Monday, September 23, 2019

સત્ય ઘટના આધારીત જિંદગી જિંદાબાદ 4


હિમલયનું સિમાચિહ્ન રૂપ  માઉન્ટ ફ્રેન્ડશીપ શિખર સર કરવાનાર,
પહાડી  ઈરાદાઓ   ધરાવતો  ઈડરનો  યુવાન  કેશવ  ભાવસાર 


                 કેશવ ભાવસાર. 
             અદમ્ય ઉત્સાહ અને સાહસવૃત્તિથી ભર્યો ભર્યો કેશવ ભાવસાર 23 વર્ષીય યુવાન છે. આ યુવાનનું હિમાલય જેવડું સાહસ એટલે પડકારજનક વિપરીત પરિસ્થિતને પડકારી હિમાલયની પર્વત માળાના એક શીખરનું આરોહણ કરી પોતાની સાહસવૃત્તિનો પરિચય કરાવ્યો. મજબૂત મનોબળ અને દૃઢ ઇચ્છશક્તિ વિના હિમાલય સર કરવો આસાન નથી. સફેદ લિસ્સો બરફ, હાડ થીજવી દેતી ઠંડી, વિપરીત આબોહવા, ચોતરફ ખાઈ ખાઈને ઊંડી ખીણો. માત્ર એક ડગલાની ભૂલ તમારા જાનને જોખમમાં મૂકી દે છે. પરાક્રમી કેશવ ભાવસારે પ્રથમ પ્રયત્ને જ  હિમાલયની તળેટીમાં આવેલું ૧૭૩૫૨ ફૂટ ઊંચુ માઉન્ટ ફ્રેન્ડશીપ શિખર સર કરવાની અનેરી સિદ્ધિ હાંસલ કરી છે. 
             સાબરકાંઠાનું ઈડર એ કેશવનું વતન. અરવલ્લીની પ્રસિદ્ધ ગિરિમાળાની ગોદમાં વસેલું ઈડર એ ઈડરિયા ગઢથી વિશ્વમાં પ્રસિદ્ધ છે. આ ગઢના પથ્થરો વચાળે કેશવનું બાળપણ વીત્યું છે. બાળપણથી જ પહાડો તરફનું ગજબનું આકર્ષણ. ઇડરની સંસ્કાર વિદ્યાલય માં પ્રાથમિક શિક્ષણ લેતાં લેતાં રમતાં રમતાં અનેક વાર ઈડરિયા ગઢ સર કર્યો. કે. એમ. પટેલ વિદ્યાલય માં ધોરણ 10 સુધીનના અભ્યાસ દરમિયાન ઇડરની આસપાસનાં તમામ પહાડો કિશોર અવસ્થામાં કેશવ જ ખૂંદી વાળ્યો. પહાડો જાણે સાદ કરીને કેશવને પૂકારતા હોય કેશવ પહાડો તરફ હંમેશા આકર્ષાતો રહ્યો. 
                કેશવના પિતા હરીશભાઈ ઈડરમાં કટલરીની દુકાન ચલાવે છે. અને તેનાં મમ્મી ફાલ્ગુનીબહેન હાઉસવાઈફ હોવાની સાથે ઈડર પાલિકામાં કોર્પોરેટર તરીકે સેવાઓ આપે છે. ઘરની સ્થિતિ ખૂબ સામાન્ય હોવા છતાં માતાપિતા એ કેશવના સપનાંને પોતાનાં સપનાં બનાવ્યાં. એડવેન્ચરની દુનિયામાં રસ ધવતા કેશવને માતાપિતાએ સતત પ્રોત્સાહિત કરતાં રહ્યાં છે. પરિણામેં ધોરણ 10 પછી ડિપ્લોમા દરમ્યાન કેશવ અમદાવાદની ઈનવીનસિબલ એનજીઓના પરિચયમાં આવ્યો. આ સંસ્થા એ બિન-નફાકારક સંસ્થા છે જે યુવાઓ દ્વારા ચલાવવામાં આવે છે. અને યુવાનોની સાહસવૃત્તિને કેળવવા અને પર્યાવરણ ની જાગૃતિ માટે કામ કરે છે. 
                 આ સંસ્થા અનુભવી તજજ્ઞોની મદદ લઈ યુવાનોને પર્વતારોહણની તાલીમ આપી શારીરિક અને માનસિક રીતે સજ્જ કરે છે. અને જુદી જુદી પર્વતમાળાના ટ્રેકિંગનું આયોજન કરે છે. 
        ડિપ્લોમાના અભ્યાસ દરમિયાન કેશવ આ સંસ્થા સાથે જોડાયો અને પર્વતારોહણની તાલીમ લીધી. ડિસેમ્બર 2018 માં મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલા લોનાવાલા થી 30 કિલોમીટર દૂર તેલબેલા રોકનું સફળતાપૂર્વક ટ્રેકિંગ કર્યું. જુદી જુદી પર્વતમાળાઓના ટ્રેકિંગના કારણે કેશવમાં એક નવો જ આત્મવિશ્વાસ પ્રગટ્યો. હાલ અમદાવાદમાં ડિપ્લોમાના અભ્યાસની સાથે એપરેન્ટીસ કરતા કેશવે હિમાલયની પર્વતમાળાનું આરોહણ કરવાનો નીર્ધાર કર્યો. ઈનવીનસિબલ સંસ્થામાં હિમાલયના ટ્રેકિંગ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું. 
              કેશવ ભાવસાર  2 મહીના આ અભિયાન માટે કઠોર પરિશ્રમ આદર્યો. જેમાં રોજ નું 5 કિલોમીટર રનિંગ કરવાનું અને બીજો શિસ્તબદ્ધ સખત અભ્યાસ પણ ખરો. હિમાલયના ટ્રેકિંગ માટે શારીરિક અને માનસિક કઠિન કસોટીમાંથી પસાર થવું પડે છે. 60 વ્યક્તિઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું જેમાંથી માત્ર 14 વ્યક્તિઓ જ આ કસોટી માં ખરા ઉતરી પસંદગી પામ્યા. આ 14 વ્યક્તિઓમાં કેશવ પણ સ્થાન પામ્યો.

