Thursday, May 27, 2021

ચાલ ઝાડની ખબર કાઢવા

કાલે કોઈ ડાળ તૂટી છે, ચાલ ઝાડની ખબર કાઢવા



              માનવજાતથી કોરોના મહામારી  ન જાણે કયા ભવનું વેર લઈ રહી છે કંઈ સમજાતું નથી. ચોતરફ દૃશ્યો હૃદય કંપાવનારાં છે.  કેટલાય હસતા રમતા પરિવારો વેર વિખેર થઈ ગયા છે. કેટલાક ઘરોના તો  મોભ જ ભાગી પડ્યા. તેમના પર જાણે મુસીબતોનું આભ  જ ફાટ્યું. સાંત્વના માટે શબ્દો પણ જડતા નથી.  પા... પા.. પગલી માંડતાં કેટલાય નિર્દોષ  બાળકો માતાપિતાની ઓથ ગુમાવી નિરાધાર બન્યા છે. તો કેટલાય વૃદ્ધ માતાપિતા ઘડપણની લાકડીનો ટેકો ગુમાવી નિઃસહાય બન્યાં છે. ભાગ્યે જ  કોઈ પરિવાર મળે કે જેને પોતાના કોઈ નિકટના  પરિચિત, સ્નેહી કે સ્વજન ગુમાવ્યા ન હોય!  .
          ગત સપ્તાહે કોરોનાથી મૃત્યુ પામેલ એક શિક્ષક પરિવારને ત્યાં શિક્ષક કલ્યાણનિધિનો  ચેક આપવા જવાનું થયું.   શિક્ષકના મૃત્યુથી તેમનો પરિવાર જાણે સાવ નોંધારો બની ગયો. પરિવારનો એક મોભી ગયો એટલે પરિવારનૂ6 તો બધું લૂંટાઈ જ ગયું હતું પરંતુ હવે દર મહિને ઘરમાં આવતી નિશ્ચિત આવક હવે એકાએક બંધ થઈ ગઈ.  કમનસીબે એ શિક્ષક GPF ના  લાભોમાં સમાવિષ્ટ ન હતા, પરંતુ સરકારશ્રીની નવી નીતિ મુજબ શિક્ષક CPF યોજનામાં  સમાવિષ્ટ હતા.  એટલે હવે તેમના પરિવાર પેંશન લાભથી પણ નહીં મળી શકે..  શિક્ષક મિત્રની અણધારી વિદાયથી  તેમનો  હસતો રમતો પરિવાર નિરાધાર બની ગયો. નાના સંતાનોના ઉજ્જવળ લાગતા ભવિષ્ય પર પણ હવે જાણે અમાસની કાળ અંધારી રાતનું તિમિર ફરી વળ્યું.. આ પરિવારના ભવિષ્યની કલ્પના હૃદયને  ધ્રુજાવી દે છે.
            CPF યોજનામાં સમાવિષ્ટ શિક્ષક જ્યારે મૃત્યુ પામે છે ત્યારે  પેંશન તો ઠીક પણ પરિવારને અન્ય કોઈ મોટી આર્થિક સહાય પણ મળવા પાત્ર નથી. ઉચ્ચક થોડીએક રકમ મળે છે. જે આજના સમયમાં પરિવારના નિર્વાહ માટે પર્યાપ્ત નથી જ.. એક શિક્ષકનો પરિવાર શિક્ષકની ગેરહાજરીમાં લાચાર બને એ તો કેમ ચાલે ?? કોઈપણ શિક્ષકનો પરિવાર એ આપણો પરિવાર છે.  સમાજમાં બધી જગ્યાએ તો આપણે મદદ માટે નથી જ પહોંચી શકતા એ આપણી મર્યાદા છે. પરંતુ આપણા સમાજનો જ એક શિક્ષક પરિવાર નોંધારો બન્યો હોય ત્યારે  આવી નિઃસહાય પરિસ્થિતિમાંનાની અમથી મદદ પહોંચાડવા આપણે નિમિત્ત ન બની શકીએ?  એ પરિવારને આધાર માટે આપી બેઠો કરવા  એક શિક્ષક તરીકે   જો આપણે જ આગળ નહીં આવીએ તો કોણ આવશે ??
          કોઈ પરિવાર પર આવી અણધારી આફત ન આવી પડે  ઈશ્વરને એ જ પ્રાર્થના. પણ જે પરિવાર પર ખરેખર આફત આવી પડી છે તેમના પરિવારને મદદરૂપ થવા અરવલ્લી જિલ્લા નાયબ ડી.પી.ઈ.ઓ. શ્રી સમીરભાઈ પટેલ સાહેબે એક વિચારબીજ વહેતુ મૂક્યું. તેઓની પ્રેરણાથી આપની સામે એક અપીલ લઈને આવ્યો છું. ફરજ દરમિયાન મૃત્યુ પામેલ જે શિક્ષકના પરિવારને પેંશન પણ મળવા પાત્ર નથી તેવા શિક્ષક પરિવાર માટે  તાલુકા કે જિલ્લાના શિક્ષકો દ્વારા માત્ર  પાંચસો કે હજાર રૂપિયા યોગદાન આપવામાં આવે તો એ  નિરાધાર બનેલા શિક્ષક પરિવારબે એક સન્માન જનક રકમ આપી શકાય. એ પરિવાર  માટે આ રકમ આશીર્વાદ રૂપ સાબિત થાય એમ છે. પેંશન મળવા પાત્ર નથી એવા શિક્ષકોના પરિવારને  કંઈક અંશે મદદરૂપ થવા શું આપણે એક નવી શરૂઆત ન કરી શકીએ?? 
           આજના સમયમાં કોઈ પણ માટે પાંચસો કે હજાર રૂપિયા એ બહુ મોટી રકમ નથી. પરંતુ જિલ્લાના શિક્ષકો આ આહવાનમાં જોડાય તો ભેગી થયેલી એ રકમ ઘણી  મોટી થવા પામે છે. અને એ રકમ શિક્ષકના પરિવારને મળે તો કમસેકમ એ પરિવાર લાચારી નહીં પણ ખુમારીથી જીવી શકે. દિવંગત શિક્ષકના બાળકોનું મુખ પરનું સ્મિત પાાછું લાવવા નિમિત્ત બની શું તો પણ  મોટું પુણ્યકાર્ય થશે.
         શિક્ષકના હૃદયમાં કરુણાનું ઝરણું હમેશ માટે વહ્યા કરે છે. માનવતાના મહાયજ્ઞમાં આહુતિ આપવામાં શિક્ષક સમાજ ક્યારેય પાછો નથી પડ્યો. મને ખાતરી છે આપણો તાલુકો કે જિલ્લો આ પહેલ કરશે તો સમસ્ત રાજ્ય તેના પગલે ચાલવા મજબૂર બનશે..

