો છે. થોકબંધ પ્રમાણપત્રો અને ઢગલાબંધ ચંદ્રકો આંતરરાષ્ટ્રીય ખેલાડીના માટીના કાચા મકાનમાં ધૂળ ખાઈ રહ્યાં છે. દેશ અને વિદેશનું એક પણ પ્રતિષ્ઠિત અખબાર એવું નહીં હોય જેમાં બાબુભાઇનો ફોટો ન છપાયો હોય. દેશની એક પણ એવી ટી.વી ચેનલ એવી નહીં હોય કે જેમાં બાબુભાઈ ની સ્ટોરી કવર ન કરી હોય ! દેશ અને દુનિયામાં બાબુભાઈ ને પ્રસિદ્ધિ તો ખૂબ મળી. પરંતુ માત્ર પ્રસિદ્ધિથી પેટ થોડું ભરાય છે?? વિશ્વ સ્તરે દેશનું નામ રોશન કરનાર આ હોનહાર ખેલાડી જ્યારે પોતાની વ્યથા  વર્ણવે છે ત્યારે આપણી આંખ પણ આંસુઓથી ભરાઈ આવે છે.
         અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાનું અંબાવા ગામ તેઓનું વતન. પિતા માત્ર ચાર ચોપડી ભણેલા. પિતાજી દાળી મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ઘરની આર્થિક પરિસ્થિતિ એટલી કંગાળ કે બે ટંકનું ભરપેટ ભોજન પણ ન મળે. ઘરમાં બીજી પ્રાથમિક સુવિધાઓ તો દૂરની વાત છે. ઘરમાં ઘડિયાળ સુધ્ધાં ન મળે. ઘર આગળ આવતા તડકાને આધારે સમય નક્કી કરી શાળાએ જવું પડતું. અનેક અભાવોમાં બાબુભાઈનું બાળપણ વીત્યું છે. પ્રાથમિક શિક્ષણ ગામની પ્રાથમિક શાળામાં લીધું. અને હાઈસ્કૂલના અભ્યાસ માટે માલપુર જવું પડતું. શાળામાં ચાલીને જવું પડતું. સાયકલની વાત તો દૂર રહી પગમાં પહેરવા ચપ્પલ પણ ન મળે. બીમાર માતાની સારવાર માટે રોજ બપોર પછી શાળાએથી ઘરે જતું રહેવું પડતું. ઘરકામની તમામ જવાબદારી બાબુભાઈના શિરે હતી. એક બાજું અભ્યાસ, બીજી બાજું ઘરકામ અને પરિવારની આર્થિક મદદ માટે દાળી પણ જવું પડતું. માટે અભ્યાસમાં પૂરતું ધ્યાન ન આપી શક્યા. માંડ બે ટ્રાયલે દસમું પાસ કર્યું. બીમાર માતાની સેવા સુશ્રુસા કરવા દસમા પછી ઓછી ઉંમરે જ લગ્ન કરવાં પડ્યાં. પત્ની પણ નિરક્ષર. 
                    ઘરની સ્થિતિ જોતાં આગળ અભ્યાસ કરવો પોસાય એમ પણ ન હતો. પિતાને આર્થિક મદદ મળી રહે એ માટે નાની મોટી નોકરી કરવાનો સંકલ્પ કર્યો. દેશ સેવાની આગ દિલમાં પહેલેથી જ પ્રજ્વલિત હતી. મામાનું માર્ગદર્શન મળ્યું. અને ઇન્ડિયન આર્મીમાં ભરતી થવાનું નક્કી કરી લીધું. બાળપણથી જ કરેલા કઠોર પરિશ્રમને કારણે શરીર કસાયેલું અને ખડતલ હતું. મામા સાથે સૈન્યની ભરતીમાં અમદાવાદ હનુમાન કેમ્પ ગયા. હોટેલમાં રોકાવાના તો પૈસા હતા નહીં એટલે શીંગ ચણા ખાઈ ત્યાં ઓટલા ઉપર જ કંતાન પાથરી સૂઈ ગયા. બીજા દિવસે સવારે દોડ લગાવાની હતી. આ દોડ જ આગળનું ભવિષ્ય નક્કી કરવાની હતી. રાતનું ભૂખ્યું પેટ અને પૂરતી ઊંઘ પણ થઈ ન હતી. આટલી ભીડમાં કેવી રીતે દોડ પુરી કરવી?? ત્યાં તો ઘરનાં દૃશ્યો નજર આગળ તરવળવા લાગ્યાં. કસીને મુઠ્ઠીઓ વાળી અને કચકચાવી ને દોડ લગાવી. જાણે કોઈ દૈવી શક્તિ જ મદદે પહોંચી. અને એ બધા ઉમેદવારોમાં બાબુભાઈ પ્રથમ આવ્યા. 
           સૈન્યમાં ભરતી થતાં પ્રથમ પોસ્ટિંગ જ સિયાચીન ગ્લેશિયરમાં થયું. ચોતરફ છવાયેલા બરફ અને ઓક્સિજનની ઉણપ વચ્ચે એક એક પળ પસાર કરવી દુષ્કર હતી. માંડ દસ ડગલાં ચાલો ત્યાં હાંફ ચડી જાય. અહીં તેઓના મનોબળની ખરી કસોટી થઈ. પરંતુ દિલમાં દેશ માટે કંઈક કરી છૂટવાનું ઝનૂન એટલું જબરદસ્ત હતું કે ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિ સામાન્ય બની જતી. 
             થોડા જ વખત બાદ તેઓનું પોસ્ટિંગ દહેરાદૂન ખાતે થયું અને જીવનમાં એક નવો ટર્નિંગ પોઇન્ટ આવ્યો. અહીં આર્મી જવાનો માટે રમત ગમતની સ્પર્ધામાં ભાગ લેવો ફરજીયાત હતો. બાબુભાઈને રમત ગમતમાં કોઈ રસ ન હતો. એમને તો બસ બંદૂક ચલાવવામાં જ રસ હતો. પરંતુ કમાન્ડરના કહેવાથી દોડમાં ભાગ લેવો પડ્યો. એક સાથે 700 જવાનોની દોડ થઈ અને તેમાં બાબુભાઈ પ્રથમ આવ્યા. કમાન્ડર આ જોઈ ચકિત થઈ ગયા. એમને લાગ્યું "ઈસ બંદે મેં દમ હૈ" કમાન્ડરે બાબુભાઈ ને પૂછ્યું "દેશ કે લિયે દોડગે??" બાબુભાઇએ જવાબ આપ્યો "મેં સિર્ફ બંદૂક ચલાઉગા" કમાન્ડરે બાબુભાઈને ખૂબ સમજાવ્યા 50 કિલોમીટરની દોડ માટે તૈયાર કર્યા. અને પછી પ્રેક્ટિસ ચાલું થઈ. બાબુભાઈ રોજ રાત્રે 2 વાગે ઉઠી જાય અને દોડવાનું શરૂ કરે. સવાર સુધી પ્રેક્ટિસ ચાલું રાખે. 
              તનતોડ મહેનત કરી. વર્ષ 2004માં યોજાયેલી ઓલ ઇન્ડિયા આર્મીની સ્પર્ધામાં બાબુભાઈ ચોથા નંબરે આવ્યા. ફરી મહેનત આદરી શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. પરંતુ રમત પણ રાજનીતિથી અછૂત નથી. કોચની રાજનીતિનો ભોગ બાબુભાઈ બન્યા. અને નેશનલ ટીમમાંથી નામ કાઢી નાખવામાં આવ્યું. શ્રેષ્ઠ પ્રદર્શન કરવા છતાં નામ કાઢી નાખતા કર્નલ સાથે ઉગ્ર બોલાચાલી થઈ. નોકરીની પરવા કર્યા વિના તેઓએ કર્નલની વિરુદ્ધ માં ઉચ્ચ સ્તરે રજૂઆતો કરી. તેઓ દોડની સ્પર્ધાના ખેલાડી હતા. કોચના સમજાવવાથી walking race માટે પ્રેક્ટિસ ચાલુ કરી. અને આર્મી, નેવી અને એઈર ફોર્સ એમ ત્રણેય પાંખની સ્પર્ધામાં બાબુભાઈ મેદાન મારી ગયા. તેઓને  સિપાઈમાંથી હવાલદાર તરીકે પ્રમોશન મળ્યું. 
             ત્યારબાદ પ્રેક્ટિસ માટે તેઓનું દિલ્હી ખાતે પોસ્ટિંગ થયું. અહીં તેઓ રાત્રે 1 વાગે ઉઠી સવાર સુધી પ્રેક્ટિસ ચાલુ રાખતા. અને 2007 માં યોજાયેલી સર્વિસીઝની કોમ્પિટિશનમાં તેઓએ આર્મી ને ગોલ્ડ મેડલ અપાવ્યો. બાબુભાઈની આ સફળતા કેટલાંક લોકો પચાવી ન શક્યા. એ વખતના ભારતીય કોચ હનુમાના રામ બાબુભાઈ ને કહ્યું કે "ગેમ કરને કી આપકી ઉમ્ર બિત ચુકી હૈ. આપકી બોડી મેં વો કરંટ નહીં રહા".
              નેશનલ કોચનાં આ વાક્યો સાંભળી સહેજ પણ નાસીપાસ થયા વિના એક ઝનૂન સાથે મહેનત ચાલું રાખી. અને એ જ વર્ષમાં ભોપાલ ખાતે એક રાષ્ટ્ર કક્ષાની સ્પર્ધા થઈ. એમાં 20 કિ.મી. walking race માં બાબુભાઈ એ નેશનલ રેકોર્ડ નોંધાવ્યો. ત્યારે હનુમાના રામ કોચ ત્યાં હાજર જ હતો. બાબુભાઈ એ કોચને ખોટો સાબિત કર્યો. ત્યારે એ કોચની સ્થિતિ દયનિય હતી. તેના પંદર દિવસ બાદ ટાટાનગર જમશેદપુરમાંં યોજાયેલ સિનિયર ઓપન એથલેટીક ચેમ્પિયનશીપમાં નવો નેશનલ રેકોર્ડ સ્થાપિત કર્યો. 20 કિ.મી. walking race માત્ર 1 કલાક 23 મિનિટ અને 40 સેકન્ડ માં પૂર્ણ કરતાની સાથે જ બાબુભાઈ ઓલમ્પિક માટે ક્વોલિફાઇ થયા. તેઓને બેસ્ટ એથ્લેટ ઘોષિત કરવામાં આવ્યા. આ ઘટના અરવલ્લી માટે , ગુજરાત માટે અને દેશ માટે ઐતિહાસિક ઘટના હતી. ઓલમ્પિકનું નામ સાંભળતા જ સામાન્ય માણસના દિલની ધડકનો તેજ બની જાય છે. ઓલમ્પિક એ વિશ્વના શ્રેષ્ઠ રમતવીરોનો મહાકુંભ છે. તેમાં ભાગ લેવો દરેક રમતવીરનું સપનું હોય છે. પરંતુ લાખો રમતવીરોમાંથી જવલ્લે જ કોઈ રમતવીર આ સપનું સાકાર કરી શકે છે. વર્ષોની સાતત્યપૂર્ણ મહેનત અને જીવનની પળે પળ પોતાના લક્ષય પાછળ ખરચી નાખનાર ખેલાડીઓ ઓલમ્પિક સુધી પહોંચી શકે છે. 
        અરવલ્લી જિલ્લાના અંતરીયાળ ગામડાના એક સામાન્ય પરિસ્થિતિમાંથી આવનાર વ્યક્તિએ પોતાની કાબેલિયતથી દેશ અને દુનિયામાં ડંકો વગાડી દીધો. 2008 ની લંડન ખાતે યોજાયેલી ઓલમ્પિક માં ભાગ લેવા જવા માટે જ્યારે બાબુભાઇ પાસપોર્ટ ઓફિસમાં પાસપોર્ટ બનાવવા ગયા તે વખતે પાસપોર્ટ ઓફિસરે એક પણ રૂપીયો લીધા વિના જ પાસપોર્ટ બનાવી આપ્યો. 
           2007 માં બાબુભાઈ પણુંચાને રાજ્ય સરકાર દ્વારા સરદાર પટેલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા.
           ભારતનું કમનસીબ કે ત્રણ મહિના લંડનમાં પ્રેક્ટિસ દરમિયાન બાબુભાઈ મને હાર્ટનો દુખાવાને કારણે ઓલમ્પિક માં ભાગ ન લઈ શક્યા. 
ઓલમ્પિક બાદપણ તેઓ રશિયા, ઈંગ્લેન્ડ, ઉત્તર કોરિયા, જાપાન, ચીન, પોલેન્ડ જેવા 30 ઉપરાંત દેશોમાં જઈ અનેક કોમ્પિટિશનમાં ભાગ લીધો. અને ઘણા એવા મેડલ ભારતને અપાવ્યાં. સતત પ્રેક્ટિસ ને કારણે 2010 માં પગના મસલ્સને ગંભીર ઇજાઓ થઈ. એમ છતાં સાહસ કરી દિલ્હીમાં યોજાયેલ કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લીધો. મસલ્સ પેઇનને 18 કિ. મી. ચાલતા ચાલતા બેભાન થઈ ગયા. 
           તાજેતરમાં જ ભારત માટે આનંદના સમાચાર આવ્યા. 14 મેં 2012 ના રોજ રશિયા ખાતે યોજાયેલ IAAF ની કોમ્પિટિશન માં આખા વિશ્વના સ્પર્ધકોમાં બાબુભાઈ ચોથા ક્રમે આવ્યા હતા.  એ સ્પર્ધામાં ત્રીજા ક્રમે અસવાનાર યુક્રેનનો ખેલાડી પરના ડોપિંગના આરોપો સાબિત થતાં એ ખેલાડી ડિસ્ક્વોલિફાઇડ જાહેર કરતા બ્રોન્ઝ મેડલના સાચા હકદાર બાબુભાઈ બન્યા છે. બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત થતાં ફરી એક વાર બાબુભાઈ ભારતની શાન વધારી છે.  
               કરમની કાઠીનાઈ એ છે કે જે ખેલાડીએ દેશ માટે પોતાની યીવાની ખરચી નાખી છે. એ ફોજી જવાન છેલ્લા દોઢ વર્ષથી ઘરે કાળી મજૂરી કરી દિવસો પસાર કરે છે. ફોજમાંથી નિવૃત્ત થઈ ને ઘરે આવ્યા બાદ પોતાના પુત્રનો અકસ્માત થતાં તમામ બચત દીકરાની સારવાર પાછળ ખરચી નાખી. અનેક નેશનલ રેકોર્ડ જેના નામે છે એવા આ ખેલાડીને રહેવા માટે પાકું મકાન પણ નથી. ફોજીની નોકરીની નિવૃત્તિ બાદ બીજી નોકરી માટે વલખા મારવાં પડે છે. માટીના કાચા મકાનમાં આ આંતરરાષ્ટ્રીય આ ખેલાડી વસવાટ કરવા મજબૂર છે. આખો દિવસ ખેતરમાં મજૂરી કરે છે. અને રાત્રે 2 વાગે ઉઠી ચાલવાની પ્રેક્ટિસ કરે છે. બાબુભાઈ 2020 ની ઓલમ્પિક ની તૈયારી કરી રહ્યા છે. પરંતુ કોમ્પિટિશન માટે જોઈતા પ્રોફેશનલ શૂઝ દસ હજારના આવે છે. એ લાવવાના પણ આ રમતવીર પાસે પૈસા નથી. તેઓનું બ્રાન્ડેડ શોર્ટસ અને બનીયાનની કિંમત ચાર થી પાંચ હજાર થાય છે.
          આર્થિક તંગીને કારણે સાધનોના અભાવો વચ્ચે આ ખેલાડીની સાધના ચાલું છે. એક બાજુ આવા હોનહાર ખેલાડીઓની રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ઘોર ઉપેક્ષા કરવામાં આવી રહી છે અને બીજી બાજુ ખેલ મહાકુંભ ના તાયફાના નામે કરોડો રૂપિયા વેડફી નાખવામાં આવે છે. પોતાની પ્રસિદ્ધિ માં કારીડો વેડફતી નઠોર સરકાર આવા રમતવીરો માટે આગળ ક્યારે આવશે??? સવા સો કરોડની વસ્તી ધરાવતો ભારત દેશમાં અનેક પ્રતિભાસંપન્ન ખેલાડીઓ હોવા છતાંઓલમ્પિક માં એક ગોલ્ડ મેડલ લાવવા ફાંફા પડે છે એ માટે આવા અનેક કારણો જવાબદાર છે. 
             જાડી ચામડીના રાજનેતાઓને આવા ખેલાડીઓની વાત સાંભળવાનો સમય જ ક્યાં છે?? સરકાર આગળ આવે કે ન આવે કોઈ સામાજિક સંસ્થાઓ કે કોઈ સંપન્ન વ્યક્તિઓ આવી પ્રતિભાઓને મદદ કરે એ પણ એક જાતની દેશ સેવા જ છે.



