Monday, August 5, 2019

આપણો જિલ્લો આપણું વતન : અરવલ્લી ભાગ - 27

અરવલ્લીની ઓળખ સમી અનોખી સેવાકીય સંસ્થા

શ્રીકૃષ્ણાશ્રમ બોલુન્દ્રા



               અરવલ્લી જિલ્લાના મુખ્યમથક મોડાસાથી માત્ર 15 કિલોમીટરના જ અંતરે બોલુન્દ્રા ગામમાં આવેલ શ્રી કૃષ્ણાશ્રમ સંસ્કૃત અને ભારતીય સંકૃતિની વિરલ વિરાસત સાચવીને બેઠો છે. સંકૃત અને સંસ્કૃતિનું સંવર્ધન કરતા આ શ્રીકૃષ્ણાશ્રમ તરફ બહુ ઓછા લોકોનું ધ્યાન ગયું છે. કોઈનુંય ધ્યાન જાય કે ન જાય , કોઈ નોંધ લે કે ન લે એ કશાયની પરવા કર્યા વગર આ આશ્રમ દાયકાઓથી પોતાની ધૂનમાં મસ્ત બનીને અનેકવિધ સેવકાર્યો થકી ધમધમે છે.ગુજરાતમાં કુલ 52 સંસ્કૃત પાઠશાળાઓ આવેલી છે. તેમાંની અરવલ્લીની એકમાત્ર માન્યતા પ્રાપ્ત સંસ્કૃત પાઠશાળા અહીં આવેલી છે.
આ પાઠશાળામાં પ્રવેશતાં જ દિવ્ય અને અલૌકિક વાતાવરણનો અહેસાસ થાય છે. આશ્રમમાં પ્રવેશતાં કાને પડતા ઋષિ કુમારોના વેદમંત્રોના ઉચ્ચારોના ધ્વનિ વાતાવરણને દિવ્ય બનાવે છે. માત્ર ગુજરાતના જ નહીં પરંતુ ભારતભરમાંથી ઋષિ કુમારો અહીં સંસ્કૃતના અભ્યાસ માટે આવે છે.
             બ્રહ્મલીન અગ્નિહોત્રી શ્રી કૃષ્ણરામ બાવાજી નિઃસ્વાર્થ ભાવથી વિદ્યાદાન તથા અન્ય સામાજિક સેવાકાર્ય કરતા . ભારતીય સનાતન પરંપરામાં રહેલું પ્રાચીન જ્ઞાન લુપ્ત ન થાય તેવા શુભ હતું થી વિદ્યાર્થીઓને પોતાના સંતાનની જેમ જ આશ્રમમાં રાખવામાં આવતા. ગુરુકુલ પરંપરાથી સંસ્કૃત અને સંસ્કૃતિનું નિઃશુલ્ક શિક્ષા અને દીક્ષા અપાતી. વિદ્યાર્થીઓ માટે રહેવા જમવાની તમામ વ્યવસ્થા નિઃશુલ્ક આપવામાં આવતી.
          પૂ. દાદાજી અગ્નિહોત્રી શ્રી શુકદેવપ્રસાદ ગૌરીશંકર વ્યાસે ભારતની પ્રાચીન વૈદિક પરંપરાની જાળવણી માટે પ્રાચીન ગુરુકુલ પરંપરાથી ચાલતી સંસ્કૃત પાઠશાળાઓને મદદ કરી છે. તેઓશ્રીની પ્રેરણાથી શ્રી કૃષ્ણાશ્રમ માં પાઠશાળાની આ પરંપરા પુનઃજાગૃત થઈ. "શ્રીકૃષ્ણાશ્રમ વૈદિક સંસ્કૃત પાઠશાળા " બોલુન્દ્રા ને ગુજરાત સરકાર ના શિક્ષણ વિભાગ દ્વારા 24 મે 2010 ના રોજ થી માન્યતા પ્રાપ્ત થઈ છે. તાજેતરમાં શાસ્ત્રી સુધીના અભ્યાસ ક્રમ માટેની મંજૂર મળી ગઈ છે. અરવલ્લી જિલ્લાની આ એક માત્ર સરકાર માન્યતાપ્રાપ્ત પાઠશાળા છે.
                  અહીં વૈદિક વિષયોના સંસ્કૃતના પ્રકાંડ પંડિતો દ્વારા ઋષિ કુમારોને વેદ શાસ્ત્રોનું અધ્યાપન કરાવે છે. ઋષિ કુમારો ટ્રસ્ટ દ્વારા સંચાલિત છાત્રાલયમાં રહે છે. આ વિષય ઉપરાંત ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડના ગુજરાતી, ગણિત, વિજ્ઞાન, હિન્દી, કોમ્પ્યુટર જેવા તમામ વિષયોનું પણ અધ્યયન કરાવવામાં આવે છે. વેદ, વ્યાકરણ, જ્યોતિષ, છંદ, કલ્પ, નિરિક્ત અને શિક્ષા આ છ એ વેદાંગોનું અધ્યપન કરાવવામાં આવે છે. અહીં શિક્ષણનું માધ્યમ સંસ્કૃત રહે છે. હાલ ભારતના જુદા જુદા પ્રાંતના કુલ 80 જેટલા ઋષિકુમારો અહીં અભ્યાસ કરે છે. તેઓની રહેવા જમવા અભ્યાસની તમામ સવલતો વિનામૂલ્યે આપવામાં આવે છે. અહીં અભ્યાસ માટે આવતા ઋષિકુમારો એક તપસ્વી જેવું સંયમી અને કઠોર તપશ્ચર્યા વાળું જીવન જીવે છે. સવારે 4;00 વાગ્યાથી ઋષિકુમારોની દિનચર્યા શરૂ થાય છે. જે રાત્રીના 10 :00 કલાક સુધી અવીરત ચાલે છે.