           જાણિતા કવિ મુકેશ જોષીની એક કવિતા અર્પણ 

કાલે કોઈ ડાળ તૂટી છે, ચાલ ઝાડની ખબર કાઢવા
એક કુહાડી ક્યાંક ઊઠી છે, ચાલ ઝાડની ખબર કાઢવા

પાનખરે જે પંખીઓએ ઝાડને હિંમત આપી’તી
એ પંખીની હામ ખુટી છે, ચાલ ઝાડની ખબર કાઢવા

ડાળ તૂટી ને કેટકેટલા પંખીઓના ઘર તૂટી ગયાં
કોકે શી મિરાત લૂંટી છે, ચાલ ઝાડની ખબર કાઢવા

         આપ સહુ ની અપેક્ષા સહ કપરા કાળમાં મૃત્યુ પામેલા સૌ શિક્ષક મિત્રોને હૃદય પૂર્વકની શ્રધ્ધાંજલિ.. તેમના પરિવાર પર આવી પડેલ દુઃખદ પળોને   સહન કરવાની શક્તિ આપે એ જ પ્રાર્થના.

લે. ઈશ્વર પ્રજાપતિ

(આપ આપના પ્રતિભાવ 98251 42620 નં. પર વૉટસેપ કરી શકો છો.)

Wednesday, May 12, 2021

સત્કાર્યની હોડમાં શિક્ષક પાછો ક્યારેય નહીં પડે."

"સત્કાર્યની હોડમાં શિક્ષક પાછો ક્યારેય  નહીં પડે."

           


           કરુણાવાન શિક્ષક સમાજનું ઘરેણું છે. નજુક સમયમાં દીવાદાંડી રૂપ કાર્ય કરી સમાજને નવી રાહ ચીંધવાનું ઋષિકાર્ય શિક્ષક કરી જાણે છે. તાજેતરમાં અરવલ્લી જિલ્લાના પ્રાથમિક શિક્ષક ભાઈ બહેનોએ માનવતાના મહાયજ્ઞને સફળ બનાવી  અનુકરણીય ઉદાહરણ પુરું પાડ્યું છે.

               ભારત દેશ આજે અત્યંત નાજૂક પરિસ્તિતિમાંથી પસાર થઈ રહ્યો છે.  દવા, હવા અને બેડ માટે સમસ્ત તંત્ર રાત દિવસ એક કરીને કમર કસી રહ્યું છે. હૉસ્પિટલની અંદર અને બહારનાં દૃશ્યો હૃદય કંપાવી દે છે. એવા સમયે  પોતાની જાનની પરવા કર્યા વિના ડોકટર્સ, નર્સ, આરોગ્ય કર્મીઓ, સફાઈ કર્મીઓ, પોલીસ તંત્ર કારોનાના કહેર સામે દેવદૂત બની વીર યોદ્ધાની જેમ અઢાર અઢાર કલાક ખડેપગે  ફરજ બજાવી રહ્યા છે.  આવી નાજુક પરિસ્થિતિમાં   અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી અને નાયબ શિક્ષણાધિકારી સહેબશ્રીની પ્રેરણા થકી પ્રાથમિક  શિક્ષક ભાઈઓ અને બહેનોએ ઑક્સિજન બેડ માટે  દરિયાદિલી બતાવી અઢાર લાખ જેટલી માતબર રકમની  દાનની સરવાણી વહાવી સમાજને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. “શિક્ષક કભી સાધારણ નહીં હોતા”  સદીયો પહેલાં ચાણક્યએ ઉચ્ચારેલી ઉક્તિને ફરી એક વાર યથાર્થ સાબીત કરી છે.   

