Sunday, May 29, 2022

સન્ડે સ્પેશિયલ

 મર્સિડિઝ’  બ્રાન્ડનું નામકરણ જેમના નામ પરથી  થયું,  મર્સિડિઝ જેલીનેકે   તેમના જીવનના અંતિમ દિવસો અત્યંત ગરીબીમાં   પસાર કરવા પડ્યા  હતા.

પિતા એમિલ જેલીનેક અને પુત્રી મર્સિડિઝ જેલીનેક 

       મર્સિડિઝ’ માત્ર નામ જ કાફી છે.  ઓટોમોબાઈલ ક્ષેત્રમાં સમગ્ર વિશ્વમાં મર્સિડિઝ’ નામ  લગ્ઝરીયસ બ્રાન્ડનું  પર્યાય માનવામાં આવે છે. મર્સિડિઝનો વપરાશ સ્ટેટસ સિમ્બોલ માનવામાં આવે છે. મર્સિડિઝ  બ્રાન્ડ છેલ્લા સવા સો વર્ષથી વિશ્વમાં પોતાની ગુડવિલ બરકરાર રાખવામાં સફળ  થઈ છે. સકસેસ અને  લગ્ઝરીયસ બ્રાન્ડના જન્મનો ઈતિહાસ પણ રસપ્રદ છે. બહુ ઓછા લોકો જાણે છે યુરોપિયન  ઓટોમોબાઈલ ઉદ્યોગસાહસિક એમિલ જેલિનેકની પુત્રી મર્સિડિઝ એડ્રિએન રેમોના મેન્યુએલા જેલિનેકના નામ પરથી મર્સિડિઝ બ્રાન્ડનું  નામ રાખવામાં આવ્યું હતું.

                એમિલ જેલીનેકથી મર્સિડિઝ બ્રાન્ડના જન્મની કથાનો આરંભ થાય છે. તેઓ  એડ્રિએન રેમોના મેન્યુએલા જેલિનેક ઉર્ફે મર્સિડિઝના પિતા હતાં.   એમિલ જેલીનેક યુરોપિયન ઓટોમોબાઈલ ક્ષેત્રના ધનિક ઉદ્યોગ સાહસિક હતા. તેમનો  જન્મ લેઇપઝિગ, જર્મનીમાં થયો હતો, જેલિનેકના જન્મ પછી તરત જ પરિવાર વિયેનામાં સ્થળાંતર થયો. 1872 માં, જ્યારે 19 વર્ષની ઉંમરે, તે ફ્રાન્સ ગયા. ત્યાં તેઓ તે રશેલ ગોગમેન નામની યુવતીને  મળ્યા. અને 28 વર્ષની ઉંમરે  રશેલ સાથે લગ્ન કર્યા.  16 સપ્ટેમ્બર, 1889ના રોજ ત્રીજા સંતાન રૂપે  પુત્રીનો જન્મ થયો. પુત્રીનું નામ એડ્રિએન રેમોના મેન્યુએલા જેલિનેક  રાખવામાં આવ્યું. પરંતુ સૌ તને મર્સિડિઝ’ હુલામણા નામે બોલાવતાં.   સ્પેનિશમાં Mercedes નામનો અર્થ થાય છે "દયા" ! પુત્રીના જન્મના ચાર વર્ષ બાદ રશેલ મૃત્યુ પામ્યાં. તેમ છતાં, જેલીનેકે મર્સિડીઝ નામ શુકનિયાળ લાગ્યું. તેને લાગતું હતું કે તેની પુત્રી સારૂ નસીબ લઈને અવતરી છે.  એમિલ જેલેનેકે બધી મિલકતોનાં નામ સાથે પુત્રી મર્સિડિઝ’નું નામ જોડતો. તેમના એક પુત્રે તો લખ્યું પણ ખરું કે: મારા પિતા  પ્રાચીન રોમનોની જેમ અંધશ્રદ્ધાળુ હતા.

       જેલીનેકનો વીમા વ્યવસાય અને શેર-બજારનો વેપાર ખૂબ જ સફળ બન્યો હતો.  વેપાર ધંધામાંથી પુષ્કળ કમાણી થતાં તેઓ શિયાળો ગાળવા ફેશનેબલ ફ્રેન્ચ રિવેરા પર નાઇસમાં જવાનું પસંદ કરતા.  ત્યાં જઈને આંતરરાષ્ટ્રીય વેપારી લોકો અને સ્થાનિક પ્રતિષ્ઠિત વર્ગના લોકો  બંને સાથે સંબંધ સ્થાપિત કર્યા. અને  આ પ્રદેશમાં શિયાળાની રજાઓ ગાળતા યુરોપિયન પ્રવાસીઓને મુખ્યત્વે ફ્રેન્ચ બનાવટની ઓટોમોબાઇલ્સ વેચવાનું શરૂ કર્યું. જેલીનેકે બિઝનેસ ચલાવવા માટે એક મોટી હવેલી લીધી હતી. જેનું નામ તેમણે ‘વિલા મર્સિડીઝ’ રાખ્યું હતું અને 1897 સુધીમાં તેઓ વર્ષમાં લગભગ 140 કાર વેચતા હતા અને તેમને "મર્સિડીઝ" કહેવા લાગ્યા હતા. તેમના વીમાના કામ કરતાં કારનો વ્યવસાય અત્યાર સુધીમાં વધુ નફાકારક હતો.

               વર્ષ 1890ના દશકામાં વિશ્વમાં કારનું ઉત્પાદન નહીવત બરાબર હતું.  એ સમયમાં  Daimler-Motoren-Gesellschaft ( DMG ; ડેમલર મોટર્સ કોર્પોરેશન ) એક જર્મન એન્જિનિયરિંગ કંપની  ઓટોમોબાઈલ ઉત્પાદન ક્ષેત્રે દબદબો ધરાવતી હતી. ગોટલીબ ડેમલર અને વિલ્હેમ મેબેક દ્વારા DMG કંપનીની સ્થાપના કરવામાં આવી હતી.

      ‘ફ્લિજેન્ડે બ્લેટર’ નામના સાપ્તાહિક મેગેઝિનમાં જેલીનેકે  ડીએમજી કંપની  કાર માટેની જાહેરાત જોઈ.   કંપની, તેની ફેક્ટરી અને ખાસ કરીને કંપનીનાં  ડિઝાઇનર્સ ગોટલીબ ડેમલર અને વિલ્હેમ વિશે વધુ જાણવા માટે 1896માં જેલીનેક કેનસ્ટેટ,  (સ્ટુઅર્ટગાર્ડ  નજીક) ગયા. અને એક ડેમલર કારનો ઓર્ડર આપ્યો અને તે વર્ષના ઓક્ટોબરમાં તેની ડિલિવરી લીધી. ઓટોમોબાઈલ ડિઝાઈનર વિલ્હેમ મેબેકના કામની ખૂબ પ્રશંસા કરી. DMG એક વિશ્વસનીય એન્ટરપ્રાઈઝ લાગતું હતું.  તેથી જેલીનેકે  DMG  કંપનીની કાર વેચવાનું શરૂ કરવાનું નક્કી કર્યું. 1898માં, તેમણે DMG ને પત્ર લખીને વધુ છ કારનો ઓર્ડર આપ્યો અને ડીએમજીના મુખ્ય એજન્ટ અને વિતરક બનવાની વિનંતી કરી. 1899માં તેણે 10 કાર અને 1900 માં 29 કાર વેચી.

         જેલીનેકે 2 એપ્રિલ, 1900ના રોજ DMG સાથે કરાર કર્યો કે  વિલ્હેમ મેબેક જેલીનેકે સુચવેલા સુધારા પ્રમાણે વિશિષ્ઠ  સ્પોર્ટ્સ કાર ડિઝાઇન કરવી. અને એ કારનું નામ  તેને ‘મર્સિડીઝ’ રાખવામાં આવે. આ કરાર મુજબ  જેલીનેકે  550,000 ગોલ્ડમાર્કમાં 36 ઓટોમોબાઈલની શિપમેન્ટ ખરીદવાનું વચન આપ્યું.  એક સાથે 36 કારનો ઓર્ડર કંપની માટે ખૂબ મોટો ઓર્ડર હતો જેલીનેકે કરારમાં મુકેલી તમામ શરતો DMG ના અધ્યક્ષે  માન્ય રાખી. અને  મોડલને સત્તાવાર રીતે ડેમલર-મર્સિડીઝ કહેવામાં આવશે જેને ડીએમજીના અધ્યક્ષે ઉમળકાથી  આવકાર્યું. આ કરારની સાથે જેલીનેક DMG ના બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્ય પણ બન્યા અને ફ્રાન્સ, ઓસ્ટ્રિયા, હંગેરી, બેલ્જિયમ અને યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા માટે નવી મર્સિડીઝની વિશિષ્ટ ડીલરશિપ મેળવી. જેલીનેકને ફ્રાન્સમાં ડેમલર નામના ઉપયોગ અંગે કેટલીક કાનૂની સમસ્યાઓ હતી. મર્સિડીઝ નામના ઉપયોગથી તે સમસ્યાનો અંત આવ્યો હતો.

          22 ડિસેમ્બર, 1900 ના રોજ નાઇસના રેલ્વે સ્ટેશન પર જેલીનેકે સુચવેલા સુધારા પ્રમાણે વિલ્હેમ મેબેકે ડીઝાઈન કરલી  35 HP કારની પ્રથમ ડિલિવરી લીધી. જેનું નામ મર્સિડીઝ હતું.  1901માં, આ કારે ઓટોમોબાઈલ વિશ્વને આશ્ચર્યચકિત કરી દીધું. જેલીનેક કાર રેસિંગનો ગાંડો  શોખીન હતો. જેલીનેકે રેસમાં ભાગ લઈ  તમામ વર્ગોમાં તેના પ્રતિસ્પર્ધીઓને સરળતાથી હરાવી દીધા. મર્સિડીઝ 60 કિમી/કલાક (37 માઇલ પ્રતિ કલાક) સુધી પહોંચી. એ સમયે કાર રસિકોને આ સ્પીડે રોમાંચિત કરી દીધા.  ફ્રેન્ચ ઓટોમોબાઈલ ક્લબના ડિરેક્ટર, પોલ મેયાન, જણાવ્યું હતું કે: "અમે મર્સિડીઝ યુગમાં પ્રવેશ્યા છીએ", .

