Monday, March 11, 2019

આપણો જિલ્લો, આપણું વતન: અરવલ્લી ભાગ - 6

અરવલ્લીમાં આવેલાં પવિત્ર તિર્થધામો 

 1 અરવલ્લી હ્રદયસમુ શામળાજી 



                 વિશ્વમાં વસતા કૃષ્ણ પ્રેમીઓ માટે ગુજરાતની ધરતી આકર્ષણ નું કેન્દ્ર રહી છે. કારણ વિશ્વ વિખ્યાત  દ્વારિકા, ડાકોર અને શામળાજી જેવા પ્રાચીન, ભવ્ય અને દિવ્ય કૃષ્ણ મંદિરો ગુજરાતમાં આવેલાં  છે. અહીંની ધરા પર કણ કણમાં કૃષ્ણાનુભૂતિ અનુભવાય છે. કાળીયા ઠાકરનું પ્રાચીન મંદિર ધરાવતું શામળાજી અરવલ્લી જિલ્લાનું અણમોલ ઘરેણું છે. શામળિયો શેઠ અરવલ્લીના હૃદયનો ધબકાર છે.  વિશ્વમાં વસતા કૃષ્ણભકતોને શામળિયાના દર્શનનું  અનોખું આકર્ષણ રહે છે. કાળિયો ઠાકર, શાળીયો શેઠ, કાળીયા બાવજી દેવ, ગદાધર ભગવાન વિષ્ણુ જેવા નોખા નોખા નામે ઓળખાતા અહીંના કૃષ્ણ મંદિરનો ઇતિહાસ રસપ્રદ છે. આવો આજે શામળાજી  મંદિરની ભવ્ય ભૂતકાળમાં ડોકિયું કરી જાણીએ પ્રાચીન નગરી શામલાજીની અજાણી રસપ્રદ વાતો.
            શામળાજીને અરવલ્લીની કંદરાઓ, અરણ્ય અને બાજુમાં વહેતી મેશ્વોનું અનુપમ સૌંદર્ય સાંપડ્યું છે. સુંદર નયનરમ્ય અરવલ્લીની ગિરિમાળાની ગોદમાં આવેલ પ્રાચીન ભવ્ય મંદિરમાં ગદાધર ભગવાન વિષ્ણુ બિરાજે છે. કાળના પંજામાં લુપ્ત થયેલી અનેક ઐતિહાસિક ઈમારતો અને ખંડેરો પ્રાચીન ભવ્ય વારસાને સાચવી બેઠા છે.
            અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં આવેલું શામળાજી જિલ્લાના મુખ્ય મથક મોડાસાથી માત્ર 30 કિ. મી. અંતરે આવેલ છે.  શામળાજી રળિયામણું અને પવીત્ર યાત્રાધામ છે. આ મંદિર કોણે અને ક્યારે બંધાવ્યું તેનો કોઈ ચોક્કસ ઇતિહાસ ઉપલબ્ધ નથી. મંદિરની પ્રાચીનતા વિશે મતભેદો પ્રવર્તે છે.  આ નગરીની આસપાસથી મળી આવેલ અવશેષો પુરાતત્વ ખાતાની નજરે આશરે પંદરસો વર્ષ પહેલાના હોય એવું મનાય છે. એવું અનુમાન કરી શકાય છે કે પંદરસો વર્ષ પહેલાં આ નગરી અસ્તિત્વમાં આવી તે સમયે દસમી કે અગિયારમી સદી દરમ્યાન આ મંદિરનું નિર્માણ થયું હશે એમ માનવામાં આવે છે.
                  મંદિરમાંથી મળી આવેલ બે તામ્રપત્રોમાં આધારે જાણી  શકાય છે કે  આ મંદિરનો જીર્ણોદ્ધાર 1762 માં થયો છે. ઉપરાંત તે લેખો આધારે જણાય છે કે મૂળે આ મંદિર હળધર બલરામજીનું હતું. તેમાં ત્રીવિક્રમ સ્વરૂપની શામળાજીની મૂર્તિ પાછળથી પધરાવી હશે. કાળા આરસ માંથી બનાવેલી આ ચતુર્ભુજ વિષ્ણુ પ્રતિમા લગભગ 130 સે.મી. જેટલી ઊંચી છે.