             વાત જાણે એમ છે કે  અરવલ્લી જિલ્લાના શિક્ષકોને કોરોના પોઝેટીવ હોમ આઈસોલેટ દર્દીઓના ટેલિફોનિક  કાઉંસીલીંગની મહત્વ પુર્ણ જવાબદરી સોપવામાં આવી છે. આ કાઉસિલીંગ દરમિયાન કોરોના પોઝેટિવ એક દિકરી સાથે વાત દિકરીએ પોતાની વેદના વર્ણવતાં  જણાવ્યું કે “હું  તો હવે સ્વસ્થ્ય છું. પરંતું મારા પિતા ખાનગી હૉસ્પિટલમાં દાખલ છે. તેમનું ઑકસિજન લેવલ સતત ઘટી રહ્યું છે. હૉસ્પિટલના તંત્ર એ અમને જાણ કરી કે પિતાને બીજે ક્યાંક સ્વિફ્ટ કરવા પડશે.  આ પરિસ્થિતિમાં પપ્પાને લઈને હવે હું ક્યાં જાઉં?? અને  કોઈ જ વિકલ્પ દેખાતો નથી.” ટેલિફોન પર વાત કરતાં કરતાં જ દિકરી પોતનાં આંસું રોકી ન શકી. કાઉસિલિંગ કરતા શિક્ષકનું હૃદય ભિંજાયું. દિકરીના  પરિવારની મદદ કેવી રીતે કરી શકે એ માટે શિક્ષકે મનોમંથન આદર્યું. છેવટે આ વાત અરવલી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબ શ્રી સ્મિતાબેન પટેલ અને નાયબ શિક્ષણાધિકારી સાહેબ શ્રી સમિરભાઈ પટેલના ધ્યાન પર મૂકી.તેઓને  વિચાર સ્ફૂર્યો કે "જિલ્લા શિક્ષણ તંત્ર એક નવી પહેલ કરી, આર્થિક યોગદાન આપી સાર્વજનિક હૉસ્પિટલમાં  ઑકસિજન બેડ વધારવામાં આવે તો ઘણી જિંદગીઓ બચાવી શકાય." એક આઈડિયા જો બદલદે કિસીકી ભી જિંદગી ! 

          હકારાત્મક અભિગમ ધરાવતાં  જિલ્લાના બન્ને અધિકારીઓએ જિલ્લાના શિક્ષકોને ઓક્સિજન બેડ વધરવા માટે જરૂરી આર્થિક યોગદાન એકત્ર કરવા માટે  હાંકલ કરી.   સૌથી પહેલું યોગદાન તેઓએ આપી માનવતાના મહાજ્ઞના શ્રી ગણેશ કર્યા.     અરવલ્લી જિલાના શિક્ષકોએ માનનીય ડી.પી,,, શ્રી અને નાયબ ડીપી.ઈ.ઓ શ્રીનો પડ્યો બોલ ઝીલી લીધો. અને ગણતરીના કલાકોમાં અઢાર લાખ જેટલી માતબર રકમ એકત્ર કરી દીધી. જેના હૃદયમાં સંવેદના ધબકે છે એના માટે સઘળાં કામ સરળ થઈ જાય છે.  એનું આ ઉત્તમ ઉદાહરણ છે.  અરવલ્લી જિલ્લાના ડી. પી. ઈ.ઓ શ્રી  સ્મિતાબેન  અને નાયબ ડી. પી.ઈ. ઓ શ્રી સમીરભાઈ સાહેબના હકારાત્મક અભિગમ શિક્ષકોને કાંઈક નવું કરવા હંમેશા પ્રેરતો રહ્યો છે. તેઓ સદા પારિવારિક વડિલની જેમ જિલ્લાના સૌ શિક્ષકોને હૂંફ પુરી પાડતા રહે છે. અને તેથી જ સૌ શિક્ષકો તેમનો પડ્યો બોલ ઝિલવા સદા તત્પર રહે છે. 

        ગત વર્ષે પણ જ્યારે માસ્કની અછત હતી એવા સમયે  એક લાખ જેટલા માસ્ક બનાવવાની જવાબદારી ઉપાડી તો સ્વેચ્છાએ સૌ શિક્ષકોએ દાનની સરવાણી વહાવી હતી. અરવલ્લી જિલ્લાના શિક્ષક ભાઈઓ બહેનો એ ગણતરીના કલાકોમાં યુદ્ધના ધોરણે એક લાખ માસ્ક બનાવી એક ઉત્તમ ઉદાહરણ પૂરું પડ્યું હતું. આર્થિક યોગદાન આપ્યું એટલું જ નહીં પણ શિક્ષકોએ અરવલ્લી જિલ્લાના ગામે ગામ દરજીકામ કરતા સૌ કારીગરોનો સંપર્ક કરી સૌ કારીગરોને કામે લગાડ્યા  હતા. અરે! જે શિક્ષક ભાઈ-બહેનો દરજી કામ જાણતા હતા એ કોઈ પણ જાતની નાનમ ના અનુભવતા  સીવણ મશીન પર બેઠા હતા.. જે હાથમાં સૌએ માત્ર ચૉક અને દસ્ટર જોયાં છે એ હાથમાં દરજીની કાતર અને કાપડ પકડી શિક્ષકે શિક્ષક ધર્મ નિભાવ્યો હતો. દિવસ અને રાત કામ ચાલ્યું. અને માત્ર બે થી ત્રણ દિવસમાં એક લાખ માસ્ક બનવવાનો લક્ષયોક શિક્ષકોએ પૂરો કરી બતાવ્યો હતો.

