Thursday, August 22, 2019

વ્યક્તિ વિશેષ : મોતીભાઈ નાયક

વિસરાતી જતી વિરાસતના પ્રહરી શિક્ષક-લોકશિક્ષક 

શ્રી મોતીભાઈ નાયક 


                   મોતીભાઈ નાયક.
                એવા એક લોક શિક્ષક કે જેઓ પર આખું ગુજરાત ગૌરવ લઈ શકે. શિક્ષકની નોકરી પર્યંત પોતે હસ્તગત કરેલી આગવી કળાઓ થકી કેળવણી ક્ષેત્રે અનેક કીર્તિમાનો પ્રસ્થાપિત કર્યા. શિક્ષણમંત્રી થી લઈ મુખ્યમંત્રી, રાજ્યપાલ અને ભારતના મહામહિમ રાષ્ટ્રપતિએ પણ મોતીભાઈનું બહુમાન કર્યું છે. મોતીભાઈએ નિવૃત્તિ બાદ પણ પોતાના શિક્ષત્વને મુરજાવા ન દીધું. બલ્કે ઔર ખીલવ્યું. નિવૃતિ બાદ વર્ગખંડની દીવાલોની સીમાઓ ઓગાળી નાખી. વર્ગખંડનો વિસ્તાર સમાજના છેવાડાના જન સુધી વિસ્તર્યો. વારસામાં મળેલી કલા થકી આ લોકશિક્ષક લુપ્ત થતી જતી લોક કલાઓ, કન્યા કેળવણી, લોક સાહિત્ય, લોક બોલીઓ, વિસરાતી જતી ભવાઈ કલાના ભવ્ય વિરાસતના સંવર્ધન માટે તેઓ અવિરત પ્રવૃત છે. 
               શ્રી મોતીભાઈ નાયકનો જન્મ સન 1948માં તરગાળા ભોજક એટલે કે ભવાઈવેશ કરતા કુટુંબમાં થયો હતો. અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં આવેલું સરડોઈ ગામ તેઓનું વતન. માતા પિતા તરફથી કલાનો વારસો મળ્યો. પિતા ભવાઇના પાવરધા કલાકાર અને માતા અરખીબા ભલે નિરક્ષર પરંતુ વાર્તા કલા ગજબની હસ્તગત. પરિણામે કલાના ગુણો મોતીભાઈના લોહીમાં વણાયા. ઘરની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી પ્રાથમિક શિક્ષણ અધવચ્ચે છોડી બાળ મોતીભાઈને મહાલક્ષ્મી નાટક કંપનીમાં જોડાવું પડ્યું. જ્યારે તેઓ ધોરણ 6 માં હતા ત્યારે બાળનટ તરીકે નાટક કંપનીમાં અભિનયના ઓજસ પાથરવાના શરૂ કર્યા. પરંતુ નાટકો દરમિયાન રાત્રીના ઉજાગરા બાળ માણસ કેટલા સહી શકે?? તબિયત બગડતાં શારીરિક નાદુરસ્તીના કારણે નાટક છીડ્યું અને પૂનઃ અભ્યાસ કરવાની તક સાંપડી. માધ્યમિક કક્ષા સુધીનો અભ્યાસ સફળતાપૂર્વક પૂરો કર્યો.
               ભણવામાં તેઓ તેજસ્વી વિદ્યાર્થી એટલે ઓલ્ડ એસ.એસ.સી. બાદ પ્રાથમિક 1968 માં શિક્ષકનો વ્યવસાય સ્વીકાર્યો. બાદ મોતીભાઈ એ હિન્દી સેવક ખંડ-1 રાષ્ટ્રભાષા રત્ન હિન્દી સાહિત્ય સુધાકર સંસ્કૃત વિશારદ ડ્રોઈંગ ઇન્ટરમિડિયેટ પરીક્ષા ઉત્તીર્ણ કરી. ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવતી પીટીસી હિન્દી શિક્ષક સનદ પરીક્ષા ઉત્તીર્ણ કરી નાયક કે તાલીમ માંથી મુક્તિ મેળવી. 
