Monday, August 12, 2019

આપણો જિલ્લો, આપણું વતન અરવલ્લી ભાગ - 28

અરવલ્લીની ઓળખ સમી અનોખી સેવાકીય સંસ્થા - 3 જય અંબે મંદબુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ


              સંવેદનાની સરવાણીનું નવું સરનામું. 
              જય અંબે મંદબુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ 
આજથી માત્ર દોઢ વર્ષ પહેલાં સ્થપાયેલ જય અંબે મંદબુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ બાયડ અનેક બિનવારસી મંદબુદ્ધિ ધરાવતી માહિલાઓ માટે આજે સુખનું સરનામું બન્યું છે. અરવલ્લી જિલ્લાના બાયડ તાાળુંકાના મુુુય મથકે આ સંસઆ આ સંસ્થા વિશે બહુ ઓછા લોકો જાણતા હતા. પરંતુ થોડા સમય પહેલા પદ્મશ્રી દેવેન્દ્ર પટેલ ની જાણીતી કોલમ કભી કભી માં સંસ્થા વિશે નો સુંદર આર્ટિકલ પ્રસિદ્ધ થયો જેના કારણે આ સેવા કાર્યની સૌરભ ખૂણે-ખૂણે વિસ્તરી અને સંવેદનાની સરવાણી નો જાણે ધોધ વહ્યો.
                ક્યા આવેલો છે આ આશ્રમ?? કેવી રીતે થઈ આશ્રમની સ્થાપના ?? કોણ મેળવી રહ્યું છે અહીં આશ્રય ?? નર્કાગારમાં સબળતી કોઈ મહિલા માટે આપનો અંગુલીનિર્દેશ બદલી શકે છે એ મહિલાની જિંદગી.
                 થોડા વર્ષ પહેલા ની વાત છે. સાંજનો સમય છે. બાયડ બસ સ્ટેન્ડ ની પાસે એક ટોળું એકત્ર થયું છે. અસ્થિર મગજની કોઈ મહિલા ઉપર એ ટોળું ક્રુર બની પથ્થર વરસાવી રહ્યું છે. આ ટોળાનો કોલાહલ સાંભળી બસ સ્ટેન્ડ પાસે કડલી ની દુકાન ધરાવતા અશોકભાઈ જૈન ત્યાં પહોંચે છે. મંદબુદ્ધિ ધરાવતી મહિલાની દયનીય સ્થિતિ જોઈ તેવું હૃદય દ્રવી ઉઠ્યું. તેઓ ટોળાને વિખેર્યું. લોહી લુહાર મહિલાની સારવાર કરાવી. અને એ દિવસથી મન માં ગાંઠ વાળી કે આવી બિનવારસી કે જેનો કોઈ પરિવાર નથી કોઈ સગુ-વ્હાલું નથી એવી અસ્થિર મગજની મહિલાઓની સેવા કરવી. અને આવી મહિલાઓ પર થતા અત્યાચારો અટકાવવા. એ દિવસથી અશોકભાઈ જૈન અને તેઓના પરગજુ મિત્રો જબ્બર સિંહ રાજપુરોહિત, વિશાલભાઈ પટેલ, વિજયભાઈ પટેલ, મુકેશભાઈ લુહાર અને બીજા મિત્રો સાથે મળી એક અભિયાન ઉપાડ્યું. મંદબુદ્ધિ ધરાવતી બિનવારસી આસપાસ જે કોઇ વ્યક્તિ મળી આવે તો તેને પાલીતાણા ખાતે આવેલ મંદબુદ્ધિના વ્યક્તિઓ માટેના આશ્રમમાં પહોંચાડવાની તેઓ વ્યવસ્થા કરવા લાગ્યા. એ સમય દરમિયાન હિંમતનગર શામળાજી હાઇવે પર રાજેન્દ્ર નગર ખાતે આવેલ સહયોગ કુષ્ઠયજ્ઞ સંસ્થાની મુલાકાત લીધી. ત્યાં પણ રક્તપિત્ત ગ્રસ્ત અને મંદબુદ્ધિ ધરાવતા વ્યક્તિઓની સેવા સુશ્રુષા થતી જોઈ સેવા માર્ગે આગળ વધવાની ઈચ્છા પ્રબળ બની.