 (આવી જ વિરલ વ્યક્તિ વિશેની રસપ્રદ વાતો જાણીશું આવતા ગુરુવારે...)   

લેખન : ઈશ્વર પ્રજાપતિ
આપ આપના પ્રતિભાવ નીચેના whatsapp no. પર લખી મોકલી શકો છો.
(98251 42620)

નોંધ:- મિત્રો બ્લોગની લિંક આપ શેર કરી શકો છો પરંતુ  બ્લોગના આર્ટિકલ્સને પોતાના નામે ચડાવી વાયરલ કરવાનો અવિવેક ન કરવા વિનંતી.


Monday, August 26, 2019

આપણો જિલ્લો આપણું વતન અરવલ્લી ભાગ 30


અરવલ્લીની ગિરી કંદરાની ગોદમાં આવેલી એક અનુપમ સંસ્થા શ્રવણ સુખધામ 


         અરવલ્લી અને સાબરકાંઠાના અંતરિયાળ વિસ્તારમાં અનેક સંસ્થાઓ અને અનેક વિરલ વ્યક્તિઓ સમાજ સેવાના પાયાના કામ મુક સેવક બની કરી રહ્યા છે. સમાજના બહુ ઓછા લોકોનું ધ્યાન આ તરફ ગયું છે. આજે એવી જ એક સંસ્થા અને વ્યક્તિનો પરિચય કરાવવો છે. અરવલ્લીના અરણ્યમાં એક મહિલાના વિચારબીજમાંથી વટવૃક્ષ બનેલી સંસ્થા એટલે "શ્રવણ સુખધામ."
         અરવલ્લીની ગીરીકંદરાઓથી આચ્છાદિત સાબર સરિતાના સમીપે હાથમતીના નીરને સ્પર્શીને માંકડી ડેમના કિનારે આકાર પામેલી શ્રવણ સુખધામ સંસ્થા જોતા જ આંખો ઠરે છે. શહેરના ઘોઘાટ અને પ્રદુષણથી દૂર કુદરતના ખોળે પાંગરેલી આ સંસ્થાનું વાતાવરણમાં ગજબની શાંતિ અનુભવાય છે. સંસ્થાની સ્વચ્છતા ઉડીને આંખે વળગે એવી છે. અનેક સેવાકિય પ્રવૃત્તિઓથી ધમધમતી આ સંસ્થાનું સપનું સેવ્યું સાબરકાંઠા- અરવલ્લીના એક અંતરિયાળ ગામમાં જન્મેલા એક મહિલાએ. જેઓની સેવા પ્રવૃત્તિઓ થકી આજે સમસ્ત સ્ત્રી સમાજ માટે તેઓ આદર્શ બન્યા છે. જેમને સાચા અર્થમાં પોતાનું જીવન સ્ત્રી ઉત્થાનમાં ઘસી નાખ્યું છ. અંતરિયાળ ગામડાઓમાં સેવાનો આહલેખ જગાવ્યો છે.
         
               તેઓનું નામ છે ઇન્દુબેન આર. પ્રજાપતિ પુનાસનના તેઓ વતની. પુનાસણ એટલે કવિશ્રી ઉમાશંકર જોશીનું જન્મ સ્થાન બામણા ની લગોલગ આવેલું ગામ. 1 નવેમ્બર1963ના રોજ એક સામાન્ય પરિવારમાં તેઓનો જન્મ થયો. તેમના માતાપિતાનું તેઓ એક માત્ર સંતાન. પિતા શિક્ષક એટલે શિક્ષણ, સહાનુભૂતિ અને સેવાનાં બીજ નાનપણથી જ દિલમાં રોપાઈ ચૂક્યાં હતાં. ધાર્મિક અને સેવાવૃત્તિ માતા પિતા તરફથી વારસામાં મળ્યા. સમાજના ઉત્થાન માટે કંઈક કરી છુટવાની મથામણ સતત તેઓ અનુભવતા.
           સમય જતાં એસ. કે. પ્રજાપતિ સાથે લગ્નગ્રંથિથી જોડાયા અને ગાંધીનગર સ્થિર થયાં. અહીં પારિવારિક જવાબદારીમાં ગૂંથાયાં. પરંતુ માતૃભૂમિની માટી તેઓને સાદ કરી પુકારતી હોય એવું અનુભવતું. 1988 માં ઇન્દુબેનના માતાનું અવસાન થતાં સેવાનિવૃત પિતાની સેવા કરવા વતન પરત આવ્યાં. તેઓ પર હવે પતિનું અને પિતાનું એમ બે ઘર સાંભળવાની બેવડી જવાદરી આવી. અનેક જવાબદારીઓ વચ્ચે સંઘર્ષ પૂર્ણ જીવનમાં પણ દિલ માં ઊંડે ઊંડે રોપાયેલું સમાજ સેવાનું બીજ પાંગરતું રહ્યું. અને આખરે 1996 માં બહેરા મૂંગા અને દિવ્યાંગ બાળકો માટે નિવાસી શાળાની શરૂઆત કરી. પિતાશ્રીનું પેંશન અને ઘરની મૂડી જોડી વર્ષો સુધી આ શાળા સફળતા પૂર્વક ચલાવી. જ્યાં દિવ્યાંગ બાળકો આત્મસન્માન પૂર્વક અભ્યાસ કરી શક્યા. સાબરકાંઠા, અરવલ્લી અને રાજસ્થાનની સીમા પરના આદિજાતિના બાળકોમાં શિક્ષણની જ્યોત પ્રગટાવી. દિવ્યાંગ વિદ્યાર્થીઓ કોઈના ઓશિયાળાના રહેતાં પોતાના પગભર થવાના પાઠ આ સંસ્થાએ શીખવ્યા. બાળશિક્ષણ ઉપરાંત આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ સ્ત્રી સશક્તિકરણ, સ્વચ્છતા અને આધુનિક ટેકનોલોજી દ્વારા છેવાડાના માણસને જાગૃત કરી પગભર કરવાનો છે.
           બાળશિક્ષણની સાથે સાથે અહીં અંતરિયાળ વિસ્તારની સ્ત્રીઓ પગભર બને, આત્મસન્માન પૂર્વક જીવી શકે એ માટે સંસ્થાએ ભગીરથ પરિશ્રમ કર્યો. ભિલોડા અને વિજયનગર તાલુકાની બહેનોને સીવણની તાલીમ આપી ગૌરવભેર પોતાના પગપર ચાલતી કરી છે. ઇન્દુબેનની આ સંસ્થા સ્ત્રીઓની સમાન્યમાં સામાન્ય સમસ્યાઓ ઓળખી તેના નિવારણ માટે સતત પ્રયત્નશીલ રહે છે. આ સંસ્થા દ્વારા ચલાવવામાં આવતી "સ્ત્રી સ્વાભિમાન" અભિયાન અહીંની વિદ્યાર્થીનીઓ અને સ્ત્રીઓ માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ છે.

                  એક સર્વે મુજબ ભારતની વસ્તીના ફક્ત 10 ટકા મહિલાઓ જ સેનેટરી પેડ નો ઉપયોગ કરે છે જ્યારે ગ્રામીણ મહિલાઓ માસિક ધર્મ સમયે વિવિધ કાપડ નો ઉપયોગ કરે છે. જેનાથી ફંગલ, ઇન્ફેક્શન અને ગર્ભાશયના કેન્સર જેવા રોગો થવાની સંભાવના વધી જાય છે. સ્ત્રી સ્વાભિમાન અભિયાન થકી ગ્રામીણ ક્ષેત્રે મહિલાઓ અને શાળામાં અભ્યાસ કરતી દીકરીઓને માસિક ધર્મ સ્વાસ્થ્ય અને સ્વચ્છતા વિશે જાગૃતતા પ્રદાન કરી રહી છે. અને સારી ગુણવત્તાયુક્ત પર્યાવરણને અનુકૂળ સેનેટરી પેડ નું ગ્રામ્ય મહિલાઓ દ્વારા ઉત્પાદન કરી પોષાય તેવી કિંમતે વિતરણ કરવામાં આવશે આવે છે. ભારત સરકારના મીનીસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયના માધ્યમથી કાર્યરત સી.એસ. સી. ઈ-ગવર્નન્સ ઇન્ડિયા લિમિટેડ દ્વારા સ્ત્રી સ્વાભિમાન અભિયાન સેનેટરી નેપકીન ઉત્પાદન યુનિટનો શુભારંભ કરવામાં આવ્યો છે. અભિયાન અંતર્ગત અહીંની 10 થી 15 સ્થાનીક જરૂરીયાતમંદ મહિલાઓને રોજગાર પ્રાપ્ત થયો છે. ગ્રામીણ ક્ષેત્રે ઉત્પાદિત આ સેનેટરી પેડ સ્વાભિમાન અભિયાન દ્વારા ધોરણ ૮ થી ૧૨ સુધી અભ્યાસ કરતી દીકરીઓને દાતાશ્રીઓના સહયોગથી વિનામૂલ્યે વિતરણ કરતી આ સાબરકાંઠા અરવલ્લીની પ્રથમ સંસ્થા છે. સાચા અર્થમાં સંસ્થા "પેડમેન" બની છે

                 ગ્રામીણ વિસ્તારના બાળકોને વિશ્વ સ્તરનું જ્ઞાન ઈન્ટરનેટ પ્રોજેક્ટર અને લેપટોપના માધ્યમથી મળી રહે અને કોમ્પ્યુટર ક્ષેત્રે તજજ્ઞ બની રોજગારી મેળવી શકે તે માટે એક નવી પહેલ કરવામાં આવી છે. આ નવી પહેલ એટલે કે સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાની સર્વપ્રથમ ઈ-લાઈબ્રેરી. અરવલ્લી જિલ્લાના મૂર્ધન્ય સાહિત્યકાર કવિ શ્રી ઉમાશંકર જોશીનું નામ ઇ-લાઇબ્રેરી સાથે જોડી એક સાહિત્યકારનું સાચા અર્થમાં સંસ્થાએ બહુમાન કર્યું છે . સાબરકાંઠા જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષ વ્યાસ અને ગુજરાતના પ્રેરણાત્મક વક્તા શ્રી સંજય રાવલના વરદ હસ્તે 9/2/2018 ના રોજ ઈ લાઈબ્રેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ ઈ-લાઇબ્રેરીનો લાભ પુનાસણ ગામની આસપાસ વસતા ગ્રામજનો, યુવાનો અને વડીલો લઇ રહ્યા છે. ગામમાં ભાવજીવન અને સહકારની ભાવના જળવાઇ રહે તે માટે સમાજના તમામ વર્ગો ને સાથે લઈ આ સંસ્થા થકી ધાર્મિક અને રાષ્ટ્રીય ઉત્સવો ઉજવવામાં આવે છે ગ્રામજનોની સ્થાનિક ડિજિટલ સેવાઓનો લાભ મળી રહે તે માટે કોમન સર્વિસ સેન્ટર ની શરૂઆત કરવામાં આવી છે જેના થકી સેવા સેતુ સ્વચ્છતા અભિયાન પ્રધાનમંત્રીશ્રીના વિડીયો કોન્ફરન્સ કાર્યક્રમ અને સરકારશ્રીની વિવિધ યોજનાઓ ગામડાના છેવાડાના માનવીને મળે તે માટે આ સંસ્થા સતત પ્રયત્નશીલ રહે છે. શાળા અને કોલેજોમાં સંસ્થા દ્વારા યુવાજાગૃતિ માટે અનેક કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે યુવાનો માટે પ્રેરણાત્મક સેમીનારનું આયોજન કરવામાં આવે છે.
                 શ્રવણ સુખ ધામ સંસ્થા દ્વારા ફેબ્રુઆરી 2018 થી રામ નામ લેખન બેંકનું શુભારંભ કરવામાં આવ્યો છે જે નો મુખ્ય ઉદ્દેશ આસપાસ વસતા ગ્રામજનો અને યુવાનોને ધાર્મિક વૃત્તિ તરફ વાળી વ્યસનમુક્તિ તરફ લઈ જવાનો છે. સંસ્થા દ્વારા અબોલ પશુ પંખીઓ માટે પણ પાણીની સગવડ પૂરી પાડવાની અને આસપાસના શ્વાનને રોટલો અને લાડુ ની સુવિધા પૂરી પાડવામાં આવે છે. ઉનાળાની ઋતુ દરમિયાન ડુંગર ઉપર બિરાજમાન કપિરાજ માટે પાણી અને અનાજની વ્યવસ્થા પણ પૂરી પાડવામાં આવે છે. જે જીવ દયા પ્રેમ નું ઉત્તમ ઉદાહરણ છે.
                સંસ્થા દ્વારા સર્વે સમાજના જરૂરીયાતમંદની પ્રાથમિક આરોગ્ય લક્ષી આયુર્વેદિક સારવાર તેમજ ડાયાબિટીસ અને કેન્સર જેવા ભયંકર રોગોનું નિદાન મળી રહે તે માટેનું આયોજન કરવામાં આવે છે સાથે સાત આયુર્વેદ સારવારમાં ગીર ગાયના ગૌમૂત્ર દૂધ ઘી છાશ પૂરા પાડવામાં આવે છે. આયુર્વેદિક ઉદ્યાન અહીં તૈયાર કરવામાં આવ્યો છે.
            અરવલ્લીના અરણ્યમાં વિસ્તરેલી આ સંસ્થા સમાજને દીવાદાંડી બની ઉત્તમ દિશા પુરી પાડી રહી છે. શ્રીમતી ઇન્દુબેનના સેવા બીજમાંથી પાંગરેલી આ સંસ્થા આજે વટવૃક્ષની બની ઉભી છે. શ્રીમતી ઇન્દુબેન પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ તેઓના સુપુત્રો શ્રી હિરેનભાઈ અને ભાવેશભાઈ સુંદર સંચાલન કરી રહ્યા છે. તેઓ પોતાનો સમસ્ત સમય સંસ્થાને અર્પણ કરે છે. કુદરતના ખોળે સમય પસાર કરવા માંગતા પ્રકૃતિ પ્રેમીઓ અને સમજ સેવાના પાઠ ભણવા ઇચ્છતા ભાવિ સમાજસેવકોએ આ સંસ્થાની એક વાર અચૂક મુલાકાત લેવી રહી.

(આપની આસપાસ આવા કોઈ ઉમદા કાર્યો કરતી કોઈ સંસ્થા કે  વ્યક્તિ રહેતા હોય તો મારા મોબાઈલ નંબર (98251 42620 )પર અચૂક સંપર્ક કરશો. આવા વ્યક્તિના કાર્યોની સુવાસ સમાજના ઘર-ઘર સુધી પહોંચાડવા હું પ્રયત્ન કરીશ)


લેખન-સંકલન : ઈશ્વર પ્રજાપતિ
આપ આપના પ્રતિભાવ નીચેના whatsapp no. પર લખી મોકલી શકો છો.
(98251 42620)

નોંધ:- મિત્રો બ્લોગની લિંક આપ શેર કરી શકો છો પરંતુ  બ્લોગના આર્ટિકલ્સને પોતાના નામે ચડાવી વાયરલ કરવાનો અવિવેક ન કરવા વિનંતી

