Monday, September 30, 2019

સત્ય ઘટના આધારિત, જિંદગી જિંદબાદ 5


સમાજને  તમાકું  અને  ધુમ્રપાનની બદીમાંથી  મુક્ત કરવા એકલા હાથે ઝંગે ચડેલા  કેન્સર કથાકાર સુરેશ પ્રજાપતિ



                  અમદાવાદ ચાંદખેડામાં રહેતી એક નાની વયની દીકરીની કેંસરનું નિદાન થયું. આ માસુમ દીકરીને હાડકાંનું કેંસર હતું . માતાપિતા સાથેની  ડોકટરની વાત આ દીકરી સાંભળી ગઈ કે જરૂર પડે દીકરીનો હાથ પણ  કાપવો પડે. આ વાત સાંભળી દીકરી એટલી તો ડરી ગઈ કે ડોકટરનું નામ સાંભળતાં જ દીકરી રજાઈ ઓઢીને સુઈ જતી. આ દીકરીના માતાપિતાને કોઈ એ સુરેશભાઈ પ્રજાપતિનું સરનામું આપ્યું. સુરેશભાઈને આ વાતની જાણ થતાં જ તેઓ તરત કેંસરગ્રસ્ત દીકરીને મળવા દોડી ગયા. દીકરી સાથે બે કલાક નિરાંતે ગાળી હળવી ફૂલ વાતો કરી દીકરીને ભયમુક્ત કરી. બીજા દિવસે દીકરીએ એનાં માતા પિતાને કહ્યું “ ચાલો પપ્પા, આજે ડોકટર અંકલને બતાવી આવીએ.” મતાપિતાના આશ્ચર્યનો પાર ન રહ્યો. માત્ર બે કલાક્માં સુરેશભાઈ એ એવું તે શું જાદુ કર્યુ કે દીકરીમાં આટલી હિંમત આવી ગઈ! અને તે  ડોકટરને  મળવા સામેથી તૈયાર થઈ ગઈ! ઓપરેશન થયુ. હાથને બદલે માત્ર ટચલી આંગળી કાપવી પડી. માસૂમ દીકરી કેંસર મુક્ત બની  અને દીકરી ફરી હસતી રમતી થઈ ગઈ.
            આ દીકરીનું તો એક માત્ર ઉદાહરણ છે. સુરેશભાઈ પ્રજાપતિ અવા અનેક કેંસર ગ્રસ્ત લોકોને મળી તેઓનું કાઉંસલિંગ કરી ચુક્યા છે. આવા લોકોને  કેંસર નામના મહારોગ સામે લડવા તૈયાર કર્યા છે. તેમાના ઘણા દર્દીઓએ આ મહારોગને માત પણ આપી છે.
            હા, આ વાત છે સુરેશભાઈ પ્રજાપતિની જેઓ કેંસર કથા કરી આજે ગુજરાતના ગામડે ગામડે જાણીતા બન્યા છે. યુવાનોને વ્યસનની ચુંગાલમાંથી છોડવાવા સુરેશભાઈએ શરૂ કરેલી મથામણ આજે રંગ લાવી રહી છે.  
             WHO એક રીપોર્ટ પ્રમાણે દર વર્ષે  તમાકું અને ધુમ્રપાનના કારણે વિશ્વના 90 લાખ લોકો અને માત્ર ભારતના 11 લાખ લોકો કેંસર રોગનો ભોગ બની મોતને ભેટે છે. આજે વ્યસન એ ફેશન બની ગયું છે. યુવાનો પાનના ગલ્લે ઉભા ઉભા સીગારેટના ધુમાડો કાઢવામાં આનંદ અનુભવે છે. તમાકુ યુક્ત ગુટખા અને પાન મસાલાના વ્યસનથી  યુવાની બરબાદ કરી રહ્યા છે. આપને  જાણીને નવાઈ લાગશે કે મો અને જડબાના કેંસરમાં  ગુજરાત વિશ્વમાં પ્રથમ ક્રમાંકે છે. અને ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં આ કેંસરનું પ્રમાણ સૌથી વધુ જોવા મળે છે. અને દિન પ્રતિદિન આ સંખ્યા ચિંતાજનક રીતે  વધી રહી છે ત્યારે  સુરેશભાઈ સમાજમાં કેંસર વિષે જાગૃતિ લાવવા અને   તમાકું, ગુટખા, બીડી, સિગારેટના વ્યસનથી સમાજને સંપૂર્ણ મુક્ત બનાવવા એકલા હાથે ઝંગ માંડ્યો છે.
              સુરેશ્ભાઈ હાલ અમદાવાદ નરોડા રહે છે. ઓઢવ LIC બ્રંચમાં કારકૂન તરીકે ફરજ બજાવે છે. થોડાં વર્ષ પહેલાં તેઓના પરિવારમાં તેમનાંં મોટીબાને જઠરનું કેન્સર થયું.  ડોકટરે કરેલા કેંસરના નિદાનથી પરિવાર પર જાણે મુસિબતોનું આભ ફાટ્યું. રોજ રોજ હોસ્પિટલના ધક્કા, મોઘી  દાટ દવાઓ, ડોક્ટરની ઊંચી ફી એમ છતાં પરિણામ શૂન્ય. આર્થિક, માનસિક, પારિવારિક તકલીફોનો પાર નહીં.  અત્યંત નજૂક પરિસ્થિમાં  અનેક  યાતનાઓનો  સુરેશભાઈને જાત અનુભવ થયો. મોટાબાની શરીરની પારાવાર અસહ્ય  વેદના નજર સમક્ષ નિહાળી.   ફક્ત 6 માસના ગાળામાં મૃત્યુ પામ્યા હતા. છ માસ અગાઉ સંપૂર્ણ તંદુરસ્ત જણાતાં મોટાબાને માત્ર છ જ માસમાં  કેંસર નામનો મહા રોગ ભરખી ગયો. સુરેશભાઈનું હૈયું વલોવાયું. અને એ જ દિવસથી મનમાં ગાંઠ વાળી કે કેંસર વિષે સમાજમાં જાગૃતિ લાવાવી. વ્યસન કરાતા લોકોમાં કેંસર થવાની શક્યતાઓ ઘની વધી જાય છે. માટે અવા  વ્યસન કરતા લોકોને કેવી રીતે વ્યસનમુક્ત કરવા તેનું ચિંતન કર્યું. 2 ઓક્ટોબર 2014 ના રોજ જ્યારે આપણા વડાપ્રધાને સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત કરી બસ એ જ દિવસથી એકલા હાથે એક નવા અભિયાનનો આરંભ કર્યો.
                ભાગવત કથા , રામાયણ કથા , સત્યનારાયણની કથા . . . જેવી ધાર્મિક કથાઓ વિશે આપણે સાંભળ્યું છે . . . પણ સુરેશભાએ એ  કૅન્સર જેવા અસાધ્ય મનાતા જટિલ રોગ અને વ્યસનોની વાત વણી લઈ કૅન્સર કથાનો પ્રારંભ કર્યો.   
              તેઓ જ્યારે ઘરની બહાર નીકળે એટલે કપાળ પર “તમાકુ, ધુમ્રપાન છોડો” લખેલી પેટ્ટી બાંધીને એક યોધ્ધાને જેમ  નીકળે. તેઓ પોતાના કર્ય ક્ષેત્રના એક નિષ્ઠાવાન કર્મચારી છે. આખો દિવસ  ઓફિસમાં નિષ્ઠા પુર્વક પોતાની ફરજ બજાવવાની  અને નોકરીનો સમય પૂર્ણ થતાં ગલ્લે ગલ્લે નીકળી પડવાનું. વ્યસનોની હાટડીઓ એવા પાનના ગલ્લાઓ પર જઈ લોકોને તમાકુ ધૂમ્રપાન જેવી આદતો માનવશરીરને શું નુકસાન પહોંચાડે છે એ વિષય પર જાણકારી આપતા રહે છે.  પહેલાં લોકોએ મજાક પણ ઉડાડી , પરંતુ મજાક સહન કરીને પણ નિયમિત     ઓફિસથી છૂટી પાનના ગલ્લે, બગીચાઓ, જાહેર સ્થળો પર જઈ લોકોને સમજાવવાનું ચાલું જ રાખ્યું. જેમની સાથે સ્નાનસૂતકનો પણ સંબંધ ન હોય તેમને વ્યસનમુક્ત કરવા માટે પાનનાં ગલ્લે ફરીને સમજાવવાં તે કોઈ નાની સુની વાત તો નથી જ . અનેક મુશ્કેલીઓની વચ્ચે તેમણે એકલા હાથે આ ભગીરથ કાર્યની શરૂઆત કરી હતી.    અત્યાર સુધી લગભગ 5 લાખ લોકોને રૂબરૂ મળી કાઉન્સેલીગ કરી હજારો લોકોને વ્યસન મુક્ત કર્યા છે. 
            સુરેશભાઈએ  અત્યાર સુધી એકપણ પૈસો લીધા વીના આખા ગુજરાતમાં 125 કેન્સર કથાઓ કરી છે. તેઓએ સ્વામિનારાયણ મંદિર, તેમજ અન્ય મંદિર, દરેક સમાજના સ્નેહમિલન,આઈ.ટી.આઈ, સ્કૂલ, શોરૂમ,ઔધોગિક એકમો, ભજન સંધ્યા, વિગેરે જગ્યાએ કેન્સર કથા પ્રસ્તુત કરી છે.  આકાશવાણી, દૂરદર્શન, મંતવ્ય ન્યૂઝ, ગુજરાત ન્યૂઝ, દિવ્ય ભાસ્કર,ગુજરાત સમાચાર વિગેરે પ્રસારણ માધ્યમો અવાર નવાર તેમના કાર્યને બિરદાવવા કાર્યક્રમો પ્રસ્તુત કરે છે. એટલું જ નહીં 4 ફેબ્રુઆરી વર્લ્ડ કેન્સર ડે ના દિવસે ભૂતકાળમાં ગુજરાત કેન્સર સોસાયટી એ પણ તેમની કેન્સર કથાનું આયોજન કર્યું હતું. આજે પણ છેલ્લા 3 વર્ષથી GCS માં દરરોજ કેન્સર કથા દર્દી અને તેમના સગાઓને બતાવવામાં આવે છે. એમની કેન્સર કથામાં 1.30 કલાક વ્યસનમુક્તિ અને 1.30 કલાક કેન્સર અંગેની જાગૃતિ બિલકુલ સરળ અને રમૂજી શૈલીમાં રજૂ કરે છે. આ ઉપરાંત શાળાઓ, કારખાના, સામાજિક સંસ્થાઓમાં અનેક કાર્યકમો કર્યા છેપોતે સરકારી કર્મચારી હોવા છતાં શનિ રવિ રજાના દિવસે પરિવાર સાથે  રજાની મજા માણવાનું છોડી કોઈ કથા માટે આમંત્રણ આપે તો સુરેશભાએ સ્વખર્ચે પહોચી જાય છે.
           માત્ર દોઢથી બે કલાકની કેન્સર કથા સાંભળીને અનેક યુવાનો અને વડીલો  વ્યસનમુક્ત થયા છે . જેનો સંપૂર્ણ જશ જાય છે કેન્સર કથાકાર  સુરેશ પ્રજાપતિને! સમાજને વ્યસન મુક્ત કરવાનો નેક ઈરાદો ધરાવનાર શ્રી સુરેશ પ્રજાપતિએ જાણે કે કેન્સર સામે રીતસરનાં કેસરીયાં કર્યાં છે. આ એકલવીરની સમાજ પ્રત્યેની નિષ્ઠા એટલી જોરદાર છે કે તેઓ સ્કૂલો , કોલેજો તથા ફેક્ટરીઓમાં જઈને વિનામૂલ્ય કેન્સર કથા કરે છે . લોકોને તમાકુથી દૂર રહેવા માટે અપીલ કરે છે, સમજાવે છે . તેમની ધારદાર રજૂઆતમાં સત્યઘટનાઓ તથા જ્ઞાન સાથે ગમ્મતના ચમકારા પણ જોવા મળે છે . જેને કારણે લોકો હોંશે હોંશે તેમને સાંભળે છે . કેન્સર કથા બોરીંગ ન થઈ જાય તે માટે શ્રી સુરેશ પ્રજાપતિ ખૂબ જ સતર્ક છે . તેઓ તદ્દન હળવી શૈલીમાં કેન્સરનાં લક્ષણો, નિદાન તથા વિવિધ પદ્ધતિની તબીબી સારવારને ચાલાકીપૂર્વક આવરી લે છે. સુરેશ ભાઈએ કેન્સર કથાના નવા અભિગમથી લોકોને તમાકુ ધુમ્રપાન છોડાવવાનું શરૂ કર્યું,      | આગામી 2022માં જ્યારે સમગ્ર દેશ સ્વતંત્રતાનાં પંચોતેર વર્ષની ઉજવણી કરશે ત્યારે સો ટકા  લોકોને વ્યસનમુક્ત કરવાનું સ્વપ્ન  સુરેશ પ્રજાપતિએ સેવ્યું છે. માત્ર એટલું જ નહિ બલકે તે સ્વપ્ન સાકાર કરવા માટે ભગીરથ પુરુષાર્થ આદર્યો છે. .
           કેન્સર કથાની વધતી જતી લોક ચાહનાને કારણે તેમના આ અભિયાનના પ્રસાર અને પ્રચારનો વ્યાપ પણ વધ્યો છે . જેને કારણે શ્રી સુરેશભાઈનાં ઉત્સાહમાં પણ અનેક ગણો વધારો થયો છે .. તેમની કેન્સર કથાઓ થકીના આ જાગૃતિ અભિયાનને તાજેતરમાં સંસ્થાએ પણ બિરદાવ્યું છે. એકલા હાથે સમાજ્માં બદલાવ લાવવા નીકળેલ આ એકલવીર યોધ્ધાને અભિનંદન આપીએ એટલાં ઓછા છે. 

