Saturday, June 27, 2020

હક માંગીએ છીએ , ભીખ નહીં.

હક માંગીએ છીએ, ભીખ નહીં.


     આ એ ગૌરવશાળી ભૂમિ છે જ્યાં એક ચૂંટણી જીતીને અભણો પણ અગણિત લાભોની સાથે જીવનભર પેંશન મેળવે છે જ્યારે આજીવન ફરજ માટે જાત ઘસી નાખતા સાક્ષરોને પેંશન જેવા પાયાના હકો માટે અહીં આંદોલનો કરવા પડે છે. 
     એક ચૂંટણી જીતીને  માત્ર પાંચ જ વર્ષ પ્રજાની સેવા કરતા કહેવાતા આપણા કસેવકોને  અગણિત લાભો મળે છે અને તેઓ પાછલી ઉંમરે પરિવાર સાથે આરામદાયક જિંદગી પસાર કરી શકે એ માટે પેંશનનો લાભ પણ મળે એ કેટલી ઉત્તમ વ્યવસ્થા છે! એનો વિરોધ ન હોઈ શકે. પ્રજાની સેવા કરનારની ચિંતા કરવી એ આપણી પ્રાથમિક ફરજ છે. પરંતુ જ્યારે એક શિક્ષક પોતાની યુવાનીનાં મહત્વનાં પાંચ વર્ષ ફિક્સ પગારી નોકરીમાં પસાર કરે છે અને બાકીના વર્ષો પણ અન્ય કોઈ જ વ્યવસાય ન કરતાં પોતાના વ્યવસાયને સંપૂર્ણ સમર્પિત રહી શાળા, વિદ્યાર્થીઓ અને સમાજ માટે જાત ઘસી નાખે છે અને જ્યારે નિવૃત્ત થાય છે ત્યારે નવા નિયમો પ્રમાણે એને શું મળે છે એ ગણતરી માંડવા જેવી છે. 
        ગણતરી માંડો તો ખ્યાલ આવે કે ફરજ દરમિયાન દર મહિને કપાયેલી રકમ અને એમાં સરકારશ્રી તરફથી ઉમેરાતી રકમ મળી ને જે રકમ થાય એ નિવૃત્તિ સમયે હાથમાં પકડાવી દેવાની. કામ ખતમ બાત ખતમ. જે તે સમયે એ રકમનું મૂલ્ય કેટલું હશે એ તો રામ જાણે. મોટા શહેરમાં આ કર્મચારી મોકળાશ વાળું એક ઘર પણ કદાચ નહીં ખરીદી શકે. 
           મૂર્ખને પણ સમજાય એવી સીધી ને સરળ વાત કેટલાક મુરખના સરદારો નથી સમજી શકતા. આખી જિંદગી સરકાર અને સમાજની સેવા કરનારની પાછલી જિંદગીનો કે એના પરિવારનો વિચાર શુદ્ધા નહીં કરવાનો! જો નવી સ્કીમ આપની દૃષ્ટિએ ઉત્તમ હોય તો સૌ લોકસેવકો માટે પણ એ જ સ્કીમ અમલમાં મુકવી જોઈએ અથવા ફરજ માટે જિંદગી આખી લોહી પાણી એક કરી નાખતા સરકારી કર્મચારીઓ માટે જૂની પેંશન યોજના પુનઃ અમલમાં મુકવી જોઈએ. 
              સાલું આ જબરું કહેવાય હોં! સાહેબ (શિક્ષક)ના સત્તર સાહેબો બધા આવીને સલાહો અને સૂચનો આપી જાય. અને સાહેબ બધાનું સાંભળી પણ લે.પણ બોલો આ સાહેબની વાત કોઈ ના સાંભળે. પ્રામાણિકતાથી ફરજ પાલન કરવું એ તો દરેક કર્મચારીઓનો પ્રથમ ધર્મ છે. એમાં બેઇમાની ન જ ચલાવી લેવાય એ વાત સાથે શત પ્રતિસત સહમત. પરંતુ જેટલી કડકાઈ ફરજ પાલન બાબતે બતાવાય છે એટલી જ માનવતા ભર્યો અભિગમ એના હકો પણ આપવા માટે પણ દાખવવો જોઈએ કે નહીં??? સમાન કામ સમાન વેતન માટે, પગાર ધોરણ માટે પણ નામદાર કોર્ટ ઉધડો લઈ નાખે પછી જ આંખો ઉઘડે ? આ લાલીયાવાડી ક્યાં સુધી ચાલશે??
         ઇતિહાસ સૌએ યાદ રાખવો જોઈએ કે ઘમંડી ધનનંદના સામ્રાજ્યનાં મૂળિયાં ઉખાડી ફેકનાર વિષ્ણુગુપ્ત ચાણક્ય હતા. યાદ રાખવું જોઈએ કે ચાણક્ય જ્યારે શિખા છુટ્ટી મુકવાનું પ્રણ લે છે ત્યારે ભલભલા સામ્રાજ્યના પાયા હચમચાવી નાખે છે. સદીઓ બાદ હવે ચાણક્યના વંશજોને મર્યાદાની શિખા છોડવા મજબૂર ન કરવા એમાં જ શાણપણ સમાયેલું છે. 
       પેંશન એ કર્મચારીનો હક છે, અને એ પાછો મળવો જોઈએ. સમગ્ર દેશમાં તમામ ક્ષેત્રોમાં ગુજરાત રાજ્ય એક આદર્શ મોડેલ પૂરું પાડી રહ્યું છે ત્યારે સરકારી કર્મચારીઓના હકો બાબતે પણ હકારાત્મક પગલાં લઈ અન્ય રાજ્યો માટે એક આદર્શ પૂરો પાડશે એ જ અદમ્ય શ્રદ્ધા. અને હા યાદ રહે, હક માંગીએ છીએ ભીખ નહીં!!
જય જય ગરવી ગુજરાત.
તસવીર સૌજન્ય : ઈન્ટરનેટ
લેખન :- ઈશ્વર પ્રજાપતિ
98251 42620
 (whatsapp only)

