અંડરવર્લ્ડ ડોન હાજી મસ્તાન સાથે પત્રકાર દેવેન્દ્ર પટેલે લીધેલ ઈન્ટરવ્યુંની દિલધડક અને દિલચસ્પ કથા
વરિષ્ઠ પત્રકાર આદરણીય દેવેન્દ્રભાઈ પટેલની અત્યંત લોકપ્રિય કૉલમ 'કભી-કભી'માં તાજેતરમાં પ્રગટ થઈ રહેલી 'અંડરવર્લ્ડ'ની સીરીઝે વાચકોમાં જબરજસ્ત ઉત્કંઠા જન્માવી છે. અંધારી આલામના ડાર્ક સિક્રેટસ જેવા તદ્દન નવીન વિષય પર જવલ્લે જ કોઈ ગુજરાતી પત્રકારે નીડરતા પૂર્વક આલખ્યુ હશે. તો સાતગે સાથે શ્રેષ્ઠતાની ખોજ માટે દેવેન્દ્રભાઈ પટેલે જાનની બાજી લગાવતાં પણ ક્યારેય ખચકાયા નથી. "કભી-કભી"ની આ સીરીઝ હવે 'અંડરવર્લ્ડ' પુસ્તક રૂપે આકાર પામી છે. કુખ્યાત ડોન હાજી મસ્તાનનાં નિવાસે જઈને દેવેન્દ્રભાઈ પટેલે લીધેલી મુલાકાતની દિલધડક અને દિલચસ્પ કથા 'અંડરવર્લ્ડ' પુસ્તકની પ્રસ્તાવનામાં તેઓએ આલેખી છે. પ્રસ્તાવના અહી પ્રસ્તુત છે.
દેવેન્દ્રભાઈ પટેલ પુસ્તકની પ્રસ્તાવનામાં નોંધે છે કે :
"1975 થી 1980નાં વર્ષોમાં મુંબઈના અંડરવર્લ્ડમાં દાણચોર હાજી મસ્તાનના નામનો ડંકો હતો. હાજી મસ્તાન આમતો તામિલનાડુ થી આવેલા એક સામાન્ય મુસ્લિમ પરિવારનું સંતાન હતો. ઝાઝું ભણેલો ન હતો. પેટિયું રળવા એણે મુંબઈના બંદર પર કુલીથી તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. બંદર પર આવતાં જહાજોના માણસો સાથે ઘરોબો કેળવી એણે નાની મોટી દાણચોરીની શરૂઆત કરી હતી . એ પછી એણે ઘડિયાળોની અને પાછળથી સોનાની દાણચોરીની શરૂઆત કરી, ધીમે ધીમે તેણે પોતાની એક ગેંગ બનાવી. મુંબઈના ઓછી અવરજવરવાળા દરિયાકિનારે તેનાં જહાજો આવવા લાગ્યાં અને એક દિવસ તે દેશનો મોટામાં મોટો લગર બની ગયો. મુંબઈના ફિલ્મ - નિર્માતાઓને પણ અડધી રાત્રે પૈસાની જરૂર પડે તો તેઓ હાજી મસ્તાન પાસે પહોંચી જતા. મહારાષ્ટ્રના રાજકીય નેતાઓ પણ હાજી મસ્તાનના પગે પડતા.