Thursday, August 22, 2019

વ્યક્તિ વિશેષ : મોતીભાઈ નાયક

વિસરાતી જતી વિરાસતના પ્રહરી શિક્ષક-લોકશિક્ષક 

શ્રી મોતીભાઈ નાયક 


                   મોતીભાઈ નાયક.
                એવા એક લોક શિક્ષક કે જેઓ પર આખું ગુજરાત ગૌરવ લઈ શકે. શિક્ષકની નોકરી પર્યંત પોતે હસ્તગત કરેલી આગવી કળાઓ થકી કેળવણી ક્ષેત્રે અનેક કીર્તિમાનો પ્રસ્થાપિત કર્યા. શિક્ષણમંત્રી થી લઈ મુખ્યમંત્રી, રાજ્યપાલ અને ભારતના મહામહિમ રાષ્ટ્રપતિએ પણ મોતીભાઈનું બહુમાન કર્યું છે. મોતીભાઈએ નિવૃત્તિ બાદ પણ પોતાના શિક્ષત્વને મુરજાવા ન દીધું. બલ્કે ઔર ખીલવ્યું. નિવૃતિ બાદ વર્ગખંડની દીવાલોની સીમાઓ ઓગાળી નાખી. વર્ગખંડનો વિસ્તાર સમાજના છેવાડાના જન સુધી વિસ્તર્યો. વારસામાં મળેલી કલા થકી આ લોકશિક્ષક લુપ્ત થતી જતી લોક કલાઓ, કન્યા કેળવણી, લોક સાહિત્ય, લોક બોલીઓ, વિસરાતી જતી ભવાઈ કલાના ભવ્ય વિરાસતના સંવર્ધન માટે તેઓ અવિરત પ્રવૃત છે. 
               શ્રી મોતીભાઈ નાયકનો જન્મ સન 1948માં તરગાળા ભોજક એટલે કે ભવાઈવેશ કરતા કુટુંબમાં થયો હતો. અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં આવેલું સરડોઈ ગામ તેઓનું વતન. માતા પિતા તરફથી કલાનો વારસો મળ્યો. પિતા ભવાઇના પાવરધા કલાકાર અને માતા અરખીબા ભલે નિરક્ષર પરંતુ વાર્તા કલા ગજબની હસ્તગત. પરિણામે કલાના ગુણો મોતીભાઈના લોહીમાં વણાયા. ઘરની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી પ્રાથમિક શિક્ષણ અધવચ્ચે છોડી બાળ મોતીભાઈને મહાલક્ષ્મી નાટક કંપનીમાં જોડાવું પડ્યું. જ્યારે તેઓ ધોરણ 6 માં હતા ત્યારે બાળનટ તરીકે નાટક કંપનીમાં અભિનયના ઓજસ પાથરવાના શરૂ કર્યા. પરંતુ નાટકો દરમિયાન રાત્રીના ઉજાગરા બાળ માણસ કેટલા સહી શકે?? તબિયત બગડતાં શારીરિક નાદુરસ્તીના કારણે નાટક છીડ્યું અને પૂનઃ અભ્યાસ કરવાની તક સાંપડી. માધ્યમિક કક્ષા સુધીનો અભ્યાસ સફળતાપૂર્વક પૂરો કર્યો.
               ભણવામાં તેઓ તેજસ્વી વિદ્યાર્થી એટલે ઓલ્ડ એસ.એસ.સી. બાદ પ્રાથમિક 1968 માં શિક્ષકનો વ્યવસાય સ્વીકાર્યો. બાદ મોતીભાઈ એ હિન્દી સેવક ખંડ-1 રાષ્ટ્રભાષા રત્ન હિન્દી સાહિત્ય સુધાકર સંસ્કૃત વિશારદ ડ્રોઈંગ ઇન્ટરમિડિયેટ પરીક્ષા ઉત્તીર્ણ કરી. ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવતી પીટીસી હિન્દી શિક્ષક સનદ પરીક્ષા ઉત્તીર્ણ કરી નાયક કે તાલીમ માંથી મુક્તિ મેળવી. 
                 શ્રી શ્યામપુર પ્રાથમિક શાળાના પ્રથમ નિમણૂકના પ્રારંભિક દિવસોમાં જ જૂથ સભાઓમાં બાળ ગીતો લોકગીતો ભજન લાલકારતા જીવંતવશિક્ષક મોતીભાઈને બાલ સાહિત્યકાર શ્રી રમણલાલ સોની રાજી થયા. અને આશીર્વાદ પાઠવ્યા. આજે પણ મોતીભાઈ આ પ્રસંગને યાદ કરી કહે છે " શ્રેષ્ઠ શિક્ષક સુધીની આ તમામ સફળતાનો યશ રમણલાલ સોનીના આશિર્વાદને ફાળે જાય છે. "
            છ માસના ટુંકા સમય પછી મોતીભાઈની બદલી મોડાસા તાલુકાની ખંભીસર પ્રાથમિક શાળામાં કરવામાં આવી. આ શાળાના જર્જરિત મકાનની હાલત જોઇએ શાળા માટે કંઈક કરી છૂટવાની ભાવના તેમના મનમાં જાગી. શાળાના મકાનની છતમાંથી ચોમાસામાં કાયમી પાણી ટપકતું હતું. શાળામાં ફક્ત એક જ વર્ગનો હતો. શાળાના આચાર્ય શિક્ષકો એ મનોમન નક્કી કર્યું કે કલાના જીવ મોતીભાઈમાં રહેલી ભવાઈની કલાનો ઉપયોગ શાળા માટે ભંડોળ ઊભું કરવા માટે કેમ ન કરવો !! જૂની રંગભૂમિ અને હોય આધારિત 'મા ભોમની હાકલ' અને 'અધૂરા લગ્ન' નાટકનું આયોજન મોતીભાઈના દિર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું. ગામના યુવાનો દ્વારા નાટક ભજવવામાં આવ્યું ગ્રામજનોએ આ પ્રયાસને બિરદાવ્યો અને પ્રથમ પ્રયાસે જ રૂપિયા 10,000 નું ભંડોળ ઊભું કરવામાં સફળતા મળી. આ સફળતાએ ગ્રામજનોમાં નવી ચેતના પ્રગટાવી. લોકફાળો પણ એકત્ર કરવામાં આવ્યો. શાળાના મકાનનું બાંધકામ હાથ ધરવામાં આવ્યું.
                  ભવાઇ નાટય પ્રકાર આધારિત બીજા નાટકો મોતીભાઈએ લખ્યા. જે નીચેના તેઓના જ દિર્ગદર્શન નીચે યુવાનો દ્વારા ભજવાયા. પરિણામે શાળાના સુંદર ચાર ઓરડાઓ બનાવીશ શકયા. વધુ ભંડોળ એકત્ર કરવાના હેતુથી નાટકો લખવાની પ્રવૃત્તિને વેગ મળ્યો. અને અધિકારીઓ તો આશ્ચર્ય ચકિત હતા. કોઈપણ જાતની સરકારી સહાય વિના એક ક્લાપ્રેમી શિક્ષકે કલાને બળે ચાર ચાર વર્ગખંડનું સુંદર નિર્માણ કર્યું. સૌ અધિકારીઓબે આ પ્રવૃત્તિઓ આકર્ષણ થયું. તેઓએ આ પ્રયાસોની ભારોભાર પ્રશંસા કરી. આજુબાજુના ગામોમાં આવેલી સંસ્થાઓએ પણ નાટક ભજવવા મોતીભાઈને આમંત્રણ આપવા માંડ્યા.
         ખંભીસર ગામમાં શૈક્ષણિક કાર્ય દરમિયાન મોતીભાઈને જણાયું કે ગામમાં શિક્ષણ ભૂખ ખૂબ ઓછી. ખાસ કરીને કન્યા કેળવણી વિશે લોકોમાં ખોટી માન્યતાઓ ઘર કરી ગયેલી. દીકરીઓને કોઈ ભણાવા તૈયાએ નહીં. મોટાભાગના બાળકો ખેતરે અથવા અન્ય મજૂરી કામમાં રોકાયેલા રહેતા હતા. વાલીઓ જીવનના બે છેડા ભેગા કરવામાં જ રચ્યાપચ્યા રહેતા. બહુ જૂજ વાલીઓ શાળા પ્રત્યે ધ્યાન આપતા. 
             1972 ના વર્ષ દરમ્યાન ખંભીસર અને સરડોઈ વિસ્તારમાં અનુસૂચિત જાતિની બાળાઓની શાળાઓમાં પ્રવેશ મેળવવાની સંખ્યા લગભગ શૂન્ય હતી લોકવાર્તા લોકગીતો અને નૃત્ય નો શિક્ષણમાં ઉપયોગ કરી તેમ જ નાટક પ્રવૃત્તિઓ દ્વારા છોકરીઓની નિશાળે આકર્ષવાની યોજના નો પ્રસ્તાવ મોતીભાઈ તાલુકા પંચાયતના અધ્યક્ષ સમક્ષ મુકેલો. મોડાસા તાલુકા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રી પુંજાભાઈનો સહયોગ લઇને ગામના દરેક ઘરની મુલાકાત લઈને નાટકો ભજવવાની શ્રી મોતીભાઈ બાળકો દ્વારા શરૂ કરી. ત્યારે કન્યા કેળવણીને લાગતાં શેરી નાટકો મોતીભાઈએ લખ્યાં. ગામની શેરીએ શેરીએ વિદ્યાર્થીઓ દ્વારા ભજવાયા. આ નાટકોના ધારદાર સંવાદો એ લોક જાગૃતિ આણી. કન્યાકેળવણી દહેજ નશાબંધી બાળ લગ્ન અને રાષ્ટ્રીય એકતાનો સંદેશો આપતાં મનોરંજન નાટક કાર્યક્રમો જેવા કે નાટક, એક પાત્રીય અભિનય,  લોક નૃત્ય, લોકગીતો બાળકો દ્વારા રજૂ થવા લાગ્યા. આવા કાર્યક્રમ દ્વારા તૈયાર થયેલ વિદ્યાર્થીઓએ તાલુકા અને જિલ્લા કક્ષાએ નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી લીધી. ત્રણ વર્ષના સમયગાળા દરમિયાન શાળાએ જવાની ઉંમર ધરાવતી તમામ કન્યાઓ મોતીભાઈના પ્રયાસથી શાળાએ આવતી થયેલી. પરિણામે શાળામાં કન્યાઓની હાજરી દિનપ્રતિદિન વધવા લાગી 
      . મોતીભાઈના સંનિષ્ઠ પ્રયત્નોથી વિદ્યાર્થીઓમાં ગેરહાજરી પ્રમાણ લગભગ નહિવત જેવું બનેલું. નિશાળમાં છોકરીઓની સંખ્યા પણ વધી. શાળામાં શૈક્ષણિક પ્રવૃત્તિઓનું સ્તર પણ ઘણું ઊંચું આવેલું. જેના ગ્રામ્ય સમુદાય પર સારા પ્રત્યાઘાત પડેલા. વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા જિલ્લા કક્ષાએ હરિફાઇઓમાં થતા સુંદર દેખાવ બદલ સમગ્ર ગામલોકોને ગૌરવની લાગણી થવા લાગી. આમ શાળા હકીકતમાં ગામના કોઈપણ જાતના સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના આયોજનનું કેન્દ્ર બની.
         લોકજાગૃતિ માટે એક આદર્શ શિક્ષક તરીકે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. લોકશિક્ષણ ને અસરકારક બનાવવા માટે મોતીભાઈએ હાથે ચાલતી બે કઠપૂતળી ઓ રંગલો અને રંગલી તૈયાએ કરી. વિવિધ પ્રદેશ ની લોકબોલીઓથી પણ મોતીભાઈ પરિચિત છે. કઠ પૂતળી ના માધ્યમથી તેઓ જ્ઞાન સાથે ગમ્મત કરાવે છે. થોડા વર્ષો પહેલાં દૂરદર્શન પર દીવાદાંડી નામે એક કાર્યક્રમ ખૂબ લોકપ્રિય થયો હતો. સતત પાંચ વર્ષ સુધી એ કાર્યક્રમે લાખો દર્શકોના દિલ પર રાજ કર્યું. એ કાર્યક્રમની શરૂઆત માં આવતી કઠપૂતળી મોતીભાઈ નાયક દ્વારા ચલાવવામાં આવતી. સતત પાંચ વર્ષ સુધી દૂરદર્શન ના દીવાદાંડી કાર્યક્રમના માધ્યમથી તેઓએ કઠપૂતળી દ્વારા લોકોનું મનોરંજન કર્યું. આજે પણ મોતીભાઈ પોતાની બેગમાં આ રંગલા રંગલી ની કઠપૂતળી રાખે છે. શાળા કોલેજમાં જ્યાં અવસર મળે કઠપૂતળી નો ખેલ બતાવી વિદ્યાર્થીઓને ગમત સાથે જ્ઞાન પીરશે છે. મોતીભાઈ શ્રેષ્ઠ શિક્ષક હોવા ઉપરાંત એક સારા લેખક એક સારા કલાકાર અને ઉમદા વ્યક્તિ છે. તેઓએ અનેક નાટકો, એકાંકીઓ અને ભવાઈ નાટક લખેલા છે તેઓ લિખિત એકાંકી નાટકો યુવા પ્રતિભા શોધ અંતર્ગત યોજાતા કાર્યક્રમોમાં કોલેજના વિદ્યાર્થીઓએ   અનેક વાર ભજવ્યા પણ છે.
          તેઓ દ્વારા લખાયેલા બાળગીતો ગુજરાત ના પ્રતિષ્ઠિત બાળ સમાયિકોમાં અવારનવાર છપાય છે. CCRT નવી દિલ્હી દ્વારા ચલાવવામાં આવતી કઠપૂતળીની તાલીમ પણ તેઓ લઈ ચુક્યા છે અને બીજા અનેક શિક્ષકોને તેઓવ તાલીમબદ્ધ કર્યા છે. રાજસ્થાનના ઉદયપુર ખાતે એસ.આઈ. આર. ટી. ખાતે શ્રી મોતીભાઈએ પપેટ્રી ફોર એજ્યુકેશન રિફ્રેશર કોર્ષની તાલીમ દરમિયાન ભારતમાં યોજાયેલ "રાશીય મહોત્સવ" માં રાષ્ટ્રીય સમુહગાનમાં ભારતીય પ્રતિનિધિ તરીકે તેઓ ભાગ લઈ ચુક્યા છે. ભારતના વિવિધ રાજ્યોમાં અનેક સેમિનારમાં તેઓએ ગુજરાત પ્રદેશનું પ્રતિનિધિત્વ કર્યું છે. જ્યાં આપણી સંસ્કૃતિને દેશ દુનિયા સામે આગવી શૈલીમાં પ્રસ્તુત કરી સૌના દિલ તેઓએ જીત્યા છે. 
           આ લોક શિક્ષકને અનેક પ્રતિષ્ઠિત સન્માનો પ્રાપ્ત થયા છે. ગુજરાતના વિવિધ સમયના શિક્ષણમંત્રીઓ, મુખ્યમંત્રીઓ , મહામહિમ રાજ્યપાલો અને રાષ્ટ્પતિ એ મોતીભાઈના કાર્યોને એવોર્ડ આપી સનમાન્યા છે.  તાત્કાલિન સુપ્રીમ કોર્ટના  જસ્ટિસ માનનીય આર.કે અગ્રવાલ સાહેબે પણ મોતીભાઈના કાર્યની કદર રૂપે  જાહેર સન્માન કર્યું. એ ઉપરાંત પરદેશના હાઈ કમિશને પણ સન્માન કર્યું.  એ સમયે ભારતની પ્રતિષ્ઠિત સંસ્થા IIM દ્વારા ગુજરાતભરમાં થી 30 ઇનોવેટિવ ટેલેન્ટેડ ટીચર પસંદ કરવામાં આવ્યા હતા. જેમાં પ્રથમ ક્રમે મોતીભાઈ નાયકનું નામ હતું. હાલ તેઓ IIM માં તજજ્ઞ તરીકે સેવાઓ આપે છે. 
            પદ્મશ્રી અનિલ ગુપ્તાની સંસ્થા સૃષ્ટિ દ્વારા મોતીભાઈ નાયકનું બહુમાન કરવામાં આવ્યું. હાલ તેઓ સૃષ્ટિ સંસ્થાના માનદ પ્રતિનિધિ તરીકે પણ સેવાઓ આપી રહ્યા છે. હાલ લોક સંસ્કૃતિના જતન માટે વિસરાતી જતી લોક કલાઓ માટે મોતીભાઈ હાલ ગહન સંશોધન કરી રહ્યા છે. જેના માટે તેઓને નેશનલ ફેલોશીપ પણ મળી છે. મોતીભાઈના આવા કાર્યો થી પ્રભાવિત થઈ BBC london એ મોતીભાઈ ની મુલાકાત લઈ એક ટેલિફિલ્મ બનાવી. જે ફિલ્મ પણ ખૂબ પ્રસિદ્ધિ પામી. 
        મોતીભાઈ આજે પણ અવિરત કાર્યશીલ છે. તેઓના અનેક શૈક્ષણિક કાર્યક્રમો બાયસેગ ગાંધીનગર દ્વારા અવારનવાર પ્રસારિત કરવામાં આવે છે. આજે પણ તેઓ GCERT, NCERT. અને IIM જેવી  બીજી અનેક શૈક્ષણિક સંસ્થાઓમાં માનદ સેવાઓ આપી રહ્યા છે. 
           મોતીભાઈના ઘરના કબાટ અનેક પ્રમાણપત્રો અને સન્માન પત્રોથી થી ભરેલાં પડ્યા છે. એક આખો ઓરડો વિવિધ એવોર્ડના મોમેન્ટોથી ભરેલો છે. તેઓના ઘરની દીવાલો બોલે છે. આ એક શિક્ષકે કેટલું કામ કર્યું છે. નિવૃત બાદ પણ આ માણસે પલોઠી વાળી બેઠો નથી. આટ આટલું કામ કર્યું હોવા છતાં, રાષ્ટ્રપતિના હસ્તે સન્માન થયું હોવા છતાં ખૂબ સામાન્ય પરિસ્થિતિમાં જીવન પસાર કરી રહ્યા છે. તેઓનુ પેંશન પોતાના સંશોધનો પાછળ ખર્ચી નાખે છે. આજે પણ શાળા કૉલેજો આમંત્રણ મળતાં સ્વખર્ચે જાય છે. વિદ્યાર્થીઓમાં જ્ઞાનની લ્હાણી કરે છે. ભૌતિક સંપત્તિ ન હોવાનો જરા પણ વસવસો નથી. તેઓનું હાસ્ય બાળક જેવું નિખાલસ છે.મોતીભાઈ પાસે બેસી શિક્ષણ સતસંગ કરવો એક લ્હાવો છે.