Wednesday, June 10, 2020

મહેંક માનવતાની

મહેંક માનવતાની.

વન વગડે દાદીમાની વાટ જોતાં ભુખ્યાં ભૂલકાં અને આ નિરાધાર પરિવારની મદદે આવ્યા ફ્રન્ટ લાઈન કોરોના વૉરિયર્સ તરીકે ફરજ બજાવતા જયેશભાઈ પરમાર  


              મહામારીના સમયમાં આપણી આસપાસમાં જ એવાં એવાં દૃશ્યો નજર સામે આવ્યાં કે એ જોયા પછી આંખો ભીંજાયા વિના ન રહે. દયનીય દૃશ્યો જોતાં જ હૃદય કકળી ઉઠે. અને આવા સમયે કેટલાય માનવ ફરિસતાઓએ માનવતની મહેકની એક મિશાલ પુરી પાડી છે. પોતાની કે પોતાના પરિવારની જરા પણ પરવા કર્યા વિના કોરોના વોરિયર્સ ગામે ગામ અને ઘરે ઘરે ફરીને લોકસેવાના ઉમદા કાર્યો કરતા રહ્યા છે. આજે વાત કરવી છે એક એવા જ વોરિયર્સની જેઓએ માત્ર પોતાની ફરજ જ અદા નથી કરી પરંતુ ફરજની સાથે સાથે માનવતાની એવી મહેંક પ્રસરાવી કે વાત સાંભળીને હૈયું હરખી ઊઠે.
              નામ છે જયેશભાઇ કે. પરમાર. જેઓ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર તરીકે ધનસુરા તાલુકાના આમોદરા ખાતે ફરજ બજાવે છે. છેલ્લા અઢી મહિનાથી કોરોના વૉરિયર્સ એવા શ્રી જયેશભાઈ કે.પરમાર કોરોના સામે પોતાની અને પોતાના પરિવાર અને બાળકોની ચિંતા કર્યા વગર પોતાનો ફરજ નિષ્ઠાથી બજાવી રહ્યા છે. કોરોનાની કામગીરી દરમિયાન ઘણીવાર એવા કુટુંબ કે એવા વ્યક્તિઓને મળવાનું થયું કે જેમની દયનીય સ્થિતિ જોઈને પથ્થર દિલ વ્યક્તિનું હ્રદય પીગળવા માંડે.
વાત છે ગામ જૂની રમોસની. આ ગામનાં વાઘરી ગીતાબેન જયંતીભાઈ અમદાવાદના કોરોના પોઝિટિવ પોલીસ કર્મીના સંપર્કમાં આવતાં 54 વર્ષીય ગીતાબેનને રિપોર્ટ માટે વાત્રક કોવિડ 19 હોસ્પિટલમાં મોકલવાના હતાં. સંક્રમણની ગંભીરતા દાખવતાં તેઓને તાત્કાલિક 108 મારફતે વાત્રક લઈ જવામાં આવ્યાં.
          આ સમગ્ર ઘટનાના બીજા દિવસે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભેંસવાડાના મેડીકલ ઓફીસર સાહેબશ્રીના માર્ગદર્શન હેઠળ આ દર્દીના ઘરની મ.પ.વ જયેશભાઈ અને આશાબેનના પતિ મુલાકાત નીકળી પડ્યા. એક તો ઉનાળાની બપોર, ધોમધખતો તાપ ! ગીતાબેનનું ઘર પણ ગામથી દૂર રમોસના પેટા પરાથી પણ આગળ ટેકરા ઉપર ગૌચરમાં આવેલ એક કાચા મકાનમાં રહેતાં હતાં. 42-43 ડિગ્રી તડકામાં પરસેવે રેબઝેબ જયેશભાઈ ચાલીને માંડ ત્યાં પહોંચ્યા ત્યારે જાણવા મળ્યું કે ગીતાબેન સેમ્પલ આપીને લગભગ રાત્રે 10 વાગે વાત્રકથી પરત ઘરે પોહચ્યા હતાં. ત્યાં સુધી ગીતાબેન સાથે રહેતાં ત્રણ બાળકો નટવર 8 વર્ષ , અજય 11 વર્ષ , અને જ્યોતિકા 13 વર્ષ આ ત્રણેય બાળકો ભૂખ્યા અને એકલા હતા. ગીતાબેન વાત્રક જઈ આવીને રાત્રે બાળકો માટે ખીચડી બનાવી ત્યારે ભૂખ્યાં ભુલકાં ધાન ભેગાં થયાં.