શ્રીનગરથી પ્રગટ થતા એક ઉદ્દે અખબારે હાજી મસ્તાનનો ઇન્ટરવ્યૂ છાપ્યો. હાજી મસ્તાન ભૂલથી બોલી ગયો કે ‘રાતના અંધારામાં મોટા મોટા નેતાઓ પણ મને પગે પડે છે. રાજ કપૂર જેવા એક્ટર પણ.' આ ઇન્ટરવ્યૂની સાથે રાજ કપૂર હાજી મસ્તાનના પગે પડે છે તેવી એક તસવીર પણ છપાઈ. રાજ કપૂરને પણ પૈસાની જરૂર પડે ત્યારે હાજી મસ્તાનનું શરણું લેતા . મેરા નામ જોકર' ફિલ્મમાં રાજ કપૂર આર્થિક રીતે ધોવાઈ ગયા હતા. તે પછી નવી ફિલ્મ બનાવવા હાજી મસ્તાને જ નાણાકીય મદદ કરી હતી. એ મુલાકાત પ્રગટ થયા બાદ આખો દેશ ચોંકી ગયો . કેન્દ્ર સરકાર પણ સજાગ થઈ ગઈ . કસ્ટમ ખાતું પણ સાબદું થઈ ગયું . આખા દેશમાં હાજી મસ્તાન એક લેજન્ડરી સ્મગલર તરીકે જાણીતો બન્યો . ફિલ્મ એક્ટર દિલીપકુમાર પણ હાજી મસ્તાનના મિત્ર હતા . મને હાજી મસ્તાનમાં રસ પડ્યો . મેં હાજી મસ્તાનને મળવાનો નિર્ણય કર્યો . મેં સંશોધન કર્યું . હાજી મસ્તાન ક્યારેક અમદાવાદ આવતો હતો . અમદાવાદમાં દરિયાપુરમાં રહેતા મુસ્લિમ બિઝનેસમેન સમદભાઈ લોખંડવાલા અને હાજી મસ્તાન મિત્રો હતા . સમદભાઈના ઘેર કોઈ પ્રસંગ હોય તો મસ્તાન અવશ્ય આવે . દિલીપકુમાર પણ અમદાવાદ આવે ત્યારે સમદ લોખંડવાલાના જ મહેમાન બને . મેં ગુજરાત સમાચાર'ના ટૅક્સી કૉન્ટ્રાક્ટ જી . એ , માસ્ટર કે જે સમદભાઈને જાણતા હતા તેમના મારફત હાજી મસ્તાનનો મુંબઈનો ટેલિફોન નંબર શોધી કાઢ્યો . જી . એ . માસ્ટર મારફત જ હાજી મસ્તાનને ફોન કર્યો . હાજી મસ્તાન શ્રીનગરના ઉર્દૂ અખબારને આપેલ મુલાકાત બાદ સાવધ થઈ ગયો હતો. તે કોઈ પણ પત્રકા ૨ ને મુલાકાત આપવા તૈયાર નહોતો . હાજી મસ્તાને ઇન્ટરવ્યૂ આપવા ઇન્કાર કરી દીધો. મેં સતત પ્રયાસ જારી રાખ્યો.
એક દિવસ ખબર પડી કે હાજી મસ્તાન ફરી સમદ લોખંડવાલાના પરિવારમાં કોઈ લગ્નમાં હાજરી આપવા મુંબઈથી તેની બે સીટની રેસર કાર લઈ અમદાવાદ આવ્યો હતો પરંતુ કોઈ કામ આવી જતાં રેસર કાર અમદાવાદમાં મૂકી પ્લેનમાં મુંબઈ ચાલ્યો ગયો હતો. એ કાર કોઈની મારફતે મુંબઈ મોકલી આપવા એણે સમદભાઈને કહ્યું હતું. સમદભાઈએ જી. એ. માસ્ટરને કહ્યું કે, તમે આ કાર મુંબઈ મૂકી આવો.' જી. એ. માસ્ટરે મને વાત કરી. હવે તે જ જી. એ. માસ્ટરની ઑફિસમાંથી ફોન કરી હાજી મસ્તાન સાથે મેં વાત કરી કે ‘આપ કી કારમેં મેં ભી આ રહા હૂં, ' મસ્તાને કહ્યું : ‘ ઠીક હૈ .. આ જાવ. ' હાજી મસ્તાનની ઇમ્પૉર્ટેડ રેસર કાર લઈ હું અને જી. એ. માસ્ટર મુંબઈ પહોંચ્યા. પહેલાં મુંબઈના ડોંગરી વિસ્તારમાં ગયા. ડોંગરી વિસ્તારનો ડૉન અજીત દિલીપ નામનો માણસ હતો . તે મુસ્લિમ હતો , પણ તેનું નામ અજીત દિલીપ હતું . ડોંગરીમાં તેની ક્લબ પણ હતી. ડોંગરી વિસ્તારના અંડરવર્લ્ડમાં તેનો ડંકો હતો. સહુથી પહેલાં અજીત દિલીપનો હું મહેમાન બન્યો. મેં અંડરવર્લ્ડના માણસોને નજીકથી જોયા.