લેખન : ઈશ્વર પ્રજાપતિ
(આપના પ્રતિભાવ નીચે આપેલ whatsapp નંબર પર લખી મોકલી શકો છો )
(98251 42620)

નોંધ:- મિત્રો બ્લોગની લિંક આપ શેર કરી શકો છો પરંતુ મિત્રો મારા બ્લોગના આર્ટિકલ્સને પોતાના નામે ચડાવી વાયરલ કરવાનો અવિવેક ન કરવા વિનંતી

Monday, August 19, 2019

આપણો જિલ્લો આપણું વતન અરવલ્લી ભાગ - 29

અરવલ્લીની ઓળખ સમી અનોખી સેવાભાવી સંસ્થાઓ 

અંતરીયાળ ગરીબ નિરક્ષર પ્રજા માટે આશાનું કિરણ

શ્રી રામદેવ આશ્રમ મેઘરજ.

         મેઘરજ એટલે અરવલ્લી જિલ્લાનો છેવાડાનો તાલુકો. આદિવાસી બંધુઓનો પ્રભુત્વ ધરાવતો તાલુકો. આઝાદીના સાત સાત દાયકાઓ વીતવા છતાં હજી અહીંના અંતરિયાળ ગામડાંઓમાં વસતા પ્રજાજનોની સ્થિતિ દયનિય છે. અત્યંત ગરીબ, નિરક્ષર અને અંધશ્રદ્ધાના ઘોર અંધકારમાં માનવ જીવન ધબકી રહ્યું છે. શહેરોમાં અત્યાધુનિક સવલતો ભોગવતા નાગરિકોએ એકવાર આવા અંતરિયાળ ગામડાનાં માનવીઓની સ્થિતિ નજરે નિહાળવા જેવી છે. પ્રાથમિક સુવિધાઓના નામે અહીં મીંડું છે. હજીલગી સરકાર પણ આવા વિસ્તારોમાં પહોંચી નથી શકી ત્યારે સેવાભાવી કેટલીક સંસ્થાઓ માનવતની જ્યોત પ્રગટાવી સમાજમાં અજવાળું પાથરવા આપબળે મથી રહી છે. એમાંની એક વિરલ સંસ્થા એટલે શ્રી રામદેવ આશ્રમ. મોડાસા મેઘરજ ધોરી માર્ગ પર વૈયા ગામે આવેલ આ આશ્રમે અંતરિયાળ ગામડાઓ માટે એક નવી આશાનું કિરણ અજવાળું પથર્યું છે. આ સંસ્થાનાં નિઃસ્વાર્થ ભાવે કરાતાં અનેક વિધ સેવકાર્યો ની સુવાસ ચોમેર પ્રસરી છે. 
        દીપકભાઈ રામદેવપુત્રમ શ્રી રામદેવ આશ્રમના સ્થાપક છે. અહીં આસપાસના અત્યંત ગરીબ, નિરક્ષર, ભોળા આદિવાસી પ્રજાજનો દીપકભાઈને પોતાના મસીહા માને છે. આ આશ્રમની સ્થાપનાનો ઇતિહાસ પણ રોચક અને રસપ્રદ છે.

         દીપકભાઈનું મૂળ વતન તો સુરેન્દ્રનગર જિલ્લાનું લીમડી તાલુકાનું રંગપુર ગામ. જિલ્લાનો વિસ્તાર થતાં હાલ રંગપુર ગામ અમદાવાદ જિલ્લામાં સમવીષ્ટ છે. રંગપુર રામદેવજી મહારાજ નું પવિત્ર ધામ છે. માતા અંબા માઁ અને પિતા પૂ. મહંત શ્રી કનૈયાલાલજીનું ધાર્મિક છત્રછાયામાં ઉછેર થયો. પ્રાથમિક શિક્ષણ ગામની જ સરકારી પ્રાથમિક શાળામાં લીધું. હાઇસ્કુલનું શિક્ષણ સ્વામિનારાયણ સ્કુલ ગોંડલમાં લીધું. અને સુરત થી બી.ઈ. ઇલેક્ટ્રિકલનો અભ્યાસ પૂર્ણ કર્યો. 1984 માં અરવલ્લી ના મેઘરજ તાલુકામાં ગુજરાત વિદ્યુત બોર્ડમાં જુનીયર એન્જીનીયર તરીકે નોકરીમાં જોડાયા. 
            દીપકભાઈને આધ્યાત્મિકતા અને સેવાના સદગુણો ગળથુંથી માંથી જ પ્રાપ્ત થયા હતા. અંતરિયાળ વિસ્તારમાં એ જમાનામાં ફરજ બજાવતા બજાવતા અહીંના લોકોની દયનીય પરિસ્થિતિ થી તેઓ વાકેફ થયા. અહીંની વિપરીત ભૌગોલિક પરિસ્થિતિ અને સંઘર્ષમય લોકજીવન સતત તેઓના મન ને ડંખ્યા કરતું. મન સતત મથામણ અનુભવતું કે દુઃખમાં દિવસો પસાર કરતાં આ માનવીઓ માટે શું કરી શકાય?? એ સમયમાં આ વિસ્તારમાં ગાંધીવાદી સ્વ. વલ્લભભાઈ દોષી શૈક્ષણીક કામગીરી સાથે સાથે સમાજસેવાના કર્યો કરતા. તેઓનું સાનિધ્યમાં દિપકભાઈને લોકસેવાના ઘણા પાઠ શીખવા મળ્યા. વિદ્યુત બોર્ડમાં એન્જિનિયર તરીકે ફરજ બજાવતા બજાવતા લોકસેવાના કાર્યોની આપો આપ શરૂઆત થઈ. 
               અંધશ્રદ્ધાને સહારે જીવતી આ નિરક્ષર પ્રજામાં કામગીરી કરવી સરળ ન હતી. અનેક પડકારો હતા. અનેક સમસ્યાઓ હતી. આથી સાંસ્કૃતિક કાર્યક્રમો ને સહારે અંધશ્રદ્ધા, વ્યસનમુક્તિ, પર્યાવરણ જાળવણી વિશે લોક જાગૃતિના કામો શરૂ કર્યા. શરૂઆતમાં ધાર્યા પરિણામો પ્રાપ્ત ન થયાં. લોકો પોતાની રૂઢિઓ, પ્રણાલીઓ છોડવા તૈયાર જ ન હતા. એમ છતાં પરિણામ ની પરવા કર્યા વિના ધીરજ પુર્વક કામ ચાલું જ રાખ્યું. પરંતુ દીપકભાઈની કામ પ્રત્યેની શ્રધ્ધા રંગ લાવી. લોકોમાં બદલાવ લાવવામાં ધીમે ધીમે સફળતા પ્રાપ્ત થવા લાગી. પછીતો બમણા વેગે કામ ઉપાડ્યું. 
બે દાયકા પહેલાં 2000 ની સલમાં સમાજ સેવાના વિસ્તાર વધારવા શ્રી રામદેવ આશ્રમની સ્થાપના કરી. આ આશ્રમના નેજા હેઠળ લોકસેવાની કામગીરીને વેગ મળ્યો. 
               સૌપ્રથમ આ વિસ્તારમાં એવી કોઈ હોસ્પિટલ ન હતી જ્યાં આંખોના ઓપરેશન થઈ શકે. અને લોકોમાં પણ જાગૃતિ ન હતી કે મોતીયાના ઓપરેશન થઈ શકે. અહીંના લોકો બધા માનતાઓ અને દોરા ધાગાઓમાં સમય પસાર કરી નાંખતા અને આખરે કેટલાય લોકો દૃષ્ટિ ગુમાવી બેસતા. ગામે ગામ ફરી આવા દર્દીઓને ને શોધી અને સમજાવ્યા અને અવારનવાર અહીં નેત્ર નિદાન કેમ્પો નું આયોજન કરી મફત મોતીયાના ઓપરેશન ની શરૂઆત કરી. આ ઓપરેશન આજદિન સુધી ચાલી રહી છે. હજારો ગરીબ લોકોને નવી દૃષ્ટિ અપાવવામાં આ સંસ્થા નિમિત્ત બની છે. 
ધીમે ધીમે આ સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓનો વ્યાપ વધતો ગયો. આશ્રમની સ્થાપના કરી સેવા પ્રવૃત્તિઓ તો વધતી ગઇ પરંતુ વિદ્યુત બોર્ડમાં ફરજ પણ ચાલુ હોવાથી દીપકભાઈના મનમાં અસંતોષ રહેવા લાગ્યો. અને આખરે 20 વર્ષ ફરજ પૂર્ણ કરી સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ લીધી. પ્રતિષ્ઠિત, મોભાદાર અને ઉચ્ચ વેતન વાળી નોકરીને તિલાંજલિ આપી દિપકભાઈએ પૂર્ણ સમય માટે સેવાનો ભેખ ધારણ કર્યો. 
               સેવાકીય પ્રવૃત્તિઓનો વિસ્તાર હવે વધાર્યો. એક વાર મેઘરજમાં આવેલી સરકારી હોસ્પિટલમાં જવાનું થયું. અહીં ગરીબ દર્દીઓ સારવાર લેવા માટે દાખલ થાય છે. તેઓ પાસે દવાના પણ પૂરતા પૈસા નથી હોતા. ત્યાં જાણવા મળ્યું કે દર્દીઓ સાથે આવતાં સાગા સંબંધીઓ રાત્રે જમ્યા વગર જ સૂઈ જાય છે. બીજા દિવસે ઘરે જાય ત્યારે જમવાનું મળતું. આવા લોકો પાસે આવવા જવાના ભાડા ના પણ પૈસા નથી હોતા. આવા લોકો ની હલત જોઈ દીપકભાઈ નું હૃદય વલોવાયું. અને અહીં સરકારી હોસ્પિટલમાં સારવાર લેતાં દર્દીઓ અને સાથે રોકાતાં સગા સંબંધીઓને સાત્વિક ભરપેટ ભોજન મળે એ હેતુથી નિઃશુલ્ક ટિફિન સેવાનો પ્રારંભ કર્યો. નડિયાદ નું પ્રસિધ્ધ સંતરામ મંદિરના પ. પૂ. મહંત શ્રી મોરારદાસ મહારાજના હસ્તે ટિફિન સેવાની શુભ શરૂઆત કરવામાં આવી. આ ટિફિન સેવાને એક દાયકો પૂર્ણ થવા આવ્યો. આજ દિન સુધી એકપણ દિવસ આ સેવા બંધ રહી નથી. આ સાથે સાથે આ સંસ્થા દ્વારા શ્રવણ યોજના અંતર્ગત અહીં આસપાસ ના ગામડામાં વસતા વૃદ્ધ, નિઃસહાય અને વિધવાઓ માટે પણ બે ટંક નિઃશુલ્ક ટિફિન ઘરે પહોંચાડવામાં આવે છે. 
                જરૂરિયાતમંદ પરિવારોને દાતાઓના સહયોગ થી અન્નકીટ આપવામાં આવે છે. જેમાં અનાજ, કઠોર, તેલ, ગોળ, મીઠું, વાસણ વિગેરે સામગ્રી પુરી પાડવામાં આવે છે. તહેવારોના સમયે મીઠાઈઓ તથા કપડાંનું વિતરણ આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે. ઘણા પરિવાર એવા પણ છે કે કડકડતી ઠંડીમાં શરીર પર પૂરતાં કપડાં પણ હોતાં નથી . આવા પરિવારો શોધી શોધી શિયાળામાં ગરમ કપડાં અને ધાબળાનું વિતરણ પણ કરવામાં આવે છે. 
              છેલ્લાં પાંચ વર્ષ થી આ સંસ્થા દ્વારા આદિવાસી દીકરીના અનોખા સમૂહ લગ્નનું પણ આયોજન થાય છે. 2017માં બક્ષીપંચ ની દિકરીઓ નો પણ ભવ્ય સમૂહ લગ્ન કરવામાં આવ્યો હતો. જેમાં 12 દીકરીઓએ પ્રભુતમાં પગલાં માંડ્યા હતાં. 
            સમયાંતરે સરકારી તંત્ર અને ખાનગી ડોક્ટરો ના સહયોગથી સર્વ રોગ નિદાન કેમ્પ રાખવામાં આવે છે જેમાં જરૂરિયાતમંદ દર્દીઓને દવા પણ મફત આપવામાં આવે છે. અને જરૂરી લાગે તો ઓપરેશન પણ કરી આપવામાં આવે છે.

          વિવિધ દાતાઓના માધ્યમથી સંસ્થાઓ પાસે પૂરતું ભંડોળ ન હોય અને ભૌતિક સુવિધાની અભાવ હોય તેવી સંસ્થાઓ ને વર્ગખંડો થી લઇ બીજી પણ ભૌતિક સુવિધાઓ આ સંસ્થા પૂરી પાડવામાં મદદરૂપ થાય છે. 
ખાદ્યતેલમાં થતી ભેળસેળ જોઈ આસપાસના લોકોને શુદ્ધ ભેળસેળ વગરનું સીંગતેલ મળે એ માટે એક યુનિટ ઉભો કર્યો છે. આ યુનિટમાં મગફળીમાંથી શુદ્ધ સીંગતેલ કાઢવામાં આવે છે. જે નહિ નફો નહિ નુકશાન ના ધોરણે લોકો સુધી પહોંચાડવામાં આવે છે. સરકારની કોઈપણ જાતની સહાય વિના માત્ર અને માત્ર દાતાઓના સહયોગ થકી આ સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓ ચાલી રહી છે. 
              દીપકભાઈ પોતેજ એક હરતી ફરતી સંસ્થા છે. દીપકભાઈના કાર્યો અને નોંધ લઇ અનેક સંસ્થાઓ એ તેઓનું બહુમાન કર્યું છે. તેમાં આર્શીવાદ એજ્યુકેશન ટ્રસ્ટ અમદાવાદ દ્વારા પૂજ્ય સ્વામી સચ્ચિદાનંદજી ના અને ભારતના સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જસ્ટિસ શ્રી નાણાવટી સાહેબ ના વરદ હસ્તે ધરતી રત્ન એવોર્ડ અર્પણ કરવામાં આવેલ છે. નિરમા યુનિવર્સિટીના ચેરમેન કરસનભાઈ પટેલના પ્રતિનિધિના હસ્તે શાલથી તેમનું બહુમાન કરવામાં આવેલ છે. 
               શ્રી રામદેવ આશ્રમ, મેઘરજ જેવા અંતરિયાળ વિસ્તારોમાં માનવ સેવાની જ્યોત જલાવી સમાજમાં દીવાદાંડીરૂપ કાર્ય કરી રહ્યું છે. સેવાકાર્યમાં સંપૂર્ણ સમર્પિત દીપકભાઈએ લગ્ન પણ કરેલ નથી. અહીં વસતા ગરીબ પરિવારોને જ દીપકભાઈ પોતાનો પરિવાર માને છે. દરિદ્રનારાયણની સેવાને દીપકભાઈ પરમેશ્વરની પૂજા માને છે. 
              આવી સંસ્થાઓ અને આવી વિરલ વ્યક્તિઓ માત્ર અરવલ્લીનું જ નહીં પરંતુ સમસ્ત માનવ સમાજ માટે ગૌરવરૂપ છે.