                 શ્રી શ્યામપુર પ્રાથમિક શાળાના પ્રથમ નિમણૂકના પ્રારંભિક દિવસોમાં જ જૂથ સભાઓમાં બાળ ગીતો લોકગીતો ભજન લાલકારતા જીવંતવશિક્ષક મોતીભાઈને બાલ સાહિત્યકાર શ્રી રમણલાલ સોની રાજી થયા. અને આશીર્વાદ પાઠવ્યા. આજે પણ મોતીભાઈ આ પ્રસંગને યાદ કરી કહે છે " શ્રેષ્ઠ શિક્ષક સુધીની આ તમામ સફળતાનો યશ રમણલાલ સોનીના આશિર્વાદને ફાળે જાય છે. "
            છ માસના ટુંકા સમય પછી મોતીભાઈની બદલી મોડાસા તાલુકાની ખંભીસર પ્રાથમિક શાળામાં કરવામાં આવી. આ શાળાના જર્જરિત મકાનની હાલત જોઇએ શાળા માટે કંઈક કરી છૂટવાની ભાવના તેમના મનમાં જાગી. શાળાના મકાનની છતમાંથી ચોમાસામાં કાયમી પાણી ટપકતું હતું. શાળામાં ફક્ત એક જ વર્ગનો હતો. શાળાના આચાર્ય શિક્ષકો એ મનોમન નક્કી કર્યું કે કલાના જીવ મોતીભાઈમાં રહેલી ભવાઈની કલાનો ઉપયોગ શાળા માટે ભંડોળ ઊભું કરવા માટે કેમ ન કરવો !! જૂની રંગભૂમિ અને હોય આધારિત 'મા ભોમની હાકલ' અને 'અધૂરા લગ્ન' નાટકનું આયોજન મોતીભાઈના દિર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું. ગામના યુવાનો દ્વારા નાટક ભજવવામાં આવ્યું ગ્રામજનોએ આ પ્રયાસને બિરદાવ્યો અને પ્રથમ પ્રયાસે જ રૂપિયા 10,000 નું ભંડોળ ઊભું કરવામાં સફળતા મળી. આ સફળતાએ ગ્રામજનોમાં નવી ચેતના પ્રગટાવી. લોકફાળો પણ એકત્ર કરવામાં આવ્યો. શાળાના મકાનનું બાંધકામ હાથ ધરવામાં આવ્યું.
                  ભવાઇ નાટય પ્રકાર આધારિત બીજા નાટકો મોતીભાઈએ લખ્યા. જે નીચેના તેઓના જ દિર્ગદર્શન નીચે યુવાનો દ્વારા ભજવાયા. પરિણામે શાળાના સુંદર ચાર ઓરડાઓ બનાવીશ શકયા. વધુ ભંડોળ એકત્ર કરવાના હેતુથી નાટકો લખવાની પ્રવૃત્તિને વેગ મળ્યો. અને અધિકારીઓ તો આશ્ચર્ય ચકિત હતા. કોઈપણ જાતની સરકારી સહાય વિના એક ક્લાપ્રેમી શિક્ષકે કલાને બળે ચાર ચાર વર્ગખંડનું સુંદર નિર્માણ કર્યું. સૌ અધિકારીઓબે આ પ્રવૃત્તિઓ આકર્ષણ થયું. તેઓએ આ પ્રયાસોની ભારોભાર પ્રશંસા કરી. આજુબાજુના ગામોમાં આવેલી સંસ્થાઓએ પણ નાટક ભજવવા મોતીભાઈને આમંત્રણ આપવા માંડ્યા.