સુરેશ પ્રજાપતિ સંપર્ક નં 99796 08721

લેખન-  : ઈશ્વર પ્રજાપતિ
(આપના પ્રતિભાવ નીચેના નંબર પર whatsapp દ્વારા આપી શકો છો 98251 42620)

(આપના જીવનની પણ કોઈ વેદના કે સંવેદનાની, પ્રેમની કે પીડાની દુઃખની કે સુખની કોઈ ઘટના કે બનાવને કહેવા ઇચ્છતા હોવ તો જરૂર whatsapp માધ્યમથી મારો સંપર્ક કરી શકો છો. મો. નં. 98251 42620)





Thursday, September 26, 2019

શિક્ષણ જગતના ઝગમગતા સિતારા રાકેશ નવા નદીસર


શાળાને વેરાન થી વનરાવનમાં પરિવર્તિત કરનાર  મિજાજનના વિદ્યાર્થી પ્રિય શિક્ષક : રાકેશભાઈ નવા નદીસર 



              રાકેશ નવા નદીસર ઉર્ફે રાકેશ પટેલ.
             ગોધરા થી 30 કિલોમીટર દૂર અંતરીયાળ આદિવાસી વિસ્તારમાં આવેલી એક ખોબા જેવડા ગામની શાળાને રાજ્ય અને રાષ્ટ્રની એક નમૂનેદાર શાળા તરીકે પ્રસ્થાપિત કરનાર રાકેશભાઈ નોખા મિજાજના શિક્ષક છે.  શિક્ષકની નોકરીની શરૂઆતના બીજા જ દિવસે શાળાની હાલત જોઈ રાજીનામું આપવા નીકળેલા રાકેશભાઈ માટે દાદીમાની એક સલાહ  ટર્નિંગ પોઇન્ટ સાબિત થઈ.  આ ટર્નિંગ  પોઈંટે ગુજરાતના શિક્ષણ જગતને એક ઉમદા શિક્ષક ભેટ ધર્યો.  એ પછે તો  વિદ્યાર્થીમય બનેલા રાકેશભાઈનું શિક્ષત્વ સોળે કળાએ ખિલ્યું, મહોર્યું અને અની સુવાસ રાજ્ય અને રાષ્ટ્રની સીમાઑ ઓળંગી વિશ્વ સ્તરે વિસ્તરી.   જે શાળા અને ગામનું વાતાવરણ જોઈ રાજીનામું ધરી દેવાનું નક્કી કર્યું હતું એ શાળા આજે દેશભરના શિક્ષણ રસિકો અને અભ્યાસુઓ માટે સંશોધન કેન્દ્ર બની છે. અહીં નિત નૂતન નવતર પ્રયોગો થતા રહે છે. વેરાનમાંથી વનરાવન બનેલી આ શાળામાં પ્રવેશતાં જ આંખો અને દિલને શિતળતાનો અહેસાસ કરાવે છે. લીલુંછમ્મ અને વૃકક્ષાચ્છદિત શાળા પરિસર સંપુર્ણ ચાઇલ્ડ ફ્રેઈન્ડલી છે. 

