Saturday, June 27, 2020

હક માંગીએ છીએ , ભીખ નહીં.

હક માંગીએ છીએ, ભીખ નહીં.


     આ એ ગૌરવશાળી ભૂમિ છે જ્યાં એક ચૂંટણી જીતીને અભણો પણ અગણિત લાભોની સાથે જીવનભર પેંશન મેળવે છે જ્યારે આજીવન ફરજ માટે જાત ઘસી નાખતા સાક્ષરોને પેંશન જેવા પાયાના હકો માટે અહીં આંદોલનો કરવા પડે છે. 
     એક ચૂંટણી જીતીને  માત્ર પાંચ જ વર્ષ પ્રજાની સેવા કરતા કહેવાતા આપણા કસેવકોને  અગણિત લાભો મળે છે અને તેઓ પાછલી ઉંમરે પરિવાર સાથે આરામદાયક જિંદગી પસાર કરી શકે એ માટે પેંશનનો લાભ પણ મળે એ કેટલી ઉત્તમ વ્યવસ્થા છે! એનો વિરોધ ન હોઈ શકે. પ્રજાની સેવા કરનારની ચિંતા કરવી એ આપણી પ્રાથમિક ફરજ છે. પરંતુ જ્યારે એક શિક્ષક પોતાની યુવાનીનાં મહત્વનાં પાંચ વર્ષ ફિક્સ પગારી નોકરીમાં પસાર કરે છે અને બાકીના વર્ષો પણ અન્ય કોઈ જ વ્યવસાય ન કરતાં પોતાના વ્યવસાયને સંપૂર્ણ સમર્પિત રહી શાળા, વિદ્યાર્થીઓ અને સમાજ માટે જાત ઘસી નાખે છે અને જ્યારે નિવૃત્ત થાય છે ત્યારે નવા નિયમો પ્રમાણે એને શું મળે છે એ ગણતરી માંડવા જેવી છે. 
        ગણતરી માંડો તો ખ્યાલ આવે કે ફરજ દરમિયાન દર મહિને કપાયેલી રકમ અને એમાં સરકારશ્રી તરફથી ઉમેરાતી રકમ મળી ને જે રકમ થાય એ નિવૃત્તિ સમયે હાથમાં પકડાવી દેવાની. કામ ખતમ બાત ખતમ. જે તે સમયે એ રકમનું મૂલ્ય કેટલું હશે એ તો રામ જાણે. મોટા શહેરમાં આ કર્મચારી મોકળાશ વાળું એક ઘર પણ કદાચ નહીં ખરીદી શકે. 
           મૂર્ખને પણ સમજાય એવી સીધી ને સરળ વાત કેટલાક મુરખના સરદારો નથી સમજી શકતા. આખી જિંદગી સરકાર અને સમાજની સેવા કરનારની પાછલી જિંદગીનો કે એના પરિવારનો વિચાર શુદ્ધા નહીં કરવાનો! જો નવી સ્કીમ આપની દૃષ્ટિએ ઉત્તમ હોય તો સૌ લોકસેવકો માટે પણ એ જ સ્કીમ અમલમાં મુકવી જોઈએ અથવા ફરજ માટે જિંદગી આખી લોહી પાણી એક કરી નાખતા સરકારી કર્મચારીઓ માટે જૂની પેંશન યોજના પુનઃ અમલમાં મુકવી જોઈએ. 
              સાલું આ જબરું કહેવાય હોં! સાહેબ (શિક્ષક)ના સત્તર સાહેબો બધા આવીને સલાહો અને સૂચનો આપી જાય. અને સાહેબ બધાનું સાંભળી પણ લે.પણ બોલો આ સાહેબની વાત કોઈ ના સાંભળે. પ્રામાણિકતાથી ફરજ પાલન કરવું એ તો દરેક કર્મચારીઓનો પ્રથમ ધર્મ છે. એમાં બેઇમાની ન જ ચલાવી લેવાય એ વાત સાથે શત પ્રતિસત સહમત. પરંતુ જેટલી કડકાઈ ફરજ પાલન બાબતે બતાવાય છે એટલી જ માનવતા ભર્યો અભિગમ એના હકો પણ આપવા માટે પણ દાખવવો જોઈએ કે નહીં??? સમાન કામ સમાન વેતન માટે, પગાર ધોરણ માટે પણ નામદાર કોર્ટ ઉધડો લઈ નાખે પછી જ આંખો ઉઘડે ? આ લાલીયાવાડી ક્યાં સુધી ચાલશે??
         ઇતિહાસ સૌએ યાદ રાખવો જોઈએ કે ઘમંડી ધનનંદના સામ્રાજ્યનાં મૂળિયાં ઉખાડી ફેકનાર વિષ્ણુગુપ્ત ચાણક્ય હતા. યાદ રાખવું જોઈએ કે ચાણક્ય જ્યારે શિખા છુટ્ટી મુકવાનું પ્રણ લે છે ત્યારે ભલભલા સામ્રાજ્યના પાયા હચમચાવી નાખે છે. સદીઓ બાદ હવે ચાણક્યના વંશજોને મર્યાદાની શિખા છોડવા મજબૂર ન કરવા એમાં જ શાણપણ સમાયેલું છે. 
       પેંશન એ કર્મચારીનો હક છે, અને એ પાછો મળવો જોઈએ. સમગ્ર દેશમાં તમામ ક્ષેત્રોમાં ગુજરાત રાજ્ય એક આદર્શ મોડેલ પૂરું પાડી રહ્યું છે ત્યારે સરકારી કર્મચારીઓના હકો બાબતે પણ હકારાત્મક પગલાં લઈ અન્ય રાજ્યો માટે એક આદર્શ પૂરો પાડશે એ જ અદમ્ય શ્રદ્ધા. અને હા યાદ રહે, હક માંગીએ છીએ ભીખ નહીં!!
જય જય ગરવી ગુજરાત.
તસવીર સૌજન્ય : ઈન્ટરનેટ
લેખન :- ઈશ્વર પ્રજાપતિ
98251 42620
 (whatsapp only)

15 comments:

  1. પણ મિત્ર માફ કરજો આમને કોઈ ફરક પડે એમ નથી.

    ReplyDelete
  2. ખરેખર સાચી વાત છે

    ReplyDelete
  3. કોન્ટ્રાક્ટ કર્મચારી નું પણ બવ શોષણ થાય છે બધા ને સાથે રાખી આપણા હક ની લડાય લડવી જોઇએ.

    ReplyDelete
  4. હા... પેન્શન તો કર્મચારી ને અવશ્ય મળવું જ જોઈએ

    ReplyDelete
  5. ખુબ સરસ... લાખો કર્મચારી ઓ ની વેદના ને વાચા આપતો લેખ ... ખુબ ખુબ ધન્યવાદ

    ReplyDelete
  6. પેન્શન કર્મચારીનો હક્ક છે

    ReplyDelete

સન્ડે સ્પેશિયલ

  ‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા    જોઈએ.” :    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.       સાવ સા...

Popular Posts