Sunday, May 29, 2022

સન્ડે સ્પેશિયલ

 મર્સિડિઝ’  બ્રાન્ડનું નામકરણ જેમના નામ પરથી  થયું,  મર્સિડિઝ જેલીનેકે   તેમના જીવનના અંતિમ દિવસો અત્યંત ગરીબીમાં   પસાર કરવા પડ્યા  હતા.

પિતા એમિલ જેલીનેક અને પુત્રી મર્સિડિઝ જેલીનેક 

       મર્સિડિઝ’ માત્ર નામ જ કાફી છે.  ઓટોમોબાઈલ ક્ષેત્રમાં સમગ્ર વિશ્વમાં મર્સિડિઝ’ નામ  લગ્ઝરીયસ બ્રાન્ડનું  પર્યાય માનવામાં આવે છે. મર્સિડિઝનો વપરાશ સ્ટેટસ સિમ્બોલ માનવામાં આવે છે. મર્સિડિઝ  બ્રાન્ડ છેલ્લા સવા સો વર્ષથી વિશ્વમાં પોતાની ગુડવિલ બરકરાર રાખવામાં સફળ  થઈ છે. સકસેસ અને  લગ્ઝરીયસ બ્રાન્ડના જન્મનો ઈતિહાસ પણ રસપ્રદ છે. બહુ ઓછા લોકો જાણે છે યુરોપિયન  ઓટોમોબાઈલ ઉદ્યોગસાહસિક એમિલ જેલિનેકની પુત્રી મર્સિડિઝ એડ્રિએન રેમોના મેન્યુએલા જેલિનેકના નામ પરથી મર્સિડિઝ બ્રાન્ડનું  નામ રાખવામાં આવ્યું હતું.

                એમિલ જેલીનેકથી મર્સિડિઝ બ્રાન્ડના જન્મની કથાનો આરંભ થાય છે. તેઓ  એડ્રિએન રેમોના મેન્યુએલા જેલિનેક ઉર્ફે મર્સિડિઝના પિતા હતાં.   એમિલ જેલીનેક યુરોપિયન ઓટોમોબાઈલ ક્ષેત્રના ધનિક ઉદ્યોગ સાહસિક હતા. તેમનો  જન્મ લેઇપઝિગ, જર્મનીમાં થયો હતો, જેલિનેકના જન્મ પછી તરત જ પરિવાર વિયેનામાં સ્થળાંતર થયો. 1872 માં, જ્યારે 19 વર્ષની ઉંમરે, તે ફ્રાન્સ ગયા. ત્યાં તેઓ તે રશેલ ગોગમેન નામની યુવતીને  મળ્યા. અને 28 વર્ષની ઉંમરે  રશેલ સાથે લગ્ન કર્યા.  16 સપ્ટેમ્બર, 1889ના રોજ ત્રીજા સંતાન રૂપે  પુત્રીનો જન્મ થયો. પુત્રીનું નામ એડ્રિએન રેમોના મેન્યુએલા જેલિનેક  રાખવામાં આવ્યું. પરંતુ સૌ તને મર્સિડિઝ’ હુલામણા નામે બોલાવતાં.   સ્પેનિશમાં Mercedes નામનો અર્થ થાય છે "દયા" ! પુત્રીના જન્મના ચાર વર્ષ બાદ રશેલ મૃત્યુ પામ્યાં. તેમ છતાં, જેલીનેકે મર્સિડીઝ નામ શુકનિયાળ લાગ્યું. તેને લાગતું હતું કે તેની પુત્રી સારૂ નસીબ લઈને અવતરી છે.  એમિલ જેલેનેકે બધી મિલકતોનાં નામ સાથે પુત્રી મર્સિડિઝ’નું નામ જોડતો. તેમના એક પુત્રે તો લખ્યું પણ ખરું કે: મારા પિતા  પ્રાચીન રોમનોની જેમ અંધશ્રદ્ધાળુ હતા.