              પરંપરાગત નિયમોને કોરાણે મૂકીને નવા અને અનોખા શિક્ષણ પ્રયોગની પ્રયોગશાળા એટલે મસ્તી કી પાઠશાલા. ઉર્ફે  નવા નદીસર પ્રાથમિક શાળા. જ્યાં શિક્ષણકાર્ય ફરજના ભાગરૂપે નથી થતું પણ એક સામાજિક ઉત્થાનના હેતુથી યજ્ઞની જેમ થાય છે. આ યજ્ઞની સફળ બનાવવા માટે ઘણી બધી રૂઢી અને પરંપરાને તોડી નંંખાઈ છે.  શૂન્ય થી શિખર પર પહોંચેલી આ શાળાની વિકાસ ગાથા રોમાંચક છે. નિષ્ઠાવાન શિક્ષકોની ફલશ્રુતિ છે.
           જ્યારે પીટીસી પૂરું કર્યા પછી પોતાના ગામની નજીકના જ ગામમાં રાકેશભાઈની પહેલ વહેલી નિમણૂક થઈ. તાલીમના બે વર્ષ દરમિયાન મળેલું જ્ઞાન વિદ્યાર્થીઓમાં દેવાનો ઉત્સાહ ઉછાળા મારતું હતું. પરંતુ શાળામાં પહેલા દિવસે જ જે વાતાવરણ જોયું એનાથી મોતિયા મરી ગયાં. વિદ્યાર્થીઓ મેલા ઘેલાં , કપડા ફાટેલા , નાક વહેતાં હોય , મરજી પડે ત્યારે શાળાએ આવે અને મરજી પડે ત્યારે પાછા ઘરે! પાઠ્યપુસ્તક ખોલીને કૃષ્ણ અને સુદામા નો પાઠ ભણાવવાની શરૂઆત કરી તો બાળકો મોઢા વકાસીને જોયા કરે. ચાલો પાઠમાં રસ ના પડ્યો તો હવે ગવડાવું. એ તો ગમશે જ. પણ ગવડાવવા ની શું વાત કરી ઓ એક પણ બાળક જીલી ન શકે. એક જ દિવસમાં બે વર્ષની તાલીમ નો બધો કે ઉતરી ગયો. અને સાંજ સુધીમાં તો નક્કી પણ કરી લીધું કે અહીં આ નોકરી આપણાથી નહીં કરી શકાય. ઘરે આવી દાદીમાંજી નિવૃત્ત શિક્ષિકા હતા. અને સવારે ઉત્સાહથી જેની પગે લાગીને શાળાએ પ્રસ્થાન કરેલું.  એમને નિર્ણય જણાવી દીધો કે હું આવતીકાલથી શાળાએ નહિ જાઉં. અને રાજીનામું આપું છું. દાદીનું અનુભવી મન સમજી ગયું.  હકીકતનો અંદાજ આવી ગયો કઈ જ ન કહ્યું ઓમ શીખામણ ન આપી કે ન સમજાવવાની કોશિશ કરી. બસ એટલું જ કહ્યું "દીકરા ! તારી મરજી પણ મારી એક વાત માન. આવતીકાલે ખાલી એક દિવસ શાળાએ જજે અને બાળકોને ખાલી એટલું પૂછજે કે કેટલા બાળકો નાહીને આવ્યા છે? બ્રશ કરીને આવ્યા છે? જમીને આવ્યા છે? " દાદીમાનો માં રાખવા રાકેશભાઈ બીજા દિવસે સ્કૂલે ગયા અને કેટલા બાળકો નાહીને આવ્યા છે એ જાણવાની કોશિશ કરી બસ એમાંથી બાળકોના મન અને ઘરની પરિસ્થિતી સુધી પહોંચી ગયા. જે કાંઈ જોયું જાણ્યું અને સમજાયું એનાથી હૃદય હચમચી ગયું.
            મહીસાગર ડેમ બનાવતી વખતે જે ગામો ડૂબમાં ગયાં એના વિસ્થાપિતોની અહીં ફરીથી સાચવવી લા એટલી ગામનું નામ નવા નદીસર. ગામલોકો કારમી ગરીબીમાં જીવતાં. અને મજૂરી એ એકમાત્ર વિકલ્પ. રોજ ઊઠીને પેટનો ખાડો પુરવાની મથામણ. મોટો મજૂરીએ જાય ત્યારે બે ટંકનું માંડવરાય અને મા-બાપ મજૂરીએ જાય એટલે મોટા બાળકો શાળા છોડીને ઘરે નાનકડા બાળકોને સાચવવા રહેવું પડે. ક્યારેક મજૂરી માટે આખા પરિવારે દૂરના વિસ્તારો સુધી સ્થળાંતર કરવું પડે. ત્યારે મહિનાઓ સુધી શાળાની ભૂલી જવી પડે. આવી સ્થિતિમાં શિક્ષણના પરંપરાગત ખ્યાલો નિયમો અને સિદ્ધાંતો ક્યાંથી કામ કરે? ધીમે-ધીમે સંજોગો અનુસાર નવી કેડી કંડારતા ગયા. ને આજે એવી સ્થિતિ આવીને ઉભી છે. ક નવા નદીસર માત્ર ગુજરાતની જ નહીં પરંતુ ભારતની એક ઉદાહરણરૂપ શાળા બની ગઈ છે.  
શાળામાં શિક્ષણ કરતાં વિશેષ નાગરિક ઘડતર ઉપર ધ્યાન આપવામાં આવે છે. આજે આખી શાળાનું સંચાલન સંપૂર્ણપણે વિદ્યાર્થીઓના હાથમાં છે. શાળામાં રાષ્ટ્રીય તહેવારો ઉપરાંત સામાજિક તહેવારો ની ઉજવણી તો થાય જ છે પરંતુ મહાપુરુષોના જન્મ દિવસ ઉજવાય છે અને એ તમામ ઉજવણીનું આયોજન બાળકો જ કરે છે. બાળકો નાટકો લખે છે ડિરેક્ટ કરે છે અને ભજવી પહોંચી અને આ રીતે પાઠ્યપુસ્તકોમાં ભણતર પાત્રોને જીવંત કરીને શીખે છે.
          રાકેશભાઈ કહે છે અમે કશું જ નવું નથી કરી પણ શાળાના એવા કેટલાક નિયમો જે આપણે જ્યારે ભણતા હતા ત્યારે આપણે શું ઈચ્છતા હતા?  મારું બાળપણ યાદ કરીને મને તે સમયે જેવું કરવું ગમતું તે બધું જ મારી શાળાના બાળકો કરી શકે તેવા પર્યાવરણવાળા વર્ગખંડના નિર્માણ માટે સતત પ્રયત્નશીલ રહ્યો. સાથીદારોએ પ્રયત્નોમાં તેલ પૂર્યું. જેમ અનુભવ થતો ગયો તેમ તેમ બાળકોના મનમાં ઝાંકી તેમની અવસ્થાને સમજી તેમને ગમે તેવી પ્રવૃત્તિઓ વધવા લાગી. હાથવગુ જે હોય એ અમારું ટી.એલ.એમ. બન્યું. જીવનનું શિક્ષણ એ અમારી પ્રાથમિકતા શ્રેષ્ઠ શાળા વડે શ્રેષ્ઠ સમાજ અને શ્રેષ્ઠ સમાજ વડે શ્રેષ્ઠ રાષ્ટ્રનિર્માણ એ અમારું ધ્યેય વાક્ય બન્યું. ઘણા વિદ્યાર્થીઓ ને એવું લાગતું હશે કે શીખવા માટે અમુક સમયથી અમુક સમય સુધી એક ઓરડામાં જ શા માટે પુરાઈ રહેવું પડે? અમુક રીતે જ બેસવાનું એવું શા માટે ?અમુક રીતે જ બોલાય એવું કેમ? ન ગમતા નિયમો દુર કર્યા અને વિદ્યાર્થીઓની સ્વતંત્રતા આપી. જેમ કે ગમે ત્યાં અને ગમે તે રીતે બેસવું, ગમે ત્યારે વાંચવું, લખવું, શાળામાં જોરજોરથી હસવું, ગાવું, વોર્ગને બદલે ખુલ્લા આકાશ નીચે જઈને ભણવું.  " ટૂંકમાં કહીએ તો નકામા નિયમોથી સંપૂર્ણ આઝાદી! અહીં યોજાતી પ્રવૃત્તિઓ બીજા કોઈને નહીં પણ નહીં પણ વિદ્યાર્થીઓના રસ રુચિ મુજબનું હોય. વિદ્યાર્થીઓ પોતાની ઈચ્છા મુજબ અભ્યાસ કરી શકે.
                શરૂઆતમાં ગામલોકોનો જોઈએ તેટલો સહકાર મળી શકતો ન હતો પરંતુ રાકેશભાઈ નોકરી શરુ કરી સોશિયલ પ્લેટફોર્મનો ડિજીટલ ઉપયોગ શરુ કર્યો. ગામ સાથે નાતો જોડી રાખવા શાળા અને ગામનું વોટ્સએપ ગુ્રપ બનાવીને શાળામાં થતી પ્રવૃતિઓને વહેચવાનું શરૂ કર્યું. અન્ય લોકોને સંદેશો આપવાના શરૂ કર્યા કે તારો પુત્ર કે પુત્રી સરસ ગાય છે અથવા વાંચે છે. શાળા પરિવારના પ્રયત્નોના કારણે આખરે શિક્ષકોએ ગામ લોકોના દિલ જીતી લીધા.  વાલીને ગૌરવ થયું સાથે જ તે વાલીની સંતાન તરફ જોવાની દ્રષ્ટિ બદલાઈ ગઈ !
               છેલ્લા બે વર્ષથી શાળાનો વાર્ષિક ઉત્સવની જવાબદારી ગામલોકોએ ઉપાડી લીધી અને આ ઉત્સવ બન્યો ગ્રામોત્સવ!! જે છેલ્લા બે વર્ષથી ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ ગ્રામોત્સવમાં આબાલ-વૃદ્ધ સૌ જોડાય છે અને ગામમાં અનોખા ઉત્સવનું વાતાવરણ સર્જાય છે.

ગેરહાજરીના પ્રશ્નો આપણે ત્યાં તો બહુ છે.ગેરહાજર હોય એને ઠપકાની બીક હોય. તેથી શાળાએ જે ફળિયા અથવા મહોલ્લામાંથી વિદ્યાર્થીઓ વધુ અનિયમિત રહેતા હોય ત્યાં જ સવારની પ્રાર્થના કરવાનું આયોજન કર્યું.એવો નવો જ  આઈડિયા 'હાજરી ધ્વજ' ! જેમાં અઠવાડિયા દરમિયાન જો છોકરાઓની હાજરીની ટકાવારી વધારે હોય તો શાળાની મુખ્ય ઈમારત પર છોકરાઓનો અને છોકરીઓની હાજરી વધુ હોય તો છોકરીઓનો હાજરી ધ્વજ ફરકાવવામાં આવે છે. આમ સરખામણીમાં હાજર રહેવાની ચડસાચડસી થાય !

          બાળકોને સીધા જવાબો આપવાને બદલે સવાલ આપવાના શરૂ કર્યા જેમાં તેમને ગામમાં ફરી, ચોપડી વાંચી, પોતાની જાતે અનુભવો મળેવી કૈંક જાણવાનું કરે.. બધું શિક્ષક  જ શીખાવડી દે એમ નહિ, જાતે શીખવાનું. આપણે જયારે પ્રશ્ન પૂછીએ છીએ ત્યારે તેનો જવાબ સાચો જ બોલાવી શાબાશી આપીએ છીએ.
             તેમાં જેને ના આવડતો હોય તે લઘુતાગ્રંથિ અનુભવે...એના બદલે તેમની રમત જ એવી કે જે પૂછું તેનો ખોટો જવાબ આપવાનો. કૌન બનેગા જૂઠપતિ ! એટલે ગપ્પા મારીને પણ બધા ભાગ લેતા થાય. એ જ રીતે સ્પેલિંગ ખોટો પડે તો પાંચ વખત લખવા આપીએ ત્યારે આપણે તે જોડણી બાળકના મગજમાં છપાઈ જાય તેવું ઇચ્છીએ, પણ એ ગોખવાનું થયું. એને બદલે બોર્ડ પર લખેલા સ્પેલિંગ ને પાંચ ખોટી રીતે લખી બતાવો એવી ચેલેન્જ આપો, ત્યારે તેઓ મગજમાં સાચો જવાબ ઉપસાવતા રહે છે, પણ રસથી એને ઉલટસૂલટ કરી રમવા લાગે.


