Thursday, March 21, 2019

વ્યક્તિ વિશેષ : યાહ્યા સપાટવાલા

           સમાજમાં જ્ઞાનનો પ્રકાશ પાથરનાર પ્રજ્ઞાચક્ષુ પ્રેરણા મૂર્તિ યાહ્યા સપાટવાલા


                યાહ્યા સપાટવાલા સર 
           કોણ છે યાહ્યા સપાટવાલા સર  કે આજે વ્યક્તિ વિશેષ માટે અરવલ્લીની   સીમાઓ ઓળંગી છેક વડોદરા સુધી જવા મન મજબૂર બન્યું ?  જેઓએ અથાગ પરિશ્રમ થકી કુદરતે બક્ષેલી નબળાઈઓને તાકાતમાં પલટી. કુદરત તરફથી મળેલ શારીરિક નબળાઈને તેઓએ કુદરતની અણમોલ ભેટ સમજી સહર્ષ સ્વીકારી પડકારોને સતત પડકારી સફળતાનાં ઉચ્ચ આયામો સર કર્યા. આવો આજે પરિચય મેળવીએ એવા મધમધતુ વ્યક્તિત્વ એટલે કે યાહ્યા સપાટવાલા સર વિશે    
          ગુજરાતના શિક્ષણ જગતમાં ભાગ્યે જ કોઈ એવું વ્યક્તિ મળે કે જે આ નામ થી અપરિચિત હોય!! યહ્યા સપાટવાલા સરને કુદરતે રૂપાળી બે આંખો આપી પરંતુ સુંદર સૃષ્ટિ જોવા દૃષ્ટિ ન આપી. આંખો તો ખૂબ રૂપાળી પરંતુ મગજ સુધી સંદેશો પહોંચાડતી ચેતાઓ સંપૂર્ણ નિષ્ક્રિય. પિતા હકીમુદ્દીનભાઈ પોતે અંધ, તેઓનું પહેલું સંતાન અંધ અને બીજું સંતાન એટલે યહ્યા પણ અંધ. આખા પરિવાર માં જાણે યુગો યુગોનો અંધાર વારતાતો હતો. ત્યારે પ્રેમાળ દાદીમાએ કુદરત સામે બાથ ભીડી લેવાનો નીર્ધાર કર્યો. 
             ઘરની આર્થિક પરિસ્થિતિ તો ખૂબ નબળી આવી પરિસ્થિતિમાં સંતાનને ભણાવવું કેમ પોસાય !! પરંતુ બાળપણથી પ્રજ્ઞાચક્ષુ યાહ્યા સરની હોશિયારી જોઈ સૌ પ્રભાવિત થયાં અને સૌએ મદદ કરી ત્યારે તેઓને અમદાવાદની બહેરા મૂંગાની શાળામાં પ્રવેશ અપાવ્યો. આ શાળા માં ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો . એ દરમિયાન શાળા ના આચાર્યશ્રી હર્ષદ ભાઈએ યાહ્યા સરનું નૂર પારખી લીધું. અને વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લેતા કર્યા, ખૂબ પ્રોત્સાહન પૂરું પાડ્યું. સફળતાના સોપાનો સર કરવાનો આત્મવિશ્વાસ જગાવ્યો. આ શાળાના વિમાળાબેન શાહ અને બીજા શિક્ષિકો તરફથી મળેલા અનન્ય પ્રેમે યાહ્યા સરનું જીવન ભર્યું ભર્યું બનાવ્યું.