               આ તો એક માત્ર ઉદાહરણ છે. રાષ્ટ્ર જ્યારે કોઈ પણ મહામારી માંથી પસાર થઈ રહ્યો હોય ત્યારે રાષ્ટ્રની પડખે અડીખમ યોદ્ધા બની ઊભા રહેવું એ શિક્ષક તરીકે અમારી ફરજ પણ છે. અને શિક્ષકે આ ફરજ સુપેરે નિભાવી છે. ભુજનો ભૂકંપ હોય, સુરત કે બનાસકાંઠાની પૂર હોનારત હોય કે દેશ પર આવી પડેલ કોઈપણ કુદરતી આફત હોય શિક્ષક સમાજે પોતાનું કર્તવ્ય નિભાવવામાં ક્યારેય પાછીપાની કરી નથી. 

           શિક્ષકો દ્વારા એકત્રીત થયેલ દાનની રકમમાંથી જિલ્લા શિક્ષણ તંત્રએ  યુધ્ધના ધોરણે મોડાસા સાર્વજનિક હૉસ્પિટલમાં આઠ ઓક્સિજન બેડ તૈયાર કરી દીધા.    ગણતરીના કલાકોમાં તૈયાર કરવામાં આવેલા એ બેડ પર જરૂરિયાતમંદ દર્દીઓ હવે નિરાંતનો શ્વાસ લઈ રહ્યાં છે. અને તેઓનાં પરિવારજનો અંતરથી આશિષ વરસાવી રહ્યાં છે. આ બેડ પૈકી ત્રણ બેડ શિક્ષક અથવા તેના પરિવાર માટે અનામત રાખવામાં આવશે. આ બેડની સુવિધા કેટલાય વ્યક્તિઓના જીવન બચાવી તેઓના પરિવારનું સ્મિત અખંડિત રાખવામાં ચોક્કસ સહાય રૂપ થશે.  

            શિક્ષક દ્વારા કરવામાં આવતાં અનેક સત્કાર્યોથી શિક્ષત્વ મ્હોંરી ઊઠે છે, જેની સુવાસ સમાજના છેવાડાના જનજનના હૃદયમાં મહેંકી ઊઠે છે. શિક્ષક કામ કરે છે આત્મસંતોષ માટે, આત્મગૌરવ માટે આત્મસન્માન માટે. 

           સૌ શિક્ષકો ચાણક્યના ગોત્રના છે અને ચાણક્યનું ગુરુ વાક્ય સૌએ ગાંઠે બાંધેલું છું. में शिक्षक हूँ। मुझे अपने राष्ट्र के बारेमें सोचना है।

        લખી રાખો કે સત્કાર્યની હોડમાં શિક્ષક પાછો ક્યારેય  નહીં પડે. 

લેખન : ઈશ્વર પ્રજાપતિ       

(આપના પ્રતિભાવ મો.નં    9825142620 પર વૉટસએપ કરી શકો છો)

 

 

Tuesday, May 11, 2021

સાધારણ પરિવારમાંથી આવતા અસાધારણ ઑફિસર વિજય નેહરા

 સાધારણ પરિવારમાંથી  આવતા અસાધારણ  ઑફિસર  વિજય નેહરા 


         બહુ ઓછા ઓફિસર્સ પ્રજાના હૃદયમાં સ્થાન પામવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરતા હોય છે. ઉચ્ચપદો પર બેઠેલા ઓફિસર્સના નિર્ણયો છેવાડાના વ્યક્તિના જીવન પર ખૂબ મોટી અસર ઉપજાવતા  હોય છે. એક જવાબદાર ઓફિસર ધારે તો સમાજના ચહેરા પર સ્મિત લાવવાનું પુણ્ય કાર્ય કરી શકે છે. આજે વાત કરવી છે એવા જ એક હોઅનાહાર ઑફિસરની કે જેઓ કર્તવ્યનિષ્ઠાથી  પ્રજાના હૃદયમાં સ્થાન પામ્યા છે.   
                 એ ઓફિસરનું નામ છે વિજય નેહરા. 
            વિજય નેહરા હોનહાર અને કાબેલ આઈ.એ.એસ.ઓફિસર છે. તેઓની કાર્ય કરવાની અગાવી સૂઝના કારણે પ્રજામાં પણ અત્યંત લોકપ્રિય છે. માર્ચ 2020માં જ્યારે અમદાવાદમાં કોરોનાના કેસો શરૂ થયા ત્યારે મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા કાર્યરત હતા. આ દિર્ઘદ્રષ્ટા ઓફિસર  વૈશ્વિક મહામારીના કારણે ભવિષ્યમાં સર્જાનારાં ભયાવહ દૃશ્યો નજર સમક્ષ નિહાળી શકતા હતા. અને એટલે જ  કમિશનર તરીકે તેમણે કોરોના સંક્રમણ કાબૂમાં લેવા કડક પગલાં અને એના અમલની શરૂઆત કરાવી હતી. પરતું કોઈપણ કારણસર વિજય નેહરાને મ્યુનિસિપલ કમિશનરપદેથી ટ્રાંસફર કરી ગ્રામ વિકાસ કમિશ્નર તરિકેની જવાબદારી સોંપવામાં આવી. આ સમયગાળા દરમિયાન વૈશ્વિક મહામારી કોરોનાના અજગરી ભરડામાં પ્રજા એવી તો પિસાઈ કે આવનારી પેઢીયો પણ આ પીડા ભૂલી શકશે નહી. હવે ત્રીજી લહેરની વિનાશક ઝંઝાવાત ને ખાળવા ટાસ્કફૉર્સની રચના કરવમાં આવી છે જેમાં વિજય નેહરાનો સમાવેશ કરવામાં આવ્યો છે એ બાબત સમાચારોની હેડલાઈન બની છે.  એક્શન ઓરિએંટેડ ઓફિસર સામે પ્રજા મીટ માંડીને આશાભરીએ નજરે નિહાળી રહી છે.