             આ શાળામાં એટલી બધી વૈવિધ્યસભર અને નવીન પ્રવૃતિઓ થતી રહે છે કે એ દરેક વિશે અહીં એક વાક્ય લખાય તોપણ મહાનિબંધ થાય. આ શાળા વિશે અને એમાં ચાલતી પ્રવૃત્તિઓ વિશે તમારે વિગતવાર જાણવું હોય તો તમારે એના બ્લોગ ની મુલાકાત લેવી જ રહી. અને હા, અહીં એ પણ કહેવું જરૂરી છે કે નવા નદીસર એ ગુજરાતની પહેલ વહેલી શાળા છે કે જેને બ્લોગ શરૂ કર્યો હોય. 2008થી આ શાળાની પ્રવૃત્તિઓ નું ડોક્યુમેન્ટેશન કરવાના હેતુથી શરૂ કરાયેલો બ્લોગ શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબે જ્યારે ગુજરાતના  મુખ્યમંત્રી હતા ત્યારે તેમના એક વક્તવ્યમાં વખાણ્યો. ૨૦૧૦ થી નિયમિત  આ શાળા ઈ મેગેજિન બયોસ્કોપ બહાર પાડે છે.  જેમાં માસ દરમિયાન શાળાએ કરેલી પ્રવૃત્તીઓ નો સમાવેશ કરવામાં આવે છે. 
       શાળાને ઉચ્ચત્તમ શિખરે પહોચાડવા શાળા ના કર્મઠ શિક્ષકો કટીબધ્ધ છે. સૌ ખભે ખભા મિલાવી કામ કરી શિક્ષન જગતમા એક આદર્શ પૂરો પાડ્યો છે. રકેશભાઈની અને શાળાની વિશિષ્ઠ કામગિરી બદલ શિક્ષણ જગતના અનેક પ્રતિષ્ઠિત સન્માનો પણ રકેશભાઈને પ્રાપ્ત થયાં. ગત વર્ષે મહામહિમ રાષ્ટ્રપતિ ના હસ્તે રાષ્ટ્રના શ્રેષ્ઠ શિક્ષક તરીકે રાકેશભાઈને સન્માનિત કરવામાં  આવ્યા.
          કાશ! ભારતની તમામ શાળાઓને આવો એક રાકેશ મળી જાય!

રાકેશભાઈ પટેલ સંપર્ક નં - 99745 98817

લેખન : ઈશ્વર પ્રજાપતિ


( આપના પ્રતિભાવ આપ whatsapp દ્વારા 98251 42620 પર મોકલી શકો છો. આપ પણ આવા કોઈ વિરલ શિક્ષકની વિશિષ્ટ કામગીરીની મને જાણ કરી શકો છો. સમયાંતરે બ્લોગ પર સ્ટોરી પ્રકાશિત કરીશ

Monday, September 23, 2019

સત્ય ઘટના આધારીત જિંદગી જિંદાબાદ 4


હિમલયનું સિમાચિહ્ન રૂપ  માઉન્ટ ફ્રેન્ડશીપ શિખર સર કરવાનાર,
પહાડી  ઈરાદાઓ   ધરાવતો  ઈડરનો  યુવાન  કેશવ  ભાવસાર 


                 કેશવ ભાવસાર. 
             અદમ્ય ઉત્સાહ અને સાહસવૃત્તિથી ભર્યો ભર્યો કેશવ ભાવસાર 23 વર્ષીય યુવાન છે. આ યુવાનનું હિમાલય જેવડું સાહસ એટલે પડકારજનક વિપરીત પરિસ્થિતને પડકારી હિમાલયની પર્વત માળાના એક શીખરનું આરોહણ કરી પોતાની સાહસવૃત્તિનો પરિચય કરાવ્યો. મજબૂત મનોબળ અને દૃઢ ઇચ્છશક્તિ વિના હિમાલય સર કરવો આસાન નથી. સફેદ લિસ્સો બરફ, હાડ થીજવી દેતી ઠંડી, વિપરીત આબોહવા, ચોતરફ ખાઈ ખાઈને ઊંડી ખીણો. માત્ર એક ડગલાની ભૂલ તમારા જાનને જોખમમાં મૂકી દે છે. પરાક્રમી કેશવ ભાવસારે પ્રથમ પ્રયત્ને જ  હિમાલયની તળેટીમાં આવેલું ૧૭૩૫૨ ફૂટ ઊંચુ માઉન્ટ ફ્રેન્ડશીપ શિખર સર કરવાની અનેરી સિદ્ધિ હાંસલ કરી છે. 
             સાબરકાંઠાનું ઈડર એ કેશવનું વતન. અરવલ્લીની પ્રસિદ્ધ ગિરિમાળાની ગોદમાં વસેલું ઈડર એ ઈડરિયા ગઢથી વિશ્વમાં પ્રસિદ્ધ છે. આ ગઢના પથ્થરો વચાળે કેશવનું બાળપણ વીત્યું છે. બાળપણથી જ પહાડો તરફનું ગજબનું આકર્ષણ. ઇડરની સંસ્કાર વિદ્યાલય માં પ્રાથમિક શિક્ષણ લેતાં લેતાં રમતાં રમતાં અનેક વાર ઈડરિયા ગઢ સર કર્યો. કે. એમ. પટેલ વિદ્યાલય માં ધોરણ 10 સુધીનના અભ્યાસ દરમિયાન ઇડરની આસપાસનાં તમામ પહાડો કિશોર અવસ્થામાં કેશવ જ ખૂંદી વાળ્યો. પહાડો જાણે સાદ કરીને કેશવને પૂકારતા હોય કેશવ પહાડો તરફ હંમેશા આકર્ષાતો રહ્યો. 
                કેશવના પિતા હરીશભાઈ ઈડરમાં કટલરીની દુકાન ચલાવે છે. અને તેનાં મમ્મી ફાલ્ગુનીબહેન હાઉસવાઈફ હોવાની સાથે ઈડર પાલિકામાં કોર્પોરેટર તરીકે સેવાઓ આપે છે. ઘરની સ્થિતિ ખૂબ સામાન્ય હોવા છતાં માતાપિતા એ કેશવના સપનાંને પોતાનાં સપનાં બનાવ્યાં. એડવેન્ચરની દુનિયામાં રસ ધવતા કેશવને માતાપિતાએ સતત પ્રોત્સાહિત કરતાં રહ્યાં છે. પરિણામેં ધોરણ 10 પછી ડિપ્લોમા દરમ્યાન કેશવ અમદાવાદની ઈનવીનસિબલ એનજીઓના પરિચયમાં આવ્યો. આ સંસ્થા એ બિન-નફાકારક સંસ્થા છે જે યુવાઓ દ્વારા ચલાવવામાં આવે છે. અને યુવાનોની સાહસવૃત્તિને કેળવવા અને પર્યાવરણ ની જાગૃતિ માટે કામ કરે છે. 
                 આ સંસ્થા અનુભવી તજજ્ઞોની મદદ લઈ યુવાનોને પર્વતારોહણની તાલીમ આપી શારીરિક અને માનસિક રીતે સજ્જ કરે છે. અને જુદી જુદી પર્વતમાળાના ટ્રેકિંગનું આયોજન કરે છે. 
        ડિપ્લોમાના અભ્યાસ દરમિયાન કેશવ આ સંસ્થા સાથે જોડાયો અને પર્વતારોહણની તાલીમ લીધી. ડિસેમ્બર 2018 માં મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલા લોનાવાલા થી 30 કિલોમીટર દૂર તેલબેલા રોકનું સફળતાપૂર્વક ટ્રેકિંગ કર્યું. જુદી જુદી પર્વતમાળાઓના ટ્રેકિંગના કારણે કેશવમાં એક નવો જ આત્મવિશ્વાસ પ્રગટ્યો. હાલ અમદાવાદમાં ડિપ્લોમાના અભ્યાસની સાથે એપરેન્ટીસ કરતા કેશવે હિમાલયની પર્વતમાળાનું આરોહણ કરવાનો નીર્ધાર કર્યો. ઈનવીનસિબલ સંસ્થામાં હિમાલયના ટ્રેકિંગ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું. 
              કેશવ ભાવસાર  2 મહીના આ અભિયાન માટે કઠોર પરિશ્રમ આદર્યો. જેમાં રોજ નું 5 કિલોમીટર રનિંગ કરવાનું અને બીજો શિસ્તબદ્ધ સખત અભ્યાસ પણ ખરો. હિમાલયના ટ્રેકિંગ માટે શારીરિક અને માનસિક કઠિન કસોટીમાંથી પસાર થવું પડે છે. 60 વ્યક્તિઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું જેમાંથી માત્ર 14 વ્યક્તિઓ જ આ કસોટી માં ખરા ઉતરી પસંદગી પામ્યા. આ 14 વ્યક્તિઓમાં કેશવ પણ સ્થાન પામ્યો.