                 અને હવે આસપાસના વિસ્તારમાંથી મળી આવતા બિનવારસી મંદબુદ્ધિ ધરાવતી મહિલાઓને પાલીતાણા પહોંચાડવાની જગ્યાએ બાયડ ખાતે જ એક આશ્રમ સ્થાપવાનું નક્કી કર્યું. આશ્રમ સ્થાપવા માટે ફરી મિત્રોની મદદથી મહામહેનતે ભાડાની જગ્યા શોધી કાઢી. શરૂઆતમાં સાડા છ લાખ રૂપિયાનું દેવું કરી આશ્રમ માટે પાયાની માળખાકીય સુવિધાઓ ઊભી કરી. અને આખરે સપ્ટેમ્બર ૨૦૧૭ ના રોજ જયઅંબે મંદબુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ બાયડ ની સ્થાપના કરી. જેમાં સેવાભાવી ટ્રસ્ટીઓ કોઈપણ જાતના સ્વાર્થ વગર પોતાની નિશુલ્ક સેવાઓ આપે છે. 
              મંદબુદ્ધિ ધરાવતી બિનવારસી દિવ્યાંગ બહેનો ફુટપાથ ઉપર નરક સમાન, પશુ કરતાં પણ બદતર જિંદગી પસાર કરતી આપણે જોઈ શકીએ છીએ. ફુટપાથ ઉપર આશ્રય લેતી આવી નિરાધાર અનેક મહિલાઓ હેવાનો ની હવસનો શિકાર બનતા સમાચારો અવાર-નવાર અખબારમાં પ્રસિદ્ધ થતા રહે છે ત્યારે હૈયામાં એક ચીસ ઉઠે છે. શારીરિક શોષણના ભય સાથે દયનીય પરિસ્થિતિમાં જીવન વિતાવતી અનેક મહિલાઓ માટે જયઅંબે મંદબુદ્ધિ મહિલા સમાજ સેવા આશ્રમ સુખનું સરનામું બન્યું. ફૂટપાથ, બસસ્ટેન્ડ કે કોઈ ધાર્મીક સ્થાનોએ આવી વ્યક્તિઓ નિવાસ કરતી હોય છે.આવી વ્યક્તિઓ પોતાના પેટની આગ ઠારવા ની વ્યથા કોઈને કહી શકતા નથી દિવસોના દિવસો ભૂખ્યા અને તરસ્યા તરફ ફર્યા કરતા હોય છે ત્યારે કહેવતો આપણો સભ્યસમાજ તેઓને એક ધૃણાની નજરે જુએ છે. આવી વ્યક્તિનો દેખાવ તેમના શરીરમાંથી આવતી દુર્ગંધ સામાન્ય માણસમાં સૂગ પેદા કરે છે. . ત્યારે અશોકભાઈ જૈન તેમના મિત્રો દ્વારા ચાલતી આ સંસ્થા આવી વ્યક્તિઓને શોધી તેઓને નવડાવી ધોવડાવી સ્વચ્છ કપડાં પહેરાવી કાયાપલટ કરે છે. સન્માનપૂર્વક જીંદગી જીવવાની એક નવી આશા તેમનામાં પ્રગટાવે છે. વ્યક્તિને નવી ઓળખ આપે છે
                   દોઢ વર્ષ પહેલા ત્રણ બહેનો થી શરૂ થયેલા આ આશ્રમમાં આજે ૧૦૪ બહેનો આશ્રય લીધો છે. 18થી 80 વર્ષ વચ્ચેની ઉંમરની આ મહિલાઓ છે. ગુજરાતના કોઈપણ ખૂણેથી આ સંસ્થાને સમાચાર મળે કે કોઈ અસ્થિર મગજની મહિલા કોઈ જગ્યાએ છે તો અશોકભાઈ અને તેઓના મિત્રો પોતાની કાર લઈ ત્યાં પહોંચી જાય છે અને એ મહિલાને આશ્રમમાં લાવે છે. ધનસુરા રેલવે ફાટક પાસેથી હાથમાં કિડા પડેલી હાલતમાં મળેલ બિનવારસી મંદબુદ્ધિ ના વ્યક્તિની મિત્રો દ્વારા છ મહિના સુધી સેવા કરવામાં આવી. કઠલાલ બસ સ્ટેશન ના જાહેર સોચાલય પાછળ જેના પગમાં ગેગરીન થયેલા તેવા નિર્વસ્ત્ર હાલતમાં મળેલ મંદબુદ્ધિના યુવકનું ટ્રસ્ટ દ્વારા ખાનગી હોસ્પિટલમાં સફળ ઓપરેશન કરાવી પૂરતી કાળજી લેવામાં આવી હતી. ડાકોર મંદિર વિસ્તારમાંથી હાથમાં કીડા પડે હાલતમાં મળેલ બિનવારસી મંદબુદ્ધિ ના વ્યક્તિની ટ્રસ્ટના મિત્રો દ્વારા ચાર મહિના સુધી સારવાર કરી હિંમતનગર આશ્રમમાં આશ્રય આવ્યો. સાઠંબા પાસે તલોદ પાટીયા ની બાજુમાં થી પગ માં કીડા પડેલ હાલતમાં મળેલ મંદબુદ્ધિની મહિલાના પગ ની સારવાર કરાવી આ જ આશ્રમમાં આશ્રય આવ્યો. આવા તો અનેક વ્યક્તિઓના જીવનમાં કાયાપલટ કરવા માટે આ સંસ્થા નિમિત્ત બની છે. 