લેખન - :ઈશ્વર પ્રજાપતિ 
(આપના પ્રતિભાવ નીચે આપેલ whatsapp નંબર પર લખી મોકલી શકો છો )
(98251 42620)

નોંધ:- મિત્રો બ્લોગની લિંક આપ શેર કરી શકો છો પરંતુ મિત્રો મારા બ્લોગના આર્ટિકલ્સને પોતાના નામે ચડાવી વાયરલ કરવાનો અવિવેક ન કરવા વિનંતી

Monday, August 12, 2019

આપણો જિલ્લો, આપણું વતન અરવલ્લી ભાગ - 28

અરવલ્લીની ઓળખ સમી અનોખી સેવાકીય સંસ્થા - 3 જય અંબે મંદબુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ


              સંવેદનાની સરવાણીનું નવું સરનામું. 
              જય અંબે મંદબુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ 
આજથી માત્ર દોઢ વર્ષ પહેલાં સ્થપાયેલ જય અંબે મંદબુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ બાયડ અનેક બિનવારસી મંદબુદ્ધિ ધરાવતી માહિલાઓ માટે આજે સુખનું સરનામું બન્યું છે. અરવલ્લી જિલ્લાના બાયડ તાાળુંકાના મુુુય મથકે આ સંસઆ આ સંસ્થા વિશે બહુ ઓછા લોકો જાણતા હતા. પરંતુ થોડા સમય પહેલા પદ્મશ્રી દેવેન્દ્ર પટેલ ની જાણીતી કોલમ કભી કભી માં સંસ્થા વિશે નો સુંદર આર્ટિકલ પ્રસિદ્ધ થયો જેના કારણે આ સેવા કાર્યની સૌરભ ખૂણે-ખૂણે વિસ્તરી અને સંવેદનાની સરવાણી નો જાણે ધોધ વહ્યો.
                ક્યા આવેલો છે આ આશ્રમ?? કેવી રીતે થઈ આશ્રમની સ્થાપના ?? કોણ મેળવી રહ્યું છે અહીં આશ્રય ?? નર્કાગારમાં સબળતી કોઈ મહિલા માટે આપનો અંગુલીનિર્દેશ બદલી શકે છે એ મહિલાની જિંદગી.
                 થોડા વર્ષ પહેલા ની વાત છે. સાંજનો સમય છે. બાયડ બસ સ્ટેન્ડ ની પાસે એક ટોળું એકત્ર થયું છે. અસ્થિર મગજની કોઈ મહિલા ઉપર એ ટોળું ક્રુર બની પથ્થર વરસાવી રહ્યું છે. આ ટોળાનો કોલાહલ સાંભળી બસ સ્ટેન્ડ પાસે કડલી ની દુકાન ધરાવતા અશોકભાઈ જૈન ત્યાં પહોંચે છે. મંદબુદ્ધિ ધરાવતી મહિલાની દયનીય સ્થિતિ જોઈ તેવું હૃદય દ્રવી ઉઠ્યું. તેઓ ટોળાને વિખેર્યું. લોહી લુહાર મહિલાની સારવાર કરાવી. અને એ દિવસથી મન માં ગાંઠ વાળી કે આવી બિનવારસી કે જેનો કોઈ પરિવાર નથી કોઈ સગુ-વ્હાલું નથી એવી અસ્થિર મગજની મહિલાઓની સેવા કરવી. અને આવી મહિલાઓ પર થતા અત્યાચારો અટકાવવા. એ દિવસથી અશોકભાઈ જૈન અને તેઓના પરગજુ મિત્રો જબ્બર સિંહ રાજપુરોહિત, વિશાલભાઈ પટેલ, વિજયભાઈ પટેલ, મુકેશભાઈ લુહાર અને બીજા મિત્રો સાથે મળી એક અભિયાન ઉપાડ્યું. મંદબુદ્ધિ ધરાવતી બિનવારસી આસપાસ જે કોઇ વ્યક્તિ મળી આવે તો તેને પાલીતાણા ખાતે આવેલ મંદબુદ્ધિના વ્યક્તિઓ માટેના આશ્રમમાં પહોંચાડવાની તેઓ વ્યવસ્થા કરવા લાગ્યા. એ સમય દરમિયાન હિંમતનગર શામળાજી હાઇવે પર રાજેન્દ્ર નગર ખાતે આવેલ સહયોગ કુષ્ઠયજ્ઞ સંસ્થાની મુલાકાત લીધી. ત્યાં પણ રક્તપિત્ત ગ્રસ્ત અને મંદબુદ્ધિ ધરાવતા વ્યક્તિઓની સેવા સુશ્રુષા થતી જોઈ સેવા માર્ગે આગળ વધવાની ઈચ્છા પ્રબળ બની.
                 અને હવે આસપાસના વિસ્તારમાંથી મળી આવતા બિનવારસી મંદબુદ્ધિ ધરાવતી મહિલાઓને પાલીતાણા પહોંચાડવાની જગ્યાએ બાયડ ખાતે જ એક આશ્રમ સ્થાપવાનું નક્કી કર્યું. આશ્રમ સ્થાપવા માટે ફરી મિત્રોની મદદથી મહામહેનતે ભાડાની જગ્યા શોધી કાઢી. શરૂઆતમાં સાડા છ લાખ રૂપિયાનું દેવું કરી આશ્રમ માટે પાયાની માળખાકીય સુવિધાઓ ઊભી કરી. અને આખરે સપ્ટેમ્બર ૨૦૧૭ ના રોજ જયઅંબે મંદબુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ બાયડ ની સ્થાપના કરી. જેમાં સેવાભાવી ટ્રસ્ટીઓ કોઈપણ જાતના સ્વાર્થ વગર પોતાની નિશુલ્ક સેવાઓ આપે છે. 
              મંદબુદ્ધિ ધરાવતી બિનવારસી દિવ્યાંગ બહેનો ફુટપાથ ઉપર નરક સમાન, પશુ કરતાં પણ બદતર જિંદગી પસાર કરતી આપણે જોઈ શકીએ છીએ. ફુટપાથ ઉપર આશ્રય લેતી આવી નિરાધાર અનેક મહિલાઓ હેવાનો ની હવસનો શિકાર બનતા સમાચારો અવાર-નવાર અખબારમાં પ્રસિદ્ધ થતા રહે છે ત્યારે હૈયામાં એક ચીસ ઉઠે છે. શારીરિક શોષણના ભય સાથે દયનીય પરિસ્થિતિમાં જીવન વિતાવતી અનેક મહિલાઓ માટે જયઅંબે મંદબુદ્ધિ મહિલા સમાજ સેવા આશ્રમ સુખનું સરનામું બન્યું. ફૂટપાથ, બસસ્ટેન્ડ કે કોઈ ધાર્મીક સ્થાનોએ આવી વ્યક્તિઓ નિવાસ કરતી હોય છે.આવી વ્યક્તિઓ પોતાના પેટની આગ ઠારવા ની વ્યથા કોઈને કહી શકતા નથી દિવસોના દિવસો ભૂખ્યા અને તરસ્યા તરફ ફર્યા કરતા હોય છે ત્યારે કહેવતો આપણો સભ્યસમાજ તેઓને એક ધૃણાની નજરે જુએ છે. આવી વ્યક્તિનો દેખાવ તેમના શરીરમાંથી આવતી દુર્ગંધ સામાન્ય માણસમાં સૂગ પેદા કરે છે. . ત્યારે અશોકભાઈ જૈન તેમના મિત્રો દ્વારા ચાલતી આ સંસ્થા આવી વ્યક્તિઓને શોધી તેઓને નવડાવી ધોવડાવી સ્વચ્છ કપડાં પહેરાવી કાયાપલટ કરે છે. સન્માનપૂર્વક જીંદગી જીવવાની એક નવી આશા તેમનામાં પ્રગટાવે છે. વ્યક્તિને નવી ઓળખ આપે છે
                   દોઢ વર્ષ પહેલા ત્રણ બહેનો થી શરૂ થયેલા આ આશ્રમમાં આજે ૧૦૪ બહેનો આશ્રય લીધો છે. 18થી 80 વર્ષ વચ્ચેની ઉંમરની આ મહિલાઓ છે. ગુજરાતના કોઈપણ ખૂણેથી આ સંસ્થાને સમાચાર મળે કે કોઈ અસ્થિર મગજની મહિલા કોઈ જગ્યાએ છે તો અશોકભાઈ અને તેઓના મિત્રો પોતાની કાર લઈ ત્યાં પહોંચી જાય છે અને એ મહિલાને આશ્રમમાં લાવે છે. ધનસુરા રેલવે ફાટક પાસેથી હાથમાં કિડા પડેલી હાલતમાં મળેલ બિનવારસી મંદબુદ્ધિ ના વ્યક્તિની મિત્રો દ્વારા છ મહિના સુધી સેવા કરવામાં આવી. કઠલાલ બસ સ્ટેશન ના જાહેર સોચાલય પાછળ જેના પગમાં ગેગરીન થયેલા તેવા નિર્વસ્ત્ર હાલતમાં મળેલ મંદબુદ્ધિના યુવકનું ટ્રસ્ટ દ્વારા ખાનગી હોસ્પિટલમાં સફળ ઓપરેશન કરાવી પૂરતી કાળજી લેવામાં આવી હતી. ડાકોર મંદિર વિસ્તારમાંથી હાથમાં કીડા પડે હાલતમાં મળેલ બિનવારસી મંદબુદ્ધિ ના વ્યક્તિની ટ્રસ્ટના મિત્રો દ્વારા ચાર મહિના સુધી સારવાર કરી હિંમતનગર આશ્રમમાં આશ્રય આવ્યો. સાઠંબા પાસે તલોદ પાટીયા ની બાજુમાં થી પગ માં કીડા પડેલ હાલતમાં મળેલ મંદબુદ્ધિની મહિલાના પગ ની સારવાર કરાવી આ જ આશ્રમમાં આશ્રય આવ્યો. આવા તો અનેક વ્યક્તિઓના જીવનમાં કાયાપલટ કરવા માટે આ સંસ્થા નિમિત્ત બની છે. 
           આ આશ્રમની બહેનોને તબીબી સારવાર માટે અહીંના સ્થાનિક હોસ્પિટલ ના જાણીતા ડોક્ટર મિનેશ ગાંધી નો સંપૂર્ણ સહયોગ સાંપડે છે તેઓએ અત્યાર સુધી છ જેટલા ઓપરેશન નિશુલ્ક કરી આપ્યા છે. તદુપરાંત બાયડના CSC ના ડોક્ટર જતીન દવે વાત્રક હોસ્પિટલ અને હિંમતનગર ની હેત હોસ્પિટલ ના ડોક્ટર ભાવિક શાહ પણ આ સેવાયજ્ઞમાં પોતાની આહુતિ આપી રહ્યા છે. 
           મહિનાના એક રવિવારે અમદાવાદ થી સાઈક્રિટીક બોલાવી આ મહિલાઓની તબીબી ચેકઅપ કરાવવામાં આવે છે. આશ્રમમાં રહેતી મહિલાઓને પ્રેમ હોમ લાગણી અને માનસિક રોગો ની સારવાર મળતાં અનેક મહિલાઓ ની યાદદાસ્ત પાછી આવતા પરિવાર સાથે તેઓનું પુનઃ મિલન શક્ય બન્યું છે. રાજસ્થાન છત્તીસગઢ ઉત્તર પ્રદેશ તમિલનાડુ કર્ણાટક પશ્ચિમ બંગાળ જેવા વિવિધ રાજ્યોની મહિલાઓ અહીં આશ્રય લઈ રહી છે. જુદી જુદી ભાષાઓમાં બોલતી મહિલાઓની વાતો સમજી પણ શકાતી નથી. ભલે તેમની ભાષા સમજી નથી શકાતી પરંતુ તેમના ચહેરા પરના ભાવ સ્પષ્ટ વાંચી શકાય છે તમામ મહિલાઓએ પોતાના ઘરે પરત ફરવું છે. ક્યાં હશે તેઓનો પરિવાર કોઈ નથી જાણતું. વાતાવરણમાં થોડીવાર હાસ્ય, થોડીવાર રુદન અને પછી ચિર શાંતિ પથરાઈ જાય છે .આવી પરિસ્થિતિમાં જુદી જુદી ભાષાના જાણકારોની મદદ લઈ તેઓ સાથે વાર્તાલાપ કરી તેઓના વતન સુધી પહોંચાડવાનું પ્રયત્ન કરવામાં આવે છે. અત્યાર સુધી આવી 66 મહિલાઓને પોતાના પરિવાર સાથે મિલન માનવતાનું અજોડ કાર્ય કર્યું છે. 
આશ્રમમાં રહેતી બહેનો માટે બે ટાઇમ ચા-નાસ્તો,સાત્વિક ભોજન, મેડિકલ ચેકઅપની અદ્યતન સુવિધાઓ વિકસાવવામાં આવી છે. મંદબુદ્ધિની મહિલાઓ હોય એટલે સ્વાભાવિક રીતે જ તેમની દહી ક્રિયાઓનું ભાનસાન તેમને હોતું નથી તેથી તેમની યોગ્ય સાફ-સફાઈ માટે ૧૧ જેટલા વ્યક્તિઓનું સ્ટાફ અહીંયા 24 કલાક ખડેપગે સેવા બજાવે છે. આશ્રમની સ્વચ્છતા ઉડીને આંખે વળગે તેવી છે. 
                 સંસ્થાના પ્રમુખ અશોકભાઈ પોતે દુકાનદાર છે પરંતુ સવારે દુકાને જતા પહેલા આશ્રમની અચૂક મુલાકાત લે છે આશ્રમની વ્યવસ્થા ચકાસે છે મહિલાઓના વ્યક્તિગત ખબર અંતર પૂછે છે. તમામના નામ તેમને મોઢે છે. કઈ મહિલા ને શું તકલીફ છે તેની બારીક સમજણ પણ તેમને કેળવી છે દરેક મહિલાને તેઓ નામથી પુકારે છે. અને આમ મંદબુદ્ધિ કહેવાતી મહિલાઓ અશોકભાઈને જોઈ જાણે પોતાનો ભાઈ મળવા આવ્યો હોય એવું વહાલ અશોકભાઈ પર વરસાવે છે અને ગેલમાં આવી તેઓની સાથે મસ્તીએ ચઢે છે. પોતાના સઘળા દુઃખ દર્દો તેઓ વિસરી જાય છે. 
            અલગ-અલગ ધર્મો પાળતી મહિલાઓ અહીં વસે છે. આકસ્મિક સંજોગોમાં કોઈ મહિલાનું અહીં મૃત્યુ થાય તો જે તે ધર્મ પ્રમાણેની તેમની ધાર્મિક વિધિ પ્રમાણે મોતનો મલાજો જળવાય તેવી રીતે આદરપૂર્વક અંત્યેષ્ટિ ક્રિયા કરવામાં આવે છે. તદુપરાંત આસપાસના પંથકમાંથી બિનવારસી કોઈ લાશ મળી આવે તો પોલીસ આ સંસ્થાનો સંપર્ક કરે છે. અને આ સંસ્થા આવી બિનવારસી લાશનુ પણ આદરપૂર્વક અંત્યેષ્ટિ ક્રિયા કરે છે. અત્યાર સુધી આવી 14 બિનવારસી વ્યક્તિઓની અંત્યેષ્ટિ ક્રિયા સંસ્થાએ કરી છે.
                આ આશ્રમ ચલાવવાનું માસિક ખર્ચ આશરે બે લાખ સુધી પહોંચ્યો છે. આ ખર્ચનો સંપૂર્ણ આધાર સમાજ માત્ર છે. સરકારશ્રી તરફથી કોઈ આર્થિક સહયોગ પ્રાપ્ત થતું નથી. સરકારશ્રી તરફથી વ્યક્તિદીઠ મહિને 10 કિલો ઘઉં ની સહાય માત્ર મળે છે. આટલા માતબર ખર્ચ થતો હોવા છતાં આજ સુધી પાવતી કે ચિઠ્ઠી લઇ બજારમાં ફાળો કરવા માટે જતા નથી. સ્વેચ્છાએ દાતાઓ આશ્રમમાં આવી યથા યોગ્ય દાન લખાવી જાય છે. કોઈ સ્વજન નો જન્મદિવસ હોય કે પોતાના સ્વજનની પુણ્યતિથિ હોય ત્યારે આસપાસના લોકો અહીં આવી આશ્રમવાસીઓને તિથી ભોજન આપી ધન્યતા અનુભવે છે. 
            અશોકભાઈ તથા સંસ્થાના ટ્રસ્ટીઓ નું કહેવું છે કે ખૂબ થોડા સમયમાં ગુજરાતના કોઈ રસ્તાઓ ઉપર આવી કોઈ મહિલા જોવા મળશે નહીં એક તમામ મહિલાઓ ને અમે અમારી સંસ્થામાં આશ્રય આપીશું અને તેઓને ગૌરવભેર જીવન જીવી શકે તેવી વ્યવસ્થા સમાજના સહયોગ થકી અમે પૂરી પાડીશું.
             આપ પણ જ્યારે બિનવારસી મંદબુદ્ધિ ના વ્યક્તિને જુઓ તો સૌપ્રથમ પાણી આપી આસપાસથી ખાવાની વસ્તુ લઈ તેમને આપવી અને આશ્રમ સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરશો. અથવા સરકારશ્રી તરફથી ચાલતી 181 મહિલા અભયમ સરકારી હેલ્પલાઇન પર સંપર્ક કરશો. 
                 કમોતે મરવાની રાહ જોતી આવી મંદબુદ્ધિ ધરાવતી મહિલાઓને સમાજની મુખ્ય ધારામાં પ્રવેશ વાલાયક બનાવવાથી લઇને જિંદગીમાં માણસ હોવાનો અહેસાસ કરવાનું એક સ્તુત્ય પ્રયાસ અહીં થઇ રહ્યો છે. જોખમ, સાહસ,હિંમત અને અનેક પડકારો ભરેલું આ કાર્ય છે જેને અહીં અશોકભાઈ જૈન અને તેમના મિત્રોની ટિમ દ્વારા સુપેરે ચલાવવામાં આવે છે. ભવિષ્યમાં આ સંસ્થા સમાજની પીડિત દુઃખી ટ્રસ્ટ મહિલાઓ માટેનું સુખનું સરનામું બની રહે તેવી હૃદયપૂર્વકની શુભેચ્છાઓ.

(સંદર્ભ :કભી કભી)
લેખન - :ઈશ્વર પ્રજાપતિ 
(આપના પ્રતિભાવ નીચે આપેલ whatsapp નંબર પર લખી મોકલી શકો છો )
(98251 42620)

નોંધ:- મિત્રો બ્લોગની લિંક આપ શેર કરી શકો છો પરંતુ મિત્રો મારા બ્લોગના આર્ટિકલ્સને પોતાના નામે ચડાવી વાયરલ કરવાનો અવિવેક ન કરવા વિનંતી.