         નવી મર્સિડીઝ દ્વારા સ્થાપિત રેકોર્ડ્સે સમગ્ર ઓટોમોબાઈલ વિશ્વને આશ્ચર્યચકિત કરી દીધું. DMG કંપનીની કાર વેચાણમાં જબરજસ્ત વધારો થયો.  તેના સ્ટુટગાર્ટ પ્લાન્ટની  અને કાર બનાવવાની ક્ષમતામાં વધારો કરી દીધો. કર્મચારીઓની સંખ્યા 1900 માં 340 થી વધીને 1904માં 2,200 થઈ ગઈ. કારને મળેલી બેધારી સફળતાને ધ્યાને લઇ  1902માં 23 જૂનના રોજ, કંપનીએ તેના સમગ્ર ઓટોમોબાઈલ ઉત્પાદન માટે ટ્રેડમાર્ક તરીકે મર્સિડીઝ નામનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું.  26 સપ્ટેમ્બરે સત્તાવાર રીતે મર્સિડીઝ બ્રાન્ડની નોંધણી કરવામાં આવી. અતિ આનંદિત એમિલ જેલીનેકે 1903માં વિયેનામાં 50 વર્ષની વયે પોતાનું નામ બદલીને જેલીનેક-મર્સિડીઝ રાખ્યું.  કોઈ પિતાએ તેની પુત્રીના નામને પોતાની સાથે જોડ્યું હોય એમ કદાચ પહેલી વાર બન્યું હતું. ત્યારથી જેલીનેક  પોતાની જાતને E.J. મર્સિડેસ. તરીકે ઓળખાવતા.

        જેલીનેક અને તેના ઉત્સાહી સહયોગીઓ વિશ્વભરમાં ડીએમજી-મર્સિડીઝ મોડલ્સનું વિતરણ કરી રહ્યા હતા, 1909 સુધીમાં છસોનું વેચાણ થયું હતું, જે DMG માટે લાખો કમાઈ હતી તેમનું જીવન ધંધામાં સમેટાઈ ગયું હતું. ઘરથી દૂર ઘણો સમય વિતાવવો પડતો. ગ્રાહકો દ્વારા કરવામાં આવતી વિશેષ ડિમાન્ડથી  કંટાળી ગયો હતો. તે DMG ના ટેકનિકલ વિભાગથી પણ ત્રસ્ત થઈ ગયો હતો.  ધીમે ધીમે મર્સિડીઝ પ્રત્યેનો તેમનો જુસ્સો ઓછો થવા લાગ્યો.  તેમના મનપસંદ ડિઝાઇનર વિલ્હેમ મેબેકે 1907માં ડીએમજી છોડી દીધું. તેમણે ડીએમજીના ચેરમેન પર એટલો ગુસ્સો કર્યો કે 1908માં તેમણે જેલીનેકનો મૂળ કરાર કાયમ માટે રદ કર્યો.

     જ્યારે ઑસ્ટ્રો-હંગેરીએ 28 જુલાઈ, 1914ના રોજ યુદ્ધમાં પ્રવેશ કર્યો, ત્યારે જેલિનેક અને તેના પરિવારે તે વર્ષ પછી, તેઓ મેરાન (ફ્રાન્સ) ગયા પરંતુ ત્યાં, તેમના પર જર્મની માટે જાસૂસીનો આરોપ મૂકવામાં આવ્યો, 1917 માં ભાગીને, તેઓ  સ્વિટ્ઝર્લૅન્ડમાં ગયા, જ્યાં એમિલ જેલીનેકની અસ્થાયી રૂપે ફરીથી ધરપકડ કરવામાં આવી. તેઓ 21 જાન્યુઆરી, 1918ના રોજ 64 વર્ષની વયે તેમના મૃત્યુ સુધી ત્યાં રહ્યા હતા. પાછળથી તેમની તમામ ફ્રેન્ચ મિલકતો જપ્ત કરવામાં આવી હતી.

       જેલીનેકની પુત્રી મર્સિડીઝ જેલિનેક વિયેનામાં રહેતી હતી. તેણીએ  બે વાર લગ્ન કર્યા હતા.  તેણીએ પ્રથમ લગ્ન  1909માં થયાં. તેમને બે બાળકો હતા.  પ્રથમ સંતાન એલ્ફ્રીડનો   જન્મ. 1912માં થયો જ્યારે બીજા સંતાન હેન્સ-પીટરનો જન્મ. 1916માં થયો. મર્સિડીઝ સ્માર્ટ અને પ્રતિભાવાન હતાં. તેણી અભિનેત્રી બનવા માંગતાં માંગતાં હતાં.  પરંતુ પ્રથમ વિશ્વયુધ્ધે  વિયેનામાં રહેતો મર્સિડીઝ જેલિનેકના  પરિવારને  બરબાદ કરી દીધો. તેની સ્થિતિ એટલી નાજુક બની ગઈ કે વર્ષ  1918 માં બે ટંકના ભોજન માટે  શેરીઓમાં  ભીખ માંગવા મજબૂર બની હતી. થોડા સમય પછી તેના પતિ અને બે બાળકોને છોડીને,  પ્રતિભાશાળી પરંતુ ગરીબ  શિલ્પકાર બેરોન રુડોલ્ફ વોન વેઇગલ સાથે લગ્ન કર્યા. પરતું થોડા સમયમાં જ તેણી વિધવા બની. અવાજ સારો હતો એટલે લોકોના મનોરંજન માટે તેણીએ ગાવાનું અને સંગીત વગાડવાનું કામ કર્યું. આશ્ચર્યની વાત એ પણ છે કે જેમના નામ પરથી બનેલી મર્સિડીઝ લગ્ઝરિયસ બ્રાન્ડ દુનિયામાં પ્રસિદ્ધ બની પરતું મર્સિડીઝ જેલિનેક ક્યારેય  કોઈ સામાન્ય  કારનાં માલિક બની શક્યાં નહિ.  

           મર્સિડીઝ જેલિનેકનું વિયેનામાં હાડકાના કેન્સરના રોગની ભોગ બની. જેના કારણે 1929 માં માત્ર 39 વર્ષની ઉંમરે તેનું  અવસાન થયું. મર્સિડીઝ જેલિનેકને  વિયેનામાં દફનાવવામાં આવી હતી. આજે પણ તેની કબર ત્યાં હયાત છે.

                                                                                                                 -          ઈશ્વર પ્રજાપતિ

                                                                                                                      સં. : 98251 42620

Sunday, May 22, 2022

સન્ડે સ્પેશિયલ - 18

                 જો મને આ આશ્રમમાં આશ્રય ન મળ્યો હોત તો આજે હું ક્યાં હોત એ કલ્પના પણ મને ધ્રુજાવી મુકે છે. : જગતકુમારી શર્મા 

        ઓક્ટોબર ૨૦૧૯ની આ વાત છે. રાત્રિના બે વાગે અમદાવાદના જમાલપુર વિસ્તારમાં રહેતા મહંમદ આકીદ મુસ્તુફાભાઇ શેખના ઘર નો દરવાજો ખખડે છે. રાત્રીના બે વાગ્યે ઘરનો દરવાજો ખખડતાં આકીદ મુસ્તુફાભાઈ ચિંતા ભર્યા આવજે પૂછ્યું “કોણ છે બહાર?” બે ત્રણ વાર પુછવા છતાં કોઈ પ્રત્યુત્તર મળ્મયો નહિ. એટલે તેમને પોલીસને જાણ કરવાનું મુનાસીબ માની કંટ્રોલ રૂમમાં જાણ કરી કે કોઈ અજાણી વ્યક્તિ મારા ઘરનો દરવાજો ખટખટાવી રહી છે. થોડી જ મીનીટોમાં પોલીસ આવી પહોંચી. આકીદ મુસ્તુફાભાઈના ઘરની બહાર એક અજાણી યુવતી અત્યંત દયનીય હાલતમાં  બારણું ખખડાવી રહી હતી. એને કશું જ ભાન ન હતું. એ ક્યાંથી આવે છે અને ક્યાં જવું છે એ પણ જાણતી નહતી ?  એ યુવતી નેપાળી અને થોડું ભાગ્યું તૂટ્યું હિન્દીમાં તુટક વાક્યો બોલી શકતી હતી. ક્યાં જવું છે એનો પણ ખ્યાલ ન હતો. એ યુવતીને જોતાં જ ખ્યાલ આવે એમ હતો કે તે કોઈ અણબનાવનો ભોગ બની છે. પણ એની હાલત એટલી નાજુક હતી કે તે કોઈ નિવેદન આપી શકે એમ જ ન હતી. વધુ તપાસ કરતાં યુવતી પાસેથી એનો પાસપોર્ટ મળ્યો. જેના આધારે એની ઓળખ થઇ શકી કે તે નેપાળના દૈલેખ જીલ્લાના છિઉડી ગામની રહેવાસી  છે. પણ તે અહીં કેવી રીતે પહોંચી એનો જવાબ આપી શકે એ સ્થિતિમાં જ ન હતી.

        પોલીસે ૧૮૧ નંબર મહિલા હેલ્પ લાઈન દ્વારા યુવતીનું કાઉન્સીલીંગ કરવામાં આવ્યું અને સિવિલમાં સારવાર અર્થે લઈ જવામાં આવી. પરંતુ  યુવતી યોગ્ય વર્તન કરી શકાતી ન હોવાથી મંદબુદ્ધિની જાણી તેને અરવલ્લી જીલ્લાના બાયડમાં આવેલ જય અંબે મંદ બુદ્ધિ મહિલા સેવા આશ્રમમાં મોકલી આપવામાં આવી.