અજીત દિલીપના અનેક દુશ્મનો હતા, પણ તે ગરીબનો હમદર્દ પણ હતો. પોતાની ક્લબનાં પગથિયાં તે ઊતરે ત્યારે અનેક ગરીબ લોકો અજીત દિલીપની રાહ જોઈ ઊભા હોય . કોઈને ઘરમાં રેશન ભરવા પૈસા જોઈતા હોય , કોઈને તેના બાળકને ભણાવવા પૈસા જોઈતા હોય , કોઈને તેની દીકરીને પરણાવવા પૈસા જોઈતા હોય – એવા લોકો કતારમાં ઊભા રહેતા . એ બધા અજીત દિલીપ સમક્ષ યાચના કરતા . અજીત દિલીપ તેમને બધાને સાચવતો અને પોતાના માણસોને સૂચના આપી દરેકને મદદ કરતો . એ સિવાય અજીત દિલીપ ડૉન પણ હતો. દુશ્મનોને ખતમ કરી દેવાની જ સૂચના આપતો . ડોંગરી વિસ્તારમાં તેના નામની જબરી દાદાગીરી હતી. મુજરાનો જબરદસ્ત શોખીન હતો. સ્કૉચ અને ચિકનનો શોખીન હતો . તેની ક્લબના કિચનમાં જ તેનો કૂ તેના માટે ચિકન બનાવતો . તેની બંને બાજુ ભરેલી રિવૉલ્વરવાળા માણસોને સાથે જ રાખતો . અજીત દિલીપે મુંબઈના અંડરવર્લ્ડની ઘણી ભીતરી વાતો કરી . અંડરવર્લ્ડમાં મને ફેરવ્યો પણ ખરો.
મુંબઈ પહોંચ્યાના બે દિવસ સુધી હાજી મસ્તાનની કાર હજી અમારી પાસે જ હતી. એ વખતે દમણમાં શુક ૨ નારાયણ ખિયા, મુંબઈમાં કરીમ લાલા અને યુસુફ પટેલ જેવા સ્મગલરો પર સરકારની ધોંસ હતી. લોકનાયક જયપ્રકાશ નારાયણ એ વખતે આખા દેશના લોકપ્રિય નેતા હતા . હાજી મસ્તાનના ઇન્ટરવ્યૂ બાદ દેશભરમાં હોબાળો મચ્યો હતો, પરંતુ જયપ્રકાશ નારાયણે ચંબલના ડાકુઓને તથા હાજી મસ્તાન જેવા દાણચોરોને સરકારના શરણે લાવવા અપીલ કરી હતી. મસ્તાન હજી શરણે આવવા તૈયાર નહોતો. અજીત દિલીપ સાથેની મુલાકાત બાદ મેં હાજી મસ્તાનને ફોન કર્યો. હાજી મસ્તાન આડીઅવળી વાત કરી બહાનાં કાઢવા લાગ્યો . એ વખતે મેં એક યુક્તિ કરી. જયપ્રકાશ નારાયણની કિડની બગડી ગઈ હતી. જયપ્રકાશ નારાયણ મુંબઈની જસલોક હૉસ્પિટલમાં કિડનીની સારવાર લઈ રહ્યા હતા. તેઓ ડાયાલિસીસ પર હતા. ગુજરાતના એક નેતા દ્વારા મેં જયપ્રકાશ નારાયણને મળવાનું નક્કી કર્યું. હું જસલોક હૉસ્પિટલ ગયો . જયપ્રકાશ નારાયણ આઈસીયુમાં હોવા છતાં તેમણે મને મુલાકાત આપી. મેં તેમને દાણચોરોની શરણાગતિ વિશે કેટલાક પ્રશ્નો પૂછ્યા. મેં પૂછ્યું : ‘ કોઈ સ્મગલર તમારી અપીલને માન આપી શરણે આવશે તો સરકાર તેમની સાથે કેવો વ્યવહાર કરશે ? ” જયપ્રકાશ નારાયણે કહ્યું : શરણે આવેલા દાણચોરોને કેન્દ્ર સરકાર પરેશાન ના કરે તે માટે હું વડાપ્રધાનને કહીશ . ' મેં કહ્યું : ‘ હું આ વાત દાણચો ૨ોને પહોંચાડું ? ’ જયપ્રકાશ નારાયણે હા પાડી. મારો મતલબ હતો કે જયપ્રકાશ નારાયણની વાત અખબારમાં પ્રગટ કરીને એ સંદેશો દાણચોરોને પહોંચાડવો . જયપ્રકાશ નારાયણની મુલાકાત બાદ મેં હાજી મસ્તાનને ફોન કર્યો. મેં કહ્યું : “ મૈં જયપ્રકાશ નારાયણ કો મીલા હૂં . ઉનકા એક મૅસેજ હૈ. બોલો મીલના હૈ ? ' હાજી મસ્તાને તરત જ હા પાડી દેતાં કહ્યું : ‘ અભી આ જાઈએ. ’ હાજી મસ્તાન ખરેખર તો સરકારની ધોંસથી ડરી ગયો હતો. જયપ્રકાશ નારાયણને હું મળ્યો છું તે જાણતાં જ તે મને મળવા તૈયાર થઈ ગયો. જી. એ. માસ્ટર અને હું તરત જ હાજી મસ્તાનના બંગલે પહોંચ્યા .