         સંક્રમણના ડરને કારણે એમનાં કુટુંબીઓ અને ફળીયામાંથી કોઈ આ બાળકોને જમવાનું આપવા કે એમની ખબર કાઢવા પણ એમની પાસે ગયાં જ ન હતાં . ગામના ગૌચરમાં ટેબા વિસ્તારમાં રાત્રે 10 વાગ્યા સુધી બાળકો એકલા જ હતા. એમાં પણ એક તો કિશોરી હતી.સઘળી વાત જાણી ને હૃદયમાં એક ટીસ ફૂટી!                 ગીતાબેન સાથે વધુ વાત કરતા જાણવા મળ્યું કે આ 3 બાળકો એમના છોકરાનાં છોકરાં હતા. ગીતાબેનનો પુત્ર એટલે કે બાળકોના પિતા મૃત્યુ પામ્યા હતા. અને આ બાળકોની માતા બીજે લગ્ન કરી ત્યાંથી ચાલી ગઈ હતી. હવે આ નિર્દોષ બાળકો એમની દાદી મા એટલે કે ગીતાબેન સાથે રહેતાં હતાં. ગીતાબેન પણ વિધવા છે. વધુ વાત કરતા ગીતાબેન અમને કહ્યું કે કોરોનાના અમને ઘણી જ મુશ્કેલી પડી રહી છે. કોરોના વિશેની વાતના કારણે ગામના કોઈ અમને કોઈ પાણી નથી ભરવા દેતું. કોઈ અનાજ નથી દળી આપતું. કોઈ મજૂરી કામ માટે પણ હવે નથી બોલાવતું. . અમરી પાસે ઘરવખરી અને કારીયાણું પૂરું થવા આવ્યું છે. ગામમાં લોકો અને એમના કુટુંબી જનો અમને પોતાના ઘરે આવની ના પડે છે.
              જયેશભાઈએ એમને આ સમગ્ર બાબત સરપંચને જાણ કરવા કહ્યું તો ગીતાબેન જણાવ્યું કે ગામમાં જતા હવે ડર લાગે છે.અને એમની પાસે એક જૂનો ફોન છે પણ એમાં બેલેન્સ નથી. કઈ રીતે સરપંચને વાત કરું ??   ગીતાબેનની વાતો સાંભળતાં સાંભળતાં જ જયેશભાઈની આંખના ખૂણા ભીના થયા. તરત જ જયેશભાઈએ ગીતાબેનના ફોનમાં બેલેન્સ કરી આપ્યું અને સરપંચે એમને પડતી મુશ્કેલીઓ વિષે વાત કરતા સાંત્વના આપી. આશાબેને જયેશભાઈને ઘર માટે  આપેલ છાશ પણ જયેશભાઈએ ગીતાબેનને આપી દીધી. આશાબેનના ઘરેથી લોટની પણ વ્યવસ્થા કરી આપી.આ પરિવાર વિષે સરપંચ અને તલાટીને પણ ફોન મારફતે અને રૂબરૂ મળીને મદદ રૂપ થવા માટે જણાવ્યું. ગીતાબેનનાં પૌત્રાં માટે પાલક માતાપિતા યોજના નો લાભ અપાવવા જયેશભાઈએ પ્રયત્ન આદર્યો છે. આ પરિવારને મદદરૂપ થવા જયેશભાઈ પોતાનાથી બનતા કર્યા અને કંઈક કાર્યનો આત્મસંતોષ પ્રાપ્ત કર્યો.
          હવે યક્ષ પ્રશ્ન એ હતો કે એમના ઘરે હોમમાં quatentineનું સ્ટીકર લાગવાવવું ક્યાં??? કહેવા પુરતું ઘર ખરું પરંતુ દિવાલો અને છત ક્યાં??? 