      અઢી અઢી વરસથી આ યુવતી જય અંબે આશ્રમમાં છે. અહીં   પરિવાર જેવી  હુંફ અને  સારવાર મળતાં હવે તે  બિલકુલ સ્વસ્થ છે. અને અહીં  આશ્રય પામેલી અન્ય મંદબુદ્ધિ ધરાવતી મહિલાઓની સેવા કરી રહી  છે. આ યુવતી નેપાળથી બાયડ કેવી રીતે પહોચી એની દાસ્તાન આ રીતે વર્ણવે છે.

            “મારું નામ જગતકુમારી આશારામ જૈસી શર્મા છે. હું નેપાળના દૈલેખ જીલ્લાના છિઉડી ગામની રહેવાસી છું. મારાં માતા, અમે  ચાર બહેનો અને બે ભાઈઓનો અમારો પરિવાર છે. પરિવારમાં હું સૌથી નાની છું.  હું છ વર્ષની હતી ત્યારે જ મારા પિતાજીનું મૃત્યું થયું. ઘરની તમામ જવાબદારી મારાં માતા અને અમારા સૌના માથે આવી પડી. ગરીબી અને અભાવોની વચ્ચે મારું બાળપણ વીત્યું. બારમા ધોરણમાં હતી ત્યારે જ મારા લગ્ન કરી દેવામાં આવ્યા. પરંતુ લગ્નના બે જ મહિનામાં મને જાણ થઇ કે જેની સાથે મારા લગ્ન થયા છે એ પુરુષ તો પહેલેથી જ પરણિત છે. એણે મારી સાથે છેતરપીંડી થી લગ્ન કર્યા હતા. આ આઘાત હું સહન કરી શકી નહિ. પતિનું ઘર છોડી  હું મારા બહેન સાથે રહેવા લાગી.

           કાળી મજુરી કરવા છતાં ગરીબી અમારા પરિવારનો પીછો છોડતી ન હતી. પરિવારને આર્થિક સંકટમાંથી ઉગારવા મનોમંથન કર્યા કરતી. ત્યાં મારા ધ્યાન પર આવ્યું કે રોજગારી માટે નેપાળથી ભારત  જતાં લોકો સારી કમાણી કરે છે. તો મારે પણ ભારત જવું જોઈએ. પરિવાર પાસે ભારત જવાની પરવાનગી માંગી પણ  કોઈ પરવાનગી આપવા તૈયાર થયું નહિ. પણ મેં ભારત આવવાનો દૃઢ નિર્ધાર કરી લીધો હતો. મારી એક સહેલી કેટલાક વર્ષોથી ભારતમાં છે અને અહી જ પરણીને સેટ થઇ ગઈ છે. એનો સંપર્ક નંબર શોધી એની સાથે વાત કરી કે મારે ભારત આવવું છે. વડોદરામાં રહેતી સહેલીએ પણ ભારત એની પાસે આવી જવા આમંત્રણ આપ્યું. બસ પછી તો ઘરમાં કોઈને કહ્યા વગર જ મેં ભારત જવાની તૈયારી કરી લીધી. વિજયદશમીનાં દિવસે પરિવારના સૌ ઉત્સવ માટે બહાર નીકળ્યા પણ મેં તેમની સાથે જવાનું ટાળ્યું. જેવા સૌ ઉત્સવમાં જવા નીકળ્યાં ત્યારે લાગ જોઈ   હું પણ જરૂરી સમાન અને ડોક્યુમેન્ટ લઈ  ઘરને સાંકળ ચડાવી ભારત આવવા નીકળી પડી.

           નેપાળ અને ભારત વચ્ચે બસ પરિવહન સેવા ઉપલબ્ધ છે. પરિવારમાં કોઈને પણ જાણ કર્યા વગર નેપાળથી બસમાં બેસી મારા માટે એક અજાણ્યા દેશમાં જવા હું નીકળી પડી હતી. ભારત આવતાં રસ્તામાં જ અમારી બસ બગડી. મારી  પાસે ભાડા સિવાય વધુ પૈસા તો હતા નહિ એટલે બસ રીપેર થાય એની રાહ જોયા સિવાય છૂટકો ન હતો. બગડેલી બસ રીપેર થાય એ માટે બે દિવસ રાહ જોઈ. પાસે થોડા પૈસા હતા એ ખાવા પીવામાં વપરાઈ ગયા. એમ છતાં ત્યાંથી હું અમદાવાદ આવવા બીજી બસ પકડી. 

           હું અમદવાદ તો પહોંચી પણ હવે મારી પાસે ખાવા પીવા માટે પૂરતા પૈસા પણ બચ્યા ન હતા અને મોબાઈલ પણ ડીસચાર્જ થઇ ગયો. પણ વડોદરા રહેતી મારી સહેલીનો નંબર મને યાદ હતો. કોઈ પાસેથી ફોન માંગી સહેલીને ફોન જોડ્યો. તો એને તો મને ઓળખવા શુધ્ધાની ના પાડી દીધી અને કહ્યું કે હું તારી કોઈ મદદ કરી શકું તેમ નથી. આટલું કહી ફોન કટ કરી દીધો. હવે મારી હાલત દયનીય હતી.   અજાણ્યા દેશમાં અને આજાણ્યા શહેરમાં હવે હું નિરાધાર બની ભટકી રહી હતી. મારો ફોન પણ બંધ હતો એટલે કોઈને ફોન કરી ને મદદ પણ માંગી શકું એવી સ્થિતિમાં ન હતી. ભૂખ અને તરસથી અશક્તિ અનુભવાતી હતી. ત્યાં કોઈ અજાણી વ્યક્તિએ મને ઠંડુ પીણું ધર્યું. તરસથી  ગળું સુકાતું હતું. એટલે  કોઈ જ બીજો  વિચાર કર્યા વિના એ પી લીધું. એ પીતાં જ હું મારું શાનભાન ખોઈ બેઠી. એ કોઈ ઠંડુ પીણું નહિ પણ કોઈ નશીલો પદાર્થ હતો. એ પીણું પીધા પછી   મારી સાથે શું થયું એનો મને જરા પણ ખ્યાલ નથી. થોડી થોડી વારે મને ઇન્જેક્શન આપવામાં આવતાં એટલું યાદ છે.  અર્ધબેભાન અવસ્થામાં મને સંભાળતી વાતો પરથી મને ભાસ થતો કે  મારી આસપાસ રહેલા લોકો મારા શરીરના અંગો કાઢી ને વેચી નાખવાની   તજવીજ કરી રહ્યા હતા. હું કઈ પણ કરવા અસમર્થ હતી. એમ છતાં હું ત્યાંથી કેવી રીતે ભાગી એનો પણ મને ખ્યાલ નથી.”

          પોતાની દર્દભરી દાસ્તાન કહેતાં કહેતાં જગત કુમારીની આંખો આંસુઓથી ભરાઈ જાય છે અને શરીમાંથી ધ્રુજારી છૂટે છે. જગતકુમારી  આગળ વાત કરતાં જણાવે છે કે મને  અહીં  આશ્રમમાં કોણ લાવ્યું કેવી રીતે પહોંચી એની પણ ખબર નથી. પરંતુ આશ્રમમાં આવતાં  અહીં  સારવાર મળી ત્યારે મને ભાન આવ્યું કે હું ક્યાંથી ક્યાં આવી ગઈ છું. આશ્રમમાં સૌનો પ્રેમ મળ્યો અને ધીરે ધીરે મારું સ્વાસ્થ્ય સુધરતું ગયું. મારી સાથે બનેલા અણબનાવના કારણે  મારા મનમાં ડર એવો ઘર કરી ગયો હતો કે દસ મહિના સુધી આશ્રમના દરવાજા બહાર નીકળી શકી નહતી."

          જગત કુમારી કહે છે. “મને સ્વાસ્થ્ય થતા મહિનો વીતી ગયો. સ્વાસ્થ થતાં જ મારી મોટી બહેન સાથે ફોન પર વાત કરી અને મારા ક્ષેમ કુશળ હોવાના સમાચાર આપ્યા. આશ્રમના પ્રમુખ અશોક ભાઈના મોબાઈલથી ફેસબુક પર મારા મામાના  દીકરાનું ફેસબુક  આઈ.ડી. શોધી એને  મેસેજ કર્યો. તરત જ એનો પ્રત્યુતર આવ્યો. અને મને લેવા માટે પણ બાયડ દોડી  આવ્યો. પણ હવે મેં નિશ્ચય કરી લીધો છે કે હું હવે આ આશ્રમ છોડી ક્યાય જવાની નથી. આ આશ્રમમાં આશ્રય ન મળ્યો હોત તો આજે હું ક્યાં હોત એ કલ્પના પણ મને ધ્રુજાવી મુકે છે. આ આશ્રમે મને નવી જીંદગી આપી છે. આજીવન આ બહેનોની સેવા કરવી એ જ મારો જીવન મંત્ર છે. 

         આ આશ્રમના પ્રમુખ અશોક ભાઈ મને પિતા જેવો પ્રેમ આપે છે તો વીનુંદાદા દાદા જવું વહાલ વરસાવે છે. જબ્બરસિંહભાઈ, વિજયભાઈ, વિશાલભાઈ, મુકેશભાઈ આ બધા ભાઈઓએ મને ભાઈ જેવો સ્નેહ આપ્યો આપ્યો છે. આ બિનવારસી મંદ બુદ્ધિ ની મહિલાઓ સાથે પૂર્વ જન્મનું કોઈ ઋણાનુંબંધ હશે. એટલે જ આટલી યાતનાઓ પછી કુદરત મને નેપાળ થી છેક અહીં સુધી લાવી.”

           જગતકુમારી હવે પૂર્ણ સમય સવેતન આ આશ્રમમાં સેવાઓ આપે છે. તેને  મળતા વેતનમાંથી તે  દર મહીને નેપાળ રહેતી તેની વૃદ્ધ માતાને આર્થિક સહાય મોકલે છે.  ભૂતકાળમાં વેઠેલી યાતનાઓ, પીડાઓ હવે સુખમાં પરિણમી છે. જય અંબે મંદબુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ બાયડમાં જગત કુમારી ખુશખુશાલ છે.

