Monday, August 19, 2019

આપણો જિલ્લો આપણું વતન અરવલ્લી ભાગ - 29

અરવલ્લીની ઓળખ સમી અનોખી સેવાભાવી સંસ્થાઓ 

અંતરીયાળ ગરીબ નિરક્ષર પ્રજા માટે આશાનું કિરણ

શ્રી રામદેવ આશ્રમ મેઘરજ.

         મેઘરજ એટલે અરવલ્લી જિલ્લાનો છેવાડાનો તાલુકો. આદિવાસી બંધુઓનો પ્રભુત્વ ધરાવતો તાલુકો. આઝાદીના સાત સાત દાયકાઓ વીતવા છતાં હજી અહીંના અંતરિયાળ ગામડાંઓમાં વસતા પ્રજાજનોની સ્થિતિ દયનિય છે. અત્યંત ગરીબ, નિરક્ષર અને અંધશ્રદ્ધાના ઘોર અંધકારમાં માનવ જીવન ધબકી રહ્યું છે. શહેરોમાં અત્યાધુનિક સવલતો ભોગવતા નાગરિકોએ એકવાર આવા અંતરિયાળ ગામડાનાં માનવીઓની સ્થિતિ નજરે નિહાળવા જેવી છે. પ્રાથમિક સુવિધાઓના નામે અહીં મીંડું છે. હજીલગી સરકાર પણ આવા વિસ્તારોમાં પહોંચી નથી શકી ત્યારે સેવાભાવી કેટલીક સંસ્થાઓ માનવતની જ્યોત પ્રગટાવી સમાજમાં અજવાળું પાથરવા આપબળે મથી રહી છે. એમાંની એક વિરલ સંસ્થા એટલે શ્રી રામદેવ આશ્રમ. મોડાસા મેઘરજ ધોરી માર્ગ પર વૈયા ગામે આવેલ આ આશ્રમે અંતરિયાળ ગામડાઓ માટે એક નવી આશાનું કિરણ અજવાળું પથર્યું છે. આ સંસ્થાનાં નિઃસ્વાર્થ ભાવે કરાતાં અનેક વિધ સેવકાર્યો ની સુવાસ ચોમેર પ્રસરી છે. 
        દીપકભાઈ રામદેવપુત્રમ શ્રી રામદેવ આશ્રમના સ્થાપક છે. અહીં આસપાસના અત્યંત ગરીબ, નિરક્ષર, ભોળા આદિવાસી પ્રજાજનો દીપકભાઈને પોતાના મસીહા માને છે. આ આશ્રમની સ્થાપનાનો ઇતિહાસ પણ રોચક અને રસપ્રદ છે.