               વિદ્યાર્થીઓની દર વર્ષે શૈક્ષણિક પ્રવાસ પ્રકૃતિ અને વાતાવરણ પરથી જવાબદારીનું ભાન કરાવતા કાર્યક્રમો કરવામાં આવે છે. જેમાં વૃક્ષારોપણ, સંસ્કૃત સંભાષણ શિબિર, મોટા વૈદિક યજ્ઞોમાં ભાગ લેવા તથા અવકાશ વિજ્ઞાનના જ્ઞાન માટે વેધ શાળાઓના પ્રવાસ માં મોકલવામાં આવે છે. પ્રારંભથી જ આજદિન સુધીની તમામ પરીક્ષાઓમાં આ પાઠશાળા નું પરિણામ 100 ટકા આવ્યું છે. પાઠ શાળાના વિદ્યાર્થીઓએ અનેકવિધ શૈક્ષણિક કસોટીઓમાં તાલુકા, જિલ્લા, રાજ્ય તથા રાષ્ટ્ર કક્ષાએ હરિફાઇઓમાં ભાગ લઈ સુવર્ણ, રજત, કાંસ્ય ચંદ્રકો તથા વિશેષ યોગ્યતા પ્રાપ્ત પ્રમાણપત્રો પ્રાપ્ત કર્યા છે. બનારસ અને ચેન્નાઈ ખાતે વૈદિક શાસ્ત્રો ની વિવિધ સ્પર્ધાઓમાં આ પાઠશાળા ના વિદ્યાર્થીઓ એ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે.
             શ્રીકૃષ્ણાશ્રમમાં છેલ્લાં 112 વર્ષથી અગ્નિહોત્ર કર્મ યજ્ઞનારાયણનો નિત્ય સાયં પ્રાતઃ હોમ થાય છે. વેદોક્ત વિધિથી અહીં પ્રતિષ્ઠિત 108 કિલો પારદના (પારા ના) શિવલિંગ શિવ ભક્તોનું આસ્થાનું પ્રતીક છે.
           પૂ. બ્રહ્મલીન કૃષ્ણરામ બાપજીના વંશજ અને તેઓની  પાંચમી પેઢીના  પંડિત આત્રેય વ્યાસ આ આશ્રમનું સુંદર સંચાલન સાંભળે છે. અને તેઓના તમામ કાર્યોમાં તેમનાં ધર્મપત્ની જાનવીબેન વ્યાસ કદમમાં કદમ મિલાવી સાથ આપે છે.
           શ્રીકૃષ્ણાશ્રમમાં   સંસ્કૃત પાઠશાળા ઉપરાંત અન્નક્ષેત્ર, ગૌશાળા, ઉનાળામાં પાણીની પરબ, કન્યાદાનમાં સહાય, અંતિમ ક્રિયામાં સહાય જેવી અનેકવિધ સમાજોપયોગી પ્રવૃત્તિઓ ચાલી રહી છે. પૂ. બ્રહ્મલીન કૃષ્ણરામ બાપજીના કાર્યોને મૂર્તિમંત કરવા 1964 માં "અગ્નિહોત્રી કૃષ્ણારામ ગુલાબરામ ચેરીટેબલ ટ્રસ્ટ અમદાવાદ(ઈ 1213) ની સ્થાપના કરવામાં આવી છે. આ ટ્રસ્ટ છેલ્લા સાડા પાંચ દાયકાથી સાંસ્કૃતિક અને સામાજિક અનેકવિધ સેવકાર્યોમાં રત છે.