-      ઈશ્વર પ્રજાપતિ.

98251 42620

      

Sunday, May 15, 2022

સન્ડે સ્પેશિયલ - 17

   અંડરવર્લ્ડ ડોન  હાજી મસ્તાન સાથે પત્રકાર દેવેન્દ્ર પટેલે લીધેલ ઈન્ટરવ્યુંની  દિલધડક અને  દિલચસ્પ કથા 


          વરિષ્ઠ પત્રકાર આદરણીય  દેવેન્દ્રભાઈ પટેલની  અત્યંત લોકપ્રિય કૉલમ  'કભી-કભી'માં તાજેતરમાં પ્રગટ થઈ  રહેલી   'અંડરવર્લ્ડ'ની સીરીઝે વાચકોમાં જબરજસ્ત ઉત્કંઠા જન્માવી છે.   અંધારી આલામના ડાર્ક સિક્રેટસ જેવા તદ્દન નવીન વિષય પર જવલ્લે જ કોઈ ગુજરાતી પત્રકારે નીડરતા પૂર્વક આલખ્યુ હશે.  તો સાતગે સાથે  શ્રેષ્ઠતાની ખોજ માટે દેવેન્દ્રભાઈ પટેલે જાનની બાજી લગાવતાં પણ ક્યારેય ખચકાયા નથી. "કભી-કભી"ની  આ સીરીઝ હવે  'અંડરવર્લ્ડ' પુસ્તક રૂપે આકાર પામી છે. કુખ્યાત ડોન હાજી મસ્તાનનાં નિવાસે જઈને દેવેન્દ્રભાઈ પટેલે લીધેલી  મુલાકાતની  દિલધડક અને દિલચસ્પ કથા  'અંડરવર્લ્ડ' પુસ્તકની પ્રસ્તાવનામાં તેઓએ આલેખી છે. પ્રસ્તાવના અહી પ્રસ્તુત છે.   

                દેવેન્દ્રભાઈ પટેલ  પુસ્તકની પ્રસ્તાવનામાં નોંધે છે કે :     

           "1975 થી 1980નાં વર્ષોમાં મુંબઈના અંડરવર્લ્ડમાં દાણચોર હાજી મસ્તાનના નામનો ડંકો હતો. હાજી મસ્તાન આમતો તામિલનાડુ થી આવેલા એક સામાન્ય મુસ્લિમ પરિવારનું સંતાન હતો. ઝાઝું ભણેલો ન હતો. પેટિયું રળવા એણે મુંબઈના બંદર પર કુલીથી તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. બંદર પર આવતાં જહાજોના માણસો સાથે ઘરોબો કેળવી એણે નાની મોટી દાણચોરીની શરૂઆત કરી હતી . એ પછી એણે ઘડિયાળોની અને પાછળથી સોનાની દાણચોરીની શરૂઆત કરી, ધીમે ધીમે તેણે પોતાની એક ગેંગ બનાવી. મુંબઈના ઓછી અવરજવરવાળા દરિયાકિનારે તેનાં જહાજો આવવા લાગ્યાં અને એક દિવસ તે દેશનો મોટામાં મોટો લગર બની ગયો. મુંબઈના ફિલ્મ - નિર્માતાઓને પણ અડધી રાત્રે પૈસાની જરૂર પડે તો તેઓ હાજી મસ્તાન પાસે પહોંચી જતા. મહારાષ્ટ્રના રાજકીય નેતાઓ પણ હાજી મસ્તાનના પગે પડતા. 

           શ્રીનગરથી પ્રગટ થતા એક ઉદ્દે અખબારે હાજી મસ્તાનનો ઇન્ટરવ્યૂ છાપ્યો. હાજી મસ્તાન ભૂલથી બોલી ગયો કે ‘રાતના અંધારામાં મોટા મોટા નેતાઓ પણ મને પગે પડે છે. રાજ કપૂર જેવા એક્ટર પણ.' આ ઇન્ટરવ્યૂની સાથે રાજ કપૂર હાજી મસ્તાનના પગે પડે છે તેવી એક તસવીર પણ છપાઈ. રાજ કપૂરને પણ પૈસાની જરૂર પડે ત્યારે હાજી મસ્તાનનું શરણું લેતા . મેરા નામ જોકર' ફિલ્મમાં રાજ કપૂર આર્થિક રીતે ધોવાઈ ગયા હતા. તે પછી નવી ફિલ્મ બનાવવા હાજી મસ્તાને જ નાણાકીય મદદ કરી હતી. એ મુલાકાત પ્રગટ થયા બાદ આખો દેશ ચોંકી ગયો . કેન્દ્ર સરકાર પણ સજાગ થઈ ગઈ . કસ્ટમ ખાતું પણ સાબદું થઈ ગયું . આખા દેશમાં હાજી મસ્તાન એક લેજન્ડરી સ્મગલર તરીકે જાણીતો બન્યો . ફિલ્મ એક્ટર દિલીપકુમાર પણ હાજી મસ્તાનના મિત્ર હતા . મને હાજી મસ્તાનમાં રસ પડ્યો . મેં હાજી મસ્તાનને મળવાનો નિર્ણય કર્યો . મેં સંશોધન કર્યું . હાજી મસ્તાન ક્યારેક અમદાવાદ આવતો હતો . અમદાવાદમાં દરિયાપુરમાં રહેતા મુસ્લિમ બિઝનેસમેન સમદભાઈ લોખંડવાલા અને હાજી મસ્તાન મિત્રો હતા . સમદભાઈના ઘેર કોઈ પ્રસંગ હોય તો મસ્તાન અવશ્ય આવે . દિલીપકુમાર પણ અમદાવાદ આવે ત્યારે સમદ લોખંડવાલાના જ મહેમાન બને . મેં ગુજરાત સમાચાર'ના ટૅક્સી કૉન્ટ્રાક્ટ જી . એ , માસ્ટર કે જે સમદભાઈને જાણતા હતા તેમના મારફત હાજી મસ્તાનનો મુંબઈનો ટેલિફોન નંબર શોધી કાઢ્યો . જી . એ . માસ્ટર મારફત જ હાજી મસ્તાનને ફોન કર્યો . હાજી મસ્તાન શ્રીનગરના ઉર્દૂ અખબારને આપેલ મુલાકાત બાદ સાવધ થઈ ગયો હતો. તે કોઈ પણ પત્રકા ૨ ને મુલાકાત આપવા તૈયાર નહોતો . હાજી મસ્તાને ઇન્ટરવ્યૂ આપવા  ઇન્કાર કરી દીધો. મેં સતત પ્રયાસ જારી રાખ્યો. 

             એક દિવસ ખબર પડી કે હાજી મસ્તાન ફરી સમદ લોખંડવાલાના પરિવારમાં કોઈ લગ્નમાં હાજરી આપવા મુંબઈથી તેની બે સીટની રેસર કાર લઈ અમદાવાદ આવ્યો હતો પરંતુ કોઈ કામ આવી જતાં રેસર કાર અમદાવાદમાં મૂકી પ્લેનમાં મુંબઈ ચાલ્યો ગયો હતો. એ કાર કોઈની મારફતે મુંબઈ મોકલી આપવા એણે સમદભાઈને કહ્યું હતું. સમદભાઈએ જી. એ. માસ્ટરને કહ્યું કે, તમે આ કાર મુંબઈ મૂકી આવો.' જી. એ. માસ્ટરે મને વાત કરી. હવે તે જ જી. એ. માસ્ટરની ઑફિસમાંથી ફોન કરી હાજી મસ્તાન સાથે મેં વાત કરી કે ‘આપ કી કારમેં મેં ભી આ રહા હૂં, ' મસ્તાને કહ્યું : ‘ ઠીક હૈ .. આ જાવ. ' હાજી મસ્તાનની ઇમ્પૉર્ટેડ રેસર કાર લઈ હું અને જી. એ. માસ્ટર મુંબઈ પહોંચ્યા. પહેલાં મુંબઈના ડોંગરી વિસ્તારમાં ગયા. ડોંગરી વિસ્તારનો ડૉન અજીત દિલીપ નામનો માણસ હતો . તે મુસ્લિમ હતો , પણ તેનું નામ અજીત દિલીપ હતું . ડોંગરીમાં તેની ક્લબ પણ હતી. ડોંગરી વિસ્તારના અંડરવર્લ્ડમાં તેનો ડંકો હતો. સહુથી પહેલાં અજીત દિલીપનો હું મહેમાન બન્યો. મેં અંડરવર્લ્ડના માણસોને નજીકથી જોયા. 

        અજીત દિલીપના અનેક દુશ્મનો હતા, પણ તે ગરીબનો હમદર્દ પણ હતો. પોતાની ક્લબનાં પગથિયાં તે ઊતરે ત્યારે અનેક ગરીબ લોકો અજીત દિલીપની રાહ જોઈ ઊભા હોય . કોઈને ઘરમાં રેશન ભરવા પૈસા જોઈતા હોય , કોઈને તેના બાળકને ભણાવવા પૈસા જોઈતા હોય , કોઈને તેની દીકરીને પરણાવવા પૈસા જોઈતા હોય – એવા લોકો કતારમાં ઊભા રહેતા . એ બધા અજીત દિલીપ સમક્ષ યાચના કરતા . અજીત દિલીપ તેમને બધાને સાચવતો અને પોતાના માણસોને સૂચના આપી દરેકને મદદ કરતો . એ સિવાય અજીત દિલીપ ડૉન પણ હતો. દુશ્મનોને ખતમ કરી દેવાની જ સૂચના આપતો . ડોંગરી વિસ્તારમાં તેના નામની જબરી દાદાગીરી હતી. મુજરાનો જબરદસ્ત શોખીન હતો. સ્કૉચ અને ચિકનનો શોખીન હતો . તેની ક્લબના કિચનમાં જ તેનો કૂ તેના માટે ચિકન બનાવતો . તેની બંને બાજુ ભરેલી રિવૉલ્વરવાળા માણસોને સાથે જ રાખતો . અજીત દિલીપે મુંબઈના અંડરવર્લ્ડની ઘણી ભીતરી વાતો કરી . અંડરવર્લ્ડમાં મને ફેરવ્યો પણ ખરો.