         દીપકભાઈનું મૂળ વતન તો સુરેન્દ્રનગર જિલ્લાનું લીમડી તાલુકાનું રંગપુર ગામ. જિલ્લાનો વિસ્તાર થતાં હાલ રંગપુર ગામ અમદાવાદ જિલ્લામાં સમવીષ્ટ છે. રંગપુર રામદેવજી મહારાજ નું પવિત્ર ધામ છે. માતા અંબા માઁ અને પિતા પૂ. મહંત શ્રી કનૈયાલાલજીનું ધાર્મિક છત્રછાયામાં ઉછેર થયો. પ્રાથમિક શિક્ષણ ગામની જ સરકારી પ્રાથમિક શાળામાં લીધું. હાઇસ્કુલનું શિક્ષણ સ્વામિનારાયણ સ્કુલ ગોંડલમાં લીધું. અને સુરત થી બી.ઈ. ઇલેક્ટ્રિકલનો અભ્યાસ પૂર્ણ કર્યો. 1984 માં અરવલ્લી ના મેઘરજ તાલુકામાં ગુજરાત વિદ્યુત બોર્ડમાં જુનીયર એન્જીનીયર તરીકે નોકરીમાં જોડાયા. 
            દીપકભાઈને આધ્યાત્મિકતા અને સેવાના સદગુણો ગળથુંથી માંથી જ પ્રાપ્ત થયા હતા. અંતરિયાળ વિસ્તારમાં એ જમાનામાં ફરજ બજાવતા બજાવતા અહીંના લોકોની દયનીય પરિસ્થિતિ થી તેઓ વાકેફ થયા. અહીંની વિપરીત ભૌગોલિક પરિસ્થિતિ અને સંઘર્ષમય લોકજીવન સતત તેઓના મન ને ડંખ્યા કરતું. મન સતત મથામણ અનુભવતું કે દુઃખમાં દિવસો પસાર કરતાં આ માનવીઓ માટે શું કરી શકાય?? એ સમયમાં આ વિસ્તારમાં ગાંધીવાદી સ્વ. વલ્લભભાઈ દોષી શૈક્ષણીક કામગીરી સાથે સાથે સમાજસેવાના કર્યો કરતા. તેઓનું સાનિધ્યમાં દિપકભાઈને લોકસેવાના ઘણા પાઠ શીખવા મળ્યા. વિદ્યુત બોર્ડમાં એન્જિનિયર તરીકે ફરજ બજાવતા બજાવતા લોકસેવાના કાર્યોની આપો આપ શરૂઆત થઈ. 
               અંધશ્રદ્ધાને સહારે જીવતી આ નિરક્ષર પ્રજામાં કામગીરી કરવી સરળ ન હતી. અનેક પડકારો હતા. અનેક સમસ્યાઓ હતી. આથી સાંસ્કૃતિક કાર્યક્રમો ને સહારે અંધશ્રદ્ધા, વ્યસનમુક્તિ, પર્યાવરણ જાળવણી વિશે લોક જાગૃતિના કામો શરૂ કર્યા. શરૂઆતમાં ધાર્યા પરિણામો પ્રાપ્ત ન થયાં. લોકો પોતાની રૂઢિઓ, પ્રણાલીઓ છોડવા તૈયાર જ ન હતા. એમ છતાં પરિણામ ની પરવા કર્યા વિના ધીરજ પુર્વક કામ ચાલું જ રાખ્યું. પરંતુ દીપકભાઈની કામ પ્રત્યેની શ્રધ્ધા રંગ લાવી. લોકોમાં બદલાવ લાવવામાં ધીમે ધીમે સફળતા પ્રાપ્ત થવા લાગી. પછીતો બમણા વેગે કામ ઉપાડ્યું. 
બે દાયકા પહેલાં 2000 ની સલમાં સમાજ સેવાના વિસ્તાર વધારવા શ્રી રામદેવ આશ્રમની સ્થાપના કરી. આ આશ્રમના નેજા હેઠળ લોકસેવાની કામગીરીને વેગ મળ્યો. 
               સૌપ્રથમ આ વિસ્તારમાં એવી કોઈ હોસ્પિટલ ન હતી જ્યાં આંખોના ઓપરેશન થઈ શકે. અને લોકોમાં પણ જાગૃતિ ન હતી કે મોતીયાના ઓપરેશન થઈ શકે. અહીંના લોકો બધા માનતાઓ અને દોરા ધાગાઓમાં સમય પસાર કરી નાંખતા અને આખરે કેટલાય લોકો દૃષ્ટિ ગુમાવી બેસતા. ગામે ગામ ફરી આવા દર્દીઓને ને શોધી અને સમજાવ્યા અને અવારનવાર અહીં નેત્ર નિદાન કેમ્પો નું આયોજન કરી મફત મોતીયાના ઓપરેશન ની શરૂઆત કરી. આ ઓપરેશન આજદિન સુધી ચાલી રહી છે. હજારો ગરીબ લોકોને નવી દૃષ્ટિ અપાવવામાં આ સંસ્થા નિમિત્ત બની છે. 