માહિતિ સ્ત્રોત : Manuka Health Officer Taluka Health Office Dhansura , Dist . Arvalii .

લેખન : ઈશ્વર પ્રજાપતિ
98251 42620
(આપ આપના પ્રતિભાવ 98251 42620 મો.નં પર  વૉટ્સએપ દ્વારા મોકલી શકો છો.)

Monday, June 8, 2020

થાય એટલું કરીએ કે કરીએ એટલું થાય ??

થાય એટલું કરીએ કે કરીએ એટલું થાય??


       સરકારી કચેરીનું નામ સાંભળતાં જ આમ તો સામાન્ય જનનું નાકનું ટેરવું ચડી ના જાય તો જ નવાઈ! કારણ સરકારી કચેરીઓ ભ્રષ્ટાચારથી ખડબદતા દૃશ્યોથી કોણ અપરિચિત હશે?સરકારી કચેરીઓની છાપ સાવ નકારાત્મક છે એવા સમયે અમદાવાદ શિક્ષણ તંત્ર તરફ થી સતત હકારાત્મક
સમાચારો પ્રાપ્ત થતા રહેવા એ રણમાં મીઠી વીરડી સમાન છે. 
          આ વાત એટલે યાદ આવી કે આવતી કાલે ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ છે. ધોરણ 10ની પરીક્ષામાં લાખોની સંખ્યામાં બેઠેલાં વિદ્યાર્થીઓનાં લાખો જવાબ વાહીઓ આ મહામારીમાં તપાસી અને અને પરિણામ પરિણામ તૈયાર કરવું એ પડકાર જનક કામ હતું. એમ છતાં એને સુપેરે પૂરું પાડવા જે અધિકારી શ્રીઓ અને શિક્ષકોએ જે જહેમત ઉઠાવી છે એ ખરા અર્થમાં કાબિલે દાદ છે. 
           વાત છે જિલ્લા શિક્ષણ કચેરી અમદાવાદની. લોકડાઉન દરમિયાન પણ પોતાના પરિવાર અને પોતાની જાતની પરવા કર્યા વિના વિદ્યાર્થીઓ અને શિક્ષકોના હિતમાં જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી સતત ધમધમતી રાખીને સમસ્ત રાજ્યના અધિકારીઓ માટે બેનમૂન ઉદાહરણ પૂરું પડ્યું છે. અમદાવાદ ગ્રામ્ય ના ડી.ઈ. ઓ. શ્રી વ્યાસ સાહેબના ઉર્જાવાન ઓફિસર છે. તેઓ પાસે કામ લેવાની કુનેહ છે તો સાથે સાથી કર્મીઓ માટે તેઓ દરિયા જેવું દિલ ધરાવે છે. ડી ઈ. ઓ. શ્રી વ્યાસ સાહેબના નેતૃત્વમાં અમદાવાદ ગ્રામ્યના એજ્યુકેશન ઇન્સપેક્ટર શ્રી કલ્પેશભાઈ રાવલ અને વિમાલભાઈ શર્મા અમદાવાદને કુશળ વહીવટી નેતૃત્વ પૂરું પાડી એક ઉત્કૃષ્ઠ ઉદાહરણ પૂરું પડ્યું છે. 
         કુદરત પણ એવા વ્યક્તિને ખભે જવાબદારી સોંપે છે કે જે યોગ્ય રીતે વહન કરી શકે.. વાત માન્યામાં ન આવે પરંતુ આ 31 મેં એ અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાંના નિવૃત્ત થતા શિક્ષકોની પેંશન ને લાગતી તમામ ફાઈલો આ મહામારીના સમયમાં પણ રાત દિવસ એક કરી પૂર્ણ કરી. અને શિક્ષકના હકના પૈસા નિવૃત્તિના છેલ્લા દિવસે જ એના ખાતામાં પડી જાય એ આ સૌ ઑફિસર્સ ટીમની વહીવટી પારદર્શિતા અને કામ કરવાની કટીબદ્ધતા નહીં તો બીજું શું?? આગામી માસમાં ફૂલ પગારમાં સમાવીષ્ઠ થતા મોટા ભાગના શિક્ષકોને જેતે માસ થી જ ફૂલ પગાર એકાઉન્ટ માં આવે એ માટે હાલ પણ આ ફરજનિષ્ઠ અધિકારીશ્રીઓ જહેમત ઉઠાવી રહ્યા છે. 
        બીજાં કેટલાય કાર્યાલયમાં નિવૃત્તિ બાદ પોતાના હક્કનું વેતન મેળવવા કાર્યાલયના તળિયા ઘસી નાખતા વડીલ શિક્ષકોને નજરે નિહાળ્યા છે. પરંતુ અમદાવાદ ગ્રામ્ય ની શિક્ષણ કચેરીએશ્રી વ્યાસ સાહેબના નેતૃત્વમાં અને કલ્પેશ ભાઈ રાવલ અને વિમાલભાઈ શર્મા જેવા કુશળ વહીવટી અધિકારીઓ એ જે નવી પહેલ કરી છે એને શિક્ષણ જગત વતી આપણે સૌએ બિરદાવી જ રહી.. અન્ય સરકારી કચેરીઓ પણ આ કચેરીના ફરજનિષ્ઠ કર્મયોગીમાંથી બોધ લે તો રાજ્ય અને દેશની તાસીર અને તસવીર બદલાઈ જાય.
         અમદાવાદ ગ્રામ્ય શિક્ષણ વહીવટી તંત્ર એ પુરવાર કરી આપ્યું છે કે કામ તો કરીએ એટલું થાય!!

