'કોરામોરા જળથી ભાવકોને ભીંજવતા સર્જક અરવિંદભાઈ ગજ્જર.'
"કોરુંમોરું જળ વરસે ને ભીનોભીનો તડકો,
આવો વાલમ આવો મુને શ્રાવણ જેવું અડકો."
ગીતના શબ્દો વાંચતા જ દિલને સ્પર્શી જાય છે. આવા તો અનેક સુંદર મધુર
ગીતો રચનાર ઉમદા સર્જક એટલે અરવિંદભાઈ ગજ્જર. કવિશ્રી અરવિંદભાઈ ગજ્જર સંવેદનશીલ અને એક
અત્યંત ઋજુહૃદય
સર્જક ! એમની સાદગી અને નિખાલસતા હૃદયને સ્પર્શી જાય. મૂળ તો મહીસાગરનું ખોબા જેવડું શામણા ગામ એમનું વતન. પરંતુ અરવલ્લીની ધરાને કર્મભૂમિ બનાવી શબ્દસાધના કરતા રહ્યા. સાચા અર્થમાં તો આવા ઉમદા સર્જક એ મોડાસા અને અરવલ્લીનું ઘરેણું છે.
અરવિંદભાઈ ગજ્જર એટલે કોઈપણને મદદ કરવા માટે હંમેશા તત્પર. માત્ર માતૃભાષા જ નહીં પરંતુ અન્ય ભાષાઓ પર પણ ગજબનું પ્રભુત્વ. કિશોર અવસ્થાથી જ સાહિત્યમાં ગજબનો શોખ ધરાવતા. કિશોર અવસ્થાથી લેખનના પગરણ માંડ્યા. એમ છતાં પોતાના સર્જનને પ્રકાશિત કરવાનું છેક સુધી ટાળતા જ રહ્યા. પ્રસિધ્ધિથી પોતાની જાતને સદા માટે અળગી જ રાખી, એવું નિર્મોહી અને નિર્લેપ વ્યક્તિત્વ ! હંમેશા પડદા પાછળ રહેવામાં જ આનંદ અનુભવ્યો. પરંતુ કેટલાક સ્નેહી મિત્રોના હઠાગ્રહને વશ થઈ છેક હમણાં એટલે કે જિંદગીના આઠમા દાયકે “કોરુંમોરું જળ” નામે કાવ્ય સંગ્રહ પ્રકાશિત કર્યો.
'કોરુંમોરું જળ' છ અક્ષરના સંગ્રહનું નામ જ ભાવકોના હ્રદયને સ્પર્શી જાય છે. મઘમઘતાં ત્રેપન કાવ્યપુષ્પોને ગૂંથી કવિએ અદભુત ગુલદસ્તો તૈયાર કર્યો છે. ૮૪ પૃષ્ઠો પર વિસ્તાર પામેલ આ કાવ્યસંગ્રહના પાનેપાને કવિના સંવેદનશીલ હ્રુદયનાં સંવેદનો અને સ્પંદનો ઝિલાયાં છે એ ભાવકોના હૃદયને તર-બ-તર કરી મુકે છે. ગુજરાતી ભાષાના સિધ્ધહસ્ત સર્જકો પદ્મશ્રી પ્રવીણભાઈ દરજી અને મણિલાલ હ. પટેલે કાવ્યસંગ્રહને શબ્દપુષ્પો લઈ પોંખ્યો છે.
મોડાસા જેવા સાક્ષર નગરમાં "શબ્દસેતુ" જેવી સાહિત્યિક સંસ્થાની પાયાની પ્રથમ ઈંટ અરવિંદભાઈએ માંડી હતી. "શબ્દસેતુ"નું બીજ આજે વટવૃક્ષ બન્યું છે. "શબ્દસેતુ"ની સાહિત્ય સુવાસ સમસ્ત ગુજરાતના સાહિત્ય જગતમાં ફેલાઈ છે.
શિણાવાડ હાઈસ્કૂલમાં આચાર્ય તરીકે 36 વર્ષ યશસ્વી સેવાની સાથે સાથે તેઓએ સાહિત્યની પણ સેવા કરી છે. સેવાનિવૃત્તિ બાદનો તમામ સમય સાહિત્યની સેવામાં ગાળે છે સાહિત્યને લગતા કોઈપણ કાર્યક્રમ હોય તો તેઓ અચૂક હાજરી આપે છે. રાવજી પટેલ તેઓના પ્રિય કવિ છે. ગુજરાતના કોઇપણ ખૂણામાં રાવજી પટેલની કવિતાને લગતા કોઈપણ કાર્યક્રમ હોય તો તેઓ આ ઉંમરે પણ જવાનું ચૂકતા નથી.
'કોરુંમોરું જળ' કાવ્યસંગ્રહ અરવિંદભાઈની સંવેદનાસભર અને સંઘર્ષપૂર્ણ જીવનનો અર્ક છે. કોરામોરા જળમાં ભીંજાવા માંગતા તમામ ભાવકો અને સર્જકોએ ગાગરમાં સાગર સમાન આ કાવ્યસંગ્રહ અચૂક વસાવવા જેવો છે.
પુસ્તક પ્રાપ્તિસ્થાન : લજ્જા પ્રકાશન, વલ્લભવિદ્યાનગર સંપર્ક નં. ૯૫૭૪૨૩૩૮૬૪
સર્જક અરવિદભાઈ ગજ્જર સંપર્ક નં, ૯૮૯૮૫ ૨૫૨૨૧
લેખન : ઈશ્વર પ્રજાપતિ
૯૮૨૫૧ ૪૨૬૨૦
No comments:
Post a Comment