            મુંબઈ પહોંચ્યાના બે દિવસ સુધી હાજી મસ્તાનની કાર હજી અમારી પાસે જ હતી. એ વખતે દમણમાં શુક ૨ નારાયણ ખિયા, મુંબઈમાં કરીમ લાલા અને યુસુફ પટેલ જેવા સ્મગલરો પર સરકારની ધોંસ હતી. લોકનાયક જયપ્રકાશ નારાયણ એ વખતે આખા દેશના લોકપ્રિય નેતા હતા . હાજી મસ્તાનના ઇન્ટરવ્યૂ બાદ દેશભરમાં હોબાળો મચ્યો હતો, પરંતુ જયપ્રકાશ નારાયણે ચંબલના ડાકુઓને તથા હાજી મસ્તાન જેવા દાણચોરોને સરકારના શરણે લાવવા અપીલ કરી હતી. મસ્તાન હજી શરણે આવવા તૈયાર નહોતો. અજીત દિલીપ સાથેની મુલાકાત બાદ મેં હાજી મસ્તાનને ફોન કર્યો. હાજી મસ્તાન આડીઅવળી વાત કરી બહાનાં કાઢવા લાગ્યો . એ વખતે મેં એક યુક્તિ કરી. જયપ્રકાશ નારાયણની કિડની બગડી ગઈ હતી. જયપ્રકાશ નારાયણ મુંબઈની જસલોક હૉસ્પિટલમાં કિડનીની સારવાર લઈ રહ્યા હતા. તેઓ ડાયાલિસીસ પર હતા. ગુજરાતના એક નેતા દ્વારા મેં જયપ્રકાશ નારાયણને મળવાનું નક્કી કર્યું. હું જસલોક હૉસ્પિટલ ગયો . જયપ્રકાશ નારાયણ આઈસીયુમાં હોવા છતાં તેમણે મને મુલાકાત આપી. મેં તેમને દાણચોરોની શરણાગતિ વિશે કેટલાક પ્રશ્નો પૂછ્યા. મેં પૂછ્યું : ‘ કોઈ સ્મગલર તમારી અપીલને માન આપી શરણે આવશે તો સરકાર તેમની સાથે કેવો વ્યવહાર કરશે ? ” જયપ્રકાશ નારાયણે કહ્યું : શરણે આવેલા દાણચોરોને કેન્દ્ર સરકાર પરેશાન ના કરે તે માટે હું વડાપ્રધાનને કહીશ . ' મેં કહ્યું : ‘ હું આ વાત દાણચો ૨ોને પહોંચાડું ? ’ જયપ્રકાશ નારાયણે હા પાડી. મારો મતલબ હતો કે જયપ્રકાશ નારાયણની વાત અખબારમાં પ્રગટ કરીને એ સંદેશો દાણચોરોને પહોંચાડવો . જયપ્રકાશ નારાયણની મુલાકાત બાદ મેં હાજી મસ્તાનને ફોન કર્યો. મેં કહ્યું : “ મૈં જયપ્રકાશ નારાયણ કો મીલા હૂં . ઉનકા એક મૅસેજ હૈ. બોલો મીલના હૈ ? ' હાજી મસ્તાને તરત જ હા પાડી દેતાં કહ્યું : ‘ અભી આ જાઈએ. ’ હાજી મસ્તાન ખરેખર તો સરકારની ધોંસથી ડરી ગયો હતો. જયપ્રકાશ નારાયણને હું મળ્યો છું તે જાણતાં જ તે મને મળવા તૈયાર થઈ ગયો. જી. એ. માસ્ટર અને હું તરત જ હાજી મસ્તાનના બંગલે પહોંચ્યા .

           આશ્ચર્યની વાત એ હતી કે ફિલ્મોમાં દર્શાવવામાં આવે છે તેવું કોઈ દૃશ્ય દેશન એક મોટામાં મોટા સ્મગલરના ઘેર જોવા ના મળ્યું. વિશાળ બંગલાના ગેટ પર કોઈ સિક્યોરિટી ન હતી. બંગલાની ભીતર પણ કોઈ બદૂકધારી માણસો નહોતા . ફિલ્મોમાં ડૉનની આસપાસ ફરતા કાળા ગોગલ્સવાળા ખતરનાક સાથીદારો જેવા કોઈ માણસો હાજી મસ્તાનના ઘ૨માં નહોતા ફિલ્મોમાં દર્શાવવામાં આવે છે તેવો કોઈ ઑટોમેટિક ડૉર્સ, ભવ્ય ખુરશીઓ કે રંગીન લાઇટો નહોતી. એક ઉચ્ચ મધ્યમવર્ગના માણસના ઘરમાં હોય તેવા રેક્ઝીનના સાદા સોફા હતા. ઘરમાં બની રહેલી નોનવેજ રસોઈની ખુલ્લૂ ફેલાયેલી હતી. બાજુના રૂમમાં એક બાળક રડતું હતું અને તેના રડવાનો અવાજ ડ્રોઇંગ રૂમ સુધી આવતો હતો. હાજી મસ્તાન સાદા શ્વેત પેન્ટ શર્ટમાં હતો. એણે અમારું સ્વાગત કરતાં કહ્યું : “ મૈં કોઈ બડા આદમી નહીં હૂં. આઈયે.’ હાજી મસ્તાન દેખાવમાં એક સીદોસાદો માણસ હતો. તેના ઘરમાં પારિવારિક વાતાવરણ હતું. તેણે અમારા માટે ઇલાયચીવાળી ચા મંગાવી અમે નિરાંતે મળ્યા. એણે ઘણી વાતો કરી. મેં જયપ્રકાશ નારાયણ સાથે થયેલી વાત હાજી મસ્તાનને કહી : ‘આપ સરેન્ડર હો જાઈએ. જે. પી.ને કહા હૈ આપ કે સાથ કોઈ બદસલૂકી નહીં હોગી.’ અમારી વાતચીત બાદ એણે યુસુફ પટેલ નામના બીજા એક સ્મગલરને પણ ફોન કર્યો. દોઢેક કલાકની અખબારી મુલાકાત બાદ હું બહાર નીકળ્યો. ફરી મુંબઈ આવો તો ફોન કરવા પણ એણે કહ્યું. હાજી મસ્તાનની મુલાકાત બાદ હું યુસુફ પટેલને પણ મળ્યો. મને હાજી મસ્તાન કરતાં યુસુફ પટેલ વધુ ચાલાક લાગ્યો જ્યારે હાજી મસ્તાન ભોળો હતો . તે સ્મગલર હતો , પરંતુ હિંસાથી દૂર હતો . એણે જિંદગીમાં કદી કોઈની હત્યા કરી નહોતી. કોઈ હત્યા માટે ઑર્ડર પણ કર્યો નહોતો. મારે મુંબઈના અંડરવર્લ્ડને નજીકથી જોવું હતું તે મેં જોઈ લીધું. ગુજરાતી પત્રકારત્વને હું ગુજરાત પૂરતું સીમિ રાખવા માંગતો નહોતો. મને ભાતભાતના લોકોના જીવનને જાણવામાં રસ હતો , પછી તે જયપ્રકાશ નારાયણ હોય કે હાજી મસ્તાન. યુસુફ પટેલ હોય કે અજીત દિલીપ, ચાર દીવાલો વચ્ચેની એરકંડિશન્ડ ઑફિસમાં બેઠાં બેઠાં પત્રકારત્વની શ્રેષ્ઠતાને પામી શકાય નહીં એમ હું માનતો હતો. તેથી હું વધુ ને વધુ ઊંડાણમાં જવાનું પસંદ કરતો . વધુ ને વધુ લોકોની વચ્ચે જવાનું પસંદ કરતો હતો. આ એક પ્રકારની ખોજ હતી અને એ જ ખોટ માટે પુરુષાર્થ કરવામાં પાછી પાની કરવામાં હું માનતો નહોતો. સંશોધનાત્મક પત્રકારત્વના અન્વયે જ હું હાજી મસ્તાનને મળ્યો. અજીત દિલીપ અને યુસુફ પટેલને પણ મળ્યો અને અમદાવાદ આવી એક વિસ્તૃત અહેવાલ લખી નાંખ્યો. શ્રીનગરના વિવાદાસ્પદ ઇન્ટરવ્યૂ બાદ હાજી મસ્તાને કોઈને પણ અખબારી ઇન્ટરવ્યૂ આપ્યો હોય તો તે ‘ ગુજરાત સમાચાર ' માટેનો ઇન્ટરવ્યૂ હતો. એ પછી તો મારે ભાગ્યે જ હાજી મસ્તાનને મળવાનું થયું. તે સરેન્ડર થયો અને છૂટી પણ ગયો. પાછળથી એણે સ્મગલિંગ છોડી દીધું હતું અને દલિત - મુસ્લિમની એક પૉલિટિકલ પાર્ટી પણ શરૂ કરી હતી. એક જમાનાનો કુખ્યાત દાણચોર હવે ભાષણ પણ કરવા લાગ્યો હતો.
            હાજી મસ્તાનનાં વળતાં પાણી માટે તેનો જ એક જુનિયર સાગરીત જવાબદાર હતો અને તેનું નામ દાઉદ ઇબ્રાહીમ. આ વાતના થોડા જ સમયમાં ડોંગરીની અંડરવર્લ્ડના માણસો વચ્ચે ગેંગવૉર ફાટી નીકળી. અજીત દિલીપે કોઈની હત્યા કરી નાંખી. તેનું વેર વાળવા કોઈએ અજીત દિલીપને તલવારથી કાપી નાંખ્યો. સંશોધનાત્મક પત્રકાર તરીકે મેં લખેલી આ કથા સ્વયં એક થ્રીલર છે . આ પુસ્તક અંડરવર્લ્ડ વાચકોને મીર્ચ - મસાલા પીરસવા માટે નથી, પરંતુ મુંબઈનું અંડરવર્લ્ડ કે એક જમાનામાં કરીમ લાલા, હાજી મસ્તાન, દાઉદ ઇબ્રાહીમ , છોટા રાજન , અરૂણ ગવળી , વરદરાજન મુદલીયાર , રવિ પૂજારી જેવા અંડરવર્લ્ડથી કેવું કાંપતું હતું અને તેમણે દેશમાં આતંક ફેલાવવા કેવા રોલ ભજવ્યા તેની સવિસ્તર માહિતી ગુજરાતી વાચકોને ઉપલબ્ધ થાય તે હેતુથી જ આ પુસ્તક એક પત્રકારની દૃષ્ટિએ મેં લખ્યું છે . આ પુસ્તક વાચકોના મનોરંજન માટે નહીં , પરંતુ અંડરવર્લ્ડની દુનિયાની માહિતી માટે છે. આવનારા વર્ષોમાં આ પુસ્તક નવા યુવા પત્રકારો માટે એક સંદર્ભ ગ્રંથની ગરજ સારે તે હેતુથી આ પુસ્તક લખવામાં આવ્યું છે . એક પત્રકારની હેસિયતતી મેં મુંબઈના અંડરવર્લ્ડની દુનિયા વિશે સંશોધનાત્મક પરિશ્રમ કર્યો છે." 
        પુસ્તકની પ્રસ્તાવના અહી સમાપ્ત થાય છે. નવભારત સાહિત્ય મંદિર પ્રકાશિત 'અંડરવર્લ્ડ' પુસ્તકમાં દેવેન્દ્રભાઈ  પટેલે અંધારી અલામના અનેક ડાર્ક સીક્રેટ્સ ઉજાગર કર્યા  છે. કોઈ  વિચક્ષણ પત્રકારનો નજરે અંડરવર્લ્ડ' નિહાળવાનો રોમાંચ અનુભવવો હોય તો આ પુસ્તક વસાવી વાંચવું રહ્યું. 