અને આખરે શિખર સર કરવા કેશવ સાથે બીજા 12 પર્વતારોહકોની ટીમ 1 સપ્ટેમ્બર, 2019 ના રોજ એક રોમાંચક યાત્રા એ નીકળી પડી. ટ્રેકિંગ માટે હિમાલયની તળેટીમાં આવેલું માઉન્ટ ફ્રેન્ડશીપ શિખર ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યું હતું. 
          માઉન્ટ ફ્રેંડશીપ શિખરએ હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લા, પીર પંજલ રેન્જમાં છે. આ વિશાળ શિખરની ઉંચાઇ દરિયાઇ સપાટીથી લગભગ 5,289 મીટર (17,352 ફુટ) છે. આ ઉપરાંત, શિખર બિંદુએ એક જ સમયે અને અવકાશમાં અદ્ભુત ત્રણ પર્વતમાળાઓ છે: ગ્રેટ હિમાલય, પીર પંજલ અને ધૌલાધર.
મનાલીથી 10 કિલોમીટર દૂર નાગર પોઇન્ટથી ટ્રેકિંગ શરૂઆત થઈ. ઉત્સુકતા, જિજ્ઞાસા અને એક નવા રોમાંચ સાથે આરંભેલી યાત્રા અનેક પડાકારોથી ભરેલી હતી. 
               કાતિલ ઠડીમાં જંગલમાં ટેન્ટ બાંધીને રહેવાનું, પર્વતીય અબોહવાના અનુકૂલન માટે સતત ખાવા પીવામાં સતત ધ્યાન રાખવું પડે. ચોમાસા ની ઋતુ દરમ્યાન ખૂબ ઊંચાઈ વાળા બરફાચ્છદિત પર્વતો પર ચઢાઈ ટેકનિકલ રીતે ખૂબ કપરી રહે છે. આ સમયગાળા માં બરફ ના ગ્લેસીયર્સ માં ખુલ્લી તિરાડો માં પડી જવાનું જોખમ ડગલેને પગલે રહેલું હોય છે. તેવામાં -5 થી -10 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અને ખૂબ પાતળી હવા વચ્ચે કરેલું આ સફળ ચઢાણ ખરેખર કાબિલેદાદ છે. 
               રોજ નું 10 થી 12 કિલો મીટર ટ્રેકિંગમાં એક એક ડગલું જોઈ વિચારીને ભરવું પડે. ઈન્સ્ટ્રક્ટરની એક એક સુચનનું શિસ્તબદ્ધ રીતે પાલન કરવું પડે. ટિમ વર્કથી જ આગળ વધવું પડે. વાતાવરણ સાથે અનુકૂલન ન સાધી શકતાં તેઓની ટીમમાં થી બીજા મિત્રોને ટ્રેકિંગ છોડી પરત ફરવું પડ્યું. પરંતુ યુવાન કેશવનું મનોબળ દ્રઢ હતું. કેશવ મક્કમતાથી બરફ પર ડગ માંડતો આગળ વધતો ગયો. વચ્ચે ક્યારેક તબિયત લથળી પણ હિંમત ન હાર્યો. આખી રાત ચડાઈ કર્યું જેમાં એમને વચે લપસી જવાય એવા પથરો મળ્યા અને આઇસ જે જેની ઉપર ચાલવું સરળ ન હતું. તો પણ ખૂબ સાહસ કરી ને ટીમ ચડાઈ કર્યું અને આખરે સવારે 9:20 કલાકે 7 પર્વતારોહક અને 2 ઇન્સ્ટ્રક્ટર સાથે, -5 થી -10 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વચ્ચે દરિયાઇ સપાટીથી લગભગ 5,289 મીટર (17,352 ફુટ) છ આવેલ ફ્રેઈન્ડશિપ શિખર સર કર્યું. જ્યાં તિરંગો લેહરવી વંદે માતરમ અને ભારત માતા કકી જયના નારાઓથી વિજયઘોષ કર્યો. તેઓની સાથે  અજય કાપડિયા, અમૃત દેસાઈ, ધવલ ઉમટ, રુશીરાજ ગોટી, કૌશિક સિંધવ, અંકિત શાહ, કુંતલ પટેલ, ધ્રુવી સોની, મોહિત ભુવા, અભી કાથરીયા, કુલદીપ વાળંદ, આદિત્ય દેસાઈ એ પણ સફળતાપૂર્વક શિખરોનું આરોહણ કર્યુ. ઇન્સ્ટ્રક્ટર સોનુ કૌશલ સર, નેઇલ નેગલી સર, યશપાલસિંગ રાણા ના માર્ગદર્શન વિના આ ચણાં શક્ય ન હતું.

             ઈડર તાલુકાના પેહલા એવા યુવક કેશવ ભાવસાર જે એટલી ઊંચાઈ પર જવાનું સાહસ કરી એડવેન્ચર માં રસ ધવતા અન્ય યુવાનોને પ્રેરણા પૂરી પાડી છે. ટ્રેકિંગની રોમાંચક પળો યાદ કરતાં કેશવની આંખોમાં અનોખી ચમક ઉભરી આવે છે. કેશવ જણાવે છે કે " જ્યાં કુદરતે અનન્ય પ્રાકૃતિક સૌંદર્ય વેર્યું છે એવા પર્વતો પણ હવે પ્રદુષણ મુક્ત નથી. આ પર્વતોની અને અહીંની જવ સૃષ્ટિ ની જાળવણી કરવી એ આપણી નૈતિક ફરજ છે. પર્વતમાળાઓ પાણી, ખોરાક, યુવા, જૈવવિવિધતા, સ્વદેશી સંસ્કૃતિ અને પ્રવાસન જેવી ઘણી બાબતો માટે મહતવના છે. આબોહવા પ્રત્યે તેમની નિર્ણાયક ભૂમિકા અને ગ્લોબલ વોર્મીંગના પરિવર્તનની અસરોને દેશના લોકોના ધ્યાનમાં લાવી જાગૃતિ લાવવાની તાતી જરૂરિયાત છે. ચોક્કસ વ્યૂહરચનાઓ અને સોશિયલ મીડિયાની મદદ લઈને પર્વત અને પહાડી લોકોની હાલની અવગણના થતી અટકાવવી જોઈએ. આ ઉપરાંત, પ્લાસ્ટીકના કચરાને એકઠો કરી પદૂષણનું પ્રમાણ ધટાડી શકાય."
ગુજરાતના વધુને વધુ યુવાનો આવા અભિયાન માં ભાગ લે અને શારીરિક તેમજ માનસિક સ્વસ્થતા કેળવી સાહસિક અભિગમ જગાવે અને પર્યાવરણ પ્રત્યે સભાનતા દર્શાવે તેવા મુખ્ય હેતુ માટે કાર્યરત આ સંસ્થા પણ એટલી જ પ્રશંસાને હકદાર છે. 
               કેશવ અન્ય યુવાનો માટે આજે આદર્શ બન્યો છે. કેશવના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ!

કેશવ ભાવસાર સંપર્ક નં : 96873 00747

લેખન-  : ઈશ્વર પ્રજાપતિ
(આપના પ્રતિભાવ નીચેના નંબર પર whatsapp દ્વારા આપી શકો છો 98251 42620)

(આપના જીવનની પણ કોઈ વેદના કે સંવેદનાની, પ્રેમની કે પીડાની દુઃખની કે સુખની કોઈ ઘટના કે બનાવને કહેવા ઇચ્છતા હોવ તો જરૂર whatsapp માધ્યમથી મારો સંપર્ક કરી શકો છો. મો. નં. 98251 42620)