       જેલીનેકનો વીમા વ્યવસાય અને શેર-બજારનો વેપાર ખૂબ જ સફળ બન્યો હતો.  વેપાર ધંધામાંથી પુષ્કળ કમાણી થતાં તેઓ શિયાળો ગાળવા ફેશનેબલ ફ્રેન્ચ રિવેરા પર નાઇસમાં જવાનું પસંદ કરતા.  ત્યાં જઈને આંતરરાષ્ટ્રીય વેપારી લોકો અને સ્થાનિક પ્રતિષ્ઠિત વર્ગના લોકો  બંને સાથે સંબંધ સ્થાપિત કર્યા. અને  આ પ્રદેશમાં શિયાળાની રજાઓ ગાળતા યુરોપિયન પ્રવાસીઓને મુખ્યત્વે ફ્રેન્ચ બનાવટની ઓટોમોબાઇલ્સ વેચવાનું શરૂ કર્યું. જેલીનેકે બિઝનેસ ચલાવવા માટે એક મોટી હવેલી લીધી હતી. જેનું નામ તેમણે ‘વિલા મર્સિડીઝ’ રાખ્યું હતું અને 1897 સુધીમાં તેઓ વર્ષમાં લગભગ 140 કાર વેચતા હતા અને તેમને "મર્સિડીઝ" કહેવા લાગ્યા હતા. તેમના વીમાના કામ કરતાં કારનો વ્યવસાય અત્યાર સુધીમાં વધુ નફાકારક હતો.

               વર્ષ 1890ના દશકામાં વિશ્વમાં કારનું ઉત્પાદન નહીવત બરાબર હતું.  એ સમયમાં  Daimler-Motoren-Gesellschaft ( DMG ; ડેમલર મોટર્સ કોર્પોરેશન ) એક જર્મન એન્જિનિયરિંગ કંપની  ઓટોમોબાઈલ ઉત્પાદન ક્ષેત્રે દબદબો ધરાવતી હતી. ગોટલીબ ડેમલર અને વિલ્હેમ મેબેક દ્વારા DMG કંપનીની સ્થાપના કરવામાં આવી હતી.

      ‘ફ્લિજેન્ડે બ્લેટર’ નામના સાપ્તાહિક મેગેઝિનમાં જેલીનેકે  ડીએમજી કંપની  કાર માટેની જાહેરાત જોઈ.   કંપની, તેની ફેક્ટરી અને ખાસ કરીને કંપનીનાં  ડિઝાઇનર્સ ગોટલીબ ડેમલર અને વિલ્હેમ વિશે વધુ જાણવા માટે 1896માં જેલીનેક કેનસ્ટેટ,  (સ્ટુઅર્ટગાર્ડ  નજીક) ગયા. અને એક ડેમલર કારનો ઓર્ડર આપ્યો અને તે વર્ષના ઓક્ટોબરમાં તેની ડિલિવરી લીધી. ઓટોમોબાઈલ ડિઝાઈનર વિલ્હેમ મેબેકના કામની ખૂબ પ્રશંસા કરી. DMG એક વિશ્વસનીય એન્ટરપ્રાઈઝ લાગતું હતું.  તેથી જેલીનેકે  DMG  કંપનીની કાર વેચવાનું શરૂ કરવાનું નક્કી કર્યું. 1898માં, તેમણે DMG ને પત્ર લખીને વધુ છ કારનો ઓર્ડર આપ્યો અને ડીએમજીના મુખ્ય એજન્ટ અને વિતરક બનવાની વિનંતી કરી. 1899માં તેણે 10 કાર અને 1900 માં 29 કાર વેચી.

         જેલીનેકે 2 એપ્રિલ, 1900ના રોજ DMG સાથે કરાર કર્યો કે  વિલ્હેમ મેબેક જેલીનેકે સુચવેલા સુધારા પ્રમાણે વિશિષ્ઠ  સ્પોર્ટ્સ કાર ડિઝાઇન કરવી. અને એ કારનું નામ  તેને ‘મર્સિડીઝ’ રાખવામાં આવે. આ કરાર મુજબ  જેલીનેકે  550,000 ગોલ્ડમાર્કમાં 36 ઓટોમોબાઈલની શિપમેન્ટ ખરીદવાનું વચન આપ્યું.  એક સાથે 36 કારનો ઓર્ડર કંપની માટે ખૂબ મોટો ઓર્ડર હતો જેલીનેકે કરારમાં મુકેલી તમામ શરતો DMG ના અધ્યક્ષે  માન્ય રાખી. અને  મોડલને સત્તાવાર રીતે ડેમલર-મર્સિડીઝ કહેવામાં આવશે જેને ડીએમજીના અધ્યક્ષે ઉમળકાથી  આવકાર્યું. આ કરારની સાથે જેલીનેક DMG ના બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્ય પણ બન્યા અને ફ્રાન્સ, ઓસ્ટ્રિયા, હંગેરી, બેલ્જિયમ અને યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા માટે નવી મર્સિડીઝની વિશિષ્ટ ડીલરશિપ મેળવી. જેલીનેકને ફ્રાન્સમાં ડેમલર નામના ઉપયોગ અંગે કેટલીક કાનૂની સમસ્યાઓ હતી. મર્સિડીઝ નામના ઉપયોગથી તે સમસ્યાનો અંત આવ્યો હતો.

