Sunday, May 1, 2022

સન્ડે સ્પેશિયલ - 15

મહાગુજરાત અંદોલનનો આ જંગ પ્રાંતવાદનો નહિ, પરંતુ ગુજરાતની અસ્મિતાનો અને અલગ ઓળખનો જંગ હતો.

     
             આજે 1 મે એટલે કે ગુજરાતનો સ્થાપના દિવસ. ગુજરાત રાજ્ય આજે સમૃદ્ધ છે. સુખી છે. મોડેલ સ્ટેટ છે. ગુજરાતની એક આગવી અસ્મિતા છે. ગુજરાતની પ્રજાની એક આગવી ખુમારી છે. આવા ગુજરાતની સમૃદ્ધિની ભીતરની કથા પણ ગુજરાતની પ્રજાની ખુમારીને ઉજાગર કરતી અનેક આરોહ અવરોહથી ભરપુર છે.

        તાત્કાલીન બોમ્બે સ્ટેટનો ભાગ રહેલા ગુજરાતને અલગ રાજ્યનો દરજ્જો અપાવવા ૧૯૫૬થી ૧૯૬૦ સુધી ચાલેલા મહાગુજરાત અંદોલનને  આઝાદી પછીનું સૌથી મોટું આંદોલન માનવામાં આવે છે. મહાગુજરાત અંદોલનનો આ જંગ પ્રાંતવાદનો નહિ પરંતુ ગુજરાતની અલગ ઓળખનો હતો. આ જંગ કોઈ સત્તા માટે નહિ પરંતુ ગુજરાતની અસ્મિતા માટેનો હતો અને ગુજરાતની અસ્મિતાના જંગમાં છેવટે ગુજરાતની પ્રજાની જીત થઈ.

         તારીખ ૫ ઓગષ્ટ, ૧૯૫૬ના દિવસથી શરૂ થયેલો મહાગુજરાતાનો સંગ્રામ, સત્તાધીશોના દુરાગ્રહ, ગોળીબાર, કર્ફ્યું, તોફાનો, આગ, સમાંતર સભાઓથી માંડીને અનેક લોહીયાળ ઘટનાઓથી ભરેલો છે. મહાગુજરાત એક એવું અંદોલન હતું જેમાં હિંદુઓ અને મુસલમાનોની કોમી એકતાનાં અદ્ભુત દર્શન થયાં. પ્રજાએ સ્વયભૂ કર્ફ્યું પાળ્યો. અનેક યુવાનો શહીદ થયા. દ્વિભાષી રાજ્યના આગ્રહી કોંગ્રેસી નેતાઓએ ગુજરાત ની પ્રજાની ગુજરાતના અલગ રાજ્યની માંગણી આગળ આખરે ઝૂકવું પડ્યું અને ૧ લી મે ૧૯૬૦ ના રોજ ‘ગુજરાત ‘નું અલગ રાજ્ય અસ્તિત્વમાં આવ્યું.

          ઇન્દુલાલ યાજ્ઞિક એ દિવસોમાં તેઓ મહા ગુજરાતના પ્રણેતા અને ઈંદુ ચાચા તરીકે ઓળખાયા. એક પત્રકાર, એક પોલિટિશિયન, સ્વાતંત્ર્ય સેનાની, નાટ્યકાર, લેખક,ફિલ્મ મેકર થી માંડીને સંસદ સભ્ય સુધીની લાંબી કારકિર્દી દ્વારા તેઓ બહુમુખી પ્રતિભા રહ્યા. લોકોએ તેમને અમદાવાદ જેવા શ્રીમંત નગરના ઓલિયા-ફકીર પણ કહ્યા.

       ૧૯૫૬ના સમયગાળામાં ગુજરાતને મોરારજી દેસાઈની દ્વિભાષી ફોર્મ્યુલાથી અલગ ‘ગુજરાત’ રાજ્ય બનાવવા માટે જે સંઘર્ષ થયો તેની ગાથા લોહીયાળ અને નાટ્યાત્મક ઘટનાઓથી ભરપૂર છે. ગુજરાત રાજ્યની રચના માટે ચાલેલ મહાગુજરાતના અંદોલન વખતે ગુજરાતના સર્વોચ્ચ ગણાતા મોરારજી દેસાઈ ગુજરાત અને મહારાષ્ટ્રનું સંયુક્ત એવું દ્વિભાષી રાજ્ય બને તેના આગ્રહી હતા. અખા ગુજરાતમાં જબરજસ્ત ઉત્તેજના અને મોરારજી દેસાઈ સામે પ્રચંડ રોષ હતો.

