Sunday, March 31, 2019

આપણો જિલ્લો, આપણું વતન અરવલ્લી ભાગ - 9


         

અરવલ્લીના તીર્થધામો

અરવલ્લીનું કાશી સમાન તીર્થધામ ભુવનેશ્વર મહાદેવ (જુના ભવનાથ)



        ભવનાથનું નામ સાંભળતા જ સૌ શિવભક્તોનું મન ગિરનારની તળેટીમાં પહોંચી જાય છે. પરંતુ આવું જ માહાત્મ્ય ધરાવતું ભુવનેશ્વર (જુના ભવનાથ )મહાદેવ મંદિર શિવભક્તોનું આસ્થાનું પ્રતિક છે. જે ભિલોડા પાસે હાથમતી જલાગારની તટે અને અરવલ્લીની ગિરીકંદરાઓની ગોદમાં અલૌકિક પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે સ્થિત છે.  શિવાલયની આજુબાજુ પથરાયેલ પર્વતોની હારમાળા, સરોવર અને લીલીછમ વનરાજી આ તીર્થધામને અધિક મનમોહક બનાવે છે. શ્રીમદ્ ભાગવદના નવમાં સ્કંધના ત્રીજા અધ્યાયમાં આ સ્થાનનો નામોલ્લેખ તેની પ્રાચીનતાની સાક્ષી પૂરે છે. અનેક પ્રાચીન કથાઓ આ સ્થાન સાથે જોડાયેલી છે. તો આજે આવું જાણીએ અરવલ્લીના કાશી તરીકે જાણીતું ભુવનેશ્વર મહાદેવ ધામ જુના ભવનાથની અતિ પ્રાચીન ઇતિહાસની રસપ્રદ વાતો.
         શ્રી ભુવનેશ્વર મહાદેવ સ્વયંભૂ પ્રાગટ્ય છે. આ ધામની પ્રાગટય કથા એવી છે કે આ સ્થળ નજીકના ગામોમાંથી એક ગોવાળ ગાયોને ચરાવવા અહીં વનમાં લઈને આવતો. તે ગાયોના સમૂહમાંથી એક કામદુધા ગાય અહીંના વૃક્ષો ની ગુફા પાસે આવી ઉભી રહેતી, તે સમયે ગાયના આંચળમાંથી સઘળું દૂધ ત્યાગ ગુપ્ત રહેલા મહાદેવજીની પીન્ડિકા પર ઝરતું. યોગાનુયોગ એક દિવસ તે ગોપાલક તે જ વૃક્ષ ની ગુફા પાસે આરામ કરતો હતો તે સમયે નિત્યક્રમ પ્રમાણે તે ગાય ત્યાં આવી ઉભી રહી ગાયના આંચળમાંથી પોતાની મેળે દૂધ ઝરવા લાગ્યું. તે ગોપાલના જોવામાં આવ્યું ઉભા થઇ વૃક્ષોની વચ્ચે દ્રષ્ટિ કરતાં લિંગ આકારે સ્વયંભૂ મહાદેવ ને પ્રગટ થયેલા જોયા ગોવાળે આ વાત ગ્રામજનોને કહી આ વાત શ્રવણ કરી આશ્ચર્યમુગ્ધ બનેલાં ગામલોકો તે દ્રશ્ય નિહાળવા માટે તે સ્થળે આવી પહોંચ્યા. આવું અનુપમ દ્રશ્ય જોઈ શ્રદ્ધાથી મુગ્ધ બનેલા ગ્રામલોકોએ આજુબાજુના નક્કામાં વૃક્ષો કાપી જગ્યા સ્વચ્છ કરી ત્યાં એક નાનું શિવાલય બંધાવી પ્રતિદિન પૂજા કરવા લાગ્યા.

               પુરાણોમાં તપસ્વી ઋષિ તરીકે સુપ્રસિદ્ધ ચ્યવન ઋષિનો આશ્રમ પણ આ સ્થળે છે. આ સુંદરવનમાં ચ્યવન ઋષિ તપસ્યામાં લીન રહી આત્મા અને પરમાત્માનું એકતા સાધવામાં ધ્યાનમગ્ન રહેતા. તેવામાં કાશી નગરના રાજવી પોતાના કુટુંબ તેમજ રસાલા સાથે યાત્રાએ નીકળેલા. ભુવનેશ્વર ચ્યવન ઋષિના આશ્રમ દર્શનાર્થે આ પ્રદેશમાં તેઓ આવ્યા. અને તે મનોરમ્ય સ્થળ જોઈ ત્યાં જ નિવાસ કર્યો એક દિવસ રાજા શર્યાતી કાશીનરેશની પ્રિય પુત્રી સુકન્યા આ મનોહારિ વનમાં પોતાની સખીઓ સાથે આનંદ પ્રમોદ કરતી ભરતી હતી એક મોટા રાફડા પાસે આવી અહીં જવાન ઋષિના શરીર ઉપર માટી ફરી વળી હતી. આ માટીના ઢગલા માંથી એક મોટો રાફડો બંધાયો હતો. જેથી ચ્યવન ઋષિના બે નેત્રો શિવાય આખું શરીર રાફડામાં ફેરવાઈ ગયું હતું. જ્યારે આ રાફડાને સુકન્યાએ જોયું ત્યારે કુતૂહલવૃત્તિથી તેને નિરખવા લાગી રાફડામાં ધ્યાનથી જોતા, રાફડામાં આવો તેજસ્વી ચળકાટ હતો. તે તેની દ્રષ્ટિએ પડયો. આવો તેજસ્વી ચળકાટ શેના હશે !! તે જાણવા તેનું બાલ મન આતુર બન્યું. પોતાની આતુરતાનો અંત લાવવા સુકન્યાએ ત્યાંથી એક દર્ભની સળી લઈને ચળકતા પદાર્થો તરફ ધરી. પરંતુ આ દર્ભની સળીથી ઋષિનાં નેત્રો વીંધાઈ ગયા તેમાંથી રૂધિર પ્રવાહ વહેવા માંડયો. ચળકતો પદાર્થ બંધ પડી તેમાંથી રુધિરની ધારા વહેતી જોઈ સુકન્યા ભયભીત થઈ ગઈ ત્યાંથી ચાલી નીકળી અને પોતાના પિતા કાશી નરેશનો જ્યાં પડાવ હતો ત્યાં આવી વિચારતંદ્રામા શૂન્ય બની. 
                   ચ્યવન ઋષિના નેત્રોનો નાશ થવાથી કાશી નરેશ ઉપર દૈવી કોપ થયો. સૈન્યમાં વિચિત્ર રોગ ફેલાયો. સૈનિકો નાશ પામવા લાગ્યા. આ વિચિત્ર તેમજ ભયંકર સંહારથી રાજા પણ ભય પામ્યા. અને વિચાર કરવા લાગ્યા કે આ એકાએક કોપ થવાનું કારણ શું અહીં કોઈ દેવ,ઋષિ કે પવિત્ર સ્થળ નું અપમાન ઓળખી થયું હશે?? સૈનિકો તેમજ સ્વજનોને પૂછતાં સમાચાર મળ્યા કે રાપરા ની અંદર ચળકતા પદાર્થની જોઈ સુકન્યાએ તેને દર્દી વીંધી નાખ્યા તેમાંથી ની ધારા વહી રહી છે વધુ તપાસ કરાવતા તે રાફડામાં મહાન તેજસ્વી જવાન ઋષિ તપસ્યા કરી રહ્યા છે અજાણતા સુકન્યાના હાથી ઋષિનાં મિત્રોનો નાશ થયો તેથી પશ્ચાત્તાપ પૂર્વક રાજા સહકુટુંબ ઋષિના આશ્રમમાં ગયો દીનતાપૂર્વક ક્ષમા માગી ઋષિને કહ્યું અમારું અપરાધ ક્ષમા કરો તે જ સમયે ઋષિએ કહ્યું તારી પુત્રીએ મારા નેત્ર નષ્ટ કર્યા છે હવે હું અંધ થયો છું માટે મારી સેવા માટે તારી પુત્રીની હું માગણી કરું છું તે જ સમયે રાજાએ પોતાની અતિપ્રિય એવી પુત્રી સુકન્યા ને સાથે પરણાવી સુકન્યાએ પોતાની ભૂલના પ્રાયશ્ચિત તરીકે આ લગ્ન સંબંધનો સહર્ષ સ્વીકાર કર્યો તે સમયે સૈન્યમાં ફેલાયેલો રોગ ચાલતો અટકી ગયું સુકન્યા પોતાની વાદ્ય યોગ્ય પ્રાપ્ત થયેલા પતિ તરીકે ઋષિની ભક્તિભાવથી સેવા કરવા લાગી

           યોગાનુયોગ દેવોના વૈદ્ય અશ્વિની કુમારો ચ્યવનઋષિના આશ્રમે આવ્યા. સુકન્યાએ તેમનું સુંદર આતિથ્ય કર્યું. સુકન્યાના પતિવ્રતાની પરીક્ષા કરવા અશ્વિનીકુમારો બોલ્યા કે "અમો સ્વર્ગના દેવો છીએ. તમો અમોને વરીને ખુશ થશો. આ વૃદ્ધ પતિથી તમોને શું સુખ પ્રાપ્ત થશે ? " પરંતુ પતિવ્રતા સુકન્યા જરાપણ ચલાયમાન થઈ નહીં સુકન્યા દ્રઢ મનોબળ જોઈ બંને અશ્વિનીકુમારો પ્રસન્ન થયા સુકન્યા અને કહેવા લાગ્યા કે "રાજપુત્રી તારા મનોબળને ધન્યવાદ છે. તારા પર અમો પ્રસન્ન થયા છીએ. તમારા શ્વસુર ભૃગુઋષિએ અમોને અહીં મોકલ્યા છે. ચ્યવન ઋષિનું અંધત્વ દૂર કરી સુંદર નેત્રો ફરી પ્રાપ્ત થાય એવી મહાન ઔષધિ અમારી પાસે છે. તેના પ્રયોગથી ઋષિને નષ્ટ થયેલી નેત્ર જ્યોતિ પાછી મળશે. આ પાસેના સરોવરમાં અમે ઔષધિઓ નાખીએ છીએ. તેમાં તમારા પતિને સ્નાન કરાવશો તુરત જ નેત્રો પૂર્વવત થઈ જશે. તે સરોવરમાં સ્નાન કરતા ઋષિને નેત્રો મળ્યા, સાથે યૌવન પણ પ્રાપ્ત થયું. તેથી ઋષિ દંપતીએ દેવોને વંદન કર્યા બંને અશ્વિનીકુમાર આશીર્વાદ આપી વિદાય થયા સાંપ્રત સમયમાં એવી લોકવાયકા છે કે અહીં આવેલ ભૃગુકુંડમાં સ્નાન કરવાથી રોગમુક્તિ થાય છે, શરીરે ભૃગુકુંડમાંની મૃટીકા ચોળીને સ્નાન કરવાથી રક્તપિત્ત, કોડ જેવા મહાન અસાધ્ય રોગો આ જળના પ્રભાવથી નાશ પામે છે. 
        તાત્કાલિન યુગમાં કાશીનરેશ શ્રી ભુવનેશ્વર મહાદેવ મંદિર બંધાવ્યું. ભૃગુકુંડનો ઘાટ બંધાવ્યો. આજે તે યુગનું અંતિમ દ્રશ્ય તરીકે નમૂનારૂપે હજુ પણ નંદિકેશ્વરની મૂર્તિ મંદિર પરિસરમાં મોજૂદ છે તે ખૂબ જ શ્રદ્ધાનું પ્રતીક છે.