 લેખન : ઈશ્વર પ્રજપતિ
(98251 42620)
આપના પ્રતિભાવ 98251 4260 મો. નં પર વોટ્સએપ પર આવકાર્ય )

Thursday, June 4, 2020

મહામારીના મહાયોધ્ધા- 10

મહામારીના મહાયોધ્ધા- 10

આયુર્વેદ પધ્ધતિથી મહામારીને માત આપવા  અવિરત  ફરજનિષ્ઠ અરવલ્લી જિલ્લાના આયુર્વેદ તબિબો :  ડૉ. નિકેતા પટેલ, વૈધ મિતાબેન પટેલ અને ડૉ. વિપુલ પટેલ          


    વિશ્વ આખું આજે અત્યંત નાજુક પરિસ્થિતિમાં થી પસાર થઈ રહ્યું છે. અગાઉના ઇતિહાસમાં પણ આવી મહામારીનો ભોગ કેટલાય દેશ બની ચુક્યા છે. અને લાખો લોકોએ જીવ ગુમાવ્યાના દાખલા મોજુદ છે. પરંતુ આખા વિશ્વને પોતાના ભરડામાં લઈ સમસ્ત માનવજાતિને હચમચાવી નાખનાર કોવિડ 19 વાઈરસ જેટલો ખતરનાક વાઇરસ સામે ઇતિહાસમાં પ્રથમ વાર આવી મહામારીનો સામનો વિશ્વ કરી રહ્યું છે. વિશ્વભરના વીજ્ઞાનિકો અને તબીબો રાત દિવસ આ વાઇરસની વિકસીનના સંશોધન માટે રાત દિવસ એક કરી રહ્યા છે. પરંતુ મહિનાઓ વિતવા છતાં વેકસીન બાબતે કોઈ હકારાત્મક પરિણામ પ્રાપ્ત થયું નથી. દુનિયા જ્યારે એલોપેથી વેકસીનની રાહ જોતું બેઠું છે ત્યારે ભારતીય વૈદિક યુગથી ચાલી આવતી આયુર્વેદ પરંપરા મહામારીને નાથવા કારગર પુરવાર થઈ રહી છે. આ મહામારીની વચ્ચે આયુર્વેદના વૈદ્ય ડોકટર પણ બખૂબી પોતાની ફરજ અદા કરી રહ્યા છે. અરવલ્લી જિલ્લાની જુદી જુદી આયુર્વેદ હોસ્પિટલમાં સેવા બજાવતા ડોક્ટરસ હાલ કોવિડ 19 હોસ્પિટલમાં સેવાઓ આપી રહ્યા છે.
         મડાસણા કંપાનાં વાતની ડૉ. નિકેતા કશ્યપ પટેલ આમતો સરકારી આયુર્વેદ દવાખાનું, ગઢા ખાતે પોતાની ફરજ બજાવે છે પરંતુ જ્યારથી અરવલ્લી જિલ્લામાં મોડાસા ખાતે કોવિડ 19 હોસ્પિટલની શરૂઆત કરવામાં આવી છે ત્યારથી ડૉ. આર.એસ.