અમદાવાદ ચાંદખેડામાં
રહેતી એક નાની વયની દીકરીની કેંસરનું નિદાન થયું. આ માસુમ દીકરીને હાડકાંનું કેંસર
હતું . માતાપિતા સાથેની ડોકટરની વાત આ
દીકરી સાંભળી ગઈ કે ‘જરૂર પડે દીકરીનો હાથ પણ કાપવો પડે’. આ વાત સાંભળી દીકરી એટલી તો ડરી ગઈ કે ડોકટરનું નામ સાંભળતાં જ દીકરી રજાઈ
ઓઢીને સુઈ જતી. આ દીકરીના માતાપિતાને કોઈ એ સુરેશભાઈ પ્રજાપતિનું સરનામું આપ્યું.
સુરેશભાઈને આ વાતની જાણ થતાં જ તેઓ તરત કેંસરગ્રસ્ત દીકરીને મળવા દોડી ગયા. દીકરી
સાથે બે કલાક નિરાંતે ગાળી હળવી ફૂલ વાતો કરી દીકરીને ભયમુક્ત કરી. બીજા દિવસે
દીકરીએ એનાં માતા પિતાને કહ્યું “ ચાલો પપ્પા, આજે ડોકટર અંકલને બતાવી આવીએ.”
મતાપિતાના આશ્ચર્યનો પાર ન રહ્યો. માત્ર બે કલાક્માં સુરેશભાઈ એ એવું તે શું જાદુ
કર્યુ કે દીકરીમાં આટલી હિંમત આવી ગઈ! અને તે ડોકટરને મળવા સામેથી તૈયાર થઈ ગઈ! ઓપરેશન થયુ. હાથને
બદલે માત્ર ટચલી આંગળી કાપવી પડી. માસૂમ દીકરી કેંસર મુક્ત બની અને દીકરી ફરી હસતી રમતી થઈ ગઈ.
આ દીકરીનું તો એક
માત્ર ઉદાહરણ છે. સુરેશભાઈ પ્રજાપતિ અવા અનેક કેંસર ગ્રસ્ત લોકોને મળી તેઓનું
કાઉંસલિંગ કરી ચુક્યા છે. આવા લોકોને
કેંસર નામના મહારોગ સામે લડવા તૈયાર કર્યા છે. તેમાના ઘણા દર્દીઓએ આ
મહારોગને માત પણ આપી છે.
હા, આ વાત છે સુરેશભાઈ
પ્રજાપતિની જેઓ કેંસર કથા કરી આજે ગુજરાતના ગામડે ગામડે જાણીતા બન્યા છે. યુવાનોને
વ્યસનની ચુંગાલમાંથી છોડવાવા સુરેશભાઈએ શરૂ કરેલી મથામણ આજે રંગ લાવી રહી છે.
WHO એક રીપોર્ટ પ્રમાણે દર
વર્ષે તમાકું અને ધુમ્રપાનના કારણે
વિશ્વના 90 લાખ લોકો અને માત્ર ભારતના 11 લાખ લોકો કેંસર રોગનો ભોગ બની મોતને ભેટે
છે. આજે વ્યસન એ ફેશન બની ગયું છે. યુવાનો પાનના ગલ્લે ઉભા ઉભા સીગારેટના ધુમાડો કાઢવામાં
આનંદ અનુભવે છે. તમાકુ યુક્ત ગુટખા અને પાન મસાલાના વ્યસનથી યુવાની બરબાદ કરી રહ્યા છે. આપને જાણીને નવાઈ લાગશે કે મો અને જડબાના કેંસરમાં ગુજરાત વિશ્વમાં પ્રથમ ક્રમાંકે છે. અને ગુજરાતમાં
સૌરાષ્ટ્રમાં આ કેંસરનું પ્રમાણ સૌથી વધુ જોવા મળે છે. અને દિન પ્રતિદિન આ સંખ્યા ચિંતાજનક
રીતે વધી રહી છે ત્યારે સુરેશભાઈ
સમાજમાં કેંસર વિષે જાગૃતિ લાવવા અને તમાકું, ગુટખા, બીડી, સિગારેટના વ્યસનથી સમાજને સંપૂર્ણ
મુક્ત બનાવવા એકલા હાથે ઝંગ માંડ્યો છે.