             વિ. સં.1600 પૂર્વે માલપુરના રાવજી રાઠોડ વંશના કુટુંબના એક સરદાર હતા. બે ભાઈઓમાં રાજ્યના ભાગ માટે વિવાદ ઊભો થયો તેમાં રાવ સરદાર ભાવિ પર આધાર રાખી ફરતો-ફરતો શ્રી ભુવનેશ્વર મહાદેવ ના આવી પહોંચ્યો. અહીં મહાદેવના દર્શન કરવાથી રાવજીને ઘણો પૂજ્યભાવ અને શ્રદ્ધા ઉત્પન્ન થઈ અને તેની નિયમ કર્યું કે મારે ભુવનેશ્વરના દર્શન કર્યા બાદ જ ન લેવું આ નિયમ પ્રમાણે પૂજન કરતા રાવજીને ત્રણ વર્ષ થઇ ગયા. તેઓ નિયમિત માલપુર થી ઘોડા ઉપર સવારી કરી રહે નિયમિત દર્શને આવતા શ્રી ભુવનેશ્વરી ની કૃપાથી માલા મકવાણા ઉપર વિજય મેળવી રાવજીએ માલપુર નું રાજ્ય જીતી લીધું બ્રાહ્મણોને ત્રાસમાંથી મુક્ત કર્યા પોતે માલપુર ગાંધી સ્થાપિત કરી રાજ્ય ચલાવવાની પ્રજા સમક્ષ પ્રતિજ્ઞા કરી.
         માલપુરથી ભુવનેશ્વર 30 જેટલું દૂર છે જેથી દરરોજ સેવા કરવા માટે ત્યાં આવવું બહુ કઠિન પડવા લાગ્યું તેથી રાવજીએ માલપુરમાં જ શ્રી ભુવનેશ્વર મહાદેવનું મંદિર બંધાવી ત્યાં શિવલિંગની સ્થાપના કરાવી શ્રદ્ધાપૂર્વક શ્રી મહાદેવની હંમેશા પૂજા કરવા લાગ્યા. માલપુર રાવજી તરફથી હજી સુધી ભુવનેશ્વર મહાદેવ ના સ્થાનમાં દર વર્ષે એક ઘોડો મોકલવામાં આવે છે અને રાજ્ય તરફથી એક બ્રાહ્મણ શ્રાવણ માસમાં પૂજા કરવા આવે છે તેમજ રાજ્ય તરફથી વર્ષાસન ચાલુ છે.
              વળી કાશી રાજાએ બંધાવેલું મંદિર જીર્ણ થવા થી માલપુર રાવજીએ ત્યાં આવી ભુવનેશ્વર મહાદેવ નું સુંદર કલામય મંદિર બંધાવ્યું તે સમય નો શિલાલેખ મહાદેવના મંદિરમાં પ્રત્યક્ષ દિવાલ ઉપર રાખવામાં આવેલ છે આ શિવાલય જીર્ણ થવાથી બારડોલીના દાનવી જઈ શ્રી મગનલાલ શંકરલાલ કપૂર વાળાએ મંદિરનો રૂપિયા એક લાખના ખર્ચે જીર્ણોદ્ધાર કરાવી સંવત 1983માં અક્ષય તૃતીયાના દિવસે શિવાજી પરિવાર દેવતાઓની પ્રતિષ્ઠા કરાવી.

                 અહીં શિવરાત્રી અને શ્રાવણ માસના સોમવારે હજારોની સંખ્યામાં શિવભક્તો દર્શન માટે ઉમટે છે. ચોમાસા દરમ્યાન છલોછલ ભરેલું હાથમતી જલાગાર, લીલીછમ વનરાજી નું દૃશ્ય મનમોહક હોય છે. 
શ્રી ભુવનેશ્વરનું તીર્થસ્થાન ગુજરાત રાજ્યના અરવલ્લી જિલ્લામાં ભિલોડા તાલુકામાં આવેલું મોટું તીર્થધામ છે. પ્રાકૃતિક સૌંદર્ય, શુદ્ધ હવા, નિર્મળ જળ, એકાંત સ્થળ , પવિત્ર ભૂમિના દર્શનાર્થે આવતા લાખો દર્શનાર્થીઓ પરમ આનંદ પ્રાપ્ત કરે છે.


 ( અરવલ્લીમાં આવેલ  વધુ એક તીર્થ ધામ વિશે જાણીશું આવતા સોમવારે )

લેખન :ઈશ્વર પ્રજાપતિ 
(આપના પ્રતિભાવ નીચે આપેલ whatsapp નંબર પર લખી મોકલી શકો છો )
(98251 42620)

નોંધ:- મિત્રો બ્લોગની લિંક આપ શેર કરી શકો છો પરંતુ મિત્રો મારા બ્લોગના આર્ટિકલ્સને પોતાના નામે ચડાવી વાયરલ કરવાનો અવિવેક ન કરવા વિનંતી

Thursday, March 28, 2019

વ્યક્તિ વિશેષ : શ્રી ધીરુભાઈ વી. પટેલ

એક ઉત્કૃષ્ટ માનવી, સ્વયં એક 'સંસ્થા' 

શ્રી ધીરુભાઈ વી. પટેલ


  અરવલ્લી, સાબરકાંઠા અને આસપાસના જિલ્લાઓના જરૂરિયાતમંદ પરિવારોની આરોગ્ય લક્ષી સેવાઓ માટે અરવલ્લી જિલ્લાની વાત્રક હોસ્પિટલ સાચા અર્થમાં આજે આરોગ્ય ધામ બની છે.   સાબરકાંઠા જિલ્લા આરોગ્ય મંડળની સ્થાપના પૂર્વ કેન્દ્રીય આરોગ્ય મંત્રી અને ગરવા ગુજરાતી એવા શ્રી કે. કે. શાહે કરી હતી. આજથી વર્ષો પહેલા માં વડોદરાના મહારાજા શ્રી ફતેસિંહરાવ ગાયકવાડે આપેલ ખૂબ વિશાળ જમીનની ઉદાર સખાવત સાથે  બાયડ તાલુકાના વાત્રક ગામે  હોસ્પિટલની શરૂઆત  થઈ હતી. ભૂતકાળમાં તેના સંચાલનમાં અનેક મુશ્કેલીઓ હતી. એક સારી લોકઉપયોગી સંસ્થા બંધ થવાની અણી પર હતી. ત્યારે સ્વભાવે સાલસ, સૌજન્યશીલ અને ઓછાબોલા એવા વાત્રકના વહાલસોયા સંતાને તેના સંચાલનનું સુકાન સંભાળ્યું. તેઓએ ખૂબ જ જહેમત, સહયોગ અને ખંતથી  અતિ પછાત વિસ્તારના વંચિતોને સારી આરોગ્ય સેવા મળે તેવું સ્થાપકનું સ્વપ્ન સાકાર કરી દેખાડ્યું. આ નિસ્વાર્થ સેવાભાવી વ્યક્તિ વિશેષ એટલે  શ્રી ધીરુભાઈ પટેલ. 
     શ્રી ધીરુભાઈ પટેલની આત્મકથા "પરિશ્રમની પાંખે" એ સામાન્ય વ્યક્તિના અસામાન્ય પુરુષાર્થની ગાથા છે.  આ પુસ્તકની પ્રસ્તાવનામાં જાણીતા કટાર લેખક  અને વરિષ્ઠ પત્રકાર પદ્મશ્રી દેવેન્દ્રભાઈ પટેલ ખૂબ ઓછા શબ્દોમાં શ્રી ધીરુભાઈ પટેલની સંઘર્ષભરી જીવનયાત્રાનો સુંદર પરિચય કરાવે છે. તો આવો આજે પદ્મશ્રી દેવેન્દ્રભાઈ પટેલ સાહેબના શબ્દોમાં જ આ વ્યક્તિવિશેષ શ્રી ધીરુભાઈ પટેલનો પરિચય મેળવીએ.
"પરિશ્રમની પાંખે" પુસ્તકની પ્રસ્તાવનામાં પદ્મશ્રી દેવેન્દ્ર પટેલ નોંધે છે કે
         " સેવા કરવા માટે શાસક બનવું જરૂરી નથી. સેવા કરવા માટે ચૂંટણી લડવી જરૂરી નથી. સેવા કરવા માત્ર સત્તા જ જરૂરી નથી. સેવા કરવા માટે ધન-સંપત્તિની પણ જરૂર નથી. ગાંધીજીએ શાસક બન્યા વગર દેશની સેવા કરી. વિનોબા ભાવે એ પ્રધાન બન્યા વગર જ ભૂદાનની પ્રવૃત્તિ કરી. રવિશંકર મહારાજે અકિંચન રહીને સેવા કરી.
         કશીયે અંગત લાલસા વિના ગરીબ અને છેવાડાના માણસોની સેવા કરનારી વ્યક્તિઓના જૂજ નામ છે. અને તેમાં ગૌરવપૂર્ણ લઈ શકાય તેવું એક નામ છે - ધીરુભાઈ વી. પટેલ.
            M.Sc. થયેલા ધીરુભાઈ વી. પટેલ એ સાબરકાંઠા - હવે અરવલ્લીની પુણ્યભૂમિની પેદાશ છે. સાબરકાંઠા-અરવલ્લીએ જે અનેક સપૂતો પેદા કર્યા તેમાંના તેઓ એક છે. અત્યારે લોકો તેમને શ્રી કે. કે. શાહ સાબરકાંઠા આરોગ્ય મંડળ સંચાલિત શ્રીમંત ફતેસિંહરાવ ગાયકવાડ જનરલ હોસ્પિટલ વાત્રકના ચેરમેન તરીકે ઓળખે છે. કોઈપણ સંસ્થા માત્ર ઈમારતોથી કે ધનથી ચાલતી નથી દરેક સંસ્થાની સફળતા પાછળ કોઈ એક સમર્પિત વ્યક્તિની સેવા હોય છે વાત્રકની આ હોસ્પિટલને ફરી એકવાર માનવસેવાની ઉત્કૃષ્ટ સંસ્થા બનાવી છે. તેની પાછળ ધીરુભાઈ પટેલની નિષ્ઠા અને સમર્પણની ભાવના જવાબદાર છે.
                 વાત્રક ખાતેની આ જનરલ હોસ્પિટલ એવા સમયે ઊભી થઈ જ્યારે આ વિસ્તારમાં તબીબી સારવારની શ્રેષ્ઠ સેવાઓની ઉણપ હતી. ધીરૂભાઇ પટેલે કેટલાય વર્ષો પહેલા પિતાજીને સારવાર માટે દાખલ કરાવવા હતા. તેમના પત્નીની પણ અહીં સારવાર થયેલી. પરંતુ જીવનની શ્રેષ્ઠ કારકિર્દી પછીના ઉત્તરાર્ધમાં આ હોસ્પિટલને જ્યારે કોઈ સમર્થ અને સમર્પિત વ્યક્તિની જરૂરિયાત હતી ત્યારે જ ધીરુભાઈ પટેલ તેની કમાન સંભાળી. શહેરથી દૂરના અંતરિયાળ વિસ્તારમાં એક નદીના કાંઠે આવેલી એક જાહેર ટ્રસ્ટની હોસ્પિટલ માટે તબીબો સાચવવા તથા દર્દીઓને નજીવા દરે તબીબી સેવાઓ આપવી તે એક કપરું કામ હતું.
          પરિસ્થિતિ તો એવી હતી કે તેમણે આ હોસ્પિટલનું વ્યવસ્થાપન સંભાળ્યું ત્યારે હોસ્પિટલની હાલત કંગાળ હતી, કફોડી હતી. હોસ્પિટલમાં કૂતરાં ફરતા હતા, રાત્રે બિલાડા ફરતાં હતાં. હોસ્પિટલનો સીત્તેર નો સ્ટાફ નિરાશ અને હતાશ હતો. ક્યારેક તો ચાર જ ઇન્ડોર પેશન્ટ હોય. ઓપીડીમાં બાર જ દર્દી ડોક્ટરોમાં એક જનરલ સર્જન અને તેમની પાસે કોઈ કામ જ નહીં.
          મૃત્યુની શૈયા પર સુતેલી વાત્રકની શ્રીમંત ફતેસિંહરાવ ગાયકવાડ જનરલ હોસ્પિટલમાં પ્રાણ પૂરવાનું કામ ધીરૂભાઇ પટેલે કર્યું. પહેલા તેઓ હોસ્પિટલના પ્રશ્નો સમજ્યા પછી તેના ઉકેલના રસ્તા શોધી કાઢ્યા. જયાં જયાં અડચણો હતી ત્યાં ત્યાં તેઓએ મુશ્કેલીઓ દૂર કરવાની શરૂઆત કરી. એમ કરવામાં તેમને અનેક મુશ્કેલીઓ નડી, પરંતુ પોતાની કુશાગ્ર બુદ્ધિ અને સ્વચ્છ વહીવટની યોજના કારણે તેમણે આ હોસ્પિટલને ફરી ધમધમતી કરી દીધી. ધીરુભાઈ પટેલના પ્રયાસથી હોસ્પિટલને ધીમે-ધીમે ડોક્ટરો પણ મળતા ગયા. દાનનો નવો પ્રવાસ શરૂ થયો. રાત દિવસના ઉજાગરા અને વારંવાર ગાંધીનગરના આંટાફેરાની મહેનત છેવટે રંગ લાવી.
            ફરી એકવાર ગરીબ અને સામાન્ય પરિવાર માટેનું એક આરોગ્ય મંદિર પુનઃ પગભર થયું.જાણે કે તેમાં ફરીથી પ્રાણ પ્રતિષ્ઠા થઈ.
જાણે કે શૂન્યમાંથી ફરી સર્જન થયું ડોક્ટર સુબ્રહ્મણ્યમ સ્વામી જેવા સાંસદ પણ આ હોસ્પિટલની મુલાકાતે આવ્યા. નોંધપાત્ર વાત એ છે કે ધીરૂભાઇ પટેલે સ્વચ્છ અને પારદર્શક વહીવટના જ આગ્રહી રહ્યા. એ કારણસર જ નવા દાતા હોય તેમની પર ભરોસો મૂકીને દાનનો પ્રવાહ વહેવડાવ્યો.
ધીરુભાઈ પટેલના પ્રયાસોના કારણે વાત્રક ની હોસ્પિટલ ને હવે મેડિકલ કોલેજ પણ મળશે.
           ધીરુભાઈ પટેલનું ગામ વસાદરા. કોઈ જમાનામાં રસ્તા વીજળીની સુવિધા વગરના આ નાનકડા ગામથી શરૂ થયેલી તેમની જીવન યાત્રા અનેક નાટયાત્મક પ્રસંગોથી ભરેલી છે. તેમનું જીવન સ્વયં એક નવલકથા છે. તેમની એ જીવનની શરૂઆતમાં અનેક તકલીફો વેઠીને M.Sc. સુધીનો અભ્યાસ કર્યો. તેઓ નાના હતા ત્યારે બળદગાડું પણ ચલાવ્યું છે. બળદગાડું ચલાવતાં ચલાવતાં ખાડામાં પણ ગબડયાછે. કોલેજમાં મેથેમેટિક્સના લેક્ચરર તરીકે પણ સેવાઓ આપી છે. તેમનું ઘણું બધું જીવન વ્યવસાયિક જરૂરિયાતોના કારણે આણંદ વલ્લભવિદ્યાનગરમાં પસાર થયું. અહીં પણ તેમણે એક આગવી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી. આમ જોવા જઈએ તો આણંદને જ તેમણે પોતાનું વતન બનાવી દીધું હતું. પરંતુ પોતાની માતૃભૂમિમાં આવેલી હોસ્પિટલ તેમને ફરી એકવાર વતનની સેવા માટે પાછા લઈ આવી.
         જીવનકાળ દરમિયાન તેઓ પ્રવાસના શોખીન રહ્યા. નાના અંબાજી અને માઉન્ટ આબુ સુધી પદયાત્રા કરી. કશ્મીરનો પણ પ્રવાસ કર્યો. અમેરિકા પણ ગયા. દેશના અન્ય હિલ-સ્ટેશનો એ પણ ફર્યા અજંતા-ઇલોરાની ગુફાઓ પણ નિહાળી. ચારધામ યાત્રા પણ કરી. વિશ્વના અન્ય દેશોમાં પણ ફર્યા. આટલા બધા વિસ્તૃત પ્રવાસના કારણે તેમના વ્યક્તિત્વ સમજણ જ્ઞાન અને પ્રતિષ્ઠાને એક નવું જ સ્વરૂપ મળ્યું.
                 આજે ધીરુભાઈ પટેલ તેમના જીવનના શ્રેષ્ઠતમ ગૌરવપૂર્ણ શિખર પર છે. આ બધું જ તેમના અંગત લાભ માટે નહીં, પરંતુ લોક સેવા માટે જ હાંસલ કર્યું. તેનો મને વિશેષ આનંદ છે તેમનું શેષ જીવન પણ આવું જ ઉત્કૃષ્ટ રહે અને પ્રજાકીય સેવાના કામોમાં એવું વ્યસ્ત રહે તેવી અમારા જેવા તેમના મિત્રોની અભિલાષા છે ધીરુભાઈને લાંબા નીરોગી અને સુંદર જીવન માટે હૃદયથી શુભેચ્છાઓ."