             પ્રજાનો અપાર પ્રેમ પામેલા વિજય નેહરા રાજસ્થાનના ખૂબ જ સાધારણ જાટ પરિવારમાંથી આવે છે. રાજસ્થાનના સીકર જિલ્લાના નાનકડા એવા સિહોટ છોટી ગામમાં  6 જુલાઈ 1975ના રોજ તોઓનો જ્ન્મ  થયો હતો. પિતા સૈન્યમાં હતા. વિજય નેહરાએ  પ્રાથમિક શિક્ષણ સરકારી પ્રાથમિક શાળામાંથી લીધું. દસ વર્ષની ઉંમરે ભારત સરકાર દ્વારા લેવાતી પરીક્ષા ઉત્તિર્ણ કરી દેશની ટોપ મોડેલ સ્કૂલ કહી શકાય એવી બિરલા મોડેલ સ્કૂલમાં પ્રતિભાના બળે પ્રવેશ મેળવ્યો.  સરકારી યોજના અંતર્ગત ઉત્તિર્ણ થયેલા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનો તમામ ખર્ચ સરકાર દ્વારા ઉઠાવવામાં આવતો. એ પછી એમને ક્યારેય પાછુ વળીને જોયું નથી. દસમા ધોરણમાં ઉત્કૃષ્ઠ પરિણામ હાંસલ કરી સરકારી શિષ્યવૃત્તિ પ્રાપ્ત કરી. બારમા ધોરણમાં પણ પરિણામ જાળવી રાખી ભરતની પ્રતિષ્ઠિત સંસ્થા આઈ. આઈ. ટી. મુંબઈમાં પ્રવેશ મેળવી એમ એસ.સી. કેમેસ્ટ્રી વિષય સાથે પાંચ વર્ષ સખત મહેનત કરી સફળતાના શિખરો સર કરતા ગયા. લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડેમી મસૂરીમાં તાલીમ લેતી વખતે તેમને "મેનેજમેન્ટ એન્ડ બિહેવિયર સાયન્સ" અને "લો" માં સર્વોચ્ચ ગુણ માટે ડિરેક્ટર ગોલ્ડ મેડલ  પ્રાપ્ત કર્યો હતો.   યુનિવર્સિટિ ઓફ કેલિફોર્નિયાથી પબ્લિક  પૉલિસીમાં તેઓએ માસ્ટર ડિગ્રી હાંસલ કરી છે.

               જ્યારે વર્ષ ૨૦૦૯ માં તેઓ વડોદરા કલેકટર તરીકે મૂકવામાં આવ્યા હતા, ત્યારે ગુજરાત સરકારે તેમને ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધાવસ્થા પેન્શન યોજના હેઠળ 12,000 વરિષ્ઠ નાગરિકોને લાવવા બદલ 2009 માં તેમને શ્રેષ્ઠ કલેક્ટરનો એવોર્ડ આપ્યો હતો.2014 થી 2016 દરમિયાન રાજકોટના મિનિસિપલ; કમિશ્નર તરીકે પણ સેવાઓઓ આપી ચુક્યા છે.  ૪૫૦૦૦ જેટલા નકલી રેશન કાર્ડ તેઓએ નાબૂદ કરી કાળા બજારિયાઓ ઉપર કડક પગલાં ભર્યાં છે.  

               કાર્યદક્ષતા, પારદર્શિતા અને ત્વરિત એક્શન માટે જાણીતા વિજય નેહરાએ અમદાવાદને કોરોનાના અજગરી ભરડાથી બચવવા મ્યુનિસિપલ કમિશંર તરીકે સરાહનીય કમગીરી કરી હતી. નાજુક સમયમાં પ્રજા પોતાના પ્રિય ઓફિસરને  યાદ કરતી રહી.  

            હવે ભારતનાં વિવિધ રાજ્યો કોરોના સંક્રમણની બીજી લહેર સામે હાલ ઝઝૂમી રહ્યાં છે, ત્યારે દેશના આરોગ્ય નિષ્ણાતોએ પણ દાવો કર્યા છે કે કોરોના સંક્રમણની ત્રીજી લહેર ગંભીર હોય શકે છે. પરિણામે, સંભવિત ત્રીજી લહેરને લઈને રાજ્ય સરકારે અત્યારથી જ તૈયારીઓ આરંભી દીધી ખાસ કરીને ગ્રામ વિકાસ કમિશનર વિજય નેહરાએ ચોંકાવનારા નિવેદન સાથે સ્પષ્ટ સંકેતો આપ્યા હતા કે આગામી દિવસોમાં ગ્રામીણ વિસ્તારોમાં કોરોના સંક્રમણનો વ્યાપ વધશે, જેને કારણે રાજ્યનાં ગામડાંને ખાસ સુરક્ષિત બનાવવાં પડશે, સાથે સાથે ગ્રામીણ વિસ્તારમાં ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટ પર વિશેષ ભાર મૂકી એને સશક્ત બનાવવાં પડશે.

         કોરોનાને ગામડાંમાં પરાસ્ત કરવો એ એક પડકારજનક કાર્ય  જરૂર છે. પરંતુંંઅશક્ય તો નથી જ. આપણા કાબેલ ઓફિસર્સ હજી  થોડા વધું કડક નિર્ણયો  મિશન રૂપે કાર્ય આરંભશે તો આ કાળરાત્રીને ચીરતો નવી આશાભર્યો સોનેરી સૂરજ  ખૂબ જલ્દી ઊગશે.

        વિપરિત પરિસ્થિતિની વચ્ચે પણ મુખ પરનું સ્નિત કરમાવવા દીધું નથી એવા કર્તવ્યનિષ્ઠ ઑફિસર વિજય નેહરાને કોટી સલામો.. 


- ઈશ્વર પ્રજાપતિ

( આપના પ્રતિભાવ આપ મો.નં 98251 42620 પર વૉટસએપ કરી શકો છો.)

Sunday, May 9, 2021

માતૃવત્સલ રેવાબા

 

 માતૃવત્સલ રેવાબા

 

 


         પૂજ્ય રેવાબા ધાર્મિકતાથી છલોછલ ભરેલું  નર્યું નિખાલસ, પ્રેમાળ અને કોમળ વ્યક્તિત્વ. ગોરો ભરાવદાર ચહેરો. અવિરત વહાલ વરસાવતી ચમકતી તેજસ્વી આંખો અને અવાજમાં મીઠપનો મધુર રણકો ! બા બોલે એટલે આખું ફળિયું ગૂંજી ઊઠે.  વર્ષ ૨૦૦૪ થી ૨૦૦૭ દરમિયાન નરેંદ્રમામાને ત્યાં નિમેષભાઈ અને રુપેશભાઈનાં સંતાનોના ટ્યુશન માટે નિયમિત તેઓના ઘરે જતો હું રોજ સવારે વહેલો જાઉં ત્યારે રેવાબા સવાર સવારમાં ભગવાનની સેવા-પૂજા કરી પરવારી ઘર બહાર રાખેલા લાકડાના બાંકડે  રામનામ જપતાં બેઠાં હોય ! તેઓ નિયમિત મારા પરિવારની ખબર અંતર પૂછે. “ભાણા ભાઈ શકરીબૂન હુ કરસ ? મજામાં તો સન ?” આજે પણ અવાજનો એ મધુર રણકો મારા કાનમાં પડઘાય છે.  (શકરીબેન મારાં મમ્મી)     

         રેવાબા આખા ગામનાં બા હતાં. ભગવાન રામ તેમને અત્યંત પ્રિય હતા. હાલતાં ચાલતાં “રામ-રામ” બોલ્યા કરે. દર એકાદશી એ તેઓ ઉપવાસ કરતાં. કેલેંડર જોતાં આવડતું ન હતું એમ છતાં અગિયારસ ક્યારે છે તેની બરાબર ખબર રહેતી. વાર તહેવારે ગામની કુંવારિકાઓને જમાડતાં. રામનવમી અને શિવરાત્રીએ ઉપવાસ અચૂક કરે. રેવાબા નવરાત્રીએ સુંદર ગરબા ગવડાવે. તેઓ હાલરડાં ખૂબ સરસ ગાતાં.

       એ જમાનામાં રેવાબા ગાય અને ભેંસો રાખતાં. કોઈ એકાદ ભેંસ વેચી હોય તો જેના ઘરે તે ભેંસ લઈ ગયા હોય ત્યાં તે ભેંસ તોફાન કરતી. જેણે ભેંસ વેચાતી લીધી હોય તેણે ભેંસ લઈ પાછી આપવા આવવું પડતું. પ્રાણી માત્ર પ્રત્યે અપાર લાગણી તેઓ ધરાવતાં હતાં.

        ગામની મધ્યે આવેલા તેમના ઘરની ચોપાડમાં રાખેલા લાકડાના બાંકડા પર બેઠાં બેઠાં રામ રામ જપ્યા કરતાં. કોઈ પણ સમાજની દીકરી બહું દિવસથી સાસરે ગઈ ના હોય તો પણ તેને બોલાવી કારણ પૂછતાં અને જરૂર લાગે તો શિખામણ પણ આપતાં. રેવાબાએ ગામમાં ભજન મંડળી પણ ચાલું કરાવી હતી. જે આજે પણ ચલું છે.

       આધ્યામિકતાથી ભર્યાંભર્યાં અને ભલાંભોળાં રેવાબા જેવાં નારીરત્નની કૂખેથી જ વિરલ રત્ન અવતરી સમસ્ત સંસારમાં કુળ અને પરિવારનું નામ ઝળહળ રોશન કરતાં હોય છે. રેવાબાનું એક માત્ર સંતાન જેઓને દુનિયા આજે વરિષ્ઠ પત્રકાર પદ્મશ્રી દેવેંદ્રભાઈ પટેલના નામે ઓળખે છે. જેઓએ આકરૂંદ જેવા નાનકડા ગામમાંથી નીકળી પત્રકારિતા ક્ષેત્રે દેશ દુનિયામાં નામ રોશન કર્યું છે. આદરણીય દેવેંદ્રભાઈનો સરળ, સૌમ્ય અને નિખાલસ સ્વભાવ માતા રેવા તરફથી વારસામાં મળ્યો છે.

        આકરૂંદમાં જીર્ણ થઈ ગયેલ ભગવાન રામનું મંદિર નવેસરથી બને એ રેવાબાની ખેવના હતી. દેવેંદ્રભાઈ પટેલ  અને ગામલોકોએ સાથે મળી ૨૦૦૫માં રામમંદિર જીર્ણોધ્ધારની  રેવાબાની  ઈચ્છા પૂર્ણ કરી. આજે ગામમાં પ્રવેશતાં જ ભવ્ય રામમંદિરનાં દર્શન થાય છે. અને આ મંદિરના પ્રાંગણમાં જ પૂ. ડોગરેજ મહારજનાં કૃપાપાત્ર પૂ. સંધ્યાબેન ત્રીપાઠી ભાગવતાચાર્ય હોવા છતાં રામકથાનું રસ.પાન કરાવ્યું હતું

     પાંચમી એપ્રિલ  ૨૦૦૮ના રોજ  રેવાબાએ અંતીમ શ્વાસ લીધા. આશ્ચર્યની વાત એ છે કે તેમણે તેમના મૃત્યુની તૈયારીઓ અગાઉથી કરી રાખી હતી. મૃત્યું પછી તેમના દેહને પહેરાવવાનાં પરંપરાગત વસ્ત્રો તથા મૃત્યુ પછી તેમના પિયર પક્ષના કયા સગાને કેટલો વ્યવહાર કરવો તેની યાદી પણ તૈયાર કરાવી રાખી હતી. આજે લોકો મૃત્યુથી ડરે છે જ્યારે રેવાબાએ મૃત્યુંના સ્વાગતની તૈયારીઓ કરી રાખી હતી.  

      પુણ્યશ્લોક દિવ્ય આત્મા પૂજ્ય રેવાબાને કોટીકોટી વંદન!

લેખન - ઈશ્વર પ્રજાપતિ 

( 98251 42620 )

 

Friday, May 7, 2021

'કોરામોરા જળથી ભાવકોને ભીંજવતા સર્જક અરવિંદભાઈ ગજ્જર.'

 'કોરામોરા જળથી ભાવકોને ભીંજવતા સર્જક અરવિંદભાઈ ગજ્જર.'


 

"કોરુંમોરું જળ વરસે ને ભીનોભીનો તડકો,
આવો વાલમ આવો મુને શ્રાવણ જેવું અડકો."
       
           ગીતના શબ્દો  વાંચતા દિલને સ્પર્શી જાય છે. આવા તો અનેક સુંદર મધુર ગીતો રચનાર   ઉમદા સર્જક  એટલે અરવિંદભાઈ ગજ્જર. કવિશ્રી અરવિંદભાઈ ગજ્જર  સંવેદનશીલ અને એક અત્યંત ઋજુહૃદય સર્જક ! એમની સાદગી અને નિખાલસતા હૃદયને સ્પર્શી જાય. મૂળ તો મહીસાગરનું ખોબા જેવડું  શામણા ગામ  એમનું વતન. પરંતુ અરવલ્લીની ધરાને કર્મભૂમિ બનાવી શબ્દસાધના કરતા રહ્યા.  સાચા અર્થમાં તો આવા ઉમદા સર્જક મોડાસા અને અરવલ્લીનું ઘરેણું છે. 

              અરવિંદભાઈ ગજ્જર એટલે  કોઈપણને  મદદ કરવા   માટે હંમેશા તત્પર. માત્ર માતૃભાષા જ નહીં પરંતુ અન્ય ભાષાઓ પર પણ ગજબનું પ્રભુત્વ.   કિશોર અવસ્થાથી સાહિત્યમાં ગજબનો શોખ ધરાવતા. કિશોર અવસ્થાથી લેખનના પગરણ માંડ્યા. એમ છતાં પોતાના સર્જનને પ્રકાશિત કરવાનું છેક સુધી ટાળતા જ રહ્યા.  પ્રસિધ્ધિથી પોતાની જાતને સદા માટે અળગી જ રાખી, એવું નિર્મોહી અને નિર્લેપ વ્યક્તિત્વ !  હંમેશા પડદા પાછળ રહેવામાં જ આનંદ અનુભવ્યો.  પરંતુ કેટલાક સ્નેહી મિત્રોના હઠાગ્રહને વશ થઈ છેક હમણાં એટલે કે જિંદગીના આઠમા દાયકે  “કોરુંમોરું જળ” નામે  કાવ્ય સંગ્રહ પ્રકાશિત કર્યો.


           'કોરુંમોરું જળ' છ અક્ષરના સંગ્રહનું  નામ જ ભાવકોના હ્રદયને 
સ્પર્શી જાય છે. મઘમઘતાં ત્રેપન કાવ્યપુષ્પોને ગૂંથી કવિએ અદભુત   ગુલદસ્તો તૈયાર કર્યો છે. ૮૪ પૃષ્ઠો પર વિસ્તાર પામેલ આ કાવ્યસંગ્રહના પાનેપાને કવિના સંવેદનશીલ હ્રુદયનાં સંવેદનો અને સ્પંદનો ઝિલાયાં છે એ ભાવકોના   હૃદયને તર-બ-તર કરી મુકે છે.  ગુજરાતી ભાષાના સિધ્ધહસ્ત સર્જકો પદ્મશ્રી પ્રવીણભાઈ દરજી અને મણિલાલ હ. પટેલે કાવ્યસંગ્રહને શબ્દપુષ્પો લઈ પોંખ્યો છે.

      કાવ્યસંગ્રહની પ્રસ્તાવનમાં પદ્મશ્રી પ્રવીણભાઈ દરજી લખે છે. કોરુંમોરું જળકવિ અરવિંદ ગજ્જરનું એક રીતે નિજસ્થ રહી વિસ્તરવા ઈચ્છતા કવિનું કોરુંમોરું જળ છે. – સ્ત્રી હૃદયને, માનવજીવનની વિસંગતિઓને, વિધિનિર્માણને, માણસની લાચારીને , જીવનના કટુ સત્યોને, કેટલુંક સમજાય અને છતાં ન સમજ્યા બરાબર ને કેટલુંક  ન સમજાય તોય સમજ્યા બરોબર – એવું વિત્ત તેઓ લઈને આવ્યા છે. કવિએ શબ્દો પાસેથી ઈપ્સિત કામ લીધું છે એ પણ નોંધવું રહ્યું."
      તો સુવિખ્યાત સર્જક મણિલાલ હ. પટેલ નોંધે છે કે “ કવિતાની સદા વ્હેતી સભરસલીલા સરિતામાં આપણો આ કવિ પોતાના તરફથી વનભૂમિ-જનભૂમિને ખૂંદતું આવતું, એક શાંત  નિર્મળ ઝરણું ઉમેરે છે. આ એકાંત ઘટનાના મૂલ્યને ઝાઝા શબ્દોની જરૂર નથી."

           અરવિંદભાઈએ કવિતા ઉપરાંત લઘુકથાઓ, વાર્તાઓ અને જીવનચરિત્રો  જેવા સાહિત્ય ક્ષેત્રમાં 
લેખન કર્યું છે. પૂ..મોરારીબાપુના સાંનિધ્યમાં યોજાતા સાહિત્યના મહાકુંભ સમા  અસ્મિતાપર્વમાં પણ અરવિંદભાઈ વાર્તાપઠન થકી શબ્દના ઓજ્સ પાથરી ચૂક્યા છે. તેઓની કવિતાઓ, વાર્તાઓ પ્રસિદ્ધ સામયિકોમાં છપાતી થઈ. આકાશવાણી પરથી અનેકવાર કૃતિઓ રજુ કરવાનો યશ તેઓને મળ્યો છે. ગુજરાતના ખ્યાતનામ કવિ સુરેશ દલાલે કવિતાસંચય કર્યો એમાં અરવિંદભાઈના ગીતને  સ્થાન આપ્યું છે.   ઉપરાંત ગુજરાતના ઘડવૈયા નામે જીવન ચરિત્રનું પુસ્તક કર્યું. દેશના મહાનુભાવો લાલબહાદુર શાસ્ત્રી, મહારાણા પ્રતાપ, શિવાજી અને બુદ્ધની ચરિત્રની પુસ્તિકાઓ તૈયાર કરી. મોડાસા બી.એડ.કોલેજના મુખપત્ર નૂતનઅધ્યાપનમાં સંપાદનનું મહત્વનું કામ પણ તેઓએ સફળતાપૂર્વક કર્યું.

         મોડાસા જેવા સાક્ષર નગરમાં "શબ્દસેતુ" જેવી સાહિત્યિક સંસ્થાની  પાયાની પ્રથમ ઈંટ અરવિંદભાઈએ માંડી હતી.  "શબ્દસેતુ"નું બીજ આજે વટવૃક્ષ  બન્યું છે.   "શબ્દસેતુ"ની સાહિત્ય સુવાસ  સમસ્ત ગુજરાતના સાહિત્ય જગતમાં ફેલાઈ છે.

           શિણાવાડ હાઈસ્કૂલમાં આચાર્ય તરીકે 36 વર્ષ યશસ્વી સેવાની સાથે સાથે તેઓ સાહિત્યની પણ સેવા કરી છે. સેવાનિવૃત્તિ બાદનો તમામ સમય સાહિત્યની સેવામાં ગાળે છે સાહિત્યને લગતા કોઈપણ કાર્યક્રમ હોય તો તેઓ અચૂક હાજરી આપે છે. રાવજી પટેલ તેઓના પ્રિય કવિ છે. ગુજરાતના કોઇપણ ખૂણામાં રાવજી પટેલની કવિતાને લગતા કોઈપણ કાર્યક્રમ હોય તો તેઓ ઉંમરે પણ જવાનું ચૂકતા નથી.

       'કોરુંમોરું જળ' કાવ્યસંગ્રહ અરવિંદભાઈની સંવેદનાસભર અને સંઘર્ષપૂર્ણ જીવનનો અર્ક છે.  કોરામોરા જળમાં ભીંજાવા માંગતા તમામ ભાવકો અને સર્જકોએ ગાગરમાં સાગર સમાન આ કાવ્યસંગ્રહ અચૂક વસાવવા જેવો છે.  

પુસ્તક પ્રાપ્તિસ્થાન : લજ્જા પ્રકાશન, વલ્લભવિદ્યાનગર સંપર્ક નં. ૯૫૭૪૨૩૩૮૬૪
પુસ્તક મૂલ્ય : ૧૨૦ /-

સર્જક અરવિદભાઈ ગજ્જર સંપર્ક નં, ૯૮૯૮૫ ૨૫૨૨૧

લેખન : ઈશ્વર પ્રજાપતિ 
૯૮૨૫૧ ૪૨૬૨૦

સન્ડે સ્પેશિયલ

  ‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા    જોઈએ.” :    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.       સાવ સા...

Popular Posts