Wednesday, June 10, 2020

મહેંક માનવતાની

મહેંક માનવતાની.

વન વગડે દાદીમાની વાટ જોતાં ભુખ્યાં ભૂલકાં અને આ નિરાધાર પરિવારની મદદે આવ્યા ફ્રન્ટ લાઈન કોરોના વૉરિયર્સ તરીકે ફરજ બજાવતા જયેશભાઈ પરમાર  


              મહામારીના સમયમાં આપણી આસપાસમાં જ એવાં એવાં દૃશ્યો નજર સામે આવ્યાં કે એ જોયા પછી આંખો ભીંજાયા વિના ન રહે. દયનીય દૃશ્યો જોતાં જ હૃદય કકળી ઉઠે. અને આવા સમયે કેટલાય માનવ ફરિસતાઓએ માનવતની મહેકની એક મિશાલ પુરી પાડી છે. પોતાની કે પોતાના પરિવારની જરા પણ પરવા કર્યા વિના કોરોના વોરિયર્સ ગામે ગામ અને ઘરે ઘરે ફરીને લોકસેવાના ઉમદા કાર્યો કરતા રહ્યા છે. આજે વાત કરવી છે એક એવા જ વોરિયર્સની જેઓએ માત્ર પોતાની ફરજ જ અદા નથી કરી પરંતુ ફરજની સાથે સાથે માનવતાની એવી મહેંક પ્રસરાવી કે વાત સાંભળીને હૈયું હરખી ઊઠે.
              નામ છે જયેશભાઇ કે. પરમાર. જેઓ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર તરીકે ધનસુરા તાલુકાના આમોદરા ખાતે ફરજ બજાવે છે. છેલ્લા અઢી મહિનાથી કોરોના વૉરિયર્સ એવા શ્રી જયેશભાઈ કે.પરમાર કોરોના સામે પોતાની અને પોતાના પરિવાર અને બાળકોની ચિંતા કર્યા વગર પોતાનો ફરજ નિષ્ઠાથી બજાવી રહ્યા છે. કોરોનાની કામગીરી દરમિયાન ઘણીવાર એવા કુટુંબ કે એવા વ્યક્તિઓને મળવાનું થયું કે જેમની દયનીય સ્થિતિ જોઈને પથ્થર દિલ વ્યક્તિનું હ્રદય પીગળવા માંડે.
વાત છે ગામ જૂની રમોસની. આ ગામનાં વાઘરી ગીતાબેન જયંતીભાઈ અમદાવાદના કોરોના પોઝિટિવ પોલીસ કર્મીના સંપર્કમાં આવતાં 54 વર્ષીય ગીતાબેનને રિપોર્ટ માટે વાત્રક કોવિડ 19 હોસ્પિટલમાં મોકલવાના હતાં. સંક્રમણની ગંભીરતા દાખવતાં તેઓને તાત્કાલિક 108 મારફતે વાત્રક લઈ જવામાં આવ્યાં.
          આ સમગ્ર ઘટનાના બીજા દિવસે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભેંસવાડાના મેડીકલ ઓફીસર સાહેબશ્રીના માર્ગદર્શન હેઠળ આ દર્દીના ઘરની મ.પ.વ જયેશભાઈ અને આશાબેનના પતિ મુલાકાત નીકળી પડ્યા. એક તો ઉનાળાની બપોર, ધોમધખતો તાપ ! ગીતાબેનનું ઘર પણ ગામથી દૂર રમોસના પેટા પરાથી પણ આગળ ટેકરા ઉપર ગૌચરમાં આવેલ એક કાચા મકાનમાં રહેતાં હતાં. 42-43 ડિગ્રી તડકામાં પરસેવે રેબઝેબ જયેશભાઈ ચાલીને માંડ ત્યાં પહોંચ્યા ત્યારે જાણવા મળ્યું કે ગીતાબેન સેમ્પલ આપીને લગભગ રાત્રે 10 વાગે વાત્રકથી પરત ઘરે પોહચ્યા હતાં. ત્યાં સુધી ગીતાબેન સાથે રહેતાં ત્રણ બાળકો નટવર 8 વર્ષ , અજય 11 વર્ષ , અને જ્યોતિકા 13 વર્ષ આ ત્રણેય બાળકો ભૂખ્યા અને એકલા હતા. ગીતાબેન વાત્રક જઈ આવીને રાત્રે બાળકો માટે ખીચડી બનાવી ત્યારે ભૂખ્યાં ભુલકાં ધાન ભેગાં થયાં.