Thursday, August 8, 2019

વ્યક્તિ વિશેષ : બાબુભાઈ પણુંચા


ઓલમ્પિક ક્વોલિફાઇડ, આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત રમતવીર 
બાબુભાઈ પણુંચા



                   બાબુભાઈ પણુંચા.
               અથાગ પરિશ્રમ અને દૃઢ મનોબળ થકી વિશ્વ કક્ષાએ રાષ્ટ્રને સન્માન અપાવનાર આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ખેલાડી છે. આ રમતવીરે પોતાની સમસ્ત યુવાની રાષ્ટ્ર સેવામાં સમર્પિત કરી દીધી છે. 23 વર્ષ અને 4 મહિના ઇન્ડિયન આર્મીમાં સેવાઓ આપી. સાથે સાથે કઠોર સાધના અને ભગીરથ પુરુષાર્થ થકી ઓલમ્પિકમાં ક્વોલિફાઇ કરનાર બાબુભાઈ ગુજરાતના એકમાત્ર ખેલાડી છે. 
               રમત ગમતમાં આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતને સન્માન અપાવવા માટે પોતાની આખી યુવાની રમતના મેદાનમાં ખરચી નાખી. ભારત દેશને વિશ્વ કક્ષાએ અનેક સન્માનો અપાવ્યાં. અને આજે આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત આ ખેલાડી આજે કાળી મજૂરી કરી ગુજરાન ચલાવવા મજબૂર બન્યો છે. થોકબંધ પ્રમાણપત્રો અને ઢગલાબંધ ચંદ્રકો આંતરરાષ્ટ્રીય ખેલાડીના માટીના કાચા મકાનમાં ધૂળ ખાઈ રહ્યાં છે. દેશ અને વિદેશનું એક પણ પ્રતિષ્ઠિત અખબાર એવું નહીં હોય જેમાં બાબુભાઇનો ફોટો ન છપાયો હોય. દેશની એક પણ એવી ટી.વી ચેનલ એવી નહીં હોય કે જેમાં બાબુભાઈ ની સ્ટોરી કવર ન કરી હોય ! દેશ અને દુનિયામાં બાબુભાઈ ને પ્રસિદ્ધિ તો ખૂબ મળી. પરંતુ માત્ર પ્રસિદ્ધિથી પેટ થોડું ભરાય છે?? વિશ્વ સ્તરે દેશનું નામ રોશન કરનાર આ હોનહાર ખેલાડી જ્યારે પોતાની વ્યથા  વર્ણવે છે ત્યારે આપણી આંખ પણ આંસુઓથી ભરાઈ આવે છે.

         અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાનું અંબાવા ગામ તેઓનું વતન. પિતા માત્ર ચાર ચોપડી ભણેલા. પિતાજી દાળી મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ઘરની આર્થિક પરિસ્થિતિ એટલી કંગાળ કે બે ટંકનું ભરપેટ ભોજન પણ ન મળે. ઘરમાં બીજી પ્રાથમિક સુવિધાઓ તો દૂરની વાત છે. ઘરમાં ઘડિયાળ સુધ્ધાં ન મળે. ઘર આગળ આવતા તડકાને આધારે સમય નક્કી કરી શાળાએ જવું પડતું. અનેક અભાવોમાં બાબુભાઈનું બાળપણ વીત્યું છે. પ્રાથમિક શિક્ષણ ગામની પ્રાથમિક શાળામાં લીધું. અને હાઈસ્કૂલના અભ્યાસ માટે માલપુર જવું પડતું. શાળામાં ચાલીને જવું પડતું. સાયકલની વાત તો દૂર રહી પગમાં પહેરવા ચપ્પલ પણ ન મળે. બીમાર માતાની સારવાર માટે રોજ બપોર પછી શાળાએથી ઘરે જતું રહેવું પડતું. ઘરકામની તમામ જવાબદારી બાબુભાઈના શિરે હતી. એક બાજું અભ્યાસ, બીજી બાજું ઘરકામ અને પરિવારની આર્થિક મદદ માટે દાળી પણ જવું પડતું. માટે અભ્યાસમાં પૂરતું ધ્યાન ન આપી શક્યા. માંડ બે ટ્રાયલે દસમું પાસ કર્યું. બીમાર માતાની સેવા સુશ્રુસા કરવા દસમા પછી ઓછી ઉંમરે જ લગ્ન કરવાં પડ્યાં. પત્ની પણ નિરક્ષર. 
                    ઘરની સ્થિતિ જોતાં આગળ અભ્યાસ કરવો પોસાય એમ પણ ન હતો. પિતાને આર્થિક મદદ મળી રહે એ માટે નાની મોટી નોકરી કરવાનો સંકલ્પ કર્યો. દેશ સેવાની આગ દિલમાં પહેલેથી જ પ્રજ્વલિત હતી. મામાનું માર્ગદર્શન મળ્યું. અને ઇન્ડિયન આર્મીમાં ભરતી થવાનું નક્કી કરી લીધું. બાળપણથી જ કરેલા કઠોર પરિશ્રમને કારણે શરીર કસાયેલું અને ખડતલ હતું. મામા સાથે સૈન્યની ભરતીમાં અમદાવાદ હનુમાન કેમ્પ ગયા. હોટેલમાં રોકાવાના તો પૈસા હતા નહીં એટલે શીંગ ચણા ખાઈ ત્યાં ઓટલા ઉપર જ કંતાન પાથરી સૂઈ ગયા. બીજા દિવસે સવારે દોડ લગાવાની હતી. આ દોડ જ આગળનું ભવિષ્ય નક્કી કરવાની હતી. રાતનું ભૂખ્યું પેટ અને પૂરતી ઊંઘ પણ થઈ ન હતી. આટલી ભીડમાં કેવી રીતે દોડ પુરી કરવી?? ત્યાં તો ઘરનાં દૃશ્યો નજર આગળ તરવળવા લાગ્યાં. કસીને મુઠ્ઠીઓ વાળી અને કચકચાવી ને દોડ લગાવી. જાણે કોઈ દૈવી શક્તિ જ મદદે પહોંચી. અને એ બધા ઉમેદવારોમાં બાબુભાઈ પ્રથમ આવ્યા. 
           સૈન્યમાં ભરતી થતાં પ્રથમ પોસ્ટિંગ જ સિયાચીન ગ્લેશિયરમાં થયું. ચોતરફ છવાયેલા બરફ અને ઓક્સિજનની ઉણપ વચ્ચે એક એક પળ પસાર કરવી દુષ્કર હતી. માંડ દસ ડગલાં ચાલો ત્યાં હાંફ ચડી જાય. અહીં તેઓના મનોબળની ખરી કસોટી થઈ. પરંતુ દિલમાં દેશ માટે કંઈક કરી છૂટવાનું ઝનૂન એટલું જબરદસ્ત હતું કે ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિ સામાન્ય બની જતી. 
             થોડા જ વખત બાદ તેઓનું પોસ્ટિંગ દહેરાદૂન ખાતે થયું અને જીવનમાં એક નવો ટર્નિંગ પોઇન્ટ આવ્યો. અહીં આર્મી જવાનો માટે રમત ગમતની સ્પર્ધામાં ભાગ લેવો ફરજીયાત હતો. બાબુભાઈને રમત ગમતમાં કોઈ રસ ન હતો. એમને તો બસ બંદૂક ચલાવવામાં જ રસ હતો. પરંતુ કમાન્ડરના કહેવાથી દોડમાં ભાગ લેવો પડ્યો. એક સાથે 700 જવાનોની દોડ થઈ અને તેમાં બાબુભાઈ પ્રથમ આવ્યા. કમાન્ડર આ જોઈ ચકિત થઈ ગયા. એમને લાગ્યું "ઈસ બંદે મેં દમ હૈ" કમાન્ડરે બાબુભાઈ ને પૂછ્યું "દેશ કે લિયે દોડગે??" બાબુભાઇએ જવાબ આપ્યો "મેં સિર્ફ બંદૂક ચલાઉગા" કમાન્ડરે બાબુભાઈને ખૂબ સમજાવ્યા 50 કિલોમીટરની દોડ માટે તૈયાર કર્યા. અને પછી પ્રેક્ટિસ ચાલું થઈ. બાબુભાઈ રોજ રાત્રે 2 વાગે ઉઠી જાય અને દોડવાનું શરૂ કરે. સવાર સુધી પ્રેક્ટિસ ચાલું રાખે. 
              તનતોડ મહેનત કરી. વર્ષ 2004માં યોજાયેલી ઓલ ઇન્ડિયા આર્મીની સ્પર્ધામાં બાબુભાઈ ચોથા નંબરે આવ્યા. ફરી મહેનત આદરી શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. પરંતુ રમત પણ રાજનીતિથી અછૂત નથી. કોચની રાજનીતિનો ભોગ બાબુભાઈ બન્યા. અને નેશનલ ટીમમાંથી નામ કાઢી નાખવામાં આવ્યું. શ્રેષ્ઠ પ્રદર્શન કરવા છતાં નામ કાઢી નાખતા કર્નલ સાથે ઉગ્ર બોલાચાલી થઈ. નોકરીની પરવા કર્યા વિના તેઓએ કર્નલની વિરુદ્ધ માં ઉચ્ચ સ્તરે રજૂઆતો કરી. તેઓ દોડની સ્પર્ધાના ખેલાડી હતા. કોચના સમજાવવાથી walking race માટે પ્રેક્ટિસ ચાલુ કરી. અને આર્મી, નેવી અને એઈર ફોર્સ એમ ત્રણેય પાંખની સ્પર્ધામાં બાબુભાઈ મેદાન મારી ગયા. તેઓને  સિપાઈમાંથી હવાલદાર તરીકે પ્રમોશન મળ્યું. 
             ત્યારબાદ પ્રેક્ટિસ માટે તેઓનું દિલ્હી ખાતે પોસ્ટિંગ થયું. અહીં તેઓ રાત્રે 1 વાગે ઉઠી સવાર સુધી પ્રેક્ટિસ ચાલુ રાખતા. અને 2007 માં યોજાયેલી સર્વિસીઝની કોમ્પિટિશનમાં તેઓએ આર્મી ને ગોલ્ડ મેડલ અપાવ્યો. બાબુભાઈની આ સફળતા કેટલાંક લોકો પચાવી ન શક્યા. એ વખતના ભારતીય કોચ હનુમાના રામ બાબુભાઈ ને કહ્યું કે "ગેમ કરને કી આપકી ઉમ્ર બિત ચુકી હૈ. આપકી બોડી મેં વો કરંટ નહીં રહા".
              નેશનલ કોચનાં આ વાક્યો સાંભળી સહેજ પણ નાસીપાસ થયા વિના એક ઝનૂન સાથે મહેનત ચાલું રાખી. અને એ જ વર્ષમાં ભોપાલ ખાતે એક રાષ્ટ્ર કક્ષાની સ્પર્ધા થઈ. એમાં 20 કિ.મી. walking race માં બાબુભાઈ એ નેશનલ રેકોર્ડ નોંધાવ્યો. ત્યારે હનુમાના રામ કોચ ત્યાં હાજર જ હતો. બાબુભાઈ એ કોચને ખોટો સાબિત કર્યો. ત્યારે એ કોચની સ્થિતિ દયનિય હતી. તેના પંદર દિવસ બાદ ટાટાનગર જમશેદપુરમાંં યોજાયેલ સિનિયર ઓપન એથલેટીક ચેમ્પિયનશીપમાં નવો નેશનલ રેકોર્ડ સ્થાપિત કર્યો. 20 કિ.મી. walking race માત્ર 1 કલાક 23 મિનિટ અને 40 સેકન્ડ માં પૂર્ણ કરતાની સાથે જ બાબુભાઈ ઓલમ્પિક માટે ક્વોલિફાઇ થયા. તેઓને બેસ્ટ એથ્લેટ ઘોષિત કરવામાં આવ્યા. આ ઘટના અરવલ્લી માટે , ગુજરાત માટે અને દેશ માટે ઐતિહાસિક ઘટના હતી. ઓલમ્પિકનું નામ સાંભળતા જ સામાન્ય માણસના દિલની ધડકનો તેજ બની જાય છે. ઓલમ્પિક એ વિશ્વના શ્રેષ્ઠ રમતવીરોનો મહાકુંભ છે. તેમાં ભાગ લેવો દરેક રમતવીરનું સપનું હોય છે. પરંતુ લાખો રમતવીરોમાંથી જવલ્લે જ કોઈ રમતવીર આ સપનું સાકાર કરી શકે છે. વર્ષોની સાતત્યપૂર્ણ મહેનત અને જીવનની પળે પળ પોતાના લક્ષય પાછળ ખરચી નાખનાર ખેલાડીઓ ઓલમ્પિક સુધી પહોંચી શકે છે. 
        અરવલ્લી જિલ્લાના અંતરીયાળ ગામડાના એક સામાન્ય પરિસ્થિતિમાંથી આવનાર વ્યક્તિએ પોતાની કાબેલિયતથી દેશ અને દુનિયામાં ડંકો વગાડી દીધો. 2008 ની લંડન ખાતે યોજાયેલી ઓલમ્પિક માં ભાગ લેવા જવા માટે જ્યારે બાબુભાઇ પાસપોર્ટ ઓફિસમાં પાસપોર્ટ બનાવવા ગયા તે વખતે પાસપોર્ટ ઓફિસરે એક પણ રૂપીયો લીધા વિના જ પાસપોર્ટ બનાવી આપ્યો. 
           2007 માં બાબુભાઈ પણુંચાને રાજ્ય સરકાર દ્વારા સરદાર પટેલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા.
           ભારતનું કમનસીબ કે ત્રણ મહિના લંડનમાં પ્રેક્ટિસ દરમિયાન બાબુભાઈ મને હાર્ટનો દુખાવાને કારણે ઓલમ્પિક માં ભાગ ન લઈ શક્યા. 
ઓલમ્પિક બાદપણ તેઓ રશિયા, ઈંગ્લેન્ડ, ઉત્તર કોરિયા, જાપાન, ચીન, પોલેન્ડ જેવા 30 ઉપરાંત દેશોમાં જઈ અનેક કોમ્પિટિશનમાં ભાગ લીધો. અને ઘણા એવા મેડલ ભારતને અપાવ્યાં. સતત પ્રેક્ટિસ ને કારણે 2010 માં પગના મસલ્સને ગંભીર ઇજાઓ થઈ. એમ છતાં સાહસ કરી દિલ્હીમાં યોજાયેલ કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લીધો. મસલ્સ પેઇનને 18 કિ. મી. ચાલતા ચાલતા બેભાન થઈ ગયા. 
           તાજેતરમાં જ ભારત માટે આનંદના સમાચાર આવ્યા. 14 મેં 2012 ના રોજ રશિયા ખાતે યોજાયેલ IAAF ની કોમ્પિટિશન માં આખા વિશ્વના સ્પર્ધકોમાં બાબુભાઈ ચોથા ક્રમે આવ્યા હતા.  એ સ્પર્ધામાં ત્રીજા ક્રમે અસવાનાર યુક્રેનનો ખેલાડી પરના ડોપિંગના આરોપો સાબિત થતાં એ ખેલાડી ડિસ્ક્વોલિફાઇડ જાહેર કરતા બ્રોન્ઝ મેડલના સાચા હકદાર બાબુભાઈ બન્યા છે. બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત થતાં ફરી એક વાર બાબુભાઈ ભારતની શાન વધારી છે.  
               કરમની કાઠીનાઈ એ છે કે જે ખેલાડીએ દેશ માટે પોતાની યીવાની ખરચી નાખી છે. એ ફોજી જવાન છેલ્લા દોઢ વર્ષથી ઘરે કાળી મજૂરી કરી દિવસો પસાર કરે છે. ફોજમાંથી નિવૃત્ત થઈ ને ઘરે આવ્યા બાદ પોતાના પુત્રનો અકસ્માત થતાં તમામ બચત દીકરાની સારવાર પાછળ ખરચી નાખી. અનેક નેશનલ રેકોર્ડ જેના નામે છે એવા આ ખેલાડીને રહેવા માટે પાકું મકાન પણ નથી. ફોજીની નોકરીની નિવૃત્તિ બાદ બીજી નોકરી માટે વલખા મારવાં પડે છે. માટીના કાચા મકાનમાં આ આંતરરાષ્ટ્રીય આ ખેલાડી વસવાટ કરવા મજબૂર છે. આખો દિવસ ખેતરમાં મજૂરી કરે છે. અને રાત્રે 2 વાગે ઉઠી ચાલવાની પ્રેક્ટિસ કરે છે. બાબુભાઈ 2020 ની ઓલમ્પિક ની તૈયારી કરી રહ્યા છે. પરંતુ કોમ્પિટિશન માટે જોઈતા પ્રોફેશનલ શૂઝ દસ હજારના આવે છે. એ લાવવાના પણ આ રમતવીર પાસે પૈસા નથી. તેઓનું બ્રાન્ડેડ શોર્ટસ અને બનીયાનની કિંમત ચાર થી પાંચ હજાર થાય છે.