         ખંભીસર ગામમાં શૈક્ષણિક કાર્ય દરમિયાન મોતીભાઈને જણાયું કે ગામમાં શિક્ષણ ભૂખ ખૂબ ઓછી. ખાસ કરીને કન્યા કેળવણી વિશે લોકોમાં ખોટી માન્યતાઓ ઘર કરી ગયેલી. દીકરીઓને કોઈ ભણાવા તૈયાએ નહીં. મોટાભાગના બાળકો ખેતરે અથવા અન્ય મજૂરી કામમાં રોકાયેલા રહેતા હતા. વાલીઓ જીવનના બે છેડા ભેગા કરવામાં જ રચ્યાપચ્યા રહેતા. બહુ જૂજ વાલીઓ શાળા પ્રત્યે ધ્યાન આપતા. 
             1972 ના વર્ષ દરમ્યાન ખંભીસર અને સરડોઈ વિસ્તારમાં અનુસૂચિત જાતિની બાળાઓની શાળાઓમાં પ્રવેશ મેળવવાની સંખ્યા લગભગ શૂન્ય હતી લોકવાર્તા લોકગીતો અને નૃત્ય નો શિક્ષણમાં ઉપયોગ કરી તેમ જ નાટક પ્રવૃત્તિઓ દ્વારા છોકરીઓની નિશાળે આકર્ષવાની યોજના નો પ્રસ્તાવ મોતીભાઈ તાલુકા પંચાયતના અધ્યક્ષ સમક્ષ મુકેલો. મોડાસા તાલુકા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રી પુંજાભાઈનો સહયોગ લઇને ગામના દરેક ઘરની મુલાકાત લઈને નાટકો ભજવવાની શ્રી મોતીભાઈ બાળકો દ્વારા શરૂ કરી. ત્યારે કન્યા કેળવણીને લાગતાં શેરી નાટકો મોતીભાઈએ લખ્યાં. ગામની શેરીએ શેરીએ વિદ્યાર્થીઓ દ્વારા ભજવાયા. આ નાટકોના ધારદાર સંવાદો એ લોક જાગૃતિ આણી. કન્યાકેળવણી દહેજ નશાબંધી બાળ લગ્ન અને રાષ્ટ્રીય એકતાનો સંદેશો આપતાં મનોરંજન નાટક કાર્યક્રમો જેવા કે નાટક, એક પાત્રીય અભિનય,  લોક નૃત્ય, લોકગીતો બાળકો દ્વારા રજૂ થવા લાગ્યા. આવા કાર્યક્રમ દ્વારા તૈયાર થયેલ વિદ્યાર્થીઓએ તાલુકા અને જિલ્લા કક્ષાએ નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી લીધી. ત્રણ વર્ષના સમયગાળા દરમિયાન શાળાએ જવાની ઉંમર ધરાવતી તમામ કન્યાઓ મોતીભાઈના પ્રયાસથી શાળાએ આવતી થયેલી. પરિણામે શાળામાં કન્યાઓની હાજરી દિનપ્રતિદિન વધવા લાગી 
      . મોતીભાઈના સંનિષ્ઠ પ્રયત્નોથી વિદ્યાર્થીઓમાં ગેરહાજરી પ્રમાણ લગભગ નહિવત જેવું બનેલું. નિશાળમાં છોકરીઓની સંખ્યા પણ વધી. શાળામાં શૈક્ષણિક પ્રવૃત્તિઓનું સ્તર પણ ઘણું ઊંચું આવેલું. જેના ગ્રામ્ય સમુદાય પર સારા પ્રત્યાઘાત પડેલા. વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા જિલ્લા કક્ષાએ હરિફાઇઓમાં થતા સુંદર દેખાવ બદલ સમગ્ર ગામલોકોને ગૌરવની લાગણી થવા લાગી. આમ શાળા હકીકતમાં ગામના કોઈપણ જાતના સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના આયોજનનું કેન્દ્ર બની.