Thursday, September 19, 2019

શિક્ષણ જગતના ઝગમગતા સિતારા : કુલદીપસિંહ ચૌહાણ

એક   કર્મયોગી અને કર્મઠ શિક્ષક કુલદીપ ચૌહાણ



           કુલદીપસિંહ ચૌહાણ એક યુવા તેજસ્વી આચાર્ય છે. યુનિવર્સિટીમાં ગોલ્ડ મેડલીસ્ટ હોવા છતાં પ્રાથમિક શાળામાં સેવા આપવાનો નીર્ધાર કર્યો. રવિવાર, જાહેર રજાઓ કે વેકેશનની પરવા કર્યા વિના શાળાને સંપૂર્ણ સમય આપી ધમધમતી કરી. આ આચાર્યના માર્ગદર્શન હેઠળ શિક્ષકોની મહેનત રંગ લાવી. વિદ્યાર્થીઓમાં તેજ પ્રગટાવ્યું. અને શાળાની આસપાસ ચાલતી ખાનગી શાળાઓની હાટડીયોના  પાયા હચમચાવી નાંખ્યા. 
               એક શિક્ષક ધારે કેવાં પરિણામ સર્જી શકે છે એ જોવું હોય તો 
 ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના વાઘજીપુર પ્રાથમિક શાળાની એક મુલાકાત લવી જ પડે. અવનવા શૈક્ષણિક નવતર પ્રયોગો થકી આ શાળા ગુજરાતભરમાં જાણીતી બની છે. શાળાના તેજસ્વી આચાર્ય કુલદીપસિંહે આ શાળાને "પ્રયોગની પાઠશાળા" નામનું બિરુદ અપાવ્યું છે. 
         આજે આપને ખાસ વાત કરવી છે ખેડા  જીલ્લાના એક અનોખા અને પ્રયોગશીલ શિક્ષકની કે જેણે આખા રાજ્યનું નામ રોશન કર્યું છે . અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાનું નાનકડું ગામ ગોકુલપુરા એમનું વતન પ્રાથમિક શિક્ષણ સખવાણીયા તો માધ્યમિક શિક્ષણ ઉભરાણ અને કોલેજ ભિલોડા તથા ઉચ્ચ અભ્યાસ પાટણમાં પૂર્ણ કરી ૨૦૦૯ માં બાયડ તાલુકાની તેનપુર હાઈસ્કુલમાં ૨૦૦૯ માં શિક્ષક તરીકેની કારકીર્દીની શરૂઆત કરી. ૨૦૧૪ માં ખેડા જિલાના કપડવંજ તાલુકાની વાઘજીપુર પે સે પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક તરીકે જોડાઈ આ શાળાને પ્રવૃત્તિઓ થકી રાષ્ટ્ર કક્ષાએ નામના આપવી છે. એક આદર્શ આચાર્ય તરીકે શિક્ષકોના પ્રેરણાશ્રોત એવા કુલદીપસિંહ ભમ્મરસિંહ ચૌહાણ એ આજે આખા રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓ માટે આદર્શ પૂરો પડ્યો છે. 
              એમ એ ,એમ એડ ની શૈક્ષણિક લાયકાત અને કોલેજના ત્રીજા વર્ષમાં આખા ગુજરાત માં પ્રથમ આવી ગોલ્ડ મેડાલીસ્ટ બનનાર તથા આઈ આઈ એમ અમદાવાદ જેવી વિશ્વની શ્રેષ્ઠ સંસ્થા એ જેમના 2 નવતર પ્રયોગો પ્રકાશિત કર્યા છે. અને ગુજરાતનાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રુપાણી સાહેબ એ ખાસ અંગત પત્ર પાઠવી જેમને બિરદાવ્યા છે. કુલદીપસિંહ ચૌહાણ ને આજે શિક્ષક જગત માટે પ્રેરણારૂપ બની રહ્યા છે .
               સ્વભાવે પ્રયોગશીલ અને ખુબ ઉત્સાહી એવા આ શિક્ષકે વાઘજીપુર શાળામાં ૨૦૧૪ માં જોડાઈ સૌ પ્રથમ ગામ લોકોનો સહકાર સાધી દોઢ લાખ રૂપિયાનું દાન મેળવી ખેડા જીલ્લાના પ્રથમ ડીજીટલ વર્ગની શરૂઆત કરી. શિક્ષણમાં ટેકનોલોજીનો સુંદર સમન્વય કર્યો.બાદ માં  ગામ લોકોનો નાતો દૃઢ કરવા ઝોળી લાયબ્રેરીની અનોખા પ્રાયોગની શરૂઆત કરી. શાળાના પુસ્તકોને ગામમાં ઘેર ઘેર પહોંચાડવાનું ઉત્તમ કામ કર્યું.પછીતો શાળાની પ્રવૃત્તિઓને વિશ્વ સમક્ષ મુકવા તેમને એક ઈ બ્લોગ બનાવ્યો. જ્યાં શાળાની તમામ પ્રવૃત્તિઓ મૂકી શકાય જેમાં દર માસે નિયમિત ઝરણું નામે એક ઈ મેગેઝીન પણ બહાર પાડવામાં આવી રહ્યું છે. આખા માસ દરમિયાન શાળામાં થતી વિધવિધ શૈક્ષણિક અને સહભ્યાસીક પ્રવૃત્તિ આ ઇ મેગેઝિન થકી  સમાજમાં પ્રસારીત કરવામાં આવે છે. ટૂક સમયમાંજ ઇ મેગેઝીનના હજારો વાચકો સાંપડયા છે. 
                    ખાનગી શાળામાં જતા બાળકોને અટકાવવા તેમને રાજ્યને  ઝીરો ધોરણનો પ્રયોગ કરી બતાવ્યો કે જ્યાં ઉનાળુ વેકેશન પડવાના 45 દિવસ પહેલા 5 વર્ષ પૂર્ણ કરતાં વિદ્યાર્થીઓની યાદી તૈયાર કરી, વાલી સંપર્ક કરી એક વર્ગ શરૂ કરવામાં આવે છે. પહેલું ધોરણ શરૂ થતા પહેલા જ આવા વિદ્યાર્થીઓને વાર્તાઓ જોડકણા અને વિવિધ રમતો થકી શાળાએ આવવું ગમે તેવો વાતાવરણ પૂરું પાડવામાં આવે છે. આ પ્રયોગને સુંદર સફળતા પ્રાપ્ત થઇ. પહેલા ધોરણ માં ખાનગી શાળામાં પ્રવેશ મેળવતા ના તમામ વિદ્યાર્થીઓ આ સરકારી શાળામાં પ્રવેશ મેળવતા થયા. 
            આચાર્ય કુલદીપસિંહ પાસે એક આગવું વિઝન છે. જેથી આ શાળામાં યોજાતાં બાળમેળા અન્ય શાળાઓ કરતાં અલગ પડે છે. વિદ્યાર્થીઓ ના કૌશલ્યોના વિકાસ માટે અનોખા બાળમેલા તેમને યોજ્યા છે જેમાં બાઈક રીપેરીંગ,મુવી મેકિંગ,ટેલરીંગ ,ની સાથે ફૂડ કોર્ટ પર નાસ્તા વેચીને બાળકોને વ્યવસાય કરવાનો જાત અનુભવ પૂરો પાડી નફો કરાવ્યો છે . તો ધોરણ ૧ ના બાળકો માટે રમતા રમતા શિક્ષણ પ્રક્રિયામાં સામેલ કરવા સેન્ડ ટ્રે તથા રમત ની દુનિયા જેવા સફળ પ્રયોગો કર્યા છે. શરૂઆતમાં વિદ્યાર્થીઓની ગેરહાજરી નું પ્રમાણ વધુ રહેતું. વિદ્યાર્થીઓને શાળાએ આવતા કરવા આચાર્ય કુલદીપસિંહ એક નવી જ તરકીબ શોધી કાઢી. શાળામાં વિદ્યાર્થીઓની ગેરહાજરીમાં ઘટાડો કરવા ફ્લેગ ઓફ ધ ડે નો એક તદ્દન નવો જ નવતર પ્રયોગ આદર્યો. દીકરા દીકરીઓનાં સફેદ અને ગુલાબી ધ્વજ બનાવ્યા. જે દિવસે છોકરાઓ ની હાજરીનું પ્રમાણ વધારે હોય તે દિવસે છોકરાઓની મનપસંદગીનો ધ્વજ શાળા એ આખો દિવસ ફરકતો રહે છે. અને જે દિવસે છોકરીઓની હાજરી વધુ હોય તે દિવસે છોકરીઓની મનપસંદગીતો ધ્વજ શાળાએ ફરકતો રહે છે. છોકરાઓ અને છોકરીઓ વચ્ચે એક શાળાએ હાજર રહેવાની હોડ લાગી. અને શાળા સો વિદ્યાર્થીઓની 100 ટકા હાજરીની સિધ્ધિ હાસલ કરી. 
               જ્યારે સૌ વેકેશન માણતા હોય છે ત્યારે આ શિક્ષક દર વેકેશન માં ગામડાના ગરીબ વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ગો મિત્રો અને દાતાઓના સહકારથી ચલાવે છે. જેમાં અત્યાર સુધી ૧૦૦ થી વધુ યુવાનોને સરકારી નોકરી મળી ચુકી છે.આને આપણે સુપર ૧૦૦ કહીએ તોય ખોટું નથી. અરે જુન ૧૯ નાં વેકેશનમાં પણ આ શિક્ષક વિદેશી તથા અન્ય રાજ્યોના ૨૧ જેટલા ઉત્તમ આર્કિટેક્ટ સાથે રહીને ભારત નું પહેલું ઈકોલોજીકલ સેનિટેશન બનાવેલ છે. જેને જોઈ ભારત કક્ષાએ આ મોડેલ પ્રેરણા રૂપ બન્યું છે. તો શાળામાં ટેકનોલોજીનો ઉપયોગ કરી બાળકોને સ્માર્ટ બોર્ડ થકી આખા વિશ્વને વર્ગમાં લાવી બાળકોને સંદર્ભો થકી ઉત્તમ શિક્ષણ પીરસી રહ્યા છે. ૩ડી ચશ્માં મંગાવી શાળાના વર્ગમાં જ પોતાનું 3 D થીએટર ઉભું કરેલ છે.

           અંગ્રેજી ભાષામાં બાળકોની કચાસ દુર કરવા વેકેશનમાં અંગ્રેજી સ્પોકન વર્ગો કર્યા કે જ્યાં વિના મુલ્યે 15 જેટલા તજજ્ઞોને સેવા આપી. સાથે દાન પણ આપ્યું. અંગ્રેજી ભાષાની રાજ્યની પહેલી લેબ પણ તેમને બનાવી. અહીં હેડફોન વડે બાળકો જાતે અંગ્રેજી શીખી શકે છે. બાળકોમાં અંગ્રેજીનું શબ્દ ભંડોળ વધારવા દરરોજ પ્રાર્થનામાં એક બાળક એક નવો સ્પેલિંગ આપવામાં આવે છે. તથા એક બોર્ડ બનાવ્યું કે જ્યાં રોજ નવા 5 સ્પેલિંગ લખાય. દીકરીઓને મુંઝવતા પ્રશ્નોને વાચા આપી 4 દિવસની જેન્ડર અવેરનેસ શિબિર પણ કરી. બાળકોમાં રહેલી ચિત્રકળાને બહાર લાવવા તેમને એક વોલ ઓફ આર્ટ નામે પ્લેટફોર્મ આપ્યું છે. જ્યાં કોઈ પણ બાળક પોતાની ઈચ્છા મુજબ ચિત્ર દોરી શકે છે. બાળકો એ દોરેલા ચિત્રો આખા ગુજરાત માં વખણાઈ  રહ્યા છે. શાળાની વચ્ચોવચ્ચ એક સુંદર જ્ઞાન પરબ નું નિર્માણ કરી બાળકોને પુસ્તક તરફ વાળ્યા છે. 
         બાળકોમાં છુપાયેલા એક વૈજ્ઞાનિક ને શોધવા શાળા પોતાના વિજ્ઞાન મેળા કરે છે. આવા કૈક પ્રયોગો કરીને આજે શાળાને એક અનોખું પ્રયોગોની પાઠશાળા નામ અપાયું છે. જે ઉચિત અને સાર્થક છે .ખેડા જીલાની 50 એક જેટલી શાળા વ્યવસ્થાપન સમિતિઓ આ શાળાની મુલાકાત લઇ ચુકી છે. ખેડા જીલ્લાની  બેસ્ટ સ્કુલનો એવોર્ડ પણ શાળાને મળી ચુક્યો છે. 
              ફેસબુક, વોટ્સ  એપનો ઉપયોગ કરી આખા રાજ્યની શાળાઓને તો પ્રેરણા પૂરી પાડી છે સાથે સાથે દાતાઓના સહકાર થી છેલ્લા 3 વર્ષમાં 10 લાખ રૂપિયા જેટલું માતબર દાન પણ મેળવ્યું છે .આજે ખાનગી શાળાને પણ શરમાવે તેવી એક પ્રેરણાદાયી શાળા ઉભી કરી છે .ગામ થી શાળાને ફાયદો થાય તે વાત સાચી પણ શાળાથી ગામને ફાયદો થાય તે કેટલું અનોખું કહેવાય .વાઘજીપુર શાળાના કામને જોઈ પર્યાવરણીય સ્વચ્છતા સંસ્થાન ,સુઘડ,ગાંધીનગરે ગામને દતક લઇ 7 ક્ષેત્રોમાં કામ શરુ કરી દીધું છે. જેના માટે કાયમ ગામમાં જ રહેતા એમના એક ફેલોની પણ નિમણુક કરી છે.
           ખાનગી શાળાને પણ ટક્કર મારે એવી વાઘજીપુર પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકશ્રી કુલદિપસિંહ ચૌહાણ સફળતાનો યશ તેમના સહયોગી સારસ્વત મિત્રો સખત મહેનતને અને જાગૃત smc ને પરિણામે શક્ય બન્યુ છે. આ શિક્ષકોનો શિક્ષણ પ્રત્યેનો કર્મયોગ, સમર્પણ ભાવ સાચે જ બિરદાવવા લાયક છે. 
          સ્વભાવેસાલસ,વિચારોએ ઉચ્ચ અને ખુલ્લી આંખે બાળકો માટે સ્વપ્નો જોનાર આ કુલદીપસિંહ ચૌહાણ સાચા અર્થમાં ગુરુની પ્રતિમાને અને પ્રતિષ્ઠાનેઉજાગર કરે છે. 
આવા ઉત્તમ શિક્ષકોને વંદન!!

