અરવલ્લીની ગિરી કંદરાની ગોદમાં આવેલી એક અનુપમ સંસ્થા શ્રવણ સુખધામ
અરવલ્લી અને સાબરકાંઠાના અંતરિયાળ વિસ્તારમાં અનેક સંસ્થાઓ અને અનેક વિરલ વ્યક્તિઓ સમાજ સેવાના પાયાના કામ મુક સેવક બની કરી રહ્યા છે. સમાજના બહુ ઓછા લોકોનું ધ્યાન આ તરફ ગયું છે. આજે એવી જ એક સંસ્થા અને વ્યક્તિનો પરિચય કરાવવો છે. અરવલ્લીના અરણ્યમાં એક મહિલાના વિચારબીજમાંથી વટવૃક્ષ બનેલી સંસ્થા એટલે "શ્રવણ સુખધામ."
અરવલ્લીની ગીરીકંદરાઓથી આચ્છાદિત સાબર સરિતાના સમીપે હાથમતીના નીરને સ્પર્શીને માંકડી ડેમના કિનારે આકાર પામેલી શ્રવણ સુખધામ સંસ્થા જોતા જ આંખો ઠરે છે. શહેરના ઘોઘાટ અને પ્રદુષણથી દૂર કુદરતના ખોળે પાંગરેલી આ સંસ્થાનું વાતાવરણમાં ગજબની શાંતિ અનુભવાય છે. સંસ્થાની સ્વચ્છતા ઉડીને આંખે વળગે એવી છે. અનેક સેવાકિય પ્રવૃત્તિઓથી ધમધમતી આ સંસ્થાનું સપનું સેવ્યું સાબરકાંઠા- અરવલ્લીના એક અંતરિયાળ ગામમાં જન્મેલા એક મહિલાએ. જેઓની સેવા પ્રવૃત્તિઓ થકી આજે સમસ્ત સ્ત્રી સમાજ માટે તેઓ આદર્શ બન્યા છે. જેમને સાચા અર્થમાં પોતાનું જીવન સ્ત્રી ઉત્થાનમાં ઘસી નાખ્યું છ. અંતરિયાળ ગામડાઓમાં સેવાનો આહલેખ જગાવ્યો છે.
તેઓનું નામ છે ઇન્દુબેન આર. પ્રજાપતિ પુનાસનના તેઓ વતની. પુનાસણ એટલે કવિશ્રી ઉમાશંકર જોશીનું જન્મ સ્થાન બામણા ની લગોલગ આવેલું ગામ. 1 નવેમ્બર1963ના રોજ એક સામાન્ય પરિવારમાં તેઓનો જન્મ થયો. તેમના માતાપિતાનું તેઓ એક માત્ર સંતાન. પિતા શિક્ષક એટલે શિક્ષણ, સહાનુભૂતિ અને સેવાનાં બીજ નાનપણથી જ દિલમાં રોપાઈ ચૂક્યાં હતાં. ધાર્મિક અને સેવાવૃત્તિ માતા પિતા તરફથી વારસામાં મળ્યા. સમાજના ઉત્થાન માટે કંઈક કરી છુટવાની મથામણ સતત તેઓ અનુભવતા.
સમય જતાં એસ. કે. પ્રજાપતિ સાથે લગ્નગ્રંથિથી જોડાયા અને ગાંધીનગર સ્થિર થયાં. અહીં પારિવારિક જવાબદારીમાં ગૂંથાયાં. પરંતુ માતૃભૂમિની માટી તેઓને સાદ કરી પુકારતી હોય એવું અનુભવતું. 1988 માં ઇન્દુબેનના માતાનું અવસાન થતાં સેવાનિવૃત પિતાની સેવા કરવા વતન પરત આવ્યાં. તેઓ પર હવે પતિનું અને પિતાનું એમ બે ઘર સાંભળવાની બેવડી જવાદરી આવી. અનેક જવાબદારીઓ વચ્ચે સંઘર્ષ પૂર્ણ જીવનમાં પણ દિલ માં ઊંડે ઊંડે રોપાયેલું સમાજ સેવાનું બીજ પાંગરતું રહ્યું. અને આખરે 1996 માં બહેરા મૂંગા અને દિવ્યાંગ બાળકો માટે નિવાસી શાળાની શરૂઆત કરી. પિતાશ્રીનું પેંશન અને ઘરની મૂડી જોડી વર્ષો સુધી આ શાળા સફળતા પૂર્વક ચલાવી. જ્યાં દિવ્યાંગ બાળકો આત્મસન્માન પૂર્વક અભ્યાસ કરી શક્યા. સાબરકાંઠા, અરવલ્લી અને રાજસ્થાનની સીમા પરના આદિજાતિના બાળકોમાં શિક્ષણની જ્યોત પ્રગટાવી. દિવ્યાંગ વિદ્યાર્થીઓ કોઈના ઓશિયાળાના રહેતાં પોતાના પગભર થવાના પાઠ આ સંસ્થાએ શીખવ્યા. બાળશિક્ષણ ઉપરાંત આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ સ્ત્રી સશક્તિકરણ, સ્વચ્છતા અને આધુનિક ટેકનોલોજી દ્વારા છેવાડાના માણસને જાગૃત કરી પગભર કરવાનો છે.
