જો મને આ આશ્રમમાં આશ્રય ન મળ્યો હોત તો આજે હું ક્યાં હોત એ કલ્પના પણ મને ધ્રુજાવી મુકે છે. : જગતકુમારી શર્મા
ઓક્ટોબર ૨૦૧૯ની આ વાત છે. રાત્રિના બે વાગે અમદાવાદના જમાલપુર વિસ્તારમાં રહેતા
મહંમદ આકીદ મુસ્તુફાભાઇ શેખના ઘર નો દરવાજો ખખડે છે. રાત્રીના બે વાગ્યે ઘરનો દરવાજો
ખખડતાં આકીદ મુસ્તુફાભાઈ ચિંતા ભર્યા આવજે પૂછ્યું “કોણ છે બહાર?” બે ત્રણ વાર પુછવા
છતાં કોઈ પ્રત્યુત્તર મળ્મયો નહિ. એટલે તેમને
પોલીસને જાણ કરવાનું મુનાસીબ માની કંટ્રોલ રૂમમાં જાણ કરી કે કોઈ અજાણી વ્યક્તિ મારા
ઘરનો દરવાજો ખટખટાવી રહી છે. થોડી જ મીનીટોમાં પોલીસ આવી પહોંચી. આકીદ મુસ્તુફાભાઈના
ઘરની બહાર એક અજાણી યુવતી અત્યંત દયનીય હાલતમાં બારણું ખખડાવી રહી હતી. એને કશું જ ભાન ન હતું.
એ ક્યાંથી આવે છે અને ક્યાં જવું છે એ પણ જાણતી નહતી ? એ યુવતી નેપાળી અને થોડું ભાગ્યું તૂટ્યું હિન્દીમાં તુટક વાક્યો
બોલી શકતી હતી. ક્યાં જવું છે એનો પણ ખ્યાલ ન હતો. એ યુવતીને જોતાં જ ખ્યાલ આવે એમ
હતો કે તે કોઈ અણબનાવનો ભોગ બની છે. પણ એની હાલત એટલી નાજુક હતી કે તે કોઈ નિવેદન આપી
શકે એમ જ ન હતી. વધુ તપાસ કરતાં યુવતી પાસેથી એનો પાસપોર્ટ મળ્યો. જેના આધારે એની ઓળખ
થઇ શકી કે તે નેપાળના દૈલેખ જીલ્લાના છિઉડી ગામની રહેવાસી છે. પણ તે અહીં કેવી રીતે પહોંચી એનો જવાબ આપી શકે
એ સ્થિતિમાં જ ન હતી.
પોલીસે ૧૮૧ નંબર મહિલા હેલ્પ લાઈન દ્વારા યુવતીનું કાઉન્સીલીંગ કરવામાં આવ્યું
અને સિવિલમાં સારવાર અર્થે લઈ જવામાં આવી. પરંતુ યુવતી યોગ્ય વર્તન કરી શકાતી ન હોવાથી મંદબુદ્ધિની
જાણી તેને અરવલ્લી જીલ્લાના બાયડમાં આવેલ જય અંબે મંદ બુદ્ધિ મહિલા સેવા આશ્રમમાં મોકલી આપવામાં આવી.
અઢી અઢી વરસથી આ યુવતી જય અંબે આશ્રમમાં છે. અહીં પરિવાર જેવી હુંફ અને સારવાર મળતાં હવે તે બિલકુલ સ્વસ્થ છે. અને અહીં આશ્રય પામેલી અન્ય મંદબુદ્ધિ ધરાવતી મહિલાઓની સેવા કરી રહી છે. આ યુવતી નેપાળથી બાયડ કેવી રીતે પહોચી એની દાસ્તાન આ રીતે વર્ણવે છે.
“મારું નામ જગતકુમારી આશારામ જૈસી શર્મા છે. હું નેપાળના દૈલેખ જીલ્લાના છિઉડી
ગામની રહેવાસી છું. મારાં માતા, અમે ચાર બહેનો
અને બે ભાઈઓનો અમારો પરિવાર છે. પરિવારમાં હું સૌથી નાની છું. હું છ વર્ષની હતી ત્યારે જ મારા પિતાજીનું મૃત્યું
થયું. ઘરની તમામ જવાબદારી મારાં માતા અને અમારા સૌના માથે આવી પડી. ગરીબી અને અભાવોની
વચ્ચે મારું બાળપણ વીત્યું. બારમા ધોરણમાં હતી ત્યારે જ મારા લગ્ન કરી દેવામાં આવ્યા.