          22 ડિસેમ્બર, 1900 ના રોજ નાઇસના રેલ્વે સ્ટેશન પર જેલીનેકે સુચવેલા સુધારા પ્રમાણે વિલ્હેમ મેબેકે ડીઝાઈન કરલી  35 HP કારની પ્રથમ ડિલિવરી લીધી. જેનું નામ મર્સિડીઝ હતું.  1901માં, આ કારે ઓટોમોબાઈલ વિશ્વને આશ્ચર્યચકિત કરી દીધું. જેલીનેક કાર રેસિંગનો ગાંડો  શોખીન હતો. જેલીનેકે રેસમાં ભાગ લઈ  તમામ વર્ગોમાં તેના પ્રતિસ્પર્ધીઓને સરળતાથી હરાવી દીધા. મર્સિડીઝ 60 કિમી/કલાક (37 માઇલ પ્રતિ કલાક) સુધી પહોંચી. એ સમયે કાર રસિકોને આ સ્પીડે રોમાંચિત કરી દીધા.  ફ્રેન્ચ ઓટોમોબાઈલ ક્લબના ડિરેક્ટર, પોલ મેયાન, જણાવ્યું હતું કે: "અમે મર્સિડીઝ યુગમાં પ્રવેશ્યા છીએ", .

         નવી મર્સિડીઝ દ્વારા સ્થાપિત રેકોર્ડ્સે સમગ્ર ઓટોમોબાઈલ વિશ્વને આશ્ચર્યચકિત કરી દીધું. DMG કંપનીની કાર વેચાણમાં જબરજસ્ત વધારો થયો.  તેના સ્ટુટગાર્ટ પ્લાન્ટની  અને કાર બનાવવાની ક્ષમતામાં વધારો કરી દીધો. કર્મચારીઓની સંખ્યા 1900 માં 340 થી વધીને 1904માં 2,200 થઈ ગઈ. કારને મળેલી બેધારી સફળતાને ધ્યાને લઇ  1902માં 23 જૂનના રોજ, કંપનીએ તેના સમગ્ર ઓટોમોબાઈલ ઉત્પાદન માટે ટ્રેડમાર્ક તરીકે મર્સિડીઝ નામનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું.  26 સપ્ટેમ્બરે સત્તાવાર રીતે મર્સિડીઝ બ્રાન્ડની નોંધણી કરવામાં આવી. અતિ આનંદિત એમિલ જેલીનેકે 1903માં વિયેનામાં 50 વર્ષની વયે પોતાનું નામ બદલીને જેલીનેક-મર્સિડીઝ રાખ્યું.  કોઈ પિતાએ તેની પુત્રીના નામને પોતાની સાથે જોડ્યું હોય એમ કદાચ પહેલી વાર બન્યું હતું. ત્યારથી જેલીનેક  પોતાની જાતને E.J. મર્સિડેસ. તરીકે ઓળખાવતા.

        જેલીનેક અને તેના ઉત્સાહી સહયોગીઓ વિશ્વભરમાં ડીએમજી-મર્સિડીઝ મોડલ્સનું વિતરણ કરી રહ્યા હતા, 1909 સુધીમાં છસોનું વેચાણ થયું હતું, જે DMG માટે લાખો કમાઈ હતી તેમનું જીવન ધંધામાં સમેટાઈ ગયું હતું. ઘરથી દૂર ઘણો સમય વિતાવવો પડતો. ગ્રાહકો દ્વારા કરવામાં આવતી વિશેષ ડિમાન્ડથી  કંટાળી ગયો હતો. તે DMG ના ટેકનિકલ વિભાગથી પણ ત્રસ્ત થઈ ગયો હતો.  ધીમે ધીમે મર્સિડીઝ પ્રત્યેનો તેમનો જુસ્સો ઓછો થવા લાગ્યો.  તેમના મનપસંદ ડિઝાઇનર વિલ્હેમ મેબેકે 1907માં ડીએમજી છોડી દીધું. તેમણે ડીએમજીના ચેરમેન પર એટલો ગુસ્સો કર્યો કે 1908માં તેમણે જેલીનેકનો મૂળ કરાર કાયમ માટે રદ કર્યો.