ધીમે ધીમે આ સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓનો વ્યાપ વધતો ગયો. આશ્રમની સ્થાપના કરી સેવા પ્રવૃત્તિઓ તો વધતી ગઇ પરંતુ વિદ્યુત બોર્ડમાં ફરજ પણ ચાલુ હોવાથી દીપકભાઈના મનમાં અસંતોષ રહેવા લાગ્યો. અને આખરે 20 વર્ષ ફરજ પૂર્ણ કરી સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ લીધી. પ્રતિષ્ઠિત, મોભાદાર અને ઉચ્ચ વેતન વાળી નોકરીને તિલાંજલિ આપી દિપકભાઈએ પૂર્ણ સમય માટે સેવાનો ભેખ ધારણ કર્યો. 
               સેવાકીય પ્રવૃત્તિઓનો વિસ્તાર હવે વધાર્યો. એક વાર મેઘરજમાં આવેલી સરકારી હોસ્પિટલમાં જવાનું થયું. અહીં ગરીબ દર્દીઓ સારવાર લેવા માટે દાખલ થાય છે. તેઓ પાસે દવાના પણ પૂરતા પૈસા નથી હોતા. ત્યાં જાણવા મળ્યું કે દર્દીઓ સાથે આવતાં સાગા સંબંધીઓ રાત્રે જમ્યા વગર જ સૂઈ જાય છે. બીજા દિવસે ઘરે જાય ત્યારે જમવાનું મળતું. આવા લોકો પાસે આવવા જવાના ભાડા ના પણ પૈસા નથી હોતા. આવા લોકો ની હલત જોઈ દીપકભાઈ નું હૃદય વલોવાયું. અને અહીં સરકારી હોસ્પિટલમાં સારવાર લેતાં દર્દીઓ અને સાથે રોકાતાં સગા સંબંધીઓને સાત્વિક ભરપેટ ભોજન મળે એ હેતુથી નિઃશુલ્ક ટિફિન સેવાનો પ્રારંભ કર્યો. નડિયાદ નું પ્રસિધ્ધ સંતરામ મંદિરના પ. પૂ. મહંત શ્રી મોરારદાસ મહારાજના હસ્તે ટિફિન સેવાની શુભ શરૂઆત કરવામાં આવી. આ ટિફિન સેવાને એક દાયકો પૂર્ણ થવા આવ્યો. આજ દિન સુધી એકપણ દિવસ આ સેવા બંધ રહી નથી. આ સાથે સાથે આ સંસ્થા દ્વારા શ્રવણ યોજના અંતર્ગત અહીં આસપાસ ના ગામડામાં વસતા વૃદ્ધ, નિઃસહાય અને વિધવાઓ માટે પણ બે ટંક નિઃશુલ્ક ટિફિન ઘરે પહોંચાડવામાં આવે છે. 
                જરૂરિયાતમંદ પરિવારોને દાતાઓના સહયોગ થી અન્નકીટ આપવામાં આવે છે. જેમાં અનાજ, કઠોર, તેલ, ગોળ, મીઠું, વાસણ વિગેરે સામગ્રી પુરી પાડવામાં આવે છે. તહેવારોના સમયે મીઠાઈઓ તથા કપડાંનું વિતરણ આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે. ઘણા પરિવાર એવા પણ છે કે કડકડતી ઠંડીમાં શરીર પર પૂરતાં કપડાં પણ હોતાં નથી . આવા પરિવારો શોધી શોધી શિયાળામાં ગરમ કપડાં અને ધાબળાનું વિતરણ પણ કરવામાં આવે છે. 
              છેલ્લાં પાંચ વર્ષ થી આ સંસ્થા દ્વારા આદિવાસી દીકરીના અનોખા સમૂહ લગ્નનું પણ આયોજન થાય છે. 2017માં બક્ષીપંચ ની દિકરીઓ નો પણ ભવ્ય સમૂહ લગ્ન કરવામાં આવ્યો હતો. જેમાં 12 દીકરીઓએ પ્રભુતમાં પગલાં માંડ્યા હતાં. 
            સમયાંતરે સરકારી તંત્ર અને ખાનગી ડોક્ટરો ના સહયોગથી સર્વ રોગ નિદાન કેમ્પ રાખવામાં આવે છે જેમાં જરૂરિયાતમંદ દર્દીઓને દવા પણ મફત આપવામાં આવે છે. અને જરૂરી લાગે તો ઓપરેશન પણ કરી આપવામાં આવે છે.