(અરવલ્લીના વિરલ વ્યક્તિ વિશેની રસપ્રદ વતો જાણીશું આવતા ગુરુવારે...)   

લેખન-સંકલન : ઈશ્વર પ્રજાપતિ
આપ આપના પ્રતિભાવ નીચેના whatsapp no. પર લખી મોકલી શકો છો.
(98251 42620)

નોંધ:- મિત્રો બ્લોગની લિંક આપ શેર કરી શકો છો પરંતુ  બ્લોગના આર્ટિકલ્સને પોતાના નામે ચડાવી વાયરલ કરવાનો અવિવેક ન કરવા વિનંતી. 

Monday, March 25, 2019

આપણો જિલ્લો, આપણું વતન:અરવલ્લી ભાગ -8

અરવલ્લી જીલ્લાના તીર્થધામો 

સ્વયંભૂ પ્રગટ માઁ અંબાનું પ્રાગટય ધામ ઇટાડી

        
            

          અરવલ્લી જિલ્લાનું મોડાસા તાલુકાનું એક ખોબા જેવડું ગામ ઈટાડી. માંડ બે હજારની વસ્તી ધરાવતું આ નાનકડું ગામ રોચક અને પવિત્ર ઇતિહાસ ધરાવે છે. રજવાડાઓના સમયથી આ ગામનું વિશેષ મહત્વ રહેલું છે. જગત જનની માઁ અંબાનું પવિત્ર તીર્થ ધામ બન્યું છે. વર્ષે દહાડે લાખો ભક્તો અહીં દર્શનાર્થે આવે છે. શું છે માઁ અંબાનો પ્રાગટય ઈતિહાસ?? આવો આજે જાણીએ  પવિત્ર યાત્રાધામ ઇટડીના રોચક ઇતિહાસ વિશે.
      અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક થી માત્ર 13 કિ. મી. અંતરે આવેલ જગત જનની જગદંબા અંબેમાઁનું પ્રાચીન મંદિર આવેલું છે. આ મંદિર નો વહીવટ સ્વતંત્રતા પહેલાં બ્રિટિશ શાશન સમયમાં ઇડર સ્ટેટ ના મહારાજા દ્વારા થતો હતો. એ સમય માં રાજાઓ પોતાના સ્ટેટ નો વિસ્તાર કરવા નજીકના સ્ટેટ પર ચડાઈ કરતા. ઇડર સ્ટેટના રાજાએ પણ એ સમયે આંબલિયારના મહારાજા પર ચડાઈ કરેલી. જેમાં ઈડરના મહારાજાએ ચડાઈ કરતાં પહેલાં પ્રતિજ્ઞા કરેલી કે જો હું વિજય બનીશ તો ચડાઈ કરીને પરત આવતાં રસ્તામાં જે ગામમાં રાત્રી રોકાણ કરીશ તે ગામ મોટા અંબાજીના થાળમાં અર્પણ કરીશ. અને ચડાઈ દરમ્યાન ઇડરના મહારાજા નો વિજય થયો. અને પરત ફરતાં મહારાજાએ ઇટડી ગામમાં રાત્રી વસો કર્યો. પોતાની પ્રતિજ્ઞા પ્રમાણે ઈડરના મહારાજાએ ઇટડી ગામને મોટા અંબાજીના થાળમાં અર્પણ કરેલું.
       આ પરાજય થી આંબલિયારા ના મહારાજા બરાબરના છંછેડાયા. આંબલિયારા ના મહારાજના દિલમાં પ્રતિશોધની આગ પ્રજ્વલિત બની. અને કારમા પરાજયનો બદલો લેવા માટે આંબલિયારાના મહારાજાએ હવે ઇડર સ્ટેટનો ભાગ ગણાતું ઈટાડી ગામ પર ચડાઈ કરવાનું નક્કી કર્યું. આંબલિયારા ના મહારાજાએ ઈટાડી પર ચડાઈ કરી ગામના તમામ ઢોર આંબલિયારા હાંકી ગયા. ગામનું બધું પશુધન લૂંટાઈ ગયું. લૂંટાઈ જવાથી ભયગ્રસ્ત બનેલા લોકો એ માઁ આદ્યશક્તિને સ્મરણ કરી આકરી ટેક લીધી કે જ્યાં સુધી આંબલિયારા મહારાજા લૂંટી ગયેલ પશુધનને પરત ન મૂકી જાય ત્યાં સુધી ગામની સ્ત્રીઓ પોતાના નવજાત સંતાનોને સ્તનપાન નહીં કરાવે. ગામલોકોએ ભેગા મળી દેવી શક્તિને અંતઃકરણ પૂર્વક પ્રાર્થના કરી. આવી આકરી પ્રતિજ્ઞાથી ગામના નવજાત શિશુઓ માતાના ધાવણ માટે ટળવળવા લાગ્યા. લૂંટાઈ ગયેલું પશુધન પરત લાવવા ગામની માતાઓએ હ્રદય પર પથ્થર મૂકી લીધેલી કઠોર ટેકને વળગી રહી. અને માઁ અંબાને વિનવણી કરવા લાગી.
                  આવા દૃઢ સંકલ્પથી ઇટડીની ધરામાં આછોપી રહેલી માઁ અંબાની મૂર્તિમાં ચૈતન્ય પ્રગટ્યું. અને એ જ રાત્રીએ માઁ અંબા આંબલિયારા મહારાજાને સપનું આપ્યું. સપનામાં માઁ અંબાએ કોપાયમાન રૂપ ધરી પરચો આપ્યો અને કહ્યું " આંબલિયારાના મહારાજા! તે ભાન ભૂલી ને આ શું અનર્થ કરી નાખ્યો ??? પરાજય નો બદલો લેવા અબોલ પશુઓ પર અત્યાચાર ગુજાર્યો! તારા પાપે નવજાત શિશુઓ માતાના દૂધ માટે ટળવળે છે." માતાજીનું કોપાયમાન રૂપ જોઈ મહારાજા એ પગે પડી અંતઃકરણ પૂર્વક માફી માંગી. અને પોતાના થી થયેલા પાપના નિવારણ માટે માર્ગ બતાવવા માઁ અંબા ને આજીજી કરી. માઁ અંબા એ માફી બક્ષી અને જણાવ્યું કે " તમામ પશુધન અત્યારે જ ઈટાડી પાછા મૂકી આવો. અને ઈટાડી તળાવમાં ખોદકામ કરી જે મૂર્તિ મળી આવે તેનું વિધિવત સ્થાપન કરી મંદિર બંધવશો એમાં જ તમારું કલ્યાણ થશે." એમ કહી માઁ અંબા સપના માં અદૃશ્ય થઈ ગયાં.
          આ સપનાની વિગત અનુસાર આંબલિયારા મહારાજા એ તમામ પશુધન ઈટાડી ગામે પરત મૂકી આવી અહીં આવેલ તળાવનું ખોદકામ આરંભ્યું. ખોદકામ દરમિયાન માઁ આંબાની મૂર્તિ મળી આવી. અને એ તેજોમય મૂર્તિનું એ તળાવની પાળે વિધિવત સ્થાપન કરી મંદિર બંધાવ્યું.

        ત્યારથી ઈટાડી ગામની મહેસુલી આવક તથા અન્ય આવક વગેરે તમામ વહીવટ મોટા અંબાજીના વહીવટદાર મારફતે કરવામાં આવતો. તેમજ ઈટાડી મંદિરની સેવા પૂજા તથા વહીવટ અંગેનો ખર્ચ મોટા અંબાજી મંદિર તરફથી ચૂકવાતો. ગામનું મહેસૂલ અંબાજી મંદિરના વાહીવટદારે સ્વીકાર્યા બદલની પહોંચો ઈટાડીના સ્થાનિક નાગરિકો પાસે આજે પણ મોજુદ છે. એટલું જ નહીં પરંતુ તત્કાલીન સમયે મંદિર વિશેનો તામ્રપત્ર લેખ પણ આજે મોજુદ છે. જે સાચવીને રાખવામાં આવ્યો છે.
          સને 1969ના વર્ષમાં દેવસ્થાન ધારો અમલમાં આવતાં ઈટાડી ગામનું મંદિર ના સરકારનું કે ના મોટા અંબાજીનું એવી પરિસ્થિતિ નિર્માણ પામી. પરિણામે ઈટાડી મંદિર નો ખર્ચ મોટા અંબાજી મંદિર તરફથી મળતો બંધ થયો. અને આ મંદિરની સેવાપૂજા અને વહીવટી ખર્ચની જવાબદારી ગામલોકોના શિરે આવ્યો.