બાળશિક્ષણની સાથે સાથે અહીં અંતરિયાળ વિસ્તારની સ્ત્રીઓ પગભર બને, આત્મસન્માન પૂર્વક જીવી શકે એ માટે સંસ્થાએ ભગીરથ પરિશ્રમ કર્યો. ભિલોડા અને વિજયનગર તાલુકાની બહેનોને સીવણની તાલીમ આપી ગૌરવભેર પોતાના પગપર ચાલતી કરી છે. ઇન્દુબેનની આ સંસ્થા સ્ત્રીઓની સમાન્યમાં સામાન્ય સમસ્યાઓ ઓળખી તેના નિવારણ માટે સતત પ્રયત્નશીલ રહે છે. આ સંસ્થા દ્વારા ચલાવવામાં આવતી "સ્ત્રી સ્વાભિમાન" અભિયાન અહીંની વિદ્યાર્થીનીઓ અને સ્ત્રીઓ માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ છે.
એક સર્વે મુજબ ભારતની વસ્તીના ફક્ત 10 ટકા મહિલાઓ જ સેનેટરી પેડ નો ઉપયોગ કરે છે જ્યારે ગ્રામીણ મહિલાઓ માસિક ધર્મ સમયે વિવિધ કાપડ નો ઉપયોગ કરે છે. જેનાથી ફંગલ, ઇન્ફેક્શન અને ગર્ભાશયના કેન્સર જેવા રોગો થવાની સંભાવના વધી જાય છે. સ્ત્રી સ્વાભિમાન અભિયાન થકી ગ્રામીણ ક્ષેત્રે મહિલાઓ અને શાળામાં અભ્યાસ કરતી દીકરીઓને માસિક ધર્મ સ્વાસ્થ્ય અને સ્વચ્છતા વિશે જાગૃતતા પ્રદાન કરી રહી છે. અને સારી ગુણવત્તાયુક્ત પર્યાવરણને અનુકૂળ સેનેટરી પેડ નું ગ્રામ્ય મહિલાઓ દ્વારા ઉત્પાદન કરી પોષાય તેવી કિંમતે વિતરણ કરવામાં આવશે આવે છે. ભારત સરકારના મીનીસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયના માધ્યમથી કાર્યરત સી.એસ. સી. ઈ-ગવર્નન્સ ઇન્ડિયા લિમિટેડ દ્વારા સ્ત્રી સ્વાભિમાન અભિયાન સેનેટરી નેપકીન ઉત્પાદન યુનિટનો શુભારંભ કરવામાં આવ્યો છે. અભિયાન અંતર્ગત અહીંની 10 થી 15 સ્થાનીક જરૂરીયાતમંદ મહિલાઓને રોજગાર પ્રાપ્ત થયો છે. ગ્રામીણ ક્ષેત્રે ઉત્પાદિત આ સેનેટરી પેડ સ્વાભિમાન અભિયાન દ્વારા ધોરણ ૮ થી ૧૨ સુધી અભ્યાસ કરતી દીકરીઓને દાતાશ્રીઓના સહયોગથી વિનામૂલ્યે વિતરણ કરતી આ સાબરકાંઠા અરવલ્લીની પ્રથમ સંસ્થા છે. સાચા અર્થમાં સંસ્થા "પેડમેન" બની છે
ગ્રામીણ વિસ્તારના બાળકોને વિશ્વ સ્તરનું જ્ઞાન ઈન્ટરનેટ પ્રોજેક્ટર અને લેપટોપના માધ્યમથી મળી રહે અને કોમ્પ્યુટર ક્ષેત્રે તજજ્ઞ બની રોજગારી મેળવી શકે તે માટે એક નવી પહેલ કરવામાં આવી છે. આ નવી પહેલ એટલે કે સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાની સર્વપ્રથમ ઈ-લાઈબ્રેરી. અરવલ્લી જિલ્લાના મૂર્ધન્ય સાહિત્યકાર કવિ શ્રી ઉમાશંકર જોશીનું નામ ઇ-લાઇબ્રેરી સાથે જોડી એક સાહિત્યકારનું સાચા અર્થમાં સંસ્થાએ બહુમાન કર્યું છે . સાબરકાંઠા જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષ વ્યાસ અને ગુજરાતના પ્રેરણાત્મક વક્તા શ્રી સંજય રાવલના વરદ હસ્તે 9/2/2018 ના રોજ ઈ લાઈબ્રેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ ઈ-લાઇબ્રેરીનો લાભ પુનાસણ ગામની આસપાસ વસતા ગ્રામજનો, યુવાનો અને વડીલો લઇ રહ્યા છે. ગામમાં ભાવજીવન અને સહકારની ભાવના જળવાઇ રહે તે માટે સમાજના તમામ વર્ગો ને સાથે લઈ આ સંસ્થા થકી ધાર્મિક અને રાષ્ટ્રીય ઉત્સવો ઉજવવામાં આવે છે ગ્રામજનોની સ્થાનિક ડિજિટલ સેવાઓનો લાભ મળી રહે તે માટે કોમન સર્વિસ સેન્ટર ની શરૂઆત કરવામાં આવી છે જેના થકી સેવા સેતુ સ્વચ્છતા અભિયાન પ્રધાનમંત્રીશ્રીના વિડીયો કોન્ફરન્સ કાર્યક્રમ અને સરકારશ્રીની વિવિધ યોજનાઓ ગામડાના છેવાડાના માનવીને મળે તે માટે આ સંસ્થા સતત પ્રયત્નશીલ રહે છે. શાળા અને કોલેજોમાં સંસ્થા દ્વારા યુવાજાગૃતિ માટે અનેક કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે યુવાનો માટે પ્રેરણાત્મક સેમીનારનું આયોજન કરવામાં આવે છે.