            શ્રી કૃષ્ણાશ્રમમાં શ્રી શુકદેવપ્રસાદની પ્રેરણા થી અન્નક્ષેત્ર ની સેવા અપાઈ રહી છે. પૂ. દાદાજી કહે છે " ભૂખ્યાં ને અન્ન મળતાં અંતરમાંથી નીકળતા આશીર્વાદ તે સ્વયં ભગવાનની પ્રસન્નતા ની અભિવ્યક્તિ જ છે." સં. 2060 ના રામનવમી પાવન દિવસ તારીખ 11 એપ્રિલ 2003 ના રોજ આ ટ્રસ્ટ દ્વારા "શ્રી કૃષ્ણાશ્રમ અન્નક્ષેત્ર" ની શરૂઆત થઈ. ત્યારથી આજદિન સુધી અતિ જરૂરિયાત મંદ લાભાર્થીઓને ઘરે ટિફિન પહોંચાડવા ની સેવા વર્ષના 365 દિવસ શિયાળો, ઉનાળો કે ચોમાસું હોય કોઈ પણ પરિસ્થિતિમાં અવિરત ચાલી રહી છે.
             બોલુન્દ્રા ગામની આસપાસના 15 જેટલાં ગામોના વૃદ્ધ, અશક્ત, અપંગ, અનાથ, મંદબુદ્ધિ, નિરાધાર, નિઃસહાય તથા વિધવા ત્યકતા બહેનોને જ્ઞાતિ ધર્મના ભેદભાવ વગર દૈનિક એક ટંકનું શુદ્ધ અને સાત્વિક ભોજન તેઓને ઘરે બેઠા પહોંચાડવામાં આવે છે.
             અન્નક્ષેત્રની તમામ જવાબદારી જાનવીબેન વ્યાસ સંભાળે છે. ટ્રસ્ટીઓ દ્વારા આસપાસના ગામોમાં પ્રથમ સર્વે કરવામાં આવે છે. જેમાં જે તે ગામના આગેવાનો સાથે રાખી આવા પરિવારોને શોધી કાઢવામાં આવે છે. આ વ્યક્તિઓ એટલા વૃદ્ધ, અશક્ત કે નિઃસહાય હોય છે કે તેઓની પરિસ્થિતિ એવી પણ નથી હોતી કે તેઓ ઘર છોડી ચાલી ને બીજેથી દાન ગ્રહણ કરી શકે. માટે આ ટ્રસ્ટ દ્વારા આવા વ્યક્તિઓના ઘરે જ સમયસર ટિફિન પહોંચે એવી સુંદર વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. લાભાર્થીઓ પાસે ટોકન રૂપે 1 રૂપિયો લેવામાં આવે છે. 1 રૂપીયો લેવા પાછળનો મુખ્ય ઉદ્દેશ એ છે કે વ્યક્તિનું ગૌરવ સચવાય. જે તે વ્યક્તિ ને એમ ન લાગે કે હું મફતનું જમું છું. હાલ 75 પરિવાર આ ટિફિન સેવાનો લાભ અપાઈ રહ્યો છે. અન્નક્ષેત્ર ની શરૂઆત થી અત્યારસુધી માં ત્રણ લાખથી અધિક ટિફિન પહોંચાડવામાં આવ્યાં છે.

