Monday, March 25, 2019

આપણો જિલ્લો, આપણું વતન:અરવલ્લી ભાગ -8

અરવલ્લી જીલ્લાના તીર્થધામો 

સ્વયંભૂ પ્રગટ માઁ અંબાનું પ્રાગટય ધામ ઇટાડી

        
            

          અરવલ્લી જિલ્લાનું મોડાસા તાલુકાનું એક ખોબા જેવડું ગામ ઈટાડી. માંડ બે હજારની વસ્તી ધરાવતું આ નાનકડું ગામ રોચક અને પવિત્ર ઇતિહાસ ધરાવે છે. રજવાડાઓના સમયથી આ ગામનું વિશેષ મહત્વ રહેલું છે. જગત જનની માઁ અંબાનું પવિત્ર તીર્થ ધામ બન્યું છે. વર્ષે દહાડે લાખો ભક્તો અહીં દર્શનાર્થે આવે છે. શું છે માઁ અંબાનો પ્રાગટય ઈતિહાસ?? આવો આજે જાણીએ  પવિત્ર યાત્રાધામ ઇટડીના રોચક ઇતિહાસ વિશે.
      અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક થી માત્ર 13 કિ. મી. અંતરે આવેલ જગત જનની જગદંબા અંબેમાઁનું પ્રાચીન મંદિર આવેલું છે. આ મંદિર નો વહીવટ સ્વતંત્રતા પહેલાં બ્રિટિશ શાશન સમયમાં ઇડર સ્ટેટ ના મહારાજા દ્વારા થતો હતો. એ સમય માં રાજાઓ પોતાના સ્ટેટ નો વિસ્તાર કરવા નજીકના સ્ટેટ પર ચડાઈ કરતા. ઇડર સ્ટેટના રાજાએ પણ એ સમયે આંબલિયારના મહારાજા પર ચડાઈ કરેલી. જેમાં ઈડરના મહારાજાએ ચડાઈ કરતાં પહેલાં પ્રતિજ્ઞા કરેલી કે જો હું વિજય બનીશ તો ચડાઈ કરીને પરત આવતાં રસ્તામાં જે ગામમાં રાત્રી રોકાણ કરીશ તે ગામ મોટા અંબાજીના થાળમાં અર્પણ કરીશ. અને ચડાઈ દરમ્યાન ઇડરના મહારાજા નો વિજય થયો. અને પરત ફરતાં મહારાજાએ ઇટડી ગામમાં રાત્રી વસો કર્યો. પોતાની પ્રતિજ્ઞા પ્રમાણે ઈડરના મહારાજાએ ઇટડી ગામને મોટા અંબાજીના થાળમાં અર્પણ કરેલું.
       આ પરાજય થી આંબલિયારા ના મહારાજા બરાબરના છંછેડાયા. આંબલિયારા ના મહારાજના દિલમાં પ્રતિશોધની આગ પ્રજ્વલિત બની. અને કારમા પરાજયનો બદલો લેવા માટે આંબલિયારાના મહારાજાએ હવે ઇડર સ્ટેટનો ભાગ ગણાતું ઈટાડી ગામ પર ચડાઈ કરવાનું નક્કી કર્યું. આંબલિયારા ના મહારાજાએ ઈટાડી પર ચડાઈ કરી ગામના તમામ ઢોર આંબલિયારા હાંકી ગયા. ગામનું બધું પશુધન લૂંટાઈ ગયું. લૂંટાઈ જવાથી ભયગ્રસ્ત બનેલા લોકો એ માઁ આદ્યશક્તિને સ્મરણ કરી આકરી ટેક લીધી કે જ્યાં સુધી આંબલિયારા મહારાજા લૂંટી ગયેલ પશુધનને પરત ન મૂકી જાય ત્યાં સુધી ગામની સ્ત્રીઓ પોતાના નવજાત સંતાનોને સ્તનપાન નહીં કરાવે. ગામલોકોએ ભેગા મળી દેવી શક્તિને અંતઃકરણ પૂર્વક પ્રાર્થના કરી. આવી આકરી પ્રતિજ્ઞાથી ગામના નવજાત શિશુઓ માતાના ધાવણ માટે ટળવળવા લાગ્યા. લૂંટાઈ ગયેલું પશુધન પરત લાવવા ગામની માતાઓએ હ્રદય પર પથ્થર મૂકી લીધેલી કઠોર ટેકને વળગી રહી. અને માઁ અંબાને વિનવણી કરવા લાગી.
                  આવા દૃઢ સંકલ્પથી ઇટડીની ધરામાં આછોપી રહેલી માઁ અંબાની મૂર્તિમાં ચૈતન્ય પ્રગટ્યું. અને એ જ રાત્રીએ માઁ અંબા આંબલિયારા મહારાજાને સપનું આપ્યું. સપનામાં માઁ અંબાએ કોપાયમાન રૂપ ધરી પરચો આપ્યો અને કહ્યું " આંબલિયારાના મહારાજા! તે ભાન ભૂલી ને આ શું અનર્થ કરી નાખ્યો ??? પરાજય નો બદલો લેવા અબોલ પશુઓ પર અત્યાચાર ગુજાર્યો! તારા પાપે નવજાત શિશુઓ માતાના દૂધ માટે ટળવળે છે." માતાજીનું કોપાયમાન રૂપ જોઈ મહારાજા એ પગે પડી અંતઃકરણ પૂર્વક માફી માંગી. અને પોતાના થી થયેલા પાપના નિવારણ માટે માર્ગ બતાવવા માઁ અંબા ને આજીજી કરી. માઁ અંબા એ માફી બક્ષી અને જણાવ્યું કે " તમામ પશુધન અત્યારે જ ઈટાડી પાછા મૂકી આવો. અને ઈટાડી તળાવમાં ખોદકામ કરી જે મૂર્તિ મળી આવે તેનું વિધિવત સ્થાપન કરી મંદિર બંધવશો એમાં જ તમારું કલ્યાણ થશે." એમ કહી માઁ અંબા સપના માં અદૃશ્ય થઈ ગયાં.
          આ સપનાની વિગત અનુસાર આંબલિયારા મહારાજા એ તમામ પશુધન ઈટાડી ગામે પરત મૂકી આવી અહીં આવેલ તળાવનું ખોદકામ આરંભ્યું. ખોદકામ દરમિયાન માઁ આંબાની મૂર્તિ મળી આવી. અને એ તેજોમય મૂર્તિનું એ તળાવની પાળે વિધિવત સ્થાપન કરી મંદિર બંધાવ્યું.