એસ કોવિડ હોસ્પિટલ, મોડાસા ખાતે સેવાઓ આપી રહ્યાં છે. એવી જ રીતે બાયડ નાં વતની અને સ.આ.દ.ઉભરાણ,તા-માલપુર માં ફરજ બજાવતાં વૈદ્ય અમિતાબેન એન પટેલ પણ હાલ કોવિડ હોસ્પિટલ વાત્રક, ખાતે સેવાઓ આપી રહ્યાં છે. આ ઉપરાંત બોલુન્દ્રાના વતની અને સરકારી આયુર્વેદ દવાખાનું ,દોલપુર, તા-ધનસુરા વિપુલકુમાર રમેશભાઈ પટેલ પણ કોવિડ હોસ્પિટલમાં અવિરત કાર્યરત છે.
            સૌ જાણે છે કે સંક્રમિત દર્દીઓ માટે એલોપેથી દવા કારગર નીવડી રહી નથી ત્યારે આ આયુર્વેદ ડૉક્ટર્સ કોરોના પોઝિટિવ દર્દીઓને આયુર્વેદ સારવાર આપી સંક્રમણથી મુક્ત કરવા દિવસ રાત પરિશ્રમ કરી રહ્યાં છે. પોતાની જાતની પરવા કર્યા સિવાય સંક્રમિત દર્દીઓની સાથે રહી તેઓના દૃઢ મનોબળ માટે સતત કાઉન્સિલિંગ કરી દર્દીઓમાં એક નવી આશા ઉજગાર કરવાનું મહત્વનું કામગીરી તેઓ કરી રહ્યાં છે. આ ડોકટર્સના સીધા માર્ગદર્શન હેઠળ દર્દીઓના માનસિક સ્વાસ્થ્ય માટે યોગ, પ્રાણાયામ અને આસનો પણ નિયમિત કરવામાં આવી રહ્યાં છે. સાથે સાથે દર્દીઓને આયુર્વેદ ઔષધિ ઉકાળો બાનવી નિયમિત સેવન કરાવવામાં આવી રહ્યો છે.
          પોતાના સંતાનો, પોતાનો પરિવાર કોઈની પણ પરવા કર્યા વિના આ સૌ ડોકટર્સ પોતાની ફરજને પ્રથમ પ્રાધાન્ય આપ્યું. ચોતરફથી મળતા સતત નકારાત્મક સમાચારોની વચ્ચે પણ હકારાત્મકતા જાળવી રાખી સંક્રમિત દર્દીઓ માટે એક આદર્શ પૂરો પડ્યો. અને આ વાઇરસ સામે લડવા માટે દર્દીઓમાં એક નવો વિશ્વાસ જગાવ્યો. પરિણામ સ્વરૂપે સંક્રમિત દર્દીઓની તબિયતમાં નોંધ પાત્ર સુધારો આવતો ગયો અને ઘણા ખરા મોટાભાગના દરદીઓ સંપૂર્ણ સ્વાસ્થ્ય થઈ પોતાના પરિવારમાં પરત ફર્યા છે. મહામારીના આ આ સૌ યોદ્ધાઓને કોટી કોટી શુભેચ્છાઓ.