          રાજ્ય ની પુનઃ રચનાના પ્રશ્નને મોરારજી દેસાઈ એ  એમ કહી ઘોંચમાં નાખી દીધો કે મુંબઈ જેવું વિકસિત બહુભાષી શહેર કોઈ એક ભાષી રાજ્યનો ભાગ ન બની શકે. આ અંગે પ્રજામાં ઉત્તાપ જાગતા કેન્દ્ર સરકારે વચલો માર્ગ કાઢ્યો કે મહારાષ્ટ્ર, મુંબઈ અને ગુજરાત એવાં ત્રણ અલગ રાજ્યો  પાડીને મુંબઈ સાથે બોરીવલી તાલુકો અને ઘણા જિલ્લાનાં કેટલાંક ગામો જોડી તેનું અલગ રાજ્ય કેન્દ્રીય શાસન નીચે મુકવું અને ત્રણેય રાજ્યોની હાઇકોર્ટ એક રાખવી, પરંતુ આની વિપરિત અસર ઉભી થવા પામી. મહારાષ્ટ્રમાં એવી માન્યતા જોર પકડવા માંડી કે ગુજરાતીઓ જ મુંબઈના મહારાષ્ટ્રમાં સમાવેશની આડે આવે છે. કાકાસાહેબ ગાડગીલે તો એટલે સુધી કહી નાખ્યું કે, મુબીને મહારાષ્ટ્રથી અલગ પડવાનું મૂડીવાદીઓએ (એટલે કે ગુજરાતીઓએ) કાવતરું રચ્યું છે.

              મોરારજી દેસાઈએ પકડી રાખેલા દ્વિભાષી રાજ્યને તો બધેથી જાકારો મળી ચુક્યો હોઈ, વડાપ્રધાન નહેરુએ તારીખ ૧૭ જાન્યુઆરી ૧૯૫૬ ના રોજ આકાશવાણી પરથી સ્પષ્ટ જાહેરાત કરી કે સૌરાષ્ટ્ર સહીત ગુજરાત, વિદર્ભ સહીત મહારાષ્ટ્ર અને મુંબઈ શહેર અલગ પાડવામાં આવશે. ગુજરાતે આ જાહેરાત વધાવી લીધી. પણ મહારાષ્ટ્ર મુંબઈને જતું કરવા તૈયાર નહોતું. ગુજરાતે તો સૌરાષ્ટ્ર, કચ્છ અને અન્ય સંબધિત પ્રદેશો સાથે પોતાની અસ્મિતાના વ્યાપ માટે મહાગુજરાત સીમા સમિતિ રચી કાઢેલી. આ સીમા સમિતિએ ડુંગરપુર,વાંસવાડા ગુજરાતી હોવાનો હેવાલ તૈયાર કરી સીમા સમિતિને સોંપેલો. કેમકે ત્યાની વાગડી બોલી ગુજરાતીને મળતી આવે છે. ત્યાં વેપારીઓ ચોપડા પણ ગુજરાતી લ્પીમાં લખે છે. વળી ડાંગ પર મહારાષ્ટ્રના દાવા સામે તે ગુજરાતી હોવાનો સંશોધિત હેવાલ બહાર પાડવા જે પ્રતિનિધિ મંડળ ડાંગ ગયેલું તેમાં માનવવંશશાસ્ત્રીય હકીકતો અને માનવમિતિ શાસ્ત્રાનુસાર પ્રત્યક્ષ અંગ માપન દ્વારા મહારાષ્ટ્રનો દાવો નાપાયાદાર હોવાનો હેવાલ રજુ થયો.

            તા. ૭ ઓગષ્ટ ૧૯૫૬ એટલે મહાગુજરાત જંગનો પ્રથમ દિવસ. આ જ દિવસે સરકારે દ્વિભાષી રાજ્યની ઘોષણા કરીને ગુજરાતની પ્રજા ઉપર લપડાક મારી હતી. જેથી જંગનાં મંડાણ શરૂ થયાં.   તારીખ ૮ મી ઓગષ્ટ ૧૯૫૬નાં અખબારોમાં એવા સમાચાર પ્રગટ થયા કે, મહારાષ્ટ્ર અને ગુજરાત વચ્ચેના મતભેદોને લઈને દ્વિભાષી રાજ્ય રચનાનો ઠરાવ લોકસભામાં પસાર કરવામાં આવ્યો છે. અલગ મહાગુજરાતની રચનામાં રાચતા ગુજરાત માટે આ આઠમી ઓગષ્ટનો દિવસ સમગ્ર ગુજરાત પર એક વજ્રઘાત સમાન નીવડ્યો.         

               મહાગુજરાતની આગ પજવળી ઉઠતાં મોરારજી દેસાઈ તરફી અમદાવાદ શહેરના કેટલાક કોંગ્રેસી આગેવાનોએ અમદાવાદ માણેકચોક સભા ભરી લોકોને દ્વિભાષી રાજ્યનું મહત્વ સમજાવવાનું આયોજન કર્યું. કેટલાક મોરારજી દેસાઈ પરસ્ત કોંગ્રેસી નેતાઓ માણેકચોકમાં સભા સ્થળે આવ્યા પણ ઉશ્કેરાયેલા લોકોએ કોંગ્રેસના ત્રણેક આગેવાનોનાં ધોતિયાં ખેંચી નાખ્યાં. નિર્વસ્ત્ર થઇ ગયેલા કોંગ્રેસી નેતાઓને નજીકની દુકાનમાં લઇ જવાયા. કપડાની દુકાનના તાકા ફાડી નેતાઓને શરીરે વીંટાળવા કાપડ આપ્યું, તે પછી એમ્બ્યુલન્સ બોલાવી, તેમાં બેસાડી કોંગ્રેસના નેતાઓને લોકોના ટોળા થી બચાવવા પોલીસ પ્રોટેક્શન હેઠળ તેમના ઘરે રવાના કરી દીધા.