આશ્ચર્યની વાત એ હતી કે ફિલ્મોમાં દર્શાવવામાં આવે છે તેવું કોઈ દૃશ્ય દેશન એક મોટામાં મોટા સ્મગલરના ઘેર જોવા ના મળ્યું. વિશાળ બંગલાના ગેટ પર કોઈ સિક્યોરિટી ન હતી. બંગલાની ભીતર પણ કોઈ બદૂકધારી માણસો નહોતા . ફિલ્મોમાં ડૉનની આસપાસ ફરતા કાળા ગોગલ્સવાળા ખતરનાક સાથીદારો જેવા કોઈ માણસો હાજી મસ્તાનના ઘ૨માં નહોતા ફિલ્મોમાં દર્શાવવામાં આવે છે તેવો કોઈ ઑટોમેટિક ડૉર્સ, ભવ્ય ખુરશીઓ કે રંગીન લાઇટો નહોતી. એક ઉચ્ચ મધ્યમવર્ગના માણસના ઘરમાં હોય તેવા રેક્ઝીનના સાદા સોફા હતા. ઘરમાં બની રહેલી નોનવેજ રસોઈની ખુલ્લૂ ફેલાયેલી હતી. બાજુના રૂમમાં એક બાળક રડતું હતું અને તેના રડવાનો અવાજ ડ્રોઇંગ રૂમ સુધી આવતો હતો. હાજી મસ્તાન સાદા શ્વેત પેન્ટ શર્ટમાં હતો. એણે અમારું સ્વાગત કરતાં કહ્યું : “ મૈં કોઈ બડા આદમી નહીં હૂં. આઈયે.’ હાજી મસ્તાન દેખાવમાં એક સીદોસાદો માણસ હતો. તેના ઘરમાં પારિવારિક વાતાવરણ હતું. તેણે અમારા માટે ઇલાયચીવાળી ચા મંગાવી અમે નિરાંતે મળ્યા. એણે ઘણી વાતો કરી. મેં જયપ્રકાશ નારાયણ સાથે થયેલી વાત હાજી મસ્તાનને કહી : ‘આપ સરેન્ડર હો જાઈએ. જે. પી.ને કહા હૈ આપ કે સાથ કોઈ બદસલૂકી નહીં હોગી.’ અમારી વાતચીત બાદ એણે યુસુફ પટેલ નામના બીજા એક સ્મગલરને પણ ફોન કર્યો. દોઢેક કલાકની અખબારી મુલાકાત બાદ હું બહાર નીકળ્યો. ફરી મુંબઈ આવો તો ફોન કરવા પણ એણે કહ્યું. હાજી મસ્તાનની મુલાકાત બાદ હું યુસુફ પટેલને પણ મળ્યો. મને હાજી મસ્તાન કરતાં યુસુફ પટેલ વધુ ચાલાક લાગ્યો જ્યારે હાજી મસ્તાન ભોળો હતો . તે સ્મગલર હતો , પરંતુ હિંસાથી દૂર હતો . એણે જિંદગીમાં કદી કોઈની હત્યા કરી નહોતી. કોઈ હત્યા માટે ઑર્ડર પણ કર્યો નહોતો. મારે મુંબઈના અંડરવર્લ્ડને નજીકથી જોવું હતું તે મેં જોઈ લીધું. ગુજરાતી પત્રકારત્વને હું ગુજરાત પૂરતું સીમિ રાખવા માંગતો નહોતો. મને ભાતભાતના લોકોના જીવનને જાણવામાં રસ હતો , પછી તે જયપ્રકાશ નારાયણ હોય કે હાજી મસ્તાન. યુસુફ પટેલ હોય કે અજીત દિલીપ, ચાર દીવાલો વચ્ચેની એરકંડિશન્ડ ઑફિસમાં બેઠાં બેઠાં પત્રકારત્વની શ્રેષ્ઠતાને પામી શકાય નહીં એમ હું માનતો હતો. તેથી હું વધુ ને વધુ ઊંડાણમાં જવાનું પસંદ કરતો . વધુ ને વધુ લોકોની વચ્ચે જવાનું પસંદ કરતો હતો. આ એક પ્રકારની ખોજ હતી અને એ જ ખોટ માટે પુરુષાર્થ કરવામાં પાછી પાની કરવામાં હું માનતો