અને આખરે શિખર સર કરવા કેશવ સાથે બીજા 12 પર્વતારોહકોની ટીમ 1 સપ્ટેમ્બર, 2019 ના રોજ એક રોમાંચક યાત્રા એ નીકળી પડી. ટ્રેકિંગ માટે હિમાલયની તળેટીમાં આવેલું માઉન્ટ ફ્રેન્ડશીપ શિખર ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યું હતું. 
          માઉન્ટ ફ્રેંડશીપ શિખરએ હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લા, પીર પંજલ રેન્જમાં છે. આ વિશાળ શિખરની ઉંચાઇ દરિયાઇ સપાટીથી લગભગ 5,289 મીટર (17,352 ફુટ) છે. આ ઉપરાંત, શિખર બિંદુએ એક જ સમયે અને અવકાશમાં અદ્ભુત ત્રણ પર્વતમાળાઓ છે: ગ્રેટ હિમાલય, પીર પંજલ અને ધૌલાધર.
મનાલીથી 10 કિલોમીટર દૂર નાગર પોઇન્ટથી ટ્રેકિંગ શરૂઆત થઈ. ઉત્સુકતા, જિજ્ઞાસા અને એક નવા રોમાંચ સાથે આરંભેલી યાત્રા અનેક પડાકારોથી ભરેલી હતી. 
               કાતિલ ઠડીમાં જંગલમાં ટેન્ટ બાંધીને રહેવાનું, પર્વતીય અબોહવાના અનુકૂલન માટે સતત ખાવા પીવામાં સતત ધ્યાન રાખવું પડે. ચોમાસા ની ઋતુ દરમ્યાન ખૂબ ઊંચાઈ વાળા બરફાચ્છદિત પર્વતો પર ચઢાઈ ટેકનિકલ રીતે ખૂબ કપરી રહે છે. આ સમયગાળા માં બરફ ના ગ્લેસીયર્સ માં ખુલ્લી તિરાડો માં પડી જવાનું જોખમ ડગલેને પગલે રહેલું હોય છે. તેવામાં -5 થી -10 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અને ખૂબ પાતળી હવા વચ્ચે કરેલું આ સફળ ચઢાણ ખરેખર કાબિલેદાદ છે. 
               રોજ નું 10 થી 12 કિલો મીટર ટ્રેકિંગમાં એક એક ડગલું જોઈ વિચારીને ભરવું પડે. ઈન્સ્ટ્રક્ટરની એક એક સુચનનું શિસ્તબદ્ધ રીતે પાલન કરવું પડે. ટિમ વર્કથી જ આગળ વધવું પડે. વાતાવરણ સાથે અનુકૂલન ન સાધી શકતાં તેઓની ટીમમાં થી બીજા મિત્રોને ટ્રેકિંગ છોડી પરત ફરવું પડ્યું. પરંતુ યુવાન કેશવનું મનોબળ દ્રઢ હતું. કેશવ મક્કમતાથી બરફ પર ડગ માંડતો આગળ વધતો ગયો. વચ્ચે ક્યારેક તબિયત લથળી પણ હિંમત ન હાર્યો. આખી રાત ચડાઈ કર્યું જેમાં એમને વચે લપસી જવાય એવા પથરો મળ્યા અને આઇસ જે જેની ઉપર ચાલવું સરળ ન હતું. તો પણ ખૂબ સાહસ કરી ને ટીમ ચડાઈ કર્યું અને આખરે સવારે 9:20 કલાકે 7 પર્વતારોહક અને 2 ઇન્સ્ટ્રક્ટર સાથે, -5 થી -10 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વચ્ચે દરિયાઇ સપાટીથી લગભગ 5,289 મીટર (17,352 ફુટ) છ આવેલ ફ્રેઈન્ડશિપ શિખર સર કર્યું. જ્યાં તિરંગો લેહરવી વંદે માતરમ અને ભારત માતા કકી જયના નારાઓથી વિજયઘોષ કર્યો. તેઓની સાથે  અજય કાપડિયા, અમૃત દેસાઈ, ધવલ ઉમટ, રુશીરાજ ગોટી, કૌશિક સિંધવ, અંકિત શાહ, કુંતલ પટેલ, ધ્રુવી સોની, મોહિત ભુવા, અભી કાથરીયા, કુલદીપ વાળંદ, આદિત્ય દેસાઈ એ પણ સફળતાપૂર્વક શિખરોનું આરોહણ કર્યુ. ઇન્સ્ટ્રક્ટર સોનુ કૌશલ સર, નેઇલ નેગલી સર, યશપાલસિંગ રાણા ના માર્ગદર્શન વિના આ ચણાં શક્ય ન હતું.