કુલદીપસિંહ ચૌહાણ સંપર્ક નં. : 94283 14904

લેખન : ઈશ્વર પ્રજાપતિ

( આપના પ્રતિભાવ આપ whatsapp દ્વારા 98251 42620 પર મોકલી શકો છો. આપ પણ આવા કોઈ વિરલ શિક્ષકની વિશિષ્ટ કામગીરીની મને જાણ કરી શકો છો. સમયાંતરે બ્લોગ પર સ્ટોરી પ્રકાશિત કરીશ

Monday, September 16, 2019

સત્યઘટના આધારીત જિંદગી જિંદાબાદ -3


" હે પ્રભુ!! આ જન્મે મળેલાં માતા પિતા જન્મો જનમ મળે તો,  અંધાપાનો અફસોસ નથી" : કલગી રાવલ 


"દેખ્યાનો દેશ ભલે લઈ લીધો, નાથ !
પણ કલરવની દુનિયા અમારી !
વાટે રખડ્યાની મોજ છીનવી લીધી
ને તોય પગરવની દુનિયા અમારી !"
             કવિ શ્રી ભાનુપ્રસાદ પંડ્યાની પ્રસિદ્ધ કાવ્ય પંક્તિઓ સાંભળતાં જ હ્રદયમાંથી સંવેદનાની સરવાણી ફૂટે છે. કુદરત એક હાથે કંઈક લઈ લે છે તો બીજા હજાર હાથે એનું વળતર ચૂકવી દે છે. સવાલ માત્ર એટલો છે કે તમે ગુમાવેલી વસ્તુ વેદનાને આજીવન ગાયા કરો છો કે પછી પ્રભુ તરફથી એના બદલામાં મળેલા વરદાનના વૈભવને માણ્યા કરો છો ?? આજની સત્ય ઘટના આધારિત પ્રેરક કથા એવી જ એક ગુજરાતી દીકરીની છે કે જેણે કુદરતે આપેલી વેદનાને વરદાન રૂપે સ્વીકારી. મુસીબતોને અવસરમાં પલટી નાખી. અમદાવાદમાં રહેતી આ દીકરીની જીંદાદિલી જોઈ એની હિંમત આગળ આદરથી મસ્તક ઝૂકી જાય છે.
            વર્ષ 2012 ની આ વાત છે. 'ચાલો ગુજરાત' કાર્યક્રમ અંતર્ગત અમેરિકાનું ન્યૂઝર્શી શહેર ગુજરાતી કલાકારોને આવકારવા સજ્જ છે. ખ્યાતનામ ગુજરાતી કલાકારોની આખી ફોજ અમેરિકાની ધરતી પર પર્ફોર્મ કરવા ઉતરી છે. સાત સમુંદર પાર અમેરિકામાં વસતાં 10,000 ગુજરાતીઓની માનવ મેદની એકત્રિત થઈ છે. જાજરમાન કાર્યક્રમની શરૂઆત થઈ. કર્ણપ્રિય અને ઉર્જાવાન અવાજ સૌના કાનમાં રેડાયો. સુંદર ઉદઘોષણા અને નસેનસમાં નવી ચેતનાનો સંચાર કરતી મોટીવેશનલ સ્પીચ સાંભળી સૌ મંત્રમુગ્ધ બન્યાં છે. સ્પીચ પુરી થતાં જ 10, 000 લોકો એ સ્ટેન્ડિંગ ઓવેશન આપી આદર સાથે વક્તવ્યને વધાવી લીધું. આ પ્રભાવશાળી વક્તવ્ય હતું ગુજરાતની એક પ્રતિભાસંપન્ન દિવ્યાંગ દીકરી કલગી રાવલનું. જેણે પરદેશની ધરતી પર હજારો લોકોનાં દિલ જીતી લીધાં.
              હા, આ વાત છે અમદાવાદમાં રહેતી કલગી રાવલની. જે જન્મથી જ દિવ્યાંગ છે. સો ટકા અંધ હોવા છતાં તેણે પોતાની જિંદગીમાં દિવ્યાંગતાને અવગણીને દિવ્ય દૃષ્ટિથી દેશ અને વિદેશમાં નામના મેળવી છે.
                  બાળકનો જન્મ થાય ત્યારે ઘરમાં ખુશીની લહેર પ્રસરી જતી હોય છે. કલગીના જન્મ સમયે પણ એના માતા મીનાબેન પિતા ટીકેન્દ્રભાઈના હરખનો પાર ન હતો. પરંતુ ડોક્ટરે ટીકેન્દ્રભાઈને  બોલાવીને કહ્યું કે "કલગી ક્યારેય દુનિયાને પોતાની આંખે જોઈ શકશે નહીં." ડોક્ટરની આ વાત સાંભળતા જ કલગીના પિતાના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ. દીકરીની દૃષ્ટિ માટે કલગીના માતાપિતા એ મોટી મોટી હોસ્પિટલના પગથિયાં ઘસી નાંખ્યા. આઈ સ્પેશિયાલિસ્ટ તમામ મોટા ડોક્ટર્સને બતાવ્યા છતાં કોઈ પરિણામ ન મળ્યું. તમામ પ્રયત્નો ને અંતે સફળતા ન મળતાં માતા પિતાએ હતાશ થવાના બદલે દીકરીને વધાવી લઈ, સમાજમાં અને વિશ્વમાં દીકરીને એક અલાયદું સ્થાન અપાવવાનો દૃઢ સંકલ્પ કર્યો. આજે જ્યારે છોકરા ની લાલચમાં છોકરીને ગર્ભમાં જ મારી નાખવામાં આવે છે ત્યારે આ પ્રજ્ઞાચક્ષુ બાળકીને નવજીવન બક્ષવા માતા-પિતાએ બીજું સંતાન ન થવા દીધું.
                 માતા પિતાએ દીકરી કલગીને સતત પ્રોત્સાહિત કરી. આંખો ન હોવાનો અહેસાસ એને ક્યારેય લાગવા ન દીધો. ઉપરથી જીવન જીવવાનો દૃષ્ટિકોણ બદલી નાંખ્યો. માતા પિતાની ધીરજ પૂર્વકની અથાગ મહેનતના પરિણામે કલાગીનું એક્સ્ટ્રાઓર્ડિનરી વ્યક્તિત્વ નિખર્યું. કલગી જન્મથી જ અંધ છે છતાં તેનો આત્મવિશ્વાસ ગજબનો છે. અંધત્વ નો અફસોસ કર્યા વગર સામાન્ય વ્યક્તિ ન કરી શકે તેવી સિદ્ધિઓ તેને હાંસલ કરી છે. 'અંધ હોવું એ અભિશાપ છે' આ દૃઢ થયેલી માન્યતા કલગીએ બદલી કાઢી. તેણે પોતાની જાત મહેનત થી સાબિત કર્યું કે દુનિયામાં કશું પણ અસંભવ નથી.
                 જન્મથી જ દિવ્યાંગ દીકરી કલગી ક્યારેય અંધ શાળાનું પગથિયું ચડી નથી, પરંતુ પાંચ વર્ષની ઉંમરમાં સામાન્ય બાળકોની સાથે નોર્મલ સ્કૂલમાં અભ્યાસ કરીને તેની શૈક્ષણિક કારકિર્દી શરૂ કરી. સૌથી મહત્વની બાબત એ છે કે ગુજરાતમાં કલગી પહેલી દીકરી હતી કે જેણે પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં અંગ્રેજી માધ્યમમાં સામાન્ય શાળામાં ભણવાનું શરૂ કર્યું. સામાન્ય સ્કૂલમાં અભ્યાસ કરી સામાન્ય લોકો સામે કલગીએ પડકાર ફેંક્યો. સામાન્ય શાળાના બાળકો સાથે સ્પર્ધા કરીને કલગી ધોરણ એક થી પાંચમાં અન્ય સામાન્ય બાળકો કરતાં સૌથી વધુ ટકાવારી મેળવીને ક્લાસમાં નંબર વન રહી . ધોરણ 5 નો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ કલગી એ અભ્યાસ પડતો મુક્યો.
               ઓપન સ્કૂલમાં એડમિશન લીધા બાદ ઘરે બેઠાં કલગી વિવિધ એક્ટિવિટી કરતી. માતા મીના બહેન ઘરે આઠ આઠ કલાક સુધી કલગીને ટ્રેઇનિંગ આપતાં. સાથે તેણે એન્કરિંગ અને રેડિયો જોકીના અલગ અલગ કોર્ષ કર્યા. એ સમય દરમિયાન જુનિયર રેડિયો જોકી માટેની જાહેરાત ન્યૂઝપેપરમાં આવી. એ વાતની ખબર પડતાં જ કલગી તરત જ એના માટે એપ્લાય કરી. કલગીનો અવાજ કર્ણ પ્રિય છે. શુદ્ધ ગુજરતી ઉચ્ચારણ સાથે અંગ્રેજી પર ગજબનું પ્રભુત્વ ધરાવે છે. કલગીનું સિલેક્શન તરત જ જુનિયર આર.જે. તરીકે થયું. તેણે 13 વર્ષની ઉંમરે લિટલ રેડિયો જોકી તરીકે પ્રાઇવેટ રેડિયો સ્ટેશનમાં એક કલાકનો શો કર્યો હતો. આર. જે. તરીકે લોકોને હસાવવાની સાથે ઇન્સ્પાયર પણ કરતી અને ઘણા લોકો એનો સ્પિરિટ જોઈ એને આર્શીવાદ પણ આપતા. સાથે કલગી સંદેશ ન્યુઝ ચેનલ માં ન્યુઝ રીડીંગ પણ કર્યું છે.
         