ભાગવત કથા , રામાયણ કથા , સત્યનારાયણની
કથા . . . જેવી ધાર્મિક કથાઓ વિશે આપણે સાંભળ્યું છે . . . પણ સુરેશભાએ એ કૅન્સર જેવા અસાધ્ય મનાતા જટિલ રોગ અને વ્યસનોની
વાત વણી લઈ કૅન્સર કથાનો પ્રારંભ કર્યો.
તેઓ જ્યારે ઘરની બહાર નીકળે એટલે
કપાળ પર “તમાકુ, ધુમ્રપાન
છોડો” લખેલી પેટ્ટી બાંધીને એક યોધ્ધાને જેમ નીકળે. તેઓ પોતાના કર્ય
ક્ષેત્રના એક નિષ્ઠાવાન કર્મચારી છે. આખો દિવસ ઓફિસમાં નિષ્ઠા પુર્વક પોતાની ફરજ બજાવવાની અને નોકરીનો સમય પૂર્ણ થતાં ગલ્લે ગલ્લે નીકળી પડવાનું.
વ્યસનોની હાટડીઓ એવા પાનના ગલ્લાઓ પર જઈ લોકોને તમાકુ ધૂમ્રપાન જેવી આદતો
માનવશરીરને શું નુકસાન પહોંચાડે છે એ વિષય પર જાણકારી આપતા રહે છે. પહેલાં લોકોએ મજાક પણ ઉડાડી , પરંતુ મજાક સહન કરીને પણ નિયમિત ઓફિસથી
છૂટી પાનના ગલ્લે, બગીચાઓ, જાહેર સ્થળો
પર જઈ લોકોને સમજાવવાનું ચાલું જ રાખ્યું. જેમની સાથે સ્નાનસૂતકનો પણ સંબંધ ન હોય
તેમને વ્યસનમુક્ત કરવા માટે પાનનાં ગલ્લે ફરીને સમજાવવાં તે કોઈ નાની સુની વાત તો
નથી જ . અનેક મુશ્કેલીઓની વચ્ચે તેમણે એકલા હાથે આ ભગીરથ કાર્યની શરૂઆત કરી હતી. અત્યાર સુધી લગભગ 5 લાખ લોકોને
રૂબરૂ મળી કાઉન્સેલીગ કરી હજારો લોકોને વ્યસન મુક્ત કર્યા છે.
સુરેશભાઈએ અત્યાર સુધી
એકપણ પૈસો લીધા વીના આખા ગુજરાતમાં 125 કેન્સર કથાઓ
કરી છે. તેઓએ સ્વામિનારાયણ મંદિર, તેમજ અન્ય મંદિર, દરેક સમાજના સ્નેહમિલન,આઈ.ટી.આઈ, સ્કૂલ, શોરૂમ,ઔધોગિક એકમો, ભજન સંધ્યા, વિગેરે
જગ્યાએ કેન્સર કથા પ્રસ્તુત કરી છે. આકાશવાણી, દૂરદર્શન, મંતવ્ય ન્યૂઝ, ગુજરાત ન્યૂઝ, દિવ્ય ભાસ્કર,ગુજરાત
સમાચાર વિગેરે પ્રસારણ માધ્યમો અવાર નવાર તેમના કાર્યને બિરદાવવા કાર્યક્રમો
પ્રસ્તુત કરે છે. એટલું જ નહીં 4 ફેબ્રુઆરી વર્લ્ડ કેન્સર ડે ના
દિવસે ભૂતકાળમાં ગુજરાત કેન્સર સોસાયટી એ પણ તેમની કેન્સર કથાનું આયોજન કર્યું
હતું. આજે પણ છેલ્લા 3 વર્ષથી GCS માં દરરોજ
કેન્સર કથા દર્દી અને તેમના સગાઓને બતાવવામાં આવે છે. એમની કેન્સર કથામાં 1.30 કલાક
વ્યસનમુક્તિ અને 1.30 કલાક કેન્સર અંગેની જાગૃતિ
બિલકુલ સરળ અને રમૂજી શૈલીમાં રજૂ કરે છે. આ ઉપરાંત શાળાઓ, કારખાના, સામાજિક
સંસ્થાઓમાં અનેક કાર્યકમો કર્યા છે, પોતે સરકારી
કર્મચારી હોવા છતાં શનિ રવિ રજાના દિવસે પરિવાર સાથે રજાની મજા માણવાનું છોડી કોઈ કથા માટે આમંત્રણ આપે
તો સુરેશભાએ સ્વખર્ચે પહોચી જાય છે.