- ઈશ્વર પ્રજાપતિ
98251 42620 

Sunday, May 8, 2022

સન્ડે સ્પેશિયલ -16

દિલીપ દાદાની  શાનદાર અને જાનદાર  ત્રીજી ઈનિંગ

શરીરનાં  અંગોની  નિષ્ક્રિયતાને કારણે મૃત્યુની પ્રતિક્ષા કરતા લાખો દર્દીઓના   જીવનમાં દિલીપ દાદાના પુરુષાર્થે  આશાનું નવું  કિરણ પ્રગટાવ્યું છે.    




        શરીરના કોઈ અંગની નિષ્ક્રિયતાને કારણે જીવલેણ બીમારીથી પીડાતી કોઈ વ્યક્તિ મૃત્યુ શૈયા પર સંકલ્પ કરે કે જો જિંદગીની વધુ એક ઈનિંગ મળે તો કોઈ અંગની નિષ્ક્રિયતાતાથી પીડાતા દર્દીઓના નવજીવન માટે લોક જાગૃતિ આણવા સમસ્ત જીવન ખર્ચી નાખીશ ! અને બન્યું પણ એવું જ લીવર ટ્રાન્સપ્લાન્ટથી જિંદગીની નવી ઈનિંગની શરૂઆત કરી. અને મૃત્યુ શૈયા પર લીધેલા સંકલ્પને જીવનનું એક મિશન બનાવી બાકીની જિંદગી અંગદાન માટે લોક જાગૃતિના દૃઢ નીર્ધાર સાથે ગુજરાતના ગામડા ખુદવા નીકળી પડ્યા.

        આ વાત છે આદરણીય દિલીપભાઈ દેશમુખ સાહેબની ઉર્ફે દિલીપ દાદાની. જાહેર જીવનમાં દિલીપ દાદાના નામથી અપરિચિત હોય વ્યક્તિ મળવી મુશ્કેલ છે. એક સમયે હાલના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને બાઈક પર બેસાડી સંઘન પ્રચારક તરીકે પ્રવાસ કરતા દિલીપદાદાના સ્વભાવની સરળતા હૃદયસ્પર્શી છે. વિરાટ વ્યક્તિત્વ ધરાવતા હોવા છતાં તેઓના વ્યવહારની સરળતા ઉદાહરણરૂપ છે.

            સંઘના પ્રચારક તરીકે અને સમાજ સેવામાં તેઓએ આખું આયખું ખપાવી દીધું. અને જીવનના એક પડાવ પર લીવરની જીવલેણ બીમારી અણધારી આવી પડી. જો કોઈ લીવરનું અંગદાન કરે તો જ જીવન શક્ય હતું. બાકી પથારી પર પડ્યા પડ્યા મૃત્યુની પતિક્ષા જ એક ઉપાય હતો. જીવનની આ નાજુક ક્ષણોમાં પણ આત્મમંથન ચાલ્યા કરતું કે "દુનિયામાં લાખો લોકો કોઈના અંગદાનની રાહ જોતા જ મૃત્યુને શરણ થતા હશે. જો મને નવજીવન પ્રાપ્ત થશે તો મારું બાકીનું સમસ્ત જીવન આવા દર્દીઓના જીવતદાન માટે અંગદાન જાગૃતિ માટે ખર્ચી નાખીશ." કુદરતને પણ આવા સંકલ્પવીરના સંકલ્પ ની જ પ્રતીક્ષા હતી. સદ્ ભાગ્યે દિલીપ દાદાનું લીવર ટ્રાન્સપ્લાન્ટની સફળ સર્જરી થઈ અને દાદા મૃત્યુ ને હાથતાળી આપી પોતાના સંકલ્પ પૂરો કરવા રીતસરના મચી જ પડ્યા.અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ દાદા ગુજરાતના ગામડે ગામડે ફરીને અંગદાન માટે લોકજાગૃતિ લાવવા કમર કસી છે.

        રક્તદાન, ચક્ષુદાન અને દેહદાન જેવા શબ્દોથી આપણે પરિચિત છીએ પરંતુ "અંગદાન" શબ્દનો જોઈએ તેટલો હજી પ્રચાર પ્રસાર થયો નથી. લીવર, કિડની, હૃદય જેવા અંગોની બીમારી ધરાવતા સેંકડો દર્દીઓ અંગદાન કરનારની પ્રતીક્ષા કરી રહ્યાં છે. પરંતુ દર્દીઓની સરખામણીમાં અંગદાન કરનાર વ્યક્તિની સંખ્યા ઘણા ઘણા ઓછા પ્રમાણમાં છે. પરિણામે આવા દર્દીઓ પાસે મૃત્યુની પ્રતીક્ષા સિવાય બીજો કોઈ વિકલ્પ રહેતો નથી. જો આવા દર્દીઓને કોઈ વ્યક્તિનું અંગ દાન સ્વરૂપે મળી જાય તો ! અંગદાન અંગેની લોક જાગૃતિની જો સમાજમાં પ્રચાર પ્રસાર કરવામાં આવે તો અનેક જિંદગીઓ નવી ઇનિંગ્સ શરૂ થઈ શકે તેમ છે. અને આવા દર્દીઓના પરિવાર જનોના હમદર્દ બની દિલીપ દાદાએ આ ભગીરથ કાર્ય ઉપાડ્યું છે. અકસ્માતમાં બ્રેઇન ડેડથી મૃત્યુ પામનાર એક વ્યક્તિના અંગદાન થકી બીજી પાંચ જિંદગીને નવજીવન મળી શકે છે.

        પશ્ચિમી દેશોની સરખામણીએ ભારતમાં અંગદાનની બાબતમાં ભારે ઉદાસીનતા પ્રવર્તે છે, જેને માટે મોટે ભાગે ધાર્મિક માન્યતાઓ કારણરૂપ છે. વાસ્તવિકતા એ છે કે અંગદાન એ પુણ્યનું કામ છે. એક વ્યક્તિનાં વિવિધ અંગોનાં દાનથી કમ સે કમ સાત જણની જિંદગી બચાવી શકાય છે. જેમાં હૃદય, કિડની (2), લીવર, ફેફસાં, પેક્રિયાસ (સ્વાદુપિંડ) અને નાના આંતરડાનો સમાવેશ થાય છે. બ્રેઈન ડેડ થયેલી વ્યક્તિનું આ પ્રકારે અંગદાન કરી શકાય છે.

          અંગદાન વિવિધ પ્રકારના છે જેમાં લાઈવ રિલેટેડ ડૉનેશન, લાઈવ એનરિલેટેડ ડોનેશન તેમજ ડીસીઝડ/ કેડેવર ઓર્ગન ડોનેશનનો સમાવેશ થાય છે. વ્યક્તિ બ્રેન ડેડ થાય અને તેનું સર્ક્યુલેશન કૃત્રિમ રીતે કરાઈ રહ્યું હોય ત્યારે શક્ય તેટલી જલદી તેનાં અંગો શરીરમાંથી કાઢી લેવાં જરૂરી છે, જ્યારે ટિસ્યુઝ 12 થી 24 કલાકની અંદર કાઢી શકાય છે.

       ભારતમાં લગભગ દોઢ લાખ લોકોને કિડનીની જરૂર છે, પરંતુ તેમાંના ફક્ત 3000નેજ તે મળે છે. 90 ટકા લોકો કિડની મેળવ્યા વિના પ્રતીક્ષા યાદી પર હોય ત્યારેજ મૃત્યુ પામે છે તેવીજ રીતે ભારતની વાર્ષિક લીવર પ્રત્યારોપણની જરૂરિયાત 25,000 છે, પણ આપણે કેવળ 800 લીવરજ મેળવી શકીએ છીએ. મૃત્યુ બાદ દરેક જણ સંભવિત અંગદાન કરનારા બની શકે છે.

      કૅન્સર, એચઆઈવી, સેપ્સીસ  જેવી બાબતોમાં અંગદાન કરી શકાતું નથી. હિપેટાઈટિસ `સી'ના દર્દીઓ તેવાજ રોગના દર્દીને તેવીજ રીતે હિપેટાઇટિસ `સી'ના દર્દીઓ પણ તેવા રોગના દર્દીને પોતાનાં અંગોનું દાન કરી શકે છે. જોકે, જવલ્લેજ કેસોમાં આવું બનતું હોય છે.