નહોતો. સંશોધનાત્મક પત્રકારત્વના અન્વયે જ હું હાજી મસ્તાનને મળ્યો. અજીત દિલીપ અને યુસુફ પટેલને પણ મળ્યો અને અમદાવાદ આવી એક વિસ્તૃત અહેવાલ લખી નાંખ્યો. શ્રીનગરના વિવાદાસ્પદ ઇન્ટરવ્યૂ બાદ હાજી મસ્તાને કોઈને પણ અખબારી ઇન્ટરવ્યૂ આપ્યો હોય તો તે ‘ ગુજરાત સમાચાર ' માટેનો ઇન્ટરવ્યૂ હતો. એ પછી તો મારે ભાગ્યે જ હાજી મસ્તાનને મળવાનું થયું. તે સરેન્ડર થયો અને છૂટી પણ ગયો. પાછળથી એણે સ્મગલિંગ છોડી દીધું હતું અને દલિત - મુસ્લિમની એક પૉલિટિકલ પાર્ટી પણ શરૂ કરી હતી. એક જમાનાનો કુખ્યાત દાણચોર હવે ભાષણ પણ કરવા લાગ્યો હતો.
હાજી મસ્તાનનાં વળતાં પાણી માટે તેનો જ એક જુનિયર સાગરીત જવાબદાર હતો અને તેનું નામ દાઉદ ઇબ્રાહીમ. આ વાતના થોડા જ સમયમાં ડોંગરીની અંડરવર્લ્ડના માણસો વચ્ચે ગેંગવૉર ફાટી નીકળી. અજીત દિલીપે કોઈની હત્યા કરી નાંખી. તેનું વેર વાળવા કોઈએ અજીત દિલીપને તલવારથી કાપી નાંખ્યો. સંશોધનાત્મક પત્રકાર તરીકે મેં લખેલી આ કથા સ્વયં એક થ્રીલર છે . આ પુસ્તક અંડરવર્લ્ડ વાચકોને મીર્ચ - મસાલા પીરસવા માટે નથી, પરંતુ મુંબઈનું અંડરવર્લ્ડ કે એક જમાનામાં કરીમ લાલા, હાજી મસ્તાન, દાઉદ ઇબ્રાહીમ , છોટા રાજન , અરૂણ ગવળી , વરદરાજન મુદલીયાર , રવિ પૂજારી જેવા અંડરવર્લ્ડથી કેવું કાંપતું હતું અને તેમણે દેશમાં આતંક ફેલાવવા કેવા રોલ ભજવ્યા તેની સવિસ્તર માહિતી ગુજરાતી વાચકોને ઉપલબ્ધ થાય તે હેતુથી જ આ પુસ્તક એક પત્રકારની દૃષ્ટિએ મેં લખ્યું છે . આ પુસ્તક વાચકોના મનોરંજન માટે નહીં , પરંતુ અંડરવર્લ્ડની દુનિયાની માહિતી માટે છે. આવનારા વર્ષોમાં આ પુસ્તક નવા યુવા પત્રકારો માટે એક સંદર્ભ ગ્રંથની ગરજ સારે તે હેતુથી આ પુસ્તક લખવામાં આવ્યું છે . એક પત્રકારની હેસિયતતી મેં મુંબઈના અંડરવર્લ્ડની દુનિયા વિશે સંશોધનાત્મક પરિશ્રમ કર્યો છે."
પુસ્તકની પ્રસ્તાવના અહી સમાપ્ત થાય છે. નવભારત સાહિત્ય મંદિર પ્રકાશિત 'અંડરવર્લ્ડ' પુસ્તકમાં દેવેન્દ્રભાઈ પટેલે અંધારી અલામના અનેક ડાર્ક સીક્રેટ્સ ઉજાગર કર્યા છે. કોઈ વિચક્ષણ પત્રકારનો નજરે અંડરવર્લ્ડ' નિહાળવાનો રોમાંચ અનુભવવો હોય તો આ પુસ્તક વસાવી વાંચવું રહ્યું.
- ઈશ્વર પ્રજાપતિ
98251 42620
Great 👍
ReplyDeleteExcellent
ReplyDeleteGood job
ReplyDeleteExcellent
ReplyDeleteGreat 👍
ReplyDeleteReally A great moment
ReplyDelete