દિલીપ દાદાની શાનદાર અને જાનદાર ત્રીજી ઈનિંગ
શરીરનાં અંગોની નિષ્ક્રિયતાને કારણે મૃત્યુની પ્રતિક્ષા કરતા લાખો દર્દીઓના જીવનમાં દિલીપ દાદાના પુરુષાર્થે આશાનું નવું કિરણ પ્રગટાવ્યું છે.
શરીરના કોઈ અંગની નિષ્ક્રિયતાને કારણે જીવલેણ બીમારીથી પીડાતી કોઈ વ્યક્તિ મૃત્યુ શૈયા પર સંકલ્પ કરે કે જો જિંદગીની વધુ એક ઈનિંગ મળે તો કોઈ અંગની નિષ્ક્રિયતાતાથી પીડાતા દર્દીઓના નવજીવન માટે લોક જાગૃતિ આણવા સમસ્ત જીવન ખર્ચી નાખીશ ! અને બન્યું પણ એવું જ લીવર ટ્રાન્સપ્લાન્ટથી જિંદગીની નવી ઈનિંગની શરૂઆત કરી. અને મૃત્યુ શૈયા પર લીધેલા સંકલ્પને જીવનનું એક મિશન બનાવી બાકીની જિંદગી અંગદાન માટે લોક જાગૃતિના દૃઢ નીર્ધાર સાથે ગુજરાતના ગામડા ખુદવા નીકળી પડ્યા.
આ વાત છે આદરણીય દિલીપભાઈ દેશમુખ સાહેબની ઉર્ફે દિલીપ દાદાની. જાહેર જીવનમાં દિલીપ દાદાના નામથી અપરિચિત હોય વ્યક્તિ મળવી મુશ્કેલ છે. એક સમયે હાલના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને બાઈક પર બેસાડી સંઘન પ્રચારક તરીકે પ્રવાસ કરતા દિલીપદાદાના સ્વભાવની સરળતા હૃદયસ્પર્શી છે. વિરાટ વ્યક્તિત્વ ધરાવતા હોવા છતાં તેઓના વ્યવહારની સરળતા ઉદાહરણરૂપ છે.
સંઘના પ્રચારક તરીકે અને સમાજ સેવામાં તેઓએ આખું આયખું ખપાવી દીધું. અને જીવનના એક પડાવ પર લીવરની જીવલેણ બીમારી અણધારી આવી પડી. જો કોઈ લીવરનું અંગદાન કરે તો જ જીવન શક્ય હતું. બાકી પથારી પર પડ્યા પડ્યા મૃત્યુની પતિક્ષા જ એક ઉપાય હતો. જીવનની આ નાજુક ક્ષણોમાં પણ આત્મમંથન ચાલ્યા કરતું કે "દુનિયામાં લાખો લોકો કોઈના અંગદાનની રાહ જોતા જ મૃત્યુને શરણ થતા હશે. જો મને નવજીવન પ્રાપ્ત થશે તો મારું બાકીનું સમસ્ત જીવન આવા દર્દીઓના જીવતદાન માટે અંગદાન જાગૃતિ માટે ખર્ચી નાખીશ." કુદરતને પણ આવા સંકલ્પવીરના સંકલ્પ ની જ પ્રતીક્ષા હતી. સદ્ ભાગ્યે દિલીપ દાદાનું લીવર ટ્રાન્સપ્લાન્ટની સફળ સર્જરી થઈ અને દાદા મૃત્યુ ને હાથતાળી આપી પોતાના સંકલ્પ પૂરો કરવા રીતસરના મચી જ પડ્યા.અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ દાદા ગુજરાતના ગામડે ગામડે ફરીને અંગદાન માટે લોકજાગૃતિ લાવવા કમર કસી છે.
રક્તદાન, ચક્ષુદાન અને દેહદાન જેવા શબ્દોથી આપણે પરિચિત છીએ પરંતુ "અંગદાન" શબ્દનો જોઈએ તેટલો હજી પ્રચાર પ્રસાર થયો નથી. લીવર, કિડની, હૃદય જેવા અંગોની બીમારી ધરાવતા સેંકડો દર્દીઓ અંગદાન કરનારની પ્રતીક્ષા કરી રહ્યાં છે. પરંતુ દર્દીઓની સરખામણીમાં અંગદાન કરનાર વ્યક્તિની સંખ્યા ઘણા ઘણા ઓછા પ્રમાણમાં છે. પરિણામે આવા દર્દીઓ પાસે મૃત્યુની પ્રતીક્ષા સિવાય બીજો કોઈ વિકલ્પ રહેતો નથી. જો આવા દર્દીઓને કોઈ વ્યક્તિનું અંગ દાન સ્વરૂપે મળી જાય તો ! અંગદાન અંગેની લોક જાગૃતિની જો સમાજમાં પ્રચાર પ્રસાર કરવામાં આવે તો અનેક જિંદગીઓ નવી ઇનિંગ્સ શરૂ થઈ શકે તેમ છે. અને આવા દર્દીઓના પરિવાર જનોના હમદર્દ બની દિલીપ દાદાએ આ ભગીરથ કાર્ય ઉપાડ્યું છે. અકસ્માતમાં બ્રેઇન ડેડથી મૃત્યુ પામનાર એક વ્યક્તિના અંગદાન થકી બીજી પાંચ જિંદગીને નવજીવન મળી શકે છે.