.

              અમરકોષમાં દર્શાવેલ સાત માતૃકાઓના નામ પૈકી મહેશ્વરી, કૈમારી વગેરે માતૃકાઓની મૂર્તિઓ શામળાજી માંથી મળી આવી છે. મુંબઇ પાસે આવેલી એલિફંટાની ગુફામાં શિવની ત્રિમૂર્તિના પ્રખ્યાત શિલ્પને મળતી આવતી ક્ળશી  માતાની મૂર્તિ પણ શામળાજીમાંથી મળી આવી છે.
                          ધર્માંધ મોઘલ રાજાઓના શાશન દરમ્યાન શામળાજી તીર્થ મુસ્લિમ આક્રમણોનું ભોગ બન્યું.  સંવત 1728 માં શામળાજી પર આક્રમણ થયું. ઈડરના મહારાજાએ, આજુબાજુના ઠાકોરોએ અને રાજપૂતોએ વિરતાથી સામનો કાર્યો પરંતુ શસ્ત્ર સજ્જ મોંઘલ સૈન્ય સામે તેઓ ટકી શક્યા નહીં.  મોંઘલ લશ્કરે શામળાજી ગામને બાળ્યું અને તીર્થના મંદિરો નષ્ટ કરવા માંડ્યા. શામળાજી મંદિરમાં લશ્કરે પ્રવેશ કર્યો. મંદિર બહારની મૂર્તિઓ ખંડિત કરી. લશ્કરે મંદિરમાં પ્રવેશ કરી મંદિરના ગર્ભગૃહ બહાર આવેલી ગરુડજીની મૂર્તિના નાક કાન કાપ્યા. ખંડિત થયેલી ગરુડ જીની મૂર્તિના નાકમાંથી અસંખ્ય ભમરા નીકળ્યા. ભ્રમરો શામળિયા ભગવાનના સૈન્ય બની મોંઘલ સૈનિકોને ભગાડી મુક્યા. આક્રમણના ડરથી અહીંના લોકોએ ભગવાન શામલાજીની મૂર્તિને શામળાજીમાં આવેલ કરામ્બુજ તળાવમાં પધરાવી ગામ છોડી નાશી છૂટ્યા.
             સો સવાસો વર્ષ પછી સુકાઈ ગયેલા કરામ્બુજ તળાવમાં ખેતી કરતા આદિવાસી યુવાનને આ કાળીયા બાવજી દેવની મૂર્તિ મળી આવી. સામેરા ગામમાં રહેતા કલ્યાણજી શેઠને આ મૂર્તિ નજરમાં આવતાં મૂર્તિને શ્રધ્ધા ભાવથી મંદિરમાં પધરાવી ભગવાન શામળાજીની સેવા કરવા લાગ્યા. સમય જતાં ઈડરના રાજાએ શામળાજીની આ ચમત્કારી મૂર્તિને મૂળ મંદિરમાં પધરાવવાનું નક્કી કર્યું. આમ સંવત 1860 માં શામળાજી ભગવાનની ધામધૂમથી પ્રતિષ્ઠા થઈ. આજે શામળાજી મંદિર વિશ્વ વિખ્યાત બન્યું છે.
