માતૃવત્સલ રેવાબા
પૂજ્ય રેવાબા ધાર્મિકતાથી છલોછલ ભરેલું નર્યું નિખાલસ, પ્રેમાળ અને કોમળ વ્યક્તિત્વ. ગોરો ભરાવદાર
ચહેરો. અવિરત વહાલ વરસાવતી ચમકતી તેજસ્વી આંખો અને અવાજમાં મીઠપનો મધુર રણકો ! બા
બોલે એટલે આખું ફળિયું ગૂંજી ઊઠે. વર્ષ ૨૦૦૪
થી ૨૦૦૭ દરમિયાન નરેંદ્રમામાને ત્યાં નિમેષભાઈ અને રુપેશભાઈનાં સંતાનોના ટ્યુશન
માટે નિયમિત તેઓના ઘરે જતો હું રોજ સવારે વહેલો જાઉં ત્યારે રેવાબા સવાર સવારમાં
ભગવાનની સેવા-પૂજા કરી પરવારી ઘર બહાર રાખેલા લાકડાના બાંકડે રામનામ જપતાં બેઠાં હોય ! તેઓ નિયમિત મારા
પરિવારની ખબર અંતર પૂછે. “ભાણા ભાઈ શકરીબૂન હુ કરસ ? મજામાં તો સન ?”
આજે પણ અવાજનો એ મધુર રણકો મારા કાનમાં પડઘાય છે. (શકરીબેન મારાં મમ્મી)
રેવાબા આખા ગામનાં બા હતાં. ભગવાન રામ તેમને
અત્યંત પ્રિય હતા. હાલતાં ચાલતાં “રામ-રામ” બોલ્યા કરે. દર એકાદશી એ તેઓ ઉપવાસ
કરતાં. કેલેંડર જોતાં આવડતું ન હતું એમ છતાં અગિયારસ ક્યારે છે તેની બરાબર ખબર
રહેતી. વાર તહેવારે ગામની કુંવારિકાઓને જમાડતાં. રામનવમી અને શિવરાત્રીએ ઉપવાસ
અચૂક કરે. રેવાબા નવરાત્રીએ સુંદર ગરબા ગવડાવે. તેઓ હાલરડાં ખૂબ સરસ ગાતાં.
એ જમાનામાં રેવાબા ગાય અને ભેંસો રાખતાં. કોઈ
એકાદ ભેંસ વેચી હોય તો જેના ઘરે તે ભેંસ લઈ ગયા હોય ત્યાં તે ભેંસ તોફાન કરતી.
જેણે ભેંસ વેચાતી લીધી હોય તેણે ભેંસ લઈ પાછી આપવા આવવું પડતું. પ્રાણી માત્ર
પ્રત્યે અપાર લાગણી તેઓ ધરાવતાં હતાં.
ગામની મધ્યે આવેલા તેમના ઘરની ચોપાડમાં
રાખેલા લાકડાના બાંકડા પર બેઠાં બેઠાં રામ રામ જપ્યા કરતાં. કોઈ પણ સમાજની દીકરી
બહું દિવસથી સાસરે ગઈ ના હોય તો પણ તેને બોલાવી કારણ પૂછતાં અને જરૂર લાગે તો
શિખામણ પણ આપતાં. રેવાબાએ ગામમાં ભજન મંડળી પણ ચાલું કરાવી હતી. જે આજે પણ ચલું
છે.
આધ્યામિકતાથી ભર્યાંભર્યાં અને ભલાંભોળાં રેવાબા
જેવાં નારીરત્નની કૂખેથી જ વિરલ રત્ન અવતરી સમસ્ત સંસારમાં કુળ અને પરિવારનું નામ
ઝળહળ રોશન કરતાં હોય છે. રેવાબાનું એક માત્ર સંતાન જેઓને દુનિયા આજે વરિષ્ઠ
પત્રકાર પદ્મશ્રી દેવેંદ્રભાઈ પટેલના નામે ઓળખે છે. જેઓએ આકરૂંદ જેવા નાનકડા
ગામમાંથી નીકળી પત્રકારિતા ક્ષેત્રે દેશ દુનિયામાં નામ રોશન કર્યું છે. આદરણીય
દેવેંદ્રભાઈનો સરળ, સૌમ્ય અને નિખાલસ સ્વભાવ માતા રેવા તરફથી વારસામાં મળ્યો
છે.
આકરૂંદમાં જીર્ણ થઈ ગયેલ ભગવાન રામનું મંદિર નવેસરથી બને એ રેવાબાની ખેવના હતી. દેવેંદ્રભાઈ પટેલ અને ગામલોકોએ સાથે મળી ૨૦૦૫માં રામમંદિર જીર્ણોધ્ધારની રેવાબાની ઈચ્છા પૂર્ણ કરી. આજે ગામમાં પ્રવેશતાં જ ભવ્ય રામમંદિરનાં દર્શન થાય છે. અને આ મંદિરના પ્રાંગણમાં જ પૂ. ડોગરેજ મહારજનાં કૃપાપાત્ર પૂ. સંધ્યાબેન ત્રીપાઠી ભાગવતાચાર્ય હોવા છતાં રામકથાનું રસ.પાન કરાવ્યું હતું
પાંચમી એપ્રિલ ૨૦૦૮ના રોજ રેવાબાએ અંતીમ શ્વાસ લીધા. આશ્ચર્યની વાત એ છે કે તેમણે તેમના મૃત્યુની તૈયારીઓ અગાઉથી કરી રાખી હતી. મૃત્યું પછી તેમના દેહને પહેરાવવાનાં પરંપરાગત વસ્ત્રો તથા મૃત્યુ પછી તેમના પિયર પક્ષના કયા સગાને કેટલો વ્યવહાર કરવો તેની યાદી પણ તૈયાર કરાવી રાખી હતી. આજે લોકો મૃત્યુથી ડરે છે જ્યારે રેવાબાએ મૃત્યુંના સ્વાગતની તૈયારીઓ કરી રાખી હતી.
પુણ્યશ્લોક દિવ્ય આત્મા પૂજ્ય રેવાબાને કોટીકોટી વંદન!
લેખન - ઈશ્વર પ્રજાપતિ
( 98251 42620 )
Good
ReplyDelete