         સંક્રમણના ડરને કારણે એમનાં કુટુંબીઓ અને ફળીયામાંથી કોઈ આ બાળકોને જમવાનું આપવા કે એમની ખબર કાઢવા પણ એમની પાસે ગયાં જ ન હતાં . ગામના ગૌચરમાં ટેબા વિસ્તારમાં રાત્રે 10 વાગ્યા સુધી બાળકો એકલા જ હતા. એમાં પણ એક તો કિશોરી હતી.સઘળી વાત જાણી ને હૃદયમાં એક ટીસ ફૂટી!                 ગીતાબેન સાથે વધુ વાત કરતા જાણવા મળ્યું કે આ 3 બાળકો એમના છોકરાનાં છોકરાં હતા. ગીતાબેનનો પુત્ર એટલે કે બાળકોના પિતા મૃત્યુ પામ્યા હતા. અને આ બાળકોની માતા બીજે લગ્ન કરી ત્યાંથી ચાલી ગઈ હતી. હવે આ નિર્દોષ બાળકો એમની દાદી મા એટલે કે ગીતાબેન સાથે રહેતાં હતાં. ગીતાબેન પણ વિધવા છે. વધુ વાત કરતા ગીતાબેન અમને કહ્યું કે કોરોનાના અમને ઘણી જ મુશ્કેલી પડી રહી છે. કોરોના વિશેની વાતના કારણે ગામના કોઈ અમને કોઈ પાણી નથી ભરવા દેતું. કોઈ અનાજ નથી દળી આપતું. કોઈ મજૂરી કામ માટે પણ હવે નથી બોલાવતું. . અમરી પાસે ઘરવખરી અને કારીયાણું પૂરું થવા આવ્યું છે. ગામમાં લોકો અને એમના કુટુંબી જનો અમને પોતાના ઘરે આવની ના પડે છે.
              જયેશભાઈએ એમને આ સમગ્ર બાબત સરપંચને જાણ કરવા કહ્યું તો ગીતાબેન જણાવ્યું કે ગામમાં જતા હવે ડર લાગે છે.અને એમની પાસે એક જૂનો ફોન છે પણ એમાં બેલેન્સ નથી. કઈ રીતે સરપંચને વાત કરું ??   ગીતાબેનની વાતો સાંભળતાં સાંભળતાં જ જયેશભાઈની આંખના ખૂણા ભીના થયા. તરત જ જયેશભાઈએ ગીતાબેનના ફોનમાં બેલેન્સ કરી આપ્યું અને સરપંચે એમને પડતી મુશ્કેલીઓ વિષે વાત કરતા સાંત્વના આપી. આશાબેને જયેશભાઈને ઘર માટે  આપેલ છાશ પણ જયેશભાઈએ ગીતાબેનને આપી દીધી. આશાબેનના ઘરેથી લોટની પણ વ્યવસ્થા કરી આપી.આ પરિવાર વિષે સરપંચ અને તલાટીને પણ ફોન મારફતે અને રૂબરૂ મળીને મદદ રૂપ થવા માટે જણાવ્યું. ગીતાબેનનાં પૌત્રાં માટે પાલક માતાપિતા યોજના નો લાભ અપાવવા જયેશભાઈએ પ્રયત્ન આદર્યો છે. આ પરિવારને મદદરૂપ થવા જયેશભાઈ પોતાનાથી બનતા કર્યા અને કંઈક કાર્યનો આત્મસંતોષ પ્રાપ્ત કર્યો.
          હવે યક્ષ પ્રશ્ન એ હતો કે એમના ઘરે હોમમાં quatentineનું સ્ટીકર લાગવાવવું ક્યાં??? કહેવા પુરતું ઘર ખરું પરંતુ દિવાલો અને છત ક્યાં??? 

માહિતિ સ્ત્રોત : Manuka Health Officer Taluka Health Office Dhansura , Dist . Arvalii .

લેખન : ઈશ્વર પ્રજાપતિ
98251 42620
(આપ આપના પ્રતિભાવ 98251 42620 મો.નં પર  વૉટ્સએપ દ્વારા મોકલી શકો છો.)

No comments:

Post a Comment

સન્ડે સ્પેશિયલ

  ‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા    જોઈએ.” :    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.       સાવ સા...

Popular Posts