લેખન-  : ઈશ્વર પ્રજાપતિ   
           ( 98251 42620) 

( આપના પ્રતિભાવ આપ whatsapp દ્વારા 98251 42620 પર મોકલી શકો છો)

Monday, June 1, 2020

મહામારીના મહાયોધ્ધા - 9

મહામારીના મહાયોધ્ધા -  9

  દૃઢ મનોબળે મહામારીને માત આપી પુનઃ સેવારત થતાં 

 ફ્રંટ લાઈન કોરોના વોરિયર્સ સુરભીબેન નીનામા,

           
            દેશની સરહદોની રખેવારી કરતા  શસ્ત્રોથી સજ્જ સૈનિકો અને સંક્રમિત દર્દીઓની સેવા સુશ્રૂષા કરતા ફ્રંટલાઈન કોરોના વોરિયર્સ વચ્ચે ઝાઝો તફાવત નથી. આ બન્ને હાલ દેશ અને દેશ વાસીઓની સેવા કરવામાં પોતાની જાનની બાજી લગાવી રહ્યાંં છે. 45 ડિગ્રી ગરમીમાં PPE કીટમાં કામ કરતા આરોગ્ય કર્મિઓમાં ફરિસ્તાનાં દર્શન થયા વિના રહેતાં નથી. અવા કેટલાય ફરજનિષ્ઠ કર્મચારીઓ દર્દીઓની સારવાર દરમિયાન  કોરોના સંક્રમિત થયા પરંતું મક્કમ મનોબળના સહારે  મહામારીને માત આપવામાં સફળતા મેળવી અને સ્વસ્થ્ય બની પુનઃ પોતાની ફરજમાં જોડાઈ ગયાં. આવાં જ એક ફ્રંટ લાઈન વોરિયર્સ એટલે 23 વર્ષિય  સુરભીબેન મુકેશભાઈ નિનામા. 
     અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકનું  જાબચીતરીયા ગામ તેઓનું વતન.. તેઓ  ૧ વર્ષથી આર.બી.એસ.કે.ફાર્માસીસ્ટ તરીકે તાલુકા આરોગ્ય કચેરી ભિલોડા ખાતે રાષ્ટ્રીય બાલ સ્વાથ્ય કાર્યક્રમ અંતર્ગત ટીમ નંબર -૩૦૮ માં પોતાની ફરજ બજાવે છે. જેઓ ભિલોડા તાલુકાના જ જાબચીતરીયા ગામના વતની છે. તથા તેમના માતા - પિતા અને દાદા - દાદી તેમજ બે નાના ભાઈઓ સાથે રહે છે. તેઓના પિતા ઓટોમોબાઈલ એન્જીનીયર છે. તથા માતા મીકેનીકલ એન્જીનીયર છે. નોવેલ કોરોના -૧૯ અંતર્ગત આર.બી.એસ.કે.સ્ટાફની અમદાવાદ ખાતે કોરોનાની કામગીરી માટે પ્રતિનિયુકિત આપેલ હતી. તેથી તેઓ તા .૧૯.૦૪.૨૦૨૦ થી ૨૧.૦૪.૨૦૨૦ સુધી ૩ દિવસ અમદાવાદ ખાતે કોરોના સંક્રમિત વિસ્તારમાં ખુબ જ ઉત્સાહભેર તથા સંપુર્ણ નિષ્ઠાપુર્વક ટીમના તમામ સભ્યોએ પોતાની કામગીરી કરેલ હતી. ત્યારબાદ પ્રતિનિયુકિત પરથી છુટા કરતાં તેમની ટીમ તાલુકા આરોગ્ય કચેરી ભિલોડા ખાતે હાજર થયેલ હતા . આર.બી.એસ.કે.ટીમ -૩૦૮ ના તમામ કર્મચારીઓના કોવિડ -૧૯ ના રીપોર્ટ માટેના સેમ્પલ ભાગ્યલક્ષ્મી નર્સીગ કોલેજ મોડાસા ખાતે તા .૦૪.૦૫.૨૦૨૦ ના રોજ આપવામાં આવેલ હતા. તા .૦૬.૦૫.૨૦૨૦ ના રોજ નીનામાં સુરભીબેન મુકેશભાઈ ( આર.બી.એસ.કે.ફાર્માસીસ્ટ ) નો કોવીડ -૧૯ નો રીપોર્ટ પોઝીટીવ આવેલ હતો. તા .૦૭.૦૫.૨૦૨૦ ના રોજ તેમને જાતે જ ઈમરજન્સી ૧૦૮ એમ્બુલન્સને પોતાના ઘરે બોલાવી  અને સવારે ૦૯:૩૦ કલાકે સાર્વજનીક હોસ્પિટલ મોડાસા ખાતે આઈસોલેશન વોર્ડમાં દાખલ થયા હતા. ત્યારબાદ તેઓ ત્યાં તેઓ ૧૪.૦૫.૨૦૨૦ સુધી ત્યા દાખલ રહયા હતા. 