પરંતુ લગ્નના બે જ મહિનામાં મને જાણ થઇ કે જેની સાથે મારા લગ્ન થયા છે એ પુરુષ તો પહેલેથી
જ પરણિત છે. એણે મારી સાથે છેતરપીંડી થી લગ્ન કર્યા હતા. આ આઘાત હું સહન કરી શકી નહિ.
પતિનું ઘર છોડી હું મારા બહેન સાથે રહેવા લાગી.
કાળી મજુરી કરવા છતાં ગરીબી અમારા પરિવારનો પીછો છોડતી ન હતી. પરિવારને આર્થિક
સંકટમાંથી ઉગારવા મનોમંથન કર્યા કરતી. ત્યાં મારા ધ્યાન પર આવ્યું કે રોજગારી માટે
નેપાળથી ભારત જતાં લોકો સારી કમાણી કરે છે.
તો મારે પણ ભારત જવું જોઈએ. પરિવાર પાસે ભારત જવાની પરવાનગી માંગી પણ કોઈ પરવાનગી આપવા
તૈયાર થયું નહિ. પણ મેં ભારત આવવાનો દૃઢ નિર્ધાર કરી લીધો હતો. મારી એક સહેલી કેટલાક
વર્ષોથી ભારતમાં છે અને અહી જ પરણીને સેટ થઇ ગઈ છે. એનો સંપર્ક નંબર શોધી એની સાથે
વાત કરી કે મારે ભારત આવવું છે. વડોદરામાં રહેતી સહેલીએ પણ ભારત એની પાસે આવી જવા આમંત્રણ
આપ્યું. બસ પછી તો ઘરમાં કોઈને કહ્યા વગર જ મેં ભારત જવાની તૈયારી કરી લીધી. વિજયદશમીનાં
દિવસે પરિવારના સૌ ઉત્સવ માટે બહાર નીકળ્યા પણ મેં તેમની સાથે જવાનું ટાળ્યું.
જેવા સૌ ઉત્સવમાં જવા નીકળ્યાં ત્યારે લાગ જોઈ હું પણ જરૂરી સમાન અને ડોક્યુમેન્ટ લઈ ઘરને સાંકળ ચડાવી ભારત આવવા
નીકળી પડી.
નેપાળ અને ભારત વચ્ચે બસ પરિવહન સેવા ઉપલબ્ધ છે. પરિવારમાં કોઈને પણ જાણ કર્યા વગર નેપાળથી બસમાં બેસી મારા માટે એક અજાણ્યા દેશમાં જવા હું નીકળી પડી હતી. ભારત આવતાં રસ્તામાં જ અમારી બસ બગડી. મારી પાસે ભાડા સિવાય વધુ પૈસા તો હતા નહિ એટલે બસ રીપેર થાય એની રાહ જોયા સિવાય છૂટકો ન હતો. બગડેલી બસ રીપેર થાય એ માટે બે દિવસ રાહ જોઈ. પાસે થોડા પૈસા હતા એ ખાવા પીવામાં વપરાઈ ગયા. એમ છતાં ત્યાંથી હું અમદાવાદ આવવા બીજી બસ પકડી.
હું અમદવાદ તો પહોંચી પણ હવે મારી પાસે ખાવા પીવા માટે પૂરતા પૈસા પણ બચ્યા ન હતા અને મોબાઈલ પણ ડીસચાર્જ થઇ ગયો. પણ વડોદરા રહેતી મારી સહેલીનો નંબર મને યાદ હતો. કોઈ પાસેથી ફોન માંગી સહેલીને ફોન જોડ્યો. તો એને તો મને ઓળખવા શુધ્ધાની ના પાડી દીધી અને કહ્યું કે હું તારી કોઈ મદદ કરી શકું તેમ નથી. આટલું કહી ફોન કટ કરી દીધો. હવે મારી હાલત દયનીય હતી. અજાણ્યા દેશમાં અને આજાણ્યા શહેરમાં હવે હું નિરાધાર બની ભટકી રહી હતી. મારો ફોન પણ બંધ હતો એટલે કોઈને ફોન કરી ને મદદ પણ માંગી શકું એવી સ્થિતિમાં ન હતી. ભૂખ અને તરસથી અશક્તિ અનુભવાતી હતી. ત્યાં કોઈ અજાણી વ્યક્તિએ મને ઠંડુ પીણું ધર્યું. તરસથી ગળું સુકાતું હતું. એટલે કોઈ જ બીજો વિચાર કર્યા વિના એ પી લીધું. એ પીતાં જ હું મારું શાનભાન ખોઈ બેઠી. એ કોઈ ઠંડુ પીણું નહિ પણ કોઈ નશીલો પદાર્થ હતો. એ પીણું પીધા પછી મારી સાથે શું થયું એનો મને જરા પણ ખ્યાલ નથી. થોડી થોડી વારે મને ઇન્જેક્શન આપવામાં આવતાં એટલું યાદ છે. અર્ધબેભાન અવસ્થામાં મને સંભાળતી વાતો પરથી મને ભાસ થતો કે મારી આસપાસ રહેલા લોકો મારા શરીરના અંગો કાઢી ને વેચી નાખવાની તજવીજ કરી રહ્યા હતા. હું કઈ પણ કરવા અસમર્થ હતી. એમ છતાં હું ત્યાંથી કેવી રીતે ભાગી એનો પણ મને ખ્યાલ નથી.”