          આ મંદિર મોટા અંબાજીના તાબાનું મંદિર હતું. ઇતિહાસના પ્રમાણો સાથે ઈટાડી ગામના આગેવાનોએ સરકારશ્રીમાં અને મોટા અંબાજી દેવસ્થાન ટ્રસ્ટમાં રજુઆત કરતાં મોટા અંબાજીના ટ્રસ્ટે ઈટાડી મંદિરના જીર્ણોદ્ધાર માટે દસ લાખ જેટલી માતબર રકમ મંજુર કરી હતી.
               હાજરે હજુર માઁ અંબાના પરચા અપરંપાર છે. હાલ શ્રી ઈટાડી અંબાજી આશાપુરા વિકાસ ટ્રસ્ટ દ્વારા મંદિરનો સુંદર વહીવટ કરવામાં આવી રહ્યો છે. ગામના તળાવની પાળે આવેલ આ મંદિર માત્ર ઈટાડી ગામનું જ નહીં પરંતુ અરવલ્લીની શોભા છે. માઁ અંબા અહીં બિરાજે છે. અત્યારે દર પૂનમે અનેક શ્રધ્ધાળુઓ દર્શને આવે છે. ભાદરવી પૂનમે મોટા અંબાજી ન જઈ શકતા માઁ અંબાના ભક્તો પગપાળા અહીં દર્શને આવે છે. હજારોની સંખ્યામાં માનવમેદની ઉમટે છે. અહીં નવરાત્રીનું પણ ભવ્ય આયોજન કરવામાં આવે છે . ચૈત્રી પૂનમે મહોત્સવનું માહાત્મ્ય અનોખું છે. હજારોની સંખ્યામાં ભક્તો આવે છે . માઁ ના દર્શનનો લાભ લે છે. અને મહા પ્રસાદી નો પણ આયોજન થાય છે. અહીં આવેલ યાત્રીકોને રોકવા માટે ધર્મશાળા અને જમવા માટે ભોજન શાળાનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે.
        માઁ અંબામાં અનન્ય આસ્થા ધરાવતા ભક્તોનો ધસારો દિન પ્રતિદિન વધતો જ રહે છે. અને માઁ અંબા ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે.

 ( અરવલ્લીમાં આવેલ  વધુ એક તીર્થ ધામ વિશે જાણીશું આવતા સોમવારે )

લેખન :ઈશ્વર પ્રજાપતિ 
(આપના પ્રતિભાવ નીચે આપેલ whatsapp નંબર પર લખી મોકલી શકો છો )
(98251 42620)

નોંધ:- મિત્રો બ્લોગની લિંક આપ શેર કરી શકો છો પરંતુ મિત્રો મારા બ્લોગના આર્ટિકલ્સને પોતાના નામે ચડાવી વાયરલ કરવાનો અવિવેક ન કરવા વિનંતી

Thursday, March 21, 2019

વ્યક્તિ વિશેષ : યાહ્યા સપાટવાલા

           સમાજમાં જ્ઞાનનો પ્રકાશ પાથરનાર પ્રજ્ઞાચક્ષુ પ્રેરણા મૂર્તિ યાહ્યા સપાટવાલા


                યાહ્યા સપાટવાલા સર 
           કોણ છે યાહ્યા સપાટવાલા સર  કે આજે વ્યક્તિ વિશેષ માટે અરવલ્લીની   સીમાઓ ઓળંગી છેક વડોદરા સુધી જવા મન મજબૂર બન્યું ?  જેઓએ અથાગ પરિશ્રમ થકી કુદરતે બક્ષેલી નબળાઈઓને તાકાતમાં પલટી. કુદરત તરફથી મળેલ શારીરિક નબળાઈને તેઓએ કુદરતની અણમોલ ભેટ સમજી સહર્ષ સ્વીકારી પડકારોને સતત પડકારી સફળતાનાં ઉચ્ચ આયામો સર કર્યા. આવો આજે પરિચય મેળવીએ એવા મધમધતુ વ્યક્તિત્વ એટલે કે યાહ્યા સપાટવાલા સર વિશે    
          ગુજરાતના શિક્ષણ જગતમાં ભાગ્યે જ કોઈ એવું વ્યક્તિ મળે કે જે આ નામ થી અપરિચિત હોય!! યહ્યા સપાટવાલા સરને કુદરતે રૂપાળી બે આંખો આપી પરંતુ સુંદર સૃષ્ટિ જોવા દૃષ્ટિ ન આપી. આંખો તો ખૂબ રૂપાળી પરંતુ મગજ સુધી સંદેશો પહોંચાડતી ચેતાઓ સંપૂર્ણ નિષ્ક્રિય. પિતા હકીમુદ્દીનભાઈ પોતે અંધ, તેઓનું પહેલું સંતાન અંધ અને બીજું સંતાન એટલે યહ્યા પણ અંધ. આખા પરિવાર માં જાણે યુગો યુગોનો અંધાર વારતાતો હતો. ત્યારે પ્રેમાળ દાદીમાએ કુદરત સામે બાથ ભીડી લેવાનો નીર્ધાર કર્યો. 
             ઘરની આર્થિક પરિસ્થિતિ તો ખૂબ નબળી આવી પરિસ્થિતિમાં સંતાનને ભણાવવું કેમ પોસાય !! પરંતુ બાળપણથી પ્રજ્ઞાચક્ષુ યાહ્યા સરની હોશિયારી જોઈ સૌ પ્રભાવિત થયાં અને સૌએ મદદ કરી ત્યારે તેઓને અમદાવાદની બહેરા મૂંગાની શાળામાં પ્રવેશ અપાવ્યો. આ શાળા માં ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો . એ દરમિયાન શાળા ના આચાર્યશ્રી હર્ષદ ભાઈએ યાહ્યા સરનું નૂર પારખી લીધું. અને વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લેતા કર્યા, ખૂબ પ્રોત્સાહન પૂરું પાડ્યું. સફળતાના સોપાનો સર કરવાનો આત્મવિશ્વાસ જગાવ્યો. આ શાળાના વિમાળાબેન શાહ અને બીજા શિક્ષિકો તરફથી મળેલા અનન્ય પ્રેમે યાહ્યા સરનું જીવન ભર્યું ભર્યું બનાવ્યું.

            ... અને યાહ્યા સરનું વ્યક્તિત્વ સોળે કળાએ ખીલવા લાગ્યું. શાળામાં યોજાતી તમામ પ્રવૃત્તિઓમાં ભાગ લઈ ઉત્કૃષ્ઠ પ્રદર્શન કર્યું. અને ધોરણ 10 માં સારા ટકા સાથે ઉત્તીર્ણ કર્યું.ધોરણ 11 -12 માટે બલાઇન્ડ પીપલ એસોસિએશન વસ્ત્રાપુર માં પ્રવેશ મેળવ્યો . ત્યાં પણ તેઓની પ્રતિભા છાની ન રહી. ધોરણ 12 માં પણ ખૂબ સારા ટકા સાથે ઉત્તીર્ણ થયા.
                 કુદરતે રસ્તામાં નાખેલા પથ્થરોને બરાબર ગોઠવી તે જ પથ્થર ની સીડી બનાવી ઊંચાઈ પર ચડવાનું યાહ્યા સરે શીખી લીધું હતું.
            યાહ્યા સરે મુખ્ય વિષય ગુજરાતી રાખી અમદાવાદ ની સેન્ટ ઝેવિયર્સ     કોલેજમાં પ્રવેશ મેળવ્યો. કોલેજ પાઠ્યક્રમ ના પુસ્તસ્કો બ્રેઇલમાં ઉપલબ્ધ ન હોવાને કારણે તેઓએ ઓડિયો કેસેટ પર આધાર રાખવો પડતો. પરંતુ કોલેજ કાળ દરમિયાન તેઓને એવા મિત્રો સાંપડ્યા કે યાહ્યા સરને ક્યારેય અંધત્વનો અહેસાસ જ ન થવા દીધો. અભ્યાસકાળ દરમિયાન અન્ય પડકારો પણ ખૂબ હતા આ પડકારોને પણ તેઓએ પ્રેમ થી સ્વીકાર્યા.
          અધ્યાપકોનું માર્ગદર્શન અને મિત્રોના સહકારથી યાહ્યા સર અન્ય દૃષ્ટિવાન વિદ્યાર્થીઓને અભ્યાસમાં હંફાવતા.1991 માં T.Y ના પરિણામના એ દિવસો યાદ કરતા યાહ્યા સરની આંખોમાં અનોખી ચમક ઉતરી આવે છે. પ્રજ્ઞાચક્ષુ યાહ્યા સરની સ્પર્ધા દેખાતા વિદ્યાર્થીઓ સાથે હતી એમ છતાં ધગશ અને ભગીરથ પુરુષાર્થ થકી તેઓ બાજી મારી ગયા અને સમસ્ત ગુજરાત યુનિવર્સિટીમાં પ્રથમ ક્રમે આવી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો.

          કોલેજમાં અભ્યાસની સાથે સાથે તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા યોજાતી બુધ સભાઓ પણ ચુકતા નહીં. અને ત્યારથી જ ઉરની વેદનાઓ, લાગણીઓ અને સંવેદનાઓ ને કવિતાના રૂપમાં ઢાળતા થયા. કાવ્ય પઠન સંદર્ભે સંત શિરોમણી પૂ. મોરારીબાપુએ જાહેરમાં તેઓનું સન્માન કર્યું.
            1992 માં B. Ed પૂરું કર્યું. અને ત્યારબાદ ગુજરાત બહાર અભ્યાસ કરવાની તેઓની તમન્ના હતી. તેથી તેઓ M.A ના અભ્યાસ માટે મુંબઈ યુનિવર્સિટી માં પ્રવેશ મેળવ્યો.
અથાગ પરિશ્રમ નો કોઈ વિકલ્પ નથી હોતો. મુંબઈ અભ્યાસ દરમિયાન તેઓએ ન જોયો દિવસ કે રાત બસ ખંત થી અભ્યાસમાં મહેનત કરે રાખી. અને આખરે મહેનત રંગ લાવી. 1994 માં યુનિવર્સિટી ઓફ બોમ્બેમાં MA માં પ્રથસ આવી પુનઃ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો. અંધત્વની મર્યાદા ઓળંગી યાહ્યા સરે બધાને વિચારતા કરી દીધા. આ તેઓના વિશ્વાસની જીત હતી, તેઓની પોતાના જાત પરની શ્રદ્ધાની જીત હતી.
            એક સામાન્ય પરિસ્થિતિમાંથી આવતા એક અંધ વ્યક્તિ મુંબઈ યુનિવર્સિટી માં પ્રથમ આવી શકે છે એ યાહ્યા સરે સાબિત કરી આપ્યું એટલું જ નહીં એ સમયમાં ગુજરાતના ગણ્યા ગાંઠ્યા વિદ્યાર્થીઓ જ NET ની પરીક્ષા પાસ કરી શકતા એ સમયે યાહ્યા સરે NET પણ પાસ કરી પોતાની કાબેલિયતનો પુરાવો આપ્યો. અને P.hd કરવાની ફેલીશિપ મેળવી. પ્રખર વિદ્વવાન હરિવલ્લભ ભાયાણી સાહેબના માર્ગદર્શન હેઠળ 1994 માં P.hd નો અભ્યાસ ચાલુ કર્યો.
                એ વર્ષ દરમિયાન યાહ્યા સરે એક નવું જ સાહસ ખેડવાનો મનસૂબો ઘડ્યો. અને એમનુ હિમાલય જેવડું સાહસ એટલે હિમાલયનું આરોહણ. જ્યાં સામાન્ય માણસે પણ વિચારવું પડે કે એક ડગ ભર્યા પછી બીજું ડગ ક્યાં માંડવુ! એક બાજુ સફેદ લીસો બરફ અને બીજી બાજુ નજર પણ ન પહોંચે એવી ઊંડી ખીણો. પ્રતિકૂળ પરિસ્થિતિ વચ્ચે મિત્રોના દિશા સૂચન પ્રમાણે ડગ માંડતા ગયા. દૃડ મનોબળ અને મિત્રોના સહકાર થી તેઓએ 12000 ફૂટ ની ઊંચાઈ સુધી હિમાલય નું આરોહણ કર્યું.