         દરેક વયસ્ક વ્યક્તિ `ઓર્ગન ડોનર' બની શકે છે તેમજ મા-બાપની સંમતિથી બાળકનાં અંગોનું પણ દાન કરી શકાય છે. કોઈ પણ વ્યક્તિ 100 વર્ષની વય સુધી - આંખ અને ત્વચા, 70 વર્ષ સુધી - કિડની, લીવર, 50 વર્ષ સુધી - હૃદય, ફેફસાં અને 40 વર્ષની વય સુધી - હૃદયના વાલ્વનું દાન કરી શકે છે.  આવાં કોઈ પણ અંગ મેળવનારા દર્દી માટે પ્રત્યારોપણનો અર્થ `નવી' જિંદગી થાય છે. જેમના હૃદય, લીવર અને કિડની જેવા અત્યાવશ્યક અંગો કામ ન કરતાં અથવા બગડી ગયાં હોય તેઓ આ અંગોનું પ્રત્યારોપણ કરાવી શકે છે અને તેનાથી સામાન્ય જીવન ગુજારી શકે છે.

        ઘણા લોકો એવું માનતા હોય છે કે ટ્રાન્સપ્લાન્ટેશન અૉફ હ્યુમન ઓર્ગન્સ ઍકટ હેઠળ માનવ અંગોનું વેચાણ કે ખરીદી થઈ શકે છે, પરંતુ આ સદંતર ખોટું અને ગેરકાયદે છે અને તેનું ઉલ્લંઘન કરનારાને દંડ તેમજ જેલની સજાની કાયદામાં જોગવાઈ છે.

          પશ્ચિમી દેશોથી વિપરીત ભારતમાં અંગદાન કરવાનું પરિવારજનોની પસંદગી પર નિર્ભર છે. ડોનર કાર્ડ ધરાવતી વ્યક્તિ મૃત્યુ પામ્યા બાદ પણ પરિવારે અંગદાન માટેની મંજૂરી આપવી ફરજિયાત છે. અહીં એક અગત્યની વાત એ છે કે અંગદાનને લગતો કોઈ પણ ખર્ચ અંગદાન કરનારી વ્યક્તિના પરિવાર પાસેથી લેવામાં આવતો નથી. વ્યક્તિ પોતાની હયાતી દરમિયાન રક્ત, બોન મેરો, કિડની તેમજ લીવર, પેક્રિયાસ અને ફેફસાંના અમુક હિસ્સાનું દાન કરી શકે છે, જ્યારે મૃત્યુ બાદ આંખો, હાર્ટ વાલ્વ, ત્વચા, અસ્થિ, સ્નાયુ ઇત્યાદિનું દાન કરી શકાય છે. યાદ રાખો કે ડૉક્ટર કોઈ પણ વ્યક્તિને તે `બ્રેઈન ડેડ' થઈ ગઈ છે એવું જાહેર કરે ત્યાર બાદજ તેનાં વિવિધ અંગોનું દાન કરી શકાય છે. ફક્ત કિડની મેળવવા માટેની પ્રતીક્ષા યાદી જ એક લાખથી વધુની છે.

        દિલીપ દાદા ગામડે ગામડે ફરી જન જન સાથે સંવાદ કરે છે. અંગદાન અંગે વિસ્તૃત સમજ આપે છે. અંગદાન અંગેની શંકા કુશંકાઓનું સમાધાન આપે છે. પણ તેઓ પાસે આવનાર કોઈને પણ અંગદાન કરવા અંગે શપથ લેવડાવતા નથી. તેઓ કહે છે. " તમે કામ કરતા કરતા આરોગ્ય પ્રદ અને નિરામય 100 વર્ષ જીવો. અને અંગદાન કરી શકાય છે આ વાતનો પ્રચાર પ્રસાર કરો. અને તમને યોગ્ય લાગે તો ટ્રસ્ટની વેબસાઈટ પર જઈને અંગદાન અંગેનું રજીસ્ટ્રેશન કરી ઈ- સર્ટિફિકેટ મેળવી શકો છો." તેઓનું સપનું છે કે અંગદાન અંગે ની વાત કરોડો લોકો સુધી પહોંચવી જોઈએ.. દિલીપ દાદાના લીવર ટ્રાન્સપ્લાન્ટના અનુભવ આધારે લખેલ પુસ્તક " મારી લીવર ટ્રાન્સપ્લાન્ટ યાત્રા- થર્ડ ઈનિંગ" વાંચકોએ જરૂર વાંચવું જોઈએ..

        યુવાનને શરમાવે તેવી ત્વરાથી દાદા કાર્યશીલ છે. દાદાના પ્રયાસોથી અંગદાનના પ્રેરક દાખલાઓ હવે સમાજમાં જોવા મળી રહ્યા છે. તેઓનો અંગદાન જાગૃતિ માટેનો પ્રયાસ એક દિવસ જરૂર રંગ લાવશે. અને અંગદાન જાગૃતિ  પ્રવૃત્તિથી  મૃત્યુની પ્રતીક્ષા કરતા સેંકડો દર્દીઓના જીવનની એક પ્રભાતે સોનાનો સુરજ જરૂર ઉગશે.

        આદરણીય દિલીપ દાદાના યજ્ઞ કાર્ય ને કોટી કોટી વંદન.


- ઈશ્વર પ્રજાપતિ
(9825142620)
આપના પ્રતિભાવ કૉમેન્ટ્સ બોક્સમાં લખી શકો છો.

Sunday, May 1, 2022

સન્ડે સ્પેશિયલ - 15

મહાગુજરાત અંદોલનનો આ જંગ પ્રાંતવાદનો નહિ, પરંતુ ગુજરાતની અસ્મિતાનો અને અલગ ઓળખનો જંગ હતો.

     
             આજે 1 મે એટલે કે ગુજરાતનો સ્થાપના દિવસ. ગુજરાત રાજ્ય આજે સમૃદ્ધ છે. સુખી છે. મોડેલ સ્ટેટ છે. ગુજરાતની એક આગવી અસ્મિતા છે. ગુજરાતની પ્રજાની એક આગવી ખુમારી છે. આવા ગુજરાતની સમૃદ્ધિની ભીતરની કથા પણ ગુજરાતની પ્રજાની ખુમારીને ઉજાગર કરતી અનેક આરોહ અવરોહથી ભરપુર છે.

        તાત્કાલીન બોમ્બે સ્ટેટનો ભાગ રહેલા ગુજરાતને અલગ રાજ્યનો દરજ્જો અપાવવા ૧૯૫૬થી ૧૯૬૦ સુધી ચાલેલા મહાગુજરાત અંદોલનને  આઝાદી પછીનું સૌથી મોટું આંદોલન માનવામાં આવે છે. મહાગુજરાત અંદોલનનો આ જંગ પ્રાંતવાદનો નહિ પરંતુ ગુજરાતની અલગ ઓળખનો હતો. આ જંગ કોઈ સત્તા માટે નહિ પરંતુ ગુજરાતની અસ્મિતા માટેનો હતો અને ગુજરાતની અસ્મિતાના જંગમાં છેવટે ગુજરાતની પ્રજાની જીત થઈ.

         તારીખ ૫ ઓગષ્ટ, ૧૯૫૬ના દિવસથી શરૂ થયેલો મહાગુજરાતાનો સંગ્રામ, સત્તાધીશોના દુરાગ્રહ, ગોળીબાર, કર્ફ્યું, તોફાનો, આગ, સમાંતર સભાઓથી માંડીને અનેક લોહીયાળ ઘટનાઓથી ભરેલો છે. મહાગુજરાત એક એવું અંદોલન હતું જેમાં હિંદુઓ અને મુસલમાનોની કોમી એકતાનાં અદ્ભુત દર્શન થયાં. પ્રજાએ સ્વયભૂ કર્ફ્યું પાળ્યો. અનેક યુવાનો શહીદ થયા. દ્વિભાષી રાજ્યના આગ્રહી કોંગ્રેસી નેતાઓએ ગુજરાત ની પ્રજાની ગુજરાતના અલગ રાજ્યની માંગણી આગળ આખરે ઝૂકવું પડ્યું અને ૧ લી મે ૧૯૬૦ ના રોજ ‘ગુજરાત ‘નું અલગ રાજ્ય અસ્તિત્વમાં આવ્યું.

          ઇન્દુલાલ યાજ્ઞિક એ દિવસોમાં તેઓ મહા ગુજરાતના પ્રણેતા અને ઈંદુ ચાચા તરીકે ઓળખાયા. એક પત્રકાર, એક પોલિટિશિયન, સ્વાતંત્ર્ય સેનાની, નાટ્યકાર, લેખક,ફિલ્મ મેકર થી માંડીને સંસદ સભ્ય સુધીની લાંબી કારકિર્દી દ્વારા તેઓ બહુમુખી પ્રતિભા રહ્યા. લોકોએ તેમને અમદાવાદ જેવા શ્રીમંત નગરના ઓલિયા-ફકીર પણ કહ્યા.

       ૧૯૫૬ના સમયગાળામાં ગુજરાતને મોરારજી દેસાઈની દ્વિભાષી ફોર્મ્યુલાથી અલગ ‘ગુજરાત’ રાજ્ય બનાવવા માટે જે સંઘર્ષ થયો તેની ગાથા લોહીયાળ અને નાટ્યાત્મક ઘટનાઓથી ભરપૂર છે. ગુજરાત રાજ્યની રચના માટે ચાલેલ મહાગુજરાતના અંદોલન વખતે ગુજરાતના સર્વોચ્ચ ગણાતા મોરારજી દેસાઈ ગુજરાત અને મહારાષ્ટ્રનું સંયુક્ત એવું દ્વિભાષી રાજ્ય બને તેના આગ્રહી હતા. અખા ગુજરાતમાં જબરજસ્ત ઉત્તેજના અને મોરારજી દેસાઈ સામે પ્રચંડ રોષ હતો.