              ત્યારબાદ ધોરણ 5 નો અભ્યાસ અધૂરો મૂક્યોહતો જેને આગળ વધારવા 2014 માં ડાયરેક્ટ ધોરણ-10ની પરીક્ષા આપી હતી, જેમાં કોઈપણ શાળા માં કે કોઈપણ ટ્યુશન શિક્ષક કે ટ્યુશન ક્લાસીસ વિના માત્ર બે મહિનાની મહેનત માં ધોરણ 10માં 76 ટકા માર્ક મેળવીને અનોખી સિદ્ધિ હાંસલ કરી.
          જેમાં કલગી ની સૌથી મોટી સિદ્ધિ હતી કે ગુજરાતમાં ચાલતી એક પણ અંધ શાળા માં ઇંગ્લીશ મીડીયમ ન હોવા છતાં ઘરે બેસીને પોતાના પરિવાર અને મિત્રોની મદદથી ધોરણ 10 ની અંગ્રેજી માધ્યમમાં પરીક્ષા આપી હતી. અને76 ટકા મેળવ્યા હતા.
            આજના ડિજિટલ યુગમાં કલગી પણ સોશિયલ મીડિયામાં સહેજ પણ પાછળ નથી. કલગી પોતાના ટચ સ્ક્રીન મોબાઇલથી વિશ્વ સાથે જોડાયેલી છે. 2010 થી તે લેપટોપના માધ્યમથી પોતાનું કામ કરી રહી છે. અને મોબાઈલમાં ફેસબુક, ટ્વિટર, વોટ્સએપ થી માંડીને email સુધીનું બધું જ કામ તે જાતે કરી શકે છે. કલગીની એક એવી પણ સિદ્ધિ છે કે તે પોતાના ટચ સ્ક્રીન મોબાઈલ થી સેલ્ફી પણ લઈ શકે છે. કલગી એક સામાન્ય છોકરીની જેમ તેના મિત્રો સાથે હેંગ આઉટ કરવા જાય છે. તે ઘરમાં કચરા પોતાં જાતે જ કરે છે. જ્યારે ફ્રી થાય ત્યારે મોબાઇલ પર ઓડિયો બુક સાંભળતી નજરે પડે છે.
            કલગીને જ્યારે પૂછ્યું કે જિંદગી ની યાદગાર આનંદની પળ કઈ હતી ? જવાબમાં કલગી જણાવે છે કે " નરેન્દ્ર મોદીને ગુજરાતના સી.એમ. હતા ત્યારે બે વાર હું મળી ચૂકી હતી. એટલે 2016માં સુગમ્ય ભારત અભિયાન વિશે જાણીને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને રૂબરૂ મળવા દિલ્હી ગઈ હતી. પ્રધાનમંત્રીના કાર્યાલયમાં પ્રવેશ કર્યો ત્યાં જ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી કહ્યું "બેટા કલગી બહું સમય પછી મળી" વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને મારુ નામ હજી યાદ છે એ જાણીને મારા આશ્ચર્ય વચ્ચે આનંદનો પાર રહ્યો ન હતો. વડાપ્રધાનને મળવાનો 5 મિનિટ નો સમય માંગ્યો હતો એના બદલામાં અનેક વ્યસ્તતા હોવા છતાં નરેન્દ્રભાઈ મોદીએ 20-25 મિનિટ સુધી અમારી સાથે હળવીફુલ વાતો કરી. આ ઉષ્મા પૂર્ણ મુલાકાત મારા જીવનનું એક યાદગાર સંભારણું છે"
           કલગીની ઈચ્છા એવી હતી કે સુગમ્ય ભારત અભિયાન ની સોશિયલ એમ્બેસેડર બનીને દિવ્યાંગો માટે કંઈક અલગ કાર્ય કરી શકાય. જ્યારે કરી વડાપ્રધાન શ્રી ને મળી ત્યારે તેમને કલગી ને પૂરેપૂરો સહિયોગ આપવા માટેની ખાતરી આપી. ત્યારબાદ 2017માં કલગી ગુજરાતની સુગમ્ય ભારત ની એકમાત્ર સોશિયલ એમ્બેસેડર બની. તે પછી અલગ-અલગ કાર્યો કરીને સુગમ્ય ભારત અભિયાન માટે જાગૃતિના કાર્યક્રમો કરતી રહી.
           કલગીએ દિવ્યાંગોની મદદ કરવા માટે અને દિવ્યાંગોને પોતાના કમ્ફર્ટ લેવલ માંથી બહાર લાવવા માટે કલગી ફાઉન્ડેશનની સ્થાપના કરી.
છેલ્લાં બે વર્ષથી કલગી ફાઉન્ડેશને ગુજરાતના વિવિધ વિવિધ ક્ષેત્રોમાં નામના મેળવનાર 30 દિવ્યાંગો ને દિવ્યાંગ રત્ન એવોર્ડ સાથે સન્માન કરવાના અનોખા કાર્યક્રમનું આયોજન કરી રહી છે. .
            આવું ગુજરાતમાં સૌપ્રથમ વખત બન્યું કે એક દિવ્યાંગ દીકરીના કલગી ફાઉન્ડેશન દ્વારા દિવ્યાંગોને એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા. આ કાર્યક્રમની મુખ્ય વિશેષતા એ હતી કે દિવ્યાંગ રત્ન એવોર્ડ માં મહેમાન તરીકે આવેલા ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર હિમાંશુભાઈ પંડ્યાએ જાહેરાત કરી હતી કે ગુજરાત યુનિવર્સિટીને સંપૂર્ણપણે સુગમ્ય બનાવી દેવામાં આવશે એટલે કે દિવ્યાંગોને સરળતાથી હરીફરી શકે તેવું યુનિવર્સિટીનું કેમ્પસ બની જશે આ ઉપરાંત દિવ્યાંગોની ટ્યૂશન ફી માફ કરવાની પણ જાહેરાત કુલપતિએ કરી હતી. કલગીના પ્રયત્નોથી આ કાર્ય શક્ય બન્યું.
આ વર્ષે પણ ફરી એકવાર કલગી ફાઉન્ડેશન દ્વારા ગુજરાતના વિવિધ ક્ષેત્રના ત્રીસ દિવ્યાંગોને દિવ્યાંગ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં ગુજરાતના વરિષ્ઠ પત્રકાર પદ્મશ્રી દેવેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહી દિવ્યાંગો ને પ્રોત્સાહિત કર્યા હતા.
         કલગીની આ સેવાઓ અને સિદ્ધિ અને ગુજરાત સહિત ગુજરાત બહારની પણ અનેક સેવાભાવી સંસ્થાઓ એ વધાવી છે. જેમાં કલગી ને 50થી વધુ સંસ્થાઓ દ્વારા ખાસ એવોર્ડ આપવામાં આવ્યા છે. 13 વર્ષની ઉંમરથી સામાજિક સેવા સાથે સંકળાયેલી કલગી ને માત્ર અમદાવાદ કે ગુજરાત નહીં વિશ્વના અનેક અખબારો અને ટીવી માધ્યમોએ ખાસ કવરેજ આપીને તેનો ઉત્સાહ વધાર્યો છે. જ્યારે પાંચ હજારથી વધુ લોકોને કલગી એ મોટિવેટ કર્યા છે.  ગુજરાતમાં પણ અલગ-અલગ સ્થળોએ તેણે એન્કરિંગ ની સાથે મોટીવેશન લેક્ચર શરૂ કર્યા. જેમાં ખાસ કરીને ગામડાની મહિલાઓ અને દીકરીઓને બેટી બચાવો બેટી ભણાવો અંગે જાગૃત કરવા માટે અનેક ગામડાઓ ખૂંદી વળી.
       સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રજ્ઞાચક્ષુઓ માટે એક પણ અંગ્રેજી સ્કૂલ નથી ત્યારે કલગી ની ઈચ્છા છે કે ગુજરાતમાં અંગ્રેજી માધ્યમની અંધશાળા હોસ્ટેલ સાથે બનાવવામાં આવે. "હું છું દિવ્યાંગ સાથે, હું બનાવીશ સુગમ્ય ગુજરાત" ના સૂત્ર સાથે આગળ વધી રહેલી કલગી અને કલગી ફાઉન્ડેશનમાં અત્યાર સુધી પાંચસોથી વધુ વોલેન્ટીયર જોડાયા છે.
              કલગીના પિતા ટીકેન્દ્ર રાવલ હાલ દિવ્યભાસ્કરમાં પોલિટીકલ રીપોર્ટર તરીકે ફરજ બજાવે છે જ્યારે માતા મીનાબેન હાઉસવાઈફ છે.પોતાના એકમાત્ર સંતાનની જિંદગીમાં રંગો પુરવા માટે તેમણે ઘણા બલિદાનો આપ્યા છે.
             પોતાનાં માતા પિતાને આદર્શ માનતી કલગી જણાવે છે કે "હું જે પણ કંઈ કરી શકી છું એ મારા માતા પિતાને આભારી છે. તેઓએ મને પૂરતી આઝાદી આપી છે. હું જે ઈચ્છું એ કરી શકું છું. હું મારાં માતાપિતા ની આંખે દુનિયા નિહાળી રહી છું. સાચે જ દુનિયા ખૂબ સુંદર છે. હું રોજ સવારે વહેલાં ઉઠી પોતાની જાત સાથે સંવાદ કરું છું અને કહું છું I wish, I can, I will. અને જે મારા પર તરસ ખાય છે તેને હું કહીશ કે They see my disability but I see my ability હે પ્રભુ ! આ જન્મે  મળેલાં  માતા-પિતા જન્મો જનમ મળે તો અંધાપાનો મને અફસોસ નથી"
કલગી ની જિંદાદિલી ને લાખ લાખ સલામ!

લેખન-  : ઈશ્વર પ્રજાપતિ
(આપના પ્રતિભાવ નીચેના નંબર પર whatsapp દ્વારા આપી શકો છો 98251 42620)

(આપના જીવનની પણ કોઈ વેદના કે સંવેદનાની, પ્રેમની કે પીડાની દુઃખની કે સુખની કોઈ ઘટના કે બનાવને કહેવા ઇચ્છતા હોવ તો જરૂર whatsapp માધ્યમથી મારો સંપર્ક કરી શકો છો. મો. નં. 98251 42620)


સન્ડે સ્પેશિયલ

  ‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા    જોઈએ.” :    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.       સાવ સા...

Popular Posts