           આ આશ્રમની બહેનોને તબીબી સારવાર માટે અહીંના સ્થાનિક હોસ્પિટલ ના જાણીતા ડોક્ટર મિનેશ ગાંધી નો સંપૂર્ણ સહયોગ સાંપડે છે તેઓએ અત્યાર સુધી છ જેટલા ઓપરેશન નિશુલ્ક કરી આપ્યા છે. તદુપરાંત બાયડના CSC ના ડોક્ટર જતીન દવે વાત્રક હોસ્પિટલ અને હિંમતનગર ની હેત હોસ્પિટલ ના ડોક્ટર ભાવિક શાહ પણ આ સેવાયજ્ઞમાં પોતાની આહુતિ આપી રહ્યા છે. 
           મહિનાના એક રવિવારે અમદાવાદ થી સાઈક્રિટીક બોલાવી આ મહિલાઓની તબીબી ચેકઅપ કરાવવામાં આવે છે. આશ્રમમાં રહેતી મહિલાઓને પ્રેમ હોમ લાગણી અને માનસિક રોગો ની સારવાર મળતાં અનેક મહિલાઓ ની યાદદાસ્ત પાછી આવતા પરિવાર સાથે તેઓનું પુનઃ મિલન શક્ય બન્યું છે. રાજસ્થાન છત્તીસગઢ ઉત્તર પ્રદેશ તમિલનાડુ કર્ણાટક પશ્ચિમ બંગાળ જેવા વિવિધ રાજ્યોની મહિલાઓ અહીં આશ્રય લઈ રહી છે. જુદી જુદી ભાષાઓમાં બોલતી મહિલાઓની વાતો સમજી પણ શકાતી નથી. ભલે તેમની ભાષા સમજી નથી શકાતી પરંતુ તેમના ચહેરા પરના ભાવ સ્પષ્ટ વાંચી શકાય છે તમામ મહિલાઓએ પોતાના ઘરે પરત ફરવું છે. ક્યાં હશે તેઓનો પરિવાર કોઈ નથી જાણતું. વાતાવરણમાં થોડીવાર હાસ્ય, થોડીવાર રુદન અને પછી ચિર શાંતિ પથરાઈ જાય છે .આવી પરિસ્થિતિમાં જુદી જુદી ભાષાના જાણકારોની મદદ લઈ તેઓ સાથે વાર્તાલાપ કરી તેઓના વતન સુધી પહોંચાડવાનું પ્રયત્ન કરવામાં આવે છે. અત્યાર સુધી આવી 66 મહિલાઓને પોતાના પરિવાર સાથે મિલન માનવતાનું અજોડ કાર્ય કર્યું છે. 
આશ્રમમાં રહેતી બહેનો માટે બે ટાઇમ ચા-નાસ્તો,સાત્વિક ભોજન, મેડિકલ ચેકઅપની અદ્યતન સુવિધાઓ વિકસાવવામાં આવી છે. મંદબુદ્ધિની મહિલાઓ હોય એટલે સ્વાભાવિક રીતે જ તેમની દહી ક્રિયાઓનું ભાનસાન તેમને હોતું નથી તેથી તેમની યોગ્ય સાફ-સફાઈ માટે ૧૧ જેટલા વ્યક્તિઓનું સ્ટાફ અહીંયા 24 કલાક ખડેપગે સેવા બજાવે છે. આશ્રમની સ્વચ્છતા ઉડીને આંખે વળગે તેવી છે. 
                 સંસ્થાના પ્રમુખ અશોકભાઈ પોતે દુકાનદાર છે પરંતુ સવારે દુકાને જતા પહેલા આશ્રમની અચૂક મુલાકાત લે છે આશ્રમની વ્યવસ્થા ચકાસે છે મહિલાઓના વ્યક્તિગત ખબર અંતર પૂછે છે. તમામના નામ તેમને મોઢે છે. કઈ મહિલા ને શું તકલીફ છે તેની બારીક સમજણ પણ તેમને કેળવી છે દરેક મહિલાને તેઓ નામથી પુકારે છે. અને આમ મંદબુદ્ધિ કહેવાતી મહિલાઓ અશોકભાઈને જોઈ જાણે પોતાનો ભાઈ મળવા આવ્યો હોય એવું વહાલ અશોકભાઈ પર વરસાવે છે અને ગેલમાં આવી તેઓની સાથે મસ્તીએ ચઢે છે. પોતાના સઘળા દુઃખ દર્દો તેઓ વિસરી જાય છે. 