          રાજ્ય ની પુનઃ રચનાના પ્રશ્નને મોરારજી દેસાઈ એ  એમ કહી ઘોંચમાં નાખી દીધો કે મુંબઈ જેવું વિકસિત બહુભાષી શહેર કોઈ એક ભાષી રાજ્યનો ભાગ ન બની શકે. આ અંગે પ્રજામાં ઉત્તાપ જાગતા કેન્દ્ર સરકારે વચલો માર્ગ કાઢ્યો કે મહારાષ્ટ્ર, મુંબઈ અને ગુજરાત એવાં ત્રણ અલગ રાજ્યો  પાડીને મુંબઈ સાથે બોરીવલી તાલુકો અને ઘણા જિલ્લાનાં કેટલાંક ગામો જોડી તેનું અલગ રાજ્ય કેન્દ્રીય શાસન નીચે મુકવું અને ત્રણેય રાજ્યોની હાઇકોર્ટ એક રાખવી, પરંતુ આની વિપરિત અસર ઉભી થવા પામી. મહારાષ્ટ્રમાં એવી માન્યતા જોર પકડવા માંડી કે ગુજરાતીઓ જ મુંબઈના મહારાષ્ટ્રમાં સમાવેશની આડે આવે છે. કાકાસાહેબ ગાડગીલે તો એટલે સુધી કહી નાખ્યું કે, મુબીને મહારાષ્ટ્રથી અલગ પડવાનું મૂડીવાદીઓએ (એટલે કે ગુજરાતીઓએ) કાવતરું રચ્યું છે.

              મોરારજી દેસાઈએ પકડી રાખેલા દ્વિભાષી રાજ્યને તો બધેથી જાકારો મળી ચુક્યો હોઈ, વડાપ્રધાન નહેરુએ તારીખ ૧૭ જાન્યુઆરી ૧૯૫૬ ના રોજ આકાશવાણી પરથી સ્પષ્ટ જાહેરાત કરી કે સૌરાષ્ટ્ર સહીત ગુજરાત, વિદર્ભ સહીત મહારાષ્ટ્ર અને મુંબઈ શહેર અલગ પાડવામાં આવશે. ગુજરાતે આ જાહેરાત વધાવી લીધી. પણ મહારાષ્ટ્ર મુંબઈને જતું કરવા તૈયાર નહોતું. ગુજરાતે તો સૌરાષ્ટ્ર, કચ્છ અને અન્ય સંબધિત પ્રદેશો સાથે પોતાની અસ્મિતાના વ્યાપ માટે મહાગુજરાત સીમા સમિતિ રચી કાઢેલી. આ સીમા સમિતિએ ડુંગરપુર,વાંસવાડા ગુજરાતી હોવાનો હેવાલ તૈયાર કરી સીમા સમિતિને સોંપેલો. કેમકે ત્યાની વાગડી બોલી ગુજરાતીને મળતી આવે છે. ત્યાં વેપારીઓ ચોપડા પણ ગુજરાતી લ્પીમાં લખે છે. વળી ડાંગ પર મહારાષ્ટ્રના દાવા સામે તે ગુજરાતી હોવાનો સંશોધિત હેવાલ બહાર પાડવા જે પ્રતિનિધિ મંડળ ડાંગ ગયેલું તેમાં માનવવંશશાસ્ત્રીય હકીકતો અને માનવમિતિ શાસ્ત્રાનુસાર પ્રત્યક્ષ અંગ માપન દ્વારા મહારાષ્ટ્રનો દાવો નાપાયાદાર હોવાનો હેવાલ રજુ થયો.

            તા. ૭ ઓગષ્ટ ૧૯૫૬ એટલે મહાગુજરાત જંગનો પ્રથમ દિવસ. આ જ દિવસે સરકારે દ્વિભાષી રાજ્યની ઘોષણા કરીને ગુજરાતની પ્રજા ઉપર લપડાક મારી હતી. જેથી જંગનાં મંડાણ શરૂ થયાં.   તારીખ ૮ મી ઓગષ્ટ ૧૯૫૬નાં અખબારોમાં એવા સમાચાર પ્રગટ થયા કે, મહારાષ્ટ્ર અને ગુજરાત વચ્ચેના મતભેદોને લઈને દ્વિભાષી રાજ્ય રચનાનો ઠરાવ લોકસભામાં પસાર કરવામાં આવ્યો છે. અલગ મહાગુજરાતની રચનામાં રાચતા ગુજરાત માટે આ આઠમી ઓગષ્ટનો દિવસ સમગ્ર ગુજરાત પર એક વજ્રઘાત સમાન નીવડ્યો.         

               મહાગુજરાતની આગ પજવળી ઉઠતાં મોરારજી દેસાઈ તરફી અમદાવાદ શહેરના કેટલાક કોંગ્રેસી આગેવાનોએ અમદાવાદ માણેકચોક સભા ભરી લોકોને દ્વિભાષી રાજ્યનું મહત્વ સમજાવવાનું આયોજન કર્યું. કેટલાક મોરારજી દેસાઈ પરસ્ત કોંગ્રેસી નેતાઓ માણેકચોકમાં સભા સ્થળે આવ્યા પણ ઉશ્કેરાયેલા લોકોએ કોંગ્રેસના ત્રણેક આગેવાનોનાં ધોતિયાં ખેંચી નાખ્યાં. નિર્વસ્ત્ર થઇ ગયેલા કોંગ્રેસી નેતાઓને નજીકની દુકાનમાં લઇ જવાયા. કપડાની દુકાનના તાકા ફાડી નેતાઓને શરીરે વીંટાળવા કાપડ આપ્યું, તે પછી એમ્બ્યુલન્સ બોલાવી, તેમાં બેસાડી કોંગ્રેસના નેતાઓને લોકોના ટોળા થી બચાવવા પોલીસ પ્રોટેક્શન હેઠળ તેમના ઘરે રવાના કરી દીધા.

            મહાગુજરાત અંદોલનને દબાવી દેવા અને વિદ્યાર્થી સંગઠનને તોડી નાખવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોઇપણ જાહેરાત વગર કોંગ્રેસ ભવન આગળ એકઠા થયેલા વિદ્યાર્થીઓને સરઘસ તોડી પાડવા ગોળીબારની ચેતવણી આપ્યા વગર ૧૪૪ કલમ જાહેર કાર્ય વગર લાઠી અને ટીયર ગેસનો ઉપયોગ કાર્ય વગર સીધો જાહેરમાં ગોળીબાર કર્યો. તેમાં પૂનમ, કૌશિક અને સુરેશ નામના ત્રણ યુવાનો ગોળીનો ભોગ બન્યા અને શહીદ થયા. તેના પગલે નડિયાદ, કાલોલના અનેક વિદ્યાર્થીઓ ઘવાયા અને શહીદ થયા.

          ૧૯૫૬ માં મુંબઈ રાજ્યમાં આઝાદી મળ્યા પછી ૧૦૪૦ વખત પોલીસે ગોળીબાર કર્યા હતા. અનેક વખત નિઃશસ્ત્ર લોકોના જાન ગયા હતા. ૩૦૩ ની બુલેટ્સ સામાન્ય રીતે યુદ્ધ વખતે ભારતીય સૈન્ય દુશમનને ઠાર કરવા માટે જ વાપરે છે. જે મહાગુજરાતના અંદોલન વકહ્તે પોલીસે ગુજરાતની નિર્દોષ પ્રજા પર વાપરી હતી.

            તા. ૧૯ એપ્રિલ ૧૯૬૦ના રોજ ભારતની સાંસદે મુંબઈ રાજ્યના વિભાજનનું બીલ આખરી તબક્કામાંથી પસાર કરી દીધું. વિરોધ પક્ષ દ્વારા ૧૦૦ જેટલા સુધારા થયા. તેમાં એક સુધારો ગુજરાતનું નામ ‘મહાગુજરાત’  રાખવાનો હતો તે નામંજૂર થયો. તારીખ ૨૩મી એપ્રિલે રાજ્ય સભાએ પણ મુંબઈ રાજ્યના વિસર્જનના બીલને મંજુરી આપી દીધી. ૨૫ મી એપ્રિલે રાષ્ટ્રપતિ શ્રીએ મુંબઈ રાજ્યના વિસર્જનના  ખરડા પર  સહી કરી દીધી.

          ડૉ. જીવરાજ મહેતા ના મુખ્યમંત્રી પડે ગુજરાતના નવા મંત્રી મંડળની જાહેરાત કરવામાં આવી. આમ ૧ લી મેં ૧૯૬૦ ના રોજ મહારાષ્ટ્ર અને ગુજરાત એમ બે અલગ રાજ્યોની રચના થઇ. દ્વિભાષી મુંબઈ રાજ્ય વખતે આબુરોડ અને માઉંટ આબુનો બનાસકાંઠા જિલામાં સમાવેશ થતો હતો, પણ ગુજરાતનું અલગ રાજ્ય બનતાં આબુરોડ અને માઉન્ટ આબુ રાજસ્થાનમાં ગયા. મુબીનો મહારાષ્ટ્રમાં સમાવેશ થયો. ડાંગ ગુજરાતમાં આવ્યું. આમ સાડા ત્રણ વર્ષનો જંગ ખેલ્યા બાદ ગુજરાતની રચના થઇ.

            તા.૧ લી મેં ૧૯૬૦ નાં રોજ અમદાવાદ સાબરમતી ગાંધી આશ્રમમાં ગુજરાતના પ્રધાન મંડળની સોગંદવિધિ થઇ. આ પ્રસંગે ગુજરાતના લોકસેવક રવિશંકર મહારાજે જણાવ્યું કે, “ગુજરાત રાજ્યને તુમારશાહીની ચુંગાલમાંથી બચાવવા વહીવટકર્તાઓ ધ્યાન આપે તેટલી જ મારી તો સલાહ છે.”

(માહિતી સ્ત્રોત : ‘ગુજરાતની અસ્મિતા’ – દેવન્દ્ર પટેલ )

-      ઈશ્વર પ્રજાપતિ

98251 42620 (whatsapp only)

સન્ડે સ્પેશિયલ

  ‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા    જોઈએ.” :    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.       સાવ સા...

Popular Posts