શ્રવણ સુખ ધામ સંસ્થા દ્વારા ફેબ્રુઆરી 2018 થી રામ નામ લેખન બેંકનું શુભારંભ કરવામાં આવ્યો છે જે નો મુખ્ય ઉદ્દેશ આસપાસ વસતા ગ્રામજનો અને યુવાનોને ધાર્મિક વૃત્તિ તરફ વાળી વ્યસનમુક્તિ તરફ લઈ જવાનો છે. સંસ્થા દ્વારા અબોલ પશુ પંખીઓ માટે પણ પાણીની સગવડ પૂરી પાડવાની અને આસપાસના શ્વાનને રોટલો અને લાડુ ની સુવિધા પૂરી પાડવામાં આવે છે. ઉનાળાની ઋતુ દરમિયાન ડુંગર ઉપર બિરાજમાન કપિરાજ માટે પાણી અને અનાજની વ્યવસ્થા પણ પૂરી પાડવામાં આવે છે. જે જીવ દયા પ્રેમ નું ઉત્તમ ઉદાહરણ છે.
સંસ્થા દ્વારા સર્વે સમાજના જરૂરીયાતમંદની પ્રાથમિક આરોગ્ય લક્ષી આયુર્વેદિક સારવાર તેમજ ડાયાબિટીસ અને કેન્સર જેવા ભયંકર રોગોનું નિદાન મળી રહે તે માટેનું આયોજન કરવામાં આવે છે સાથે સાત આયુર્વેદ સારવારમાં ગીર ગાયના ગૌમૂત્ર દૂધ ઘી છાશ પૂરા પાડવામાં આવે છે. આયુર્વેદિક ઉદ્યાન અહીં તૈયાર કરવામાં આવ્યો છે.
અરવલ્લીના અરણ્યમાં વિસ્તરેલી આ સંસ્થા સમાજને દીવાદાંડી બની ઉત્તમ દિશા પુરી પાડી રહી છે. શ્રીમતી ઇન્દુબેનના સેવા બીજમાંથી પાંગરેલી આ સંસ્થા આજે વટવૃક્ષની બની ઉભી છે. શ્રીમતી ઇન્દુબેન પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ તેઓના સુપુત્રો શ્રી હિરેનભાઈ અને ભાવેશભાઈ સુંદર સંચાલન કરી રહ્યા છે. તેઓ પોતાનો સમસ્ત સમય સંસ્થાને અર્પણ કરે છે. કુદરતના ખોળે સમય પસાર કરવા માંગતા પ્રકૃતિ પ્રેમીઓ અને સમજ સેવાના પાઠ ભણવા ઇચ્છતા ભાવિ સમાજસેવકોએ આ સંસ્થાની એક વાર અચૂક મુલાકાત લેવી રહી.
(આપની આસપાસ આવા કોઈ ઉમદા કાર્યો કરતી કોઈ સંસ્થા કે વ્યક્તિ રહેતા હોય તો મારા મોબાઈલ નંબર (98251 42620 )પર અચૂક સંપર્ક કરશો. આવા વ્યક્તિના કાર્યોની સુવાસ સમાજના ઘર-ઘર સુધી પહોંચાડવા હું પ્રયત્ન કરીશ)
લેખન-સંકલન : ઈશ્વર પ્રજાપતિ
આપ આપના પ્રતિભાવ નીચેના whatsapp no. પર લખી મોકલી શકો છો.(98251 42620)
નોંધ:- મિત્રો બ્લોગની લિંક આપ શેર કરી શકો છો પરંતુ બ્લોગના આર્ટિકલ્સને પોતાના નામે ચડાવી વાયરલ કરવાનો અવિવેક ન કરવા વિનંતી
Very good
ReplyDelete