         લોકજાગૃતિ માટે એક આદર્શ શિક્ષક તરીકે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. લોકશિક્ષણ ને અસરકારક બનાવવા માટે મોતીભાઈએ હાથે ચાલતી બે કઠપૂતળી ઓ રંગલો અને રંગલી તૈયાએ કરી. વિવિધ પ્રદેશ ની લોકબોલીઓથી પણ મોતીભાઈ પરિચિત છે. કઠ પૂતળી ના માધ્યમથી તેઓ જ્ઞાન સાથે ગમ્મત કરાવે છે. થોડા વર્ષો પહેલાં દૂરદર્શન પર દીવાદાંડી નામે એક કાર્યક્રમ ખૂબ લોકપ્રિય થયો હતો. સતત પાંચ વર્ષ સુધી એ કાર્યક્રમે લાખો દર્શકોના દિલ પર રાજ કર્યું. એ કાર્યક્રમની શરૂઆત માં આવતી કઠપૂતળી મોતીભાઈ નાયક દ્વારા ચલાવવામાં આવતી. સતત પાંચ વર્ષ સુધી દૂરદર્શન ના દીવાદાંડી કાર્યક્રમના માધ્યમથી તેઓએ કઠપૂતળી દ્વારા લોકોનું મનોરંજન કર્યું. આજે પણ મોતીભાઈ પોતાની બેગમાં આ રંગલા રંગલી ની કઠપૂતળી રાખે છે. શાળા કોલેજમાં જ્યાં અવસર મળે કઠપૂતળી નો ખેલ બતાવી વિદ્યાર્થીઓને ગમત સાથે જ્ઞાન પીરશે છે. મોતીભાઈ શ્રેષ્ઠ શિક્ષક હોવા ઉપરાંત એક સારા લેખક એક સારા કલાકાર અને ઉમદા વ્યક્તિ છે. તેઓએ અનેક નાટકો, એકાંકીઓ અને ભવાઈ નાટક લખેલા છે તેઓ લિખિત એકાંકી નાટકો યુવા પ્રતિભા શોધ અંતર્ગત યોજાતા કાર્યક્રમોમાં કોલેજના વિદ્યાર્થીઓએ   અનેક વાર ભજવ્યા પણ છે.
          તેઓ દ્વારા લખાયેલા બાળગીતો ગુજરાત ના પ્રતિષ્ઠિત બાળ સમાયિકોમાં અવારનવાર છપાય છે. CCRT નવી દિલ્હી દ્વારા ચલાવવામાં આવતી કઠપૂતળીની તાલીમ પણ તેઓ લઈ ચુક્યા છે અને બીજા અનેક શિક્ષકોને તેઓવ તાલીમબદ્ધ કર્યા છે. રાજસ્થાનના ઉદયપુર ખાતે એસ.આઈ. આર. ટી. ખાતે શ્રી મોતીભાઈએ પપેટ્રી ફોર એજ્યુકેશન રિફ્રેશર કોર્ષની તાલીમ દરમિયાન ભારતમાં યોજાયેલ "રાશીય મહોત્સવ" માં રાષ્ટ્રીય સમુહગાનમાં ભારતીય પ્રતિનિધિ તરીકે તેઓ ભાગ લઈ ચુક્યા છે. ભારતના વિવિધ રાજ્યોમાં અનેક સેમિનારમાં તેઓએ ગુજરાત પ્રદેશનું પ્રતિનિધિત્વ કર્યું છે. જ્યાં આપણી સંસ્કૃતિને દેશ દુનિયા સામે આગવી શૈલીમાં પ્રસ્તુત કરી સૌના દિલ તેઓએ જીત્યા છે. 
           આ લોક શિક્ષકને અનેક પ્રતિષ્ઠિત સન્માનો પ્રાપ્ત થયા છે. ગુજરાતના વિવિધ સમયના શિક્ષણમંત્રીઓ, મુખ્યમંત્રીઓ , મહામહિમ રાજ્યપાલો અને રાષ્ટ્પતિ એ મોતીભાઈના કાર્યોને એવોર્ડ આપી સનમાન્યા છે.  તાત્કાલિન સુપ્રીમ કોર્ટના  જસ્ટિસ માનનીય આર.કે અગ્રવાલ સાહેબે પણ મોતીભાઈના કાર્યની કદર રૂપે  જાહેર સન્માન કર્યું. એ ઉપરાંત પરદેશના હાઈ કમિશને પણ સન્માન કર્યું.  એ સમયે ભારતની પ્રતિષ્ઠિત સંસ્થા IIM દ્વારા ગુજરાતભરમાં થી 30 ઇનોવેટિવ ટેલેન્ટેડ ટીચર પસંદ કરવામાં આવ્યા હતા. જેમાં પ્રથમ ક્રમે મોતીભાઈ નાયકનું નામ હતું. હાલ તેઓ IIM માં તજજ્ઞ તરીકે સેવાઓ આપે છે. 