પશ્ચિમી દેશોની સરખામણીએ ભારતમાં અંગદાનની બાબતમાં ભારે ઉદાસીનતા પ્રવર્તે છે, જેને માટે મોટે ભાગે ધાર્મિક માન્યતાઓ કારણરૂપ છે. વાસ્તવિકતા એ છે કે અંગદાન એ પુણ્યનું કામ છે. એક વ્યક્તિનાં વિવિધ અંગોનાં દાનથી કમ સે કમ સાત જણની જિંદગી બચાવી શકાય છે. જેમાં હૃદય, કિડની (2), લીવર, ફેફસાં, પેક્રિયાસ (સ્વાદુપિંડ) અને નાના આંતરડાનો સમાવેશ થાય છે. બ્રેઈન ડેડ થયેલી વ્યક્તિનું આ પ્રકારે અંગદાન કરી શકાય છે.
અંગદાન વિવિધ પ્રકારના છે જેમાં લાઈવ રિલેટેડ ડૉનેશન, લાઈવ એનરિલેટેડ ડોનેશન તેમજ ડીસીઝડ/ કેડેવર ઓર્ગન ડોનેશનનો સમાવેશ થાય છે. વ્યક્તિ બ્રેન ડેડ થાય અને તેનું સર્ક્યુલેશન કૃત્રિમ રીતે કરાઈ રહ્યું હોય ત્યારે શક્ય તેટલી જલદી તેનાં અંગો શરીરમાંથી કાઢી લેવાં જરૂરી છે, જ્યારે ટિસ્યુઝ 12 થી 24 કલાકની અંદર કાઢી શકાય છે.
ભારતમાં લગભગ દોઢ લાખ લોકોને કિડનીની જરૂર છે, પરંતુ તેમાંના ફક્ત 3000નેજ તે મળે છે. 90 ટકા લોકો કિડની મેળવ્યા વિના પ્રતીક્ષા યાદી પર હોય ત્યારેજ મૃત્યુ પામે છે તેવીજ રીતે ભારતની વાર્ષિક લીવર પ્રત્યારોપણની જરૂરિયાત 25,000 છે, પણ આપણે કેવળ 800 લીવરજ મેળવી શકીએ છીએ. મૃત્યુ બાદ દરેક જણ સંભવિત અંગદાન કરનારા બની શકે છે.
કૅન્સર, એચઆઈવી, સેપ્સીસ જેવી બાબતોમાં અંગદાન કરી શકાતું નથી. હિપેટાઈટિસ `સી'ના દર્દીઓ તેવાજ રોગના દર્દીને તેવીજ રીતે હિપેટાઇટિસ `સી'ના દર્દીઓ પણ તેવા રોગના દર્દીને પોતાનાં અંગોનું દાન કરી શકે છે. જોકે, જવલ્લેજ કેસોમાં આવું બનતું હોય છે.
દરેક વયસ્ક વ્યક્તિ `ઓર્ગન ડોનર' બની શકે છે તેમજ મા-બાપની સંમતિથી બાળકનાં અંગોનું પણ દાન કરી શકાય છે. કોઈ પણ વ્યક્તિ 100 વર્ષની વય સુધી - આંખ અને ત્વચા, 70 વર્ષ સુધી - કિડની, લીવર, 50 વર્ષ સુધી - હૃદય, ફેફસાં અને 40 વર્ષની વય સુધી - હૃદયના વાલ્વનું દાન કરી શકે છે. આવાં કોઈ પણ અંગ મેળવનારા દર્દી માટે પ્રત્યારોપણનો અર્થ `નવી' જિંદગી થાય છે. જેમના હૃદય, લીવર અને કિડની જેવા અત્યાવશ્યક અંગો કામ ન કરતાં અથવા બગડી ગયાં હોય તેઓ આ અંગોનું પ્રત્યારોપણ કરાવી શકે છે અને તેનાથી સામાન્ય જીવન ગુજારી શકે છે.