          અંધત્વની મર્યાદાને કારણે તેઓ ક્યારેય હાથ પર હાથ મૂકી બેસી નથી રહ્યા.લ્યુઈ બ્રેઇલ ના જન્મ દિવસે દૂરદર્શન પર થી પ્રસારિત થતા સમાચારો નું તેઓએ અનેકવાર પઠન કર્યું છે. આકાશવાણી પર પણ તેઓનો મધુર આવાઝ અવાર નવાર સાંભળવા મળે છે. રાજ્ય સરકાર દ્વારા બાયસેગ ચેનલ પર થી પ્રસારિત થતા અનેક શૈક્ષણિક કાર્યક્રમો તેઓ કરી ચુક્યા છે.
શુભાષ શાહના 'આઘાત ' નાટકમાં તેઓએ મુખ્ય પાત્ર ભજવી બતાવ્યું ત્યારે અભિનેતા ઓ એ આવક બની યાહ્યા સરનો અભિનય નિહાળ્યો. 'બારી' નાટકમાં સહ દિર્ગદર્શન પણ કર્યું.
           સામાન્ય વ્યક્તિઓ નોકરી મેળવવાના ફાંફા મારવા પડતાં હોય છે ત્યારે યાહ્યા સરે પોતાની કાબેલિયત ના જોરે 1999 માં વડોદરા જિલ્લા શિક્ષણ તાલીમ ભવન માં અધ્યાપક તરીકેની પ્રતિષ્ઠિત નોકરી મેળવી. જ્યાં તેઓ આજે ફરજ બજાવે છે. શિક્ષણ ની ધૂણી ધખાવીને બેઠા છે. GCRTE અને NCRTE દ્વારા તૈયાર કરવામાં આવતાં ગુજરાતીના પાઠ્યપુસ્તકો માં લેખક તરીકેની તેઓની ભૂમિકા મહત્વની રહી છે. એ ઉપરાંત ભાષાને લાગતાં તમામ મોડ્યુલ લેખન હોય કે પ્રજ્ઞાનું સાહિત્ય નિર્માણ તમામ કાર્યમાં તેઓની સેવા બિરદાવવા લાયક રહી છે. તેઓના ઉમદા સેવા કર્યો બદલ અનેક સંસ્થાઓ એ એવોર્ડ આપી સન્માનિત કર્યા છે. તાજેતરમાં જ IIM સાથે સંકળાયેલ અનિલ ગુપ્તા સરની પ્રતિષ્ઠિત સંસ્થા સૃષ્ટી દ્વારા રાષ્ટ્ર કક્ષાએ શિક્ષણ ક્ષેત્રે ઉમદા સેવાઓ આપવા બદલ યહ્યા સપાટવાલા સરને સન્માનવામાં આવ્યા.

                તાલીમાર્થીઓના ઇન્ટનશીપ દરમિયાન અનેક અગવડો વેઠી વડોદરા જિલ્લાના અંતરિયાળ ગામડાઓમાં જાય છે. ગામડાની આદિવાસી, ભોળી, નિરક્ષર પ્રજાને ભણાતરનું મૂલ્ય સમજાવે છે. પોતાના જીવનમાં કુદરતે ભલે ઘોર અંધકાર પાથર્યો હોય પણ યાહ્યા સર બીજાના જીવનમાં જ્ઞાન નો પ્રકાશ પાથરવા મથી રહ્યા છે.
             જિલ્લા શિક્ષણ તાલીમ ભવનમાં તેઓ સર્વેના પ્રિય છે. તાલીમાર્થીઓ યાહ્યા સર ના તાસનો ઈંતઝાર કરતા હોય છે. સતત નવું જ્ઞાન પીરસતા રહે છે. ક્યારેક મોજમાં આવી મધુર કંઠે ગઝલ પણ લાલકારે. તેઓ બાળકો સાથે બાળક બની જાય છે. બાળગીતો અને બલવાર્તાઓનો તો જાણે ખજાનો ભર્યો પડ્યો છે તેઓની પાસે. બીજા શબ્દોમાં કહું તો યાહ્યા સર ગિજુભાઈ નું આધુનિક રૂપ છે. યાહ્યા સરને જોઈ બાળકો ઘેલમાં આવી જાય છે. બાળકો ગળે લટકી પડે છે. દૃષ્ટિવાન ને શરમાવે એ રીતે કોમ્પ્યુટર ચલાવી જાણે છે. સામાન્ય માણસ કરતા વધારે સારી રીતે તમામ આધુનિક ઉપકરણો વાપરી શકે છે. એન્ડ્રોઇડ ફોન પણ ખૂબ સારી રીતે ઓપરેટ કરી જાણે છે. કોઈની પણ આંગળી પકડ્યા વીણા વડોદરા ડાયટ માં ગમે ત્યાં દોડતા જાય છે.
           પોતાના કામ પોતાની જાતે કરવામાં યાહ્યા સરને આનંદ આવે છે. તેઓ પોતાના કપડાને ઈસ્ત્રી જાતે કરે છે. પોતાની સ્ટાઈલિસ્ટ ફ્રેન્ચ કટ શેવિંગ પણ જાતે જ કરે છે.

       યાહ્યા સર અંધ છે તેઓના મોટા ભાઈ અંધ છે અને તેઓના પિતા શ્રી પણ અંધ છે આ વાત સુપેરે જાણ્યા પછી પણ ભવિષ્યમાં પડનારી મુશ્કેલીઓ ની પરવા કર્યા વિના અમદાવાદ ના અરવા બેને યાહ્યા સર સાથે લગ્નગ્રંથી થી જોડાયા. સંપૂર્ણ દૃષ્ટિ ધરાવતા અરવા બેન નું આ ક્રાંતિકારી પગલું ભરી તેઓએ સમાજમાં એક આદર્શ દાખલો બેસાડી સૌને વિચારવા મજબૂર કર્યા છે.
         પ્રેમાળ સ્વભાવને કારણે યાહ્યા સર ખૂબ મિત્રોનો આદર પામ્યા છે. યાહ્યા સર પોતાનું દિલ ખોલે છે ત્યારે કહે છે " કુદરતે થોડું લીઇ ઘણું આપી દીધું છે. મને મારા અંધત્વને કારણે આટલા પ્રેમાળ મિત્રો મળ્યા, એમનો એટલો સ્નેહ મળ્યો છે કે ભગવાન અનેક જન્મોનો અંધાપો આપે તો એનો મને રંજ નથી."

(સંદર્ભ : કભી કભી )
(અરવલ્લીના વિરલ વ્યક્તિ વિશેની રસપ્રદ વતો જાણીશું આવતા ગુરુવારે...)   

લેખન : ઈશ્વર પ્રજાપતિ
આપ આપના પ્રતિભાવ નીચેના whatsapp no. પર લખી મોકલી શકો છો.
(98251 42620)

નોંધ:- મિત્રો બ્લોગની લિંક આપ શેર કરી શકો છો પરંતુ  બ્લોગના આર્ટિકલ્સને પોતાના નામે ચડાવી વાયરલ કરવાનો અવિવેક ન કરવા વિનંતી. 

Monday, March 18, 2019

આપણો જીલ્લો, આપણું વતન : અરવલ્લી ભાગ -7

અરવલ્લીમાં આવેલાં પવિત્ર તિર્થધામો 

દેવરાજ ધામ 



            અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસાથી પાસે આવેલ દેવરાજ ધામ અરવલ્લીનું અનમોલ ઘરેણું સમ શોભી રહ્યું છે. અરવલ્લીની વૃક્ષાચ્છાદિત ગિરિમાળાની એક ઉચ્ચ ગિરી શિખર પર દેવરાજ ધામ સ્થિત છે. શહેરના પ્રદુષણ અને ઘોઘાટથી બિલકુલ દૂર નયન રમ્ય પ્રાકૃતિક વાતાવરણ વચ્ચે વિકસેલું આ ધામ 700 વર્ષ પહેલાનો ભવ્ય વારસો સાચવીને બેઠું છે. શિખર પરથી ચોતરફ નજર માંડતા અદ્ભૂત કુદરતી સૌંદર્યથી મન મંત્રમુગ્ધ બની જાય છે. આવો આજે આ પવિત્ર ધામનો પરિચય મેળવીએ.
             આશરે સાતસો વર્ષ પહેલાંની વાત છે. ગુજરાતના સોરઠ પ્રદેશમાં ઉબેણ' નદીને કાંઠે આવેલ વંથલી ગામ. આ ગામમાં નિવાસ કરતા ઉદાઅંબોટી અને સોનાબાઈ નિઃસંતાન દંપતી હતાં. તેમના ધર્મગુરુ સંતશ્રી શોભાજીના આશીર્વાદથી શિવલયના પખાલના પુષ્પોમાંથી એક બાળક પ્રાપ્ત થાય છે. ભક્તિ પારાયણ દંપતીએ દેવના દીધેલ આ દીકરાનું નામ દેવો રાખ્યું. એક વાર એવું બન્યું કે આ દેવો સાધુ સંતો સાથે તરણેતરના મેળામાં જાય છે. ત્યાં જુદી જુદી જગ્યાએથી સાધુ મહાત્મા ઓ આવ્યા હતા. ધાર્મિક ચર્ચાઓ દરમિયાન તેઓના માનસ પર એક મહાત્માનો અદભુત પ્રભાવ અનુભવાયો. તે દિવસથી સંસાર પર થી તેઓનું મન ઉતરી સન્યાસ તરફ ખેંચવા લાગ્યું.
તરણેતરના મેળા માંથી પરત વતન વંથલી જવાના બદલે તેઓ ગિરનાર પહોંચી ગયા.ગિરનારની અડાબીડ ઝાડીમાં ફરવા લાગ્યા.અને સાધુ સંતોની સેવા કરવા લાગ્યા.તેઓએ ગિરનારની પાવન ભૂમિ માં ઘણો સમય પસાર કર્યો પરંતુ મન ન પ્રશ્નોનું નિરાકરણ મળતું ન હતું. 
         તેવામાં એક દિવસ શોભાજી નામના મહાત્માનો મેળાપ થયો. શોભાજીનું સાનિધ્ય માં મનના પ્રશ્નોનું નિરાકરણ મળવા લાગ્યું. શોભાજીએ દેવયતને ગુરુ કંઠી બાંધી ઉપદેશ આપતા કહ્યું કે સાધુ બનો તેના કરતાં સંસારમાં રહી ધર્મથી વિમુખ થતા લોકોને ભક્તિ પ્રેરનાનો ઉપદેશ આપશો એ સમાજ માટે વધુ ઉપયોગી બની રહેશે. દેવયતને સદગુરુ સંતશ્રી શોભાજી મહારાજે જ્ઞાન વચન આપીને કહ્યું "જ્યાં કુવારીકા ભૂમિ હશે ત્યાં તમને ત્રિકાળજ્ઞાન પ્રાપ્ત થશે.
              ગુરુઆજ્ઞા માથે ચડાવી દેવાયત ત્યાંથી કાશી ગયા અને પરત આવી ગુરુ આજ્ઞા પ્રમાણે દેવલદે સાથે લગ્ન કર્યા. ગુરુ વચનો પ્રમાણે દેવયતને આત્મજ્ઞાન પ્રાપ્તિની તરસ જાગે છે અને જગ પરિભ્રમણ અર્થે ચાલી નીકળે છે. વિચરણ કરતા કરતા ઇટવા, મોરધાર, કોલંભા, કુંઢેલી, હાથબ, મોડાસર, સેકલા ( રાજસ્થાન) , બેણેશ્વર, થઈ દેવાયત પંડિત માતા દેવલદે સાથે મોડાસા પાસે આવેલ બાજકોટ ગામ ની પહાડના શિખર પર પધરામણી કરે છે.
            દેવાયત પંડિત અહીં આવ્યા ત્યારે તેઓના ખોબામાં જુવાર હતી. તેમાંથી કેટલાક દાણા જમીન પર પડતાંની સાથે જ ધણીના ફૂલ બની જતાં તેમને પોતાના ગુરુજીના વચનો મુજબ ત્રિકાળજ્ઞાન થતાં ભવિષ્યવાણી ઉચ્ચરવા લાગ્યા. આ ભવિષ્ય વાણી સતી દેવલદે ને સંબોધી ને કહી.
દવાયત પંડિતનું નામ અગામવાણી કરનાર મુખ્ય ત્રણ વ્યક્તિઓમાં થાય છે. એક ત્રિકાળજ્ઞાની સહદેવ, સરણાવ ઋષિ અને ત્રીજા દેવાયત પંડિત. આશરે સાતસો વર્ષ પહેલાં ઉચ્ચરેલી આ ભવિષ્ય વાણી આજે યથાર્થ સાબિત થતી લાગે છે

અગમ વાણી ના કેટલાક અંશો 

દેવાયત પંડિત દાડા દાખવે‚ સુણો તમે દેવળદે નાર‚
આપણા ગુરુએ આગમ ભાખિયા‚ જૂઠડા નહીં રે લગાર ;
લખ્યા ને ભાખ્યા‚ સોઈ દિન આવશે,
એવા દેવાયત પંડિત દાડા દાખવે,,,
પહેલા પહેલા પવન ફરુકશે‚ નદીએ નહીં હોય નીર‚
ઓતર દિશાથી સાયબો આવશે‚ મોખે હશે હનુમો વીર,
લખ્યા ને ભાખ્યા‚ સોઈ દિન આવશે,
કાંકરિયા તળાવે તંબુ તાણશે‚ સો સો ગાઉની સીમ‚
રૂડી ને દિસે રળિયામણી‚ ભેળા આવશે અર્જુન ને ભીમ,
લખ્યા ને ભાખ્યા‚ સોઈ દિન આવશે,
ધરતી માથે હેમર હાલશે‚ સૂના નગર મોઝાર‚
લખમી લૂંટાશે લોકો તણી‚ નહીં કોઈ રાવ કે ફરિયાદ,
લખ્યા ને ભાખ્યા‚ સોઈ દિન આવશે,
એવા દેવાયત પંડિત દાડા દાખવે,,,

,
            આવી અનેક રચનાઓ ક્રમશઃ લોકજીભે ચડી ગઈ. અને ભજનો રૂપે વણાતી ચાલી આવી. કુવારીકા આ ભૂમિ પર દેવાયત પંડિત અને સતી દેવલદે જીવતી સમાધિ લઈ બ્રહ્મલીન થયાં. 