            મહાગુજરાત અંદોલનને દબાવી દેવા અને વિદ્યાર્થી સંગઠનને તોડી નાખવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોઇપણ જાહેરાત વગર કોંગ્રેસ ભવન આગળ એકઠા થયેલા વિદ્યાર્થીઓને સરઘસ તોડી પાડવા ગોળીબારની ચેતવણી આપ્યા વગર ૧૪૪ કલમ જાહેર કાર્ય વગર લાઠી અને ટીયર ગેસનો ઉપયોગ કાર્ય વગર સીધો જાહેરમાં ગોળીબાર કર્યો. તેમાં પૂનમ, કૌશિક અને સુરેશ નામના ત્રણ યુવાનો ગોળીનો ભોગ બન્યા અને શહીદ થયા. તેના પગલે નડિયાદ, કાલોલના અનેક વિદ્યાર્થીઓ ઘવાયા અને શહીદ થયા.

          ૧૯૫૬ માં મુંબઈ રાજ્યમાં આઝાદી મળ્યા પછી ૧૦૪૦ વખત પોલીસે ગોળીબાર કર્યા હતા. અનેક વખત નિઃશસ્ત્ર લોકોના જાન ગયા હતા. ૩૦૩ ની બુલેટ્સ સામાન્ય રીતે યુદ્ધ વખતે ભારતીય સૈન્ય દુશમનને ઠાર કરવા માટે જ વાપરે છે. જે મહાગુજરાતના અંદોલન વકહ્તે પોલીસે ગુજરાતની નિર્દોષ પ્રજા પર વાપરી હતી.

            તા. ૧૯ એપ્રિલ ૧૯૬૦ના રોજ ભારતની સાંસદે મુંબઈ રાજ્યના વિભાજનનું બીલ આખરી તબક્કામાંથી પસાર કરી દીધું. વિરોધ પક્ષ દ્વારા ૧૦૦ જેટલા સુધારા થયા. તેમાં એક સુધારો ગુજરાતનું નામ ‘મહાગુજરાત’  રાખવાનો હતો તે નામંજૂર થયો. તારીખ ૨૩મી એપ્રિલે રાજ્ય સભાએ પણ મુંબઈ રાજ્યના વિસર્જનના બીલને મંજુરી આપી દીધી. ૨૫ મી એપ્રિલે રાષ્ટ્રપતિ શ્રીએ મુંબઈ રાજ્યના વિસર્જનના  ખરડા પર  સહી કરી દીધી.

          ડૉ. જીવરાજ મહેતા ના મુખ્યમંત્રી પડે ગુજરાતના નવા મંત્રી મંડળની જાહેરાત કરવામાં આવી. આમ ૧ લી મેં ૧૯૬૦ ના રોજ મહારાષ્ટ્ર અને ગુજરાત એમ બે અલગ રાજ્યોની રચના થઇ. દ્વિભાષી મુંબઈ રાજ્ય વખતે આબુરોડ અને માઉંટ આબુનો બનાસકાંઠા જિલામાં સમાવેશ થતો હતો, પણ ગુજરાતનું અલગ રાજ્ય બનતાં આબુરોડ અને માઉન્ટ આબુ રાજસ્થાનમાં ગયા. મુબીનો મહારાષ્ટ્રમાં સમાવેશ થયો. ડાંગ ગુજરાતમાં આવ્યું. આમ સાડા ત્રણ વર્ષનો જંગ ખેલ્યા બાદ ગુજરાતની રચના થઇ.

            તા.૧ લી મેં ૧૯૬૦ નાં રોજ અમદાવાદ સાબરમતી ગાંધી આશ્રમમાં ગુજરાતના પ્રધાન મંડળની સોગંદવિધિ થઇ. આ પ્રસંગે ગુજરાતના લોકસેવક રવિશંકર મહારાજે જણાવ્યું કે, “ગુજરાત રાજ્યને તુમારશાહીની ચુંગાલમાંથી બચાવવા વહીવટકર્તાઓ ધ્યાન આપે તેટલી જ મારી તો સલાહ છે.”

(માહિતી સ્ત્રોત : ‘ગુજરાતની અસ્મિતા’ – દેવન્દ્ર પટેલ )

-      ઈશ્વર પ્રજાપતિ

98251 42620 (whatsapp only)

No comments:

Post a Comment

સન્ડે સ્પેશિયલ

  ‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા    જોઈએ.” :    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.       સાવ સા...

Popular Posts