ઘણા લોકો એવું માનતા હોય છે કે ટ્રાન્સપ્લાન્ટેશન અૉફ હ્યુમન ઓર્ગન્સ ઍકટ હેઠળ માનવ અંગોનું વેચાણ કે ખરીદી થઈ શકે છે, પરંતુ આ સદંતર ખોટું અને ગેરકાયદે છે અને તેનું ઉલ્લંઘન કરનારાને દંડ તેમજ જેલની સજાની કાયદામાં જોગવાઈ છે.
પશ્ચિમી દેશોથી વિપરીત ભારતમાં અંગદાન કરવાનું પરિવારજનોની પસંદગી પર નિર્ભર છે. ડોનર કાર્ડ ધરાવતી વ્યક્તિ મૃત્યુ પામ્યા બાદ પણ પરિવારે અંગદાન માટેની મંજૂરી આપવી ફરજિયાત છે. અહીં એક અગત્યની વાત એ છે કે અંગદાનને લગતો કોઈ પણ ખર્ચ અંગદાન કરનારી વ્યક્તિના પરિવાર પાસેથી લેવામાં આવતો નથી. વ્યક્તિ પોતાની હયાતી દરમિયાન રક્ત, બોન મેરો, કિડની તેમજ લીવર, પેક્રિયાસ અને ફેફસાંના અમુક હિસ્સાનું દાન કરી શકે છે, જ્યારે મૃત્યુ બાદ આંખો, હાર્ટ વાલ્વ, ત્વચા, અસ્થિ, સ્નાયુ ઇત્યાદિનું દાન કરી શકાય છે. યાદ રાખો કે ડૉક્ટર કોઈ પણ વ્યક્તિને તે `બ્રેઈન ડેડ' થઈ ગઈ છે એવું જાહેર કરે ત્યાર બાદજ તેનાં વિવિધ અંગોનું દાન કરી શકાય છે. ફક્ત કિડની મેળવવા માટેની પ્રતીક્ષા યાદી જ એક લાખથી વધુની છે.
દિલીપ દાદા ગામડે ગામડે ફરી જન જન સાથે સંવાદ કરે છે. અંગદાન અંગે વિસ્તૃત સમજ આપે છે. અંગદાન અંગેની શંકા કુશંકાઓનું સમાધાન આપે છે. પણ તેઓ પાસે આવનાર કોઈને પણ અંગદાન કરવા અંગે શપથ લેવડાવતા નથી. તેઓ કહે છે. " તમે કામ કરતા કરતા આરોગ્ય પ્રદ અને નિરામય 100 વર્ષ જીવો. અને અંગદાન કરી શકાય છે આ વાતનો પ્રચાર પ્રસાર કરો. અને તમને યોગ્ય લાગે તો ટ્રસ્ટની વેબસાઈટ પર જઈને અંગદાન અંગેનું રજીસ્ટ્રેશન કરી ઈ- સર્ટિફિકેટ મેળવી શકો છો." તેઓનું સપનું છે કે અંગદાન અંગે ની વાત કરોડો લોકો સુધી પહોંચવી જોઈએ.. દિલીપ દાદાના લીવર ટ્રાન્સપ્લાન્ટના અનુભવ આધારે લખેલ પુસ્તક " મારી લીવર ટ્રાન્સપ્લાન્ટ યાત્રા- થર્ડ ઈનિંગ" વાંચકોએ જરૂર વાંચવું જોઈએ..
યુવાનને શરમાવે તેવી ત્વરાથી દાદા કાર્યશીલ છે. દાદાના પ્રયાસોથી અંગદાનના પ્રેરક દાખલાઓ હવે સમાજમાં જોવા મળી રહ્યા છે. તેઓનો અંગદાન જાગૃતિ માટેનો પ્રયાસ એક દિવસ જરૂર રંગ લાવશે. અને અંગદાન જાગૃતિ પ્રવૃત્તિથી મૃત્યુની પ્રતીક્ષા કરતા સેંકડો દર્દીઓના જીવનની એક પ્રભાતે સોનાનો સુરજ જરૂર ઉગશે.
આદરણીય દિલીપ દાદાના યજ્ઞ કાર્ય ને કોટી કોટી વંદન.
- ઈશ્વર પ્રજાપતિ
(9825142620)
આપના પ્રતિભાવ કૉમેન્ટ્સ બોક્સમાં લખી શકો છો.
નવજીવન ને સાચા અર્થ મા લોકજીવન બનાવ્યુ.. પ્રભૂકાર્ય ... ઈશ્વરભાઈ ને નિમિત્ત બનવાના અભિનંદન....
ReplyDeleteદિલીપદાદા ના યજ્ઞ
ReplyDeleteકાર્ય ને વંદન