          તેઓના પ્રખર તપોબળથી આ ભૂમિ પાવક ભૂમિ બની છે. આજે આ ધામ પર અતિ પ્રાચીન કાળનો અલંકારીત કળશ સ્થાપિત છે. બારીક કોતરણી વાળા ખાંચાઓમાં પંચધાતુના વરખ બેસાડવામાં આવેલ છે. એવુ કહેવાય છે કે વર્ષો પહેલા આબુ પર્વત ખાતે રાણા કુંભાના સમયમાં સર્વે મહાધર્મીઓ અને સિદ્ધો ની હાજરીમાં સવારો મંડપ રચવા માં આવ્યો હતો. તે કાળે દેવાયત પંડિત મહારાજને સિદ્ધ બાબા રામદેવ ભગવાને સ્વહસ્તે આ કળશ હાથો હાથ અર્પણ કરેલ છે.
       દેવાયત પંડિતજીના બ્રહ્મલીન થયા બાદ બીજપંથના અનુયાયી એવા બુદ્ધગીરીજી બાવજી દ્વારા ચેતન સમાધિની સેવા પૂજા કરવામાં આવતી. ર આજે બુદ્ધગીરી બાવજીના  વંશપરંપરાગત બાર પેઢીના મહંતશ્રી ધનેશ્વરગીરી બાવજી દ્વારા ચેતન સમાધિ મંદિરમાં અવિરત પણે ભક્તિની જ્ઞાનગંગા વહેવડવામાં આવી રહી છે.
          દેવરાજ ધામના મહંતશ્રી ધનેશ્વર ગીરી બાવજી દ્વારા ધામ પર સવિશેષ કૃપા દૃષ્ટિ થતી રહી છે. આ સમાધિ સ્થાનક પર આજે ભવ્યાતિભવ્ય મંદિર નિર્માણ પામ્યું છે. અહીં વિષ્ણુ અવતારી ભગવાન સિદ્ધ રામદેવજી મહારાજનું પણ મંદિર છે. પ્રતિ વર્ષે આ ધામ પર મોટા મહાધર્મના મેળાવડાઓ અને ભજન આરાધના થતાં રહે છે. મહંત શ્રી ધનેશ્વરગીરી બાપુ સર્વે ધર્મ પ્રેમી જનો માટે એક પ્રેરણા છે. ભકતો, લેખકો,કવિઓ અને અભ્યાસુઓ માટે મહંતશ્રીએ એક અદ્યતન પુસ્તસ્કલાય નિર્માણ કરાવ્યું છે. જેમાં અતિ પ્રાચીન અલભ્ય હસ્તલિખિત પ્રતો પૌરાણિક ધર્મગ્રંથો, દસ્તાવેજો અને પુસ્તકો રાખવામાં આવ્યા છે. મહંત શ્રીના અવશિષ્ઠ પુસ્તક પ્રેમ માટે અધિક આદર ઉપજાવે છે .
          700 ઉપરાંત ગામો આ સ્થાનના નેજામાં આવે છે . ગામે ગામ ફરી લોકોને વ્યસનમુક્તિ, કુરિવાજો અને અન્ય દુષણો માંથી મુક્ત થવા ઉપદેશ અપાય છે. જે ના પ્રતાપે સેંકડો લોકો દુષણોમાંથી મુક્ત બની ભક્તિના સદમાર્ગે વળ્યાં  છે. 
          હાલ દેવરાજ મંદિરના નૈઋત્ય ખૂણાએ એક અતિ પ્રાચીન ભોંયરૂ આવેલું છે. આ ભોંયરૂ ખાસ પ્રસંગોએ દર્શન પૂજન માટે ખુલ્લું કરવામાં આવે. વળી મંદિરની તળેટીમાં ઉત્તર દિશાએ પુરાતન સમયનો એક વિશાળ જલકુંડ આવેલ છે. જેનું બાંધકામ પુરાતન કાળમાં માત્ર પથ્થરોથી જ કરવામાં આવેલ છે. જલકુંડની પાળ પર શ્રી કૈલાસગીરી બાવજીના પરમ પ્રિય શિષ્ય શ્રી લહેરીગીરી બાપુની જગ્યા આવેલી છે. જ્યાં વર્તમાનમાં ધૂણો હયાત છે. ધામ હસ્તક 'અલખ વાડી' નામે વાડી આવેલી છે. જ્યાં વૃક્ષો, વેલીઓ, ફળફળાદી, ફૂલછોડ વગેરે વાવી ને હરિયાળા ઉપવનનું નિર્માણ કર્યું છે.
         આ જગ્યા કુવારીકા જગ્યા હોવાથી મંદિરમાં કદી પણ કેરોસીનનો ઉપયોગ કરવામાં આવતો નથી. અને અહીં કદી મંગળ ફેરા કે લગ્ન વિધિ કરવામાં આવતી નથી.
          માઝૂમ નદીના કિનારે આવેલ આ તપો ભૂમિ પર કુદરતે જાણે તેનું હેત વરસાવ્યું હોય તેમ ચોતરફ નયનરમ્ય વનરાજી પથરાયેલી છે. જ્યાં વિવિધ પ્રાણી પક્ષીઓ નિર્ભર રીતે વિહાર કરી શકે છે.
         દેવરાજ ધામ પહાડની ટોચ પર આવેલ દર્શનીય ધામ છે. અપ્રતિમ નૈસર્ગીક સૌંદર્ય ધરાવતું આ ધામ આબાલવૃદ્ધ સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. બીજ અને પૂનમ ના દિવસે અહીં મેળા જેવો માહોલ હોય છે. મહાસુદ બીજ અને ગુરુ પૂર્ણિમાએ દૂરસુદુર થી ભક્તો અહીં ઉમટી પડે છે.



( અરવલ્લીમાં આવેલ  વધુ એક તીર્થ ધામ વિશે જાણીશું આવતા સોમવારે )

લેખન :ઈશ્વર પ્રજાપતિ 
(આપના પ્રતિભાવ નીચે આપેલ whatsapp નંબર પર લખી મોકલી શકો છો )
(98251 42620)

નોંધ:- મિત્રો બ્લોગની લિંક આપ શેર કરી શકો છો પરંતુ મિત્રો મારા બ્લોગના આર્ટિકલ્સને પોતાના નામે ચડાવી વાયરલ કરવાનો અવિવેક ન કરવા વિનંતી

Thursday, March 14, 2019

વ્યક્તિ વિશેષ: પદ્મશ્રી દેવેન્દ્ર પટેલ - 3

(ગતાંક થી ચાલુ)

કલમ થકી સમાજમાં અજવાળું પાથરનાર માત્ર અરવલ્લીનું જ નહી પરંતુ ગુજરાતનું ઘરેણું પદ્મશ્રી દેવેન્દ્રભાઈ પટેલ 

 

               
         ગુંડાઓથી ભરેલી  પોલીસવાનો પત્રકાર કોલોની તરફ ધસી ગઈ. બધા જ મકાન એક સરખા હોવાથી દેવેન્દ્રભાઈ પટેલનું ઘર તેઓ ઓળખી  શક્યા નહીં. એકક્ષણ માટે તો લાગ્યું કે સઘળું ખતમ થઈ ગયું. મોત હાથતાળી આપી ભાગી ગયું.
             લોકોની લાગણી હૃદય સમી    ગુજરાત સમાચારની ઇમારતમાંથી કાળા ધુમાડા નીકળતા હતા. એવી જ આગ હૃદયમાં પણ સળગતી હતી. આખરી શ્વાસ સુધી સરકાર સામે લડી લેવા ધગધગતા અંગારાઓએ તેમને કટિબદ્ધ બનાવ્યા.
            1985 ની આગમાં સળગી ગયેલું ગુજરાત સમાચાર ફિનિક્સ પક્ષીની જેમ ફરી સજીવન થયું. ગુજરાત હજુ હિંસાની હોળી ખેલી રહ્યું હતું. દેવેન્દ્રભાઈ પટેલને પકડી ભુજની જેલમાં ખતરનાક ગુનેગારો વચ્ચે ધકેલી દેવાનો કારસો ઘડી કાઢવામાં આવ્યો. એમ છતાં ડર્યા વિના 'વોહી રફતારકોલમ વધુને વધુ ધારદાર બનતી ગઈ. બીજા દિવસે જ તેઓની ધરપકડ કરી ખૂંખાર કેદીઓ વચ્ચે જેલમાં ધકેલી દેવાની તૈયારી હતી ત્યાં જ સાંજે દિલ્હીથી સમાચાર આવ્યા કે રાજીવ ગાંધીએ ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તનનો  નિર્ણય લીધો છે.
           માધવસિંહભાઈને હટાવી અમરસિંહ ચૌધરી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. અમરસિંહ ચૌધરી દેવેન્દ્રભાઈ પટેલના સહહૃદયી મિત્ર  હતા.  એટલે જાણે કે એક દુઃસ્વપ્ન  પૂરું થયું.
               રાજીવ ગાંધીએ ગુજરાતના નેતૃત્વ પરિવર્તનમાં વિલંબ કર્યો હોત તો દેવેન્દ્રભાઈ પટેલનું ભાવી કંઈક જુદું જ હોત. પરંતુ એક કાળચક્ર આવીને જતું રહ્યું.
        
       પત્રકારત્વ અને ગ્લેમરસ જોબ સમજીને આ ક્ષેત્રમાં આવવા માગતા યુવાનોએ આ વાત સમજી લેવી જોઈએ કે કોઈપણ વ્યવસાયમાં વ્યવસાયિક જોખમ હોય છે જ.
           
       સંશોધનાત્મક પત્રકારત્વ ક્ષેત્રે આગવી નામના અને સરળ સ્વભાવ રાજકીય વિશ્લેષણ માટેનું તેઓનું બારીક નિરીક્ષણ અને ઊંડા અભ્યાસને કારણે ગુજરાતના તમામ મુખ્યમંત્રીઓ અને રાજકીય આગેવાનો સાથે તેમના સંબંધો હૂંફાળા રહ્યા છે. એટલું જ નહિ પરંતુ ભારતના જે તે સમયના વડાપ્રધાન સાથે પણ તેમના સંબંધો નિકટના રહ્યા છે. પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈ સાથે તેઓના સંબંધો ઘનિષ્ઠ રહ્યા છે. ઇન્દિરા ગાંધી જ્યારે વડાપ્રધાન હતા ત્યારે તેઓની સાથે એક જ કારમાં મુસાફરી પણ કરી. ઇન્દિરા ગાંધીને કારમાં ચણીબોર ખાતા પણ જોયા. આ ઉપરાંત તેઓ રાજીવ ગાંધીઅટલબિહારી વાજપાઈ સાથે અંગત મુલાકાતો પણ કરી. એવી જ રીતે પૂર્વ વડાપ્રધાન પી.વી.નરસિંહરાવ સાથે યમન યાત્રા પણ કરી.
                     આ ઉપરાંત બોલિવૂડની હસ્તીઓ સાથે પણ તેઓએ અંગત મુલાકાતો કરી છે. રાજ કુમારદેવ આનંદ,  કિશોરકુમારમોહમ્મદ રફીપ્રદીપ કુમારસદીના મહાનાયક અમિતાભ બચ્ચનજયા બચ્ચન જેવા અનેક ફિલ્મી સિતારાઓ સાથે ઇન્ટરવ્યૂ કર્યા. પત્રકારત્વના વ્યવસાય માં શ્રેષ્ઠતાની ખોજ માટેનો પુરુષાર્થ રાજકારણીઓ કે ફિલ્મી સિતારાઓ સાથે જ ઈંટરેકશન પૂરતો સીમિત ન રાખ્યો. પરંતુ મુંબઈની અંધારી આલમના આકાઓનાં ઇન્ટરવ્યૂ કર્યા. મુંબઈ અન્ડરવર્લ્ડ ના એ સમયના ડોન હાજી મસ્તાન ના ઘરે જઈ ઇન્ટરવ્યુ કર્યો. મુંબઈના અંડરવર્લ્ડને નજીકથી નિહાળ્યું.
                    સમાજના વિવિધ ક્ષેત્રોની જે તે વખતની શ્રેષ્ઠ પ્રતિભાવો સાથે તેઓની અલપ-ઝલપ ચાલુ જ રહી. અમેરિકાના પૂર્વ રાજદૂત એ સમયના વિશ્વ વિખ્યાતઅર્થશાસ્ત્રી પ્રા_ગાલબ્રીથઁ_દલાઇલામા,વિશ્વ વિખ્યાત વિજ્ઞાની આર્થર સી ક્લર્કજે.આર.ડી,તાતાલે. પ્રિન્સઆગાખાનજયપુરના મહારાણી ગાયત્રીદેવી સાથે મુલાકાત કરી ઇન્ટરવ્યૂ કર્યા છે.
      