            ... અને યાહ્યા સરનું વ્યક્તિત્વ સોળે કળાએ ખીલવા લાગ્યું. શાળામાં યોજાતી તમામ પ્રવૃત્તિઓમાં ભાગ લઈ ઉત્કૃષ્ઠ પ્રદર્શન કર્યું. અને ધોરણ 10 માં સારા ટકા સાથે ઉત્તીર્ણ કર્યું.ધોરણ 11 -12 માટે બલાઇન્ડ પીપલ એસોસિએશન વસ્ત્રાપુર માં પ્રવેશ મેળવ્યો . ત્યાં પણ તેઓની પ્રતિભા છાની ન રહી. ધોરણ 12 માં પણ ખૂબ સારા ટકા સાથે ઉત્તીર્ણ થયા.
                 કુદરતે રસ્તામાં નાખેલા પથ્થરોને બરાબર ગોઠવી તે જ પથ્થર ની સીડી બનાવી ઊંચાઈ પર ચડવાનું યાહ્યા સરે શીખી લીધું હતું.
            યાહ્યા સરે મુખ્ય વિષય ગુજરાતી રાખી અમદાવાદ ની સેન્ટ ઝેવિયર્સ     કોલેજમાં પ્રવેશ મેળવ્યો. કોલેજ પાઠ્યક્રમ ના પુસ્તસ્કો બ્રેઇલમાં ઉપલબ્ધ ન હોવાને કારણે તેઓએ ઓડિયો કેસેટ પર આધાર રાખવો પડતો. પરંતુ કોલેજ કાળ દરમિયાન તેઓને એવા મિત્રો સાંપડ્યા કે યાહ્યા સરને ક્યારેય અંધત્વનો અહેસાસ જ ન થવા દીધો. અભ્યાસકાળ દરમિયાન અન્ય પડકારો પણ ખૂબ હતા આ પડકારોને પણ તેઓએ પ્રેમ થી સ્વીકાર્યા.
          અધ્યાપકોનું માર્ગદર્શન અને મિત્રોના સહકારથી યાહ્યા સર અન્ય દૃષ્ટિવાન વિદ્યાર્થીઓને અભ્યાસમાં હંફાવતા.1991 માં T.Y ના પરિણામના એ દિવસો યાદ કરતા યાહ્યા સરની આંખોમાં અનોખી ચમક ઉતરી આવે છે. પ્રજ્ઞાચક્ષુ યાહ્યા સરની સ્પર્ધા દેખાતા વિદ્યાર્થીઓ સાથે હતી એમ છતાં ધગશ અને ભગીરથ પુરુષાર્થ થકી તેઓ બાજી મારી ગયા અને સમસ્ત ગુજરાત યુનિવર્સિટીમાં પ્રથમ ક્રમે આવી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો.

          કોલેજમાં અભ્યાસની સાથે સાથે તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા યોજાતી બુધ સભાઓ પણ ચુકતા નહીં. અને ત્યારથી જ ઉરની વેદનાઓ, લાગણીઓ અને સંવેદનાઓ ને કવિતાના રૂપમાં ઢાળતા થયા. કાવ્ય પઠન સંદર્ભે સંત શિરોમણી પૂ. મોરારીબાપુએ જાહેરમાં તેઓનું સન્માન કર્યું.
            1992 માં B. Ed પૂરું કર્યું. અને ત્યારબાદ ગુજરાત બહાર અભ્યાસ કરવાની તેઓની તમન્ના હતી. તેથી તેઓ M.A ના અભ્યાસ માટે મુંબઈ યુનિવર્સિટી માં પ્રવેશ મેળવ્યો.
અથાગ પરિશ્રમ નો કોઈ વિકલ્પ નથી હોતો. મુંબઈ અભ્યાસ દરમિયાન તેઓએ ન જોયો દિવસ કે રાત બસ ખંત થી અભ્યાસમાં મહેનત કરે રાખી. અને આખરે મહેનત રંગ લાવી. 1994 માં યુનિવર્સિટી ઓફ બોમ્બેમાં MA માં પ્રથસ આવી પુનઃ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો. અંધત્વની મર્યાદા ઓળંગી યાહ્યા સરે બધાને વિચારતા કરી દીધા. આ તેઓના વિશ્વાસની જીત હતી, તેઓની પોતાના જાત પરની શ્રદ્ધાની જીત હતી.
            એક સામાન્ય પરિસ્થિતિમાંથી આવતા એક અંધ વ્યક્તિ મુંબઈ યુનિવર્સિટી માં પ્રથમ આવી શકે છે એ યાહ્યા સરે સાબિત કરી આપ્યું એટલું જ નહીં એ સમયમાં ગુજરાતના ગણ્યા ગાંઠ્યા વિદ્યાર્થીઓ જ NET ની પરીક્ષા પાસ કરી શકતા એ સમયે યાહ્યા સરે NET પણ પાસ કરી પોતાની કાબેલિયતનો પુરાવો આપ્યો. અને P.hd કરવાની ફેલીશિપ મેળવી. પ્રખર વિદ્વવાન હરિવલ્લભ ભાયાણી સાહેબના માર્ગદર્શન હેઠળ 1994 માં P.hd નો અભ્યાસ ચાલુ કર્યો.
                એ વર્ષ દરમિયાન યાહ્યા સરે એક નવું જ સાહસ ખેડવાનો મનસૂબો ઘડ્યો. અને એમનુ હિમાલય જેવડું સાહસ એટલે હિમાલયનું આરોહણ. જ્યાં સામાન્ય માણસે પણ વિચારવું પડે કે એક ડગ ભર્યા પછી બીજું ડગ ક્યાં માંડવુ! એક બાજુ સફેદ લીસો બરફ અને બીજી બાજુ નજર પણ ન પહોંચે એવી ઊંડી ખીણો. પ્રતિકૂળ પરિસ્થિતિ વચ્ચે મિત્રોના દિશા સૂચન પ્રમાણે ડગ માંડતા ગયા. દૃડ મનોબળ અને મિત્રોના સહકાર થી તેઓએ 12000 ફૂટ ની ઊંચાઈ સુધી હિમાલય નું આરોહણ કર્યું.