          આર્થિક તંગીને કારણે સાધનોના અભાવો વચ્ચે આ ખેલાડીની સાધના ચાલું છે. એક બાજુ આવા હોનહાર ખેલાડીઓની રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ઘોર ઉપેક્ષા કરવામાં આવી રહી છે અને બીજી બાજુ ખેલ મહાકુંભ ના તાયફાના નામે કરોડો રૂપિયા વેડફી નાખવામાં આવે છે. પોતાની પ્રસિદ્ધિ માં કારીડો વેડફતી નઠોર સરકાર આવા રમતવીરો માટે આગળ ક્યારે આવશે??? સવા સો કરોડની વસ્તી ધરાવતો ભારત દેશમાં અનેક પ્રતિભાસંપન્ન ખેલાડીઓ હોવા છતાંઓલમ્પિક માં એક ગોલ્ડ મેડલ લાવવા ફાંફા પડે છે એ માટે આવા અનેક કારણો જવાબદાર છે. 
             જાડી ચામડીના રાજનેતાઓને આવા ખેલાડીઓની વાત સાંભળવાનો સમય જ ક્યાં છે?? સરકાર આગળ આવે કે ન આવે કોઈ સામાજિક સંસ્થાઓ કે કોઈ સંપન્ન વ્યક્તિઓ આવી પ્રતિભાઓને મદદ કરે એ પણ એક જાતની દેશ સેવા જ છે.



 (આવી જ વિરલ વ્યક્તિ વિશેની રસપ્રદ વાતો જાણીશું આવતા ગુરુવારે...)   

લેખન : ઈશ્વર પ્રજાપતિ
આપ આપના પ્રતિભાવ નીચેના whatsapp no. પર લખી મોકલી શકો છો.
(98251 42620)

નોંધ:- મિત્રો બ્લોગની લિંક આપ શેર કરી શકો છો પરંતુ  બ્લોગના આર્ટિકલ્સને પોતાના નામે ચડાવી વાયરલ કરવાનો અવિવેક ન કરવા વિનંતી.

Monday, August 5, 2019

આપણો જિલ્લો આપણું વતન : અરવલ્લી ભાગ - 27

અરવલ્લીની ઓળખ સમી અનોખી સેવાકીય સંસ્થા

શ્રીકૃષ્ણાશ્રમ બોલુન્દ્રા



               અરવલ્લી જિલ્લાના મુખ્યમથક મોડાસાથી માત્ર 15 કિલોમીટરના જ અંતરે બોલુન્દ્રા ગામમાં આવેલ શ્રી કૃષ્ણાશ્રમ સંસ્કૃત અને ભારતીય સંકૃતિની વિરલ વિરાસત સાચવીને બેઠો છે. સંકૃત અને સંસ્કૃતિનું સંવર્ધન કરતા આ શ્રીકૃષ્ણાશ્રમ તરફ બહુ ઓછા લોકોનું ધ્યાન ગયું છે. કોઈનુંય ધ્યાન જાય કે ન જાય , કોઈ નોંધ લે કે ન લે એ કશાયની પરવા કર્યા વગર આ આશ્રમ દાયકાઓથી પોતાની ધૂનમાં મસ્ત બનીને અનેકવિધ સેવકાર્યો થકી ધમધમે છે.ગુજરાતમાં કુલ 52 સંસ્કૃત પાઠશાળાઓ આવેલી છે. તેમાંની અરવલ્લીની એકમાત્ર માન્યતા પ્રાપ્ત સંસ્કૃત પાઠશાળા અહીં આવેલી છે.
આ પાઠશાળામાં પ્રવેશતાં જ દિવ્ય અને અલૌકિક વાતાવરણનો અહેસાસ થાય છે. આશ્રમમાં પ્રવેશતાં કાને પડતા ઋષિ કુમારોના વેદમંત્રોના ઉચ્ચારોના ધ્વનિ વાતાવરણને દિવ્ય બનાવે છે. માત્ર ગુજરાતના જ નહીં પરંતુ ભારતભરમાંથી ઋષિ કુમારો અહીં સંસ્કૃતના અભ્યાસ માટે આવે છે.
             બ્રહ્મલીન અગ્નિહોત્રી શ્રી કૃષ્ણરામ બાવાજી નિઃસ્વાર્થ ભાવથી વિદ્યાદાન તથા અન્ય સામાજિક સેવાકાર્ય કરતા . ભારતીય સનાતન પરંપરામાં રહેલું પ્રાચીન જ્ઞાન લુપ્ત ન થાય તેવા શુભ હતું થી વિદ્યાર્થીઓને પોતાના સંતાનની જેમ જ આશ્રમમાં રાખવામાં આવતા. ગુરુકુલ પરંપરાથી સંસ્કૃત અને સંસ્કૃતિનું નિઃશુલ્ક શિક્ષા અને દીક્ષા અપાતી. વિદ્યાર્થીઓ માટે રહેવા જમવાની તમામ વ્યવસ્થા નિઃશુલ્ક આપવામાં આવતી.
          પૂ. દાદાજી અગ્નિહોત્રી શ્રી શુકદેવપ્રસાદ ગૌરીશંકર વ્યાસે ભારતની પ્રાચીન વૈદિક પરંપરાની જાળવણી માટે પ્રાચીન ગુરુકુલ પરંપરાથી ચાલતી સંસ્કૃત પાઠશાળાઓને મદદ કરી છે. તેઓશ્રીની પ્રેરણાથી શ્રી કૃષ્ણાશ્રમ માં પાઠશાળાની આ પરંપરા પુનઃજાગૃત થઈ. "શ્રીકૃષ્ણાશ્રમ વૈદિક સંસ્કૃત પાઠશાળા " બોલુન્દ્રા ને ગુજરાત સરકાર ના શિક્ષણ વિભાગ દ્વારા 24 મે 2010 ના રોજ થી માન્યતા પ્રાપ્ત થઈ છે. તાજેતરમાં શાસ્ત્રી સુધીના અભ્યાસ ક્રમ માટેની મંજૂર મળી ગઈ છે. અરવલ્લી જિલ્લાની આ એક માત્ર સરકાર માન્યતાપ્રાપ્ત પાઠશાળા છે.
                  અહીં વૈદિક વિષયોના સંસ્કૃતના પ્રકાંડ પંડિતો દ્વારા ઋષિ કુમારોને વેદ શાસ્ત્રોનું અધ્યાપન કરાવે છે. ઋષિ કુમારો ટ્રસ્ટ દ્વારા સંચાલિત છાત્રાલયમાં રહે છે. આ વિષય ઉપરાંત ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડના ગુજરાતી, ગણિત, વિજ્ઞાન, હિન્દી, કોમ્પ્યુટર જેવા તમામ વિષયોનું પણ અધ્યયન કરાવવામાં આવે છે. વેદ, વ્યાકરણ, જ્યોતિષ, છંદ, કલ્પ, નિરિક્ત અને શિક્ષા આ છ એ વેદાંગોનું અધ્યપન કરાવવામાં આવે છે. અહીં શિક્ષણનું માધ્યમ સંસ્કૃત રહે છે. હાલ ભારતના જુદા જુદા પ્રાંતના કુલ 80 જેટલા ઋષિકુમારો અહીં અભ્યાસ કરે છે. તેઓની રહેવા જમવા અભ્યાસની તમામ સવલતો વિનામૂલ્યે આપવામાં આવે છે. અહીં અભ્યાસ માટે આવતા ઋષિકુમારો એક તપસ્વી જેવું સંયમી અને કઠોર તપશ્ચર્યા વાળું જીવન જીવે છે. સવારે 4;00 વાગ્યાથી ઋષિકુમારોની દિનચર્યા શરૂ થાય છે. જે રાત્રીના 10 :00 કલાક સુધી અવીરત ચાલે છે.

               વિદ્યાર્થીઓની દર વર્ષે શૈક્ષણિક પ્રવાસ પ્રકૃતિ અને વાતાવરણ પરથી જવાબદારીનું ભાન કરાવતા કાર્યક્રમો કરવામાં આવે છે. જેમાં વૃક્ષારોપણ, સંસ્કૃત સંભાષણ શિબિર, મોટા વૈદિક યજ્ઞોમાં ભાગ લેવા તથા અવકાશ વિજ્ઞાનના જ્ઞાન માટે વેધ શાળાઓના પ્રવાસ માં મોકલવામાં આવે છે. પ્રારંભથી જ આજદિન સુધીની તમામ પરીક્ષાઓમાં આ પાઠશાળા નું પરિણામ 100 ટકા આવ્યું છે. પાઠ શાળાના વિદ્યાર્થીઓએ અનેકવિધ શૈક્ષણિક કસોટીઓમાં તાલુકા, જિલ્લા, રાજ્ય તથા રાષ્ટ્ર કક્ષાએ હરિફાઇઓમાં ભાગ લઈ સુવર્ણ, રજત, કાંસ્ય ચંદ્રકો તથા વિશેષ યોગ્યતા પ્રાપ્ત પ્રમાણપત્રો પ્રાપ્ત કર્યા છે. બનારસ અને ચેન્નાઈ ખાતે વૈદિક શાસ્ત્રો ની વિવિધ સ્પર્ધાઓમાં આ પાઠશાળા ના વિદ્યાર્થીઓ એ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે.
             શ્રીકૃષ્ણાશ્રમમાં છેલ્લાં 112 વર્ષથી અગ્નિહોત્ર કર્મ યજ્ઞનારાયણનો નિત્ય સાયં પ્રાતઃ હોમ થાય છે. વેદોક્ત વિધિથી અહીં પ્રતિષ્ઠિત 108 કિલો પારદના (પારા ના) શિવલિંગ શિવ ભક્તોનું આસ્થાનું પ્રતીક છે.
           પૂ. બ્રહ્મલીન કૃષ્ણરામ બાપજીના વંશજ અને તેઓની  પાંચમી પેઢીના  પંડિત આત્રેય વ્યાસ આ આશ્રમનું સુંદર સંચાલન સાંભળે છે. અને તેઓના તમામ કાર્યોમાં તેમનાં ધર્મપત્ની જાનવીબેન વ્યાસ કદમમાં કદમ મિલાવી સાથ આપે છે.
           શ્રીકૃષ્ણાશ્રમમાં   સંસ્કૃત પાઠશાળા ઉપરાંત અન્નક્ષેત્ર, ગૌશાળા, ઉનાળામાં પાણીની પરબ, કન્યાદાનમાં સહાય, અંતિમ ક્રિયામાં સહાય જેવી અનેકવિધ સમાજોપયોગી પ્રવૃત્તિઓ ચાલી રહી છે. પૂ. બ્રહ્મલીન કૃષ્ણરામ બાપજીના કાર્યોને મૂર્તિમંત કરવા 1964 માં "અગ્નિહોત્રી કૃષ્ણારામ ગુલાબરામ ચેરીટેબલ ટ્રસ્ટ અમદાવાદ(ઈ 1213) ની સ્થાપના કરવામાં આવી છે. આ ટ્રસ્ટ છેલ્લા સાડા પાંચ દાયકાથી સાંસ્કૃતિક અને સામાજિક અનેકવિધ સેવકાર્યોમાં રત છે.
            શ્રી કૃષ્ણાશ્રમમાં શ્રી શુકદેવપ્રસાદની પ્રેરણા થી અન્નક્ષેત્ર ની સેવા અપાઈ રહી છે. પૂ. દાદાજી કહે છે " ભૂખ્યાં ને અન્ન મળતાં અંતરમાંથી નીકળતા આશીર્વાદ તે સ્વયં ભગવાનની પ્રસન્નતા ની અભિવ્યક્તિ જ છે." સં. 2060 ના રામનવમી પાવન દિવસ તારીખ 11 એપ્રિલ 2003 ના રોજ આ ટ્રસ્ટ દ્વારા "શ્રી કૃષ્ણાશ્રમ અન્નક્ષેત્ર" ની શરૂઆત થઈ. ત્યારથી આજદિન સુધી અતિ જરૂરિયાત મંદ લાભાર્થીઓને ઘરે ટિફિન પહોંચાડવા ની સેવા વર્ષના 365 દિવસ શિયાળો, ઉનાળો કે ચોમાસું હોય કોઈ પણ પરિસ્થિતિમાં અવિરત ચાલી રહી છે.
             બોલુન્દ્રા ગામની આસપાસના 15 જેટલાં ગામોના વૃદ્ધ, અશક્ત, અપંગ, અનાથ, મંદબુદ્ધિ, નિરાધાર, નિઃસહાય તથા વિધવા ત્યકતા બહેનોને જ્ઞાતિ ધર્મના ભેદભાવ વગર દૈનિક એક ટંકનું શુદ્ધ અને સાત્વિક ભોજન તેઓને ઘરે બેઠા પહોંચાડવામાં આવે છે.
             અન્નક્ષેત્રની તમામ જવાબદારી જાનવીબેન વ્યાસ સંભાળે છે. ટ્રસ્ટીઓ દ્વારા આસપાસના ગામોમાં પ્રથમ સર્વે કરવામાં આવે છે. જેમાં જે તે ગામના આગેવાનો સાથે રાખી આવા પરિવારોને શોધી કાઢવામાં આવે છે. આ વ્યક્તિઓ એટલા વૃદ્ધ, અશક્ત કે નિઃસહાય હોય છે કે તેઓની પરિસ્થિતિ એવી પણ નથી હોતી કે તેઓ ઘર છોડી ચાલી ને બીજેથી દાન ગ્રહણ કરી શકે. માટે આ ટ્રસ્ટ દ્વારા આવા વ્યક્તિઓના ઘરે જ સમયસર ટિફિન પહોંચે એવી સુંદર વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. લાભાર્થીઓ પાસે ટોકન રૂપે 1 રૂપિયો લેવામાં આવે છે. 1 રૂપીયો લેવા પાછળનો મુખ્ય ઉદ્દેશ એ છે કે વ્યક્તિનું ગૌરવ સચવાય. જે તે વ્યક્તિ ને એમ ન લાગે કે હું મફતનું જમું છું. હાલ 75 પરિવાર આ ટિફિન સેવાનો લાભ અપાઈ રહ્યો છે. અન્નક્ષેત્ર ની શરૂઆત થી અત્યારસુધી માં ત્રણ લાખથી અધિક ટિફિન પહોંચાડવામાં આવ્યાં છે.

          આ ટિફિન સેવામાં મોડાસાના જાશુભાઈ મીઠાવાળા અને બીજા સેવાભાવી વ્યક્તિઓની સેવાનો પણ અમૂલ્ય સહયોગ પ્રાપ્ત થતો રહે છે.
આ ઉપરાંત અહીં ગરીબ દર્દીઓનું નિઃશુલ્ક નિદાન કૅમ્પ નું પણ આયોજન કરવામાં આવે છે. જાણીતા ડોકટરોની મદદ લઇ આવા દર્દીઓનું ચેક અપ કરી વિનામૂલ્યે દવાઓ પણ આપવામાં આવે છે. થેલેસેમિયા ગ્રસ્ત બાળકોના સહયોગ માટે અવાર નવાર અહીં બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવે છે. આપણી ગાય માતાની સેવા થાય એ હેતુથી અહીં ગૌ શાળા પણ ચલાવવામાં આવે છે. આ ગાયોનું દૂધ બહાર ક્યાંય વેચવામાં નથી આવતું. પરંતુ અહીં છાત્રાલયમાં રહેતા ઋષિકુમારો માટે ઉપયોગમાં લેવાય છે. આસપાસ ના ગામોના કોઈ પણ વ્યક્તિ મૃત્યું પામે તો અંતિમક્રિયા માટેની તમામ સામગ્રી વિના મૂલ્યે પુરી પાડવામાં આવે. આ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શિક્ષણ સહાય, કુદરતી આપત્તિમાં સહાય એમ અનેક રીતે સમાજ સેવાના કાર્યોથી આશ્રમ ધમધમે છે.
             આખી દુનિયા દેવ ભાષા સંસ્કૃતની દીવાની છે. જર્મની જેવા દેશોની યુનિવર્સિટીઓ સંસ્કૃત ભાષા પર અનેક સંશોધન હાથ ધર્યા છે ત્યારે સમસ્ત ભારતીય સમાજ અને સરકાર પોતાની ભવ્ય વિરાસત સમી આ દેવ ભાષા સંસ્કૃતના સંવર્ધનમાં જાણે કોઈ રસ જ નથી. આ ટ્રસ્ટ દ્વારા ચાલતી સંસ્કૃત પાઠશાળાને અનુદાનિત શાળાની મંજુરી માટે અનેક પ્રયત્નો કર્યા પરંતુ સરકારને જાણે સંસ્કૃત અને સંસ્કૃતિ માં જાણે કોઈ રસ જ નથી.
            આશ્રમનો આ તમામ ખર્ચ દાતા શ્રીઓના દાન પર નિર્ભર છે. સરકાર શ્રી તરફની કોઈ અનુદાન મળતું નથી. અરવલ્લીના અંતરિયાળ વિસ્તારોમાં આવું ભગીરથ સેવા કાર્ય કરતી સંસ્થાઓને જો યોગ્ય મદદ મળે તો છેક છેવાડાના વ્યક્તિ સુધી પહોંચી શકાય તેમ છે.
            શ્રીકૃષ્ણાશ્રમ દ્વારા કરવામાં આવતા સમજોપયોગી સેવા કાર્યોને કોટી કોટી વંદન. 