          એક જમાનામાં પ્રકાશકોએ દેવેન્દ્રભાઈ પટેલની કથાઓને પુસ્તકાકારે પ્રગટ કરવાનો ઇનકાર કરી દીધો હતો. કેટલાય પ્રકાશકોએ તો તેઓ સાથે સરખી વાત પણ કરી ન હતી. પરંતુ એક દિવસ નવભારત સાહિત્યના મહેન્દ્રભાઈએ બધી વાર્તાઓ મંગાવી અને એ વાર્તાઓ પુસ્તક રૂપે પ્રગટ થઈ. આજદિન પર્યંત ચાલુ છે. દેવેન્દ્રભાઈ પટેલના પુસ્તક લોકાર્પણ પ્રસંગે ગુજરાતના જે તે વખતના મહામહિમ રાજ્યપાલશ્રીઓની વિશેષ ઉપસ્થિતિ  રહી છે. આ ઉપરાંત રાષ્ટ્રકક્ષાના રાજકીયક્ષેત્રે સક્રિય રાજનેતાઓ  પણ અચૂક હાજર રહ્યા છે. તેઓના પુસ્તક લોકાર્પણ સમારોહ લંડન ખાતે પણ યોજાયા. જેમાં મુખ્ય અતિથિ યુકે પાર્લામેન્ટના સાંસદ બેરી ગાર્ડનરમી . રોબોટ ઇવાનસાંસદ સભ્ય પ્યારા સિંગ  કાબરાલોર્ડ નવનીત ધોળકિયાલંડનના એ વખતના મેયર બર્થા જોસેફ હાજર રહ્યા. લંડનના સનરાઈઝ રેડિયોની આર.જે. મહેર ખાન આ કાર્યક્રમમાં ખાસ હાજર રહ્યા. લન્ડન ની રેડિયો ચેનલ પર કાર્યક્રમની જાહેરાત થઈ. લંડનના પૂર્વ મેયર લતા_પટેલ અને તેમના હસબન્ડ કે.ડી.પટેલના નિવાસ સ્થાને યોજાયેલ આ ભવ્ય સમારોહમાં બ્રિટનના મહારાણીના પ્રતિનિધિ પણ હાજર હતા.
ગુજરાત સમાચારમાં ચાલીસ વર્ષ એકધારી કામગીરી કર્યા બાદ 2007 ડિસેમ્બરમાં તેઓ 'સંદેશજોડાયા. કારકિર્દીના ઉત્તરાર્ધમાં સંદેશમાં જોડાયા અને અહીં પણ સંદેશના તંત્રીશ્રી ફાલ્ગુનભાઈ પટેલનો પ્રેમઆદર તેઓ પામ્યા.  સંદેશ દૈનિકમાં દર સોમવારે પ્રસીધ્ધ થતી કભી કભી કોલમ  દાયકાઓથી વાચકોની પ્રિય કોલમ રહી છે. આ કોલમ આજે પણ  કોલમ  આજે પણ વાંચક હ્રુદયને ઝંકૃત કરે છે. દર મંગળવારે  પ્રસિદ્ધ થતી ચીની કમ , રવિવારે સંસ્કાર પૂર્તિમાં પ્રસિદ્ધ થતી "રેડ રોઝ" અને રસપ્રદ નવલકથા "અલંકૃતા" એ વિશ્વભરના વાચકોને રસ તરબોળ કર્યા છે. 
            દેવેન્દ્રભાઇ પટેલ લેખનસંશોધનાત્મક પત્રકારત્વ અને  ઉમદા સેવાઓ બદલ ભારત સરકાર દ્વારા 2013 પ્રજાસત્તાકની પૂર્વ સંધ્યા પદ્મશ્રી એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી. ભારતના માહામહિમ રાષ્ટ્રપતિના હસ્તે ગૌરવ પુર્ણ સન્માન થયું
દેવેન્દ્રભાઈ પટેલની ઉમદા સેવાઓ બદલ પ્રતિષ્ઠિત સંસ્થાઓ એ અનેક Awards થી સન્માન્યા છે. 
 (1) ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા 1991મા "ઇઝરાયેલ  ધી લેન્ડ ઓફ બાઇબલ" પુસ્તક માટે શ્રેષ્ઠ પુસ્તકનો  એવોર્ડ.
(2) ટ્રાન્સ મીડિયા,મુંબઈ દ્વારા 2008માં ઝી ટીવી ગુજરાતી પર રજુ થયેલી સીરીઅલ "કભીકભી"  માટે શ્રેષ્ઠ વાર્તા લેખકનો  એવોર્ડ.
(3) ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી દ્વારા 2013માં "પદ્મ શ્રી" એવોર્ડ.
(3)  જેમ એન્ડ જ્વેલરી ટ્રેડ  કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા પત્રકારતવ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી માટે  2016માં "એક્સલન્સ  એવોર્ડ"
(4) સુરત પત્રકાર કલ્યાણ નિધિ તરફથી 2017મા મોરારીબાપુના હસ્તે પીઠાવાલા નેશનલ જર્નાલિસ્ટ એવોર્ડ.
(5)ગુજરાત ચેમ્બર  ઓફ કોમર્સ  તરફથી 2013માં સન્માન પત્ર.
(6)  હિન્દીના  સુપ્રસિદ્ધ સાહિત્યકાર  બાલકવિ બૈરાગીજી  અને દાદા  મનોહર બૈરાગીજી ના સાનિધ્યમાં 2015માં  ઉજ્જેન  ખાતે જાહેર નાગરિક સન્માન.
(7) લંડન ખાતે 1998માં ચાર મેયર ની હાજરીમાં પુસ્તકોનું  લોકાર્પણ જેમાં બ્રિટનની  પાર્લામેન્ટના ચાર એમ.પી. અને   બ્રિટનના  મહારાણીના પ્રતિનિધિ હાજર રહ્યા .

(8) મુંબઈ,દિલ્હીથી  માંડીને લંડન અને અમેરિકામાં પ્રવચનો આપ્યાં
ગાંધીજીને સદેહે ન નિહાળવા એ એમના જીવનનો અફસોસ છે.
             તેઓ માને છે કે 'કાયરોને જ દુશ્મનો હોતા નથી.Sympathy you get, but jealousy  you have to earn. માનવીએ શ્રેષ્ઠતાની ખોજમાં જીવનમૂલ્યો સાથે કદી સમાધાન કરવું જોઈએ નહીં. શ્રેષ્ઠતાની ખોજમાં છળકપટ ને કોઈ સ્થાન નથી. શ્રેષ્ઠતાની ખોજ એ બીજાને પછાડીને આગળ આવવાની વાત નથી. પૃથ્વી પર જન્મેલી દરેક વ્યક્તિ અજોડ છે. ઈશ્વરે દરેકને કૌશલ્ય બક્ષ્યું છે. શ્રેષ્ઠતાની ખોજ એ પોતાની જાત કરતા જ આગળ આવવાની વાત છે,બીજાઓ કરતા નહીં'તેઓ કહે છે કે 'ઈશ્વર પૂછે કે ફરી જન્મ ક્યાં લેવો છે તો હું કહું કે આ જન્મ માં મને વન ઉપવન નું ફૂલ કે પારિજાતનો પુષ્પ બનાવજો. જો હું વગડામાં ખેલો તો વેરાન વગડા ની શોભા બની શકુંકોઈ ઉપવનમાં ખીલું તો કોઈની આંખો ને આનંદ આપી શકુંકોઈ મને અડકે તો હું તેને સુંવાળો સ્પર્શ આપી શકુંકોઈ ભ્રમર મારી ઉપર બેસે તો હું તેને મધુર રસ આપી શકુંકોઈ મને ચૂંટીને ઇશ્વરના ચરણોમાં મૂકે તો સૃષ્ટિના સર્જકને હું રાજી કરી શકુંકોઈ મારા અસ્તિત્વની નોંધ પણ ન લે તો બસ નિજાનંદ માટે ખીલી ઉઠું. અને કાળ ક્રમે કરમાઈ જવાનું પસંદ કરું છું બસ આજ મારું જીવન સત્ય છે'
      
દેવેન્દ્રભાઈ પટેલ  આજે મારા જેવા અનેક યુવાનોના આદર્શ છે. 
પદ્મશ્રી દેવેન્દ્રભાઈ પટેલના જીવન દર્શનની આ એક આછેરી ઝલક માત્ર છે. તેઓના વિરાટ વ્યક્તિત્વને સિમિત શબ્દો માં સમાવવું શક્ય નથી એમ છતાં તેઓના લાખો ચાહકો તેઓના જીવન દર્શનથી પરિચય પામે એ માટેનો મારો આ બાલિશ નમ્ર પ્રયાસ માત્ર છે. આશા રાખું છું દેવેન્દ્રભાઈ પટેલની પ્રેરણાત્મક જીવન કથા આપને પસંદ આવી હશે. આપના પ્રતિભાવ કૉમેન્ટ્સ બોક્ષ માં અથવા whatsapp પર અચૂક  લખી મોકલશો.
પદ્મશ્રી દેવેન્દ્રભાઈ પટેલના જીવન દર્શનના વધુ પરિચય માટે આપ નીચે આપેલ લિંકની મુલાકાત લઈ શકો છો.


(સંદર્ભ: આંતરક્ષિતિજ)

 







(અરવલ્લીના વિરલ વ્યક્તિ વિશેની રસપ્રદ વતો જાણીશું આવતા ગુરુવારે...)   

લેખન : ઈશ્વર પ્રજાપતિ
આપ આપના પ્રતિભાવ નીચેના whatsapp no. પર લખી મોકલી શકો છો.
(98251 42620)

નોંધ:- મિત્રો બ્લોગની લિંક આપ શેર કરી શકો છો પરંતુ  બ્લોગના આર્ટિકલ્સને પોતાના નામે ચડાવી વાયરલ કરવાનો અવિવેક ન કરવા વિનંતી. 