          આ ટિફિન સેવામાં મોડાસાના જાશુભાઈ મીઠાવાળા અને બીજા સેવાભાવી વ્યક્તિઓની સેવાનો પણ અમૂલ્ય સહયોગ પ્રાપ્ત થતો રહે છે.
આ ઉપરાંત અહીં ગરીબ દર્દીઓનું નિઃશુલ્ક નિદાન કૅમ્પ નું પણ આયોજન કરવામાં આવે છે. જાણીતા ડોકટરોની મદદ લઇ આવા દર્દીઓનું ચેક અપ કરી વિનામૂલ્યે દવાઓ પણ આપવામાં આવે છે. થેલેસેમિયા ગ્રસ્ત બાળકોના સહયોગ માટે અવાર નવાર અહીં બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવે છે. આપણી ગાય માતાની સેવા થાય એ હેતુથી અહીં ગૌ શાળા પણ ચલાવવામાં આવે છે. આ ગાયોનું દૂધ બહાર ક્યાંય વેચવામાં નથી આવતું. પરંતુ અહીં છાત્રાલયમાં રહેતા ઋષિકુમારો માટે ઉપયોગમાં લેવાય છે. આસપાસ ના ગામોના કોઈ પણ વ્યક્તિ મૃત્યું પામે તો અંતિમક્રિયા માટેની તમામ સામગ્રી વિના મૂલ્યે પુરી પાડવામાં આવે. આ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શિક્ષણ સહાય, કુદરતી આપત્તિમાં સહાય એમ અનેક રીતે સમાજ સેવાના કાર્યોથી આશ્રમ ધમધમે છે.
             આખી દુનિયા દેવ ભાષા સંસ્કૃતની દીવાની છે. જર્મની જેવા દેશોની યુનિવર્સિટીઓ સંસ્કૃત ભાષા પર અનેક સંશોધન હાથ ધર્યા છે ત્યારે સમસ્ત ભારતીય સમાજ અને સરકાર પોતાની ભવ્ય વિરાસત સમી આ દેવ ભાષા સંસ્કૃતના સંવર્ધનમાં જાણે કોઈ રસ જ નથી. આ ટ્રસ્ટ દ્વારા ચાલતી સંસ્કૃત પાઠશાળાને અનુદાનિત શાળાની મંજુરી માટે અનેક પ્રયત્નો કર્યા પરંતુ સરકારને જાણે સંસ્કૃત અને સંસ્કૃતિ માં જાણે કોઈ રસ જ નથી.
            આશ્રમનો આ તમામ ખર્ચ દાતા શ્રીઓના દાન પર નિર્ભર છે. સરકાર શ્રી તરફની કોઈ અનુદાન મળતું નથી. અરવલ્લીના અંતરિયાળ વિસ્તારોમાં આવું ભગીરથ સેવા કાર્ય કરતી સંસ્થાઓને જો યોગ્ય મદદ મળે તો છેક છેવાડાના વ્યક્તિ સુધી પહોંચી શકાય તેમ છે.
            શ્રીકૃષ્ણાશ્રમ દ્વારા કરવામાં આવતા સમજોપયોગી સેવા કાર્યોને કોટી કોટી વંદન. 

લેખન - :ઈશ્વર પ્રજાપતિ 
(આપના પ્રતિભાવ નીચે આપેલ whatsapp નંબર પર લખી મોકલી શકો છો )
(98251 42620)

નોંધ:- મિત્રો બ્લોગની લિંક આપ શેર કરી શકો છો પરંતુ મિત્રો મારા બ્લોગના આર્ટિકલ્સને પોતાના નામે ચડાવી વાયરલ કરવાનો અવિવેક ન કરવા વિનંતી.

1 comment:

  1. Nice informative Article.
    Thank You Shri Ishwarbhai.
    Jay Bhagwan

    ReplyDelete