        સાર્વજનીક હોસ્પિટલ મોડાસા ખાતે તેઓને અરવલ્લી આરોગ્યતંત્ર દ્વારા તેમનું સ્વાસ્થ્ય સારુ રહે તથા કોઈપણ જાતની તકલીફ ના પડે તે માટે આરોગ્યને લગતી તમામ સુવિધાઓ તથા તેમની હીંમત વધે અને મનોબળ મજબુત રહે તે માટે અલગ - અલગ પ્રકારની પ્રવૃતિઓ જેવી કે પ્રાર્થના , યોગ તથા મનોવૈજ્ઞાનીક માર્ગદર્શન તથા રોગપ્રતિકારક શકિત વધારવા માટે ગરમ પાણી , ગરમ દુધ , ફળ ફળાદી તથા હોમોયોપેથિક તેમજ આયુર્વેદીક ઉકાળાની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી હતી . આરોગ્યતંત્રની મદદ અને સેવા તથા તેમની હિંમતના કારણે તેઓને આ સમયગાળા દરમ્યાન કોરોનાની બીમારીના કોઈપણ લક્ષણ જણાયા ન હતા .
         સરકારશ્રીની નવી ગાઈડલાઈન પ્રમાણે તેઓને ૧૪.૦૫.૨૦૨૦ સુધી કોરોનાની બીમારીના કોઈપણ લક્ષણ ના જણાતા સાંજે ૦૪:૫૦ કલાકે જો લક્ષણો જણાય તો એ પ્રમાણે દવા લેવી તથા રોજે રોજ આયુર્વેદીક ઉકાળાનું સેવન કરવું તથા તા . ૨૭.૦૫.૨૦૨૦ સુધી હોમકોરોન્ટાઈન થવા માટેની સુચના આપી ત્યાંથી રજા આપવામાં આવી . ત્યારબાદ તેમને પોતાના ઘરે જ ૨૭.૦૫.૨૦૨૦ સુધી જરૂર પ્રમાણે દવાઓ લઈ તથા આયુર્વેદીક ઉકાળાનું સેવન કરી હોમકોરોન્ટાઈન પુર્ણ કરેલ હતું તે દરમ્યાન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જાબચીતરીયાના આરોગ્ય કર્મચારીઓ દ્વારા તેમનું રોજે રોજ ફોલોઅપ કરવામાં આવતું હતું તથા તેમની તમામ પ્રકારની આરોગ્યને લગતી જરૂરીયાત પુર્ણ કરવામાં આવેલ હતી.
        આ રીતે નીનામા સુરભીબેન મુકેશભાઈ એ અરવલ્લી જીલ્લા આરોગ્યતંત્ર તથા ભિલોડા તાલુકા આરોગ્યતંત્રની મદદ અને સેવા તથા પોતાની સુઝબુઝ અને હિંમતથી કોરોનાની બીમારી સામે લડાઈમાં જીત મેળૅવી. આ રીતે તા .૨૭.૦૫.૨૦૨૦ ના રોજ તેમનો કોરોન્ટાઈન સમય પુર્ણ થતા અને તેઓ બીલકુલ સ્વસ્થ જણાતા તેઓ તા .૩૦ મે .૨૦૨૦ ના રોજ તાલુકા આરોગ્ય કચેરી ભિલોડા ખાતે ફરજ ઉપર હાજર થયાં,  થનાર છે . આમ તેઓએ પોતાની કોરોના યોધ્ધા તરીકે પુરી નિષ્ઠાપૂર્વક કામગીરી પણ કરી અને કોરોના પોઝીટીવ થવા છતાં હીંમતભેર કોરોનાની બીમારી સામે લડત પણ આપેલ છે .  તેઓને આવા કઠીન સમયમાં સાથ આપનાર આરોગ્ય વિભાગ અરવલ્લીની સમગ્ર ટીમનો તેઓએ કોટી કોટી વંદન કરી આભાર વ્યકત કરેલ છે.

(માહિતિ સ્ત્રોત ; Taluka Health Officer Bhiloda)


લેખન- સંકલન  : ઈશ્વર પ્રજાપતિ     
           ( 98251 42620) 

( આપના પ્રતિભાવ આપ whatsapp દ્વારા 98251 42620 પર મોકલી શકો છો)



સન્ડે સ્પેશિયલ

  ‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા    જોઈએ.” :    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.       સાવ સા...

Popular Posts