          અંધત્વની મર્યાદાને કારણે તેઓ ક્યારેય હાથ પર હાથ મૂકી બેસી નથી રહ્યા.લ્યુઈ બ્રેઇલ ના જન્મ દિવસે દૂરદર્શન પર થી પ્રસારિત થતા સમાચારો નું તેઓએ અનેકવાર પઠન કર્યું છે. આકાશવાણી પર પણ તેઓનો મધુર આવાઝ અવાર નવાર સાંભળવા મળે છે. રાજ્ય સરકાર દ્વારા બાયસેગ ચેનલ પર થી પ્રસારિત થતા અનેક શૈક્ષણિક કાર્યક્રમો તેઓ કરી ચુક્યા છે.
શુભાષ શાહના 'આઘાત ' નાટકમાં તેઓએ મુખ્ય પાત્ર ભજવી બતાવ્યું ત્યારે અભિનેતા ઓ એ આવક બની યાહ્યા સરનો અભિનય નિહાળ્યો. 'બારી' નાટકમાં સહ દિર્ગદર્શન પણ કર્યું.
           સામાન્ય વ્યક્તિઓ નોકરી મેળવવાના ફાંફા મારવા પડતાં હોય છે ત્યારે યાહ્યા સરે પોતાની કાબેલિયત ના જોરે 1999 માં વડોદરા જિલ્લા શિક્ષણ તાલીમ ભવન માં અધ્યાપક તરીકેની પ્રતિષ્ઠિત નોકરી મેળવી. જ્યાં તેઓ આજે ફરજ બજાવે છે. શિક્ષણ ની ધૂણી ધખાવીને બેઠા છે. GCRTE અને NCRTE દ્વારા તૈયાર કરવામાં આવતાં ગુજરાતીના પાઠ્યપુસ્તકો માં લેખક તરીકેની તેઓની ભૂમિકા મહત્વની રહી છે. એ ઉપરાંત ભાષાને લાગતાં તમામ મોડ્યુલ લેખન હોય કે પ્રજ્ઞાનું સાહિત્ય નિર્માણ તમામ કાર્યમાં તેઓની સેવા બિરદાવવા લાયક રહી છે. તેઓના ઉમદા સેવા કર્યો બદલ અનેક સંસ્થાઓ એ એવોર્ડ આપી સન્માનિત કર્યા છે. તાજેતરમાં જ IIM સાથે સંકળાયેલ અનિલ ગુપ્તા સરની પ્રતિષ્ઠિત સંસ્થા સૃષ્ટી દ્વારા રાષ્ટ્ર કક્ષાએ શિક્ષણ ક્ષેત્રે ઉમદા સેવાઓ આપવા બદલ યહ્યા સપાટવાલા સરને સન્માનવામાં આવ્યા.