             ઈડર તાલુકાના પેહલા એવા યુવક કેશવ ભાવસાર જે એટલી ઊંચાઈ પર જવાનું સાહસ કરી એડવેન્ચર માં રસ ધવતા અન્ય યુવાનોને પ્રેરણા પૂરી પાડી છે. ટ્રેકિંગની રોમાંચક પળો યાદ કરતાં કેશવની આંખોમાં અનોખી ચમક ઉભરી આવે છે. કેશવ જણાવે છે કે " જ્યાં કુદરતે અનન્ય પ્રાકૃતિક સૌંદર્ય વેર્યું છે એવા પર્વતો પણ હવે પ્રદુષણ મુક્ત નથી. આ પર્વતોની અને અહીંની જવ સૃષ્ટિ ની જાળવણી કરવી એ આપણી નૈતિક ફરજ છે. પર્વતમાળાઓ પાણી, ખોરાક, યુવા, જૈવવિવિધતા, સ્વદેશી સંસ્કૃતિ અને પ્રવાસન જેવી ઘણી બાબતો માટે મહતવના છે. આબોહવા પ્રત્યે તેમની નિર્ણાયક ભૂમિકા અને ગ્લોબલ વોર્મીંગના પરિવર્તનની અસરોને દેશના લોકોના ધ્યાનમાં લાવી જાગૃતિ લાવવાની તાતી જરૂરિયાત છે. ચોક્કસ વ્યૂહરચનાઓ અને સોશિયલ મીડિયાની મદદ લઈને પર્વત અને પહાડી લોકોની હાલની અવગણના થતી અટકાવવી જોઈએ. આ ઉપરાંત, પ્લાસ્ટીકના કચરાને એકઠો કરી પદૂષણનું પ્રમાણ ધટાડી શકાય."
ગુજરાતના વધુને વધુ યુવાનો આવા અભિયાન માં ભાગ લે અને શારીરિક તેમજ માનસિક સ્વસ્થતા કેળવી સાહસિક અભિગમ જગાવે અને પર્યાવરણ પ્રત્યે સભાનતા દર્શાવે તેવા મુખ્ય હેતુ માટે કાર્યરત આ સંસ્થા પણ એટલી જ પ્રશંસાને હકદાર છે. 
               કેશવ અન્ય યુવાનો માટે આજે આદર્શ બન્યો છે. કેશવના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ!

કેશવ ભાવસાર સંપર્ક નં : 96873 00747

લેખન-  : ઈશ્વર પ્રજાપતિ
(આપના પ્રતિભાવ નીચેના નંબર પર whatsapp દ્વારા આપી શકો છો 98251 42620)

(આપના જીવનની પણ કોઈ વેદના કે સંવેદનાની, પ્રેમની કે પીડાની દુઃખની કે સુખની કોઈ ઘટના કે બનાવને કહેવા ઇચ્છતા હોવ તો જરૂર whatsapp માધ્યમથી મારો સંપર્ક કરી શકો છો. મો. નં. 98251 42620)

1 comment:

  1. આપનો ખુબ ખુબ આભાર કે અમારા આ અભિયાન ને તમારા માધ્યમ દ્વારા ગુજરાત ના લોકો સુધી પહોચાડવા. 🙏 જય હિન્દ. 🇮🇳

    ReplyDelete

સન્ડે સ્પેશિયલ

  ‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા    જોઈએ.” :    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.       સાવ સા...

Popular Posts