પોતાની દર્દભરી દાસ્તાન કહેતાં કહેતાં જગત કુમારીની આંખો આંસુઓથી ભરાઈ જાય છે અને શરીમાંથી ધ્રુજારી છૂટે છે. જગતકુમારી આગળ વાત કરતાં જણાવે છે કે મને અહીં આશ્રમમાં કોણ લાવ્યું કેવી રીતે પહોંચી એની પણ ખબર નથી. પરંતુ આશ્રમમાં આવતાં અહીં સારવાર મળી ત્યારે મને ભાન આવ્યું કે હું ક્યાંથી ક્યાં આવી ગઈ છું. આશ્રમમાં સૌનો પ્રેમ મળ્યો અને ધીરે ધીરે મારું સ્વાસ્થ્ય સુધરતું ગયું. મારી સાથે બનેલા અણબનાવના કારણે મારા મનમાં ડર એવો ઘર કરી ગયો હતો કે દસ મહિના સુધી આશ્રમના દરવાજા બહાર નીકળી શકી નહતી."
જગત કુમારી કહે છે. “મને સ્વાસ્થ્ય થતા મહિનો વીતી ગયો. સ્વાસ્થ થતાં જ મારી
મોટી બહેન સાથે ફોન પર વાત કરી અને મારા ક્ષેમ કુશળ હોવાના સમાચાર આપ્યા. આશ્રમના પ્રમુખ
અશોક ભાઈના મોબાઈલથી ફેસબુક પર મારા મામાના દીકરાનું ફેસબુક આઈ.ડી. શોધી એને મેસેજ કર્યો. તરત જ એનો પ્રત્યુતર
આવ્યો. અને મને લેવા માટે પણ બાયડ દોડી આવ્યો. પણ હવે મેં નિશ્ચય કરી લીધો છે કે હું હવે
આ આશ્રમ છોડી ક્યાય જવાની નથી. આ આશ્રમમાં આશ્રય ન મળ્યો હોત તો આજે હું ક્યાં હોત
એ કલ્પના પણ મને ધ્રુજાવી મુકે છે. આ આશ્રમે મને નવી જીંદગી આપી છે. આજીવન આ બહેનોની
સેવા કરવી એ જ મારો જીવન મંત્ર છે.
આ આશ્રમના પ્રમુખ અશોક ભાઈ મને પિતા જેવો પ્રેમ આપે છે તો વીનુંદાદા દાદા જવું
વહાલ વરસાવે છે. જબ્બરસિંહભાઈ, વિજયભાઈ, વિશાલભાઈ, મુકેશભાઈ આ બધા ભાઈઓએ મને ભાઈ જેવો
સ્નેહ આપ્યો આપ્યો છે. આ બિનવારસી મંદ બુદ્ધિ ની મહિલાઓ સાથે પૂર્વ જન્મનું કોઈ ઋણાનુંબંધ
હશે. એટલે જ આટલી યાતનાઓ પછી કુદરત મને નેપાળ થી છેક અહીં સુધી લાવી.”
જગતકુમારી હવે પૂર્ણ સમય સવેતન આ આશ્રમમાં સેવાઓ આપે છે. તેને મળતા વેતનમાંથી તે દર મહીને નેપાળ રહેતી તેની વૃદ્ધ માતાને આર્થિક સહાય
મોકલે છે. ભૂતકાળમાં વેઠેલી યાતનાઓ, પીડાઓ
હવે સુખમાં પરિણમી છે. જય અંબે મંદબુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ બાયડમાં જગત કુમારી
ખુશખુશાલ છે.
-
ઈશ્વર પ્રજાપતિ.
98251 42620
Very good
ReplyDelete👌🙏
ReplyDelete🙏🙏 Touched
ReplyDeleteખુબ સરસ લેખ છે ભાઈ
ReplyDelete