                તાલીમાર્થીઓના ઇન્ટનશીપ દરમિયાન અનેક અગવડો વેઠી વડોદરા જિલ્લાના અંતરિયાળ ગામડાઓમાં જાય છે. ગામડાની આદિવાસી, ભોળી, નિરક્ષર પ્રજાને ભણાતરનું મૂલ્ય સમજાવે છે. પોતાના જીવનમાં કુદરતે ભલે ઘોર અંધકાર પાથર્યો હોય પણ યાહ્યા સર બીજાના જીવનમાં જ્ઞાન નો પ્રકાશ પાથરવા મથી રહ્યા છે.
             જિલ્લા શિક્ષણ તાલીમ ભવનમાં તેઓ સર્વેના પ્રિય છે. તાલીમાર્થીઓ યાહ્યા સર ના તાસનો ઈંતઝાર કરતા હોય છે. સતત નવું જ્ઞાન પીરસતા રહે છે. ક્યારેક મોજમાં આવી મધુર કંઠે ગઝલ પણ લાલકારે. તેઓ બાળકો સાથે બાળક બની જાય છે. બાળગીતો અને બલવાર્તાઓનો તો જાણે ખજાનો ભર્યો પડ્યો છે તેઓની પાસે. બીજા શબ્દોમાં કહું તો યાહ્યા સર ગિજુભાઈ નું આધુનિક રૂપ છે. યાહ્યા સરને જોઈ બાળકો ઘેલમાં આવી જાય છે. બાળકો ગળે લટકી પડે છે. દૃષ્ટિવાન ને શરમાવે એ રીતે કોમ્પ્યુટર ચલાવી જાણે છે. સામાન્ય માણસ કરતા વધારે સારી રીતે તમામ આધુનિક ઉપકરણો વાપરી શકે છે. એન્ડ્રોઇડ ફોન પણ ખૂબ સારી રીતે ઓપરેટ કરી જાણે છે. કોઈની પણ આંગળી પકડ્યા વીણા વડોદરા ડાયટ માં ગમે ત્યાં દોડતા જાય છે.
           પોતાના કામ પોતાની જાતે કરવામાં યાહ્યા સરને આનંદ આવે છે. તેઓ પોતાના કપડાને ઈસ્ત્રી જાતે કરે છે. પોતાની સ્ટાઈલિસ્ટ ફ્રેન્ચ કટ શેવિંગ પણ જાતે જ કરે છે.

       યાહ્યા સર અંધ છે તેઓના મોટા ભાઈ અંધ છે અને તેઓના પિતા શ્રી પણ અંધ છે આ વાત સુપેરે જાણ્યા પછી પણ ભવિષ્યમાં પડનારી મુશ્કેલીઓ ની પરવા કર્યા વિના અમદાવાદ ના અરવા બેને યાહ્યા સર સાથે લગ્નગ્રંથી થી જોડાયા. સંપૂર્ણ દૃષ્ટિ ધરાવતા અરવા બેન નું આ ક્રાંતિકારી પગલું ભરી તેઓએ સમાજમાં એક આદર્શ દાખલો બેસાડી સૌને વિચારવા મજબૂર કર્યા છે.
         પ્રેમાળ સ્વભાવને કારણે યાહ્યા સર ખૂબ મિત્રોનો આદર પામ્યા છે. યાહ્યા સર પોતાનું દિલ ખોલે છે ત્યારે કહે છે " કુદરતે થોડું લીઇ ઘણું આપી દીધું છે. મને મારા અંધત્વને કારણે આટલા પ્રેમાળ મિત્રો મળ્યા, એમનો એટલો સ્નેહ મળ્યો છે કે ભગવાન અનેક જન્મોનો અંધાપો આપે તો એનો મને રંજ નથી."

(સંદર્ભ : કભી કભી )
(અરવલ્લીના વિરલ વ્યક્તિ વિશેની રસપ્રદ વતો જાણીશું આવતા ગુરુવારે...)   

લેખન : ઈશ્વર પ્રજાપતિ
આપ આપના પ્રતિભાવ નીચેના whatsapp no. પર લખી મોકલી શકો છો.
(98251 42620)

નોંધ:- મિત્રો બ્લોગની લિંક આપ શેર કરી શકો છો પરંતુ  બ્લોગના આર્ટિકલ્સને પોતાના નામે ચડાવી વાયરલ કરવાનો અવિવેક ન કરવા વિનંતી. 

2 comments:

સન્ડે સ્પેશિયલ

  ‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા    જોઈએ.” :    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.       સાવ સા...

Popular Posts