માત્ર દોઢથી બે કલાકની કેન્સર કથા સાંભળીને અનેક યુવાનો
અને વડીલો વ્યસનમુક્ત થયા છે . જેનો
સંપૂર્ણ જશ જાય છે કેન્સર કથાકાર સુરેશ
પ્રજાપતિને! સમાજને વ્યસન મુક્ત કરવાનો નેક ઈરાદો ધરાવનાર શ્રી
સુરેશ પ્રજાપતિએ જાણે કે કેન્સર સામે રીતસરનાં કેસરીયાં કર્યાં છે. આ એકલવીરની
સમાજ પ્રત્યેની નિષ્ઠા એટલી જોરદાર છે કે તેઓ સ્કૂલો , કોલેજો તથા
ફેક્ટરીઓમાં જઈને વિનામૂલ્ય કેન્સર કથા કરે છે . લોકોને તમાકુથી દૂર રહેવા માટે
અપીલ કરે છે, સમજાવે છે . તેમની ધારદાર
રજૂઆતમાં સત્યઘટનાઓ તથા જ્ઞાન સાથે ગમ્મતના ચમકારા પણ જોવા મળે છે . જેને કારણે
લોકો હોંશે હોંશે તેમને સાંભળે છે . કેન્સર કથા બોરીંગ ન થઈ જાય તે માટે શ્રી
સુરેશ પ્રજાપતિ ખૂબ જ સતર્ક છે . તેઓ તદ્દન હળવી શૈલીમાં કેન્સરનાં લક્ષણો, નિદાન તથા વિવિધ પદ્ધતિની તબીબી સારવારને
ચાલાકીપૂર્વક આવરી લે છે. સુરેશ ભાઈએ કેન્સર કથાના નવા અભિગમથી લોકોને તમાકુ ધુમ્રપાન છોડાવવાનું શરૂ કર્યું, | આગામી 2022માં જ્યારે સમગ્ર દેશ
સ્વતંત્રતાનાં પંચોતેર વર્ષની ઉજવણી કરશે ત્યારે સો ટકા લોકોને વ્યસનમુક્ત કરવાનું સ્વપ્ન સુરેશ પ્રજાપતિએ સેવ્યું છે. માત્ર એટલું જ નહિ
બલકે તે સ્વપ્ન સાકાર કરવા માટે ભગીરથ પુરુષાર્થ આદર્યો છે. .
કેન્સર કથાની વધતી જતી લોક ચાહનાને કારણે તેમના આ
અભિયાનના પ્રસાર અને પ્રચારનો વ્યાપ પણ વધ્યો છે . જેને કારણે શ્રી સુરેશભાઈનાં
ઉત્સાહમાં પણ અનેક ગણો વધારો થયો છે .. તેમની કેન્સર કથાઓ થકીના આ જાગૃતિ અભિયાનને
તાજેતરમાં સંસ્થાએ પણ બિરદાવ્યું છે. એકલા હાથે સમાજ્માં બદલાવ લાવવા નીકળેલ આ એકલવીર
યોધ્ધાને અભિનંદન આપીએ એટલાં ઓછા છે.
સુરેશ પ્રજાપતિ સંપર્ક નં 99796 08721
લેખન- : ઈશ્વર પ્રજાપતિ
(આપના પ્રતિભાવ નીચેના નંબર પર whatsapp દ્વારા આપી શકો છો 98251 42620)
(આપના જીવનની પણ કોઈ વેદના કે સંવેદનાની, પ્રેમની કે પીડાની દુઃખની કે સુખની કોઈ ઘટના કે બનાવને કહેવા ઇચ્છતા હોવ તો જરૂર whatsapp માધ્યમથી મારો સંપર્ક કરી શકો છો. મો. નં. 98251 42620)
સુરેશભાઈ જેવા ઉત્તમ સમાજસેવકોના ચરણોમાં વંદન અને આવા હીરા શોધવાનું કામ કરનાર આપશ્રીને પણ અભિનંદન
ReplyDelete