Monday, March 18, 2019

આપણો જીલ્લો, આપણું વતન : અરવલ્લી ભાગ -7

અરવલ્લીમાં આવેલાં પવિત્ર તિર્થધામો 

દેવરાજ ધામ 



            અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસાથી પાસે આવેલ દેવરાજ ધામ અરવલ્લીનું અનમોલ ઘરેણું સમ શોભી રહ્યું છે. અરવલ્લીની વૃક્ષાચ્છાદિત ગિરિમાળાની એક ઉચ્ચ ગિરી શિખર પર દેવરાજ ધામ સ્થિત છે. શહેરના પ્રદુષણ અને ઘોઘાટથી બિલકુલ દૂર નયન રમ્ય પ્રાકૃતિક વાતાવરણ વચ્ચે વિકસેલું આ ધામ 700 વર્ષ પહેલાનો ભવ્ય વારસો સાચવીને બેઠું છે. શિખર પરથી ચોતરફ નજર માંડતા અદ્ભૂત કુદરતી સૌંદર્યથી મન મંત્રમુગ્ધ બની જાય છે. આવો આજે આ પવિત્ર ધામનો પરિચય મેળવીએ.
             આશરે સાતસો વર્ષ પહેલાંની વાત છે. ગુજરાતના સોરઠ પ્રદેશમાં ઉબેણ' નદીને કાંઠે આવેલ વંથલી ગામ. આ ગામમાં નિવાસ કરતા ઉદાઅંબોટી અને સોનાબાઈ નિઃસંતાન દંપતી હતાં. તેમના ધર્મગુરુ સંતશ્રી શોભાજીના આશીર્વાદથી શિવલયના પખાલના પુષ્પોમાંથી એક બાળક પ્રાપ્ત થાય છે. ભક્તિ પારાયણ દંપતીએ દેવના દીધેલ આ દીકરાનું નામ દેવો રાખ્યું. એક વાર એવું બન્યું કે આ દેવો સાધુ સંતો સાથે તરણેતરના મેળામાં જાય છે. ત્યાં જુદી જુદી જગ્યાએથી સાધુ મહાત્મા ઓ આવ્યા હતા. ધાર્મિક ચર્ચાઓ દરમિયાન તેઓના માનસ પર એક મહાત્માનો અદભુત પ્રભાવ અનુભવાયો. તે દિવસથી સંસાર પર થી તેઓનું મન ઉતરી સન્યાસ તરફ ખેંચવા લાગ્યું.
તરણેતરના મેળા માંથી પરત વતન વંથલી જવાના બદલે તેઓ ગિરનાર પહોંચી ગયા.ગિરનારની અડાબીડ ઝાડીમાં ફરવા લાગ્યા.અને સાધુ સંતોની સેવા કરવા લાગ્યા.તેઓએ ગિરનારની પાવન ભૂમિ માં ઘણો સમય પસાર કર્યો પરંતુ મન ન પ્રશ્નોનું નિરાકરણ મળતું ન હતું. 
         તેવામાં એક દિવસ શોભાજી નામના મહાત્માનો મેળાપ થયો. શોભાજીનું સાનિધ્ય માં મનના પ્રશ્નોનું નિરાકરણ મળવા લાગ્યું. શોભાજીએ દેવયતને ગુરુ કંઠી બાંધી ઉપદેશ આપતા કહ્યું કે સાધુ બનો તેના કરતાં સંસારમાં રહી ધર્મથી વિમુખ થતા લોકોને ભક્તિ પ્રેરનાનો ઉપદેશ આપશો એ સમાજ માટે વધુ ઉપયોગી બની રહેશે. દેવયતને સદગુરુ સંતશ્રી શોભાજી મહારાજે જ્ઞાન વચન આપીને કહ્યું "જ્યાં કુવારીકા ભૂમિ હશે ત્યાં તમને ત્રિકાળજ્ઞાન પ્રાપ્ત થશે.
              ગુરુઆજ્ઞા માથે ચડાવી દેવાયત ત્યાંથી કાશી ગયા અને પરત આવી ગુરુ આજ્ઞા પ્રમાણે દેવલદે સાથે લગ્ન કર્યા. ગુરુ વચનો પ્રમાણે દેવયતને આત્મજ્ઞાન પ્રાપ્તિની તરસ જાગે છે અને જગ પરિભ્રમણ અર્થે ચાલી નીકળે છે. વિચરણ કરતા કરતા ઇટવા, મોરધાર, કોલંભા, કુંઢેલી, હાથબ, મોડાસર, સેકલા ( રાજસ્થાન) , બેણેશ્વર, થઈ દેવાયત પંડિત માતા દેવલદે સાથે મોડાસા પાસે આવેલ બાજકોટ ગામ ની પહાડના શિખર પર પધરામણી કરે છે.
            દેવાયત પંડિત અહીં આવ્યા ત્યારે તેઓના ખોબામાં જુવાર હતી. તેમાંથી કેટલાક દાણા જમીન પર પડતાંની સાથે જ ધણીના ફૂલ બની જતાં તેમને પોતાના ગુરુજીના વચનો મુજબ ત્રિકાળજ્ઞાન થતાં ભવિષ્યવાણી ઉચ્ચરવા લાગ્યા. આ ભવિષ્ય વાણી સતી દેવલદે ને સંબોધી ને કહી.
દવાયત પંડિતનું નામ અગામવાણી કરનાર મુખ્ય ત્રણ વ્યક્તિઓમાં થાય છે. એક ત્રિકાળજ્ઞાની સહદેવ, સરણાવ ઋષિ અને ત્રીજા દેવાયત પંડિત. આશરે સાતસો વર્ષ પહેલાં ઉચ્ચરેલી આ ભવિષ્ય વાણી આજે યથાર્થ સાબિત થતી લાગે છે

અગમ વાણી ના કેટલાક અંશો 

દેવાયત પંડિત દાડા દાખવે‚ સુણો તમે દેવળદે નાર‚
આપણા ગુરુએ આગમ ભાખિયા‚ જૂઠડા નહીં રે લગાર ;
લખ્યા ને ભાખ્યા‚ સોઈ દિન આવશે,
એવા દેવાયત પંડિત દાડા દાખવે,,,
પહેલા પહેલા પવન ફરુકશે‚ નદીએ નહીં હોય નીર‚
ઓતર દિશાથી સાયબો આવશે‚ મોખે હશે હનુમો વીર,
લખ્યા ને ભાખ્યા‚ સોઈ દિન આવશે,
કાંકરિયા તળાવે તંબુ તાણશે‚ સો સો ગાઉની સીમ‚
રૂડી ને દિસે રળિયામણી‚ ભેળા આવશે અર્જુન ને ભીમ,
લખ્યા ને ભાખ્યા‚ સોઈ દિન આવશે,
ધરતી માથે હેમર હાલશે‚ સૂના નગર મોઝાર‚
લખમી લૂંટાશે લોકો તણી‚ નહીં કોઈ રાવ કે ફરિયાદ,
લખ્યા ને ભાખ્યા‚ સોઈ દિન આવશે,
એવા દેવાયત પંડિત દાડા દાખવે,,,

,
            આવી અનેક રચનાઓ ક્રમશઃ લોકજીભે ચડી ગઈ. અને ભજનો રૂપે વણાતી ચાલી આવી. કુવારીકા આ ભૂમિ પર દેવાયત પંડિત અને સતી દેવલદે જીવતી સમાધિ લઈ બ્રહ્મલીન થયાં. 

          તેઓના પ્રખર તપોબળથી આ ભૂમિ પાવક ભૂમિ બની છે. આજે આ ધામ પર અતિ પ્રાચીન કાળનો અલંકારીત કળશ સ્થાપિત છે. બારીક કોતરણી વાળા ખાંચાઓમાં પંચધાતુના વરખ બેસાડવામાં આવેલ છે. એવુ કહેવાય છે કે વર્ષો પહેલા આબુ પર્વત ખાતે રાણા કુંભાના સમયમાં સર્વે મહાધર્મીઓ અને સિદ્ધો ની હાજરીમાં સવારો મંડપ રચવા માં આવ્યો હતો. તે કાળે દેવાયત પંડિત મહારાજને સિદ્ધ બાબા રામદેવ ભગવાને સ્વહસ્તે આ કળશ હાથો હાથ અર્પણ કરેલ છે.
       દેવાયત પંડિતજીના બ્રહ્મલીન થયા બાદ બીજપંથના અનુયાયી એવા બુદ્ધગીરીજી બાવજી દ્વારા ચેતન સમાધિની સેવા પૂજા કરવામાં આવતી. ર આજે બુદ્ધગીરી બાવજીના  વંશપરંપરાગત બાર પેઢીના મહંતશ્રી ધનેશ્વરગીરી બાવજી દ્વારા ચેતન સમાધિ મંદિરમાં અવિરત પણે ભક્તિની જ્ઞાનગંગા વહેવડવામાં આવી રહી છે.
          દેવરાજ ધામના મહંતશ્રી ધનેશ્વર ગીરી બાવજી દ્વારા ધામ પર સવિશેષ કૃપા દૃષ્ટિ થતી રહી છે. આ સમાધિ સ્થાનક પર આજે ભવ્યાતિભવ્ય મંદિર નિર્માણ પામ્યું છે. અહીં વિષ્ણુ અવતારી ભગવાન સિદ્ધ રામદેવજી મહારાજનું પણ મંદિર છે. પ્રતિ વર્ષે આ ધામ પર મોટા મહાધર્મના મેળાવડાઓ અને ભજન આરાધના થતાં રહે છે. મહંત શ્રી ધનેશ્વરગીરી બાપુ સર્વે ધર્મ પ્રેમી જનો માટે એક પ્રેરણા છે. ભકતો, લેખકો,કવિઓ અને અભ્યાસુઓ માટે મહંતશ્રીએ એક અદ્યતન પુસ્તસ્કલાય નિર્માણ કરાવ્યું છે. જેમાં અતિ પ્રાચીન અલભ્ય હસ્તલિખિત પ્રતો પૌરાણિક ધર્મગ્રંથો, દસ્તાવેજો અને પુસ્તકો રાખવામાં આવ્યા છે. મહંત શ્રીના અવશિષ્ઠ પુસ્તક પ્રેમ માટે અધિક આદર ઉપજાવે છે .
          700 ઉપરાંત ગામો આ સ્થાનના નેજામાં આવે છે . ગામે ગામ ફરી લોકોને વ્યસનમુક્તિ, કુરિવાજો અને અન્ય દુષણો માંથી મુક્ત થવા ઉપદેશ અપાય છે. જે ના પ્રતાપે સેંકડો લોકો દુષણોમાંથી મુક્ત બની ભક્તિના સદમાર્ગે વળ્યાં  છે. 
          હાલ દેવરાજ મંદિરના નૈઋત્ય ખૂણાએ એક અતિ પ્રાચીન ભોંયરૂ આવેલું છે. આ ભોંયરૂ ખાસ પ્રસંગોએ દર્શન પૂજન માટે ખુલ્લું કરવામાં આવે. વળી મંદિરની તળેટીમાં ઉત્તર દિશાએ પુરાતન સમયનો એક વિશાળ જલકુંડ આવેલ છે. જેનું બાંધકામ પુરાતન કાળમાં માત્ર પથ્થરોથી જ કરવામાં આવેલ છે. જલકુંડની પાળ પર શ્રી કૈલાસગીરી બાવજીના પરમ પ્રિય શિષ્ય શ્રી લહેરીગીરી બાપુની જગ્યા આવેલી છે. જ્યાં વર્તમાનમાં ધૂણો હયાત છે. ધામ હસ્તક 'અલખ વાડી' નામે વાડી આવેલી છે. જ્યાં વૃક્ષો, વેલીઓ, ફળફળાદી, ફૂલછોડ વગેરે વાવી ને હરિયાળા ઉપવનનું નિર્માણ કર્યું છે.
         આ જગ્યા કુવારીકા જગ્યા હોવાથી મંદિરમાં કદી પણ કેરોસીનનો ઉપયોગ કરવામાં આવતો નથી. અને અહીં કદી મંગળ ફેરા કે લગ્ન વિધિ કરવામાં આવતી નથી.
          માઝૂમ નદીના કિનારે આવેલ આ તપો ભૂમિ પર કુદરતે જાણે તેનું હેત વરસાવ્યું હોય તેમ ચોતરફ નયનરમ્ય વનરાજી પથરાયેલી છે. જ્યાં વિવિધ પ્રાણી પક્ષીઓ નિર્ભર રીતે વિહાર કરી શકે છે.
         દેવરાજ ધામ પહાડની ટોચ પર આવેલ દર્શનીય ધામ છે. અપ્રતિમ નૈસર્ગીક સૌંદર્ય ધરાવતું આ ધામ આબાલવૃદ્ધ સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. બીજ અને પૂનમ ના દિવસે અહીં મેળા જેવો માહોલ હોય છે. મહાસુદ બીજ અને ગુરુ પૂર્ણિમાએ દૂરસુદુર થી ભક્તો અહીં ઉમટી પડે છે.



( અરવલ્લીમાં આવેલ  વધુ એક તીર્થ ધામ વિશે જાણીશું આવતા સોમવારે )

લેખન :ઈશ્વર પ્રજાપતિ 
(આપના પ્રતિભાવ નીચે આપેલ whatsapp નંબર પર લખી મોકલી શકો છો )
(98251 42620)

નોંધ:- મિત્રો બ્લોગની લિંક આપ શેર કરી શકો છો પરંતુ મિત્રો મારા બ્લોગના આર્ટિકલ્સને પોતાના નામે ચડાવી વાયરલ કરવાનો અવિવેક ન કરવા વિનંતી

5 comments:

  1. જય અલખ ધણી 🚩🚩🚩🚩
    સત્ દેવાયત 👣👣👣👣👣

    ReplyDelete
  2. વાહ બાપુ ખુબ સરસ જય હો જય જયકાર હો દેવરાજધામ નો જય હો

    ReplyDelete

સન્ડે સ્પેશિયલ

  ‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા    જોઈએ.” :    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.       સાવ સા...

Popular Posts