        ત્યારથી ઈટાડી ગામની મહેસુલી આવક તથા અન્ય આવક વગેરે તમામ વહીવટ મોટા અંબાજીના વહીવટદાર મારફતે કરવામાં આવતો. તેમજ ઈટાડી મંદિરની સેવા પૂજા તથા વહીવટ અંગેનો ખર્ચ મોટા અંબાજી મંદિર તરફથી ચૂકવાતો. ગામનું મહેસૂલ અંબાજી મંદિરના વાહીવટદારે સ્વીકાર્યા બદલની પહોંચો ઈટાડીના સ્થાનિક નાગરિકો પાસે આજે પણ મોજુદ છે. એટલું જ નહીં પરંતુ તત્કાલીન સમયે મંદિર વિશેનો તામ્રપત્ર લેખ પણ આજે મોજુદ છે. જે સાચવીને રાખવામાં આવ્યો છે.
          સને 1969ના વર્ષમાં દેવસ્થાન ધારો અમલમાં આવતાં ઈટાડી ગામનું મંદિર ના સરકારનું કે ના મોટા અંબાજીનું એવી પરિસ્થિતિ નિર્માણ પામી. પરિણામે ઈટાડી મંદિર નો ખર્ચ મોટા અંબાજી મંદિર તરફથી મળતો બંધ થયો. અને આ મંદિરની સેવાપૂજા અને વહીવટી ખર્ચની જવાબદારી ગામલોકોના શિરે આવ્યો.

          આ મંદિર મોટા અંબાજીના તાબાનું મંદિર હતું. ઇતિહાસના પ્રમાણો સાથે ઈટાડી ગામના આગેવાનોએ સરકારશ્રીમાં અને મોટા અંબાજી દેવસ્થાન ટ્રસ્ટમાં રજુઆત કરતાં મોટા અંબાજીના ટ્રસ્ટે ઈટાડી મંદિરના જીર્ણોદ્ધાર માટે દસ લાખ જેટલી માતબર રકમ મંજુર કરી હતી.
               હાજરે હજુર માઁ અંબાના પરચા અપરંપાર છે. હાલ શ્રી ઈટાડી અંબાજી આશાપુરા વિકાસ ટ્રસ્ટ દ્વારા મંદિરનો સુંદર વહીવટ કરવામાં આવી રહ્યો છે. ગામના તળાવની પાળે આવેલ આ મંદિર માત્ર ઈટાડી ગામનું જ નહીં પરંતુ અરવલ્લીની શોભા છે. માઁ અંબા અહીં બિરાજે છે. અત્યારે દર પૂનમે અનેક શ્રધ્ધાળુઓ દર્શને આવે છે. ભાદરવી પૂનમે મોટા અંબાજી ન જઈ શકતા માઁ અંબાના ભક્તો પગપાળા અહીં દર્શને આવે છે. હજારોની સંખ્યામાં માનવમેદની ઉમટે છે. અહીં નવરાત્રીનું પણ ભવ્ય આયોજન કરવામાં આવે છે . ચૈત્રી પૂનમે મહોત્સવનું માહાત્મ્ય અનોખું છે. હજારોની સંખ્યામાં ભક્તો આવે છે . માઁ ના દર્શનનો લાભ લે છે. અને મહા પ્રસાદી નો પણ આયોજન થાય છે. અહીં આવેલ યાત્રીકોને રોકવા માટે ધર્મશાળા અને જમવા માટે ભોજન શાળાનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે.
        માઁ અંબામાં અનન્ય આસ્થા ધરાવતા ભક્તોનો ધસારો દિન પ્રતિદિન વધતો જ રહે છે. અને માઁ અંબા ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે.

 ( અરવલ્લીમાં આવેલ  વધુ એક તીર્થ ધામ વિશે જાણીશું આવતા સોમવારે )

લેખન :ઈશ્વર પ્રજાપતિ 
(આપના પ્રતિભાવ નીચે આપેલ whatsapp નંબર પર લખી મોકલી શકો છો )
(98251 42620)

નોંધ:- મિત્રો બ્લોગની લિંક આપ શેર કરી શકો છો પરંતુ મિત્રો મારા બ્લોગના આર્ટિકલ્સને પોતાના નામે ચડાવી વાયરલ કરવાનો અવિવેક ન કરવા વિનંતી

1 comment:

સન્ડે સ્પેશિયલ

  ‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા    જોઈએ.” :    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.       સાવ સા...

Popular Posts