                       મંદિરના બાંધકામમાં પ્રાચીન ચૌલુકય શૈલી જળવાયેલી છે મોટા બે હાથીઓ વાળા દરવાજામાં દાખલ થતાં જ સામે વિશાળ ચોક વચ્ચે આવેલા સપ્તતલ દેવાલય મન મોહી લે છે. . ઉત્તરાભિમુખ મંદિરની જગતીનો ભાગ વિશાળ છે. શામળાજી મંદિર સભામંડપ, અંતરાલ અને ગર્ભગૃહ એવા ત્રણ ભાગમાં વહેચાયેલું છે.અંદરના સ્તંભો ચોરસ અષ્ટકોણ અને ગોળાકાર એમ ત્રણ ભાગમાં વહેંચાયેલા છે ને ઉપર ફુલવેલ જેવી આકૃતિઓ જોવા મળે છે.  મંદિરની બાહ્ય દીવાલ કલાત્મક શિલ્પોથી શોભે છે.  શિલ્પોમાં માનવ અને પ્રાણીઓની આકૃતિઓ, દેવ દેવીઓની પ્રતિમાઓ અને મહાભારત, રામાયણ અને પુરાણ કથાઓના પ્રસંગ વર્ણનોનાં શિલ્પો જોતાં જ દર્શનાર્થીઓ  મંત્રમુગ્ધ  બની જાય છે. ચોપાસ દિશાઓના ગોખમાં ઇન્દ્ર , અગ્નિ, વરુણ, શિવ, ગણેશ, વાયુ તેમજ સરસ્વતી, ચંદ્રિકા, ઈન્દ્રાણી  વગેરેની પ્રાચીન કલાના દર્શન કરાવતી કલાત્મક પ્રતિમાઓ છે . દેવલયનું શિખર વિશાળ છે.  શિખરના અગ્નિ ખૂણે દ્વજ મુકવામાં આવ્યો છે.
                 કારતકી પૂર્ણિમાએ ભરાતો શામલાજીનો મેળો સુવિખ્યાત છે. "શામલાજીને મેળે રમજણિયું રે પેજણીયુ વાગે " ના નાદ થી  ધારા ગુંજી ઉઠે છે. દેવ ઉઠી એકાદશીથી આ મેળાની શરૂઆત થાય છે. અને બે થી ત્રણ અઠવાડિયા સુધી મેળો ચાલુ રહે છે. પરંતુ આ મેળાનો મુખ્ય દિવસ કારતકી પૂનમ ગણવામાં આવે છે. આ મેળામાં માત્ર ગુજરાતના જ નહીં પરંતુ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ભારતભરમાં થી આદિવાસી સમાજના લોકો આવે છે. અહીં કાળીયા બાવજી એટલે કે ભગવાન શામલાજીમાં અતૂટ શ્રદ્ધા ધરાવતા આદિવાસી સમાજની લાખ્ખોની જનમેદની ઉમટે છે. કાળીયા બાવજીના દર્શન કરી અહીં આવેલા નાગધરા કુંડમાં સ્નાન કરી ધન્યતા અનુભવે છે. આ ઉપરાંત કોઈ સ્વજનનું મૃત્યુ થયું હોય તો તેના અસ્થિનું વિસર્જન પણ અહીં નગધરા કુંડમાં કરવામાં આવે છે. અહીં અસ્થિ વિસર્જનથી  મોક્ષ પ્રાપ્ત થાય છે એવી માન્યતા છે.
          મેશ્વો અને પિંગાના સંગમ સ્થાને સરકારના જળ સિંચાઈ યોજના મુજબ જલાગાર બાંધવામાં આવ્યો છે. બે ડુંગરોની વચ્ચે લગભગ 200 ફૂટ ઊંચો બંધ છે. આ સરોવરના ખોદકામ કરતા આશરે બીજી ત્રીજી સદીના બૌદ્ધ કાલીન અવશેષો મળી આવ્યા હતા.

                                                                 મેશ્વો જલાગાર

                 નૈસર્ગિક સુંદરતા ધરાવતા શામળાજીમાં બીજા અનેક દર્શીનય પ્રાચીન સ્થળો આવેલા છે. જેમકે મંદિરની બહાર આવેલું ભગવાન ત્રિલોકનાથનું મંદિર, ખાખચોક, ગોવિંદ આશ્રમ, બાજુ માં આવેલી પૌરાણિક નંદા વાવ,  ગણપતિ મંદિર, વિશ્રામ ઘાટ, નગધરા કુંડ , ગંગાનંદપુરીનો આશ્રમ, રણછોડરાયનું મંદિર, ભાઈ બહેનની દેરી, સર્વોદય આશ્રમ, બ્રહ્માનંદ આશ્રમ, કાશી વિશ્વનાથનું મંદિર, અહીંથી મળી આવેલ પ્રાચીન અવશેષોને સાચવતું સંગ્રહાલય, કરામ્બુજ તળાવ,મેશવો નદી કિનારે ખંડિત હાલતમાં ઉત્તમ પ્રકારના શિલ્પ વાળી સત્યવાદી રાજા હરિશ્ચંદ્રની ચૉરી દર્શનીય છે. એક દંત કથા પ્રમાણે સત્યવાદી રાજા હરિશ્ચંદ્રના લગ્નની ચૉરી અહીં બંધાઈ હતી. ત્યારથી આ જગ્યા સત્યવાદી રાજા હરિશ્ચંદ્રની ચૉરી તરીકે ઓળખાય છે. ત્યારબાદ પુત્ર પ્રાપ્તિ માટે રાજાએ રાજસૂય યજ્ઞ પણ અહીં જ કરાવ્યો હતો. આવી પ્રાચીન અનેક મહત્વની ઘટનાઓની આ ધરા સાક્ષી રહી છે.

                                                          સત્યવાદી રાજા હરિશ્ચન્દ્રની ચોરી                                        


                  કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવા દેશ વિદેશથી કૃષ્ણ ભક્તો અહીં ઉમટી પડે છે . નીજ મંદિરને ભવ્ય રોશનીથી શણગારવામાં આવે છે. જન્માષ્ટમીની મધ્યરાત્રીએ આખું નગર 'નંદઘેર આનંદ ભયો જય કનૈયા લાલકી' ના નાદથી ગુંજી ઉઠે છે. હાલ શામળાજી મંદિરનું સંચાલન શ્રી શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે. અહીં આવનાર યાત્રાળુઓ માટે નિઃશુલ્ક દરે રહેવા અને જમવાની વ્યવસ્થા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. સરકારશ્રી દ્વારા શામળાજી મંદિરના પરિસરની કાયાપલટ કરવા અનેક વિકાસ કર્યો અહીં થઈ રહ્યા છે. ભગવાન શામળાજીની  મનોહર મૂર્તિના દર્શનનો લ્હાવો લેવો  એ જીવની યાદગાર ક્ષણો બની રહે છે. આપ ક્યારે પધારો છો શામળિયાના દર્શને???



( અરવલ્લીમાં આવેલ  વધુ એક તીર્થ ધામ વિશે જાણીશું આવતા સોમવારે )

લેખન :ઈશ્વર પ્રજાપતિ 
(આપના પ્રતિભાવ નીચે આપેલ whatsapp નંબર પર લખી મોકલી શકો છો )
(98251 42620)

નોંધ:- મિત્રો બ્લોગની લિંક આપ શેર કરી શકો છો પરંતુ મિત્રો મારા બ્લોગના આર્ટિકલ્સને પોતાના નામે ચડાવી વાયરલ કરવાનો અવિવેક ન કરવા વિનંતી.


3 comments:

  1. Excellent sir... I visited shamlaji many times.. But first time i come to knw the history of it.. Thanks.. Waiting for next article..

    ReplyDelete
  2. Supperb sir I don't know the history of samalaji temple thank you so much for history 😇😇

    ReplyDelete
  3. Jilla na loko ne j jilla na aava place vishe information nathi hoti tyare my dear friend ...very very useful information shared by you...!!! Keep it up dear...!!!

    ReplyDelete

સન્ડે સ્પેશિયલ

  ‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા    જોઈએ.” :    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.       સાવ સા...

Popular Posts