            અલગ-અલગ ધર્મો પાળતી મહિલાઓ અહીં વસે છે. આકસ્મિક સંજોગોમાં કોઈ મહિલાનું અહીં મૃત્યુ થાય તો જે તે ધર્મ પ્રમાણેની તેમની ધાર્મિક વિધિ પ્રમાણે મોતનો મલાજો જળવાય તેવી રીતે આદરપૂર્વક અંત્યેષ્ટિ ક્રિયા કરવામાં આવે છે. તદુપરાંત આસપાસના પંથકમાંથી બિનવારસી કોઈ લાશ મળી આવે તો પોલીસ આ સંસ્થાનો સંપર્ક કરે છે. અને આ સંસ્થા આવી બિનવારસી લાશનુ પણ આદરપૂર્વક અંત્યેષ્ટિ ક્રિયા કરે છે. અત્યાર સુધી આવી 14 બિનવારસી વ્યક્તિઓની અંત્યેષ્ટિ ક્રિયા સંસ્થાએ કરી છે.
                આ આશ્રમ ચલાવવાનું માસિક ખર્ચ આશરે બે લાખ સુધી પહોંચ્યો છે. આ ખર્ચનો સંપૂર્ણ આધાર સમાજ માત્ર છે. સરકારશ્રી તરફથી કોઈ આર્થિક સહયોગ પ્રાપ્ત થતું નથી. સરકારશ્રી તરફથી વ્યક્તિદીઠ મહિને 10 કિલો ઘઉં ની સહાય માત્ર મળે છે. આટલા માતબર ખર્ચ થતો હોવા છતાં આજ સુધી પાવતી કે ચિઠ્ઠી લઇ બજારમાં ફાળો કરવા માટે જતા નથી. સ્વેચ્છાએ દાતાઓ આશ્રમમાં આવી યથા યોગ્ય દાન લખાવી જાય છે. કોઈ સ્વજન નો જન્મદિવસ હોય કે પોતાના સ્વજનની પુણ્યતિથિ હોય ત્યારે આસપાસના લોકો અહીં આવી આશ્રમવાસીઓને તિથી ભોજન આપી ધન્યતા અનુભવે છે. 
            અશોકભાઈ તથા સંસ્થાના ટ્રસ્ટીઓ નું કહેવું છે કે ખૂબ થોડા સમયમાં ગુજરાતના કોઈ રસ્તાઓ ઉપર આવી કોઈ મહિલા જોવા મળશે નહીં એક તમામ મહિલાઓ ને અમે અમારી સંસ્થામાં આશ્રય આપીશું અને તેઓને ગૌરવભેર જીવન જીવી શકે તેવી વ્યવસ્થા સમાજના સહયોગ થકી અમે પૂરી પાડીશું.
             આપ પણ જ્યારે બિનવારસી મંદબુદ્ધિ ના વ્યક્તિને જુઓ તો સૌપ્રથમ પાણી આપી આસપાસથી ખાવાની વસ્તુ લઈ તેમને આપવી અને આશ્રમ સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરશો. અથવા સરકારશ્રી તરફથી ચાલતી 181 મહિલા અભયમ સરકારી હેલ્પલાઇન પર સંપર્ક કરશો. 
                 કમોતે મરવાની રાહ જોતી આવી મંદબુદ્ધિ ધરાવતી મહિલાઓને સમાજની મુખ્ય ધારામાં પ્રવેશ વાલાયક બનાવવાથી લઇને જિંદગીમાં માણસ હોવાનો અહેસાસ કરવાનું એક સ્તુત્ય પ્રયાસ અહીં થઇ રહ્યો છે. જોખમ, સાહસ,હિંમત અને અનેક પડકારો ભરેલું આ કાર્ય છે જેને અહીં અશોકભાઈ જૈન અને તેમના મિત્રોની ટિમ દ્વારા સુપેરે ચલાવવામાં આવે છે. ભવિષ્યમાં આ સંસ્થા સમાજની પીડિત દુઃખી ટ્રસ્ટ મહિલાઓ માટેનું સુખનું સરનામું બની રહે તેવી હૃદયપૂર્વકની શુભેચ્છાઓ.

(સંદર્ભ :કભી કભી)
લેખન - :ઈશ્વર પ્રજાપતિ 
(આપના પ્રતિભાવ નીચે આપેલ whatsapp નંબર પર લખી મોકલી શકો છો )
(98251 42620)

નોંધ:- મિત્રો બ્લોગની લિંક આપ શેર કરી શકો છો પરંતુ મિત્રો મારા બ્લોગના આર્ટિકલ્સને પોતાના નામે ચડાવી વાયરલ કરવાનો અવિવેક ન કરવા વિનંતી.

2 comments: