Wednesday, May 12, 2021

સત્કાર્યની હોડમાં શિક્ષક પાછો ક્યારેય નહીં પડે."

"સત્કાર્યની હોડમાં શિક્ષક પાછો ક્યારેય  નહીં પડે."

           


           કરુણાવાન શિક્ષક સમાજનું ઘરેણું છે. નજુક સમયમાં દીવાદાંડી રૂપ કાર્ય કરી સમાજને નવી રાહ ચીંધવાનું ઋષિકાર્ય શિક્ષક કરી જાણે છે. તાજેતરમાં અરવલ્લી જિલ્લાના પ્રાથમિક શિક્ષક ભાઈ બહેનોએ માનવતાના મહાયજ્ઞને સફળ બનાવી  અનુકરણીય ઉદાહરણ પુરું પાડ્યું છે.

               ભારત દેશ આજે અત્યંત નાજૂક પરિસ્તિતિમાંથી પસાર થઈ રહ્યો છે.  દવા, હવા અને બેડ માટે સમસ્ત તંત્ર રાત દિવસ એક કરીને કમર કસી રહ્યું છે. હૉસ્પિટલની અંદર અને બહારનાં દૃશ્યો હૃદય કંપાવી દે છે. એવા સમયે  પોતાની જાનની પરવા કર્યા વિના ડોકટર્સ, નર્સ, આરોગ્ય કર્મીઓ, સફાઈ કર્મીઓ, પોલીસ તંત્ર કારોનાના કહેર સામે દેવદૂત બની વીર યોદ્ધાની જેમ અઢાર અઢાર કલાક ખડેપગે  ફરજ બજાવી રહ્યા છે.  આવી નાજુક પરિસ્થિતિમાં   અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી અને નાયબ શિક્ષણાધિકારી સહેબશ્રીની પ્રેરણા થકી પ્રાથમિક  શિક્ષક ભાઈઓ અને બહેનોએ ઑક્સિજન બેડ માટે  દરિયાદિલી બતાવી અઢાર લાખ જેટલી માતબર રકમની  દાનની સરવાણી વહાવી સમાજને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. “શિક્ષક કભી સાધારણ નહીં હોતા”  સદીયો પહેલાં ચાણક્યએ ઉચ્ચારેલી ઉક્તિને ફરી એક વાર યથાર્થ સાબીત કરી છે.   

             વાત જાણે એમ છે કે  અરવલ્લી જિલ્લાના શિક્ષકોને કોરોના પોઝેટીવ હોમ આઈસોલેટ દર્દીઓના ટેલિફોનિક  કાઉંસીલીંગની મહત્વ પુર્ણ જવાબદરી સોપવામાં આવી છે. આ કાઉસિલીંગ દરમિયાન કોરોના પોઝેટિવ એક દિકરી સાથે વાત દિકરીએ પોતાની વેદના વર્ણવતાં  જણાવ્યું કે “હું  તો હવે સ્વસ્થ્ય છું. પરંતું મારા પિતા ખાનગી હૉસ્પિટલમાં દાખલ છે. તેમનું ઑકસિજન લેવલ સતત ઘટી રહ્યું છે. હૉસ્પિટલના તંત્ર એ અમને જાણ કરી કે પિતાને બીજે ક્યાંક સ્વિફ્ટ કરવા પડશે.  આ પરિસ્થિતિમાં પપ્પાને લઈને હવે હું ક્યાં જાઉં?? અને  કોઈ જ વિકલ્પ દેખાતો નથી.” ટેલિફોન પર વાત કરતાં કરતાં જ દિકરી પોતનાં આંસું રોકી ન શકી. કાઉસિલિંગ કરતા શિક્ષકનું હૃદય ભિંજાયું. દિકરીના  પરિવારની મદદ કેવી રીતે કરી શકે એ માટે શિક્ષકે મનોમંથન આદર્યું. છેવટે આ વાત અરવલી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબ શ્રી સ્મિતાબેન પટેલ અને નાયબ શિક્ષણાધિકારી સાહેબ શ્રી સમિરભાઈ પટેલના ધ્યાન પર મૂકી.તેઓને  વિચાર સ્ફૂર્યો કે "જિલ્લા શિક્ષણ તંત્ર એક નવી પહેલ કરી, આર્થિક યોગદાન આપી સાર્વજનિક હૉસ્પિટલમાં  ઑકસિજન બેડ વધારવામાં આવે તો ઘણી જિંદગીઓ બચાવી શકાય." એક આઈડિયા જો બદલદે કિસીકી ભી જિંદગી ! 

          હકારાત્મક અભિગમ ધરાવતાં  જિલ્લાના બન્ને અધિકારીઓએ જિલ્લાના શિક્ષકોને ઓક્સિજન બેડ વધરવા માટે જરૂરી આર્થિક યોગદાન એકત્ર કરવા માટે  હાંકલ કરી.   સૌથી પહેલું યોગદાન તેઓએ આપી માનવતાના મહાજ્ઞના શ્રી ગણેશ કર્યા.     અરવલ્લી જિલાના શિક્ષકોએ માનનીય ડી.પી,,, શ્રી અને નાયબ ડીપી.ઈ.ઓ શ્રીનો પડ્યો બોલ ઝીલી લીધો. અને ગણતરીના કલાકોમાં અઢાર લાખ જેટલી માતબર રકમ એકત્ર કરી દીધી. જેના હૃદયમાં સંવેદના ધબકે છે એના માટે સઘળાં કામ સરળ થઈ જાય છે.  એનું આ ઉત્તમ ઉદાહરણ છે.  અરવલ્લી જિલ્લાના ડી. પી. ઈ.ઓ શ્રી  સ્મિતાબેન  અને નાયબ ડી. પી.ઈ. ઓ શ્રી સમીરભાઈ સાહેબના હકારાત્મક અભિગમ શિક્ષકોને કાંઈક નવું કરવા હંમેશા પ્રેરતો રહ્યો છે. તેઓ સદા પારિવારિક વડિલની જેમ જિલ્લાના સૌ શિક્ષકોને હૂંફ પુરી પાડતા રહે છે. અને તેથી જ સૌ શિક્ષકો તેમનો પડ્યો બોલ ઝિલવા સદા તત્પર રહે છે. 

        ગત વર્ષે પણ જ્યારે માસ્કની અછત હતી એવા સમયે  એક લાખ જેટલા માસ્ક બનાવવાની જવાબદારી ઉપાડી તો સ્વેચ્છાએ સૌ શિક્ષકોએ દાનની સરવાણી વહાવી હતી. અરવલ્લી જિલ્લાના શિક્ષક ભાઈઓ બહેનો એ ગણતરીના કલાકોમાં યુદ્ધના ધોરણે એક લાખ માસ્ક બનાવી એક ઉત્તમ ઉદાહરણ પૂરું પડ્યું હતું. આર્થિક યોગદાન આપ્યું એટલું જ નહીં પણ શિક્ષકોએ અરવલ્લી જિલ્લાના ગામે ગામ દરજીકામ કરતા સૌ કારીગરોનો સંપર્ક કરી સૌ કારીગરોને કામે લગાડ્યા  હતા. અરે! જે શિક્ષક ભાઈ-બહેનો દરજી કામ જાણતા હતા એ કોઈ પણ જાતની નાનમ ના અનુભવતા  સીવણ મશીન પર બેઠા હતા.. જે હાથમાં સૌએ માત્ર ચૉક અને દસ્ટર જોયાં છે એ હાથમાં દરજીની કાતર અને કાપડ પકડી શિક્ષકે શિક્ષક ધર્મ નિભાવ્યો હતો. દિવસ અને રાત કામ ચાલ્યું. અને માત્ર બે થી ત્રણ દિવસમાં એક લાખ માસ્ક બનવવાનો લક્ષયોક શિક્ષકોએ પૂરો કરી બતાવ્યો હતો.

               આ તો એક માત્ર ઉદાહરણ છે. રાષ્ટ્ર જ્યારે કોઈ પણ મહામારી માંથી પસાર થઈ રહ્યો હોય ત્યારે રાષ્ટ્રની પડખે અડીખમ યોદ્ધા બની ઊભા રહેવું એ શિક્ષક તરીકે અમારી ફરજ પણ છે. અને શિક્ષકે આ ફરજ સુપેરે નિભાવી છે. ભુજનો ભૂકંપ હોય, સુરત કે બનાસકાંઠાની પૂર હોનારત હોય કે દેશ પર આવી પડેલ કોઈપણ કુદરતી આફત હોય શિક્ષક સમાજે પોતાનું કર્તવ્ય નિભાવવામાં ક્યારેય પાછીપાની કરી નથી. 

           શિક્ષકો દ્વારા એકત્રીત થયેલ દાનની રકમમાંથી જિલ્લા શિક્ષણ તંત્રએ  યુધ્ધના ધોરણે મોડાસા સાર્વજનિક હૉસ્પિટલમાં આઠ ઓક્સિજન બેડ તૈયાર કરી દીધા.    ગણતરીના કલાકોમાં તૈયાર કરવામાં આવેલા એ બેડ પર જરૂરિયાતમંદ દર્દીઓ હવે નિરાંતનો શ્વાસ લઈ રહ્યાં છે. અને તેઓનાં પરિવારજનો અંતરથી આશિષ વરસાવી રહ્યાં છે. આ બેડ પૈકી ત્રણ બેડ શિક્ષક અથવા તેના પરિવાર માટે અનામત રાખવામાં આવશે. આ બેડની સુવિધા કેટલાય વ્યક્તિઓના જીવન બચાવી તેઓના પરિવારનું સ્મિત અખંડિત રાખવામાં ચોક્કસ સહાય રૂપ થશે.  

            શિક્ષક દ્વારા કરવામાં આવતાં અનેક સત્કાર્યોથી શિક્ષત્વ મ્હોંરી ઊઠે છે, જેની સુવાસ સમાજના છેવાડાના જનજનના હૃદયમાં મહેંકી ઊઠે છે. શિક્ષક કામ કરે છે આત્મસંતોષ માટે, આત્મગૌરવ માટે આત્મસન્માન માટે. 

           સૌ શિક્ષકો ચાણક્યના ગોત્રના છે અને ચાણક્યનું ગુરુ વાક્ય સૌએ ગાંઠે બાંધેલું છું. में शिक्षक हूँ। मुझे अपने राष्ट्र के बारेमें सोचना है।

        લખી રાખો કે સત્કાર્યની હોડમાં શિક્ષક પાછો ક્યારેય  નહીં પડે. 

લેખન : ઈશ્વર પ્રજાપતિ       

(આપના પ્રતિભાવ મો.નં    9825142620 પર વૉટસએપ કરી શકો છો)

 

 

2 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. કોરોનાને હરાવવાનુ એક કદમ.. વંદન

    ReplyDelete