          વિવિધ દાતાઓના માધ્યમથી સંસ્થાઓ પાસે પૂરતું ભંડોળ ન હોય અને ભૌતિક સુવિધાની અભાવ હોય તેવી સંસ્થાઓ ને વર્ગખંડો થી લઇ બીજી પણ ભૌતિક સુવિધાઓ આ સંસ્થા પૂરી પાડવામાં મદદરૂપ થાય છે. 
ખાદ્યતેલમાં થતી ભેળસેળ જોઈ આસપાસના લોકોને શુદ્ધ ભેળસેળ વગરનું સીંગતેલ મળે એ માટે એક યુનિટ ઉભો કર્યો છે. આ યુનિટમાં મગફળીમાંથી શુદ્ધ સીંગતેલ કાઢવામાં આવે છે. જે નહિ નફો નહિ નુકશાન ના ધોરણે લોકો સુધી પહોંચાડવામાં આવે છે. સરકારની કોઈપણ જાતની સહાય વિના માત્ર અને માત્ર દાતાઓના સહયોગ થકી આ સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓ ચાલી રહી છે. 
              દીપકભાઈ પોતેજ એક હરતી ફરતી સંસ્થા છે. દીપકભાઈના કાર્યો અને નોંધ લઇ અનેક સંસ્થાઓ એ તેઓનું બહુમાન કર્યું છે. તેમાં આર્શીવાદ એજ્યુકેશન ટ્રસ્ટ અમદાવાદ દ્વારા પૂજ્ય સ્વામી સચ્ચિદાનંદજી ના અને ભારતના સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જસ્ટિસ શ્રી નાણાવટી સાહેબ ના વરદ હસ્તે ધરતી રત્ન એવોર્ડ અર્પણ કરવામાં આવેલ છે. નિરમા યુનિવર્સિટીના ચેરમેન કરસનભાઈ પટેલના પ્રતિનિધિના હસ્તે શાલથી તેમનું બહુમાન કરવામાં આવેલ છે. 
               શ્રી રામદેવ આશ્રમ, મેઘરજ જેવા અંતરિયાળ વિસ્તારોમાં માનવ સેવાની જ્યોત જલાવી સમાજમાં દીવાદાંડીરૂપ કાર્ય કરી રહ્યું છે. સેવાકાર્યમાં સંપૂર્ણ સમર્પિત દીપકભાઈએ લગ્ન પણ કરેલ નથી. અહીં વસતા ગરીબ પરિવારોને જ દીપકભાઈ પોતાનો પરિવાર માને છે. દરિદ્રનારાયણની સેવાને દીપકભાઈ પરમેશ્વરની પૂજા માને છે. 
              આવી સંસ્થાઓ અને આવી વિરલ વ્યક્તિઓ માત્ર અરવલ્લીનું જ નહીં પરંતુ સમસ્ત માનવ સમાજ માટે ગૌરવરૂપ છે.



લેખન - :ઈશ્વર પ્રજાપતિ 
(આપના પ્રતિભાવ નીચે આપેલ whatsapp નંબર પર લખી મોકલી શકો છો )
(98251 42620)

નોંધ:- મિત્રો બ્લોગની લિંક આપ શેર કરી શકો છો પરંતુ મિત્રો મારા બ્લોગના આર્ટિકલ્સને પોતાના નામે ચડાવી વાયરલ કરવાનો અવિવેક ન કરવા વિનંતી

No comments:

Post a Comment

સન્ડે સ્પેશિયલ

  ‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા    જોઈએ.” :    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.       સાવ સા...

Popular Posts