            પદ્મશ્રી અનિલ ગુપ્તાની સંસ્થા સૃષ્ટિ દ્વારા મોતીભાઈ નાયકનું બહુમાન કરવામાં આવ્યું. હાલ તેઓ સૃષ્ટિ સંસ્થાના માનદ પ્રતિનિધિ તરીકે પણ સેવાઓ આપી રહ્યા છે. હાલ લોક સંસ્કૃતિના જતન માટે વિસરાતી જતી લોક કલાઓ માટે મોતીભાઈ હાલ ગહન સંશોધન કરી રહ્યા છે. જેના માટે તેઓને નેશનલ ફેલોશીપ પણ મળી છે. મોતીભાઈના આવા કાર્યો થી પ્રભાવિત થઈ BBC london એ મોતીભાઈ ની મુલાકાત લઈ એક ટેલિફિલ્મ બનાવી. જે ફિલ્મ પણ ખૂબ પ્રસિદ્ધિ પામી. 
        મોતીભાઈ આજે પણ અવિરત કાર્યશીલ છે. તેઓના અનેક શૈક્ષણિક કાર્યક્રમો બાયસેગ ગાંધીનગર દ્વારા અવારનવાર પ્રસારિત કરવામાં આવે છે. આજે પણ તેઓ GCERT, NCERT. અને IIM જેવી  બીજી અનેક શૈક્ષણિક સંસ્થાઓમાં માનદ સેવાઓ આપી રહ્યા છે. 
           મોતીભાઈના ઘરના કબાટ અનેક પ્રમાણપત્રો અને સન્માન પત્રોથી થી ભરેલાં પડ્યા છે. એક આખો ઓરડો વિવિધ એવોર્ડના મોમેન્ટોથી ભરેલો છે. તેઓના ઘરની દીવાલો બોલે છે. આ એક શિક્ષકે કેટલું કામ કર્યું છે. નિવૃત બાદ પણ આ માણસે પલોઠી વાળી બેઠો નથી. આટ આટલું કામ કર્યું હોવા છતાં, રાષ્ટ્રપતિના હસ્તે સન્માન થયું હોવા છતાં ખૂબ સામાન્ય પરિસ્થિતિમાં જીવન પસાર કરી રહ્યા છે. તેઓનુ પેંશન પોતાના સંશોધનો પાછળ ખર્ચી નાખે છે. આજે પણ શાળા કૉલેજો આમંત્રણ મળતાં સ્વખર્ચે જાય છે. વિદ્યાર્થીઓમાં જ્ઞાનની લ્હાણી કરે છે. ભૌતિક સંપત્તિ ન હોવાનો જરા પણ વસવસો નથી. તેઓનું હાસ્ય બાળક જેવું નિખાલસ છે.મોતીભાઈ પાસે બેસી શિક્ષણ સતસંગ કરવો એક લ્હાવો છે.

લેખન : ઈશ્વર પ્રજાપતિ
(આપના પ્રતિભાવ નીચે આપેલ whatsapp નંબર પર લખી મોકલી શકો છો )
(98251 42620)

નોંધ:- મિત્રો બ્લોગની લિંક આપ શેર કરી શકો છો પરંતુ મિત્રો મારા બ્લોગના આર્ટિકલ્સને પોતાના નામે ચડાવી વાયરલ કરવાનો અવિવેક ન કરવા વિનંતી

No comments:

Post a Comment

સન્ડે સ્પેશિયલ

  ‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા    જોઈએ.” :    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.       સાવ સા...

Popular Posts