લેખન - :ઈશ્વર પ્રજાપતિ 
(આપના પ્રતિભાવ નીચે આપેલ whatsapp નંબર પર લખી મોકલી શકો છો )
(98251 42620)

નોંધ:- મિત્રો બ્લોગની લિંક આપ શેર કરી શકો છો પરંતુ મિત્રો મારા બ્લોગના આર્ટિકલ્સને પોતાના નામે ચડાવી વાયરલ કરવાનો અવિવેક ન કરવા વિનંતી.

Thursday, August 1, 2019

વ્યક્તિ વિશેષ : જશુભાઈ શાહ (મીઠાવાળા)


સેવા, સાદગી અને સમર્પણનું સરનામું જશુભાઈ શાહ (મીઠાવાળા)


                જશુભાઈ મીઠાવાળા.

               અરવલ્લી અને આસપાસના શહેરી વિસ્તારોમાં બહુ ઓછા લોકો આ નામથી કદાચ પરિચિત હશે. પરંતુ અરવલ્લીના તેમજ દાહોદ, ગોધરા, દેવગઢબારીયા જેવા અંતરિયાળ વિસ્તારોમાં અનેક પડકારો વચ્ચે જિંદગી સામે ઝઝૂમી રહેલી ગરીબ વિધવા, વૃદ્ધાઓ અને વિકલાંગો  માટે જશુભાઈ મીઠાવાળા ભગવાનનું બીજા રૂપ સામાન છે. આ મસ્ત ફકીરે વિધવાઓ, ત્યકતાઓ, વૃદ્ધોની સેવામાં પોતાનું આખું જીવન ખર્ચી નાખ્યું છે. કોઈપણ જાતના પદ, પ્રતિષ્ઠા કે માન-સન્માનની અપેક્ષા વગર આ અલગારી માણસે સેવાકાર્ય માટે પોતાની આખી જાત ઘસી નાખી છે. છેલ્લા સાડા ત્રણ દાયકાથી આ તપસ્વી પુરુષે ગરીબોની સેવાનું અનોખું તપઆદર્યું છે. જશુભાઈ મીઠાવાળા એટલે જાણે કે હરતી-ફરતી એક આખી સંસ્થા જ જોઈ લો!
                   અત્યંત નાજુક આર્થિક પરિસ્થિતિમાં તેઓનો ઉછેર થયો. પિતાજી ચંદુલાલ કેન્સરની જીવલેણ બીમારીમાં સપડાયા અને મૃત્યું પામ્યા. જીવનમાં અનેક હડમારીઓનો સામનો કરવો પડ્યો. નબળી આર્થિક સ્થિતિને પરિણામે પોતાના જીવનમાં પડતી મુશ્કેલીઓમાંથી જ પ્રેરણા લઈ અંતરિયાળ ગામડાઓમાં વસતા ગરીબ પરિવારોની સેવા કરવાનો નીર્ધાર કર્યો. અને નિઃસ્વાર્થ ભાવે સેવાનો ભેખ ધરી નીકળી પડ્યા. મોડાસા માર્કેટમાં પોતાનો મીઠાનો ધંધો. મહિનામાં થોડા દિવસો દુકાન બેસતા. પોતાના ઘરના ઘર ખર્ચ જેટલી કમાણી કરી બાકીના દિવસો સમાજસેવા માટે માટે ખર્ચી નાખ્યા. 
                 જશુભાઈ મીઠાવાળા ગુજરાતના અંતરિયાળ ગામડાઓમાં છેલ્લા 35 વર્ષથી ફરે છે. ગામડાની ગલીએ ગલીઓ ખૂંદીને ગરીબ, નિઃસહાય, અપંગ લોકો કે જેઓને બે ટંકનું ભોજન પણ નસીબ થતું નથી. તેવા લોકોને શોધી તેમની યાદી તૈયાર કરે છે. આવા લોકોની શોધખોળ માટે એક જ ગામમાં તેઓને 10 થી 15 વાર જાય છે. પગે ચાલીને ગામની શેરી, મહોલ્લા, પોળોમાં ઘરે ઘરે જઈ ખરેખર જરૂરિયાત વાળા લોકોને મળે છે. અને તેઓને બનતી તમામ મદદ પહોંચાડવાનું ભગીરથ કાર્ય જશુભાઈ મીઠાવાળા કરે છે. 
                  અંતરિયાળ ગામડાઓમાં વસતા આ ગરીબ પરિવારોની હાલત જોતાં પથ્થર દિલ માણસનું હૃદય પણ પીગળી જાય. દિલ દ્રવી ઊઠે છે. ભારતીય સમાજ રીતસરના બે વર્ગોમાં વહેંચાઈ ગયો છે. એક વર્ગ પાસે બેસુમાર ધન દોલત છે. તેઓની સાત-સાત પેઢી આલીશાન મહેલોમાં નિરાંતે બેસીને ખાય તો પણ તેઓની સંપત્તિ ખૂટે તેમ નથી. તો આપણા સમાજની બીજી વરવી બાજુ એ છે કે કેટલાક લોકો દારુણ ગરીબીમાં સબડી મરવાના વાંકે નરક સમાન જિિંદગી જીવવા બાજબૂૂૂર  છે. બે ટંક પેટ ભરીને જમવા નથી મળતું. રહેવા માટે ઘર નથી. સુવા માટે બિસ્તર નથી. ઉપર ધરતી, નીચે આકાશ!! નિઃસંતાન વૃદ્ધ દંપતી નિરાધાર છે. અપંગો પાસે આવકનો કોઈ સ્ત્રોત નથી. આવા અનેક નિરાધાર અને નિઃસહાય પરિવારો સાથે જિંદગી એ ક્રૂર મજાક કરી છે. અને આપણો કહેવતો સભ્ય સમાજ ખૂબ જ સહજતાથી નજરઅંદાજ કરતો રહ્યો છે. ત્યારે આવા સેંકડો પરિવારોને બે ટંકનું ભોજન ઉપલબ્ધ કરાવવા નિમિત્ત બન્યા છે જશુભાઈ મીઠાવાળા. નિરાધાર નો આધાર અને નિઃસહાયનો આશરો બન્યા છે જાશુભાઈ મીઠાવાળા. 
                    જે ગામમાં અત્યંત ગરીબ, નિરાધાર, અને નિઃસહાય પરિવારો રહેતા હોય તે ગામના આગેવાનો અને ગ્રામજનો સાથે જશુભાઈ મિટિંગ કરે છે. ગામના સજ્જનોને વિનંતી કરી આવા પરિવારોને બે ટંક ભોજન મળે એની વ્યવસ્થા ઊભી કરવા સમજાવે છે. જે તે ગામની વિધવા મહિલાઓ રસોઈ બનાવવા સક્ષમ હોય તેવી મહિલાઓ ની મદદ લઈ તે જ ગામમાં અન્નક્ષેત્ર શરૂ કરવામાં આવે છે. ગામના સજ્જન નાગરિકોની મદદ લઈ જરૂરિયાત ના વાસણો અને બીજી તમામ વ્યવસ્થા ઉભી કરવામાં આવે છે. આ અન્નક્ષેત્રમાં સૌથી પહેલો ફાળો જશુભાઈ નોંધાવે છે. અત્યાર સુધી ગુજરાતના છેક છેવાડાના 16 અંતરીયાળ ગામડાઓમાં અન્નક્ષેત્ર ચાલું કર્યા છે. જેમાં અરવલ્લી જિલ્લાના ગામો ઉપરાંત દાહોદ, ગોધરા, લુણાવાડા અને દેવગઢ બારીયા વિસ્તારનાં ગામડાઓનો સમાવેશ થાય છે. આ તમામ ગામોમાં અન્નક્ષેત્ર ચાલું કરી એ નિયમિત ચાલે એની દેખરેખ પણ તેઓ રાખે છે. અને આ તમામ અન્નક્ષેત્રમાં મહિનાની હજ્જારો કિલો શાકભાજી તેઓ જાતે પહોંચાડે છે. 
               સાવ સદા વસ્ત્રોમાં ફરતા આ સંત પુરુષ જશુભાઈની દિનચર્યા સવારે 3:00 વાગે શરૂ થાય છે. મોડાસાના મોટા શાક માર્કેટમાંથી 2000 થી 3000 કિલો શાકભાજી ખરીદે છે. ત્યાંથી શાકભાજી ના થેલા ભરી બસ સ્ટેશને જઈ. સરકારી બસોમાં મુસાફરી કરી અન્નક્ષેત્રના ગામોમાં શાકભાજી અને બીજી જરૂરિયાતોની સામગ્રી પહોંચાડે છે. જ્યાં બસ જઈ શકતી ન હોય તેવા વિસ્તારોમાં જશુભાઈ ખભે થેલા મૂકી ઉબળ ખાબડ રસ્તાઓ પર ચાલતા જે તે ગામ પહોંચે છે. અનેક હડમારીઓ વેઠીને પણ તેઓ ભૂખ્યા સુધી ભોજન પહોંચાડે છે. 
               આ ઉપરાંત દાતાઓના સહયોગ લઈ કેટલાક વિકલાંગ લોકોને ટ્રાઇસિકલ, કૃતિમ પગ, વીલ ચેર જેવાં સાધનો તેઓ ઉપલબ્ધ કરાવે છે. જાશુભાઈના પ્રયત્નોથી બાળપણમાં પોલિયોથી વિકલાંગ બનેલા અને ચાલી ન શકતા કેટલાય વિકલાંગોને વિનામૂલ્યે ઓપરેશન કરાવી ચાલતા કર્યા છે. સેંકડો ગરીબ વૃદ્ધોને નિઃશુલ્ક મોતીયાના ઓપરેશન કરાવી આપી નવી દૃષ્ટિ પ્રદાન કરી છે. આવા નિરાધાર દર્દીઓને સાથે તેઓ જાતે હોસ્પિટલ જાય છે. દર્દીઓની તમામ સેવા સુશ્રુસા પણ કરે છે. 
                દિવાળી જેવા સમયે દાતા શ્રીઓના સહયોગ થકી લાખો ના કપડાં ખરીદી ગામડે ગામડે ફરી જરૂરિયાતમંદ લોકો સુધી નવા નક્કોર કપડાં તેઓ પહોંચાડે છે. શિયાળો આવતાં ધાબળા અને સ્વેટરનું પોટલું લઈ નીકળી પડે છે. કડકડતી ઠંડીમાં ઉગાડાં શરીરે ફરતાં જરૂરિયાતમંદોમાં તે વહેંચી આવે છે. ચોમાસું આવતાં છત વિનાના પરિવારો માં તાડપત્રીનું વિતરણ પણ તેઓ કરે છે. 
                માણસ અમીર હોય કે ગરીબ તેની અંતિમ ક્રિયા સન્માન પૂર્વક થવી જોઈએ. એ વિચારે અનેક ગામોમાં સ્મશાન માટે અંતિમક્રિયા માટે શ્રીફળથી લઈ લાકડાં સુધીની તમામ સામગ્રી તેઓ વિના મૂલ્યે ઉપલબ્ધ કરવે છે. 
              સમાજમાં રહેલી અસમાનતા દૂર થાય. યુવાનો વ્યસન મુક્ત બને, નિરાધાર ને સહારો મળે એ આશયથી એકલા હાથે જન જાગૃતિનું અભિયાન ચલાવે છે. શાળા કોલેજોમાં જઈ યુવાન યુવતીઓ સાથે સંવાદ કરે છે. અને વ્યસન મુક્તિ માટે સમજાવે છે. વૃદ્ધાશ્રમ એ ભારતીય સંસ્કૃતિ માટે કલંક રૂપ છે. વૃદ્ધ માતા પિતાની સેવા માટે યુવા પેઢીને સમજાવે છે. અત્યાર સુધીમાં 300 ઉપરાંત શાળા કોલેજોમાં વ્યાખ્યાન આપી ચુક્યા છે. ગુજરાતભરની અનેક સેવાભાવી સંસ્થાઓ, વૃદ્ધશ્રમો ચેરમેન અને ટ્રસ્ટી તરીકે માનદ સેવાઓ તેઓ આપી રહ્યા છે. રાજેન્દ્રનગર કૃષ્ઠ યજ્ઞ જેવી સંસ્થામાં તેઓ છેલ્લાં 25 વર્ષથી નિઃસ્વાર્થ ભાવે સેવાઓ આપે છે. 
              સેવાના ભેખધારી આ ઓલિયા માણસ પ્રામાણિકતાની પ્રેરણામૂર્તિ છે. સેંકડો દાતાઓ વર્ષે દહાડે ગરીબોની સેવા માટે કારોડોનું દાન આપે છે. જાશુભાઈને લોકો વગર પહોંચે પૈસા આપે છે. એમ છતાં સંપત્તિ માટે તેઓ નિર્લેપ રહ્યા છે. શ્રેષ્ઠીઓ પાસે થી દાન મેળવી ગરીબોની સેવા પાછળ પોતાની આખી જિંદગી ખર્ચી નાખનાર જશુભાઈની આર્થિક સ્થિતિ આજે પણ અત્યંત નાજુક છે. નથી કોઈ સંપત્તિ કે નથી કોઈ બેન્ક બેલેન્સ. મોડાસાના નાગરિક બેન્કના ખાંચામાં એક જુના પુરાણા બે ઓરડા વાળા સામાન્ય મકાનમાં તેઓ રહે છે. જીવન જરૂરિયાતની પૂરતી ચીજ વસ્તુઓ પણ તેઓના ઘરમાં નથી. 
              65 વર્ષની ઉંમરે પહોંચેલા જશુભાઈ તેઓની પત્ની સાથે આ મકાનમાં રહે છે. છેલ્લા દિવસોમાં અકસ્માત થતાં પગે ગંભીર ઇજાઓ થતાં ચાલવામાં પણ મુશ્કેલી પડે છે. એમ છતાં મદદ માટે કોઈનો પણ ફોન આવે તો તેઓ દોડી જાય છે. છેલ્લાં કેટલાંય વર્ષો થી પગમાં ચપ્પલ નથી પહેર્યા. પરોપકાર માટે ઉઘાડા પગે પગપાળા આખી જિંદગી ચાલ્યા જ કર્યું છે. વૃદ્ધાવસ્થા આરામ પુર્વક પસાર થઈ શકે એ માટે કોઈ જ બચત પણ કરી નથી. દાતાઓ દ્વારા એક હાથે જે મળ્યું તે બીજા હાથે ગરીબોની સેવામાં ખર્ચી નાખ્યું. 
સરકાર કે સમજે આ વ્યક્તિએ કરેલાં કાર્યોની જોઈએ તેટલી નોંધ પણ લીધી નથી. એમ છતાં કોઈપણ જાતના માન સન્માનની અપેક્ષા વગર જ સેવાને જ પોતાનો ધર્મ બનવી આજીવન મથતા રહ્યા છે. આશીર્વાદ એજ્યુકેશન ટ્રસ્ટ અમદાવાદ દ્વારા રાજ્યપાલના હસ્તે તેઓનું સન્માન કરવામાં આવ્યું . 
               જયાં સરકાર કે બીજી સમાજિક સંસ્થાઓ પણ ન પહોંચી શકી ત્યાં આ એકલવીર પહોંચ્યો છે. અનેક ગરીબો પીડિતોની જિંદગીમાં પરિવર્તન લાવવા માટે નિમિત્ત બન્યા છે. સમાજની સેવા કરવા ભગવાં વસ્ત્રો ધારણ કરવાં જરૂરી નથી. સદા વસ્ત્રોમાં પણ સંતનું કામ એક સામાન્ય માણસ કરી શકે છે. 
             જીવનભર હડમારીઓ વેઠી માત્રને માત્ર ગરીબોની સેવા પાછળ જિંદગી ખર્ચી નાખનાર સેવાના ભેખધારી જશુભાઈ મીઠાવાળા વૃદ્ધાવસ્થામાં સન્માન પૂર્વક, કોઈ પણ જાતની આર્થિક કટોકટી વિના જીવી શકે એ જોવું આપણી સામાજિક સંસ્થાઓ અને આપણા સૌની સહિયારી જવાબદારી છે. 
              અરવલ્લીના આ માનવ રત્નને કોટી કોટી વંદન.


 (આવી જ વિરલ વ્યક્તિ વિશેની રસપ્રદ વાતો જાણીશું આવતા ગુરુવારે...)   

લેખન : ઈશ્વર પ્રજાપતિ
આપ આપના પ્રતિભાવ નીચેના whatsapp no. પર લખી મોકલી શકો છો.
(98251 42620)

નોંધ:- મિત્રો બ્લોગની લિંક આપ શેર કરી શકો છો પરંતુ  બ્લોગના આર્ટિકલ્સને પોતાના નામે ચડાવી વાયરલ કરવાનો અવિવેક ન કરવા વિનંતી

સન્ડે સ્પેશિયલ

  ‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા    જોઈએ.” :    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.       સાવ સા...

Popular Posts