Monday, March 11, 2019

આપણો જિલ્લો, આપણું વતન: અરવલ્લી ભાગ - 6

અરવલ્લીમાં આવેલાં પવિત્ર તિર્થધામો 

 1 અરવલ્લી હ્રદયસમુ શામળાજી 



                 વિશ્વમાં વસતા કૃષ્ણ પ્રેમીઓ માટે ગુજરાતની ધરતી આકર્ષણ નું કેન્દ્ર રહી છે. કારણ વિશ્વ વિખ્યાત  દ્વારિકા, ડાકોર અને શામળાજી જેવા પ્રાચીન, ભવ્ય અને દિવ્ય કૃષ્ણ મંદિરો ગુજરાતમાં આવેલાં  છે. અહીંની ધરા પર કણ કણમાં કૃષ્ણાનુભૂતિ અનુભવાય છે. કાળીયા ઠાકરનું પ્રાચીન મંદિર ધરાવતું શામળાજી અરવલ્લી જિલ્લાનું અણમોલ ઘરેણું છે. શામળિયો શેઠ અરવલ્લીના હૃદયનો ધબકાર છે.  વિશ્વમાં વસતા કૃષ્ણભકતોને શામળિયાના દર્શનનું  અનોખું આકર્ષણ રહે છે. કાળિયો ઠાકર, શાળીયો શેઠ, કાળીયા બાવજી દેવ, ગદાધર ભગવાન વિષ્ણુ જેવા નોખા નોખા નામે ઓળખાતા અહીંના કૃષ્ણ મંદિરનો ઇતિહાસ રસપ્રદ છે. આવો આજે શામળાજી  મંદિરની ભવ્ય ભૂતકાળમાં ડોકિયું કરી જાણીએ પ્રાચીન નગરી શામલાજીની અજાણી રસપ્રદ વાતો.
            શામળાજીને અરવલ્લીની કંદરાઓ, અરણ્ય અને બાજુમાં વહેતી મેશ્વોનું અનુપમ સૌંદર્ય સાંપડ્યું છે. સુંદર નયનરમ્ય અરવલ્લીની ગિરિમાળાની ગોદમાં આવેલ પ્રાચીન ભવ્ય મંદિરમાં ગદાધર ભગવાન વિષ્ણુ બિરાજે છે. કાળના પંજામાં લુપ્ત થયેલી અનેક ઐતિહાસિક ઈમારતો અને ખંડેરો પ્રાચીન ભવ્ય વારસાને સાચવી બેઠા છે.
            અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં આવેલું શામળાજી જિલ્લાના મુખ્ય મથક મોડાસાથી માત્ર 30 કિ. મી. અંતરે આવેલ છે.  શામળાજી રળિયામણું અને પવીત્ર યાત્રાધામ છે. આ મંદિર કોણે અને ક્યારે બંધાવ્યું તેનો કોઈ ચોક્કસ ઇતિહાસ ઉપલબ્ધ નથી. મંદિરની પ્રાચીનતા વિશે મતભેદો પ્રવર્તે છે.  આ નગરીની આસપાસથી મળી આવેલ અવશેષો પુરાતત્વ ખાતાની નજરે આશરે પંદરસો વર્ષ પહેલાના હોય એવું મનાય છે. એવું અનુમાન કરી શકાય છે કે પંદરસો વર્ષ પહેલાં આ નગરી અસ્તિત્વમાં આવી તે સમયે દસમી કે અગિયારમી સદી દરમ્યાન આ મંદિરનું નિર્માણ થયું હશે એમ માનવામાં આવે છે.
                  મંદિરમાંથી મળી આવેલ બે તામ્રપત્રોમાં આધારે જાણી  શકાય છે કે  આ મંદિરનો જીર્ણોદ્ધાર 1762 માં થયો છે. ઉપરાંત તે લેખો આધારે જણાય છે કે મૂળે આ મંદિર હળધર બલરામજીનું હતું. તેમાં ત્રીવિક્રમ સ્વરૂપની શામળાજીની મૂર્તિ પાછળથી પધરાવી હશે. કાળા આરસ માંથી બનાવેલી આ ચતુર્ભુજ વિષ્ણુ પ્રતિમા લગભગ 130 સે.મી. જેટલી ઊંચી છે.

.

              અમરકોષમાં દર્શાવેલ સાત માતૃકાઓના નામ પૈકી મહેશ્વરી, કૈમારી વગેરે માતૃકાઓની મૂર્તિઓ શામળાજી માંથી મળી આવી છે. મુંબઇ પાસે આવેલી એલિફંટાની ગુફામાં શિવની ત્રિમૂર્તિના પ્રખ્યાત શિલ્પને મળતી આવતી ક્ળશી  માતાની મૂર્તિ પણ શામળાજીમાંથી મળી આવી છે.
                          ધર્માંધ મોઘલ રાજાઓના શાશન દરમ્યાન શામળાજી તીર્થ મુસ્લિમ આક્રમણોનું ભોગ બન્યું.  સંવત 1728 માં શામળાજી પર આક્રમણ થયું. ઈડરના મહારાજાએ, આજુબાજુના ઠાકોરોએ અને રાજપૂતોએ વિરતાથી સામનો કાર્યો પરંતુ શસ્ત્ર સજ્જ મોંઘલ સૈન્ય સામે તેઓ ટકી શક્યા નહીં.  મોંઘલ લશ્કરે શામળાજી ગામને બાળ્યું અને તીર્થના મંદિરો નષ્ટ કરવા માંડ્યા. શામળાજી મંદિરમાં લશ્કરે પ્રવેશ કર્યો. મંદિર બહારની મૂર્તિઓ ખંડિત કરી. લશ્કરે મંદિરમાં પ્રવેશ કરી મંદિરના ગર્ભગૃહ બહાર આવેલી ગરુડજીની મૂર્તિના નાક કાન કાપ્યા. ખંડિત થયેલી ગરુડ જીની મૂર્તિના નાકમાંથી અસંખ્ય ભમરા નીકળ્યા. ભ્રમરો શામળિયા ભગવાનના સૈન્ય બની મોંઘલ સૈનિકોને ભગાડી મુક્યા. આક્રમણના ડરથી અહીંના લોકોએ ભગવાન શામલાજીની મૂર્તિને શામળાજીમાં આવેલ કરામ્બુજ તળાવમાં પધરાવી ગામ છોડી નાશી છૂટ્યા.
             સો સવાસો વર્ષ પછી સુકાઈ ગયેલા કરામ્બુજ તળાવમાં ખેતી કરતા આદિવાસી યુવાનને આ કાળીયા બાવજી દેવની મૂર્તિ મળી આવી. સામેરા ગામમાં રહેતા કલ્યાણજી શેઠને આ મૂર્તિ નજરમાં આવતાં મૂર્તિને શ્રધ્ધા ભાવથી મંદિરમાં પધરાવી ભગવાન શામળાજીની સેવા કરવા લાગ્યા. સમય જતાં ઈડરના રાજાએ શામળાજીની આ ચમત્કારી મૂર્તિને મૂળ મંદિરમાં પધરાવવાનું નક્કી કર્યું. આમ સંવત 1860 માં શામળાજી ભગવાનની ધામધૂમથી પ્રતિષ્ઠા થઈ. આજે શામળાજી મંદિર વિશ્વ વિખ્યાત બન્યું છે.
                       મંદિરના બાંધકામમાં પ્રાચીન ચૌલુકય શૈલી જળવાયેલી છે મોટા બે હાથીઓ વાળા દરવાજામાં દાખલ થતાં જ સામે વિશાળ ચોક વચ્ચે આવેલા સપ્તતલ દેવાલય મન મોહી લે છે. . ઉત્તરાભિમુખ મંદિરની જગતીનો ભાગ વિશાળ છે. શામળાજી મંદિર સભામંડપ, અંતરાલ અને ગર્ભગૃહ એવા ત્રણ ભાગમાં વહેચાયેલું છે.અંદરના સ્તંભો ચોરસ અષ્ટકોણ અને ગોળાકાર એમ ત્રણ ભાગમાં વહેંચાયેલા છે ને ઉપર ફુલવેલ જેવી આકૃતિઓ જોવા મળે છે.  મંદિરની બાહ્ય દીવાલ કલાત્મક શિલ્પોથી શોભે છે.  શિલ્પોમાં માનવ અને પ્રાણીઓની આકૃતિઓ, દેવ દેવીઓની પ્રતિમાઓ અને મહાભારત, રામાયણ અને પુરાણ કથાઓના પ્રસંગ વર્ણનોનાં શિલ્પો જોતાં જ દર્શનાર્થીઓ  મંત્રમુગ્ધ  બની જાય છે. ચોપાસ દિશાઓના ગોખમાં ઇન્દ્ર , અગ્નિ, વરુણ, શિવ, ગણેશ, વાયુ તેમજ સરસ્વતી, ચંદ્રિકા, ઈન્દ્રાણી  વગેરેની પ્રાચીન કલાના દર્શન કરાવતી કલાત્મક પ્રતિમાઓ છે . દેવલયનું શિખર વિશાળ છે.  શિખરના અગ્નિ ખૂણે દ્વજ મુકવામાં આવ્યો છે.
                 કારતકી પૂર્ણિમાએ ભરાતો શામલાજીનો મેળો સુવિખ્યાત છે. "શામલાજીને મેળે રમજણિયું રે પેજણીયુ વાગે " ના નાદ થી  ધારા ગુંજી ઉઠે છે. દેવ ઉઠી એકાદશીથી આ મેળાની શરૂઆત થાય છે. અને બે થી ત્રણ અઠવાડિયા સુધી મેળો ચાલુ રહે છે. પરંતુ આ મેળાનો મુખ્ય દિવસ કારતકી પૂનમ ગણવામાં આવે છે. આ મેળામાં માત્ર ગુજરાતના જ નહીં પરંતુ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ભારતભરમાં થી આદિવાસી સમાજના લોકો આવે છે. અહીં કાળીયા બાવજી એટલે કે ભગવાન શામલાજીમાં અતૂટ શ્રદ્ધા ધરાવતા આદિવાસી સમાજની લાખ્ખોની જનમેદની ઉમટે છે. કાળીયા બાવજીના દર્શન કરી અહીં આવેલા નાગધરા કુંડમાં સ્નાન કરી ધન્યતા અનુભવે છે. આ ઉપરાંત કોઈ સ્વજનનું મૃત્યુ થયું હોય તો તેના અસ્થિનું વિસર્જન પણ અહીં નગધરા કુંડમાં કરવામાં આવે છે. અહીં અસ્થિ વિસર્જનથી  મોક્ષ પ્રાપ્ત થાય છે એવી માન્યતા છે.
          મેશ્વો અને પિંગાના સંગમ સ્થાને સરકારના જળ સિંચાઈ યોજના મુજબ જલાગાર બાંધવામાં આવ્યો છે. બે ડુંગરોની વચ્ચે લગભગ 200 ફૂટ ઊંચો બંધ છે. આ સરોવરના ખોદકામ કરતા આશરે બીજી ત્રીજી સદીના બૌદ્ધ કાલીન અવશેષો મળી આવ્યા હતા.

                                                                 મેશ્વો જલાગાર

                 નૈસર્ગિક સુંદરતા ધરાવતા શામળાજીમાં બીજા અનેક દર્શીનય પ્રાચીન સ્થળો આવેલા છે. જેમકે મંદિરની બહાર આવેલું ભગવાન ત્રિલોકનાથનું મંદિર, ખાખચોક, ગોવિંદ આશ્રમ, બાજુ માં આવેલી પૌરાણિક નંદા વાવ,  ગણપતિ મંદિર, વિશ્રામ ઘાટ, નગધરા કુંડ , ગંગાનંદપુરીનો આશ્રમ, રણછોડરાયનું મંદિર, ભાઈ બહેનની દેરી, સર્વોદય આશ્રમ, બ્રહ્માનંદ આશ્રમ, કાશી વિશ્વનાથનું મંદિર, અહીંથી મળી આવેલ પ્રાચીન અવશેષોને સાચવતું સંગ્રહાલય, કરામ્બુજ તળાવ,મેશવો નદી કિનારે ખંડિત હાલતમાં ઉત્તમ પ્રકારના શિલ્પ વાળી સત્યવાદી રાજા હરિશ્ચંદ્રની ચૉરી દર્શનીય છે. એક દંત કથા પ્રમાણે સત્યવાદી રાજા હરિશ્ચંદ્રના લગ્નની ચૉરી અહીં બંધાઈ હતી. ત્યારથી આ જગ્યા સત્યવાદી રાજા હરિશ્ચંદ્રની ચૉરી તરીકે ઓળખાય છે. ત્યારબાદ પુત્ર પ્રાપ્તિ માટે રાજાએ રાજસૂય યજ્ઞ પણ અહીં જ કરાવ્યો હતો. આવી પ્રાચીન અનેક મહત્વની ઘટનાઓની આ ધરા સાક્ષી રહી છે.

                                                          સત્યવાદી રાજા હરિશ્ચન્દ્રની ચોરી                                        


                  કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવા દેશ વિદેશથી કૃષ્ણ ભક્તો અહીં ઉમટી પડે છે . નીજ મંદિરને ભવ્ય રોશનીથી શણગારવામાં આવે છે. જન્માષ્ટમીની મધ્યરાત્રીએ આખું નગર 'નંદઘેર આનંદ ભયો જય કનૈયા લાલકી' ના નાદથી ગુંજી ઉઠે છે. હાલ શામળાજી મંદિરનું સંચાલન શ્રી શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે. અહીં આવનાર યાત્રાળુઓ માટે નિઃશુલ્ક દરે રહેવા અને જમવાની વ્યવસ્થા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. સરકારશ્રી દ્વારા શામળાજી મંદિરના પરિસરની કાયાપલટ કરવા અનેક વિકાસ કર્યો અહીં થઈ રહ્યા છે. ભગવાન શામળાજીની  મનોહર મૂર્તિના દર્શનનો લ્હાવો લેવો  એ જીવની યાદગાર ક્ષણો બની રહે છે. આપ ક્યારે પધારો છો શામળિયાના દર્શને???



( અરવલ્લીમાં આવેલ  વધુ એક તીર્થ ધામ વિશે જાણીશું આવતા સોમવારે )

લેખન :ઈશ્વર પ્રજાપતિ 
(આપના પ્રતિભાવ નીચે આપેલ whatsapp નંબર પર લખી મોકલી શકો છો )
(98251 42620)

નોંધ:- મિત્રો બ્લોગની લિંક આપ શેર કરી શકો છો પરંતુ મિત્રો મારા બ્લોગના આર્ટિકલ્સને પોતાના નામે ચડાવી વાયરલ કરવાનો અવિવેક ન કરવા વિનંતી.


સન્ડે સ્પેશિયલ

  ‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા    જોઈએ.” :    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.       સાવ સા...

Popular Posts