     જ્યારે ઑસ્ટ્રો-હંગેરીએ 28 જુલાઈ, 1914ના રોજ યુદ્ધમાં પ્રવેશ કર્યો, ત્યારે જેલિનેક અને તેના પરિવારે તે વર્ષ પછી, તેઓ મેરાન (ફ્રાન્સ) ગયા પરંતુ ત્યાં, તેમના પર જર્મની માટે જાસૂસીનો આરોપ મૂકવામાં આવ્યો, 1917 માં ભાગીને, તેઓ  સ્વિટ્ઝર્લૅન્ડમાં ગયા, જ્યાં એમિલ જેલીનેકની અસ્થાયી રૂપે ફરીથી ધરપકડ કરવામાં આવી. તેઓ 21 જાન્યુઆરી, 1918ના રોજ 64 વર્ષની વયે તેમના મૃત્યુ સુધી ત્યાં રહ્યા હતા. પાછળથી તેમની તમામ ફ્રેન્ચ મિલકતો જપ્ત કરવામાં આવી હતી.

       જેલીનેકની પુત્રી મર્સિડીઝ જેલિનેક વિયેનામાં રહેતી હતી. તેણીએ  બે વાર લગ્ન કર્યા હતા.  તેણીએ પ્રથમ લગ્ન  1909માં થયાં. તેમને બે બાળકો હતા.  પ્રથમ સંતાન એલ્ફ્રીડનો   જન્મ. 1912માં થયો જ્યારે બીજા સંતાન હેન્સ-પીટરનો જન્મ. 1916માં થયો. મર્સિડીઝ સ્માર્ટ અને પ્રતિભાવાન હતાં. તેણી અભિનેત્રી બનવા માંગતાં માંગતાં હતાં.  પરંતુ પ્રથમ વિશ્વયુધ્ધે  વિયેનામાં રહેતો મર્સિડીઝ જેલિનેકના  પરિવારને  બરબાદ કરી દીધો. તેની સ્થિતિ એટલી નાજુક બની ગઈ કે વર્ષ  1918 માં બે ટંકના ભોજન માટે  શેરીઓમાં  ભીખ માંગવા મજબૂર બની હતી. થોડા સમય પછી તેના પતિ અને બે બાળકોને છોડીને,  પ્રતિભાશાળી પરંતુ ગરીબ  શિલ્પકાર બેરોન રુડોલ્ફ વોન વેઇગલ સાથે લગ્ન કર્યા. પરતું થોડા સમયમાં જ તેણી વિધવા બની. અવાજ સારો હતો એટલે લોકોના મનોરંજન માટે તેણીએ ગાવાનું અને સંગીત વગાડવાનું કામ કર્યું. આશ્ચર્યની વાત એ પણ છે કે જેમના નામ પરથી બનેલી મર્સિડીઝ લગ્ઝરિયસ બ્રાન્ડ દુનિયામાં પ્રસિદ્ધ બની પરતું મર્સિડીઝ જેલિનેક ક્યારેય  કોઈ સામાન્ય  કારનાં માલિક બની શક્યાં નહિ.  

           મર્સિડીઝ જેલિનેકનું વિયેનામાં હાડકાના કેન્સરના રોગની ભોગ બની. જેના કારણે 1929 માં માત્ર 39 વર્ષની ઉંમરે તેનું  અવસાન થયું. મર્સિડીઝ જેલિનેકને  વિયેનામાં દફનાવવામાં આવી હતી. આજે પણ તેની કબર ત્યાં હયાત છે.

                                                                                                                 -          ઈશ્વર પ્રજાપતિ

                                                                                                                      સં. : 98251 42620

1 comment:

સન્ડે સ્પેશિયલ

  ‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા    જોઈએ.” :    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.       સાવ સા...

Popular Posts